Close

જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા

અન્ય લેખો | Comments Off on જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા

એ વખતે વડા પ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુ હતા. તા. ૨-૧૦-૧૯૫૬ના રોજ કોંગ્રેસીઓએ અમદાવાદમાં પંડિત નહેરુની જાહેર સભાનું આયોજન કર્યું. તેની સામે મહાગુજરાતની માગણી કરી રહેલ જનતા પરિષદે અમદાવાદમાં સમાંતર જાહેર સભા યોજવાની જાહેરાત કરતાં વાતાવરણ તંગ થઈ ગયું.

 નહેરુની લોકપ્રિયતા

પંડિત નહેરુની સામે જાહેર સમાંતર સભા કરવી તે નાનીસૂની વાત નહોતી. એ દિવસોમાં પણ નહેરુની લોકપ્રિયતા જબરદસ્ત હતી. આ ખ્યાલ સાથે જ જનતા પરિષદે જનતા પરિષદની સમાંતર સભાને સફળ બનાવવા જબરદસ્ત મહેનત ઉઠાવી. સમાંતર સભામાં હાજરી આપવા માત્ર અખબારી અપીલો આપી. લગભગ રોજ રોજ પ્રચાર માટેની આઠથી દસ જાહેર સભાઓ જુદા જુદા વિસ્તારોમાં યોજવાનું શરૂ કરી દીધું. આ સભાઓમાં ઈંદુલાલ યાજ્ઞિાક, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, જયંતી દલાલ, કરસનદાસ પરમાર, પ્રબોધ રાવળ, અહેમદમિયાં શેખ, હરિપ્રસાદ વ્યાસ, હબીબુરી રહેમાન, રંજનબહેન દલાલ, વીરબાળા નાગરવાડિયા, વિનોદિની નીલકંઠ, બડામિયાં પીરઝાદા, બુલાખી નવલખા વગેરે પ્રવચનો કરતા હતા. આ માટે એક સભા પછી વક્તાઓ એકથી બીજી સભામાં મોડી રાત સુધી રિક્ષામાં ઝડપભેર ફરી વળતા હતા અને સભાઓ મધરાત પછી પણ ચાલતી હતી. સભાઓમાં હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો હાજર રહેતા હતા. મહાગુજરાતની લડતને વેગ આપવામાં કોંગ્રેસી આગેવાનોનાં ઉશ્કેરણીજનક પ્રવચનોનો પણ મોટો ફાળો છે. ઠાકોરભાઈ દેસાઈનાં પ્રવચનો તો ખાસ ઉશ્કેરણીજનક હતાં અને તેથી આ સભાઓમાં મહાગુજરાતને જ લક્ષ્યાંક બનાવીને તીખાં-તમતમતાં પ્રવચનો કરતા અને તે રીતે લોકોનો ઉત્સાહ વધારતા હતા.

મહાગુજરાત ના મળે

૨૩-૯-૫૬ના રોજ કોંગ્રેસ હાઉસના મેદાનમાં સભા થયેલી. કોંગ્રેસની સભાઓ કોંગ્રેસ હાઉસ મેદાન સિવાય ક્યાંય મળી શકે તેવું વાતાવરણ જ ન હતું. તેથી કોંગ્રેસી આગેવાનો તેમના મેદાનમાં જ સભા કરીને પ્રવચનો કરતા હતા અને છાપાંઓમાં મોટા અક્ષરે છપાવતાં. ૨૩મીની કોંગ્રેસ હાઉસની સભામાં ઠાકોરભાઈ દેસાઈએ જણાવેલું કે, આ મહાગુજરાતવાળાને મહાગુજરાત નથી નથી જોઈતું. તેમને તો કોંગ્રેસને ખતમ કરવી છે. તેઓ ગોળીબારની વાતો જ કરે છે અને શહીદોની વાત કરે છે પણ ગોળી ઉપર કોઈના નામ-સરનામાં લખેલાં હોતાં નથી. આનાથી તેમનાં દિલ ઘવાયેલાં છે તેમ કહે છે, પરંતુ કારણ કોઈ જુદું જ છે. ગોળીબાર ન થાય તો અંધાધૂંધી વ્યાપી જાય. તોફાની તત્ત્વો જોડે કાંઈ ગરબા ગવાતા નથી. તાળીઓ પાડવાથી કંઈ મહાગુજરાત ન મળે. મહાગુજરાત તરફી વાતાવરણ જામતું જતું હતું અને રોજરોજ વ્યવસ્થિત થતું તું, તેથી ગુજરાતના ક્ષત્રિય આગેવાનો પણ એકઠા થયા. આ ક્ષત્રિય આગેવાનોની એક બેઠકમાં નટવરસિંહ સોલંકી, ઉદેસિંહ વડોદરિયા, છીન્નાસિંહ અટારિયા, શંકરસિંહ રાઓલ, હરિસિંહ ચાવડા વગેરેએ પ્રવચનો કરી મહાગુજરાતની લડતને ટેકો જાહેર કર્યો. આથી ગુજરાતના ક્ષત્રિય સમાજમાં તેની સારી એવી અસર થઈ અને ક્ષત્રિયોની નેતાગીરીમાં અસરકારક ભાગલા પડયા. ક્ષત્રિયોનો એક તરફી જે ટેકો કોંગ્રેસને હતો તેના બદલે મહાગુજરાતના આંદોલનને પણ ક્ષત્રિયોનો ટેકો બહુ જ આવકારદાયક અને ફળદાયી રહ્યો.

નહેરુની લાગણી

બીજી ઓક્ટોબરની સમાંતર સભાની છેવટની તૈયારીઓ માટેની બેઠક રતિલાલ ખુશાલદાસ પટેલના, ગાંધીધામ રેલવે સ્ટેશનની સામેના ખાંચામાં આવેલા બંગલામાં મળી અને ત્યાં સમાંતર સભાના કાર્યક્રમ અંગેની વિગતો જાહેર કરી. ત્યારે એ જ અરસામાં તા. ૧-૧૦-૫૬ના રોજ પંડિત નહેરુ રાજકોટ આવી પહોંચ્યા. તેમણે રાજકોટની જાહેરસભામાં એમ જણાવ્યું કે, ભાષાવાદીઓ પ્રચારથી કોંગ્રેસને તોડવા માગે છે. જિમખાના મેદાન ઉપરની વિશાળ મેદનીને ૩૦ મિનિટ સુધી સંબોધીને પંડિતજીએ કહ્યું કે, એક વ્યવસ્થા અને બીજી વ્યવસ્થા વચ્ચે દીવાલ ઊભી થવાનો તેમાં ભય રહેલો છે. ગોળીબારનો ઉલ્લેખ કરતાં પંડિતજીએ કહ્યું કે, ખુવારી થઈ તેથી મને દુઃખ થાય છે. તે દુઃખ અમદાવાદ કે ગુજરાતનું નથી, પરંતુ આખા દેશનું છે. દ્વિભાષીના નિર્ણયથી ગુજરાતની પ્રજાને અણધાર્યો આઘાત પહોંચ્યો છે, પરંતુ આ નિર્ણય પાર્લામેન્ટે લીધો છે.

સમાંતર સભા

દરમિયાન બીજી ઓક્ટોબરે યોજાનારી સમાંતર સભા માટે બહારથી આવનારા લોકોને અમદાવાદમાં રહેવા-જમવા માટે શહેરની પોળે પોળે સેંકડો માણસોએ સ્વેચ્છાએ વ્યવસ્થા કરી અને રસોડાં ઊભાં કર્યાં હતાં. સમાંતર સભામાં હાજર રહેવા નજીકના જિલ્લાના લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. જનતા પરિષદની સભામાં શહેરના દરેક વોર્ડમાં સરઘસો કાઢીને લો કોલેજના મેદાન ઉપર પહોંચવું તેવી ગોઠવણ થઈ હતી. જ્યારે ગુજરાતના ગામેગામથી લોકો અમદાવાદ આવતા હતા. ૨-૧૦-૫૬ના રોજ પંડિત નહેરુએ લાલદરવાજા મેદાનમાં મળેલી જંગી જાહેર સભામાં પ્રવચન કરતાં જણાવ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ અલગ થાય તે સારું નથી. તેમ છતાં હું શું કરું ? મહારાષ્ટ્રના લોકોએ નવો વિચાર કર્યો. તેમાં હું સંમત થઈ ગયો એટલું મારે કબૂલવું પડશે. આ વાતની જનતાને જાણ કરવાનો સમય ન મળ્યો અને નિર્ણય લેવાઈ ગયો તેનું મને દુઃખ થયું છે, પરંતુ બીજો છૂટકો ન હતો. પંડિત નહેરુના આ પ્રવચનની ભાષા અને મોરારજીભાઈ અને ઠાકોરભાઈની ભાષાની વચ્ચે જે ફરક જણાતો હતો, તેની પણ ગુજરાતની પ્રજાએ નોંધ લીધી હતી. પંડિત નહેરુ સમજાવટની ભાષા વાપરતા હતા. જ્યારે મોરારજીભાઈ અને ઠાકોરભાઈ ધમકીની ભાષા વાપરતા તેમ હાજર જનતાને લાગ્યું. તેમની સામે વિરોધ વ્યક્ત કર્યો.

ઈંદુલાલની પ્રચંડ સભા

બરાબર આ જ સમયે લો-કોલેજના મેદાનમાં જનતા પરિષદે બોલાવેલ સમાંતર સભા ચાલતી હતી. આ સભામાં શ્રોતાઓની સંખ્યા લગભગ ચાર લાખની હતી, કેમ કે અમદાવાદ શહેર અને ગુજરાતનાં ગામેગામથી લોકો હાજર રહ્યા હતા. આ સભામાં પ્રવચન કરવા સૌ આગેવાનો ઉત્સુક હતા અને તેથી કોણે પ્રવચન કરવું તે અંગે કંઈક મતભેદો પડયા હતા, પરંતુ છેવટે એમ નક્કી થયું કે, દરેક જૂથ વતી એક જણ બોલે તેથી ઈંદુલાલ યાજ્ઞિાક, કરસનદાસ પરમાર, હિંમતલાલ શુક્લ, સનત મહેતા અને હરિહર ખંભોળજાએ પ્રવચનો કર્યા અને લગભગ કલાક સુધી આ સભા ચાલેલી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને જૈન મુનિઓની મોટી હાજરીએ લોકોનું ખાસ ધ્યાન આ સભામાં ખેંચ્યું હતું. ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ હાજર હતી. મંચ ઉપર પાછળ મહાગુજરાતનો એક વિશાળ નકશો રાખવામાં આવ્યો હતો, જેને દીપમાળાઓથી શણગારવામાં આવ્યો હતો અને તેની મધ્યમાં ગાંધીજીની તસવીર મૂકવામાં આવી હતી. મંચ ઉપર એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી બાજુ શહીદોની યાદમાં કાળો વાવટો ફરકાવવામાં આવ્યો હતો. સભામાં વક્તાઓએ જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને કોઈ પણ સ્ટીમ રોલર દબાવી શકશે નહીં.

જવાહરલાલ નહેરુ અને વિદ્યાર્થીઓ

વડા પ્રધાન જવાહરલાલ નહેરુને સાંભળવા માટે વિદ્યાર્થીઓની એક ખાસ સભા કોંગ્રેસ તરફથી યોજવામાં આવી હતી. આ સભામાં વિદ્યાર્થીઓ શાંત અને શિસ્તબદ્ધ બેઠા હતા. સભામાં જવાહરલાલજી આવી પહોંચતાં જ બહુજન વિદ્યાર્થીઓની મેદનીએ મહાગુજરાતને લગતા અને ગોળીબારની તપાસનાં સૂત્રો પોકાર્યાં. પંડિતજીએ પ્રવચન શરૂ કર્યું તે દરમિયાન તેઓ ખૂબ ગુસ્સામાં આવી જતા અને છતાં કોઈ વાર વિદ્યાર્થીઓની મક્કમતા જોઈને આનંદમાં પણ આવી જતાં. સભામાં પોલીસે દરમિયાનગીરી કરવાં જતાં પંડિતજીએ પોલીસને બેસી જવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓને દિલથી અપીલ કરતાં પંડિતજીએ કહ્યું કે, હું કંઈ આ દેશનો બાદશાહ નથી. દેશે મને વડા પ્રધાન બનાવ્યો અને તેથી લોકસભાનો નિર્ણય મારે માથે ચડાવવો જોઈએ. પાંચ વર્ષ પછી ફેરવિચારણા કરી શકો તેમ છો અને તે રીતે તમે મહાગુજરાત મેળવી શકો છો. કોમર્સ કોલેજના મેદાન પર ગુજરાત યુનિવર્સિટી તરફથી બોલાવાયેલી આ સભામાં પંડિતજીએ પ્રવચન કર્યું, પરંતુ હકીકતમાં પ્રવચનને બદલે તેમની અને વિદ્યાર્થીઓની વચ્ચે લગભગ વાર્તાલાપ થયો હતો. વિદ્યાર્થીઓએ જોરદાર નારો લગાવ્યો કે, ‘નહેરુચાચા જિંદાબાદ, અમારે જોઈએ મહાગુજરાત.’ જતાં જતાં પંડિતજીએ પ્રેમથી કહ્યું કે, હું તમારાથી નારાજ થઈને જતો નથી. તમને મળીને ખુશ થયો છું. તમે જયહિંદ સૂત્રને ભૂલી જવા માગો છો? જવાબ મળ્યો, ”ના.” પંડિત નહેરુએ કહ્યું કે બોલો જયહિંદ. ત્રીસ હજાર વિદ્યાર્થીઓ બોલી ઊઠયા ‘જયહિંદ.’ પંડિત નહેરુના આ વલણની લોકોએ ભારે પ્રશંસા કરી.

સંપર્ક તૂટયો છે

તે જ દિવસે કોંગ્રેસ કારોબારી સમક્ષ બોલતાં પંડિતજીએ સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતની જનતા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. કોંગ્રેસ કાર્યકરોએ લોકોના શત્રુ બનીને નહીં, પરંતુ સાથી બનીને રહેવું જોઈએ. લોકસભાના કોંગ્રેસી સભ્યો આંખ મીચીને મને અનુસરે તેમ ઈચ્છતો નથી, જે જનતા અને તમારી વચ્ચે ઊભી થયેલી છે તેની જવાબદારી કોની છે ?  પંડિત નહેરુના આવા ભાષણથી ગુજરાતના કોંગ્રેસીઓ વિચારમાં પડી ગયા હતા. સૌરાષ્ટ્રમાં પણ લડતનો પ્રચાર ચાલુ જ હતો. જશવંત મહેતાએ મહુવાની વિશાળ જાહેર સભામાં જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ નિર્ણય આખરી નથી. જનતાની લાગણીને માન આપીને મહાગુજરાતની રચના કરવી જ પડશે.

જનતા પરિષદે નક્કી કર્યું કે, દ્વિભાષી રાજ્યના પ્રારંભના દિવસે ધનતેરસના રોજ રાતના મશાલ સરઘસ કાઢવું. કાળી ચૌદશના દિવસે હડતાળ અને રસ્તાઓ રોકવા, આંગણાઓમાં મહાગુજરાતનો નકશો દોરવો તેમજ રોશની કરવી નહીં તેમજ દારૂખાનું ફોડવું નહીં. આ કાર્યક્રમનો સારી રીતે અમલ થાય તે માટે અમદાવાદમાં રોજ રાતના જાહેર સભાઓ દ્વારા પ્રચંડ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી. (માહિતી સૌજન્ય : ડો. વિજ્યા યાદવ).

www.devendrapatel.in

Be Sociable, Share!