Close

કિન્નરી [short story ]

અન્ય લેખો | Comments Off on કિન્નરી [short story ]

અમદાવાદની એક સાંજ.

 નહેરુબ્રિજ પરની મરક્યૂરી લાઈટોએ હજુ પૂરી રંગત પકડી નથી. પિૃમે છવાયેલી સંધ્યાની લાલિમાં બ્રિજ પરથી પસાર થતાં વાહનોમાં બેઠેલાઓનું ઘડીભર ધ્યાન ખેંચી લે છે. ઘર તરફ વળેલાં પુરપાટ દોડતાં વાહનોમાં સાઈલેન્સર વગરની ખૂબ અવાજ કરતી એક રિક્ષા પણ જાણે રેસમાં ઊતરી હોય તેમ બધાંને આંબવાનો પ્રયત્ન કરી રહી છે. એમાં બેઠેલું એક સહેલાણી યુગલ પણ કોઈ વિચિત્ર મૌન ધારણ કરી રહ્યું છે.

રિક્ષાએ બ્રિજ પૂરો કર્યો અને ટાઉનહોલના માર્ગે વળાંક લીધો.

મૌન તોડતાં નીતિન બોલ્યોઃ “કિન્નરી, દારેસલામ પહોંચતાં જ હું તને પત્ર નાંખી દઈશ…અને તું પણ જલદી જલદી જવાબ લખી નાંખજે. ચિંતા કરીશ નહીં. બા-બાપુજી બધાં જ હવે ઈન્ડિયા આવવાનો વિચાર કરે છે….પછી તો કિન્નરી. આપણે સદાય એક થઈ જઈશું.” એમ કહેતાં કહેતાં ડ્રાઈવર સાઈડ ગ્લાસમાંથી ન જુએ તેની તકેદારી રાખીને ધીરેથી નીતિને એનો હાથ કિન્નરીની કમરમાં પરોવી એને નજીક આવી.

“એક થવામાં હવે શું…” કહેતાં કહેતાં કિન્નરી અટકી. થોડીક શરમાઈ અને આંખો નીચે ઢાળી દીધી.

ગુજરાત કોલેજ પાસેની એક લેડીઝ હોસ્ટેલ આગળ આવીને રિક્ષા ઊભી રહી. કિન્નરી જાણે નાછૂટકે અને વેદનાસભર દ્રષ્ટિએ નીતિન સામે જોઈ રહી. નીતિન અંદર જ બેસી રહ્યો. રિક્ષા ઊપડી ગઈ પણ બંનેમાંથી કોઈ કંઈ જ બોલી શક્યું નહીં. નીતિન લો કોલેજની હોસ્ટેલે ઊતરી ગયો.

રાત પડી. સવાર થયું. એરોડ્રોમ પર નિયત સમયે નીતિન આવી ગયો. કિન્નરી તો પહેલેથી જ ત્યાં હાજર થઈ ચૂકી હતી. સૂઝી ગયેલી આંખો પરથી ઉજાગરો સ્પષ્ટ વર્તાતો હતો. થોડીક પળોની હળવી વાતચીત બાદ આંખમાં ઉભરાયેલાં ઝળઝળિયાં સહિત કિન્નરીએ નીતિનને વિદાય આપી. ઘુઘવાટા કરતું પ્લેન મુંબઈના માર્ગે ઊપડી ગયું.

ચારેક વર્ષ પૂર્વે કોલેજના પ્રથમ વર્ષમાં કિન્નરી અને નીતિનનો પ્રથમ પરિચય થયો. દિવસો વહેતા ગયા. વર્ષો પસાર થતાં ગયાં અને પરિચય દૃઢ થતાં અન્યોન્ય લાગણીના સંબંધો પ્રગટયા.

નીતિન સિનિયર કેમ્બ્રિજ પસાર કરી આફ્રિકાથી ભારત આવ્યો હતો અને કિન્નરી….!!!

સૌને મન કિન્નરી એક પ્રશ્રાર્થ હતી. હોસ્ટેલમાં રહેતી, નિયમિત કોલેજે આવતી અને એક શાંત સરલ પ્રકૃતિ ધરાવતી અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઝાઝો રસ ન દાખવતી-બસ આ એનો સાચો પરિચય હતો. હા, તેની એક અંગત સહેલી માત્ર એટલું જાણતી કે, કિન્નરીની મા પૂનાની કોઈ ટી.બી. હોસ્પિટલમાં સારવાર થઈ રહી હતી અને છતાંયે ખર્ચના પૈસા ક્યાંથી આવતા તે તો કોઈને ખબર નહોતી. વેકેશનમાંયે શક્ય હોય ત્યાં સુધી હોસ્ટેલમાં જ રહેવાનો આગ્રહ રાખતી અને અવારનવાર પૂના જઈ આવતી. બાકીની રજાઓ…તેની સહેલી સાથે ગાળતી.

છતાંયે કોલેજમાં એનો પરિચય આગવા દ્રષ્ટિકોણથી પામનારા પણ હતા….ઊંચી અને શુભ્ર દેહલતા ધરાવતી કિન્નરીની આંખોમાં કોઈ બાલસહજ નિર્દોષતા જોતું, કોઈ કુમાશ જોતું, તો કોઈને એમાં શરાબથી છલક્તા જામ પણ નજર આવતા…!

પણ કિન્નરી આ બધાંથી અજાણ હતી. તે એકલી હતી. તેનું જીવન એકલવાયું હતું કશાકની ઝંખના હતી….અને તે ઝંખનાની પરિતૃપ્તિ નીતિને કરાવી.

એકવાર ચાલુ પરીક્ષાએ કિન્નરીની પેન બેન્ચ પરથી પડી જતાં નીબ તૂટી ગઈ તે ગભરાઈ ગઈ. પણ નીતિન બાજુમાં જ હતો. ખિસ્સામાંથી બીજી પેન કાઢીને સહૃદયતાથી વિવેકપૂર્વક કિન્નરીને ઓફર કરી….કદી કોઈની ચીજની અપેક્ષા ન રાખનાર કિન્નરીએ એ સ્વીકારી લીધી.

બસ, આ નાનકડો પ્રસંગ એમના સ્નેહનો મુખ્ય સ્ત્રોત હતો. પછી તો એમની મિત્રતા બંધાઈ. અવારનવાર મળતાં થયાં અને મિત્રો મટી સહૃદયી થયાં.

આખીયે કોલેજમાં આ યુગલ જુદું જ તરી આવતું. સૌ કોઈ એમને આદરથી જોતું. ઉચ્છૃંખલતાહીન એમની મૃદુ પ્રકૃતિ માટે પ્રિન્સિપાલને પણ માન હતું.

એમની કોલેજ કારકિર્દીને ત્રણ વર્ષ પૂરાં થઈ ચોથું બેઠું હતું. દરમિયાન બંનેનો સંબંધ પણ પ્રગાઢ થઈ ચૂક્યો હતો.

કિન્નરી માટે નીતિન સર્વસ્વ હતો. ભગવાનથીયે એને નીતિન વહાલો હતો. રોજ સાંજે લો ગાર્ડનમાં નિયમિત મળતાં અને લાંબા સમય સુધી બેસી રહેતાં. નવાઈની વાત તો એ હતી કે પરસ્પરની આંખોમાં આંખો પરોવી જોઈ જ રહેતાં. વાતો તો ખૂબ જ ઓછી કરતાં. એકબીજાના સાંનિધ્યમાં ખોવાયેલાં જ રહેતાં. અંધારું થતાં નીતિન એને હોસ્ટેલ સુધી મૂકવા જતો. વળી પાછાં હોસ્ટેલના દરવાજા આગળ થોડીકવાર ઊભાં રહેતાં. જાણે છૂટા પાડવાનું મન જ ન થતું અને કિન્નરીની તો ઝંખના જ જાણે દિવસે દિવસે વધતી જતી, અતૃપ્તિનો શોષ વધતો જ જતો…..છેવટે પહેરેગીરની બૂમને માન આપી કિન્નરી ભારે હૈયે કમ્પાઉન્ડમાં દાખલ થઈ જતી.

અને એમ કરતાં કરતાં કોલેજનું છેલ્લું વર્ષ પણ પસાર થઈ ગયું. બંને જણ સારા માર્ક્સ મેળવી પાસ થઈ જતાં સાથે જ એલ.એલ.બી. કરવા વિચાર્યું.

એક સાંજે નીતિન ઉદાસ દેખાયો. એના મોં પર દુઃખની આભાઓ છવાયેલી જોઈ કિન્નરી અડધી થઈ ગઈ.

“નીતિન, શું વાત છે? કહેને? કેમ આમ નર્વસ લાગે છે?” નીતિનના મોં પર હેતથી હાથ અડકાડી કિન્નરી બોલી.

‘દારેસલામથી ટેલિગ્રામ આવ્યો છે. પપ્પાનો છે લખે છે ગયા અઠવાડિયે એમને એટેક આવ્યો હતો. હાર્ટની બીમારી છે. થોડા દિવસો માટે બોલાવ્યો છે. ટિકિટ પણ મોકલી આપી છે.’

નીતિનથી દૂર રહેવું કિન્નરીને વિચારમાં પણ પોસાય તેમ ન હતું અને આ તો….દ્વિધા થઈ.

તે બોલીઃ ‘કંઈ નહીં તુ જા, થોડા દિવસ જઈ આવ નીતિન. એમની તબિયત સારી થતાં જલદી જલદી આવતો રહેજે.’

‘પ્લેન શુક્રવારે જાય છે અને હજુ ત્રણેક દિવસની વાર છે. કિન્નરી, ચાલને કાલે નળ સરોવર જઈ આવીએ. બીજે દિવસે પાછાં આવતાં રહીશું.’ નીતિને સહેલગાહની દરખાસ્ત મૂકી. ધરાઈ ધરાઈને જે સાથે રહેવા મળ્યું તે ખરું એમ માની કિન્નરીએ તે દરખાસ્ત વધાવી લીધી. બીજે દિવસે વહેલી સવારે આ સારસયુગલ નળ સરોવર કાંઠે આવેલાં દેશ-વિદેશનાં રંગીન પક્ષીઓને મળવા ઊપડી ગયું.

આખો દિવસ હોડીમાં બેસી દૂર દૂર સુધી બંનેએ સહેલ માણી. હોડીમાં બેઠાં બેઠાં પાણીમાં હાથ ફંગોળવાની કિન્નરીને ખૂબ મજા પડી. નીતિન પણ કિન્નરીના ખોળામાં મોં છુપાવી સૂઈ રહ્યો અને કિન્નરી પણ નીતિનના સાનિધ્યમાં ખોવાયેલી ખોવાયેલી રહી. નવા જ બંધાયેલા ગેસ્ટ હાઉસમાં રાત ગાળવાનો પ્રબંધ કર્યો. દિવસનાં થાકેલાં બેઉએ રસોઈયા પાસે તૈયાર કરાવેલું રાત્રિનું ભોજન લીધું. ઠંડીનો અણસારો વર્તાતાં તેઓ ગેસ્ટ હાઉસના નવા જ ધોળેલા રૂમની પડખે ભરાયાં. તદ્ન એકાંતનો પરિચય બંને માટે નવો હતો. પણ નીતિન સ્વસ્થ હતો. કિન્નરી જરાક ક્ષોભ પામતી હતી. મીણબત્તીની હાલકડોલક થતી જ્યોતમાં ઊંડે ને ઊંડે કંઈક શોધવા મથી રહી હતી. એને ઠંડીમાં થરથરતી જોઈ નીતિને ઊભા થઈ હેન્ડબેગમાંથી શાલ કાઢી એને ઓઢાડી. ફરી પાછો એની નજીક ગોઠવાઈ ગયો. કિન્નરીનું હૃદય જોશભેર થતા ધબકારાથી હાંફવા લાગ્યું. ઝડપી ઊંચા શ્વાસે તેનો ઉરપ્રદેશ પણ થરથરવા લાગ્યો. કોઈ અજાણી બીક મને અજાણી શરમના વંટોળમાં તે અથડાવા લાગી હતી. પ્રણયના કોઈ સ્થૂળ સીમાચિન્હ તરફ બંને જાણે-અજાણે દોરાઈ રહ્યાં. પરિપક્વ જુવાનીનાં ઉંબરે પહોંચેલા જીવોમાં કહે છેકે બુદ્ધિ કરતાં લાગણીનું જોર પ્રધાનપણે હોય છે.

અહીં પણ એવી જ કોઈ ચોક્કસ લાગણીના ઉશ્કેરાટ પ્રતિ બીતાં બીતાં બેઉ આગળ વધી રહ્યાં હતાં. તમારાંનો એકધાર્યો અવાજ હવે રાતના અંધકારમાં આગવો સૂર પુરાવતો હતો. નીતિનના ઊના ઊના શ્વાસમાં કિન્નરી જાણે નહાઈ રહી હતી. કિન્નરી એની તરફ વધુ નજીક સરકી અને હળવેથી એની કુમળી દેહલતા નીતિનનાં અંગોને વીંટળાઈ રહી. બે ધબકતાં હૈયાં વર્ષોનાં પરિચય બાદ આજે જાણે પહેલી જ વાર પ્રત્યક્ષ મલ્યાં…

……અને અચાનક ઓરડાની એક બારી ફટાક દઈને ખુલી ગઈ. પવનને પણ જાણે ઈર્ષ્યા આવી હોય અને જોયું ન જતું હોય તેમ બહારથી આવેલી એક જોરદાર ઠંડી લહેરમાં મીણબત્તી તરફડિયાં મારી બુઝાઈ ગઈ…..!!!

….મોડી રાતે બારીમાં થઈ ચાંદની અંદર પ્રવેશી. કિન્નરીની થાકેલી, અસ્તવ્યસ્ત વેરાયેલી કાયા જોઈ તે થોડી લજ્જા પામી. ઘસઘસાટ ઊંઘતા આ યુગલ પર થોડીવાર વરસી રહી….અને એટલામાં તો કિન્નરીએ પડખું ફેરવ્યું…તે જોઈને ચાંદની ભાગી ગઈ. જાગી જવાની બીકથી કે…?

વહેલી સવારે જાગ્યાં ત્યારે બંનેને એમનાં હૃદય જાણે હળવાંફૂલ થઈ ગયેલાં લાગ્યાં. શ્વાસોશ્વાસ પણ શાંત હતો. પણ આંખો જાણે જરા ભારે જણાતી હતી. એની કુમાશ પણ શ્રમિત હોવાને લીધે રતુંબડી લાગતી હતી અને એમની પાંપણો જાણે કશાકના વજનથી વારેવારે ઢળી પડતી હતી.

બીજો આખોય દિવસ મૂંઝવણભર્યા વાતાવરણમાં ત્યાં પસાર કરી નમતા પહોરે આ યુગલ અમદાવાદ આવવા નીકળ્યું, બીજા દિવસે નીતિન આફ્રિકા જવાનો હતો ને?

નળ સરોવરના ગેસ્ટ હાઉસમાં એકબીજાના સાંનીધ્યમાં રાત ગુજારીને કિન્નરી અને નીતિન હળવા ફૂલ થયા. પછીનો આખો દિવસ મૂંઝવણભર્યો વીતાવ્યો. પછી નમતા પહોરે આ યુગલ અમદાવાદ પાછું આવવા નીકળ્યું હતું, કારણ કે  બીજા દિવસે નીતિન આફ્રિકા જવા નીકળવાનો હતો. નીતિનને વિદાય આપી કિન્નરી એરોડ્રોમથી હોસ્ટેલે આવવા નીકળી….એના પગ જાણે ભારે થઈ ગયા હતા….એ ચાલી શક્તી ન હતી. આજે તે એકલી હતી….એકલી જ પાછી ફરી હતી.

હોસ્ટેલે આવી. બીજી છોકરીઓ જમવા ચાલી ગઈ પણ તે એકલી જ રૂમમાં પલંગને વીંટળાઈ રહી. પ્રિયજનનો વિરહ સાલવા માંડયો. તરત જ ઊભી થઈને કબાટ ખોલ્યું. પર્સમાંથી નીતિનની તસવીર કાઢી ફરી પાછી પલંગમાં પરોવાઈ ગઈ. તસવીરને પાશમાં લઈ ભૂતકાળનાં અંકોડા ઉકેલવા માંડી…જેમજેમ કંઈક યાદ આવતું ગયું તેમ વધુ વિવશ બની અને એટલામાં તો આંખમાં ઊભરાયેલાં અશ્રુપટના આવરણથી તસવીર પણ ઝાંખી દેખાવા લાગી, ડૂસકું આવી જતાં મોં ઓશીકામાં છુપાવી દીધું. ‘….નીતિન….નીતિન’

એ શબ્દો માત્ર ઓશીકાએ જ સાંભળ્યા હશે. અને….થોડીવારમાં તો એય ભીંજાઈ ગયું.

રાત પડી. કિન્નરી વિરહની વેદના આજે પ્રથમવાર અનુભવી રહી હતી. ભૂખ-તરસ પણ મરી ગયાં હતાં. શહેર આખુંયે શાંત થઈ ચૂક્યું હતું અને અહીં કિન્નરીની નજર સમક્ષ તે કોલેજમાં દાખલ થઈ ત્યાંથી આજ સુધીનાં તમામ યાદગાર દ્રશ્યો તરવરવા લાગ્યાં.

કોલેજનો પ્રથમ દિવસ…પરીક્ષા…નીતિનની પેન….પિકનિકો…લો ગાર્ડન….નળ સરોવરની સહેલ….રાત્રિ ઠંડી અને સ્નેહાળ સાંનિધ્ય…એ બધું યાદ આવ્યું.

દુઃખનું ઓસડ દહાડા માનીને દિવસો પસાર થવા લાગ્યા. અઠવાડિયામાં તો નીતિનનો પત્ર આવ્યો. કોણ જાણે કેટલીયે વાર તેણે ફેરવી ફેરવીને વાંચ્યો હશે! બીજો પત્ર આવ્યો, ત્રીજો આવ્યો અને સુખદ સમાચાર આવ્યા. પંદર દિવસ બાદ પહેલી તારીખે સવારના નવ વાગ્યાના પ્લેનથી નીતિન મુંબઈ આવી રહ્યો હતો.

કિન્નરી દિવસો ગણવા લાગી. પ્રત્યેક પળ એેને માટે એક એક યુગ સમાન બની રહેતી. “આટલા દિવસોમાં તો નીતિન કેવોક થઈ ગયો હશે? એ આવશે ત્યારે એને શું શું વાતો કરીશ. એ શું શું વાતો કરશે અને…” બસ આવી જ સુખદ કલ્પનાઓ એના માનસપટ પર છવાયેલી રહેતી.

વળી એને નવો વિચાર આવ્યો, અધીરાઈ વધી હતી. પ્લેન દારેસલામથી સીધું જ મુંબઈ આવશે, તો કેમ મુંબઈ જ નીતિનને રિસીવ કરવા ન જાઉં. એકાદ દિવસ અગાઉ પૂના જઈ માને મળી આવીશ. બીજા દિવસ સવારે સાન્તાક્રુઝ પર નીતિનને સત્કારવા….’ફાઈન આઈડિયા’ એમ મનોમન નક્કી કરી લીધું.

કિન્નરી સમયસર પૂના પહોંચી ગઈ. રાત્રે મા સાથે પૂના રોકાઈ અને વહેલી સવારે તો મુંબઈ પહોંચવું છે….અને નવ વાગે તો…ઓહ…નીતિન…નીતિન…એવા અદ્ભુત મનોવાતાવરણમાં ખોવાયેલી કિન્નરી રાત્રે ઊંઘી પણ ન શકી.

સવારે મુંબઈ પહોંચી. સેન્ટ્રલથી સીધા જ સાન્તાક્રુઝના માર્ગે અને આઠ વાગે તો એરોડ્રામે પર પહોંચી. પ્લેન આવવાને હજુ એક કલાકની વાર હતી. પણ કિન્નરી તો સામે દેખાતી ટેકરીઓની પેલે પાર દૂર દૂર જોઈ રહી.

એટલામાં તો ઘુઘવાટા કરતું પ્લેન પેલી ટેકરીઓ પર ઊડતું દેખાયું ને કિન્નરીનું હૈયું હર્ષિત બની નાચી ઊઠયું. રન વે પર દોડતા પ્લેનને જોઈ એની અધીરાઈ વધી ગઈ. પણ એનાઉન્સમેન્ટ્સ સાંભળી કિન્નરી થોડીક નિરાશ થઈ. કેમકે આ પ્લેન દુબઈથી આવ્યું હતું. દારેસલામથી નહીં.

જોકે હવે નવ વાગી ગયા હતા. ઝાઝી પ્રતીક્ષા હવે કરવાની નહોતી.

અને ત્યારબાદ થોડી જ વારમાં ભવ્ય એરપોર્ટનાં સ્પીકરો ગાજી ઊઠયાં: “અટેન્શન પ્લીઝ, દારેસલામથી આવતા પ્લેનને થોડેક દૂર કોઈ અકસ્માત નડયો છે…યોર અટેશન પ્લીઝ…” એમ વારેવારે અગત્યની એનાઉન્સમેન્ટ ગાજતી રહી અને એરપોર્ટ પર એક સ્તબ્ધતાનું જીવહીન વાતાવરણ છવાઈ ગયું. સગાં-વહાલાંઓને કે મહેમાનોને લેવા આવનાર સૌમાં ગભરાટ અને દોડધામ વધી પડયાં…..અને કિન્નરી, કિન્નરી તો જડવત્ થઈ સોફામાં બેસી રહી. આંખોના રંગ પલટાઈ ગયા હતા. વિચારશક્તિ સ્થગિત બની હતી. હાલવા-ચાલવાનું કશુંય ભાન ન રહ્યું. સ્થિતઃપ્રજ્ઞા થયેલી કિન્નરી ફસડાઈ પડી પણ જ્યારે એણે માનસિક સમતુલા પ્રાપ્ત કરી ત્યારે…

બીજા દિવસે સવારે અખબારોમાં પ્લેનના અકસ્માતના કારમા સમાચાર ચમકી ઊઠયા…કોઈ જ બચવા પામ્યું નહોતું. હાડમાંસ, ચૂંથાયેલા દેહનાં બળી ગયેલાં રખડતાં અંગો જેવી પ્લેનની તસવીર જોઈ સૌ કોઈના મોંમાંથી ચિત્કાર સરી પડતો.

ને એ જ સાન્તાક્રુઝ પર તે સવારે દોડતી દોડતી એક સ્ત્રી આવી ઊભી. દૂરની ટેકરીઓ સામે જોતી હાંફતી હાંફતી કોઈની પ્રતીક્ષા કરવા લાગી. ધુરકાટા કરતું પ્લેન દોડતું રનવે પર આવી રહ્યું હતું. રેલિંગ કૂદીને એ યુવતી પ્લેનની સામે દોડવા લાગી. ચારેબાજુ સૌ સ્તબ્ધ થઈ ગયા અને બૂમરાણ મચી ગઈ. એક અણધાર્યા તોફાનના સૌ પરાણે સાક્ષી બની રહ્યાં. સ્થાનિક કર્મચારીઓએ રનવે પર દોડાદોડ કરી મૂકી. પણ ત્યાં સુધીમાં તો એક જબરજસ્ત વંટોળ ફંગોળાઈને જતો રહ્યો. આંધી શમી ગઈ. યુવતીનો દેહ પ્લેનની ટક્કરમાં હોમાઈ ચૂક્યો હતો. એ કિન્નરી હતી. ખૂબ જ ઓછાબોલી એ કિન્નરી નીતિનને મળવા નીકળી ચૂકી હતી, પણ એની ખબર કોને હોય?

જાણે કે એ હત્યારું પ્લેન…એમાંથી ઊતરનારા ઉતારુઓ પણ આ દ્રશ્ય જોઈ કમીકમી ઊઠયા. કિન્નરીના મૃતદેહની આસપાસ લોકોનું મોટું ટોળું ભેગું થઈ જતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી. એ લાશની આસપાસ કોર્ડન કરી ઊભી રહી.

એટલામાં તો એ કોર્ડન તોડી ઝડપથી એક યુવાન આગળ ઘસી આવ્યો અને બૂમ પાડી ઊઠયો. “કિન્નરી…કિન્નરી….આ શું થયું કિન્ન…રી” કહેતાં કહેતાં લોહીથી તરબોળ બનેલી લાશને બાઝી પડયો. એ નીતિન હતો.

ફાટી ગયેલા અવાજે એનું આક્રંદ સાંભળી સૌને સહાનુભૂતિ અને વિસ્મય બંને પેદાં થયાં!!

પણ બિચારી કિન્નરીને શી ખબર કે નીતિને દારેસલામથી ભારત આવવાનો કાર્યક્રમ બદલી એક દિવસ મોડા આવવાનું નક્કી કર્યું હતું.

પછી તો પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ડોકટરોના હેવાલમાં એક જ વાત નોંધપાત્ર હતી. “મરનાર યુવતી ગર્ભવતી હતી અને એનો બેએક માસનો ગર્ભ પણ એની સાથે જ મૃત્યુ પામ્યો હતો.                      STORY BY DEVENDRA PATEL

Be Sociable, Share!