Close

ઓડિયન્સે અભિસારની સાથે-સાથે આવેલી નિલાંજશાને પૂછયું: ‘મેડમ! તમે કોણ છો?’

અન્ય લેખો | Comments Off on ઓડિયન્સે અભિસારની સાથે-સાથે આવેલી નિલાંજશાને પૂછયું: ‘મેડમ! તમે કોણ છો?’

નવલકથા

પ્રકરણ-૧૦

યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વાતાવરણ શાંત હતું. મંચ પર શહેરની સુપ્રસિદ્ધ સ્ત્રી-સંસ્થાઓની અગ્રણી મહિલાઓ બેઠી હતી.

સ્ત્રીઓના પ્રશ્ને લડત ચલાવવા માટે જાણીતાં ચારૂલતા શ્રેષ્ઠા બોલી રહ્યાં હતાં: ‘બહેન અલંકૃતા આ નગરની દીકરી છે. તેઓ એક સેલિબ્રિટી છે. દેશ-વિદેશમાં તેમનું નામ છે. રાજ્યભરની શાળા-કોલેજામાં તેઓ પ્રેરક પ્રવચનો આપી ચૂક્યાં છે. તેઓ રૂઢિવાદી પણ નથી. સ્ત્રીઓ આધુનિક બની સમયની સાથે રહે તેવા અભિગમનાં પુરસ્કર્તા પણ રહ્યા છે. તેઓ સમયની સાથે તાલ મિલાવતાં રહ્યાં છે. બાળકોના હાથમાંથી મોબાઈલ છીનવી લેવાની વાત તેમણે કદી કરી નથી. ઊલટું તેને તેઓ શિક્ષણની જ એક પ્રક્રિયા કહે છે. ભારતીય મૂલ્યોનાં અને ખાસ કરીને પારિવારિક મૂલ્યોનાં પણ તેઓ પુરસ્કર્તા રહ્યાં છે. ઈશ્વરે તેમને જેટલું શારીરિક સૌંદર્ય આપ્યું છે તેટલાં જ તેઓ મન અને હૃદયથી પણ સુંદર રહ્યાં છે. નવી પેઢીની બાલિકાઓ માટે તેઓ આઈકોન – આદર્શ છે….આવી વ્યક્તિ અચાનક ગુમ કેવી રીતે થઈ જાય?…હું માનું છું કે અલંકૃતાને ઈરાદાપૂર્વક કયાં તો અદ્રશ્ય કરી દેવામાં આવ્યાં છે અથવા તો તેમની કોઈએ હત્યા કરી નાંખી છે. પોલીસ હજી અસલી ગુનેગાર સુધી પહોંચી નથી. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે અલંકૃતાના હત્યારાને તાત્કાલિક પકડી જેલ ભેગો કરે….ચોવીસ કલાકમાં અલંકૃતાના હત્યારાને પકડવામાં નહીં આવે તો આપણે સહુ ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાં કરીએ એવી મારી અપીલ છે.’

શ્રોતાઓએ તાળીઓ પાડી ચારૂલતા શ્રેષ્ઠાની વાત સ્વીકારી લીધી.

તેમના પછી હેમલતા માવળંકર ઊભાં થયાં. તેમણે પ્રવચનની શરૂઆતમાં જ કહ્યું: ‘હું તો માનું છું કે અલંકૃતાને તેના પતિ ડો.અભિસાર શર્માએ જ મારી નાંખી છે. ડો.અભિસારની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.’

બરાબર એ જ સમયે હોલના મંચના નીચેના ખૂણામાં ઊભેલ અભિસાર અને નિલાંજશા પગથિયાં ચડી રહ્યાં. નિલાંજશાએ અભિસારને હૂંફ આપતી હોય તેમ તેનો હાથ પકડી રાખ્યો હતો.

હોલમાં ઉપસ્થિત મહિલાઓમાં ગણગણાટ શરૂ થયો. કેટલાંક લોકો અભિસારને ઓળખતાં હતાં, કેટલાંક નહીં. નિલાંજશા અભિસારનો હાથ પકડી મંચ પર પ્રવચન કરતાં હેમલતા માવળંકર પાસે લઈ ગઈ. એણે હેમલતા માવળંકરના કાનમાં ધીમેથી કહ્યું: ‘બહેન, આ ડો.અભિસાર શર્મા છે. તેઓ ખુદ શ્રોતાઓને કંઈક કહેવા માંગે છે.’

હેમલતા માવળંકર આશ્ચર્યમાં પડી ગયાં. તેઓ માનવા તૈયાર નહોતાં કે તેઓ જેને ગુનેગાર ઠેરવી રહ્યાં છે તે માણસ ખુદ સ્ટેજ પર ઉપસ્થિત થયો છે. છતાં હેમલતા માવળંકર એક શાલીન વ્યક્તિત્વ ધરાવતાં મહિલા હતાં. તેમણે જ માઈક પરથી જાહેર કર્યું: ‘આજે અહીં એક સરપ્રાઈઝ છે. મારી બાજુમાં જ ઊભેલા આ ભાઈ ખુદ ડો.અભિસાર છે. તેઓ આપણને બધાને કંઈક કહેવા માંગે છે.’

એટલામાં તો ઓડિયન્સમાંથી બૂમો આવીઃ ‘ફાંસીએ લટકાવી દો, આ હત્યારાને…’

કોઈ બોલ્યું: ‘પોલીસ આ માણસની ધરપકડ કેમ કરતી નથી?’

શ્રોતાઓમાં બૂમરાણ વધી ગઈ. મંચ પર બેઠેલાં મહિલા અગ્રણીઓ પણ સ્તબ્ધ હતાં. રહસ્યમય રીતે ગુમ થનાર પત્નીના પતિની જ આમ એકાએક એન્ટ્રી થશે એવી કોઈએ કલ્પના કરી નહોતી.

વાતાવરણ તંગ થઈ રહ્યું હતું: ડીવાયએસપી મનસ્વી કુલકર્ણી ચિંતાભરી નજરે પરિસ્થિતિ પર નજર રાખતાં સ્ટેજના ખૂણામાં જ ઊભાં હતાં.

બૂમરાણ વધી.

પરંતુ હેમલતા માવળંકરે બધાંને શાંત રહેવાની અપીલ કરતાં કહ્યું: ‘જુઓ બહેનો! અહીં દરેકને બોલવાનો અધિકાર છે. અલંકૃતાના પતિ ખુદ અહીં હાજર છે. તેઓ શું કહેવા માંગે છે તે આપણે સાંભળવું જોઈએ. એમના બોલવાથી આપણી માંગણીને કોઈ ફરક પડતો નથી. આ લોકતંત્ર છે. દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. બધા શાંત રહો….આપણે ડો.અભિસારને સાંભળીએ.’

હેમલતા માવળંકરની અપીલ કામ કરી ગઈ. હોલમાં ફરી શાંતિ સ્થપાઈ. બધાંને અભિસારની વાત સાંભળવામાં રસ હતો. હેમલતા માવળંકર ખસી ગયાં. અભિસાર માઈક્રોફોન નજીક ગયો. બાજુમાં નિલાંજશા તેના પડછાયાની જેમ ઊભી રહી. હોલમાં બેઠેલાંઓને અભિસારની બાજુમાં ઊભેલી એની જ વયની પણ અજાણી યુવતી વિશે જાણવાની પણ ઈન્તેજારી હતી. પરંતુ અત્યારે બધાં અભિસારની કેફિયત સાંભળવા માંગતાં હતાં.

અભિસારે શરૂ કર્યું: ‘થેન્ક્યુ વેરી મચ…હું અભિસાર છું, અલંકૃતાનો પતિ. મારી પત્ની અલંકૃતા ગુમ થઈ ગઈ છે તે એક હકીકત છે, પરંતુ હું ગુનેગાર નથી. હું નિર્દોષ છું. મેં અલંકૃતાની હત્યા કરી નથી.’

ઓડિયન્સમાંથી એક અવાજ આવ્યોઃ ‘તો લોહીના ડાઘ ક્યાંથી આવ્યા?’

અભિસારે કહ્યું: ‘એ તપાસ હું પોલીસ પર છોડી દઉં છું. હું પોલીસને તમામ સહકાર આપીશ. હું અને અલંકૃતા એક સારા પતિ-પત્ની રહ્યાં છીએ. હું અલંકૃતાની તો ઠીક પણ કોઈ નાના જીવ-જંતુની પણ હત્યા કરી શકું નહીં. પોલીસ તપાસ પૂરી થવા દો. હું ગલત સાબિત થાઉં તો ફાંસીએ લટકવા તૈયાર છું. હું તમને બધાંને ખાત્રી આપું છું કે હું આ શહેર છોડી ભાગી જઈશ નહીં. પ્લીઝ…બીલીવ મી. હું તમને બધાંને પણ વિનંતી કરું છું કે અલંકૃતાની કોઈપણ ભાળ મળે તો પોલીસને કે મને જાણ કરો…હું પણ અલંકૃતાને શોધી રહ્યો છું.’

ફરી ઓડિયન્સમાંથી અવાજ આવ્યોઃ ‘તે જીવતી હોય તો આવે ને!’

બીજી મહિલાઓ પણ તેમાં જોડાઈ. કેટલાંક લોકો તો હોલમાંથી ઊભાં થઈ ગયાં અને અભિસાર વિરુદ્ધ સૂત્રો પોકારવા લાગ્યાં. બે ચાર મહિલાઓ દોડીને મંચ પર ચડી જવા માંગતી હતી, પરંતુ મહિલા પોલીસે તેમને રોકી લીધી. આમ છતાં વાતાવરણ તંગ થતું જોઈ ડીવાયએસપી મનસ્વી કુલકર્ણી પણ અભિસારને કોઈ ઈજા ન પહોંચાડે તે માટે મંચ પર તેની નજીક પહોંચી ગયાં.

હેમલતા માવળંકર ફરી ઊભાં થયાં. તેમણે બધાંને બેસી જવા અપીલ કરી. કોઈકે જૂતાં ફેંક્યાં. અભિસારની બાજુમાં ઊભેલી નિલાંજશા કોઈ અભિસારને ઈજા ન પહોંચાડે એટલા માટે તેની આડે આવીને ઊભી રહી. કોઈકે ફરી અભિસાર પર ચંપલો ફેંક્યાં. કોઈકે બહારથી પથ્થરનો એક ટુકડો લઈ આવી અભિસાર પર ફેંક્યો. અભિસારના કપાળે વાગ્યું. એમાંથી લોહી નીકળવા લાગ્યું. નિલાંજશાએ અભિસારને બાથ ભરી લીધી જેથી કોઈ બીજા પથ્થર ફેંકે તો પણ અભિસારને ન વાગે.

મનસ્વી કુલકર્ણીએ અભિસારને સ્ટેજ પરથી નીચે ઉતરી જવા કહ્યું.

એટલામાં શ્રોતા વર્ગમાંથી ફરી એક અવાજ આવ્યોઃ ‘આ ગુનેગારની સાથે આવેલી મહિલા કોણ છે?’

આખો હોલ ગાજી ઊઠયો. બધાં એક સાથે બોલી રહ્યાઃ ‘હા…હા… ડો.અભિસાર અહીં કોને લઈને આવ્યા છે?’

નિલાંજશાએ ઘાયલ અભિસારને પોતાની વધુ કરીબ ખેંચ્યો. એના કપાળ પરનું લોહી લૂછયું.

છેવટે હેમલતા માવળંકરે નિલાંજશાને કહ્યું: ‘મેડમ! તમે કોણ છો એ વાતની સ્પષ્ટતા કરો. તમારા અભિસારની સાથે આવવાથી બહેનો વધુ ઉશ્કેરાઈ છે. પ્લીઝ…તમારી ઓળખ આપો.’

અને નિલાંજશાએ અભિસારને અલગ કર્યો. હેમલતા માવળંકરની વિનંતીને માન આપી તે માઈક્રોફોન પાસે ગઈ. હવે બધાં આ અજાણી યુવતી વિશે અને તે શું કહે છે તે જાણવા ઉત્સુક હતાં. હોલ આપોઆપ શાંત થઈ ગયો.

નિલાંજશા એક તેજસ્વી વ્યક્તિત્વ હતું, એણે માઈક્રોફોન પાસે જઈ શરૂ કર્યું: ‘મારું નામ નિલાંજશા છે. હું મુંબઈમાં રહું છું. હું એક એડવોકેટ છું અને ડો.અભિસારની સગી બહેન છું. અમે ટ્વીન્સ છીએ. અમે જોડીયા સગાં ભાઈ-બહેન છીએ. મારા ભાઈનો ફોન આવ્યો એટલે હું તાત્કાલિક ફ્લાઈટ પકડીને અહીં આવી છું. હું મારા ભાઈનો કોઈ ખોટો બચાવ કરવા માંગતી નથી. મારો ભાઈ કોઈ આદર્શ પુરુષ કે આદર્શ પતિ ના પણ હોઈ શકે એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એ છે કે તે કોઈની હત્યા પણ ના કરી શકે. અમારા બંને જણમાં એક જ લોહી વહે છે. અમારું ડીએનએ એક જ છે. અમે સર્વાંગ સંપૂર્ણ માનવી ના પણ હોઈ શકીએ પણ અમે હત્યારા તો ન જ હોઈ શકીએ. હું તમને ખાત્રી આપું છું. કે અલંકૃતાનો કેસ ના પતે ત્યાં સુધી હું અહીં જ મારા ભાઈ સાથે રહેવાની છું. પોલીસ ઈચ્છે તો અત્યારે જ મારા ભાઈની ધરપકડ કરી શકે છે. અમે કોર્ટમાં ટ્રાયલનો સામનો કરીશું. અભિસાર કે હું ક્યાંય પણ ભાગી જઈશું નહીં, પરદેશ પણ નહીં.’

શ્રોતાઓ શાંત હતાં.

હોલમાં અને મંચ પર ફરી શાંતિ પથરાઈ. લોકો જેને ગુનેગાર માનતા હતા તે શખ્સ ખુદ તેની સગી બહેન સાથે હોલમાં હાજર થયો હતો એ સ્વયં એક અજીબોગરીબ ઘટના હતી.

ડીવાયએસપી મનસ્વી કુલકર્ણીને લાગ્યું કે આટલી સ્પષ્ટતા ઓડિયન્સને શાંત કરવા પર્યાપ્ત હતી. અને એમ જ થયું. ના સમજાય એવી સંદિગ્ધ શાંતિ વચ્ચે નિલાંજશા એના ઈજાગ્રસ્ત ભાઈને લઈને મંચનાં પગથિયાં નીચે ઉતરી રહી. તેમની પાછળ પાછળ એક હાશકારા સાથે ડીવાયએસપી મનસ્વી કુલકર્ણી પણ પગથિયાં ઉતરી રહ્યાં.

હોલમાં દ્વિધા ભરી શાંતિ હતી.

પરંતુ હવે અભિસાર અને નિલાંજશા બહાર આવી ગયાં. પોલીસ તેમને એસ્કોર્ટ કરી રહી હતી.

એ દરમિયાન એક પોલીસ જીપ આવીને ઊભી રહી. ઈન્સ્પેક્ટરે નીચે ઉતરતાં જ મનસ્વી કુલકર્ણીને કહ્યું: મેડમ,ડો.અભિસારના બેડરૂમના ડ્રોઅરને અમે ખોલાવી નાંખ્યું છે. તેમાંથી અલંકૃતાની એક અંગત ડાયરી મળી છે.

એમ કહેતાં પોલીસ ઈન્સ્પેક્ટરે અલંકૃતાની ખાનગી ડાયરી ડીવાયએસપી મનસ્વી કુલકર્ણીના હાથમાં મૂકી.

રાત પડી ગઈ

અભિસાર હવે તેના બેડરૂમમાં હતો. એને ઊંઘ આવતી નહોતી છતાં તે લાઈટ બંધ કરી આંખો બંધ કરીને સૂઈ ગયો.

કેટલીકવાર બાદ બહાર બધું શાંત થઈ ગયું હતું. અને અચાનક એના બાથરૂમમાં શાવર ચાલુ હોવાનો અવાજ સંભળાયો. બાથરૂમની અંદરથી અવાજ આવ્યોઃ ‘અભિસાર, મને ટોવેલ આપ ને!’

અભિસાર અવાજ ઓળખી ગયો. તે બોલ્યોઃ ‘અલંકૃતા, તું ક્યાં છે?’

‘હું બાથરૂમમાં છું. તું ઘેર આવે તે પહેલાંથી જ હું પાછી આવી ગઈ હતી. તને હું સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હું ટોવેલ અંદર લઈ જવાનું ભૂલી ગઈ. મને ટોવેલ આપ પ્લીઝ.’ અંદરથી અલંકૃતાનો અવાજ આવ્યો.

અને ખુશ થઈ જતાં અભિસાર ઊઠયો. કપબોર્ડમાંથી ટોવેલ કાઢી તે બાથરૂમ પાસે ગયો. એણે બાથરૂમનું બારણું ખોલ્યું. એ ભીની થઈ ગયેલી અલંકૃતાને જોઈ રહ્યો. એ કૃત્રિમ ગુસ્સો કરીને બોલ્યોઃ ‘તને આ રીતે મારી સામે ઊભાં રહેતાં શરમ નથી આવતી?’

અલંકૃતા બોલીઃ ‘તું મારો વર છે. તારાથી શા માટે શરમાઉં?’

‘પણ તારું શરીર સાવ ભીનું છે.’

‘તું લુછી આપ’

‘તારા પગ પણ ભીના છે.’

‘તું લુછી આપ.’

‘તારું માથું પણ ભીનું છે.’

‘તું લુછી આપ.’

‘તારી કમર પણ ભીની છે’

‘તું લુછી આપ’

‘તારા હોઠ પણ ભીના છે’

‘તું લુછી આપ.’

‘પરંતુ આ બધું શા માટે…?’ અભિસારે પૂછયું.

અલંકૃતા સહેજ સ્મિત આપીને બોલીઃ ‘કારણ કે બહુ દિવસો પછી આવીને…એટલે હવે તારે જ મને સાચવવાની.’

‘પણ…’

‘પણ ને બણ કંઈ જ નહીં. હું જેમ કહું તેમ કર…એમ નહીં કરે તો હું આમ ભીની ને ભીની જ તારી પાસે આવી જઈશ…ડુ એઝ આઈ સે.’ અલંકૃતાએ સત્તાવાહી અવાજે કહ્યું.

અને અભિસારે અલંકૃતાની ઈચ્છાને અનુસરવા એણે જેમ કહ્યું તેમ જ કર્યું. એ પછી એ બોલ્યોઃ ‘હવે તો નાઈટડ્રેસ પહેરી લે.’

‘ના.’

‘કેમ?’

‘બસ એમ જ…’ એટલું બોલી અલંકૃતા એક અપ્સરાની જેમ અભિસારની પાસે આવી. અભિસારે બે બાહો પ્રસારી. એ એમાં સમાઈ જવા નજીક સરકી. જાણે કે આજે તે તેનામાં ખોવાઈ જવા માંગતી હતી.

અલંકૃતાએ એના બંને હાથ અભિસારની આસપાસ વીંટાળી દીધા. અભિસારનો હાથ પર અલંકૃતાની પીઠ પર સરકવા લાગ્યો.

અલંકૃતાએ પણ વધુ નજીક જઈને અભિસારના સ્પર્શનો એવો જ જવાબ આપ્યો. અને થોડી વાર બાદ તે ધીમેથી બોલીઃ ‘અભિસાર, હું તારી પ્રેક્ષ્યા ના બની શકું?’

‘ના.’

‘કેમ?’

– અને અભિસાર મૌન થઈ ગયો.

‘કેમ કંઈ બોલ્યો નહીં? હું તારી પ્રેક્ષ્યા જેવી જ બનીને રહીશ. પ્રેક્ષ્યામાં એવું તે શું છે જે મારામાં નથી?’ અલંકૃતાએ પૂછયું.

કેટલીયે વાર સુધી શાંતિ પથરાઈ.

અભિસારે કોઈ જવાબ આપ્યો નહીં. ફરી અલંકૃતા બોલીઃ ‘અભિસાર, પ્રેક્ષ્યા જેવાં વસ્ત્રો પહેરે છે તેવાં જ હું પણ પહેરીશ. એ જેવું બોલે છે તેવું જ હું બોલીશ. એ જેવી છે તેવી જ થઈને હું રહીશ પણ મને તારી પ્રેક્ષ્યા બનાવી દે.’

અને અભિસાર મૌન થઈ ગયો. એણે આંખો બંધ કરી દીધી. કેટલીયે વાર સુધી રૂમમાં ગજબનાક શાંતિ પથરાઈ. અચાનક બહાર આવેલા જોરદાર પવનના કારણે બેડરૂમની બારી ખુલી ગઈ.

સુસવાટા ભર્યો પવન અંદર પ્રવેશ્યો. અભિસારે આંખો ખોલી. બારીમાંથી એણે નજર કરી તો રાતના અંધકારમાં દૂરદૂર આકાશમાંથી તારો ખર્યો. એક તેજ લિસોટો ચમકીને અદ્રશ્ય થઈ ગયો. એક ભ્રાંતિ સમાપ્ત થઈ ગઈ. હવે દૂરના રસ્તા પર દોડતી કોઈ એમ્બ્યુલન્સની સાયરનની ચીસો જ સંભળાતી હતી.

અભિસારે બેડરૂમની લાઈટ ચાલુ કરી.

રૂમમાં અલંકૃતા ક્યાંય નહોતી.

(ક્રમશઃ)

www.devendrapatel.in

Be Sociable, Share!