Close

જ્યાં ક્રાંતિકારીઓને બળદની જેમ ઘાણીએ જોડવામાં આવતા

અન્ય લેખો | Comments Off on જ્યાં ક્રાંતિકારીઓને બળદની જેમ ઘાણીએ જોડવામાં આવતા

ભારત વર્ષના લોકો દર વર્ષે ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન ઊજવે છે. ભારતની આઝાદીને ૭૦થી વધુ વર્ષ થયાં. પ્રજા હવે બોલવા, લખવા, ફરવા અને પોતાની પસંદગીની સરકાર નક્કી કરવા આઝાદ છે.

સ્વતંત્રતાની ખુલ્લી હવાનો આસ્વાદ લઈ રહેલી નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામ માટે લડનાર મોટા મોટા નેતાઓનાં જ નામો યાદ છે. આઝાદીનો જંગ તો વર્ષોથી ચાલતો હતો. સ્વતંત્રતા માટે લડતા નેતાઓ સ્વંય નેતૃત્વ અને દિશાવિહોણા હતા. તે બધાંને એક કરી લડાઈની દિશા અને નેતૃત્વ પૂરું પાડવાનું કામ ગાંધીજીએ કર્યું, પરંતુ એ પહેલાં પણ દેશની આઝાદી માટે કાળ કોટડીઓમાં જનાર, ગોળીઓ ખાનાર અને ફાંસીએ લટકનાર બીજા સેંકડો ગુમનામ દેશવાસીઓ લોકનજરમાંથી અદૃશ્ય છે.

આંદામાનની જેલ

આ લોહિયાળ ઇતિહાસની સાક્ષી છે આંદામાનની પોર્ટ બ્લેરની જેલની દીવાલો જે આજે પણ દેશ માટે ફના થનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાતનાઓથી દુઃખી છે.

મુઠ્ઠીભર અંગ્રેજોએ વિશાળ ભારત દેશ પર રાજ કર્યું. બ્રિટિશ સામ્રાજ્ય સામે આંખ ઊંચી કરનાર ભારતવાસીઓને સૌથી વધુ યાતનાઓ આપવા આંદામાનની પોર્ટ બ્લેરની જેલમાં મોકલી આપતા હતા. અહીં પોતાને સભ્ય કહેવડાવનાર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓએ મધ્યકાલીન જમાનાની શૈલીથી ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ પર શરમજનક અત્યાચાર કર્યા હતા. આ જેલમાં જે રાજકીય કેદીઓને મોકલવામાં આવતા તેમને તે સજા કાળાપાણીની કહેવામાં આવતી હતી. બ્રિટિશરોએ આવું ભારતમાં જ કર્યું હતું તેવું નહોતું. એક જમાનામાં બ્રિટિશ સામ્રાજ્ય બીજા અનેક દેશોમાં ફેલાયેલું હતું. બીજા યુરોપીય દેશોના ગુનેગારોને તે ઓસ્ટ્રેલિયા મોકલી દેતું હતું. જેને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવે તેને કાળાપાણીની સજા કહેવામાં આવતી હતી.

જેલમાં પણ બેડીઓ

પરંતુ આંદામાનની પોર્ટ બ્લેરની જેલમાં ભારતીયો પર અંગ્રેજોએ કરેલા સીતમની યાદો સંઘરાયેલી છે. આ જેલમાં બંગાળથી માંડીને ભારતના બીજા અનેક ભાગોમાં અંગ્રેજોને હટાવવા બોમ્બ બનાવવાથી માંડીને અંગ્રેજો સામે માથું ઊંચકવાનો પ્રયાસ કરનાર પર સ્વાતંત્ર્ય સેનાનીઓને કાલ કોટડીઓમાં પૂરી દેવામાં આવતા હતા. અહીં રાખવામાં આવતા કેદીઓને જેલની અંદર પણ બેડીઓમાં રાખવામાં આવતા. અંગ્રેજોએ અહીં સેંકડોને બંદૂકની ગોળીથી મારી નાખવાના હુકમો કર્યા. અહીં કેટલાયને ફાંસીએ લટકાવી દીધા. બોલિવૂડનો કોઈ નિર્માતા આંદામાનની જેલોમાં વરસાવાયેલા જુલમની કથાઓ પર ફિલ્મ બનાવે તો શક્ય છે કે, એ ફિલ્મ વિશ્વની સૌથી વધુ જલદ ફિલ્મ બને અને ગોરી ચામડીના અંગ્રેજોની જંગલિયતને ઉઘાડી કરી નાખે.

આજે તો પોર્ટ બ્લેરની એ જેલની બહાર પીપળાનું એક વૃક્ષ છે. અહીંથી સામે ત્રીજા માળે આવેલા એક લોખંડી દ્વારની પાછળ એક ઓરડી છે જેમાં વીર સાવરકર વર્ષો સુધી બંધ રહ્યા. તેમણે અંગ્રેજોના બધા જ અત્યાચાર સહ્યા જે બીજા ક્રાંતિકારીઓ પર કરવામાં આવતા હતા. વીર સાવરકરની આંખો સામે જ કેટલાક ક્રાંતિકારીઓને ફાંસી પર લટકાવવામાં આવતા હતા જેથી વીર સાવરકરનું મનોબળ તોડી શકાય. વીર સાવકરે એ ક્રાંતિકારીઓના શ્વાસ પોતાની નજર સમક્ષ રૃંધાતાં જોવા છતાં તેઓ અડગ રહ્યા.

ચાબુક ફટકારાતા

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, આ જેલમાં બંધ રાખવામાં આવતા ભારતીય ક્રાંતિકારીઓેને બળદની જેમ ઘાણીએ જોડવામાં આવતા હતા. તેઓ ઘાણીની ફરતે ચાબુક મારી દોડાવવામાં આવતા હતા. તેઓ ધીમા પડી જાય તો ચાબુક ફટકારવામાં આવતી હતી. તેમના બદન પરથી નીકળતો પરસેવો ક્યારેક લોહીથી મિશ્રિત થઈ જતો. વીર સાવરકર, ભાઈ પરમાનંદ, મહાવીરસિંહ, ઉલ્લાસકર સંન્યાલ, પૃથ્વીસિંહ આઝાદ, પરમાનંદ ઝાંસી, દાજી નારાયણ જોષી, અલી અહેમદ, અમરસિંહ, ભાનસિંહ બિશન સિંહ, ચેતરામ જેવા અસંખ્ય ક્રાંતિકારીઓના બલિદાનની ગાથાઓ અહીં પડેલી છે.

કોરડા વીંઝાતા

આ જેલના ઇતિહાસ પ્રમાણે એ ઘાણીથી લગભગ ૨૦ ફૂટના અંતરે એક થાંભલો હતો તેને ટિકટિકી તરીકે ઓળખવામાં આવતો. અહીં જે ક્રાંતિકારી ઘાણીએ ફરતો હોય અને દિવસમાં ત્રીસ શેર તેલ નાળિયેરમાંથી ના કાઢી શકે તેને આ ટિકટિકી તરીકે ઓળખવામાં આવતા થાંભલે બાંધવામાં આવતો અને અંગ્રેજ જેલર ડેવિડ બેરી તે ક્રાંતિકારીના ઉઘાડા શરીર પર કોરડા વીંઝતો, પરંતુ એ યાતના ભોગવતા એ માર ખાતા પણ ‘વંદે માતરમ્- ભારત માતા કી જય અને ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા પોકારતાં એ યાતનાઓ સાંભળનાર જેલની એ દીવાલો આજે પણ આંસુ સારી રહી છે. હા, એ ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નારાઓ અને યાતનાઓભર્યા દર્દને સાંભળવા માટે હૃદય જોઈએ.

આ બધી યાતનાઓની કહાણીઓ સાચા ભારતીયનું લોહી ઉકાળી દે તેવી છે.

ગુમનામ ક્રાંતિકારીઓ

આજે ભારતીયો સ્વતંત્ર ભારતનાં ફળ ચાખી રહ્યા છે તેમને સ્વતંત્ર ભારતનાં સોનેરી સ્વપ્નો જોનાર અહીં કાલ કોટડીઓમાં બંધ અને અહીં જ મૃત્યુ પામનાર એ ક્રાંતિકારીઓની કોઈ જ ખબર નથી. એ બધા તો સ્વતંત્ર ભારતનાં સ્વપ્ના જોતાં જોતાં જ પોર્ટ બ્લેરની જેલમાં અંધારામાં વિલીન થઈ ગયા. એ બધાએ ઘર છોડયું હતું, માતા-પિતા છોડયા હતા, પુત્ર અને પત્ની પણ છોડયા હતા. એક વાર આ ખતરનાક જેલમાં પુરાઈ ગયા બાદ તેમની ચારે તરફ યાતનાઓ જ હતી, સામે ગરજતો સમુદ્ર હતો. કોઈ વાર ટીંટોડીનો અવાજ તો કોઈ વાર સાથી પર વીંઝાતા કોરડાઓનો અવાજ સંભળાતો. બદનમાંથી નીકળતા લોહીને લૂછવાવાળું કોઈ જ નહોતું. દેશમાં તેમનાં પરિવારોનું શું થયું તેમજ માતા-પિતાનું શું થયું, સંતાનોનું શું થયું તેની કોઈ જ ખબર નથી.

મૃતદેહો સમુદ્રમાં

કહેવાય છે કે, જેલની પાછળ દૂર સુધી ફેલાયેલો વિશાળ સમુદ્ર છે જે ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવતી તે ક્રાંતિકારીઓના મૃતદેહોને સમુદ્રમાં ફેંકી દેવાતા. એ જ એમના અગ્નિ સંસ્કાર હતા. કોઈ એમના માટે શાંતિપાઠ કરનારું પણ નહોતું.

આ બધા વીર ક્રાંતિકારીઓની કરુણ ગાથાઓ પહેલાં અંગ્રેજોએ અને તે પછી જાપાનીઓ જીવતા જ સાગરમાં દફનાવી દીધી છે.

એ સૌ ક્રાંતિકારીઓને સલામ.

www.devendrapatel.in

Be Sociable, Share!