Close

ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાને બદલે સારો વહીવટ કર્યો

અન્ય લેખો | Comments Off on ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાને બદલે સારો વહીવટ કર્યો

તા.૧લી મે, ૧૯૬૦ના રોજ ડો. જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના રોજ અમરેલીમાં તેમનો જન્મ થયો હતો. અમરેલીમાં એક ટાવર ચોક છે. મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા. મેટ્રિક પણ અમરેલીમાંથી જ થયા હતા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. ૧૯૦૪ની સાલમાં મુંબઈની મેડિકલ કોલેજમાં તેમણે તબીબી શિક્ષણ લેવાનું ચાલુ કર્યું. ૧૯૦૭માં ૯૪ ટકા માર્ક્સ સાથે આખી કોલેજમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા. ભણતાં ભણતાં તેઓ મજૂરોની સારવાર માટે જતા હતા. ૧૯૦૯માં સર મંગળદાસ નાથુભાઈ ટ્રાવેલિંગ ફેલોશિપ લઈને તેઓ લંડન ભણવા ગયા. વધુ અભ્યાસ માટે તાતાની સ્કોલરશિપ મળી હોવા છતાં લંડનમાં સાદાઈથી રહેતા હતા. કરકસર કરતાં. કપડાં ઈસ્ત્રી કરાવવા ન પડે તે માટે તેની ગડી વાળી ઓશીકા નીચે મૂકતા. ૧૯૧૪માં એમ.ડી.માં ફર્સ્ટક્લાસ સાથે પાસ થયા અને સુવર્ણચંદ્રક મેળવ્યો,

તબીબી પ્રેક્ટિસ

૧૯૧૫માં તેઓ ભારત આવ્યા. મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. મહિને ૩થી ૪ હજારની પ્રેક્ટિસ છતાં રતન તાતા બીમાર પડતાં ઋણમુક્તિ માટે પ્રેક્ટિસ છોડી તેઓ તાતાના અંગત તબીબ તરીકે સ્ટીમરમાં લંડન જવા રવાના થયા. રસ્તામાં ભારે દરિયાઈ વાવાઝોડું આવ્યું. સ્ટીમર કોઈ ખડક સાથે અથડાતાં તેમાં ગાબડું પડયું. સ્ટીમર ડૂબવા લાગી. લાઈફ બોટના સહારે ૩૦ કલાક સુધી તેઓ ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા. પવન અને ઠંડીના કારણે તેમને ફેફસાંનું દર્દ થયું અને એક ફેફસું કઢાવવું પડયું. ભારત પાછા આવ્યા બાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવી તેમના અંગત ડોક્ટર તરીકે નિમણૂક કરી.

એ જ સમયગાળામાં ગાયકવાડના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી હંસાબહેન સાથે તેમણે લગ્ન કર્યાં.

૧૯૨૫થી ૧૯૪૨ સુધી શેઠ ગોરધનદાસ મેડિકલ કોલેજ અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન તરીકે સેવાઓ આપી. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા.

ગાંધીજીના પરિચયમાં

૧૯૩૦માં તેઓ ગાંધીજીના પરિચયમાં આવ્યા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું. પહેલાં બાપુ સાથે તેઓ દાંડીકૂચમાં જોડાયા. સવિનય કાનૂનભંગમાં પણ જોડાયા. તેમની ધરપકડ થઈ અને બે વર્ષની સખત કેદની સજા પણ થઈ. બે વર્ષ દરમિયાન યરવડા જેલમાં તેમણે જેલવાસીઓની તબીબી સારવાર કરી. અત્રે નોંધનીય છે કે, ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા ત્યારે જીવરાજ મહેતા પણ લંડનમાં ભણતા હતા. ત્યાં તેમને પહેલી મુલાકાત બાપુ સાથે થઈ હતી. બાપુના પરિચયથી તેમનામાં સેવાનાં બીજ રોપાયાં હતાં. બાપુએ તેમને રંગભેદ, અન્યાય અને જુલમો સામે લડવા સલાહ આપી હતી.

આ તરફ યરવડા જેલમાંથી છૂટયા બાદ મુંબઈના પરેલ-દાદર- માટુંગા મત વિસ્તારમાંથી ચૂંટાઈને તેઓ મુંબઈ ધારાસભામાં ગયા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. ભાગલા વખતે લાખો નિરાશ્રિતો પાકિસ્તાનથી ભારત આવ્યા. તેમના માટે આરોગ્યના પ્રશ્નો ઊભા થયા. આરોગ્ય ખાતાએ તેમની મુખ્ય આરોગ્ય નિરીક્ષક તરીકે નિમણૂક કરી. તે વખતના કેન્દ્રના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેમને વડોદરા મોકલી વડોદરા રાજ્યનો મુંબઈ રાજ્યમાં સમાવેશ કરાવડાવ્યો.

પ્રથમ મુખ્યમંત્રી

હવે ડો. જીવરાજ મહેતાએ પૂરા ખંતથી જાહેર જીવનમાં ઝંપલાવ્યું. ૧૯૪૯થી ૧૯૫૧ સુધી તેઓ મુંબઈ રાજ્યમાં બાળાસાહેબ ખેરની સરકારમાં પ્રધાન તરીકે જોડાયા. ૧૯૫૧થી ૧૯૬૦ સુધી તેઓ નાણાપ્રધાન રહ્યા. ૧૯૫૬માં એ વખતે ગુજરાતમાં મહાગુજરાતનું આંદોલન ચાલતું હતું. અનેક લોકો શહીદ થયા. મોરારજી દેસાઈની અનિચ્છા છતાં ગુજરાત મુંબઈથી અલગ થયું અને ૧૯૬૦ના મેની ૧લી તારીખે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. એ વખતે અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. ૧૯૬૨માં તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. અમદાવાદથી ૩૦ કિલોમીટર દૂર ગાંધીનગરને ગુજરાતનું અલગ પાટનગર બનાવવા વિચારાયું. ડો. જીવરાજ મહેતાએ તેમના પ્રધાનમંડળમાં રસિકલાલ પરીખને ગૃહખાતું આપ્યું અને તે નિર્ણય ગુજરાતના સર્વોચ્ચ એવા મોરારજીભાઈને ના ગમ્યો. મોરારજી દેસાઈ દિલ્હીમાં હાઈ કમાન્ડ હતા. વડા પ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા. મોરારજીભાઈએ ડો. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી પદેથી હટાવવા પેરવી કરી. ગુજરાતના ધારાસભ્યોમાં ભેદભાવ ઊભા કરાવડાવ્યા. મતભેદો દૂર કરવાના બહાને મોરારજી દેસાઈના ઈશારે એ વખતના કોંગ્રેસી પ્રમુખ સંજીવ રેડ્ડીને અમદાવાદ મોકલવામાં આવ્યા. ડો. જીવરાજ મહેતાની વિરુદ્ધ બળવંત મહેતાને ઊભા કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી પદ છીનવાયું

ડો. જીવરાજ મહેતા પ્રામાણિક રાજકારણી હતા. તેઓ પોતાના સિદ્ધાંતમાં અડગ હતા. તેમને ખસેડવાનો તખ્તો મોરારજીભાઈએ ગોઠવી દીધો હતો. ધારાસભ્યોના મત જાણવા માટે વિધાનસભાના પરિસરમાં કવાયત શરૂ થઈ. એ વખતે ગુજરાત વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ જ્યાં ઓ.પી.ડી. ચાલે છે ત્યાં બેસતી હતી. લગભગ ૧૨ કલાક સુધી તેઓ લાકડાંની એક ખુરશીમાં કોંગ્રેસી ધારાસભ્યોનો તમાશો જોતા રહ્યા. જે બનવાનું હતું તેમ જ બન્યું. મોરારજી દેસાઈના ઈશારે ડો. જીવરાજ મહેતા પાસેથી મુખ્યમંત્રી પદ લઈ લેવામાં આવ્યું. તેમને અન્યાય થયો, પરંતુ ચુપચાપ સહન કરી લીધો. મોરારજી દેસાઈએ માત્ર પોતાનો અહંકાર સંતોષવા તેમને ખસેડયા હતા.

હાઈ કમિશનર બન્યા

પરંતુ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને ડો. જીવરાજ મહેતા સાથે થયેલા અન્યાયનો ખ્યાલ હતો. તેમણે ડો. જીવરાજ મહેતાને લંડનમાં ભારતના હાઈ કમિશનર તરીકે નીમ્યા. ડો. જીવરાજ મહેતાએ બ્રિટનમાં હાઈ કમિશનર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. ત્યાર બાદ ભારત અને બ્રિટનના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો. પંડિત જવાહરલાલ નહેરુના અવસાન પછી તે વખતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પછીથી ઇંદિરા ગાંધી સાથે પણ તેમને નિકટના સંબંધો રહ્યા. ૧૯૭૧માં તેઓ અમરેલીની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા અને લોકોનું પ્રતિનિધિત્વ કર્યું. ડો. જીવરાજ મહેતા માટે અનેક તંત્રીલેખો લખાયા હતા. તેમના માટે લખાયું હતું : ”ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાના બદલે વહીવટ કરી બતાવ્યો છે.” તેમણે રજૂ કરેલું અંદાજપત્ર ભલભલા અર્થશાસ્ત્રીઓએ કબૂલ રાખ્યું છે.

ગોખલેજીએ તેમને ‘લોકનેતા’ કહ્યા હતા. મહાત્મા ગાંધીએ તેમને ‘સમર્થ માનવી’ કહ્યા હતા. જવાહરલાલ નહેરુએ તેમને ‘નિષ્ઠાવાન ડોક્ટર’ કહ્યા હતા. રાજગોપાલાચારીએ તેમને ‘અદ્ભુત વ્યક્તિ’ તરીકે સંબોધ્યા હતા. સરોજિની નાયડુએ તેમને ‘માનવતાનું પુષ્પ’ કહ્યા હતા. લોર્ડ માઉન્ટ બેટને તેમને માટે કહ્યું હતું : ”ડો. જીવરાજ મહેતાએ નિરાધારના આશીર્વાદ જેવું અમૂલ્ય ધન પ્રાપ્ત કર્યું છે.”

આવા ડો. જીવરાજ મહેતાનું ૧૯૭૮ની સાલમાં ૯૧ વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. ડો. જીવરાજ મહેતાની પેઢીના સમકાલીન હવે રહ્યા નથી, પરંતુ જે છે તેઓ તેમને હંમેશાં સારી રીતે યાદ કરે છે. ઘણા લોકોને યાદ છે કે, ડો. જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિરોધી પણ મળવા જાય તો ઝાંપા સુધી તેને મૂકવા જતા હતા.

ગુજરાતનો વિકાસ

ગુજરાતનો હાલમાં જે કોઈ દ્યોગિક વિકાસ દેખાઈ રહ્યો છે તે અને ગાંધીનગરનું સુંદર આયોજન છે તે ડો. જીવરાજ મહેતાને આભારી છે. આ વ્યક્તિને માત્ર ગુજરાતના વિકાસમાં જ રસ હતો. આજે ગુજરાત જે કંઈ છે તે જીવરાજ મહેતાની દૂરંદેશીને કારણે જ છે. ૧૯૬૦માં તેને ગુજરાત ફર્ટિલાઈઝર, જીએસએલ, જીએમડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી જેવી અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓ ઊભી કરી ગુજરાતનો વિકાસ કરી બતાવ્યો હતો. ડો. જીવરાજ મહેતાએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નક્શા પર મૂકી અને દેશના દ્યોગિક ક્ષેત્રમાં વર્ષો સુધી ગુજરાતને પ્રથમ નંબર અપાવ્યો હતો. ડો. જીવરાજ મહેતા રાત્રે બે વાગ્યા સુધી સચિવાલયની ઓફિસમાં બેસી કાર્ય કરતા હતા અને તેમના વહીવટમાં અણિશુદ્ધ પ્રામાણિકતા હતી.

ગુજરાતની એ કમનસીબી છે કે, સાચા નેતાઓને ગુજરાત ક્યારેય ઓળખી શક્યું નથી.

ડો. જીવરાજ મહેતાએ પોતાની માલિકીનું મકાન પણ જાહેર ટ્રસ્ટને આપી દીધું છે. આવા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીને ગુજરાતના નેતાઓ અને ગુજરાતની પ્રજા બેઉ ભૂલી ગયા છે

Be Sociable, Share!