Close

તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’[short story]

અન્ય લેખો | Comments Off on તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’[short story]

સપ્ટેમ્બર એક સુંદર મહિનો છે. પેટ ભરીને વરસેલા વરસાદ પછી હરિયાળી ધરતીનું દર્શન આ માસમાં અધિક શ્રેષ્ઠ લાગે છે. એમાંયે ગિરિરાજ આબુ તો નર્યો આલ્હાદક જ બની રહે છે.chithhi

અને એ જ દિવસોમાં મારે આબુ જવાનું થયું. ટોચની વસ્તીથી દૂર છતાં બહુ દૂર નહીં એવા એક રમણીય સ્થળે એક મિશન સ્કૂલ ચાલે છે. એ સ્કૂલની શિક્ષિકા મારી સખી છે અને જ્યારે હું આબુ જાઉં ત્યારે એને અચૂક મળું. વહેલી સવારે આછેરા ધુમ્મસમાં અમે ફરવા નીકળ્યાં હતાં. કૂણા ઘાસ પર હજુ ઝાકળ બિંદુઓ તગતગી રહ્યાં હતાં. કેડી પર વારંવાર ચાલવાને કારણે ઘાસ જતું રહ્યું હતું, પણ કેડી જરા જરા ભીંજાયેલી હતી.

મેં પૂછયું: ‘શોભના! પછી આગળ કંઈ?’

‘આગળ!’ શોભના જાણે સમજી ના હોય એમ એણે મને પૂછયું:’આગળ શું?’

બાબત ગંભીર હતી અને શોભના અનેક દુઃખોથી ઘેરાયેલી હતી. એટલે મેં એની સામે પૂછપરછના બદલે લાગણીસભર બનીને જ ફરી પૂછયું: ‘તું આખી જિંદગી આમ જ કાઢવા માંગે છે…હેં…?’

શોભના કંઈ બોલી નહીં.

‘હું જાણું છું કે આ વાત કોઈ કહે ત્યારે તને નહીં જ ગમે. તારો ઘા તાજો કરવા હું ઈચ્છતી નથી. તને હું દુઃખી પણ જોઈ શક્તી નથી.’

‘હું જરાયે દુઃખી નથી.’ શોભનાએ કહ્યું પણ એના સ્વરમાં સચ્ચાઈનો રણકો નહોતો.

કેટલીક વાર સુધી અમે મૂંગાં મૂંગાં ચાલ્યા કર્યું. મને કેટલાક દૃશ્યો યાદ આવ્યા. શોભના અને હું છેક સ્કૂલથી સાથે ભણતાં હતાં. કોેલેજમાં પણ અમે બેઉ સાથે હતાં. શોભના ખૂબ જ આખાબોલી, ટીખળી અને ચંચળ હતી. એને હું ઘણીવાર કહેતીઃ ‘શોભના! તું હવે નાની છોકરી નથી. આમ તું ગમે તેની મશ્કરી ના કર…કોઈવાર તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ.’- પણ શોભના મારી વાત હસી જ કાઢતી અને એવી રૂપાળી, રૂપકડીને નાદાન શોભના છેક ગ્રેજ્યુએટ થઈ તોયે એવીને એવી જ રહી. પણ એની એક લાક્ષણિક્તા ગજબની હતી, થોડીક અભિમાની પણ ખરી. એ જેટલી સરળ એટલી જ ઘમંડી, વાતવાતમાં એને વાંકું પડે. રિસાય ત્યારે એનો રૂઆબ જ જુદો હોય. આપણે મનાવવા જઈએ એટલે વધુ કડક બને અને મનાવવા ના જઈએ તો રડયા જ કરે. આવી શોભના ઉંમરલાયક થતાં એના માટે સુંદર મુરતિયો શોધવાની ધમાલ ચાલી. એવામાં અમેરિકાથી એક રૂપાળો-ફાંફડો જુવાન ભારત આવ્યો. શિકાગોની કંપનીમાં ટેકનિશિયન તરીકે ઊંચો પગાર મેળવતો હતો. અમેરિકામાં એને સુખસાહ્યબી હતી. છેલ્લાં પાંચેક વર્ષથી એ ત્યાં હતો. સ્વદેશાગમનના વિજ્ઞાાપન સાથે આ બધું વર્ણવેલું અને આમેય શોભનાનાં માતા-પિતા એ છોકરાના પરિવારને થોડું થોડું જાણતાં પણ હતાં. છોકરાનું નામ મને યાદ છે તે પ્રમાણે સતીષ હતું. સતીષે શોભનાને જોઈ. શોભના કોઈનેય ગમી જાય એવી સુંદર…સતીષે એને પહેલી જ મુલાકાતમાં પસંદ કરી. બેઉ સાથે ફરવા નીકળી પડયાં. સતીષ પણ પ્રતિભાશાળી યુવાન, અલબત્ત, અમેરિકાની આબોહવાની અસર એના માથાના વાળ પર થયેલી અને ભાલ-પ્રદેશ જરા વધુ મોટો અને ચમક્તો જણાતો હતો. થોડા જ દિવસોમાં લગ્ન લેવાયાં. પહેલાં સતીષ અમેરિકા ગયો અને થોડાંક જ માસમાં એણે શોભનાને પણ બોલાવી લીધી, શોભનાના પત્રો મારી પર આવતા રહ્યા. દરમિયાન એક દીકરો અને એક દીકરી એમ બે બાળકોની એ માતા બની ચૂકી હતી. ….અને અચાનક એના પત્રો બંધ થઈ ગયા. સાવ બંધ થઈ ગયા, હું પણ મારા કામમાં વ્યસ્ત રહેતી. મેં પણ પત્રો લખ્યા, પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહીં ને કોઈકે મને કહ્યું: ‘શોભના તો પાછી આવી છે, ઈન્ડિયામાં છે, તમને ખબર નથી?’ મેં આૃર્ય વ્યક્ત કર્યું. એ જ સાંજે હું શોભનાનાં માતા-પિતાના ઘેર ગઈ, તો ઢળતી સાંજે શોભના બગીચાના ઝૂલા પર સૂનમૂન બેઠી હતી.

મને જોઈ તે એકદમ બેઠી થઈ જશે એમ મેં માન્યું હતું, પણ એ તો ઝૂલા પર બેસી જ રહી. મને જોઈને એ થોડુંક હસી અને ઝૂલાની બાજુ પર ખસતાં મારા માટે જગા કરી આપી.

હું એની પાસે જઈને બેઠી.

મેં જોયું તો શોભના સહેજ વધુ ઊજળી, વધુ મેદને કારણે ઓછી રૂપાળી પણ અધિક જાજરમાન લાગતી હતી. એની આંખોનું તોફાન ગાયબ હતું. ગહનતા અને ભ્રમરનું હલનચલન એના ગંભીર પ્રશ્નની પ્રતીતિ કરાવતું હતું.

મેં પૂછયું: ‘ક્યારે આવી?’

‘અઠવાડિયું થયું.’

‘મને ખબર પણ ના આપી?’

એ ચૂપ રહી.

મેં ફરી પૂછયું: ‘શોભના! તું કોઈ મુશ્કેલીમાં હોય એમ લાગે છે…મને તો કહે.’

છતાંયે એ ચૂપ રહી.

‘જો ગાંડી! દુઃખ તો વહેંચવાથી જ ઘટે. મને કહે કે શું સમસ્યા છે? આમ એકલીએકલી મૂંઝાઈશ તો તું પણ મરીશ ને…’

અને શોભના રડી પડી.

મને બાઝી પડી. રડતાં રડતાં જ એ બોલીઃ ‘હું મરી જાઉં તો તો ઘણું સારું, પણ મારાથી મરી પણ શકાતું નથી! મને માત્ર મારાં છોકરાંને લીધે જ…’

‘ક્યાં છે તારાં છોકરાં?’ મને અચાનક ખ્યાલ આવ્યો. મેં સ્વચ્થ થતાં પૂછયું: ‘હવે તો મોટાં થઈ ગયાં હશે, નહીં! મને બતાવ તો ખરી?’

શોભના આંખો લૂછી રહીઃ ‘મારી પાસે કોઈ જ નથી, બધાંથી હું અળગી થઈ ગઈ છું.’

અને ધીમે-ધીમે મને ખબર પડી કે સતીષને શોભનાને હવે બનતું નથી. બેઉ વચ્ચે કંઈક અંટસ પડી છે. બેઉ હવે અળગાં રહેવા માગે છે. લગ્ન પછી ચોથા જ વરસે આમ બન્યું. છોકરાં પણ નથી સતીષ પાસે, નથી શોભના પાસે. એમને પૂનામાં સતીષની મા એટલે કે દાદી પાસે રાખ્યાં છે.

પણ આ અંટસ શું હતી?

બહિર્મુખી શોભના હવે અંતર્મુખી બની હતી. વેદનાને અંદરોઅંદર જ ઘૂંટીને વધુને વધુ હેરાન થતી હતી. પણ એની સાથેની છૂટક છૂટક વાતો પરથી એટલું તો મને સમજાયું કે સતીષ શોભનાને શિકાગો લઈ ગયા પછી શોભનાને ખબર પડી કે સતીષને કોઈ અમેરિકન યુવતી સાથે અગાઉના અઘટિત સંબંધો હતા. શોભનાએ આ બાબત અંગે પૂછપરછ કરી ત્યારે સતીષે સાફ શબ્દોમાં કહ્યું કે, ‘હું તને પ્રેમ કરીને પરણ્યો નથી, પરસ્પરના પ્રયાસથી ગોઠવેલાં લગ્ન કર્યાં છે અને એ વખતે તેં મને પૂછયું નહોતું કે, મારે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે કે કેમ? આપણે કેવી જિંદગી જીવવા માંગીએ છીએ એ બાબત પણ સ્પષ્ટ થઈ નહોતી. અમેરિકાના જીવન-પરમીસીવ સોસાયટી અંગે તને ખ્યાલ હોવો જ જોઈતો હતો.’

અને આ સાંભળીને શોભના સડક જ થઈ ગઈ હતી. ત્યારથી આ તિરાડનો આરંભ થયો. બેઉએ એકબીજા સાથે બોલવાનું બંધ કર્યું ને એક દિવસ શોભનાએ જ દરખાસ્ત મૂકી કે આપણે છૂટાછેડા લઈએ. સતીષ મંજૂર થયો. પણ કોઈકની દરમિયાનગીરીથી છૂટાછેડાની વિધિ મુલતવી રહી અને બેઉએ પોતપોતાની રીતે અલગ-અલગ જિંદગી જીવવાનું નક્કી કર્યું. બાળકો શોભના રાખવા માગતી હતી, પણ સતીષે ઈન્કાર કર્યો. છેવટે બાળકોને પૂનામાં દાદી પાસે મૂકવામાં આવ્યાં, પછી શોભનાએ માઉન્ટ આબુની આ મિશન સ્કૂલમાં શિક્ષિકાનો વ્યવસાય સ્વીકાર્યો.

અને આજે પણ વહેલી સવારની ભીની કેડી પર ચાલતાં-ચાલતાં મેં પૂછયું ત્યારે પણ એ ચૂપ રહી. આમ તો પતિ-પત્નીને અલગ રહ્યે આજે દસેક વર્ષ થવા આવ્યાં હતાં.

છેવટે મેં સીધો જ પ્રશ્ન કર્યોઃ ‘સતીષનો કોઈ પત્ર છે?’

શોભનાએ મોં હલાવી ના પાડી.

‘તેં કોઈ પત્ર લખ્યો?’

એણે ફરી મોં હલાવી ના પાડી.

‘તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’

એ ચૂપ રહી.

ચાલતાં ચાલતાં ક્વાટર્સ આવી ગયાં હતાં. અંદર પ્રવેશી પર્સમાંથી એક કાગળ કાઢી મેં શોભના સામે ધર્યો. હું થોડા દિવસ પહેલાં પૂના ગઈ હતી જ્યાં શોભનાનાં બાળકોએ મમ્મી માટે એક ચિઠ્ઠી આપી હતી. અંદર ફક્ત એટલું જ લખ્યું હતું: ‘કોઈ અમારાં મમ્મી-પપ્પાં લાવી દો….અમને નથી ફાવતું.’

અને શોભના ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારી આંખોમાં પણ ઝળઝળિયાં ઊભરાયાં.

Be Sociable, Share!