Close

તે એકલી બેઠી છે ,તેની પાસે જાઉં કે ના જાઉં ?[ SHORT STORY]

અન્ય લેખો | Comments Off on તે એકલી બેઠી છે ,તેની પાસે જાઉં કે ના જાઉં ?[ SHORT STORY]

ચારેકોર ધરતીને આકાશનું વિશાળકાય પેનેરોમિક દ્રશ્ય મારી આંખો સમક્ષ ઘસી રહ્યું.

બેહદ માનવવસ્તી છતાં બેજાન એવા શહેર કરતાં આ માનવવિહોણી ભગ્ન ધરતીમાંયે મને જીવન લાધ્યું.

નાનકડી બેગ ઊંચકતાં મેં કાચા રસ્તે ચાલવા માંડયું.

ગગનચુંબી ઈમારતોથી ઘેરાઈ ગયેલા શહેર કરતાં અહીંના નાનાં મોટાં નવાં જૂના વૃક્ષો વધુ પ્રેક્ષણીય લાગ્યાં.

રસ્તો કાચો પણ કઠણ હતો.

રોજ સવારની ર્મોિંનગ વોક કરતાં આજની વોક સવિશેષ આહૃલાદક હતી. ધરતી પર આખી રાત લગી મિલોએ ઓકેલો ધુમાડો નહીં પણ ઊજળો, સાવ ઊજળો સૂર્ય-પ્રકાશ હતો.

ગામ હજુ અડધો માઈલ દૂર હતું. પરીક્ષા પત્યા બાદ મારે દર ઉનાળે આમ જ આવવાનું થતું. આ ઉનાળેય આંબા મહોર્યા હતા. આ પેલો જૈફ આંબો…અને હવે નાનકડું પણ સુકાઈ ગયેલું વાંઘું…પછી ઢગલાબંધ કેસૂડાંથી લચી પડેલો આ ખાખરો…એ બધું જ મારી સ્મૃતિઓમાં આજેય અંકિત છે. સીમના પ્રત્યેક વૃક્ષને, પ્રત્યેક ખાડાટેકરાને હું ઓળખું છું. કેમ કે મારા બાળજીવનના અનેક પ્રસંગો એ બધાંની સાથે સંકળાયેલા છે.

તાપ વધતાં હું સહેજ અકળાયો.

અને એકાએક મારા હૃદય પર હળવો પણ ન સમજી શકાય એવો થડકાર આવી ગયો. આંબાઓના એક ઝૂંડ તળે છાંયડામાં ઢોરોનું ધણ વિસામો લેતું બેઠું છે. એ જોતાં જ મારા પગમાં અજાયબ સ્ફૂર્તિ આવી ગઈ. હૈયું ભરાઈ ગયું. ક્યારે દોડીને ત્યાં પહોંચી જાઉં! સંતાતો જઉં કે સીધો જ જઉં! દોડતો દોડતો જાઉં કે એકદમ ધીમેથી જાઉં! જાત જાતના રોમાંચ અનુભવતો હું આગળ વધ્યો.

ચહેરા પર સ્મિત આવી જતું રોકવા મેં કોશિશ કરી પણ વ્યર્થ. વાગોળતી ભેંસોની પેલે પાર જોવા મેં કોશિશ કરી.

કંઈક દેખાયું.

મેં નિર્ણય બદલ્યો. એક ઝાડની પાછળ જઈ મારી બેગ ખોલી. અંદરથી એક ટોકરી કાઢી. બેગ બંધ કરી ટોકરી ખણખણે નહીં એ રીતે બીજા હાથમાં સંતાડી હું દિશા બદલી આગળ વધ્યો.

એક જૈફ વૃક્ષના વિશાળ થડના બહાર આવી ગયેલાં મૂળિયાં પર મસ્તક મૂકી એક જોબન લાપરવાહીથી સૂતું હતું. સૂક્કા કાળા વાળના ઝૂંડથી એનો ચહેરો ઢંકાયેલો હતો. માત્ર ઓઢણીમાં એની આ કાયા હવે સમાતી નહોતી.

દબાતા પગલે નજીક જતાં મેં એના કાન પાસે જઈને જ જોરથી ટોકરી ખખડાવી.

“ઓ…મા….રે!” કહેતાં એ ચીસ પાડીને જાગી ગઈ.

ત્વરાથી એણે મારી સામે જોયું. ધ્રૂજતા બદને, ઘેરાયેલી પણ વિહૃવળ આંખોએ એ મને શૂન્યમનસ્ક બની તાકી રહી.

“કેમ ચંદન! આમ બાઘાની જેમ જોઈ શું રહી છે…નથી ઓળખતી મને?…હું…હું રમેશ!” મારે કહેવું પડયું.

“હાય…બાપ!” કહેતાં ચંદને બે હાથ પોતાના મોં પર ઢાંકી દીધા.

“શું થયું ચંદન?”

“કાંઈ નહીં…કાંઈ નહીં…મને થયું કે આ તો સપનું…કે….” બોલતાં ચંદન શરમાઈ. એણે વાત બદલીઃ “આમ નાનાં છોકરાની જેમ બીવડાવતાં શું હશો?”

“તું….તું…..ચંદન, કોઈથી બીવે એવી છે ખરી….?”

“હા…સ્તો”

અને છ માસમાં બદલાયેલી ચંદનને હું જોઈ રહ્યો. ઘણો ફરક પડયો હતો. એના નિતંબ, પગની ઘૂંટીઓ, વૃક્ષઃસ્થળ, ગાલ અને આંખો એ બધાંયે અધિક ચંચળ અને…અને જાણે કે પુખ્ત બન્યા હતાં.

બરાબર કસીને પહેરેલ કબજો જીર્ણ પણ હતો અને બટન તૂટું તૂટું થઈ રહ્યું હતું. એની ભીતર ડોકિયું કરતાં જ…

“આમ નફ્ફટ થઈ…શું…તમેય!” ચંદન બોલીને એકદમ નીચું જોઈ ગઈ.

હું પકડાઈ ગયો હતો.

હું હસવા માંડયો. ખડખડાટ હસ્યો. ખૂબ હસ્યો. સીમાડાઓ ગાજી રહ્યા. મારા હાસ્યના પડઘા પેલા વિશાળ તળાવની પાળે અથડાઈને પાછા આવ્યા…અને હું ગંભીર થયો.

અને ધ્રાસકો પડયો.

ચંદન એક યુવતી હતી. પુખ્તતાને આરે આવેલી છોકરી હતી. કોઈના ઘરની લાજ હતી…એના ઘાઘરાની ફાટેલી કોરમાંથી સરી પડતો દેહ એના જોબનિયાની ચાડી ખાવા કરતાં એની ગરીબીની મશ્કરી વધારે કરતો હોય એમ મને લાગ્યું. મારા હૃદય પર જાણે કે હથોડો ઝીંકાયો. ચંદન અત્યારે તો સાવ ઓછું ભણેલી, સામાન્ય ઘરની એક ગોવાળની દીકરી હતી. આમ જોવા જતાં એને ને મારે શું! પણ એ જ સમજાતું નહોતું. એ નાનકડી ચંદન અને હું આ સીમમાં ખૂબ રમ્યાં હતાં. ખૂબ ભમ્યાં હતાં. ખૂબ રખડયાં હતાં. ખૂબ ઝઘડયાં હતાં. ચંદન એના બાપુ સાથે ધણ ચરાવવા આવતી. હું અને બીજા ઘણા મિત્રો ભરબપોરે છાનામાના સીમમાં ભાગી આવતા. ચંદનના બાપુ અમને કેરીઓ પાડી આપતા. અમે ખાતાં…અને…

પણ આ ચંદન તે તો નવી જ ચંદન.

ચંદને એના ઘાઘરાની કોર્ય સરખી કરી તન ઢાંકી દીધું.

એક લાંબો શ્વાસ લેતાં મેં એની આંખોમાં જોયું. ચંદનની ભાવવાહી. આંખો મારી આંખોમાં પરોવાઈ હતી. એ શું શોધતી હતી. એ મને ન સમજાયું. હું એનામાં શું શોધતો હતો એ મને ન સમજાયું.

પરંતુ કેટલીયે ક્ષણો આમ ને આમ ચૂપચાપ પસાર થઈ ગઈ.

મને એકાએક યાદ આવ્યું: “અરે…હા જો ચંદન! તારા માટે હું ટોકરી લાવ્યો છું.”

“મારા માટે?” ચંદને આૃર્ય વ્યક્ત કર્યું.

“તારા માટે એટલે કે તારા વાછરડા માટે. ગઈ ફેરા તેં કહ્યું હતું ને કે તારી ગાયને સરસ મજાનો વાછરડો આવ્યો છે. ત્યારે એના ગળે લટકાવવા માટે મેં ટોકરી લાવવા તને કહ્યું હતું ને…જો…આ છે તે ટોકરી.”

ચંદને મારા હાથમાંથી ટોકરી લીધી. એને જોઈ. ખુશ થઈ…અને એકાએક પાછી આપી દીધી.

“કે…મ?”

“નહીં…નહીં….મારે નથી જરૂર એની.”

“કેમ?”

“વાછરડો વેચાઈ ગયો…એ હવે અમારી કને નથી…” બોલતાં ચંદનનો સાદ ભીનો થયો.

“એ…ટ…લે?”

ચંદન ચૂપ થઈ.

મેં ચારેકોર છાંયડે બેઠેલા ધણ તરફ નજર નાંખી.

એકેએક ગાય ભેંસ દૂબળી થઈ હતી. જાણે નર્યાં હાડપિંજર બેઠાં હતાં. ડોળા બહાર નીકળી આવ્યા હતા. વાગોળવાની પણ એમનામાં તાકાત નહોતી. છપ્પનિયા કરતાંયે વધુ કપરા આ દુકાળના વર્ષમાં ચંદન બાપડી વાછરડાને શું ખવડાવે…! સારું થયું કે, એને વેચી દીધો.

“રહેવાના છો ને!” ચંદને પૂછયું.

“હા.”

“કેટલા દિવસ?”

“તું કહે એટલા!” બોલતાં તો હું બોલી ગયો. પણ કયા અધિકારે હું બોલ્યો એ ન સમજાતાં મૂંઝાઈ ગયો.

મેં જોયું તો ચંદન અધીક ગંભીર થઈ હતી. પણ એની નજર નીચે હતી. પગના અંગૂઠાથી એ જમીન ખોતરી રહી.

મેં કહ્યું: “ચંદન…ઘેર આવજે ને…..!”

મારી વાત પર જાણે કે તે હસી રહી.

હું ચાલ્યો.

“બસ….જાવ છો?”

“હા…સ્તો….”

“પણ….એટલામાં?” ચંદને ફરી બહાવરા સ્વરે પૂછયું.

હું એની સામે જ જોઈ રહ્યો. શાયદ એ વધુ મૂંઝાઈ હતી કે કયા અધિકારે એણે મને આમ કહ્યું.

હું થોભ્યો.

બેઉ એકબીજા સામે ચૂપચાપ કેટલીક ક્ષણો જોઈ રહ્યા. એણે નીચે જોયું…ને મેં ચાલવા માંડયું.

ઘેર આવતાં જ ગભાણમાં વાછરડો બાંધેલો જોયો.

મેં મારી બાને પૂછયું: “આ….વાછરડો!”

“પેલા ગોવાળ કનેથી લીધો છે. ભઈ….બિચારાથી એનું જ પેટ ન’તું ભરાતું ત્યાં આ વાછરડાનું તો…ક્યાંથી પૂરું કરે….એટલે આપણે જ ખરીદી લીધો.” આ જવાબ મળતાં જ હું હેબતાઈ ગયો.

મારા હાથમાંથી ટોકરી સરી પડી.

અને…

અને થોડાક જ દિવસો બાદ મને કહેવામાં આયું કે, મારી સગાઈ મારી ગેરહાજરીમાં ક્યાંક જ કરી દેવાઈ છે…ત્યારે…વાછરડા કરતાંયે મને મારી જાતની વધુ દયા આવી.

હું સીમ ભણી દોડયો. ચંદનને બધું કહી દઉં…કે, “ચંદન….ચંદન….ચંદન…”

પણ કહીનેય શું કહું? કંઈ જ સમજાતું નથી. ચંદનને ને મારે શું?

તો પછી હું સીમ ભણી દોડયો શા માટે? આ પેલું દેખાય ધણ…એ જૈફ ઝાડ તળે જ ચંદન બેઠી હશે….

હું ત્યાં જાઉં કે ના જાઉં…કંઈ જ સમજાતું નથી.

DEVENDRA PATEL

www.devendrapatel.in

Be Sociable, Share!