Close

તો મારી સાથે લગ્ન કરી લો અને મારા જેવા ગુણવાળી પુત્રી પેદા કરો-

અન્ય લેખો | Comments Off on તો મારી સાથે લગ્ન કરી લો અને મારા જેવા ગુણવાળી પુત્રી પેદા કરો-

પદ્મજા -પ્રકરણ-૩

૦૦૦૦૦૦૦૦૦૦૦

મહાશ્વેતાનાં મમ્મી મંદાકિની એમના શયનખંડમાં હતાં. મહાશ્વેતા અને વિશ્વંભર હવે ડ્રોઇંગરૂમમાં બેઠેલાં હતાં. મહાશ્વેતાએ જાતે જ ચા બનાવી અને એક ટ્રેમાં બે કપ લઈને આવી. એક કપ તેણે વિશ્વંભરને ધર્યો.

ચા પીતાંપીતાં વિશ્વંભરે પૂછયું: ‘મહાશ્વેતા, આ પીરમગઢના લાઈટહાઉસ સાથે તમને શું સંબંધ છે?’

મહાશ્વેતાએ વિશ્વંભર સામે જોયા વગર જ પૂછયું: ‘તમે લાઈટહાઉસના ટાવરની અંદર જઈ આવ્યા?’

‘ના…આજથી હું ડયૂટી જોઈન કરવાનો છું.’

‘તમને મારી શુભકામના.’

‘તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં.’

‘વિશ્વંભર, ચા ઠંડી થઈ જાય છે. કાલે બીજી વાતો કરીશું.’

વિશ્વંભર સમજી ગયો કે મહાશ્વેતા આજે બહુ વાતો કરવા માંગતી નહોતી. એણે વધુ પ્રશ્નો પૂછવાનું ટાળ્યું. તે ચા પીને ઊભો થયો. મહાશ્વેતા તેને બહાર સુધી મૂકવા આવી. મહાશ્વેતા બોલીઃ ‘આજે હું તમારું જમવાનું લઈને આવીશ.’

વિશ્વંભર ના પાડી શક્યો નહીં. તે ના પાડવા માંગતો પણ નહોતો. વિશ્વંભર ચાલ્યો ગયો. મહાશ્વેતા એને જોઈ રહી.

૦ ૦ ૦

સાંજનો સમય છે

સૂરજ આથમવાને હજુ વાર છે. અહીંનો દરિયાકિનારો લગભગ માણસ વગરનો જ રહે છે. લોકો બહુ બહાર નીકળતા નથી. દૂર દૂર દરિયામાં કેટલાક માછીમારોનાં હોડકાં હાલકડોલક થતાં જણાય છે.

આજની સાંજને અને દરિયાને પણ આશ્ચર્ય છે કે એના કિનારે બે જણ ટહેલી રહ્યાં છે. વિશ્વંભર અને મહાશ્વેતા સાથેસાથે ચાલી રહ્યાં છે. દૂર દૂર થોડાંક પક્ષીઓ પણ ઊડી રહ્યાં છે. આજે પણ મહાશ્વેતાના હાથમાં પક્ષીઓને નાખવા માટેના દાણા ભરેલી છાબડી છે. તે દાણા નાખતી જાય છે.

વિશ્વંભરે ધીમેથી પૂછયું: ‘મહાશ્વેતા, તમે મને લાઈટહાઉસ સાથેના સંબંધની વાત હજુ કરી નથી. લાઈટહાઉસની વાત સાંભળી તમને અને તમારાં માતાને ગ્લાનિ કેમ થઈ હતી?’

મહાશ્વેતાએ સામે પ્રશ્ન કર્યોઃ ‘પહેલાં તમે મને કહો કે તમે અહીં આવ્યા જ શું કામ?’

‘લાઈટહાઉસના કીપર તરીકે ડયૂટી બજાવવા. રાત્રે આવતાં-જતાં સમુદ્રી જહાજોને રસ્તો દર્શાવવા.’

‘તમે આ લાઈટહાઉસનો ઇતિહાસ જાણો છો?’

‘ના’

‘તમે એનો ઇતિહાસ જાણતા હોત તો અહીં આવ્યા જ ના હોત.’

‘એટલે?’

‘જવા દો એ વાત’: કહેતાં મહાશ્વેતા નજીકમાં બેઠેલાં પક્ષીઓને દાણા નાખવા લાગી.

વિશ્વંભર બોલ્યોઃ ‘જો તમે મારાં હિતેચ્છુ છો તો તમે કહો અને ના હોવ તો ના કહેશો.’

મહાશ્વેતા ઊભી રહી ગઈ. એ વિશ્વંભરને જોઈ રહી. વિશ્વંભરના ચહેરા પર ન સમજાય તેવા ભાવ હતા. એવી જ લાગણી મહાશ્વેતાને થઈ. મહાશ્વેતા બોલીઃ ‘ચાલો, પેલી ટેકરી પર બેસીએ.’

બેઉ જણ દરિયાકિનારે આવેલી પથ્થરની એક ટેકરી પર બેઠાં.

વિશ્વંભર બોલ્યોઃ ‘હવે કહો મને લાઈટહાઉસની વાત.’

મહાશ્વેતાએે દાણાની છાબડી બાજુમાં મૂકતાં શરૂ કર્યું: ‘પીરમગઢના આ દરિયાકાંઠે એક ટાપુ પર આવેલી દીવાદાંડી અંગ્રેજોના સમયમાં બાંધવામાં આવી હતી. એ વખતે ભારત એ બ્રિટિશ ઈન્ડિયા હતું. ઈ.સ. ૧૮૭૬ના સમયમાં આ લાઈટહાઉસ ઊભું કરવામાં આવ્યું હતું. તેની ડિઝાઈન એલેકઝાન્ડર નામના એક અંગ્રેજે તૈયાર કરી પણ…!’

‘પણ…એટલે શું?’

‘આ લાઈટહાઉસ ઊભું થાય તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું અને તે વખતે તેની ઉંમર માત્ર ૪૦ વર્ષની હતી.’

‘ઓહ!’

મહાશ્વેતા બોલીઃ ‘૧૮૭૬માં આ લાઈટહાઉસના ઈન્ચાર્જ તરીકે ફ્રાન્સીસ વિક્ટર નામના એક જાણકાર અંગ્રેજની નિમણૂક થઈ પણ…!’

‘પણ…શું?’

‘ફ્રાન્સીસ રાતના સમયે ડયૂટી પર લાઈટહાઉસનાં પગથિયાં ચડી રહ્યો હતો ત્યાં જ તે ઉપરથી નીચે પડયો અને તેનું તત્કાળ મૃત્યુ થયું. તે વખતે તેની વય પણ ૪૦ વર્ષની જ હતી.’

‘ઓહ!’

મહાશ્વેતા બોલતી રહીઃ ‘એ પછી સૂરજભાણ સિંહ નામના એક અધિકારીની આ લાઈટહાઉસના કીપર તરીકે નિમણૂક કરવામાં આવી. એમણે કેટલાંક વર્ષો સુધી સરસ કામ કર્યું. રોજ રાત્રે લાઈટહાઉસનાં પગથિયાં ચઢી તેની જ્યોત પ્રગટાવતા પણ…!’

‘પણ…શું?’

મહાશ્વેતા બોલીઃ ‘સૂરજભાણ સિંહ એક ઉમદા વ્યક્તિ હતા પણ એક દિવસ તેમને તાવ આવ્યો અને તેઓ તાવ જેવી સામાન્ય બીમારીમાં જ મૃત્યુ પામ્યા. તે વખતે તેમની ઉંમર પણ ૪૦ વર્ષની જ હતી.’

‘ઓહ!’

મહાશ્વેતા બોલીઃ ‘તે પછી વર્ષો સુધી આ લાઈટહાઉસમાં કોઈ આવવા તૈયાર જ ના થયું. આ દીવાદાંડીથી બધા દૂર રહેવા લાગ્યા!’

‘કેમ?’

મહાશ્વેતા બોલીઃ ‘અહીં પીરમગઢમાં જાતજાતની વાતો થાય છે.. કોઈ કહે છે કે આ દીવાદાંડી બની તે પહેલાં અહીં એ ટાપુ ઉપર કોઈ પવિત્ર સાધુ – મહાત્મા રહેતા હતા. એ સાધુ – મહાત્મા અહીં ટાપુ ઉપર એકાંતમાં બેસી ઈશ્વરની સાધના કરતા હતા.અંગ્રેજોએ તેમને બળજબરીથી ખસેડવા પ્રયત્ન કર્યો. તેમણે અહીંથી ખસવાનો ઈન્કાર કરી દુઃખી થઈ એ ટાપુ ઉપર દેહત્યાગ કરી દીધો. અને તે પછી અંગ્રેજ સરકારે આ લાઈટહાઉસ બાંધી દીધું. એ સાધુ – મહાત્માએ આ ટાપુ પર સ્વેચ્છાએ કરેલા દેહત્યાગ બાદ આ દીવાદાંડી અભિશાપિત બની ગઈ એમ કહેવાય છે. જે કોઈ અહીં આવે તે ૪૦ વર્ષે જ મોતને ભેટતું રહ્યું.’

‘ઓહ!’

‘પણ આ લાઈટહાઉસને તમારે શું સંબંધ?’

બહાર અંધારું થવા આવ્યું હતું. મહાશ્વેતા અંધારામાં ડોકિયું કરતી હોય તેમ બોલીઃ ‘વિશ્વંભર, મારા પિતા એક રઈશ વ્યક્તિ હતા. ગર્ભશ્રીમંત હતા. પણ અમારા આ પીરમગઢને બહુ ચાહતા હતા. તેમને વતન માટે જબરદસ્ત પ્રેમ હતો. મુંબઈમાં બંગલો હોવા છતાં તેઓ અહીં જ રહેવાનું પસંદ કરતા હતા. મારી માતા સાથે લગ્ન કર્યાં બાદ પણ તેમણે અહીં જ રહેવાનું પસંદ કર્યું હતું. મારી મા પતિપરાયણ હોઈ તેણે પણ એમની ઈચ્છા સ્વીકારી લીધી હતી.’

‘પછી?’

મહાશ્વેતા બોલતી રહીઃ ‘મારા પિતાની વય એ વખતે ૩૦ વર્ષની હતી. તેમને સંપત્તિનો વારસો તેમના પિતા તરફથી મળ્યો હતો, પરંતુ તેમને એક જ વાતનો વસવસો હતો કે પીરમગઢના દરિયા પાસે ટાપુ પરનું લાઈટહાઉસ વર્ષોથી બંધ અવસ્થામાં પડયું છે, કારણ કે એને અભિશાપિત સમજી અહીં કોઈ આવતું નહોતું. એમણે સરકારને વિનંતિ કરી કે આ લાઈટહાઉસને એક્ટિવ કરો, પણ સરકારે જવાબ આપ્યો કે અહીં કોઈ આવવા જ તૈયાર નથી.’

‘પછી?’

મહાશ્વેતા બોલીઃ ‘મારા પિતાએ ડાયરેક્ટર જનરલ ઓફ લાઈટહાઉસીસ એન્ડ લાઈટશીપ્સને અરજી કરીને જણાવ્યું કે, ‘મને તાલીમ આપો. હું પીરમગઢના લાઈટહાઉસના કીપર તરીકે સેવા આપવા તૈયાર છું.’… અને સરકારે એક ખાસ કેસ તરીકે તેમની અરજી સ્વીકારી. મારા પિતાએ ઓખા પાસે આવેલા સામિયાની આઈલેન્ડ પરના લાઈટહાઉસ પર તાલીમ લીધી અને માત્ર ૩૧ જ વર્ષની વયે તેઓ અહીં પીરમગઢના લાઈટહાઉસના ઓફિસર તરીકે નીમાયા.

‘ગ્રેટ!’

મહાશ્વેતા બોલતી રહીઃ ‘પૂરાં દસ વર્ષ સુધી તેઓ રોજ રાત્રે લાઈટહાઉસના ટાવર પર જતા. આખી રાત સમુદ્રમાં આવતાં-જતાં જહાજોને તેઓ રસ્તો દર્શાવતા રહ્યા. તેમના કારણે અનેક દરિયાઈ જહાજોને નેવિગેશન માટે રાત્રે માર્ગ મળ્યો. લગ્નનાં નવ વર્ષ સુધી મારી માને સંતાનપ્રાપ્તિ ન થઈ. તેમ છતાં મારા પિતાએ લાઈટહાઉસ ન છોડયું. એક દિવસ મારી માતાએ મારા પિતાને કહ્યું: ‘હું પ્રેગ્નન્ટ છું. મારા પિતા ખુશ થઈ ગયા અને લાઈટહાઉસ પર ડયૂટી બજાવતા રહ્યા. મારી મમ્મીને હવે છેલ્લા દિવસો જતા હતા છતાં મારા પિતા લાઈટહાઉસની જ્યોત પ્રજ્વલિત રાખતા.’

‘વાહ…!’

મહાશ્વેતા બોલતી રહીઃ ‘એ વખતે અને આજે પણ અહીં ટેલિફોન નથી. આજે તો ૧૯૫૦નો સમયગાળો છે. એક રાત્રે મારા પિતા

લાઈટહાઉસના ટાવરની અંદર ઉપર ડયૂટી પર હતા ત્યારે રાત્રિના સમયે મારી મમ્મીને લેબર પેઈન શરૂ થયું. ઘરમાં એક નોકરાણી હતી એણે જ મારી મમ્મીની ડિલિવરી કરાવી અને હું જન્મી.’

વિશ્વંભર સાંભળતો જ રહ્યો. એને આગળની વાત સાંભળવામાં રસ હતો પણ મહાશ્વેતા મૌન થઈ ગઈ. વિશ્વંભરે પૂછયું: ‘પછી શું થયું?’

પણ મહાશ્વેતા હવે બોલી શકતી નહોતી. વિશ્વંભરને ખ્યાલ આવી ગયો કે મહાશ્વેતાને ડૂમો ભરાયો છે. એણે મહાશ્વેતાની પીઠ પર હાથ મૂકીને પૂછયું: ‘બોલો મહાશ્વેતા બોલો…પછી શું થયું?’

મહાશ્વેતા રુદનને કાબૂમાં રાખીને બોલીઃ ‘અને એ રાત્રે જ આ જ લાઈટહાઉસમાં મારા પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું. બીજા દિવસે તેઓ ઘેર ન આવ્યા. ઘરના સભ્યોએ તપાસ કરાવી તો મારા પિતાનો મૃતદેહ લાઈટહાઉસના ટાવરમાં છેક ઉપર એક ખુરશીમાં પડેલો હતો. તેઓ મને જોયા વિના જ જતા રહ્યા. મેં પણ એમને કદી જોયા નહીં.’

અને મહાશ્વેતા હવે એક નાનકડી બાળકીની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી. વિશ્વંભરે મહાશ્વેતાનાં આંસુ લૂછયાં પણ તેનાં હીબકાં અટકતાં જ નહોતાં. વિશ્વંભરે તેને રડવા જ દીધી. તે જાણતો હતો કે એકવાર કોઈ પૂરું રડી લે તો તે પછી જ તે સ્વસ્થ થઈ શકે છે.

થોડીવાર મૌન પથરાયું.

ફરી રડતાં રડતાં મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, મારા પિતાનું લાઈટહાઉસમાં મૃત્યુ નીપજ્યું ત્યારે પણ તેઓ માત્ર ૪૦ વર્ષના જ હતા.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઓહ! કેવો જોગસંજોગ?’

કેટલીક વાર બાદ મહાશ્વેતાએ સ્વસ્થતા ધારણ કરતાં કહ્યું: ‘મારી માતાએ જ મને ઉછેરી અને મોટી કરી. માએ મને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણાવી. અમારી પાસે વડીલોર્પાિજત ખૂબ મોટી પ્રોપર્ટી છે. મુંબઈમાં પણ બંગલો છે. અમારી પાસે બધું જ છે પણ મારી મા પાસે પતિ નથી અને મારી પાસે પિતા નથી.’

વિશ્વંભર મૌન રહ્યો.

એણે આટલી આત્મીયતાથી વાત કરી રહેલી મહાશ્વેતાનો હાથ પકડી રાખ્યો. મહાશ્વેતાને પણ કોઈની લાગણી અને હૂંફ મળી રહ્યાં છે તેમ લાગ્યું: કેટલીયે વાર સુધી વિશ્વંભર મહાશ્વેતાના હાથને પોતાના હાથમાં જ રાખીને બેસી રહ્યો. થોડીવાર પછી એ બોલ્યોઃ ‘મહાશ્વેતા, તમે એક અત્યંત શાલીન વ્યક્તિત્વ ધરાવતાં એક શ્રેષ્ઠ પિતાનાં પુત્રી છો. હું ઈચ્છું કે જ્યારે પણ હું પરણું ત્યારે મારી પત્નીને પણ તમારા જેવી જ ઉત્કૃષ્ટ દીકરી અવતરે.’

મહાશ્વેતા એક ક્ષણ પણ ગુમાવ્યા વગર બોલીઃ ‘તમને મારા જેવા ગુણવાળી દીકરી સંતાન તરીકે જોઈએ છે ને?’

‘હા.’

મહાશ્વેતા બોલીઃ ‘તો મારી સાથે લગ્ન કરી લો અને મારા પતિ બની મારા જેવા ગુણવાળી પુત્રી પેદા કરો. આપણે એનાં માતા-પિતા બનીશું.’

વિશ્વંભર સ્તબ્ધ થઈ ગયો. એના ચહેરા પર એક દુઃખદ ઘટનાઓની ભરમાર સાંભળ્યા બાદ હવે એક આશ્ચર્ય હતું, પરંતુ આવી દરખાસ્ત આટલી વહેલી આવશે તેની તેને કલ્પના નહોતી. અલબત્ત, તે મહાશ્વેતાને અત્યારે જ કોઈ ઉત્તર આપવાની પરિસ્થિતિમાં નહોતો અને

એમાંયે લાઈટહાઉસમાં ફરજ બજાવતા લાઈટહાઉસ કીપર સાથે સતત થયેલી દુર્ઘટનાઓ સાંભળ્યા બાદ.

મહાશ્વેતાએ પૂછયું : ‘તમે મારી વાતનો જવાબ આપ્યો નહીં.’

વિશ્વંભરે કહ્યું : ‘કઈ વાતનો?’

‘મારી સાથે લગ્ન કરવાનો.’

પરંતુ વિશ્વંભરે કાંઈ જ જવાબ આપ્યો નહીં.

મહાશ્વેતા વિશ્વંભરનો જવાબ સાંભળવા આતુર હતી. પણ વિશ્વંભર મૌન હતો. હવે અંધારું ફેલાઈ ગયું હતું. દરિયાનાં મોજાં ઘૂઘવવા માંડયાં હતાં. વિશ્વંભર ઊભો થયો. એ એટલું જ બોલ્યોઃ ‘હું જાઉં છું.’

મહાશ્વેતાએ પૂછયું: ‘ક્યાં?’

‘લાઈટહાઉસના ટાવર પર. આજથી જ હું લાઈટહાઉસની ફ્લેશ લાઈટ્સ ઓન કરવાનો છું.’ : એટલું બોલી તે અંધારામાં જ રસ્તો શોધતો પીરમગઢના છેવાડે આવેલા લાઈટહાઉસ તરફ રવાના થયો.

મહાશ્વેતા પણ તેના ઘર તરફ રવાના થઈ. એને યાદ હતું કે આજે પણ મારે વિશ્વંભર માટે ભોજનની થાળી તૈયાર કરવાની બાકી છે.

વિશ્વંભર મહાશ્વેતાને સમજવા પ્રયત્ન કરી રહ્યો. જે મહાશ્વેતા એક બાજુ એમ કહે છે કે આ લાઈટહાઉસ અભિશાપિત છે અને અહીં એના કીપર તરીકે આવનાર વ્યક્તિ ૪૦ કરતાં વધુ વર્ષ જીવતો નથી. એ જ મહાશ્વેતા હું આ લાઈટ હાઉસના સંચાલન માટે આવ્યો છું એ જાણવા છતાં મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી.

શા માટે?

વિશ્વંભર માટે પીરમગઢના લાઈટહાઉસની જેમ સ્વયં મહાશ્વેતા પણ એક કોયડો હતી.

અંધારું હવે વધુ પ્રગાઢ બન્યું.

(ક્રમશઃ)

Be Sociable, Share!