Close

એણે હાથ પર મારું નામ કોતરાવ્યું: ‘મધુ’ [ટૂંકી વાર્તા ]

અન્ય લેખો | Comments Off on એણે હાથ પર મારું નામ કોતરાવ્યું: ‘મધુ’ [ટૂંકી વાર્તા ]

મુંબઈ મારા માટે નવું નવું હતું અને એમાંયે કચેરી, સ્ટાફ, વાતાવરણ પણ સાવ અપરિચિત. એન્જિનિયરિંગ કરતાં કરતાં પણ મારો લેખક જીવ સળવળતો રહ્યો. મેં ઈજનેરી છોડી અને પત્રકારિત્વની કારકિર્દીનો આરંભ કર્યો. પણ આજનો દિવસ પ્રથમ હતો. અદ્યતન અને નમૂનેદાર ઈમારતોથી ખરડાયેલા કોર્ટ વિસ્તારમાં મારા અખબારની કચેરી પણ પોતાની આગવી વિશેષતાઓને જાળવતી ખડી છે. મને એક સુંદર ચેમ્બર આપવામાં આવી છે. મેનેજર મને ચેમ્બર સુધી દોરી ગયા.

 ‘ફર્સ્ટ કલાસ’: કહેતાં મેં ચેમ્બર અને મેનેજરના વર્તન અંગે પ્રમાણપત્રમિશ્રિત વિધાન કર્યું અને છેવટે ઉમેર્યું: ‘થેંકસ.’ મેનેજરે સ્મિત આપ્યું. ટેબલ-ખુરશી, ફાઈલો અને પટાવાળાને બોલાવવા માટેના બેલની ઘંટડી સુદ્ધાં તેઓ બતાવતા ગયા. હું ખુરશીમાં ગોઠવાયો, પૂરી સદ્ધરતાથી હાલમાં શરૂ થયેલા એક અખબારની સાપ્તાહિક પૂર્તિ વિભાગના સંપાદક તરીકે. ઘણાં જ ટૂંક સમયમાં ભારે લોકપ્રિયતા પામેલું આ અખબાર લોકોના દિલોદિમાગ પર છવાઈ જાય એવાં નવાં ‘ઈનસેટીવ્ઝ’ શરૂ કરવાની ગણતરી સાથે મારી નિમણૂક કરાઈ હતી.આજે મારી સામેનું ટેબલ સાવ ખાલી ખાલી હતું. આજનાં વર્તમાનપત્રો, થોડાક કાગળ, બોલપેન્સ, ટાંકણીઓ, ફાઈલો બધું જ. એ બધાંને મારે ઓપ આપવાનો હતો. મેં સિગારેટ કાઢી. દરમિયાન પટાવાળો પાણી અને હાથમાં એક પેકેટ લઈને પ્રવેશ્યો. પાણી ટેબલ પર મૂક્તાં એણે પેકેટ મારા હાથમાં આપ્યું અને બોલ્યોઃ ‘સાહેબ, આ વાર્તા વાંચી રાખવા મોકલાવી છે.’

‘વા…હ!’ કહેતાં મેં વાર્તા લીધી અને પૂછયું: ‘કોણે મોકલાવી છે?’

‘મને તો એડિટર સાહેબના પટાવાળાએ આપી…’

‘આઈ…સી…!’ કહેતાં મેં વાર્તા લીધી.

પટાવાળો ચાલ્યો ગયો. પાણી પી લીધા બાદ મેં પેકેટ ખોલ્યું. સફેદ કાગળો પર ખૂબ જ સુંદર અક્ષરે વાર્તા લખાયેલી હતી. વાર્તા અત્યંત ટૂંકી હતી. વાર્તા વાંચવી મેં શરૂ કરીઃ

સૂર્ય ઊગ્યો.

મેં બારીમાંથી જોયું તો પૂર્વઆકાશ હજુ રતુંબડું હતું. છેવાડાનાં ઘરોમાંથી નીકળતી ધૂૂમ્રસરો પણ રાતી રાતી જણાતી હતી. વારંવાર બારીમાંથી ડોકિયાં કરતાં મને જોઈ જતાં બાએ પૂછયું, ‘અલી…એ…! અત્યારમાં કંઈ કામબામ છે કે…નહીં? ત્યાં બારીમાં શું દાટયું છે…?’

‘કંઈ નહીં…બા…આ તો આજે સવાર મોડી પડી હોય એમ મને લાગ્યું…એટલે જોતી હતી કે, ગોવાળ ઢોરાં છોડાવવા નીકળ્યો છે કે…નહીં!’

‘એ…મ!’ કહેતાં બાએ મારો કાન પકડયોઃ ‘રોજ હું બૂમો પાડીને થાકું છું તોયે ભેંસોને તું અડતી નથી ને…આજે…’

‘ઓ…મા!’ ચીમળાયેલો કાન છોડાવી હું દૂર હટી ગઈ.

પણ બાએ મને ગંભીરતાથી કહ્યું: ‘જો….બેટા…હવે તું મોટી થઈ….ઓઢણી પહેરતાં શીખ.’

‘ના…બા…’મેં મોઢું ફૂલાવી ના પાડી.

‘ના-બા-ના હવે ના ચાલે. જરા તો વિચાર કર….બેટા…હવે ખાલી ઘાઘરી-પોલકું તે ના શોભે….’

અને ગોવાળની બૂમ સંભળાઈ. મારા કાનોમાં જાણે હજાર હજાર સિતાર વાગી રહી. જાણે કે શંખનાદ થયો. નગારાં પીટાયાં. મારાં ચક્ષુઓની આસપાસ સપ્તરંગી મેઘધનુષ રચાયું. હું ઘરમાંથી બહાર નાઠી. ગભાણે બાંધેલી ભેંસો છોડી મૂક્તાં હું ફળિયામાંથી બહાર નાઠી.

‘ક્યાં જાય છે….! ક્યાં જાય છે?’ બા બૂમો પાડતી રહી.

પણ હું તો ક્યાંય દૂર નીકળી ગઈ. ગામનું પાદર છોડી, સાંકડું નાળિયું વટાવી સીધી કોતરોમાં ઊતરી પડી.

‘મ…ધુ…!’ એક બૂમ સંભળાઈ.

મેં જોયું તો સામેની કોતરો પરથી એ બૂમ આવી રહી હતી…એ મારો દોસ્ત…મારો પોતાનો-મારો દોસ્ત હતો. એને જોઈને હું થંભી ગઈ. મેં સામે બૂમ મારીઃ ‘હું આ રહી!’

‘હું આવું છું.’

અને એ મારી તરફ દોડયો. પણ અહીં આવવા એ જેવો કોતરમાં ઊતર્યો એવી હું પણ સંતાઈ જવા નીચે ઊતરી ગઈ.

‘મ…ધુ!’ એના અવાજથી કોતરો ગાજી રહ્યાં,

પણ હું ચૂપચાપ સંતાયેલી રહી.

‘મ…ધુ, તું બહાર આવ…મારા સમ….તારી વિદ્યાના સમ.’

‘એ…આ…આવી.’ કહેતાં હું કોતર ચડી ગઈ અને હસી પડી.

હું પકડાઈ ગઈ. ગુસ્સામાં લાલચોળ ચહેરે એ બહાર આવ્યો. મારી નજીક આવ્યો અને આવતાંની સાથે જ એણે મને એક જોરદાર તમાચ ફટકારી દીધી. હું રડી પડી. ખૂબ રડી. ધ્રુસ્કે ધ્રુસ્કે રડી. એણે મને ખૂબ મનાવી, પણ હું ના માની.

‘હવે કદી નહીં મારું…વિદ્યાના સમ.’ એવી ખાતરી મળતાં જ હું છાની રહી.

‘પેલું…લાવી?’

‘શું….?’મેં પૂછયું.

‘એક રૂપિયો.’

‘હા…હા લાવી છું.’ કહેતાં મેં કેડમાં સંતાડી રાખેલો રૂપિયો એને આપ્યો.

એણે ખિસ્સામાં વધેલા થોડા ચણા મને આપ્યા.

અને પરમ દિવસના ધારેશ્વરના મેળામાં મળવાનું નક્કી કરી અમે છૂટાં પડયાં. હું ઘેર પાછી ફરી. કોતરો ઓળંગતા એ સામેના ગામ-એના ઘેર પાછો ફર્યો.

આજે મેળો હતો.

ઊજળો ઊજળો દિવસ ને એમાંયે માનવ-મહેરામણ ઊમટયો હતો. ભાતભાતના ને જાતજાતના લોક. કોઈ પીપુડાં વગાડતું તો કોઈ ગાણાં ગાતું. કોઈ ચકડોળે ચડયું હતું તો કોઈ મદારીનો ખેલ જોતું હતું. હું એને જોઈ ગઈ. એ મને જોઈ ગયો. એણે બૂમ પાડીઃ ‘એ…મધુ!’

અને હું એની પાસે દોડીઃ ‘ચાલ…છૂંદણાં પડાવીએ.’

‘પણ…પણ…’

‘કેમ…શું થયું?’

‘મારી પાસે પૈસા નથી.’

‘પૈસા હું આપીશ…ચલ તો ખરો.’

– અને એ મારી સાથે આવ્યો. અમે સહુ છૂંદણાં પડાવવા બેઠાં. મેં આંખો બંધ કરી દીધી. હાથ પર મારું નામ કોતરાવ્યું: ‘મધુ’

એણે પૂછયું: ‘હું શું લખાવું?’

‘મધુ’: બોલતાં તો હું બોલી ગઈ, પણ તરત જ હું શરમાઈ ગઈ.

ઝડપથી પૈસા ચૂકવી હું દોડી ગઈ. એના હાથ પર એનું નામ લખાવે એની રાહ પણ જોવા હું ના રહી….અને લોકટોળામાં હું ભળી ગઈ. સહુ વેરવિખેર થયાં. ફરી મળ્યાં. ગામની સહિયરો મળી. છોકરા મળ્યા પણ પરગામનો ‘પેલો’ ના મળ્યો.

સાંજ પડી. મેળો સમેટાવા માંડયો. હાટડીઓ બંધ થઈ. દુકાનદારો નાણાં ગણી રહ્યા. ચકડોળવાળાએ પૈડાં ઉતારવા માડયાં. લારીઓ પોતપોતાને ગામ રવાના થઈ….અમે પણ ગામ ભણી નીકળ્યાં. પણ એ ના મળ્યો.

બીજા દિવસે ગોવાળની બૂમ સાંભળ્યા બાદ હું કોતરે ગઈ. ખૂબ રાહ જોઈ પણ એ ના મળ્યો. ત્રીજા દિવસે પણ ગઈ તોયે એ ના મલ્યો. ચોથા દિવસે ગઈ. મને થયું કે આજે તો ચોક્કસ એની બૂમ સંભળાશે….પણ કંઈ જ ન સંભળાયું. અને થાકીને મેં કોતરે જવાનું છોડી દીધું.

વર્ષ વીત્યું.

ફરી મેળો આવ્યો. એનો એ જ માનવ-મહેરામણ. ઘૂમતો ચકડોળ. નાની-મોટી હાટડીઓ અને એનો એ જ છૂંદણાવાળો. મેં છૂંદણાવાળાને પૂછયું: ‘એ આવ્યો હતો?’

‘કોણ….બહેન?’

કેટલીકવાર મૌન રહ્યા બાદ મેં કહ્યું: ‘ગઈ સાલ આવ્યો હતો તે-‘

અને છૂંદણવાળો મારી મૂર્ખતા પર હસ્યો.

મેળામાં મેં એને ખૂબ શોધ્યો…પણ એ ના મળ્યો.

સાંજ ઢળતાં હું પાછી ફરી, પણ એક વિચાર મારા મનમાં સેવાઈ રહ્યોઃ ‘અલી મધુ..રે! તું એક ગામની છોકરી, એ બીજા ગામનો છોકરો. ન ઓળખાણ ન પીછાણ…તો પછી તારે એના માટે આટલું બધું-?’

પણ એ સવાલ હું આગળ વધારી શકી નહીં. કારણ કે એનો જવાબ મારી પાસે હતો અને…નહોતો પણ.

આ વાતને વર્ષો વીત્યાં. જ્યાં કોતરો હતાં ત્યાં બંધ બંધાયો છે. જ્યાં મેળો જામતો હતો ત્યાં નવું ગામ વસ્યું છે. મેં ઘાઘરી-પોલકું તો ક્યારનુંયે છોડી દીધું છે.

પણ… પણ પેલો પ્રશ્નાર્થ હજુ હટતો નથી. મારા હાથ પરનું છૂંદણું એવું ને એવું જ છે. એમાં લખ્યું તો છે ‘મધુ.’ પણ મધુને બદલે એનું નામ મને દેખાય છે.

આમ કેમ?

– બસ વાર્તા અહીં પૂરી થતી હતી, છતાં અધૂરી હતી.

હું જાગ્રત થયો. વાર્તાનાં કાગળિયાં છેવાડે વાર્તાકારનું નામ ન હતું. મેં ઘંટડી વગાડી. પણ પટાવાળો બહાર આવે એ પહેલાં હું બહાર દોડયો.

‘કેમ…સાહેબ! મને બોલાવ્યો?’

‘આ વાર્તા તને કોને આપી હતી?’

‘એડિટર સાહેબના પટાવાળાએ.’

હું સીધો જ એડિટરની ચેમ્બર ભણી દોડયો. બહાર બેઠેલા પટાવાળાને પૂછયું: ‘આ વાર્તા તું ક્યાંથી લાવ્યો?’

પટાવાળાએ કહ્યું: ‘અંદરથી.’

ક્ષણનો પણ વિચાર કર્યા વગર હું ચેમ્બરમાં ઘસી ગયો. મારું હૃદય હાંફતું હતું. આંખોમાં તેજલિસોટા ફરતા હતા. સામેની આલિશાન ચેરમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક સ્ત્રી બેઠી હતી. ચહેરો પરિચિત-અપરિચિત હતો.

ઘડીભર હું સ્તબ્ધ રહ્યો.

મેં પૂછયું: ‘આ વાર્તા આપે લખી છે?’

પણ એનો જવાબ મલ્યો નહીં. કેટલીયે વાર સુધી ચાર આંખો પરસ્પરમાં કંઈ ઢૂંઢતી રહી. હું ખુરશીમાં બેઠો થઈ ગયો…અને ટેબલ પર મૂકેલો એમનો હાથ ઊંચો કરી સાડી ખસેડી લેતાં વાંચ્યું તો ગૌર હાથ પર લખ્યું હતું. ‘મ…ધુ.’

હું બોલી ઊઠયોઃ ‘મ…ધુ?’

એનો હાથ ઝડપથી છોડી દેતાં મેં મારા હાથની બાંય ચડાવી દીધી અને હાથ ધરી મારું છૂંદણું બતાવ્યું. લખ્યું હતું: ‘મધુ-માધવ.’

હું મધુને જોઈ રહ્યો.

મધુ મને-માધવને જોઈ રહી. અમારે એકબીજાને લાખ સવાલો પૂછવા હતા, લાખ મૂંઝવણો ઉકેલવી હતી, લાખ ફરિયાદો કરવી હતી.

પણ…

પણ અત્યારે તો અમે એકમેકની સામે જ જોઈ રહ્યાં હતાં.

કારણકે ‘વાર્તા’ હજુ અધૂરી હતી.

———————————————————————————————–દેવેન્દ્ર  પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!