Close

તને એમાંથી કોણ પસંદ છે? [Short story ]

અન્ય લેખો | Comments Off on તને એમાંથી કોણ પસંદ છે? [Short story ]

ડ્રેસિંગ ટેબલના અરીસા સામે શિલ્પા ઊભી હતી

 તેના હાથ અંબોડો ગૂંથવામાં પરોવાયેલા હતા. હા. ઘડીક તેની નજર તેના પગ તરફ જતી, તો ઘડીક ઉપર. થોડી થોડી વારે સહેજ અવળી ફરીને પીઠનો ભાગ પ્રતિબિંબમાં જોઈ લેતી અને અરીસામાં દેખાતી શિલ્પા એ બીજી કોઈ રૂપાળી છોકરી હોય એમ એની સામે જોઈ હળવું સ્મિત કરી લેતી.

લિપસ્ટિકને હળવા હાથે સુકુમાર હોઠ પર લગાડતાં ફાંગી આંખો કરીને તે જોઈ રહી.

“શિલ્પુ…!”

“આવી મમ્મી” મમ્મીની બૂમનો પ્રત્યુત્તર આપતાં તેણે સેન્ટ હાથમાં લીધું.

અને થોડીકવાર રૂમનો પંખો ચાલુ જ રહેવા દઈ નીચે દોડી.

“શિલ્પુ ક્યાં જાય છે?” મમ્મીએ સહજ ભાવે પૂછયું.

“કોલેજ”

“આજે રજાના દિવસે?”

“ઓહ મમ્મી! હવે ઈલેકશન આવે છે….”

“તે તું પણ ચૂંટણી લડવાની છે?”

“ના બાબા ના. પેલો સલિલ અમારી કોલેજના જી.એસ.માટે ઊભો રહેવાનો છે તેણે અમને બધાને બોલાવ્યાં છે.”

“કોણે સલિલ! પેલા વિશ્વંભર મહેતાનો છોકરો?”

“હા….પણ તને એ ક્યાંથી ખબર? શિલ્પાએ આશ્ચર્ય સહિત પૂછયું.”

“જો શિલ્પુ અહીં આવ…” કહીને મમ્મીએ તેને એક નાની બાળકીને વહાલથી પોતાની પાસે સોફા પર બેસાડી.

શિલ્પા તેની સામે આંખ માંડીને જોઈ રહી.

“તું હવે છેલ્લા વર્ષમાં છે…આગળ તારી શું ઈચ્છા છે?” મમ્મીએ પૂછયું.

“કેમ શું ઈચ્છા છે? એમ.એ. કરવાની જ છું.” શિલ્પાએ સાહજિક ભાવે ઉત્તર આપ્યો.

“જો બેટા…” બેટાનું સંબોધન થતાં શિલ્પા કોઈ અનિમેષ દ્રષ્ટિએ મમ્મી તરફ જોઈ રહી….અને મમ્મીને તેના માથે હાથ ફેરવતાં આગળ ચાલવાનું, “તું હવે ઉંમરલાયક થઈ ગઈ. અમારી ઈચ્છા છે કે…”

“હું જલદી ઠેકાણે પડું એમ ને!”

મમ્મી વધુ ગંભીર થઈ. તે બોલી, ‘શિલ્પુ, કોઈપણ મા-બાપને પોતાના પેટની દીકરી દૂર કરવી ગમે નહીં પણ….સાથે સાથે એ સુખી થાય એનીય ચિંતા હોય તો ખરી જ ને?’

“જો મમ્મી….મારા તરફથી તું બિલકુલ ચિંતા કરીશ નહીં…તને જેમ યોગ્ય લાગે તેમ કરજે….હજુ સુધી એ અંગે મેં કંઈ જ વિચાર્યું નથી.” શિલ્પાએ મોં પર કૃત્રિમ ગંભીરતા ધારણ કરતાં કહ્યું,

અને તે ઊઠીને ચાલતી થઈ. “હું મોડેથી આવીશ…” કંપાઉન્ડમાંથી જ તેણે બૂમ મારી.

શિલ્પા કોલેજમાં પહોંચી ત્યારે આખુંયે ગ્રૂપ હાજર થઈ ચૂક્યું હતું.

“ભઈ તું ક્યાં હતી શિલ્પુ?” સખીએ ફરિયાદ કરી.

“તારા વગર અમને અહીં કશું જ સૂઝતું નથી….”

“મમ્મીની સોડમાં ભરાઈ સૂતી હશે…હજુ તારામાંથી બાળપણ ના ગયું.” એ રીતની જાતજાતની કોમેન્ટ્સથી વધાવી લેવાયેલી શિલ્પા ખડખડાટ હસતી એ સૌની વચ્ચે ગોઠવાઈ.

“જુઓ મિસ શિલ્પા! આ વખતનું ઈલેકશન ગયા વર્ષ જેટલું ઈઝી નહીં હોય…તમારે ખૂબ મહેનત કરવી પડશે.” આકર્ષક પ્રતિભા ધરાવતા સલિલે શરૂઆત કરી.

“કેમ “ઈઝી” નહીં હોય?”

“એટલા માટે કે આ વખતે મારી સામે સ્વપ્નીલ ઊભો રહેવાનો છે.” સલિલે સ્પષ્ટતા કરી.

“સ્વપ્નીલ! કોણે સ્વપ્નીલ? આ પેલો આ વર્ષે એસ.વાય. ફર્સ્ટ આવ્યો એ!” શિલ્પાએ રમતિયાળ ભાવે પૂછયું.

“હા….એ જ સ્વપ્નીલ…ભણવામાં જેટલો હોશિયાર છે એટલો જ છોકરીઓમાં પ્રિય છે….વળી આપણું ઈલેક્શન ડિરેકટ છે…..એટલે ખાસ સંભાળવું પડશે.” બીજા એકે સૂર પુરાવ્યો.

“પણ એના જેવો વેદિયો આ ઈલેકશનમાં શું કામ પડયો? છાનોમાનો ભણ્યા જ કરતો હોય તો…” શિલ્પાએ ફરી હસતાં હસતાં કહ્યું,

“તો આપણે એમ કરીએ. તેની પાસે એક ડેપ્યુટેશન મોકલીએ….બેસી જવા સમજાવીએ.”

“પણ એ માનશે?”

“કેમ નહીં?”

“એની શું ખાતરી?”

“ખાતરી! ખાતરી તો ત્યારે જ આપી શકાય જો હું કહું એમ કરો તો?”

“શું?”

“સ્વપ્નીલને મળવા જનાર ડેપ્યુટેશનમાં બધી જ છોકરીઓ હોવી જોઈએ અને તેની આગેવાની શિલ્પા લે.” સલિલે યોજના સમજાવી.

“કેમ હું આગેવાની લઉં?”

“એટલા માટે કે સ્વપ્નીલને આંજી નાંખી તેને શીશામાં ઉતારવાની શક્તિ માત્ર…”

“ખોટી વાત છે. સ્વપ્નીલની પ્રતિભા અને બુદ્ધિ આગળ હું કંઈ જ નથી. હા, હું મારો પ્રયત્ન કરીશ.” શિલ્પાએ સ્પષ્ટતા કરી.

“તમે તો નાટકનો ડાયલોગ બોલતાં હો એમ લાગો છો.” સલિલે હસતાં હસતાં પૂછયું.

“હં…બોલો તો કોણ કોણ જઈશું?” શિલ્પાએ તેની સખીઓ તરફ નજર તાકતાં પૂછયું.

અને ડેપ્યુટેશન માટેના પ્રતિનિધિઓ નક્કી કરી સૌ અલ્પાહાર લેવામાં પરોવાયાં.

સાંજે શિલ્પા ઘેર પહોંચી ત્યારે પપ્પા-મમ્મી ડ્રોઈંગ રૂમમાં બેઠાં બેઠાં કંઈક ગૂસપૂસ કરી રહ્યાં હતાં.

“શિલ્પુ….આવી ગઈ તું?” પપ્પાએ પૂછયું.

“હા….પપ્પા….હમણાં ઈલેકશનની ધમાલ ચાલે છે ને….”

“તે તું પણ ઊભી રહેવાની છે કે શું?”

“ના રે ના….અમારા ક્લાસનો એક છોકરો જેણે ગઈ સાલના ઈલેકશનમાં મને મદદ કરી હતી. તે ઊભો રહેવાનો છે….પણ પપ્પા, તેની સામે ઊભા રહેનાર બીજા એક છોકરાને સમજાવી બેસાડી દેવા અમે કાલે એક ડેપ્યુટેશન લઈ જવાના છીએ….”

“વાહ ભઈ વાહ….તમે તો કોઈ મુત્સદી રાજકીય નેતાની જેમ ચૂંટણી લડી રહ્યાં છો.” ખડખડાટ હસતાં પપ્પાએ ઉમેર્યું.

“સારું, ચાલ કપડાં બદલી લે…જમી લઈએ.” મમ્મીએ સૂચના આપી.

શિલ્પા કપડાં બદલવા માટે ડ્રેસિંગ રૂમમાં ગઈ….તો ખૂણાના એક ટેબલ પર પડેલી તસવીર જોઈને તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ.

જલદી જલદી કપડાં બદલી તે ડાઈનિંગ હોલમાં પ્રવેશી.

“મમ્મી….આ ફોટોગ્રાફસ કોણ લાવ્યું?” શિલ્પાએ એક પછી એક તસવીરો ફેંદતાં પૂછયું.

“અરે હા બેટા! હું તને કહેવા જ ભૂલી ગઈ….સવારે મેં તને વાત કરી હતીને…કે હવે તું….”

“સમજી સમજી….પણ મમ્મી આમાંથી બે જણ તો મારી કોલેજમાં જ ભણે છે.” શિલ્પાએ કહ્યું,

“કોણ બેટા?” પપ્પાએ વહાલથી પૂછયું.

શિલ્પાએ બે તસવીરોને જુદી પાડતાં કહ્યું: “જુઓ આ બંને. એકનું નામ છે સલિલ અને આ સ્વપ્નીલ…પણ પપ્પા! આ બંને ઈલેકશનમાં એકબીજાની સામે ઊભા રહ્યા છે…”

“વન્ડરફુલ….પણ તને એમાંથી કોણ પસંદ છે?” પપ્પાએ ધીમેથી પૂછયું.

“પપ્પા….હું હમણાં એકાદ અઠવાડિયું કોલેજ ન જાઉં તો!”

“કેમ એમ? મારે તો કોઈકને સમજાવવા ડેપ્યુટેશન લઈને જવાનું છે ને!”

“ઓહ પપ્પા…..મારે હવે ક્યાંય જવું નથી…” કહેતાં તે એક તસવીરે સામે તાકી રહી….અને એનાથી અંજાઈ ગઈ હોય એવા ભાવે તેની સામે જોઈ રહી.

અને બધાં ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં.                                                       DEVENDRA  PATEL

Be Sociable, Share!