Close

આજે રાત્રે હું તમારી દુલ્હન છું, તમે જ મારો પાલવ હટાવો

અન્ય લેખો | Comments Off on આજે રાત્રે હું તમારી દુલ્હન છું, તમે જ મારો પાલવ હટાવો

પદ્મજા -પ્રકરણ-૭

૦૦૦૦૦૦૦૦૦૦

લગ્નની પ્રથમ રાત્રિએ જ વિશ્વંભર લાઈટહાઉસના ટાવર પર ગયો. તે યુવાન હતો, લાગણીશીલ હતો પરંતુ ભીતરથી એક નૌકા ઓફિસર પણ હતો. ફરજ બજાવવા માટે તે નિષ્ઠાવાન હતો અને એ કારણે આજે જ અર્ધાંગિની બનેલી મહાશ્વેતાની રજા લઈ લાઈટહાઉસ ગયો હતો.

કેટલોક સમય વીત્યો.

સમસમ કરતી રાત્રિ આગળ વધતી હતી.

પીરમગઢના છેવાડે આવેલી ભવ્ય હવેલીના શયનખંડમાં ઢાળેલા સીસમના ઢોલિયા પર મખમલી ગાદલું બિછાવેલું હતું. તેની પર પાથરેલી સફેદ ચાદર હજુ કરચલી વગરની હતી. ઓશિકાં પણ યથાવત્ હતાં. શયનખંડમાં ઝાંખો લેમ્પ બળતો હતો. એના રતુંબડા પ્રકાશમાં ઢોલિયો હજુ ખાલીખમ હતો, કારણ કે શયનખંડની એક બારીની બહાર બાલ્કનીમાં ઊભેલી મહાશ્વેતા બહાર રસ્તા પર નજર ઠેરવીને ઊભી હતી. તેને કોઈનો ઈંતજાર હતો. એને હતું કે મોડા મોડા પણ વિશ્વંભર આવશે. થોડીવાર માટે પણ આવશે.

રાત આગળ વધતી રહી. હવે તો કૂતરાંયે જંપી ગયાં હતાં. બહારની વનરાજી પણ કાળામેશ અંધકારની પછેડી ઓઢીને સૂઈ ગઈ હતી. તમરાંનો અવાજ સંભળાતો હતો.

શયનખંડની દીવાલ પર ઈંગ્લેન્ડમાં બનેલું લોલકવાળું સિકોશા ઘડિયાળ બારના ટકોરા વગાડી રહ્યું. મહાશ્વેતા હજુ એક તપસ્વિનીની જેમ બારીની બહાર નજર માંડીને ઊભી હતી. એણે નવવધૂનો પરિવેશ હજુ ત્યજ્યો નહોતો. સ્નાન કર્યા બાદ એ જ પાનેતર પહેરી લીધું હતું.

એટલામાં જ એણે બારીની બહાર દૂરથી કોઈના આવવાનો આભાસ થયો. બહાર દૂર તેલનો એક લેમ્પપોસ્ટ બહુ અજવાળું આપતો નહોતો પણ મહાશ્વેતા પામી ગઈ કે એ વિશ્વંભર જ છે. એ દોડતી દીવાનખંડમાં ગઈ. એણે ઘરનું વિશાળ બારણું ખોલી દીધું. વિશ્વંભર હવે તેની સામે હતો. મહાશ્વેતા બોલીઃ ‘તમે કોલ પાળ્યો ખરો.’

વિશ્વંભર બોલ્યોઃ ‘હું ક્યારેક સરપ્રાઈઝ પણ આપતો હોઉં છું.’

મહાશ્વેતા હવે ખુશ હતી. બેઉ અંદર ગયાં. વિશ્વંભર બાથરૂમમાં હાથપગ ધોવા ગયો. બાથરૂમમાંથી તે બહાર આવ્યો ત્યારે આસપાસ મહાશ્વેતા ક્યાંય નહોતી એણે જોયું તો ઘરનું બારણું બંધ કરીને મહાશ્વેતા શાયદ શયનખંડમાં જતી રહી હતી.

વિશ્વંભર શયનખંડમાં ગયો. મહાશ્વેતા ઢોલિયા પર માથે પાનેતર ઓઢીને એક નવવધૂની જેમ બેઠી હતી. વિશ્વંભર તેની પાસે જઈ પલંગ પર બાજુમાં જ બેઠો. તે બોલ્યોઃ ‘મહાશ્વેતા, તેં માથે પાનેતર કેમ ઓઢી રાખ્યું છે?’

મહાશ્વેતા બોલીઃ ‘આજની રાત હું તમારી દુલ્હન છું. તમે જ મારો પાલવ હટાવો. દરેક નવપરણેતરને આવો અભરખો હોય છે કે પ્રથમ રાત્રિએ પતિ જ પાલવ હટાવી પત્નીનું મોં નિહાળે.’

‘પણ મેં તો અગાઉ પણ તને જોયેલી છે.’

‘અગાઉ તમે માત્ર મહાશ્વેતાને નિહાળી હતી. આજે તમે તમારી અર્ધાંગિનીને નિહાળશો.’

અને સ્મિત આપતાં વિશ્વંભરે મહાશ્વેતાના માથા પરથી પાલવ હટાવ્યો. મહાશ્વેતા વિશ્વંભરને વળગી પડી. બેઉ કેટલીયે વાર સુધી યથાવત્ જ રહ્યાં.

થોડીવાર બાદ મહાશ્વેતા બોલીઃ ‘દીવો બુઝાવી દઉં?’

વિશ્વંભર બોલ્યોઃ ‘થોડીવાર પછી.’

‘કેમ?’

‘થોડીક વાતો તો કરીએ.’

વિશ્વંભરે પૂછયું: ‘મહાશ્વેતા, આપણું પહેલું સંતાન દીકરો હોય તો સારું કે દીકરી?’

‘તમને જે ગમે તે.’

‘મને તો દીકરી જ જોઈએ છે. મેં તને અગાઉ કહ્યું હતુંને કે આપણી દીકરીનું નામ ‘પદ્મજા’ હશે’: વિશ્વંભર બોલ્યો.

મહાશ્વેતા બોલીઃ ‘મને પણ પુત્રીઓ જ ગમે છે પરંતુ તમને દીકરી માટે આટલું બધું કેમ છે?’

વિશ્વંભર બોલ્યોઃ ‘તને ઉતાવળ ન હોય તો એક વાત કરું. આ વાત હજારો વર્ષ પહેલાંના મત્સ્યપુરાણમાં લખાયેલી છે.’

‘કઈ વાત?’

અને વિશ્વંભરે મહાશ્વેતાને એક પૌરાણિક પ્રસંગ કહેવાની શરૂઆત કરી. તે ઢોલિયાના ઓશિકે ટેકો દઈને બેઠો. મહાશ્વેતા એક ઉત્તમ શ્રોતાની જેમ પલંગમાં જ પલાંઠી વાળીને તેની સામે ગોઠવાઈ ગઈ.

શયનખંડમાં ઝાંખા અજવાળામાં વિશ્વંભરે શરૂ કર્યું: ‘આ પ્રસંગ રામાયણના એક વિસરાયેલા પાત્રનો છે. ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેઓ અને અંગદેશના રાજકુમાર રોમપાદ એક જ ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરી રહ્યા હતા. રાજકુમાર દશરથ અને રાજકુમાર રોમપાદ એક ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બંને યુવાનીમાં જ ઘનિષ્ઠ મિત્રો બની ગયા હતા. રાજકુમાર રોમપાદ જ્યોતિષ વિદ્યામાં પારંગત થયા હતા. અભ્યાસપૂર્ણ થતાં આશ્રમમાંથી રાજકુમાર રોમપાદને રાજકુમાર દશરથથી વિખૂટા પડવાનો વારો આવ્યો ત્યારે રાજકુમાર રોમપાદ અત્યંત વ્યથિત હતા. વાત એમ હતી કે રાજકુમાર રોમપાદે ભૂલથી પોતાનું ભવિષ્ય નીહાળી લીધું. પોતાની જ જ્યોતિષ વિદ્યાથી તેમને ખબર પડી ગઈ હતી કે તેમને સંતાનયોગ નથી. રાજકુમાર રોમપાદે પોતાનું આ દુઃખ રાજકુમાર દશરથને જણાવ્યું. રાજકુમાર રોમપાદની આ વ્યથા જાણ્યા બાદ રાજકુમાર દશરથ બોલ્યાઃ ‘હું તમને વચન આપું છું કે, મારું પ્રથમ જે કોઈ સંતાન હશે તે હું તમને આપી દઈશ.’

રાજકુમાર દશરથ અયોધ્યા પાછા આવ્યા. તેમણે પહેલાં કૌશલ્યા સાથે લગ્ન કર્યાં. કૌશલ્યાની કૂખે એક પુત્રીનો જન્મ થયો. કુલગુરુ વશિષ્ઠે તે રાજકુમારીને ‘શાન્તા’ નામ બક્ષ્યું. રાજા બનેલા દશરથને મિત્ર રોમપાદને આપેલું વચન યાદ આવ્યું. તેમણે તેમની પ્રથમ પુત્રી શાન્તા અંગદેશના રાજા રોમપાદને અર્પણ કરી દીધી. કૌશલ્યા રડતાં જ રહ્યાં.

આ તરફ રાજા દશરથનાં સ્વરૂપવાન પુત્રી શાન્તા રાજા રોમપાદનાં રાજકુમારી તરીકે મોટાં થવા લાગ્યાં. એવામાં અંગદેશમાં ભયંકર દુષ્કાળ પડયો. જ્યોતિષીઓ અને પંડિતોએ કહ્યું: ‘કોઈ પવિત્ર અને આજીવન બ્રહ્મચર્યના પાલનકર્તાની આપણા દેશમાં પધરામણી થાય તો જ વરુણદેવ રીઝશે.

ઋષિઓની સલાહ પ્રમાણે કશ્યપ ઋષિના યુવાન પુત્ર અને તપસ્વી શૃંગ ઋષિને ભાગીરથીના કિનારેથી અંગદેશમાં લાવવામાં આવ્યા. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. માત્ર કુટિરમાં આહાર કરીને જ રહેતા હતા અને તપ કરતા હતા. બહારની દુનિયાથી અજાણ એવા ઋષિ શૃંગનો પગ અંગદેશની ધરતી પર પડતાં જ વરુણદેવ રીઝી ગયા. અનરાધાર વરસાદ થયો. પ્રજામાં આનંદ-ઉલ્લાસ છવાઈ ગયો. એ ખુશીમાં રાજા રોમપાદે તેમનાં પાલક પુત્રી શાન્તાને શૃંગ ઋષિ સાથે પરણાવી દીધાં. એ જમાનામાં ઋષિઓ લગ્ન કરતાં હતાં. અલબત્ત, રાજકુમારી શાન્તા અત્યંત સ્વરૂપવાન હતાં. જ્યારે ઋષિ શૃંગના માથે શીંગડું હતું તેથી જ તેઓ ઋષિ શૃંગ તરીકે ઓળખાતા હતા. પિતાની આજ્ઞાંકિત પુત્રી તરીકે રાજકુમારી શાન્તાએ શૃંગ ઋષિને પતિ તરીકે સ્વીકારી લીધા.’

મહાશ્વેતા સ્તબ્ધ થઈને વાત સાંભળી રહ્યાં.

વિશ્વંભર વાત આગળ ચલાવતાં રહ્યાં: ‘આ તરફ રાજા દશરથનાં પત્ની કૌશલ્યાને પુત્રી શાન્તાના જન્મ બાદ કોઈ જ સંતાન ન થતાં તેમણે કૈકેયી અને સુમિત્રા સાથે લગ્ન કર્યાં. તેમને પણ સંતાનો ન થયાં. રાજા દશરથ હવે જીવનની ત્રીજી અવસ્થામાં પહોંચી ગયા હતા. ઋષિઓના કહેવાથી સંતાનપ્રાપ્તિ માટે તેમણે પુત્ર-કામેષ્ઠી યજ્ઞા કરાવરાવ્યો અને તે યજ્ઞા માટે ઋષિઓની સલાહ પ્રમાણે અંગદેશના રાજાને આપી દીધેલી પોતાની પ્રથમ પુત્રી શાન્તાના પતિ ઋષિ શૃંગને બોલાવવામાં આવ્યા. ઋષિ શૃંગે રાજા દશરથ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞા કર્યો. યજ્ઞાકુંડની જ્વાળાઓમાંથી દેદીપ્યમાન પુરુષ પ્રગટ થયો. તેણે સુવર્ણપાત્રમાં ભરેલી ખીર ધરી રાજા દશરથને આપી. તે ખીરનો અડધો ભાગ રાણી કૌશલ્યાને આપ્યો. બાકીનામાંથી અડધો ભાગ સુમિત્રા અને કૈકેયીને સરખે ભાગે આપ્યો, પરંતુ કૈકેયીને તેના ભાગમાંથી અડધો સુમિત્રાને આપ્યો. જેના પરિણામ સ્વરૂપે કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને તથા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. આમ, પોતાની પુત્રીના પતિ એટલે કે જમાઈએ કરેલા યજ્ઞાથી રાજા દશરથ ચાર પ્રતિભાસંપન્ન પુત્રોના પિતા બન્યા. આ બધામાં રાજા દશરથનાં પ્રથમ પુત્રી અને ભગવાન શ્રીરામનાં સગાં મોટાં બહેન શાન્તાનું મોટું યોગદાન રહ્યું.’

મહાશ્વેતા મંત્રમુગ્ધ હતી.

વિશ્વંભરે કહ્યું: ‘મને વિસ્મય છે કે કથાકારો શા માટે ભગવાન શ્રીરામનાં સગાં બહેન શાંતાના આ બલિદાનની કથા કદી કહેતા નથી? જન્મતાં જ રાજકુમારી શાંતા બીજાને સોંપી દેવાયાં તે પોતાનાં સગાં મા-બાપથી વિખૂટાં પડવાનું બલિદાન નહોતું?

સ્વરૂપવાન રાજકુમારીને શીંગડાવાળા ઋષિ શૃંગ સાથે પરણાવી દેવાયાં તે તેમનું બીજું બલિદાન નહોતું? આ દેશના કરોડો લોકો ભગવાન શ્રીરામનાં સગાં બહેન શાન્તા અને તેમના ત્યાગની કથાથી અજાણ કેમ છે? કથાકારોએ રાજકુમારી શાંતાના પાત્રની કથાથી શ્રોતાઓને અજાણ કેમ રાખ્યા હશે? આ પ્રસંગ ‘મત્સ્યપુરાણ (૪૮-૯૫) માં વર્ણવેલો છે.’

વિશ્વંભરે વાત પૂરી કરી.

મહાશ્વેતા સ્તબ્ધ થઈને મત્સ્યપુરાણમાંથી વર્ણવાયેલી ભગવાન શ્રીરામના જન્મ પૂર્વેની કથા સાંભળી રહી. તે બોલીઃ ‘વિશ્વંભર, આ તો હૃદયંગમ કથા છે’

વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, રાજા દશરથનાં સ્વરૂપવાન કન્યા શાંતાને એક વચન ખાતર મિત્રને સોંપી દેવાયાં. તેમને માથે શીંગડાંવાળાં ઋષિ સાથે પરણાવી દેવાયાં એ એક પુત્રીનું કેટલું બધું બલિદાન? ભગવાન શ્રી રામના જન્મ માટે બહેન શાંતાનું કેટલું બધું યોગદાન. આ દેશમાં હજારો વર્ષોથી દીકરીઓ બલિદાન આપતી રહી છે અને એટલે જ મારે પણ એક દીકરી જોઈએ છે – ‘પદ્મજા.’

મહાશ્વેતા હવે ગદ્ગદિત હતી. એ બોલીઃ ‘વિશ્વંભર, તમારી દીકરી -‘પદ્મજા’ માટેની ઝંખના પૂરી કરવા તૈયાર છું.’

અને તે ઊભી થઈ. ધીમેથી એણે બારી બંધ કરી દીધી. બહાર રાત હવે વધુ સૂનકારભરી બની હતી. મહાશ્વેતાએ ટેબલ પાસે જઈ ટેબલ પર બળતો લેમ્પ બુઝાવી નાંખ્યો.

૦ ૦ ૦

સવારે મહાશ્વેતા ઊઠી.

વિશ્વંભર તો રાત્રે જ લાઈટહાઉસ પર પાછા જતા રહ્યા હતા. આજે મહાશ્વેતાના ચહેરા પર થાકના બદલે આનંદ વધુ હતો. એને ખબર હતી કે હવે સવાર થઈ ગઈ છે એટલે થોડી જ વારમાં વિશ્વંભર આવશે. એણે થાકીને આવનાર પતિ માટે સ્નાનવિધિ પતાવીને નાસ્તો પણ તૈયાર કરી દીધો.

અને થોડીવારમાં વિશ્વંભર આવી ગયો. એ થાકેલો હતો. સીધો સ્નાન કરવા ગયો. સ્નાન કરીને બહાર આવી ડાઈનિંગ ટેબલ પર નાસ્તા માટે ગોઠવાયો.

બ્રેકફાસ્ટ શરૂ કરતાં પહેલાં વિશ્વંભર બોલ્યોઃ ‘કેવી લાગી સરપ્રાઈઝ?’

મહાશ્વેતા બોલીઃ ‘આવી સરપ્રાઈઝ રોજ આપવી પડશે?’

‘કેમ’

‘પદ્મજા માટે’:

એટલું બોલતાં બોલતાં મહાશ્વેતાના ચહેરા પર શરમના શેરડા પડયા.

૦ ૦ ૦

દિવસો વીતતા ગયા.

મહિનો પણ વીતી ગયો.

મહાશ્વેતા અને વિશ્વંભરના ગૃહસ્થ જીવનને કેટલાક મહિના પણ વીતી ગયા. રોજ રાત્રે વિશ્વંભર લાઈટહાઉસને ચાલુ કરવા જાય અને સવારે ઘેર પાછાં આવી જાય.

આજે પણ રોજની જેમ તે રાતની ડયૂટી બજાવીને ઘેર આવ્યો. એણે જોયું તો દીવાનખંડના એક ખૂણામાં નાનકડું પારણું હતું. તેની પર કલાત્મક ડિઝાઈન હતી. લાકડા પર સુંદર કોતરકામ કરેલું હતું. નાના શિશુને સુવરાવવા ખાલી મખમલી પણ નાનકડી ગાદલી હતી. ઉપરના ભાગ પર લાકડાની પણ રંગબેરંગી નાનીનાની પૂતળીઓ લટકતી હતી.

એટલામાં મહાશ્વેતા હાથમાં ઊનનો દડો અને સોયો લઈ કાંઈક કામ કરતાં કરતાં બહાર આવી. વિશ્વંભરે પૂછયું: ‘આ પારણું કેમ?’

‘પદ્મજા માટે.’

વિશ્વંભરે પૂછયું: ‘અને તારા હાથમાં આ ઊન ને સોયો શા માટે.’

‘સ્વેટર ભરું છું.’

‘કોના માટે?’

મહાશ્વેતા બોલીઃ ‘પદ્મજા માટે’

‘એટલે?’

મહાશ્વેતા બોલીઃ ‘આટલી પણ ખબર પડતી નથી? મને સારા દિવસો છે.’

‘સાચ્ચે જ?’

મહાશ્વેતા બોલીઃ ‘એટલે તો મેં આ પારણું મંગાવી રાખ્યું છે. આમ તો ગઈકાલે જ તે આવી ગયું હતું પણ મને લાગ્યું કે આજે પૂનમ છે એટલે પૂનમના દિવસે તમને સરપ્રાઈઝ આપું.’

‘હું માની શકતો નથી.’

મહાશ્વેતા બોલીઃ ‘હા, વિશ્વંભર. તમે મને પણ ક્યારેક સરપ્રાઈઝ આપતા હતા તેમ મેં આજે તમને સરપ્રાઈઝ આપી.’

અને વિશ્વંભરના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. મહાશ્વેતાએ ઊન અને સોયો બાજુના ટેબલ પર મૂક્યાં અને તે ધીમેધીમે વિશ્વંભરની નજીક આવી અને તેના સાંનિધ્યમાં વીંટળાઈ રહી.

કેટલીક વાર બાદ મહાશ્વેતાને અળગી કરતાં વિશ્વંભર બોલ્યોઃ ‘અને પુત્ર જન્મશે તો?’

મહાશ્વેતા બોલીઃ ‘એ મારા હાથમાં નથી. હા, હું એટલું કહું કે પુત્ર જન્મશે તો તેનું નામ હું પાડીશ.’

‘એટલે?’

મહાશ્વેતા બોલીઃ ‘દીકરીના જન્મ પહેલાં જ તમે આવનારી પુત્રીનું નામ ‘પદ્મજા’ નક્કી કરી રાખ્યું છે તેમ મેં પણ સંભવતઃ આવનારા પુત્ર માટે નામ નક્કી કરી રાખ્યું છે.’

‘કયું?’

મહાશ્વેતા બોલીઃ પુત્રી જન્મશે તો ‘પદ્મજા’ અને પુત્ર જન્મશે તો ‘પ્રસૂન.’ ‘પ્રસૂન એટલે ફૂલ.’

‘એઝ યુ વિશ’ : વિશ્વંભર બોલ્યો. વિશ્વંભરને લાગ્યું કે આજની સવાર રોજ કરતાં કંઈક વધુ ખુશનુમા છે.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!