Close

અને હવેલીમાં આજે દેદીપ્યમાન જ્યોતિ કલશ છલકી ઊઠયો

અન્ય લેખો | Comments Off on અને હવેલીમાં આજે દેદીપ્યમાન જ્યોતિ કલશ છલકી ઊઠયો

પ્રકરણ-૯

વિશ્વંભર અને મહાશ્વેતા ભારે વેદના અનુભવી રહ્યાં. મહાશ્વેતાને નિયત સમય પહેલાં બાળક અવતર્યું જે મૃત હતું. મહાશ્વેતાનાં હીબકાં અટકતાં નહોતાં. આખી રાત બેઉ જાગતાં જ રહ્યાં. મૃત શિશુના અવશેષની સામે જ તેઓ બેસી રહ્યાં. મહાશ્વેતા વિશ્વંભરના ખોળામાં માથું મૂકી રડતી રહી.

મહાશ્વેતા બોલીઃ ‘મારી સાથે આવું થયું જ કેમ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, તું આ ઘટનાને કોઈ અભિશાપ માને છે?’

‘ના, હું હજુ મારી માની વાતમાં શ્રદ્ધા ધરાવું છું. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. હું મારી માની દીકરી છું છતાં એક સ્ત્રી તો છુંને? હું કોઈ દેવી-દેવતા નથી.’

વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, આવી ઘટનાઓ હજારો વર્ષથી ભારતવર્ષમાં ઘટતી આવી છે. વસુદેવનાં પત્ની દેવકીએ કૃષ્ણને જન્મ આપતાં પહેલાં તેનાં સાત સંતાનો ગુમાવ્યાં હતાં.’

‘પણ એ તો કંસના પાપે?’

‘મહાશ્વેતા, કેટલાક લોકોનાં જીવનમાં સુખ પહેલાં હોય છે અને પાછળથી દુઃખ હોય છે. કેટલાકનાં જીવનમાં દુઃખ પહેલાં હોય છે અને સુખ પાછળથી પ્રાપ્ત થાય છે. બની શકે કે હવે આ દુઃખદ ઘટના પછી હવે જ આપણા જીવનમાં સુખની શરૂઆત થાય.’

મહાશ્વેતા બોલીઃ ‘આપણી પાસે આ આશ્વાસન સિવાય બીજો કોઈ વિકલ્પ પણ શું છે? મને તો એ પણ ખબર નથી પડતી કે જન્મતાં જ પહેલાં આપણાથી વિખૂટું પડેલું સંતાન પુત્ર હતો કે પુત્રી? કશું જ ઓળખાય એવું ના રહ્યું’ : એટલું બોલતાં મહાશ્વેતા ફરી રડવા લાગી.

વિશ્વંભર બોલ્યોઃ ‘તું શાંત થઈ જા મહાશ્વેતા, કાલે સવારે આપણે આ નવજાત શિશુની અંતિમક્રિયા કરવાની છે.’

મહાશ્વેતાએ ભીની આંખે માત્ર મોં જ હલાવ્યું.

રાત આગળ ધપતી રહી પરંતુ હીબકાં અટક્યાં નહોતાં.

***

બીજા દિવસે સવારે વિશ્વંભર સફેદ વસ્ત્રમાં લપેટેલા નવજાત શિશુના અવશેષોને હાથમાં લઈ સ્મશાનમાં ગયો. મહાશ્વેતા પણ તેની સાથે ગઈ. ગામના માણસોએ આ દૃશ્ય નિહાળ્યું. તેઓ તેમની સાથે જોડાયા. એ બધા સમજી ગયા કે શું થયું છે.

ચૂપચાપ અંતિમક્રિયા પતાવીને વિશ્વંભર અને મહાશ્વેતા ઘેર આવ્યાં.

મહાશ્વેતાએ લોહીથી ખરડાયેલો બાથરૂમ સાફ કર્યો. શયનખંડની ફર્શ પરની જાજમ પણ ધોઈ નાંખી અને ઘરના એક ખૂણામાં માથે પાલવ ઓઢીને ચૂપચાપ બેસી ગઈ. વિશ્વંભરથી મહાશ્વેતાનો આ મૌન વિલાપ જોઈ શકાતો નહોતો. એ તેને સાંત્વના આપવા માંગતો હતો પણ સાંત્વના પણ કયા શબ્દોમાં આપે?

વિશ્વંભર મહાશ્વેતાની બાજુમાં જઈને ફર્શ પર જ બેસી ગયો. મહાશ્વેતાના માથે હાથ ફેરવી રહ્યો.

મહાશ્વેતા બોલીઃ ‘મેં કેવી કેવી કલ્પનાઓ કરી હતી? મારે દીકરી જ અવતરશે. તમારી ઇચ્છા પ્રમાણે તેનું નામ ‘પદ્મજા’ જ હશે. રોજ તેને સ્તનપાન કરાવીશ. દૂધ-પાણીથી સ્નાન કરાવીશ. સહેજ મોટી થશે એટલે નવાં નવાં વસ્ત્રો પહેરાવીશ. રોજ તેનું માથું ઓળી આપીશ. પગમાં ઘૂઘરીઓવાાળા છડા પહેરાવીશ. ગૌરીવ્રતના દિવસોમાં તેને વ્રત કરાવરાવીશ. વ્રત પૂરું થયે તેની ઉજવણી કરીશ. એના માટે સરસ મુરતિયો શોધીશ. એનાં લગ્નના દિવસે તેને પાનેતર પહેરાવીશ.તેના માટે સુંદર મંગળસૂત્ર લાવીશ. તેને પતિગૃહે વિદાય આપતાં ધ્રૂસકે ધ્રૂસકે રડીશ.’

એટલું બોલતાં બોલતાં ફરી મહાશ્વેતાના ગળા ડૂમે ભરાયો.

વિશ્વંભર બોલ્યોઃ ‘શાંત થઈ જા, મહાશ્વેતા, શાંત થઈ જા.’

‘કેવી રીતે શાંત થઈ જાઉં? મારો ખોળો પહેલી જ વારમાં ખાલી થઈ ગયો.’

વિશ્વંભર બોલ્યોઃ ‘જો, મહાશ્વેતા! આપણી આગળ હજુ લાંબી જિંદગી પડી છે. તું અને હું હજુ યુવાન છીએ. ઈશ્વરે એક છીનવ્યું છે એથી વધુ આપશે!’

‘પણ ક્યારે?’

‘ભગવાન પર ભરોસો રાખ.’

અને મહાશ્વેતાએ ફરી મોં હલાવ્યું.

***

એ સાંજે વિશ્વંભર વહેલો લાઈટહાઉસ પર ગયો. સૂરજ ઢળતાં જ તે લાઈટહાઉસના ટાવરના લોખંડની ગોળગોળ સીડી ચડી ગયો. અંધારાનો આરંભ થતાં જ એણે દીવાદાંડીની જ્યોત પ્રજ્વલિત કરી અને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર તે લાઈટહાઉસની સીડી ઊતરી ગયો. તે જાણતો હતો કે આજની રાત્રે મહાશ્વેતાને ઘરમાં એકલી રાખવી યોગ્ય નથી. તેને એકાકીપણું ખાઈ જશે. એને ખબર હતી કે ભવ્ય હવેલીમાં મહાશ્વેતા એકલી પડશે એટલે દીવાલ સાથે માથાં પછાડશે. એ ખ્યાલથી તે લાઈટહાઉસની ફલેશલાઈટ ચાલુ કરી સીધો ઘર તરફ જવા રવાના થયો.

રાત્રે અંધારામાં ચાલતો ચાલતો તે સીધો ઘરે પહોંચ્યો. એણે ઘરનું બારણું ખટખટાવ્યું. મહાશ્વેતાએ લથડાતા પગે આવીને બારણું ખોલ્યું: વિશ્વંભરને ખ્યાલ આવી ગયો કે મહાશ્વેતાએ ભલે નવજાત શિશુ ગુમાવ્યું પણ છેવટે તે એક પ્રસૂતા તો હતી જને! અને એના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હોવાને કારણે તે અશક્ત હતી.

વિશ્વંભરે બારણું બંધ કર્યું અને મહાશ્વેતાને પકડીને તે દીવાનખંડમાં લઈ ગયો. એને સોફા પર બેસાડી. મહાશ્વેતા ચૂપચાપ બેસી ગઈ. થોડીવાર પછી એ બોલીઃ ‘રસોઈ મેં બનાવી નથી. મારી શક્તિ પણ નથી. તમારા માટે દૂધ બનાવી લાવું.’

‘ના મહાશ્વેતા, મને કોઈ ભૂખ નથી.’

મહાશ્વેતા બોલીઃ ‘થોડુંક દૂધ તો પી લ્યો.’

વિશ્વંભર બોલ્યોઃ ‘કાંઈક ખાવાની તો તને જરૂર છે.’

‘ના, આજે હું કાંઈ જ નહીં લઉં.’

બંને કેટલીયે વાર સુધી મૌન બેસી રહ્યાં. દીવાનખંડની દીવાલ પર ઝાંખો દીવો બળતો હતો. તે પણ આ બંનેની વેદના સહન કરી શકતો ન હોય તેમ બુઝાવાની તૈયારીમાં હતો.

થોડીવાર પછી વિશ્વંભર મહાશ્વેતાને લઈ તેનો હાથ પકડીને ઉપરના માળે શયનખંડમાં ગયો. એણે મહાશ્વેતાને પલંગમાં સુવરાવી. માથા નીચે ઓશીકું મૂકી આપ્યું. બાજુમાં મૂકેલા પાણીના કુંજામાંથી એક ગ્લાસમાં પાણી કાઢી મહાશ્વેતાને બેઠી કરી પાણી પીવરાવ્યું. પાણી પીને મહાશ્વેતા ફરી સૂઈ ગઈ.

વિશ્વંભર વસ્ત્રો બદલીને ફરી મહાશ્વેતાની પાસે આવ્યો. તેની બાજુમાં જ સૂતાં તેણે મહાશ્વેતાનું માથું પોતાની સોડમાં લઈ લીધું.

મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, હું અભિશાપમાં માનતી નથી પરંતુ હું અભાગણ તો નથીને?’

વિશ્વંભર બોલ્યોઃ ‘એવું ના બોલ, મહાશ્વેતા. મારા સમ છે ફરી આવું બોલે તો.’

‘હું તમને પુત્રી કે પુત્ર આપવામાં નિષ્ફળ રહી.’

‘સૌ સારાં વાનાં થશે. તું હવે સૂઈ જા.’ : કહેતાં વિશ્વંભર ઊભો થયો. એણે શયનખંડનો દીવો બુઝાવી દીધો. હવે બહાર પણ અંધારું હતું અને શયનખંડમાં પણ.

મહાશ્વેતાની આંખનાં ઊનાં ઊનાં આંસુ વિશ્વંભરની છાતીને સ્પર્શતાં તે સમજી ગયો કે મહાશ્વેતા હજુ રડી રહી છે. એ બોલ્યોઃ ‘હવે શાંત થઈ જા…ઊંઘી જા, મહાશ્વેતા.’

મહાશ્વેતા બોલીઃ ‘મને દૂધ ઉભરાઈ રહ્યું છે.’

વિશ્વંભર સમજી ગયો કે મહાશ્વેતા આખરે તો એક પ્રસૂતા જ હતી. એક મહિના પહેલાં જન્મેલું બાળક વહેલુ જતું રહ્યું પણ મહાશ્વેતાના શરીરમાં તો પ્રસૂતિ પામેલી સ્ત્રીનાં લક્ષણો હજુ યથાવત્ હતાં. મહાશ્વેતા શારીરિક અને માનસિક એમ બે પ્રકારની વેદનાથી ઘેરાયેલી હતી.

વિશ્વંભર મૌન થઈ ગયો.

રાત પણ જાણે કે આજે થંભી ગઈ હતી.

***

રાત પસાર થઈ ગઈ.

હવે થોડીવારમાં સવાર પડવાની હતી.

બહાર થોડું થોડું અજવાળું થયું હતું. છેક પરોઢિયે જ મહાશ્વેતાની આંખ મળી ગઈ હતી. તે હજુ ઊંઘતી હતી ત્યાં જ વિશ્વંભરને લાગ્યું કે તેના ઘરનું બારણું નીચે કોઈ જોરજોરથી ખટખટાવી રહ્યું હતું. વિશ્વંભર વિચારમાં પડી ગયો કે સવાર સવારમાં કોણ બારણું ખટખટાવતું હશે? તે મહાશ્વેતાને અલગ કરી ઊભો થયો.

ધીમાં પગલે તે સીડી ઊતરીને નીચે ગયો. દીવાનખંડને અડીને આવેલું ઘરનું બારણું ખોલ્યું. ગામનો એક પરિચિત માણસ ઊભો હતો. વિશ્વંભરે તેમને ઓળખી જતાં પૂછયું: ‘સૃજનપાલ તમે? વહેલી સવારે?’

સૃજનપાલ બોલ્યાઃ ‘તમારી હવેલીનો મેન ગેટ ખુલ્લો છે અને તે બે દરવાજાની વચ્ચે તમારા કંપાઉન્ડમાં એક છાબડી પડેલી છે. તેમાં તાજું જ જન્મેલું બાળક રડી રહ્યું છે.’

‘મારા ઘરના કંપાઉન્ડના ગેટ પર કોઈ બાળક મૂકી ગયું છે?’

‘હા.’

વિશ્વંભર ઝડપથી બહાર દોડયો. એણે જોયું તો ગેટના બે દરવાજાની વચ્ચે જ સહેજ અંદરની બાજુએ એક છાબડી પડેલી હતી. સફેદ વસ્ત્રોમાં તાજું જ જન્મેલું એક નવજાત શિશુ જોસજોસથી રડી રહ્યું હતું. તેની બાજુમાં ચાંદીની ઘૂઘરી પણ મૂકેલી હતી. નવજાત શિશુની આંખો બંધ હતી. એણે પૂછયું: ‘કોનું બાળક છે?’

‘મને ખબર નથી પણ કોઈ તમારા ઘેર જ એને મૂકીને જતું રહ્યું લાગે છે. મને લાગે છે કે કોઈ કુંવારી માતાનું સંતાન હશે. બની શકે કે કોઈની ભૂલનું આ પરિણામ હશે. પણ એને તમારા ઘરના દરવાજા પાસે મૂકેલું જોઈ મેં તમને ઉઠાડયા’: સૃજનપાલ બોલ્યા.

વિશ્વંભર જોઈ રહ્યો. એણે છાબડીમાં રડતા નવજાત શિશુને ધારી ધારીને જોયું. એ બાળકી હતી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એણે છાબડી ઉઠાવી પોતાના હાથમાં લઈ લીધી. એણે કહ્યું : ‘સૃજનપાલ, તમે ભલા માણસ છો. સારું કર્યું કે તમે મને જાણ કરી. હવે આ બાળકી અમારી જ છે. તમે જાવ. આ વાત તમે કોઈને કહેશો નહીં. તમારો આભાર. આ બાળકીને અમે જ ઉછેરીશું.’

સૃજનપાલ એક ક્ષણમાં જ કોઈ અન્યની તાજી જ જન્મેલી બાળકીને પોતાના સંતાન તરીકે સ્વીકારી લેનાર વિશ્વંભરની લાગણીને જોઈ રહ્યા. તેઓ વિશ્વંભરના ઔદાર્યને નમન કરી જતા રહ્યા પરંતુ આ દૃશ્ય ગામના બીજા બે જણ પણ દૂરથી જોઈ રહ્યા હતા. તે બંને જણ અંદરોઅંદર કાંઈક વાતો કરી રહ્યા.

વિશ્વંભર છાબડીમાં રહેલી બાળકીને લઈ સીધા હવેલીમાં પ્રવેશ્યા. ઘરનું બારણું બંધ કરી દીધું. હાથમાં છાબડી લઈને તેઓ સીધા ઉપરના માળે શયનખંડમાં પહોંચ્યા. રડી રહેલી બાળકીનો અવાજ સાંભળી મહાશ્વેતા જાગી ગઈ. એણે પૂછયું: ‘કોણ રડે છે?’

વિશ્વંભરે હાથમાં રહેલી છાબડીમાં રડતી બાળકીને મહાશ્વેતા સામે ધરતાં કહ્યું: ‘લે મહાશ્વેતા, તારી આ પુત્રીને સંભાળ.’

‘કોણ છે આ, કોની બાળકી છે?’: મહાશ્વેતાએ આશ્ચર્ય સાથે પૂછયું.

વિશ્વંભરે કહ્યું: ‘કોઈ વહેલી પરોઢે તાજી જન્મેલી આ બાળકીને આપણા ઘરની બહાર મૂકી ગયું છે. છાબડીમાં બાળકીને મૂકી જનારે તેની બાજુમાં ચાંદીની ઘૂઘરી પણ મૂકી છે. તાજી જ જન્મેલી બાળકી છે. ખબર નથી એ કોનું સંતાન છે પણ ગમે તે કારણસર તેની માતાએ તેને આપણા ઘેર ત્યજી દીધી છે. બની શકે કે કોઈ કુંવારી માતાનું સંતાન હોય!’

‘ઓહ!’

વિશ્વંભર બોલ્યોઃ ‘એ જે હોય તે પણ આજથી આ પુત્રી આપણી જ છે. આ જ આપણી ‘પદ્મજા’ છે. મેં કહ્યું હતુંને કે ઈશ્વર ક્યારેક એક હાથે છીનવી લે છે તો બીજા હાથે આપે પણ છે. તું એને સ્વીકારવા તૈયાર છે?’

અને ચહેરા પર ખુશી સાથે મહાશ્વેતા ઊભી થઈ. એણે હળવેથી પતિના હાથમાં પકડેલી છાબડીમાં રહેલી નાનકડી દીકરીને વહાલથી ઊંચકી પોતાના હાથમાં લઈ લીધી. એને લઈ એ પલંગમાં બેસી ગઈ. નવજાત શિશુ એવી બાળકીને ખોળામાં લીધી. કંચૂકીના બંધ બોલી નાંખ્યા અને ગઈકાલે જ થયેલી પ્રસૂતિના કારણે એના દેહમાં દૂધ ભરાયેલું હતું. એના દુગ્ધનું પાન કરવા માટે ભગવાને જ તેને એક સુંદર મજાની દીકરી પણ મોકલી આપી હતી. મહાશ્વેતાએ બાળકીને સંબોધતાં કહ્યું: ‘બેટા, પદ્મજા…રડ નહીં. તું હવે તારી માના ખોળામાં જ છે.’

અને બાળકીને છાતીએ વળગાડી મહાશ્વેતા એને સ્તનપાન કરાવવા લાગી.

વિશ્વંભર એને જોઈ રહ્યો. એણે બાળકી સાથે મુકાયેલી ચાંદીની ઘૂઘરી કબાટમાં મૂકી દીધી.

મહાશ્વેતાએ હવે છાતીએ વળગાડેલી બાળકી પર તેની સાડીનો પાલવ ઢાંકી દીધો. બરાબર એ જ સમયે બહાર મોર ટહુકી રહ્યો. નજીકના જ આવેલા મંદિરમાં સવારની આરતી થઈ રહી હતી. તેનો ઘંટારવ છેક અહીં સુધી સંભળાતો હતો. જાણે કે ચારે તરફ એક પવિત્ર વાતાવરણ ઊભું થઈ ગયું. મંદિરમાં થતા શંખનાદથી હવે મહાશ્વેતા અને વિશ્વંભરના ઘરમાં પણ અત્યંત ખુશીનું વાતાવરણ હતું. વિશ્વંભરે વાતાવરણને હળવું કરવા રોજની જેમ દૂર ટેબલ પર પડેલો રેડિયો ચાલુ કર્યો અને ‘ભાભી કી ચૂડિયાં’ફિલ્મનું એક સરસ ગીત સંભળાયું.ગીતના શબ્દો હતાઃ

‘જ્યોતિ કલશ છલકે

જ્યોતિ કલશ છલકે

હુએ ગુલાબી લાલ સુનહરે

રંગ દલ બાદલ કે

ઘર આંગન વન ઉપવન ઉપવન

કરતી જ્યોતિ અમૃત કે સીંચન

પાત પાત બિરવા હરિયાલા

ધરતી કા મુખ હુઆ ઉજાલા

ઉષાને આંચલ ફૈલાયા

ફૈલી સુખકી શીતલ છાયા’

– આ મધુર ગીતથી આખી હવેલી ગુંજી ઊઠી. નાનકડી બાળકીએ હવે રડવાનું બંધ કરી દીધું. એ આજે એની સગી માતા ખોળામાં સૂતી હોય તેમ શીતલ છાયાનો આસ્વાદ અનુભવી રહી. આજે મહાશ્વેતા અને વિશ્વંભરના જીવનબાગમાં પણ ઉપવનની જેમ હરિયાલી ખીલી ઊઠી. ઉષા પણ હવે તેનો આંચલ આ હવેલી પર પણ ફેલાવી રહી. આજે હવેલીમાં સાચે જ જ્યોતિકલશ છલકી ઊઠયો હતો.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!