Close

કુછ કાંટો સે સજ્જિત જીવન પ્રખર પ્યાર સે વંચિત જીવન

અન્ય લેખો | Comments Off on કુછ કાંટો સે સજ્જિત જીવન પ્રખર પ્યાર સે વંચિત જીવન

દેશના એક શ્રેષ્ઠ રાષ્ટ્રપુરુષ હવે રહ્યા નથી.

અટલ બિહારી વાજપેયી માટે  કોઇ ઝાઝાં વિશેષણને વાપરવાની  જરૂર નથી. તેઓ એક વર્સેટાઇલ વ્યક્તિત્વ હતા. તેઓ કવિ હતા, સંઘના પ્રચારક હતા, પત્રકાર હતા, રાજનીતિજ્ઞા હતા, કોઇ એક પક્ષ સાથે સંકળાયેલા હતા છતાં પક્ષીય રાજનીતિથી પર હોઇ રાષ્ટ્રપુરુષ તરીકે ઓળખાયા.

અટલજીને ગુજરાત માટે વિશિષ્ટ પ્રેમ હતો. તેઓ અવારનવાર ગુજરાત આવતા. અનેક કાર્યકરોને નામથી ઓળખતા. વર્ષો પહેલાં તેઓ અમદાવાદમાં આવતા અને ઢાળની પોળ પાસે કે શાહપુરમાં જાહેર રસ્તાઓ પર જ ૫૦ હજારથી એક લાખ લોકોની જનમેદનીને રાત્રે સંબોધતાં, લોકો મંત્ર મુગ્ધ થઇ જતાં. તેમને સાંભળવા લોકો સ્વયંભૂ આવતા. લોકોને લાવવા પડતા નહીં.

રાજનીતિ ક્રૂર છે. રાજનીતિને સત્તા સાથે સીધો સંબંધ છે. સત્તા માટે જ રાજનીતિ છે અને તેથી કોઇ વ્યક્તિ સત્તા પર હોય ત્યારે લોકો મધમાખીની જેમ તેની આસપાસ સત્તાની મધલાળ માટે ઊડયા કરતા હોય છે.

પરંતુ જે લોકો વાજપેયીજીને જાણે છે તેમને ખબર છે કે, અટલજીને એની કોઈ પરવા નહોતી. તેઓ સત્તા માટે રાજકારણમાં આવ્યા ન હોતા. અટલજી એક કદાવર નેતા પણ રહ્યા અને સંવેદનશીલ પણ. હિંદુત્વના પાયા પર રચાયેલા પક્ષમાં હતા પરંતુ કટ્ટરવાદી નહોતા. વાજપેયીજીનું હિંદુત્વ ‘રાષ્ટ્રવાદ’માં સમાઇ જતું હતું. માત્ર હિંદુ એ જ ‘રાષ્ટ્રવાદી’ એવી સાંકડી વિચારધારાથી તેઓ પર હતા.  અટલજીના ઉદાર મતવાદી અભિગમના કારણે આ દેશમાં હિંદુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો અને પારસીઓ પણ તેમનો આદર કરતા હતા. દેશના તમામ ધર્મોના, તમામ કોમોના અને તમામ જ્ઞા।તિઓના લોકોમાં તેઓ સ્વીકાર્ય હતા.

વાજપેયીજીના આવા ઉદાર વલણના  સખત વિરોધીઓ કોંગ્રેસમાં નહીં, પરંતુ તેમના જ પક્ષમાં હતા. કોંગ્રેસને તો તેમણે પંગુ બનાવી દીધી હતી. ભાજપમાં જ તેમના છૂપા શત્રુઓ હતા. એ સમયે ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા ચાલતી હતી કે, દિલ્હીના રાજકારણમાં એલ.કે. અડવાણી અને અટલબિહારી વાજપેયી વચ્ચે ઠંડું યુદ્ધ ચાલે છે પરંતુ અડવાણીજીએ અટલજી સાથે કોઈ પણ મધભેદ કે સ્પર્ધા હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. અલબત્ત એ વાત સાચી કે આ બંને નેતાઓ પરિપક્વ હોઇ તેઓ જ્યારે પ્રજા સામે, કેમેરા સામે કે મીડિયા સામે આવતા ત્યારે તેમનું વલણ અને વર્તન પીઢ નેતાઓને છાજે તેવું હતું. અટલજી ઉંમરમાં મોટા હોઇ અડવાણીજી જાહેરમાં હંમેશાં તેમનો આદર કરતા હતા.

અટલજી રાજકારણી કરતાં ‘સ્ટેટસમેન’ વધુ હતા. તેઓ કુદરતી રીતે જ આ કક્ષાએ પહોંચ્યા હતા. સંસદમાં પણ વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ બેસતા ત્યારે પણ ગૌરવપૂર્ણ રીતે તીક્ષ્ણ કટાક્ષ દ્વારા સત્તાધારી પક્ષને પણ ખડખડાટ હસાવતા. તેમનો વિરોધ એક વિશાળ દેશના લોકતંત્રને છાજે તેવો વિચારસરણી આધારિત અને ગૌરવપૂર્ણ રહેતો.

જાહેરસભાઓમાં તો વાજપેયીજી ખીલી ઊઠતા. આખા દેશની પ્રજાને મંત્રમુગ્ધ કરી દે તેવી વક્તૃત્વશૈલી જવાહરલાલ નેહરુ પાસે હતી અને બીજી વાજપેયીજી પાસે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કુશળ વક્તાની શ્રેણીમાં આવે છે. ચૂંટણીસભાઓ વખતે  વાજપેયીજીને સાંભળવા તે એક લહાવો હતો.  તેમની વાણીમાં જબરદસ્ત જાદુ, કટાક્ષ, હ્યુમર અને ‘વીટ’ હતા. લાખોની જનમેદની સમક્ષ બોલતાં બોલતાં તેઓ થોડીક ક્ષણો મૌન બની જતાં. આ ‘પોઝ’ની પણ એક મજા હતી. મૌનની પણ એક ભાષા હતી. એમાંથી પણ અર્થ સરતો અને વાજપેયીજી સાથે જ એ મૌનની થોડીક  ક્ષણો  માણી લાખો લોકતાળીઓથી તેમની ક્ષણિક સાઇલન્સને વધાવી લેતા. ક્ષણિક ચુપકીદી દ્વારા તેઓ ઘણું બધું કહી દેતા.

આવું તો વાજપેયીજી જ કરી શકે.

વાજપેયીજી રાજનીતિમાં હોવા છતાં રાજનીતિમાં પ્રવર્તમાનવ કોઇ બદી તેમને સ્પર્શી નથી. તેઓ નખશિખ પ્રામાણિક રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચાર પણ કર્યો નથી. વાજપેયીજીએ ન તો વંશવાદની રાજનીતિ કરી કે ન તો કટ્ટરવાદની.  કેટલાક કટ્ટરવાદી લોકોને વાજપેયી ગમતા નહોતા, કેટલાકે તેમને પક્ષનું મહોરુ પણ કહ્યા હતા. પરંતુ વાજપેયીની લોકપ્રિયતા આગળ તેમનું કાંઈ ચાલતું નહોતું.

ભારતીય જનતા પાર્ટીમાં વાજપેયી જ એક એવી વ્યક્તિ હતાં કે તેમનો આદર બીજા પક્ષોના નેતાઓ પણ કરતા રહ્યા. સોમનાથ ચેટરજીએ તેમના માટે કહ્યું હતું : ‘વાજપેયીજી એવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં રાજકારણીઓમાં સજ્જનતા દેખી શકાય.’

વેંકૈયા નાયડુએ કહ્યું હતું : ‘અમે વાજપેયીજીને એબીવીપી અર્થાત્ અટલ બિહારી વાજપેયી પાર્ટી કહીએ છીએ.’

પ્રકાશસિંહ બાદલ તેમના માટે કહ્યું હતું: ‘વાજપેયીજી ટેફલોન ઇમેજવાળા જેન્ટલમેન પોલિટિશિયન છે.’

શિવરાજ પાટિલ કહેતા : ‘વાજપેયીજીની વિદેશનીતિ નહેરુની વિદેશનીતિને મળતી આવતી હતી.’

નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં કહ્યું હતું :  ‘વાજપેયીજીએ દેશને કોંગ્રેસનો વિકલ્પ આપ્યો.’

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ  ચૌહાણ કહે છે : ‘વાજપેયીજી તેમના વિરોધીઓના સારા ગુણોની પણ કદર કરતા હતા.’

અટલબિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ છે જેમની સામે લડવું હોય તો પણ લડી ના શકાય.

કારણ ?

કારણ કે તેઓ અજાતશત્રુ છે.

રાજનીતિક વ્યક્તિત્વની ભીતર અટલજી એક કવિ પણ હતાં. તેમણે લખેલા કાવ્યની પંક્તિ અહીં પ્રસ્તુત છે :

‘કયા ખોયા, કયા પાયા જગ મેં,

મિલતે ર બિછડતે જગ મેં,

મુઝે કિસી સે નહીં શિકાયત,

યદ્યપિ છલા ગયા પગ પગ મેં.’

સજ્જન માણસોએ હંમેશાં છેતરાવાનું જ હોય છે. આજે અટલજીને બધા યાદ કરે છે, પરંતુ તેમણે કડવા ઘૂંટડા પણ ગળ્યા છે.

એવી જ તેમની એક બીજી કવિતાની બે પંક્તિઓ વાંચોઃ

”કુછ કાંટો સે સજ્જિત જીવન

પ્રખર પ્યાર સે વંચિત જીવન.

નીરવતા સે મુખરિત મધુબન

પરહિત અર્િપત અપના તનમન.”

  • બસ આ પંક્તિઓ દ્વારા તેમણે ઘણું બધું કહી દીધું છે

——– DEVENDRA PATEL

Be Sociable, Share!