Close

અમદાવાદમાં ‘જનતા કર્ફ્યૂ’ જોઈ વિશ્વ ચકિત થઈ ગયું

અન્ય લેખો | Comments Off on અમદાવાદમાં ‘જનતા કર્ફ્યૂ’ જોઈ વિશ્વ ચકિત થઈ ગયું

મહાગુજરાતની ચળવળનો ઈતિહાસ અનેક પ્રકારની નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર છે. તેમાં સભાઓ છે, સરઘસો છે, પથ્થરમારો છે, ગોળીબાર છે, લોહીના ફુવારા છે, ઉપવાસ છે, સમાંતર સભાઓ છે અને જનતા કર્ફ્યૂ પણ છે.

 જનતા કર્ફ્યૂ એક એવી ઘટના હતી જેની આખા વિશ્વએ નોંધ લીધી હતી. સામાન્ય રીતે તોફાનો ફાટી નીકળે ત્યારે પોલીસ કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ નાખી દે છે, પરંતુ મહાગુજરાતના આંદોલન વખતે અમદાવાદની જનતાએ પોતે જ કર્ફ્યૂ પાળી સત્તાધીશોને સ્તબ્ધ કરી દીધા હતા.

વાત કાંઈક આમ હતી. મુસ્લિમ વિસ્તારોમાં

મહાગુજરાતની ચળવળમાં ગુજરાતની પ્રજામાં નાત-જાતના કે કોમના ભેદભાવ મટી ગયા હતા. કોંગ્રેસના સત્તાધીશોએ કરેલા ગોળીબારથી જે યુવાનો શહીદ થયા તે શહીદોના માનમાં શોક પ્રદર્શિત કરવા ગુજરાતનાં તમામ મોટાં શહેરોમાં તાજિયાનાં જુલૂસ નહીં કાઢવા મુસ્લિમ ભાઈઓએ અસરકારક નિર્ણય કર્યો હતો. આ કારણે પ્રજાની એકતા મજબૂત બની. અમદાવાદ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જાહેર સભાઓ યોજાઈ.

તા. ૧૮-૮-૧૯૫૬ના રોજ અમદાવાદના ઉદ્યોગપતિઓ અને મોટા મોટા શેઠિયાઓ કે જેઓ મોરારજી દેસાઈની શેહશરમમાં રહેતા હતા તેઓ પણ મોરારજી દેસાઈની શેહશરમ છોડી પ્રજાની લાગણીની સાથે આવી ગયા. રતનપોળ હાથીખાનામાં શહેરના વેપારીઓની એક મોટી સભા મળી. જેમાં શેઠ અમૃતલાલ હરગોવનદાસ બોલ્યા : ”દ્વિભાષી રાજ્યનો વિરોધ કરનાર ગુંડાતત્ત્વો નથી પણ પ્રજાની લાગણી સમજવામાં નેતાઓએ જ મોટી થાપ ખાધી છે.” આ સભામાં માજી મેયર ચીનુભાઈ ચીમનલાલ, માજી ડે. મેયર ચંદ્રકાંત ગાંધી, જયકૃષ્ણ હરિવલ્લભદાસ તેમજ વયોવૃદ્ધ સાકરવાલા બાલાભાઈએ પણ પ્રવચનો કર્યા.

જનતા કર્ફ્યૂ

દરમિયાન, એવી જાહેરાત થઈ કે, ૧૯-૮-૫૬ના રોજ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સામાન્ય સભા કોંગ્રેસ ભવનમાં મળશે અને મુખ્ય પ્રધાન મોરારજીભાઈ દેસાઈ તે પછી સાંજના પાંચ વાગે લાલ દરવાજા મેદાનમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના અંગે સમજૂતી આપવા પ્રવચન કરશે. આ જાહેરાત થતાંની સાથે જ અમદાવાદ અને આખા ગુજરાતનું વાતાવરણ ગરમાગરમ થઈ ગયું. આંદોલનને ટેકો આપનારા બધા એકદમ સજાગ થઈ ગયા. તે સમયે કરસનદાસ પરમાર, બ્રહ્મકુમાર ભટ્ટ તેમજ લીલાધર ભટ્ટ, માર્તન્ડ શાસ્ત્રી વગેરે રતિલાલ ખુશાલદાસના બંગલે વિદ્યાર્થી સમિતિના સભ્યો સાથે અને પરસ્પર સહયોગથી અમદાવાદ શહેરમાં એક સજ્જડ છતાં શાંત રીતે પ્રતીકાત્મક કાર્યક્રમ આપવો એમ નક્કી થયું. જો લોકો બહાર નીકળશે અને મોરારજીભાઈની સભામાં પહોંચી જશે તો ભારે તોફાનો અને ગોળીબાર તેમજ રક્તપાત થશે તેથી તેમ થતું રોકવું જોઈએ. એ છતાં ખૂબ અસરકારક શાંત કાર્યક્રમ આપવો જોઈએ. ૧૯૪૨ની આઝાદીની લડતમાં આ સંગઠન અમદાવાદ શહેરમાં ધોળા દિવસે, દિવસો સુધી જનતા કર્ફ્યૂનો કાર્યક્રમ આપતા હતા અને એ દરમિયાન નાગરિકો સ્વેચ્છાએ પોતાના ઘરની અંદર રહીને આઝાદીની લડતમાં સાથ આપતા હતા. ખાસ કરીને ખાડિયામાં તે બહુ જ ઔઅસરકારક થતું.

મોરારજીભાઈને સભાના દિવસે

તેથી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે, ૧૯મીની મોરારજીભાઈની સભાના દિવસે સવારથી જ સમગ્ર શહેરમાં જનતા કર્ફ્યૂ જાહેર કરી દેવો અને કોઈ પોતાના ઘરની બહાર નીકળે નહીં અને સ્વયંભૂ કર્ફ્યૂ પાળીને મોરારજીભાઈને શહેરની જબરદસ્ત એકતાના સંપૂર્ણ શાંત દર્શન કરાવવા. તે દિવસે પોતાના ધંધા-રોજગાર, નોકરી બધું જ બંધ રાખીને સભાનો સમય પૂરો થાય ત્યાં સુધી કોઈ બહાર નીકળે નહીં. આંદોલનના કાર્યકરો પણ જિતેન્દ્રભાઈ મહેતાના બંગલે મળ્યા અને તેમાં જુદા જુદા વોર્ડના પક્ષના કાર્યકરોને ખાસ કરફ્યૂના પાસ આપવાનું પણ નક્કી કર્યું અને તેઓ આ દરમિયાન વોર્ડમાં ફરીને કર્ફ્યૂ બરાબર પળાય તે જુએ તેમ નક્કી કર્યું. જિતેન્દ્રભાઈ મહેતાની સહીથી આ કર્ફ્યૂ પાસ અપાયા. આવા જ કર્ફ્યૂ પાસ વિદ્યાર્થી સમિતિએ પણ પોતાના કાર્યકરોને આપીને આંદોલનની પાછળ કોઈ ગુંડાતત્ત્વો નથી, પરંતુ નાગરિકોનું સ્વયંભૂ આંદોલન છે તેનો પડઘો આ રીતે જ આપી શકાય તેમ પ્રજાએ પણ માની લીધું અને તેથી જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા પણ કોઈ બહાર ન આવે તેવું અગાઉથી જણાવી દીધું.

એક ચમત્કાર

૧૯મી ઓગસ્ટે દેશ તેમજ દુનિયાને ચમત્કારનાં દર્શન કરાવેલાં. શહેરના લત્તે લત્તે નાકા ઉપર જુવાનો ગોઠવાઈ ગયા. જાહેર રાજમાર્ગ ઉપર પોલીસ કે કોઈ પણ ફરે તેને કોઈ માણસ નજરે જ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ. લોકો પોતાની પોળ કે લત્તામાં જ રહ્યા. લત્તાની અંદર ગલીઓમાં, છોકરાઓ અને યુવાનો ક્રિકેટ વગેરે રમતો રમવા માંડયા, પરંતુ હિંદુ કે મુસલમાનો કોઈ પણ બંદોબસ્ત વગર સૌએ જનતા કર્ફ્યૂ પાળ્યો. આ સમાચારથી હકીકતમાં આખી દુનિયા ચકિત થઈ ગઈ. આ દિવસે દેશ-વિદેશના જેવા કે ઈંગ્લેન્ડ, જર્મની, અમેરિકા, પેરિસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દિલ્હી, મદ્રાસ, કોલકાતાના પત્રકારો અમદાવાદ આવી પહોંચેલા. તેમને કુતૂહલ થયેલું કે આ જનતા કર્ફ્યૂ શું છે ? તેઓ શહેરભરમાં ફર્યા અને ફરવાની કર્ફ્યૂ પરમિટ વિદ્યાર્થી સમિતિના આગેવાન બ્રહ્મકુમાર ભટ્ટ અને કરસનદાસ પરમારને પણ કરફ્યૂનો અસરકારક અમલ જોવાની જવાબદારી આપી હતી. સૌ આૃર્યમાં ગરકાવ થઈ ગયા અને સૌને ખાતરી થઈ કે જો આ આંદોલનને વ્યવસ્થિત સંગઠનનું સ્વરૂપ આપવામાં આવે તો આ પ્રજાની તાકાતની સામે સત્તા ટક્કર લઈ શકશે નહીં. તે દરમિયાન જે પોલીસ અધિકારીઓ મળ્યા, તે તો આૃર્યમાં જ ડૂબી ગયેલા, કેમ કે જે શહેરમાં પોલીસ કર્ફ્યૂ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો નીકળીને હુકમોનો ભંગ કરતા હતા તથા અહીં જડબેસલાક શાંત કર્ફ્યૂ હતો. તે જે શહેરમાં આવા જનતા કરફ્યૂના અમલમાં પોલીસને કશું કરવાનું જ ન હોય. તેમને માત્ર બેસી રહેવાનું અને રસ્તા સાવ નિર્જન અને સૂમસામ એવું દૃશ્ય સર્જાયું.

સભાનો કરુણ રકાસ

મોરારજીભાઈ જે સ્થળે સભાને સંબોધવાના હતા ત્યાં બરાબર સાંજના પાંચ વાગે મિટિંગના સ્થળે વાંસવળીઓ બાંધી વિભાગો પાડવામાં આવ્યા. મોટી સંખ્યામાં લાઉડ સ્પીકરો બાંધી દેવાયાં. હજારો લોકો આવશે તેવી અપેક્ષા સાથે સભાની તૈયારી કરવામાં આવી હતી. કોંગ્રેસ ભવનમાંથી થોડા કોંગ્રેસી આગેવાનો અને સેવાદળના સૈનિકો જ આવ્યા. સરકારે મોટી સંખ્યામાં પોલીસ દળ સાદા વસ્ત્રોમાં ખડકી દીધું હતું, પરંતુ લોકો આવ્યા નહીં. સભાની કરુણ પરિસ્થિતિની જાણ કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈને કરવામાં આવી તેથી તેઓ સભા સ્થળે આવ્યા જ નહીં, પરંતુ સરદાર સાહેબનાં પુત્રી કુ. મણિબહેન પટેલે સભા સ્થળે એવી જાહેરાત કરી કે મોરારજીભાઈને સાંભળવા આવતા લોકોને બળપૂર્વક રોકવામાં આવે છે તેથી મોરારજીભાઈ ઉપવાસ પર ઊતરી ગયા છે. આ જાહેરાતથી સન્નાટો મચી ગયો. સભા રદ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી.

આ પ્રસંગનો ઉલ્લેખ મહાગુજરાતની ચળવળના આગેવાન બ્રહ્મકુમાર ભટ્ટે ‘લે કે રહેંગે મહાગુજરાત’માં વિસ્તૃત રીતે કર્યો છે

Be Sociable, Share!