Close

એક યુવાન વિધવાનાં ઉર [ ટૂંકી વાર્તા ]

અન્ય લેખો | Comments Off on એક યુવાન વિધવાનાં ઉર [ ટૂંકી વાર્તા ]

સાબર આજે ફરી એકવાર તોફાને ચડી હતી. બંને કાંઠે છલોછલ થઈ વહેતી સાબરને જોવા ઊમટેલાં સહેલાણીઓથી નહેરુ બ્રિજ પર મેળો જામ્યો હતો.
બ્રિજના પૂર્વીય છેડા તરફ ધસી રહેલી એક ફિયાટકાર એકાએક ધીમી પડી. ફિયાટ ઊભી રહી ગઈ.
‘શાલીન! આ શું કરો છો?’ બાજુમાં બેઠેલ શ્વેત વસ્ત્રોધારી શ્વેતાંગના લીલાએ દબાયેલા સ્વરે પૂછયું.
‘જુઓ ને! સાબરમાં પૂર આવ્યું છે…એક મિનિટ જરા આપણે પણ જોઈ લઈએ.’ શાલીને ચાવી સંભાળતાં કહ્યું.
‘આઈ એમ ટાયર્ડ,…પ્લીઝ, જલદી મૂકી જાવ ને ઘેર!’ લીલાએ વિનંતી કરી.
‘ઓલ રાઈટ….એઝ યુ પ્લીઝ.’ કહેતાં શાલીને ફરીથી ચાવી ફેરવી. કાર સ્ટાર્ટ કરી અને પૂર જોવા ઊતર્યા વિના જ કાર દોડાવી મૂકી. મિરઝાપુર, દિલ્હી ચકલા થઈ કાર શાહીબાગના રસ્તે વળી.
શાલીન માટે આજનો અનુભવ નવો નહોતો. ત્રીસેક વર્ષનો તે સુખી કહીં શકાય એવો યુવાન હતો અને લીલા! લગભગ પાંત્રીસેક વર્ષની ઉંમર ધરાવતાં યુવાન વિધવા હતાં. એમને વિધવાના સ્વરૂપમાં જોતાં જ કોઈના પણ મોંમાંથી સહેજે સિસકારો નીકળી જાય એવું એમનું રૂપ, વય અને દેહ હતાં. લીલાની આંખોનો કેફ હજુ જામમાંથી વણવપરાયેલા શરાબની જેમ અકબંધ હતો. સુંવાળું સૌંદર્ય ધરાવતું એનું દેહલાલિત્ય કોઈ કુંવારી કન્યાને પણ શરમાવે એવું હતું. ક્ષણે ક્ષણે ધ્રૂજતા એના અધરો હજુ તો હમણાં જ ખીલેલી મોગરાની કળીઓ જેવા ભાસતા હતા…અને છતાંયે લીલાનો દેહ શ્વેત વસ્ત્રોથી-લપેટાયેલો હતો તે હકીક્ત હતી, અલંકારો રહિત એનાં અંગો એ પણ હકીક્ત હતી…પતિના અવસાનને પૂરાં પાંચ વર્ષ વીત્યાં હતાં, પતિનું અવસાન પણ કેવા સંજોગોમાં? બાથરૂમમાંથી અનિલનો દેહ લોહીભીની હાલતમાં મળી આવ્યો હતો. એ કેસ હજુયે પોલીસ દફતરે પડેલો જ હતો. ત્યારબાદ લીલાને એક બે જણે લગ્ન માટે ઓફર કરેલી, પણ તે ઓફર લીલાએ નકારી કાઢી હતી….પરંતુ છેલ્લાં ચાર-પાંચ માસથી તે શાલીનના પરિચયમાં આવી હતી અને વિધવા બન્યા બાદ પહેલી જ વાર તે શાલીન સાથે ક્યાંક ક્યાંક ઘૂમવા જતી. પણ એ ખૂબ ઓછું જતી. તે ખૂબ ઓછું બોલતી, ખૂબ ઓછું હસતી.
શાહીબાગ અંડરગ્રાઉન્ડ બ્રિજને પસાર કરી મોટરકાર રાજભવન થઈ કેમ્પ તરફ ઊપડી. કેન્ટોનમેન્ટના જૂના બંગલાઓ પૈકી એક બંગલા પાસે ઊભી રહી.
શાલીન બારણું ખોલી જ્યાં પગ નીચે મૂકે છે ત્યાં જ નજીકમાં થઈ દોડી જતી એક મોટર સાઈકલે કીચડ ઉછાળ્યો અને શાલીનના આખા શરીર પર છંટાઈ ગયો…લીલા શાલીનની આ હાલત જોઈ વધુ ગંભીર બની, તેણે જોયું તો શાલીન ગુસ્સામાં હતો.
‘નોનસેન્સ.’ લીલાથી બોલી જવાયું: ‘ચાલો અંદર, હવે તો નાહવું જ પડશે.’
શાલીન લીલાને અનુસરતો અંદર ગયો.
લીલાએ ડ્રોંઈગ રૂમમાં પેસતાં જ બૂમ મારીઃ ‘મંજી! ઓ મંજી!’
‘એ આવી.’ કહેતાં મંજી રસોડામાંથી સીધી જ ડ્રોંઈગ રૂમમાં આવી અને શાલીનની હાલત જોતાં જ હસી પડી.
‘બાથરૂમમાં ટોવેલ મૂકીને સાહેબનાં કપડાં તાત્કાલિક ધોઈ નાખજે હોં!’ લીલાએ પ્રેમપૂર્વક ફરમાન કર્યું.
‘જી…’ કહેતાં મંજી રસોડા તરફ વળતાં વળતાં બોલીઃ ‘સાહેબ અહીં જમશે ને?’
લીલાએ સ્મિત કરતાં હા પાડી.
‘પણ…હવે હું પહેરીશ શું?’ શાલીને પૂછયું.
અને લીલા વિચારમાં પડી ગઈ….થોડીક ક્ષણો સુધી યથાવત્ ઊભા રહ્યા બાદ તે અંદરના ખંડ ભણી ગઈ. ગોદરેજનું કબાટ ખોલી હેંગર પર લટકતાં મરહૂમ પતિનાં વસ્ત્રોને તે સ્પર્શી રહી…એનો હાથ ફફડી રહ્યો…એક હેંગર ઉપાડી લાવી સામે ધરી દીધું. શાલીન લીલાના ભાવ પારખવા કોશિશ કરી રહ્યો.
પણ વધુ ક્ષણ સુધી ઊભા રહેવું યોગ્ય ન લાગતાં બે ખંડ વટાવી પાછળના ભાગમાં આવેલા બાથરૂમ તરફ ઊપડયો. લીલા એની પૂંઠ તરફ તાકી રહી અને સામેના બારણામાં ઊભેલી મંજી લીલા તરફ તાકી રહી….
રાત પડી ચૂકી. રસ્તાઓ વીજળીના દીવાઓથી ઝગમગી ઊઠયા અને શાહીબાગ પોલીસ મથકની ઘંટડી રણકી ઊઠી.
‘ઈન્સ્પેક્ટર જાડેજા હિયર…’
‘મિ.જાડેજા! કેન્ટોનમેન્ટ, બંગલા નંબર એક્સ-૩૫ યસ મર્ડર કેસ.’
‘કેન્ટોનમેન્ટ એક્સ-૩૫ ?’
‘યસ મિ.જાડેજા…આ એ જ બંગલો છે, જ્યાં પાંચ વર્ષ પહેલા મિ.અનિલ મહેતાનું ખૂન થયું હતું…’
‘હું હાલ જ જાઉં છું.’ કહેતાં ઈન્સ્પેક્ટર જાડેજા ફોન મૂકી જીપ લઈને કેન્ટોમેન્ટ તરફ ઊપડયા.
જાડેજા ત્વરાથી બંગલામાં પ્રવેશ્યા. ડ્રોઈંગ રૂમના એક સોફામાં લીલા ઢગલો થઈને પડી હતી, બાજુમાં મંજી એના સાનિધ્યમાં ઊભી હતી.
‘હું ઈન્સ્પેક્ટર જાડેજા….આપે પોલીસને પર ફોન કર્યો હતો?’
‘જી…’ મંજીએ કહ્યું: ‘આવો’ કહેતા તે અંદર ચાલવા માંડી.
ઈન્સ્પેકટર લીલા તરફ ધ્યાનપૂર્વક નજર ફેંકતા આગળ વધ્યા. બે ખંડો વટાવી તેઓ તોડી નાખવામાં આવેલા બારણાવાળા બાથરૂમ પાસે જઈ અટક્યા. વિશાળ બાથરૂમના સફેદ આરસપહાણ પર શાલીનનો દેહ ચત્તો પડયો હતો. ભીની ફર્શ પર લોહીનું વહેણ ખાળના છિદ્રો તરફ દોરાતું હતું. લોહી ફક્ત માથામાંથી જ વહેતું હતું. બાથ લઈ રહેલા શાલીનનું શરીર નિર્વસ્ત્ર હતું. શાવર હળવો હળવો ફુવારો હજુયે છોડી રહ્યો હતો અને તેથી વહેતું લોહી ઝડપથી વહી રહ્યું હતું. બાથરૂમની લાઈટ્સ યથાવત્ ચાલુ હતી…ઈન્સ્પેક્ટર જાડેજાએ ખૂબ જ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી મંજી સામે જોયું તો તે આંખો પર આંગળાં દાબી ઊભી હતી.
બાથરૂમની ભીની ફર્શ પર દેહ પડયો હતો. ઈન્સ્પેકટર જાડેજાએ કેટલીયે વાર સુધી એ મૃતદેહનું નિરીક્ષણ કર્યા કર્યું. બારણામાં ઊભા જ ચારેકોર દ્રષ્ટિ દોડાવી. સફેદ આરસપહાણ પર થઈ વહેતું લોહી પણ હવે ઘટી રહ્યું હતું. સામેની દીવાલ પર એકમાત્ર નાનકડું વેન્ટિલેટર હતું. પણ એ લીલા કાચનું હતું અને ભીડાયેલી હાલતમાં હતું. વેન્ટિલેટરમાંથી થઈ કોઈ અંદર પ્રવેશી શકે એમ પણ નહોતું.
ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ફોટોગ્રાફર આવે ત્યાં સુધી ઈન્સ્પેક્ટરે પ્રાથમિક પૂછપરછ કરવા વિચાર્યું. તેઓ ડ્રોઈંગ રૂમમાં પરત આવ્યા. લીલા હજુયે અર્ધ બેભાન જેવી હાલતમાં સોફામાં પડેલી હતી. મંજી પણ ઈન્સ્પેકટરની પાછળ-પાછળ ડ્રોઈંગ રૂમમાં આવી.
‘મિસિસ મહેતા! આ ખૂન થયું ત્યારે તમે ક્યાં હતાં? ઈન્સ્પેકટરે પૂછયું.’
લાલચોળ આંખોવાળો વ્યથિત ચહેરો ઊંચકતાં લીલા ઘડી-બે ઘડી તો કંઈ જ બોલી નહીં…ઈન્સ્પેક્ટરને કોણ જાણે કેમ પણ આ યુવાન વિધવા પ્રત્યે પૂરતી હમદર્દી હતી. તેઓ પણ શાંતિથી ધીરજ ધરીને બેઠા હતા.
‘સાહેબ!’ લીલાને બદલે મંજીએ શરૂ કર્યું: ‘બે’ન અને સાહેબ સાંજે બહારથી આવ્યાં એ વખતે આપણા બંગલા આગળ જ એક મોટરસાઈકલે કાદવ ઉછાળ્યો…ને સાહેબનાં કપડાં અને મોં પર છાંટા ઊડયા હતા…સાહેબ બાથરૂમમાં…’
‘ઈન્સ્પેકટર સાહેબ!’ મંજીની વાતને રોકતાં જ લીલા બોલી ઊઠીઃ ‘કંઈ જ સમજાતું નથી…આ શું થઈ રહ્યું છેે….? કોણ કરી રહ્યું છે? પ્લીઝ હેલ્પ મી.’
‘યુ નીડ નોટ વરી… મિસિસ મહેતા….પોલીસ તરફથી તમને પૂરતી મદદ મળશે…હા, તો પછી શું થયું?’
લીલાએ જ શરૂ કર્યું, ‘મંજી, કદાચ કિચનમાં રસોઈ કરી રહી હતી….મને ઘરમાં ઊકળાટ લાગતો હતો…શાલીન બાથ લેતા હતા એટલે હું ટેરેસ પર ચક્કર લગાવવા ગઈ…થોડીક વાર બાદ નીચે આવી. મેં મંજીને પૂછયું કે, ‘શાલીન જતા રહ્યા?’- તો મંજીએ કહ્યું: ‘ના, હજુ તો સાહેબ બાથરૂમમાં જ હોય એમ લાગે છે.’ મને જરા નવાઈ લાગી…પા કલાક થયો, અડધો કલાક થયો. પણ શાલીન બાથરૂમમાંથી બહાર આવ્યા નહીં…મને ચિંતા થઈ, મેં બૂમ મારી પણ અંદરથી જવાબ મળ્યો નહીં. મંજી પણ દોડતી આવી…. અમે બેઉએ મળી બાથરૂમનું બારણું તોડી નાખ્યું…અને જોયું તો…!’
લીલા ફરી અટકી ગઈ. ઈન્સ્પેક્ટર ધ્યાનપૂર્વક લીલાના ચહેરા પર બદલાતી રેખાઓનું અવલોકન કરી રહ્યા હતા
રી રહ્યા હતા.
‘ઈન્સ્પેક્ટર! ધીસ ઈઝ અનધર મર્ડર ઈન ધી સેઈમ બાથરૂમ, વ્હેર માય હસબન્ડ વોઝ ઓલ્સો કીલ્ડ.’ લીલાએ પાંચ વર્ષ પહેલાંની ઘટના તાજી કરાવી.
‘યસ…આઈ નો ધેટ….પણ મિસિસ મહેતા! તમારો મિસ્ટર શાલીન સાથેનો….સં…બં…ધ?’
‘એ મારા દોસ્ત હતા…’
‘એમની સાથે લગ્નનો કોઈ ઈરાદો….’
‘નો ઈન્સ્પેકટર…વી વેર જસ્ટ ફ્રેન્ડ્ઝ…પણ ભવિષ્યમાં કદાચ….ઈન્સ્પેકટર, પ્લીઝ! ડોન્ટ આસ્ક મી પર્સનલ ક્વેૃન્સ…’ લીલાએ ર્હાિદક વિનંતી કરી.
‘આઈ એમ સોરી…મિસિસ મહેતા…પણ તમને કોઈની પર શક…?’
લીલા થોડીક ક્ષણો સુધી ફરી વિચારમાં પડી ગઈ….અને એ હોઠ ઉઘાડવા જાય એ પહેલાં જ બહાર જીપ આવી ને અવાજ તરફ ધ્યાન ખેંચાયું. ફોટોગ્રાફર, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને બીજા બે-ત્રણ કોન્સ્ટેબલો અંદર પ્રવેશ્યા. ઈન્સ્પેકટરે ઊભા થઈ પોતાને અનુસરવા એમને સૂચન કર્યું. આખીયે ટુકડી ડ્રોઈંગ રૂમ વટાવી બાથરૂમ પાસે પહોંચી…મૃતદેહમાંથી લોહી વહી વહીને હવે અટકી જવા આવ્યું હતું. શાવર હજુ ચાલુ હતો. ફોટોગ્રાફરે દૂર રહી જુદા જુદા એંગલથી તસવીરો લેવા માંડી…તે ધીમેથી બૂટ કાઢી બાથરૂમમાં પ્રવેશ્યો. અને એકા એક એણે ચીસ પાડીઃ ‘ઓ…ઉં….!’ ફોટોગ્રાફરની અચાનક ચીસ સાંભળી બધા ચોંકી ઊઠયા. ફોટોગ્રાફરના મોં પર વેદના હતી. એક પગ ઊંચકી લેતાં એણે નીચે નજર કરી તો પાનીમાંથી લોહી દડદડ વહી રહ્યું હતું.
‘વોટ હેપન્ડ?’ ઈન્સ્પેકટરે પૂછયું.
ફોટોગ્રાફરે પગ બતાવતાં ફર્શ પર નજર કરી…અને વાંકા વળી આંગળી ફેરવતાં કંઈક શોધી કાઢયું. ફરીથી ઊભો થતાં એણે શોધી કાઢેલો કાચનો ટુકડો ઈન્સ્પેકટરની હથેળીમાં મૂક્યો. ઈન્સ્પેકટરે ધ્યાનપૂર્વક કાચનો ટુકડો હથેળીમાં રાખી જોયા બાદ નજર ઉઠાવીને ભીંત પરના વેન્ટિલેટર પર ફેંકી. કાચના ટુકડાનો રંગ લીલો હતો અને વેન્ટિલેટર પણ લીલા કાચનું હતું…પણ વેન્ટિલેટર કયાંયથી પણ તૂટેલું દેખાતું નહોતું.
કાચના ટુકડાને એક જરૂરી પુરાવા તરીકે સાચવવા બાજુમાં ઊભેલા કોન્સ્ટેબલને સોંપતાં તેઓ બાથરૂમમાં પ્રવેશ્યા. પણ વેન્ટિલેટર ઠીક ઠીક ઊંચું હતું. નાનકડું ટેબલ મંગાવીને અન્ય પુરાવાઓને નુકસાન ન થાય એ રીતે ટેબલ ગોઠવ્યું. એની ઉપર ઊભા રહી વેન્ટિલેટરને સ્પર્શ્યા વિના જ એનું નિરીક્ષણ કર્યું. બરાબર ઊંડી નજર ફેંકતાં એક ખૂણા પરથી વેન્ટિલેટરનો કાચ તૂટયો હોય એવું સ્પષ્ટ વર્તાતું હતું. વેન્ટિલેટરને જોસભેર બંધ કરતાં પછાડવાથી કાચની કરચ ઊડી હશે એમ કલ્પવા માટે પૂરતાં કારણો હતાં.
‘ખૂનીએ પોતાનું કામ આ વેન્ટિલેટરની બારીમાંથી કર્યું છે…’ ઈન્સ્પેકટર ટેબલ પર ઊભા ઊભા જ બોલ્યા. ધીમે રહીને તેઓ નીચે ઊતર્યા….શાલીનનો મૃતદેહ નિર્વસ્ત્ર હોઈ લીલા અને મંજી બાથરૂમમાંથી થોડેક દૂરના પેસેજ પાસે ઊભાં હતાં.
‘વેન્ટિલેટરની સ્ટોપર પણ અંદરથી ભીડેલી નથી.’ બબડતાં ઈન્સ્પેકટર ખુદ ટેબલ ઉઠાવતાં બહાર આવ્યા.
‘મિસિસ મહેતા! બાથરૂમની પાછળની બાજુ જવાનો રસ્તો?’ ઈન્સ્પેકટરે પૂછયું.
લીલા ઘડીભર કંઈ બોલી નહીં.
મંજીએ સહેજ ખચકાતાં રસ્તો બતાવ્યો. પેસેજની નીચે ઊતરી પાછલા કંપાઉન્ડમાં જઈ લાકડાની જાળી ધરાવતા બીજા પેસેજ ભણી સૌને દોરી ગઈ.
‘આ બાથરૂમની પાછલી ભીંત.’ કહેતાં મંજીએ ભીંત બતાવી.
ઈન્સ્પેકટરે નજર કરી તો એ જ વેન્ટિલેટર અહીં દેખાતું હતું. એમણે ટેબલ ગોઠવ્યું અને ઉપર ચડયા. ખિસ્સામાંથી પેન કાઢી. વેન્ટિલેટરને આંગળીનો સ્પર્શ ન થાય એ રીતે પેન કાચ પર દબાવી…તો વેન્ટિલેટર અંદરની દિશા તરફ ખૂલ્યું. અંદર નજર કરી તો મૃતદેહ સાફ વર્તાતો હતો. ખૂનીની યોજનાને પારખી ગયા હોય એ રીતે થોડોક આનંદ અનુભવતા ઈન્સ્પેકટર નીચે ઊતર્યા અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને વેન્ટિલેટર પરનાં આંગળાંની છાપ લેવા નિશાની કરી.
ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ટેબલ પર ચડયો…અને ત્યાં જ
‘ઈન્સ્પેકટર સાહેબ! ઈન્સ્પેકટર સાહેબ!’ સંભળાયું. ઈન્સ્પેકટરે ચોંકીને ચારે બાજુ નજર કરી પણ કોઈ જ દેખાયું નહીં.
ફરીથી બૂમ આવીઃ ‘ઈન્સ્પેકટર!’
લીલા પેસેજ પર બેભાન થઈ ઢળી પડી હતી. એના કપાળે પરસેવાનાં ટીપાં બાઝયાં હતાં. જોસભેર શ્વાસ લઈ વારે વારે સ્થિર થઈ જતું એનું ઉર અંદરની મૂંઝવણ સ્પષ્ટ કરતું હતું. ઈન્સ્પેકટરે એમનો એક હાથ એની તરફ લંબાવ્યો અને એકાએકા અટકી ગયા…વૈધવ્યના આંચળા હેઠળ અકબંધ રહેલું એનું યૌવન દ્રષ્ટિપાત થતાં શાયદ એમને સંકોચ થયો…ચાલાક મંજી પરિસ્થિતિને પામી ગઈ. જે કામ ઈન્સ્પેકટર કરવા માંગતા હતા. એ કામ મંજીએ કરી નાખ્યું. લીલાની છાતી પર ગજવેલના બંધે ભીંડાયેલ બ્લાઉઝના ઉપર એક બટનને ખોલી નાખ્યું…જેથી તે સરળતાથી શ્વાસ લઈ શકે અને મૂંઝવણ ઘટે. એક કોન્સ્ટેબલ પાણી લઈ આવ્યો. ઈન્સ્પેકટરે ગ્લાસ પોતાના હાથમાં લીધો અને હથેળીમાં પાણીની છાલક લઈ લીલાના મોં પર છાંટવા જાય છે ત્યાં જ……એમનો હાથ થોડીક ક્ષણો સુધી હવામાં જ રહી ગયો. નજર ઔચિત્યનો ભંગ કરીને પણ ખુલ્લી થયેલી લીલાની છાતી પર ચોંટી ગઈ અને કેટલીયે વાર સુધી બેશરમ બનેલી ઈન્સ્પેકટરની દ્રષ્ટિ ત્યાંથી ખસી નહીં- હથેળીમાંનું પાણી પણ આંગળાં વચ્ચે થઈ ટીપે ટીપે નીચે સરી પડયું. મંજી સહેજ શરમાઈને પંખો લેવાના બહાને અંદરના ખંડ ભણી ચાલી ગઈ.
ઈન્સ્પેક્ટરની નજર લીલાના ઉર પર ઉપસેલા નિશાન સુધી એ નજર પહોંચી ગઈ હતી. એ નિશાન કોઈના દાંતના હતાં. આ વાત માની શકાય એવી નહોતી. કેમ કે લીલા વિધવા હતી. એને માટે કોઈ દામ્પત્યજીવન નહોતું. છતાંયેદાંતના નિશાન એ હકીક્ત હતી. – ઈન્સ્પેકટર માટે આ કોયડો બન્યો, પરંતુ એ કોયડો ઊકલે તો ખૂનનું રહસ્ય ઉકેલવામાં ઘણી સરળતા થાય એ પણ સ્પષ્ટ હતું.
હજુયે ઈન્સ્પેકટરની નજર ત્યાં જ ઠરેલી હતી. બેઠેલા દાંતના ગોળાકારની વચ્ચે બાઝી ગયેલા લોહીથી લીલું ચાઠું પડી ગયેલું હતું. એક લાંબો શ્વાસ લેતાં ભીના હાથે સહેજ પણ સંકોચ પામ્યા વિના લીલાના બ્લાઉઝને સરખું કરી દીધું અને ફરીથી પાણીની છાલક લઈ લીલાના ચહેરા પર છાંટયું. એટલામાં મંજી પંખો લઈ ત્યાં આવી. ઈન્સ્પેકટરે પાણીનો ગ્લાસ મંજીને સોંપ્યો અને ઊઠીને તેઓ એકાએક બાથરૂમ ભણી ચાલ્યા.
બાથરૂમમાં પ્રવેશી શાલીનના મૃતદેહને એક ક્ષણ જોઈ લીધો. ત્યારબાદ ધીમેથી એના મોં પાસે જોઈ એક આંગળી શાલીનના જડ બની ગયેલ મોંમાં નાખી અને ભિડાઈ ગયેલી બત્રીસીમાં ફેરવી.
‘તો શાલીન સિવાય બીજુ કોણ હોઈ શકે?’ ઈન્સ્પેકટર એકલા એકલા બબડયા.
લોહીવાળી થયેલી આંગળીને બાજુના વોશબેસીનમાં ધોઈ નાખી તેઓ બહાર આવ્યા. તે દરમિયાન લીલા ભાનમાં આવી ચૂકેલી હતી. હાથ લૂછતાં લૂછતાં ઈન્સ્પેકટરે એક નજર લીલાના ચહેરા તરફ કરી. લીલાની આંખોમાં ક્ષોભ હતો પરંતુ ‘ગિલ્ટી’ હતી કે કેમ તે નક્કી કરી શકાયું નહીં. ઈન્સ્પેકટરની નજર ઊઠીને મંજી તરફ ગઈ. મંજી સહેજ ગભરાઈને લીલા તરફ સરકી, એનો એક હાથ લીલાના ખભે વળગી રહ્યો તે લગભગ લીલાની પાછળ જ લગોલગ ઊભી રહી.
અને એકાએક ઈન્સ્પેકટરે ચાલવા માંડયું. જાણીબુજીને પણ અજાણતામાં જ પોતાના બૂટની એડી મંજીના પગનાં આંગળાં છૂંદાય એ રીતે મૂકી-અને મંજી એક ચીસ પાડી ઊઠી.
‘ઓ….મા….! !’
ઈન્સ્પેકટરે ત્વરાથી એને પડતાં બચાવી લઈ મંજીના ખૂલેલા મોંમાં નજર ફેંકી લીધી. મંજી હજુયે બૂમો પાડતી હતી. ઈન્સ્પેકટરને મંજીનં મોં જોવાની બે ત્રણ વધુ તકો સાંપડી.
મોડી સાંજે.
પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા ઈન્સ્પેકટર જાડેજા ઊંડા વિચારમાં ગરકાવ થયેલા હતા. નોકરાણી મંજીના દાંતના નિશાન લીલાની છાતી ઉપર! લીલાની છાતીના નિશાનમાં રાક્ષીના દાંતનો ઊંડો ખાડો નહોતો દેખાતો. મંજીએ ચીસ પાડી તો જોવા મળ્યું કે એના મોંમાં પણ રાક્ષીનો દાંત નથી.
‘તો શું નૌકરાણી અને લીલા એક દૂસરેના પ્રેમી છે! લેસ્બીયન.’
કેસ સ્પષ્ટ હતો. મંજી મજબુત છોકરી છે. એ લેસ્બિયન સંબંધોમાં એટલી ઝનુની બની ગઈ હતી કે લીલા કોઈ પુરૂષની થાય એ સહન ન કરી શકતી હોય. એટલે જ તેણે પાંચ વર્ષ પહેલાં લીલાના પતિને આ જ રીતે બાથરૂમમાં મારી નાંખ્યો હતો અને હવે શાલીનને!
બસ, ફિન્ગરપ્રિન્ટ મળી જાય તો વાત પાકી થઈ જાય! ઈન્સ્પેક્ટર વિચારતાં વિચારતાં મોટેથી બોલી ગયા.
‘સાહેબ….ફિંગરપ્રિન્ટ બરાબર મળી જાય છે. વેન્ટિલેટર પરનાં આંગળાંની છાપ અને મિસ મંજીનાં આંગળાંની છાપ એકસરખી આવે છે.’ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે આવતાંવેંત પોતાનો અહેવાલ રજૂ કર્યો.
‘વેરી ગુડ….! તો મારી શંકા સાચી પડી.’ કહેતાં ઈન્સ્પેકટર જાડેજા મંજીની ધરપકડ કરવા જવા ઊભા થયા.
થોડા જ સમયમાં તેમની જીપ લીલાના ઘેર ઊભી રહી. તરત જ મંજીને પકડી લેવાઈ. તેણે ગુનો કબૂલ કર્યો. લીલા આઘાત અને ક્રોધથી થરથર ધ્રુજતી મંજીને જોઈ રહી હતી.
પણ જે લોખંડના સળિયા વડે એણે વેન્ટિલેટરમાંથી બે ખૂનો કર્યા હતાં તે સળિયો કયાં મૂક્યો છે એ તમારે જાણવું હોય તો જેલમાં જઈ એને જ પૂછી લેજો.
www.devendrapatel.in

Be Sociable, Share!