Close

અટલજીની વાણી ખામોશ, પણ લોકહૃદયમાં સદાય જીવંત રહેશે

અન્ય લેખો | Comments Off on અટલજીની વાણી ખામોશ, પણ લોકહૃદયમાં સદાય જીવંત રહેશે

દેશના લોકપ્રિય અને અજાતશત્રુ એવા પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાંક વર્ષોથી સખત બીમાર હતા, પરંતુ લાંબી માંદગી બાદ તેમનું અવસાન થતાં દેશની ઉત્કૃષ્ઠ રાજનીતિનો છેલ્લો સિતારો પણ હવે આથમી ગયો.

ભારતની રાજનીતિમાં છ દાયકા સુધી કાર્યરત એવા અટલજીને ભારત રત્ન પણ એનાયત થયેલો છે. ખુદ જવાહરલાલ નહેરુએ એક વખત એટલે કે ૧૯૬૦ના દાયકામાં અટલ બિહારી વાજપેયીની યુવાનીમાં આગાહી કરી હતી કે, ”આ નવયુવાન એક દિવસ ભારતનો વડા પ્રધાન બનશે.” દેશનાં સૌથી શક્તિશાળી વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પણ વિપક્ષમાં બેસતા અટલજીનો આદર કરતાં હતાં. એવો જ આદર પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પણ વાજપેયીજી માટે ધરાવતા હતા.

પિતા પણ કવિ

તા. ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ પં. કૃષ્ણ બિહારી વાજપેયી નામના શિક્ષકના ઘરે ગ્વાલિયરમાં જન્મેલા અટલજીનાં માતાનું નામ કૃષ્ણા દેવી હતું. અટલજીના દાદા પં. શ્યામલાલ વાજપેયી ઉત્તર પ્રદેશમાં આગ્રા સ્થિત બટેસર ગામના મૂળ વતની હતા. તેઓ પાછળથી મધ્ય પ્રદેશના મુરૈના (ગ્વાલિયર)માં જઇ વસી ગયા. અટલજીના પિતા શિક્ષક હોવા ઉપરાંત કવિ પણ હતા.

બાળક અટલજીનું શરૂઆતનું શિક્ષણ ગ્વાલિયરની જ એક સ્કૂલમાં થયું. તે પછી તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ દ્વારા હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું. તે પછી તેમણે કાનપુરની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ દ્વારા રાજનીતિશાસ્ત્રમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ. કર્યું.

સંઘમાં જોડાયા

૧૯૩૯માં બાલા સાહેબની પ્રેરણાથી અટલજી કિશોરાવસ્થામાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સથે જોડાઈ ગયા. તેમણે આ ઉંમરે જ કવિતાઓ લખવા માંડી. ગ્વાલિયરમાં આર્ય સમાજની એક શાખા આર્ય કુમાર સભામાં જોડાઈ ૧૯૪૪માં તેઓ તેના મહામંત્રી બન્યા. આ પહેલાં તેઓ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા અને તેમના મોટા ભાઈ પ્રેમ વાજપેયી સાથે ૨૬ દિવસ સુધી અંગ્રેજોની જેલમાં રહ્યા.

પત્રકાર પણ

૧૯૪૦થી ૧૯૪૪ દરમિયાન જ તેઓ સંઘની પ્રશિક્ષણ શિબિરમાં તાલીમ લઈને ૧૯૪૭માં તેઓ પૂર્ણકાલીન પ્રચારક બની ગયા. અટલજીનો જુસ્સો જોઈ સંઘે તેમને યુવાનીમાં જ ઉત્તર પ્રદેશમાં વિસ્તારકના નાતે રાષ્ટ્રસેવા માટે મોકલી આપ્યા. અહીંથી જ કુશળ સંગઠનકર્તા અટલજીએ પ્રતિભાસંપન્ન અટલજીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા પરિપક્વ યુવા ચિંતકની સાથે રાષ્ટ્રધર્મના સંપાદનમાં જોડયા. પત્રકારત્વની આ યાત્રામાં અટલજીએ પંચજન્ય સાપ્તાહિક, સ્વદેશ અને વીર અર્જુન વગેરે સામયિકો માટે સંપાદક તરીકેની ભૂમિકા નિભાવી. સંઘના વ્રતધારી સ્વયંસેવક અને પૂર્ણકાલીન પ્રચારક બનતાં અટલજી પોતાના ગૃહસ્થી જીવનભર વસાવી શક્યા નહીં. તેમણે લગ્ન ના કર્યાં.

જનસંઘમાં

૧૯૫૧માં અટલ બિહારી વાજપેયીની વકતૃત્વકળા, પ્રભાવશાળી કવિ, વ્યક્તિત્વ અને જનસમાજ સાથે જોડાયેલી તેમની સંવેદનાઓ જોતાં સંઘના શીર્ષ નેતૃત્વએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સાથે સંસ્થાપક સભ્યના રૂપે તેમને ભારતભરમાં જનસંઘના વિસ્તાર માટે જોડી દીધા. અહીંથી જ ભારતમાં દક્ષિણપંથી પ્રભાવી ભૂમિકાની પહેલી ઇંટ મુકાઈ. અટલજીને હવે જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા.

૧૯૫૪માં અટલ બિહારી વાજપેયી ડો. શ્યામાપ્રસાદ મુખરજીની સાથે કાશ્મીરમાં પ્રવેશ માટે આમરણાંત અનશનમાં જોડાયા. આ આંદોલનમાં ડો. મુખરજીએ ઘણી યાતનાઓ વેઠી. બિનકાશ્મીર નિવાસી ભારતીયો માટે પ્રવેશ પ્રતિબંધનો ઐતિહાસિક વિરોધ કરવાનું આ આંદોલન હતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું અચાનક મૃત્યુ નીપજ્યું.

આ કરુણ ઘટના છતાં દેશની વિભાજક રાજનીતિને નજીકથી નિહાળનારા અટલજી આંતરિક રૂપથી વધુ મજબૂત બન્યા અને પરિપક્વ બનીને તેમની વિરાસત માટે સુપાત્ર સાબિત થયા.

લોકસભામાં ચૂંટાયા

૧૯૫૭માં તેઓ લોકસભાની ચૂંટણીમાં લખનઉ, મથુરા અને બલરામપુર એમ એક સાથે ત્રણ જગાએથી ચૂંટણી લડયા. તેઓ જનસંઘની ટિકિટ પર બલરામપુરથી લોકસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા. આ સમયગાળા દરમિયાન એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એક વાર જાહેરમાં કહ્યું હતું : ”એક દિવસ અટલ બિહારી વાજપેયી આ દેશના વડા પ્રધાન બનશે.’

હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપરાંત અટલ બિહારી વાજપેયી જનસંઘનો ચહેરો બની ગયા. ૧૯૬૮માં તેઓ જનસંઘના પ્રમુખ બન્યા અને તેમણે નાનાજી દેશમુખ, બલરાજ મધોક તથા લાલકૃષ્ણ અડવાણીની સાથે રહી જનસંઘનો વિસ્તાર કર્યો. ૧૯૬૮થી ૧૯૭૬ સુધી વાજપેયીજી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા.

રાષ્ટ્રીય નેતા

૧૯૭૫થી ૧૯૭૭ દરમિયાન કટોકટી જાહેર થઈ ત્યારે વિરોધ પક્ષના અન્ય નેતાઓ સાથે તેઓ જેલમાં રહ્યા. એ વખતે જયપ્રકાશ નારાયણે બધા જ વિપક્ષોને એકત્ર કરી મોરચો શરૂ કરાવ્યો. ૧૯૭૭ની ચૂંટણીઓમાં પહેલી જ વાર બિનકોંગ્રેસી જનતા પાર્ટીની સરકારમાં અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા. સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં તેઓ હિન્દીમાં બોલ્યા. તેઓ આખા દેશમાં લોકપ્રિય બની ગયા. ૧૯૭૯માં જનતા પાર્ટીની સરકારનું પતન થયું, પરંતુ અટલજી હવે એક રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા હતા.

૧૯૮૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા શીર્ષ પ્રચારકો અને પોતાના સહયોગીઓ લાલકૃષ્ણ અડવાણી, ભૈરોસિંહ શેખાવત તથા ડો. મુરલી મનોહર જોશીની સાથે રહી અટલજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને તેઓ ભાજપના પહેલા સંસ્થાપક રાષ્ટ્રીય પ્રમુખ બન્યા. ૧૯૮૬ સુધી તેઓ આ પદ પર રહ્યા. તે પછી તો તેઓ ભાજપનો પર્યાય બની ગયા. પહેલાં રાજ્યોમાં અને પછી કેન્દ્રમાં ભાજપાની સરકારો બની.

વડા પ્રધાન બન્યા

અટલજી મે, ૧૯૯૬માં ૧૩ દિવસ માટે પહેલી વાર, ૧૯૯૮-૯૯માં ૧૩ મહિના માટે બીજી વાર અને ૧૯૯૯થી ૨૦૦૮ સુધી પૂરા કાર્યકાળ માટે ત્રીજી વાર દેશના વડા પ્રધાન બન્યા.

દેશની સંસદ અને સંસદની બહાર ભરપૂર સન્માન પ્રાપ્ત કરવાવાળા અટલજી નવ વખત લોકસભાના અને બે વાર રાજ્યસભાના સાંસદ રહીને દેશના અને સમાજના જ્વલંત મુદ્દાઓને સ્પર્શતા રહ્યા.

પાકિસ્તાન સહિત આખા વિશ્વની સાથે કોઈ પણ કૂટનીતિનો મામલો હોય કે અમેરિકાનું દબાણ હોય તે પણ કોઈનેય ઝૂક્યા વગર ૧૯૯૮માં તેમણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરાવ્યું. અટલજીના સમયમાં દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો કાયાકલ્પ થયો.

ભીષ્મ પિતામહ

૨૦૦૬માં તેમણે સ્વાસ્થ્યના કારણે રાજકીય સંન્યાસ લીધો. બીમારી બાદ તેઓ જાણે કે ભીષ્મ પિતામહની જેમ શૈયા પર સૂતેલા હતા.

તેમની ખૂબી એ રહી કે તેઓ હિંદુત્વના આગ્રહી હોવા છતાં સમાજના તમામ વર્ગોમાં સ્વીકાર્ય રહ્યા. મુસલમાનોમાં પણ. કટ્ટરવાદથી તેઓ જોજનો દૂર હતા. તેમની સાદગી અને સ્વચ્છ છબીના કારણે આજે પણ તેઓ લોકહૃદયમાં બિરાજેલા છે. તેઓ ક્યારેક પક્ષની લાઇનથી હટીને પણ વિપક્ષના કામોમાં સહયોગ કરતા હતા.

તેમના વકતૃત્વને આજે પણ લોકો યાદ કરે છે. લાખોની માનવ મેદનીને મંત્રમુગ્ધ કરી દેનાર અટલજી હવે વાણીથી ખામોશ હોવા છતાં પ્રજાના હૃદયમાં સદાય જીવંત રહેશે. અટલજી રાજનીતિજ્ઞા નહીં પરંતુ એક શ્રેષ્ઠ સ્ટેટ્સમેન-રાષ્ટ્રપુરુષ હતા.

અટલજીને શ્રદ્ધાંજલિ.

www.devendrapatel.i

Be Sociable, Share!