Close

આજે હું જીતીને પણ હારી ગઈ છું. [short story]

અન્ય લેખો | Comments Off on આજે હું જીતીને પણ હારી ગઈ છું. [short story]

એનું નામ મહેશ, પણ કોલેજમાં બધા એને “મહેશ યોગી” કહેતા.

 મહેશ “યોગી” નહોતો પણ એની હરકતો જ એવી હતી કે એ વેદિયામાં ખપતો. આમ તો એ રૂપાળો ફૂટડો જુવાન હતો, પરંતુ ચોવીસે કલાક પુસ્તકોના ઢગલામાં ગળાડૂબ રહેતો. યુનિર્વિસટીમાં પ્રથમ આવવાની એની નેમ હતી. અને એ બાબત સૌ કોઈ જાણતું હતું.

હોસ્ટેલમાં રહેતા મહેશના રૂમમાં બીજા બે પાર્ટનર હતા. મહેશથી સાવ નોખા. બે વર્ષથી સતત ગુલ્લીઓ મારતા આવ્યા હતા અને એ પણ કહેતા “એ બહાને જે કોલેજ લાઈફ ભોગવ્યું તે ખરું.” મહેશ નવો નવો આવ્યો ત્યારે એને સહેજ નવાઈ લાગેલી પરંતુ હવે આ વાતાવરણથી ટેવાઈ ગયો હતો. એનો રૂમ આખોય દિવસ બીજા ચાર-પાંચ વધારાના ‘અનઓફિશિયલ’ પાર્ટનરોથી પેક જ રહેતો. કોલેજની એલ.આર.મિસ વિદ્યુતથી માંડીને નવોદિત તારિકાની અંગતમાં અંગત બાબતોની ઝીણવટભરી માહિતીની આપલે થતી. રૂમમાં સિગરેટો ગમે તેમ વેરાતી હોઈ લાંબી વિચારણા બાદ “એર ફ્રાન્સ”નું ખાસ એશટ્રે વસાવાયું હતું. એક ટેબલનો ઉપયોગ તો ટી ટેબલ તરીકે જ થતો. રસોડાના નોકરને એકસ્ટ્રા પૈસા આપી ચોવીસે કલાક તેમણે રૂમ નં. ૩૦ના કાયમી નોકર તરીકે નીમી દીધો હતો. રાતના બે વાગ્યા પહેલાં ડાયરો વેરાતો નહીં….છેલ્લાં શોમાં કોઈ ફિલ્મ જોવા ગયા હોય તો પણ રાત્રે આવીને આ ચા પીધા બાદ ખાસ્સો એક કલાક વાત કરીને જ સૌ ઊંઘતા.

કદાચ તમને નવાઈ લાગશે કે આ લોકો સાથે મહેશ કઈ રીતે ‘સેટ’ થતો હશે…પણ મહેશ ખૂબ જ વ્યવહારુ હતો…..દિવસે મોટો ભાગ તે લાઇબ્રેરીમાં જ વિતાવતો….રાત્રે કોઈ વાર ડાયરામાં જોડાતો. પણ માત્ર વાતો સાંભળવા પૂરતો….અથવા વહેલો ઊંઘી જતો….બહુ ગરબડ થાય ત્યારે બાજુની રૂમમાં જઈ ઊંઘી જતો અને બધા ઊંઘે એટલે વહેલી સવારે ઊઠીને વાંચવાનું પતાવતો. અનેકવાર મહેશને સિગરેટની ઓફર થતી પણ હજુ સુધી તેણે સિગરેટને હોઠે અડકારી પણ ન હોતી.

એ દિવસે પ્રોફેસર શાસ્ત્રીના પિરિયડમાં સહેજ ગરબડ થઈ ગઈ. સંસ્કૃતનો પિરિયડ ચાલતો હતો. પ્રો.શાસ્ત્રી અવળા ફરીને બ્લેક બોર્ડ પર કંઈક લખી રહ્યા હતા. દરમિયાન સૌથી આગલી બેંચ પર બેઠેલી છોકરીઓ ઉપર એક એરો ફેંકાયો અને સીધો જ મિસ વિદ્યુતના માથામાં પરોવાઈ ગયો.

રોષે ભરાયેલી વિદ્યુત ઊભી થઈ ગઈ અને બોલીઃ “સર!”

‘યસ!’ કહેતાં પ્રો.શાસ્ત્રી હાથમાં ડસ્ટર પકડી સામે ફર્યા.

“જુઓ…કોઈકે પાછળથી એરો ફેંક્યો.”

“લાવ….એ એરો મને આપી દો…એ એરો મારી પર ફેંક્યો હશે…પણ ખરાબ હવામાનને કારણે ત્યાં ઉત્તરાણ થયું હશે”: પ્રો.શાસ્ત્રીની કોમેન્ટ પર આખોયે કલાસ ખડખડાટ હસી પડયો…ધૂંવાપૂંવાં થતી વિદ્યુત સમસમીને બેસી ગઈ.

અચાનક તેની નજર “એરો” પર લખેલા લખાણ પર પડી. તેણે ધ્યાનથી જોયું. એરો પર સુંદર અક્ષરે લખાયેલું હતું: “ફ્રોમ મહેશ વીથ લવ.”

વિદ્યુત આ વાત માનવા તૈયાર નહોતી. મહેશને તે બરાબર ઓળખતી હતી. “મહેશ યોગી આવું કરે?” વિદ્યુત મનોમન વિચારી રહી.

રિસેસ પડતાં પ્રોફેસરના જતાં પહેલાં આખોય કલાસ ખાલી થવા માંડવો. કેટલાક તો સીધા જ બારીમાં થઈ નીચે કૂદી પડયા. વિદ્યુતે પાછળ નજર કરી…મહેશ હજુ બ્લેકબોર્ડમાંથી કંઈક ટપકાવી રહ્યો હતો. વિદ્યુતે જાણી બૂઝીને થોડુંક મોડું કર્યું: “બે મિનિટ હું જરા આવું છું.” કહીને તેણે બેંચ પાર્ટનરોને વિદાય કરી. હવે માત્ર એકલો મહેશ હતો. વિદ્યુતે એની પાસે પહોંચતાં પહેલાં ‘એરો’ પર કંઈક લખી લીધું અને મહેશ નજીક જઈ એરો આપી ઝડપથી તે લેકચર રૂમ છોડી ગઈ.

અવાક બનેલા મહેશે કુતૂહલતાથી એરો સામે જોયું. એક બાજુ “ફ્રોમ મહેશ વીથ લવ” તો બીજી બાજુ “થેંકસ…” અને નીચે નાના અક્ષરે ‘વિદ્યુત’ પણ લખાયેલું હતું. મહેશ જાણતો હતો કે, આ તોફાન એનું નથી છતાં એના નામે ચડાવાયું છે અને એથી છોકરીઓમાં એના વિશે કેવી ધારણા બંધાઈ હશે તે અંગે મૂંઝાઈ રહ્યો.

વિદ્યુતને મળીને બધી સ્પષ્ટતા કરી નાંખવા તેણે નક્કી કર્યું. પણ બે-ત્રણ દિવસ વિદ્યુત એને એકલી મળી નહીં.

સંજોગોવશાત્ એક દિવસે મહેશ યુનિર્વિસટી લાઇબ્રેરીમાં વાંચનમાં મશગૂલ હતો તે દરમિયાન જ વિદ્યુત ત્યાં આવી ચડી…મહેશની સામે ગોઠવાઈ પણ બે ત્રણ મિનિટ સુધી તો મહેશની નજર બહાર ફરકી પણ નહીં…વિદ્યુતે આજુબાજુ જોઈ લીધું. માંડ એકાદ બે જણ દૂર બેઠા બેઠા વાંચતા હતા.

વિદ્યુત ધીમેથી બોલીઃ “મહેશ!”

મહેશે ચમકીને ઉપર જોયું “અત્યારે લાઇબ્રેરીમાં વિદ્યુત!: તે વિચારી રહ્યો. મહેશ કંઈ બોલે એ પહેલાં જ વિદ્યુત બોલીઃ “આવું તોફાન કરવાની શું જરૂર હતી? તારાથી સીધા આવીને કહેવાની હિંમત નહોતી?”

“નહીં…નહીં…એવું નથી. એ માટે મારે સ્પષ્ટતા કરવી જ હતી. પણ એકલા મળી શકાયું નહીં.”

“અહીં તો એકલા જ છીએ ને? બોલ. કંઈ જ છુપાવીશ નહીં…સંકોચ પણ રાખીશ નહીં. તારા માટે મને ખૂબ જ માન છે.” વિદ્યુત ધીમેથી અને છેલ્લા શબ્દો તો નીચું જ જોઈને બોલી. મહેશ સહેજ મૂંઝાયો હોય એમ કંઈક વિચારી રહ્યો….અને પગ લાંબા કરવા જતાં જાણે અજાણે તેનો પગ વિદ્યુતના પગને સ્પર્શી ગયો…વિદ્યુત સહેજ શરમાઈ સહેજ હસી.

મહેશ બોલ્યોઃ “જુઓ…તે દિવસે એ એરો મેં ફેંક્યો ન હોતો…કોઈકે મારું નામ લખીને સર પર ફેંક્યો હશે…”

“અને અધવચ્ચે ઉત્તરાણ થયું એમ જ ને!” હસતાં હસતાં વિદ્યુતે જવાબ વાળ્યો.

આમાં હસવા જેવું શું હશે તે મહેશને સમજાયું નહીં, પણ ગમ્યું ખરું. હજુયે પોતાની સામે જોઈને વિદ્યુત હસી રહી હતી. એના ગાલે પડતાં ખંજન કવિકુલગુરૂ કાલિદાસની કલ્પના ર્મૂિતઓમાંથી ઉઠાવાયાં હોય એમ તે અનુભવી રહ્યો. ટ્રોયની હેલને બક્ષેલા ગાલ અને ‘કિલયોપેટ્રા’ની આંખોનો સુભગ સંગમ એટલે જ વિદ્યુત. મહેશ આજે કોઈ વિશિષ્ટ દ્રષ્ટિથી વિદ્યુત સામે તાકી રહ્યો…ઘડીભર તો વિદ્યુતને પણ સંકોચ થયો.

અચાનક મહેશથી બોલી જવાયું: “વંડરફુલ”

“થેંક યુ….અગેઈન” કહેતી વિદ્યુત ઊભી થઈને શરમાતી શરમાતી ચાલી ગઈ.

પ્રિન્સિપાલની ચેમ્બરમાંથી બહાર નીકળી રહેલી વિદ્યુત સાથે અથડાઈ પડેલો મહેશ નીચે પડી ગયેલાં પુસ્તકોને ઉપાડવા નીચો વળ્યો. પુસ્તક પર હાથ મૂક્તાં જ બીજો એક હાથ પણ એ જ પુસ્તકના બીજા છેડાને ખેંચી રહ્યો. ગોરા નાજુક હાથ પર કાળા ડાયલનું ઘડિયાળ શોભી રહ્યુુ હતું. મહેશે હાથમાંથી પુસ્તક છોડી દીધું. બરાબર તે જ સમયે પ્રિન્સિપાલ સાહેબ ચેમ્બરમાંથી બહાર નીકળતા અટકી ગયા.

“વોટ હેપન્ડ બોય” ચશ્માંમાંથી બેઉ તરફ તાકતા બોલ્યા.

“નથિંગ સર…ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ”: મહેશ બોલ્યો.

“એની બડી ઈન્જર્ડ?” પ્રિન્સિપાલે રસસભર પ્રશ્ન પૂછયો.

“નો સર”: મહેશ અને વિદ્યુત એકસાથે બોલી ઊઠયાં.

પ્રિન્સિપાલ સાહેબ આગળ ચાલતા થયા.

“કેમ જૂઠું બોલ્યો…આઈ એમ ઈન્જર્ડ”: વિદ્યુત બોલી.

“તું પણ કેમ જૂઠું બોલી…આઈ એમ ઓલ્સો ઈન્જર્ડ.”

“રિયલી?” વિદ્યુત બોલી.

પ્રત્યુત્તરમાં મહેશે આંખ મીચકારી. વિદ્યુત આજે ખરેખર વિચારમાં પડી ગઈ કે આ ‘બાવા’ જેવો મહેશ આવું ક્યારથી શીખ્યો…મસ્તીને પરાકાષ્ઠાએ પહોંચાડતાં તે પણ આંખ મીચકારી ચાલતી થઈ. માત્ર એટલું જ બોલી. “કોલેજ છૂટયા બાદ…બસ સ્ટેન્ડ પર મળીશું. કાલની જેમ રાહ ના જોવડાવતો.”

લોબીમાં દૂર દૂર જતી વિદ્યુતની પીઠ તરફ ક્યાંય સુધી મહેશ તાકી રહ્યો. પરીક્ષાનું પરિણામ લેવા આજે મહેશ ફરીથી શહેરમાં આવ્યો હતો. તે સીધો જ કોલેજ પર પહોંચ્યો. તેને પૂરી આશા હતી કે, તે ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવશે. પગથિયાંમાં જ પ્રિન્સિપાલ સાહેબ મળ્યા. મહેશને જોતાં જ તે બોલ્યાઃ “મહેશ! કોન્સોલેશન…તું પ્રથમ નંબર ગુમાવે છે.”

“ઓહ!” મહેશથી બોલી જવાયું. “સાચે જ સર!”

“હા હા…….વિદ્યુત તારા કરતાં પાંચ જ માર્ક વધારે લાવી…તે ફર્સ્ટ આવી….તું સેકન્ડ.” કહીને પ્રિન્સિપાલ ચાલતા થયા.

મહેશ તરત જ પાછો ફરી ગયો. કંપાઉન્ડમાં જ વિદ્યુત મળી. મહેશ બોલ્યોઃ “કોંગ્રેચ્યુલેશન્સ વિદ્યુત”

“ફોર વોટ?”

“તું યુનિર્વિસટીમાં ફર્સ્ટ આવી”

“અને તું?”

“સેકન્ડ”

“મહેશ…તું સાચું બોલે છે?”

“તારા સમ…બસ.”

“એક મિનિટ પેલા ઝાડ પાસે આવ…મારે તને કંઈક કહેવું છે.”

મહેશ વિદ્યુતની પાછળ દોરાઈ રહ્યો. રજાઓ હોવાથી વિશાળ કંપાઉન્ડ સાવ સૂનુંસૂનું હતું.

મહેશની નજીક સરકતાં વિદ્યુત બોલીઃ “મહેશ! મને માફ કરી દે.”

“શાના માટે!”

“તું ફર્સ્ટ ના આવ્યો એ માટે જવાબદાર હું છું”: વિદ્યુત બોલી.

“તું કેવી રીતે જવાબદાર?”

“જો મહેશ, યુનિર્વિસટીમાં ફર્સ્ટ આવવાની મને ખૂબ જ ઈચ્છા હતી…પણ તારી આગળ આવવાની મારી તાકાત નહોતી…તારું ધ્યાન ભણવાના બદલે અન્યત્ર એટલે કે મારી તરફ ખેંચી મેં તને વ્યસ્ત રાખ્યો અને તને ઘણી ખલેલ પહોંચાડી…. આજે હું જીતીને પણ હારી ગઈ છું. મને માફ કરી દે મહેશ!” બોલતી વિદ્યુતની આંખમાંથી સાચે જ બોરબોર જેવાં આંસુ સરી પડયાં. પ્રત્યુત્તરમાં મહેશે એના આંસુભીના ગાલ પર એક હળવી ચૂમી ભરી લીધી.

વિદ્યુત હજુ રડી રહી હતી અને મહેશ હજુ હસી રહ્યો હતો….જાણે એમ ન કહેતો હોય કે તું ફર્સ્ટ આવીને હું ન આવ્યો તેથી શું ફેર પડી ગયો?

ફરી એકવાર મહેશના નિખાલસ ચહેરા સામે જોઈ વિદ્યુત તેને બાઝી પડી, વીથ લવ…

STORY BY DEVENDRA PATEL

www.devendrapatel.in

Be Sociable, Share!