Close

કોસ્મો ગર્લ જેણે દુનિયા બદલી- હેલન ગર્લી

અન્ય લેખો | Comments Off on કોસ્મો ગર્લ જેણે દુનિયા બદલી- હેલન ગર્લી

હેલન ગર્લી
૧૯૬૦ના ગાળામાં રૂઢિચુસ્ત અમેરિકન સમાજને સેક્સ વિશે બોલ્ડ અભિપ્રાય અને ‘કોસ્મોપોલિટન’ જેવું વિશ્વવિખ્યાત મેગેઝિન આપનાર હેલન ગર્લી બ્રાઉનનું તાજેતરમાં અવસાન થયું. ‘૬૦ના સમયમાં ‘સેક્સ એન્ડ સિંગલર્સ’ નામના પુસ્તક દ્વારા હેલન ગર્લીએ અમેરિકામાં ધરતીકંપ સર્જી દીધો હતો. હેલન ગર્લીએ એ જમાનામાં એક અપરિણીત અમેરિકન યુવતી કેવી રીતે સેક્સને માણે છે, તેની ચોંકાવનારી વાત લખીને અમેરિકામાં સ્ત્રીઓને લગતા ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનને રાતોરાત લોકપ્રિય બનાવી દીધું હતું.
હેલન ગર્લી ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનના એડિટર બન્યાં તે પહેલાં તેનો ફેલાવો આઠ લાખ નકલોનો હતો. હેલન ગર્લીએ એ ફેલાવો ૧૯૮૦ સુધીમાં ૩૦ લાખ નકલો સુધી પહોંચાડી દીધો હતો. આજે આ મેગેઝિન આ પૃથ્વી પરનું સહુથી વધુ ફેલાવો ધરાવતું સામયિક છે. વિશ્વના ૬૪ જેટલા દેશોમાંથી તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓ પ્રગટ થાય છે. તે ભારત, ઈઝરાયલ, હંગેરી, હોંગકોંગ, મોંગોલિયા અને આઝારબૈજાનથી પ્રગટ થાય છે.
હેલન ગર્લીએ આ મેગેઝિનનું તંત્રીપદ સંભાળ્યું તે પછી વર્ષો સુધી ‘કોસ્મોપોલિટન’ વિશ્વભરની મહિલાઓનો અવાજ રહ્યું છે.
આ કારણે હેલન ગર્લીને વિશ્વના લોકો ‘કોસ્મો ગર્લ’ તરીકે પણ ઓળખાતા હતા. હેલન ગર્લીએ પહેલી વાર લખ્યું હતું કે, “હું માનું છું કે એક સ્ત્રી માટે તેનાં ખરાબ વર્ષોમાં લગ્નની જરૂરિયાત એક ઈન્સ્યોરન્સ અર્થાત્ વીમા જેવી છે. એક સ્ત્રી માટે તેના સારા સમયમાં પતિની જરૂર નથી.”
અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી જે નવી પેઢી જન્મી તેમને હેલન ગર્લીની આ સલાહ બહુ જ ગમી ગઈ હતી. હેલન ગર્લીએ જીવનમાં બદલાવ માંગતી અમેરિકન યુવતીઓને આ મેગેઝિન દ્વારા એવી સલાહ આપી હતી કે, “બહાર જાવ, કામ-જોબ કરો અને સેક્સ માણો. લગ્ન કરવાની ઉતાવળ કરશો નહીં.”
હેલન ગર્લીએ પોતે ૩૭ વર્ષની વય સુધી લગ્ન કર્યું નહોતું. બીજી યુવતીઓને આપેલી સલાહને પોતાના જીવનમાં અમલી બનાવી હતી. આ કારણે ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનની નકલો લાખોમાં વેચાવા માંડી હતી. અલબત્ત, હેલન ગર્લીએ ૩૭ વર્ષની વયે હોલિવૂડની લેજન્ડરી ફિલ્મ નિર્માતા ડેવિડ બ્રાઉન સાથે લગ્ન કર્યાં હતાં.
ડેવિડ બ્રાઉન ’jaws’ અને ’The Sting’ જેવી ફિલ્મોના ફિલ્મનિર્માતા હતા. ડેવિડ બ્રાઉન સાથે લગ્ન કર્યા બાદ હેલન ગર્લી ‘હેલન ગર્લી બ્રાઉન’ બની ગયાં. તેઓ ખુદ અમેરિકામાં એક સેલિબ્રિટી બની ગયાં હતાં. હેલન ગર્લીના પુસ્તક પરથી એક ફિલ્મ બની હતી જેમાં નાતાલી વૂડ અને ટોની કર્ટીએ રોલ કર્યો હતો.
અમેરિકન મહિલાઓને ઉદારવાદી બનાવવામાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવનાર હેલન ગર્લીનો જન્મ તા.૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ અમેરિકામાં ગ્રીન ફોરેસ્ટ, આકાન્સાસ ખાતે થયો હતો. તેના પિતા એક શિક્ષક હતા પણ પરિવારમાં ત્રણ બહેન પૈકી હેલન ગર્લી સહુથી નાની હતી. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો. હેલન ગર્લીની ઉંમર ૧૦ વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ માતા પાસે બાળકોની સંભાળ લેવા માટે પૂરતા પૈસા નહોતા. મોટી બહેનને પોલિયો થઈ જતાં તે અપંગ બની ગઈ હતી. આમ છતાં હેલન ગર્લીએ ભણવાનું ચાલું રાખ્યું. ટેક્સાસ સ્ટેટ કોલેજ ફોર વિમેન (હવે ટેક્સાસ વિમેન્સ યુનિવર્સિટી)માં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ ફી ભરવાના પૈસાના અભાવે અભ્યાસ અધૂરો છોડી તે લોસ એન્જલસ ગઈ. લોસ એન્જલસની સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ મેળવી ભણવાનું શરૂ કર્યું. ૧૯૪૧માં તે ગ્રેજ્યુએટ થઈ.
‘કોસ્મોપોલિટન’ મેગેઝિનના એડિટર બનતા પહેલાં હેલન ગર્લીએ લખેલા ‘સેક્સ એન્ડ ધી સિંગલર્સ’ પુસ્તકે અમેરિકાને હચમચાવી દીધું હતું. ૧૯૬૫માં હેલન ગર્લીને ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનના એડિટર બનાવવામાં આવ્યાં. આ એક એવું મેગેઝિન હતું જેણે એ જમાનામાં સેક્સ પર મુક્ત ચર્ચા શરૂ કરી. વળી, આ મેગેઝિન મૂળભૂત રીતે મહિલાઓ માટે હતું. આ મેગેઝિનમાં સ્ત્રીઓએ કેવી રીતે સુંદર દેખાવુંથી માંડીને કુંવારી યુવતીએ કેવી રીતે ‘અફેર’માં આગળ વધવું એ બધું શીખવવામાં આવતું હતું. હેલન ગર્લીએ અમેરિકન મહિલાઓને એવી પણ શિખામણ આપી કે કોઈ પુરુષ સાથે સેટલ થવા ખાતર જ સેટલ થવું જરૂરી નથી અને તેમ કરવાના બદલે જીવનના આનંદની ખોજ ચાલુ રાખતી.
મજાની વાત એ છે કે, હેલન ગર્લી જયારે અપરિણીત હતાં ત્યારે એટલે કે ૨૦ વર્ષની વયે તેમણે એક પરિણીત પુરુષને લખેલા પત્રો તેમના પતિ ડેવિડ બ્રાઉનના હાથમાં આવી ગયા અને એ પત્રો વાંચ્યા બાદ જ તેમના પતિ ડેવિડ બ્રાઉને હેલનને ‘સેક્સ એન્ડ ધી સિંગલર્સ’ પુસ્તક લખવા સલાહ આપી હતી. હેલને એ પુસ્તક લખ્યું અને અમેરિકાના ઘરઘરમાં હેલન ગર્લી જાણીતાં બની ગયાં. એ જ પુસ્તકના ટાઈટલ પરથી ફિલ્મ પણ બની.
અલબત્ત, હેલ ગર્લી બ્રાઉન ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનને ફેલાવાની બાબતમાં એક ઊંચાઈ પર પહોંચાડી દીધું પરંતુ એ મેગેઝિનનો વિરોધ પણ થયો. કેટ મિલેટ નામનાં એક મહિલા એક્ટિવિસ્ટે હેલનગર્લી બ્રાઉનની ઓફિસમાં જ બેસી જઈને ધારણાં કર્યાં.
‘કોસ્મોપોલિટન’ મેગેઝિનના સેન્ટર પેજ પર મહિલાઓને ગમી જાય તેવા પુરુષોની નગ્ન તસવીરો પણ ક્યારેક છાપવામાં આવી હતી. તેવા ફોટોગ્રાફસમાં એક ફોટોગ્રાફ આર્નોલ્ડ શ્વાર્ઝનેગરનો પણ હતો.
માત્ર પાંચ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ ધરાવતાં હેલન ગર્લી બ્રાઉન બોલવામાં અત્યંત સજ્જ હતાં. ગમે તેવા તોફાની શ્રોતાઓને થોડી જ ક્ષણોમાં તેમની સ્પીચથી વશ કરી લેતાં. લંડનમાં ઓક્સફર્ડ ખાતે તેઓ એક ડિબેટમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં અને તેમની સામે ‘એન્ટિ-કોસ્મો’ પ્લેકાર્ડ લઈ લોકો ઊભા હતા ત્યારે પણ તેમની સામે જઈ ઊભા રહેલાં હેલનને જોઈ બધા શાંત થઈ ગયા હતા.
લંડનમાં તેમણે ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનની આવૃત્તિ શરૂ કરી ત્યારે પહેલા દિવસે તેમાં સેન્ટર પેજ પુરુષનો નગ્ન ફોટો છપાશે તેવી અફવાના કારણે પહેલા દિવસે જ બપોર સુધીમાં સાડા ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ હતી. પહેલા અંકમાં એવી કોઈ તસવીર છપાઈ નહોતી. બીજા અંકમાં એવી તસવીર પ્રગટ કરવામાં આવી અને પ્રિન્ટ ઓર્ડર સાડા ચાર સુધી લઈ જવો પડયો હતો.
કહેવાય છે કે હેલન ગર્લી બ્રાઉનનું વ્યક્તિત્વ જ એવું હતું કે તમે તેમને મળો અને પાંચમી મિનિટે જ તમે તમારા જીવનની અંગતમાં અંગત વાત તેમને કહેવાની શરૂઆત કરી દો. કેલ્સી કહે છે કે તેઓ એકવાર લંડન આવ્યાં હતાં. આખો દિવસ તેઓ વિવિધ સ્થળે પ્રવચનો આપતાં રહ્યાં. ટી.વી. ચેનલોને ઈન્ટરવ્યૂ આપતાં રહ્યાં. રાત્રે અમારે સાથે ડિનર લેવાનું હતું. તેઓ મારાથી ૩૦ વર્ષ સિનિયર હતાં. ૬૬ વર્ષની વયે હેલન ગર્લી મારાથી યુવાન અને તાજગીસભર લાગતાં હતાં. હું થાકી ગઈ હતી પરંતુ તેઓ મધરાતે ડાન્સફલોર પર જવા તત્પર હતાં.
પરંતુ સમય બદલાતો ગયો. ૧૯૯૬માં ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનનું સરક્યુલેશન ઘટવા લાગ્યું. હેલન ગર્લી બ્રાઉનના વાચકોની અભિરુચિ સાથેનો તાલમેલ ઘટવા લાગ્યો. ૧૯૯૭માં હેલન ગર્લી બ્રાઉને ‘કોસ્મોપોલિટન’ મેગેઝિનના એડિટર ઈન ચીફનો હોદે છોડી દીધો. તે પછી તેમનું સ્થાન બોની કુલરે સંભાળ્યું. અલબત્ત, તેમના મેગેઝિનની આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓના એડિટર તરીકે ચાલુ રહ્યાં. પાછલી વયમાં તેઓ તેમની ઓફિસમાં બેસી શાંતિથી કામ કરતાં રહ્યાં. તેમની કચેરીની દીવાલો ગુલાબી-સિલ્કી રંગની હતી. તેમની કાર્પેટ પર એમ્બ્રોઈડરી દ્વારા ઉપસાવવામાં આવ્યું હતું. “Good girls go to heaven/Bad girls go everywhere” હેલન ગર્લી બ્રાઉનનું અવસાન થયું ત્યારે તેઓ ૯૦ વર્ષનાં હતાં.
www.devendrapatel.in

Be Sociable, Share!