Close

આશ્લેષા [SHORT STORY]

અન્ય લેખો | Comments Off on આશ્લેષા [SHORT STORY]

શહેર પર સલૂણી સંધ્યા આકાર લઈ રહી હતી.

નદીકિનારા પરના એક વિખ્યાત રિસેપ્શન હોલના દેહ પર હજાર હજાર દીવા ઝગારા મારી રહ્યા હતા. ઝબૂકિયાં કરતી રોશની અને કમ્પાઉન્ડના નાના વૃક્ષો પર લટકતા રંગબેરંગી “આગિયા” રાહદારીઓ માટે ઘડીવાર આકર્ષણ જમાવી જતા હતા.

હોલની બહારના રાજમાર્ગ પર મોટરોની કતાર જામી હતી….હજુયે મોટરો આવ્યે જ જતી હતી…આજુબાજુના વિસ્તારમાં ફોરાયેલાં અવનવાં પરફ્યુમ્સ અને અત્તરોનો મઘમઘાટએ સત્કાર સમારંભને જાણે કે રંગીન બનાવી રહ્યો હતો.

નવદંપતીને આશીર્વાદ આપવા આવેલા શહેરના અગ્રણી વેપારીઓ, નાગરિકો, અધિકારીઓ અને પત્રકારો વારાફરતી કેમેરામાં ઝિલાઈ જતા હતા.

શુભેચ્છા પાઠવનારાઓની કતાર ચાલુ જ હતી…બિચારા વરવધૂ સૌની સામે સ્મિત ફેંકી ફેંકી થાકી ગયાં હતાં.

“કોંગ્રેચ્યુલેશન્સ બોથ ઓફ યુ…” એક ટહુકો થયો.

“ઓહ મિસ કેકી….થેન્ક યુ વેરી મચ…પ્લીઝડ ટુ સી યુ હીયર…આશુ! આ છે મિસ કેકી…આપણી કંપનીના કેન્વાસર.” કાર્તિકે નવવધૂ તરફ જોતાં ઓળખાણ આપી.

“પ્લીઝ્ડ ટુ મીટ યુ…” કહેતાં આશ્લેષાએ બે હાથે પ્રણામ કર્યા.

“કાર્તિક, યુ આર એન એક્સપર્ટ જ્વેલર.”કેકી બોલી.

“કેમ એમ?”

“ભાભીની પસંદગી પરથી કહું છું” કેકીએ હસીને જવાબ વાળ્યો.

“ઓહ થેંક યુ.” કહેતાં કાર્તિક હસી પડયો…અને આજુબાજુ ઊભેલા પણ સૌ ખડખડાટ હસી રહ્યાં…આશ્લેષાના મોં પર થોડાક શરમના શેરડા પણ તણાયા. તે પણ આછું હસી રહી.

“શાદી મુબારક કાર્તિક…આશ્લેષા.”

કોઈ ચિરપરિચિત અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું.

કેકી સહેજ બાજુએ ખસી ગઈ. માર્ગ ખુલ્લો થતાં એક યુવાન આગળ આવ્યો.

“ઓહ! કેમ છો પ્રકાશ?” કોઈ વિચિત્ર ટોનમાં કાર્તિકે સામેથી પૂછયું.

ગંભીર વદને આશ્લેષાએ કાર્તિક સામે જોતાં પૂછયું: “કાર્તિક, તારી પાસે આમંત્રણ પત્રિકાઓ વધી પડી હતી કે શું?”

“હું…આજે સાંજે જ હું અહીં આવ્યો અને મને એરોડ્રોમ પર જ ખબર પડી કે આજે તમારું રિસેપ્શન છે…તમારો મહેમાન ખરો, પણ આમંત્રણ વગરનો.” કહેતાં પ્રકાશે બંનેને ફૂલના ગુચ્છા અર્િપત કર્યાં.

“મુંબઈગરાં નકલી ફૂલ તો નથી લાવ્યા ને?” આશ્લેષાએ ફરી સીધો ટોણો માર્યો.

“અમદાવાદમાં તો અસલી પતિ મળવા મુશ્કેલ….છે…તો પછી ફૂલ તો…” પ્રકાશે વાક્ય અધૂરું છોડી દીધું.

કાર્તિકની ભ્રૂકુટિ સ્હેજ ખેંચાઈ…તે કંઈ ઉત્તર વાળે તે પહેલાં આશ્લેષા બોલી ઊઠીઃ “કાર્તિક! આઈસક્રીમ તો હવે ખલાસ થઈ ગયો હશે કેમ? મહેમાનોને નિરાશ કરવા પડશે…જેમણે આઈસક્રીમ ના લીધો હોય એમને કહી દેને કે કાલે ઘેર આવીને ખાઈ જાય…!”

“આશ્લેષા!” કાર્તિક એને રોકી રહ્યો છતાં તેની આંખોમાં વિજયનું સ્મિત હતું…પ્રકાશ સામે જોતાં તે બોલ્યોઃ યુ આર મોસ્ટ વેલકમ ટુ અવર પ્લેસ.”

“થેંક યુ, આશ્લેષા” કોઈ બીજા જ સંદર્ભમાં આભાર માનતો પ્રકાશ આશ્લેષા તરફ વેધક દ્રષ્ટિ ફેંકતાં ચાલતો થયો.

“બેવકૂફ…! એણે અહીં તો આવવું જોઈતું નહોતું.” પ્રકાશની પીઠ તરફ જોઈ રહેલો કાર્તિક બબડયો.

“હજુ કાલે પણ ઘેર આવશે.” આશ્લેષાએ ઠંડો પ્રત્યુત્તર આપ્યો.

“કાલે ઘેર આવશે! ઘેર આવે તો ખરેખર સારું…એ મુલાકાત એને જિંદગીભર યાદ રહેશે.” કાર્તિક દાંત કચકચાવી રહ્યો.

મોડી રાત્રે થાકીને લોથપોથ થયેલાં બંને મોટરમાં ઘેર આવ્યાં.

આશ્લેષા કપડાં બદલ્યા સિવાય સીધી જ પોતાના રૂમમાં જઈ પલંગમાં પટકાઈ…

“આશુ? જમવું નથી?” કાર્તિકે બૂમ પાડી.

“…..” આશ્લેષાએ કશો જ પ્રત્યુત્તર આપ્યો નહીં.

“અરે! તેં તો હજુ કપડાં પણ બદલ્યાં નથી?”

“ચાલ, જમી લઈએ…ભૂખ લાગી નથી?”

“તું જમી લે…મને ભૂખ નથી.” આશ્લેષાએ પથારીમાંથી મોં બહાર કાઢયા સિવાય જ કહ્યું.

“અરે આશુ! તું નહીં જમે તો મારે પણ જમવું નથી.”

અને આશ્લેષાએ કશું સાંભળ્યું જ ના હોય એમ પડી રહી.

કાર્તિક વધુ અકળાયો. તે આશ્લેષાની નજીક જઈ બેઠો…તેનો ખભો પકડતાં બોલ્યોઃ “આશું? શું વાત છે? ગુસ્સે કેમ જણાય છે?”

“પ્લીઝ…ડોન્ટ ટચ મી…મને અડકીશ નહીં.” આશ્લેષાએ દૂર ખસતાં કહ્યું:

“તું શું બોલે છે! મને સમજાતું નથી…પેલા નાલાયક પ્રકાશના આવ્યા બાદ તારા વર્તનમાં આટલો બધો ફેરફાર કેમ? ગુસ્સે થયેલો કાર્તિક બોલી રહ્યો.”

“મહેરબાની કરીને પ્રકાશ માટે એવા શબ્દો વાપરીશ નહીં.” કાર્તિક સામે નજર તાકતાં આશ્લેષાએ કહ્યું.

“વાહ આશ્લેષા! એકદમ પ્રકાશ પ્રત્યે લાગણી કયાંથી થઈ આવી? રિસેપ્શન વખતો તો…”

“તને ખુશ કરવા…તારા સંતોષ માટે. તું એ જ ઈચ્છતો હતો ને!”

“હું શું ઈચ્છતો હતો?”

“એ જ કે હું પ્રકાશનું અપમાન કરું….પ્રકાશને ધુત્કારી કાઢું…પ્રકાશ સાથે ઝઘડો થયા બાદ તેં પ્રકાશને ચેલેન્જ આપી હતી ને કે, યાદ રાખજે…જે આશ્લેષા પાછળ તું આટલો ગાંડો છે તે તને જ એક દિવસ ધિક્કારશે….” હવે તો તને શાંતિ થઈને! આશ્લેષા એકીશ્વાસે બોલી રહી.

“…પણ આશુ? પ્રકાશનું કરિયર તું જાણતી નથી…”સ્મગલિંગ”માં એ સંડોવાયેલો છે…એની પાછળ તો પોલીસ તપાસ ચાલે છે…” કાર્તિક આશ્લેષાને સમજાવી રહ્યો.

“પોલીસ તપાસ! હું….કાર્તિક, તું મારાં બા-બાપુને ભરમાવી શકે…તારા પૈસાથી દુનિયાને તું ખેલ ખેલાવી શકે પણ પ્રકાશને તો નહીં જ. તું ભલે મને ખરીદી શકીશ…પણ મને અંધારામાં તો રાખી નહીં જ શકે…સ્મગલિંગમાં પ્રકાશ નહીં, પણ તું સંડોવાયેલો છે….મિસ કેકી સંડોવાયેલી છે….આખી કંપનીનો વેપાર સ્મગલિંગના માલ પર ચાલે છે…..”

“ચૂપ રહે આશુ…..” તારા આ આક્ષેપની તારે કિંમત ચૂકવવી પડશે.” એને ધમકાવતાં કાર્તિક બોલી રહ્યો.

“પ્રકાશને ત્યજીને તારી સાથે પરણવું પડયું તે દિવસથી હું કિંમત ચૂકવી રહી જ છું ને…કાલે એની પરાકાષ્ઠા આવશે…” આંખોમાં આંસુ સાથે આશ્લેષા બોલી.

“શાની પરાકાષ્ઠા?”

“પ્રકાશ કાલે ઘેર આવશે…એક ભગ્ન પ્રેમી તરીકે નહીં…ફરજ પરના અધિકારી તરીકે…દરોડો પાડવા…કાળાં નાણાંની શોધમાં.” આશ્લેષા બોલી રહી.

કાર્તિક સ્તબ્ધ થઈ ગયો.

“પણ તને કેવી રીતે ખબર પડી?” તે બોલ્યો.

“એ ના પૂછ કાર્તિક…..! પ્રકાશ હજુ મારા માટે એ જ લાગણી…એ જ સ્નેહ ધરાવે છે…ગાંડાએ આવી ખાનગી વાત પણ….! !” કહેતાં આશ્લેષા રડી પડી.

અને ભાંગેલા હૈયે કાર્તિક આશ્લેષા પાસે ફસડાઈ પડયો….આશ્લેષા એની સામે દયામણી નજરે જોઈ રહી.

www.devendrapatel.in

Be Sociable, Share!