Close

ધનતેરસની અંધારી રાત્રે હજારો મશાલો સાથે સરઘસ નીકળ્યું

અન્ય લેખો | Comments Off on ધનતેરસની અંધારી રાત્રે હજારો મશાલો સાથે સરઘસ નીકળ્યું

દ્વિભાષી રાજ્યની રચનાનો અમલ થાય તે દિવસે, ‘વિરોધ દિન’ પાળવા જનતા પરિષદે હાકલ કરી અને ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી આ સંદેશો ફેલાવ્યો. જનતા પરિષદે નક્કી કર્યું કે, દ્વિભાષી રાજ્યના પ્રારંભના દિવસે ધનતેરસના રોજ રાતના ‘મશાલ સરઘસ’ કાઢવું. કાળી ચૌદશના દિવસે હડતાળ અને રસ્તાઓ રોકવા, આંગણાઓમાં મહાગુજરાતનો નકશો દોરવો તેમજ રોશની કરવી નહીં તેમજ દારૂખાનું ફોડવું નહીં. આ કાર્યક્રમનો સારી રીતે અમલ થાય તે માટે અમદાવાદમાં રોજ રાતના જાહેર સભાઓ દ્વારા પ્રચંડ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી.

 મહા ગુજરાતના આંદોલન દરમિયાન બધાં જ જાણીતા આગેવાનો અને ખાસ કરીને વક્તાને બહારગામનાં આમંત્રણો સતત મળતાં હતાં અને જેટલા બને તેટલા વધુ પ્રમાણમાં બધા સાથી આગેવાનો પ્રવાસે જઈને આંદોલનના પ્રચાર માટે સભાઓ કરતા અને વાતાવરણને જીવંત રાખતા. તા. ૧૩-૧૦-૫૬ના રોજ ઈંદુભાઈને અને બ્રહ્મકુમારને સિદ્ધપુર જવા આમંત્રણ મળેલું. ટ્રેનમાં સિદ્ધપુર ગયા અને બપોરના અરસામાં સિદ્ધપુર પહોંચ્યા. ત્યારે પ્લેટફોર્મ ચિક્કાર ભરાઈ ગયું હતું અને હીરાલાલ રાવલ વકીલ અને ભટ્ટ વકીલ, મધુભાઈ વ્યાસ વગેરે આગેવાનો પણ હાજર હતા. સ્ટેશન ઉપરથી કાર્યક્રમના સંમેલન માટેની જગ્યાએ જવા ખુલ્લી બગીમાં લોકોએ ઊંચકીને બેસાડી દીધા અને સ્ટેશનથી સરઘસ નીકળ્યું ત્યારે રસ્તામાં ઠેરઠેર ફૂલહાર અને ગુલાલ ઉડાવવામાં આવ્યા. સંમેલનનું સ્થળ એક વાડીમાં રાખેલું, જ્યાં તાલુકાના ગામેગામથી કાર્યકરો અને ટેકેદારો હાજર રહ્યા હતા. સ્થાનિક આગેવાનોએ પ્રવચનો કર્યા, પછી બ્રહ્મકુમાર ભટ્ટ અને ઈંદુભાઈને પ્રવચનો કર્યા અને મહેસાણા જિલ્લાને મહાગુજરાતનો ગઢ બનાવી દેવા અને ગામડે ગામડે ફરી વળીને સંદેશો પહોંચાડવા અપીલ કરી. રાતના જંગી જાહેર સભા મળી, જેમાં આજુબાજુના ગામડાંમાંથી લોકો વાહનો લઈને આવ્યા હતા.

મશાલ સરઘસનો પડકાર

દ્વિભાષી સંમેલનની શરૂઆત વેળાએ રાતના મશાલ સરઘસનો કાર્યક્રમ જાહેર કરેલો અને સભાઓ દ્વારા પ્રચાર પણ કરેલો. આ અંગે પોતે વાતચીત કરવા માગે છે તેવો સંદેશો અમદાવાદના કલેક્ટર હીરેડિયાએ મોકલ્યો. આ સરઘસની પરવાનગી આપવી કે નહીં, તેની ચર્ચા કરવી છે તેમ પણ તેમણે કહેવડાવેલું. આથી તા. ૩૦-૧૦-૫૬ના રોજ બપોરના ઘીકાંટા કલેક્ટરની કચેરીમાં હીરેડિયાને મળવા માટે ઈંદુલાલ યાજ્ઞિાક, બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતી દલાલ, ગણપતરામ પટેલ, વામનરાવ ધોળકિયા, દાદુભાઈ અમીન અને ચંદ્રકાંત દરુ ચર્ચા માટે ગયા.

તાજ છાપ સિગારેટ

કલેક્ટરે બહુ મીઠાશથી ચર્ચા શરૂ કરી અને પોતાને પણ ‘તાજ છાપ’ સિગારેટ પસંદ છે તેમ કહીને હસતાં હસતાં ઈંદુચાચાના પાકીટમાંથી એક સિગારેટ લઈને સળગાવી. તેમણે કહ્યું કે, અમદાવાદનું વાતાવરણ ઘણું અશાંત છે અને અસામાજિક તત્ત્વો દુકાનોની તોડફોડ પણ કરે છે. તે સંજોગોમાં મશાલ સરઘસ કાઢવું એ મોટું જોખમ છે. નેતાઓએ કહ્યું મશાલ સરઘસનો ભારે પ્રચાર કરી ચૂક્યા હતા. તેથી કોઈ ફેરફાર કરી શકીએ કે તેને બંધ રાખીએ તે શક્ય જ ન હતું. હકીકતમાં મળવા ગયા ત્યારે જ ખુદ ખાડિયામાં વાંસના ટુકડા ઉપર કાપડ વીંટીને મશાલો બનાવી હતી અને તેને સળગાવવા માટે તેલના સંખ્યાબંધ ડબા લાવી ચૂક્યા હતા. આથી પીછેહઠ શક્ય જ નથી તેવો દૃઢ અભિપ્રાય હતો. ઈંદુલાલને પણ ખબર હતી કે મુખ્ય મશાલ સરઘસ ખાડિયામાંથી નીકળવાનું છે. બધાએ કલેક્ટરને કહ્યું કે, કોઈ દહેશત રાખવાની જરૂર નથી અને કાર્યક્રમ શાંતિથી પતી જશે.

હીરેડિયા પાસે કોઈ ગુપ્ત સમાચાર હશે તેથી તેમણે બ્રહ્મકુમારને પૂછયું કે, તમે કેટલી મશાલો ખાડિયાના સરઘસમાં રાખવા ધારો છો? જવાબ આપ્યો, ૫૦૦થી ૭૦૦ તો છે જ. આથી તેઓ ચોંકી ઊઠયા અને કહ્યું કે હું આવા મશાલ સરઘસની પરવાનગી આપી શકું નહીં. સમજાવવાનો પ્રયાસ કર્યો. જો તમે ૧૦૦ મશાલ રાખવાની છૂટ આપો તો અમે તેને સરઘસમાં છૂટી છૂટી ગોઠવીએ અને કશું જ નહીં થાય. જો પોલીસ સંયમ રાખશે તો અણછાજતું નહીં થાય તેની ખાતરી આપી શકીએ. આથી હીરેડિયા કદાચ એમ સમજી બેઠા હશે કે બધા કંઈક ઢીલા પડયા છે તેથી તેમણે કહ્યું કે, દિવાળીના દિવસો છે અને દુકાનોમાં દારૂખાનું અને સરસામાન ભરેલો હોય તેથી ઠેકઠેકાણે આગ લાગી જાય તેવો સરકારને ડર છે. આથી ૧૦૦ મશાલની છૂટ આપું કે એક મશાલની છૂટ આપું તે બધું સરખું છે. એટલે મશાલ સરઘસની છૂટ આપી શકીશ નહીં.

સરઘસ નીકળશે જ

આ પળે બ્રહ્મકુમાર ભટ્ટ ખુરશીમાંથી એકદમ ઊભા થઈ ગયા અને આવેશમાં આવીને કહ્યું કે, આ મશાલ સરઘસ નીકળીને જ રહેશે. આથી ઈંદુભાઈ સહિત બધા જ ઊભા થઈ ગયા અને બધા સાથે બહાર નીકળી ગયા. ત્યાંથી સીધા જનતા પરિષદની કચેરીમાં રિલીફ રોડ ગયા અને કલેક્ટરની આ વાત પછી પોલીસ બધું રોકશે અને તોફાનો થશે તો શું કરવું તેની ચર્ચાઓ કરી. છેવટે મશાલ સરઘસ કાઢવાની સત્તાવાર જાહેરાત પત્રકારો સમક્ષ કરવામાં આવી અને દરેક વોર્ડમાંથી તે નીકળશે. તેના માર્ગ પણ જાહેર કર્યા. બીજે દિવસે ધનતેરસ હતી અને રાતના મશાલ સરઘસનો કાર્યક્રમ હતો, જે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો.

મશાલ સરઘસ

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે કે, ઈંદુચાચાને મેં કહ્યું કે, તેણે પોતે ખાડિયામાં નીકળનાર મશાલ સરઘસમાં જોડાવું અને તે માટે રાત્રે મારે ઘરે બઉઆની પોળમાં આવી જવું. ત્યાંથી સાથે નીકળીશું. સાંજના સાતના સુમારે ઈંદુચાચા મારા ઘરે આવ્યા અને જમી-પરવારીને સારંગપુર દોલતખાનામાં પહોંચ્યા ત્યારે નાકેથી કાપડીવાડ બાજુ બબ્બેની લાઈનમાં સરઘસ તૈયાર થઈને ઊભેલું હતું અને બધાના હાથમાં મશાલો તૈયાર હતી. પ્રવીણ ચાલીસ હજાર શામળાની પોળમાંથી એક ચાંદીની મશાલ લાવેલા, જે મેં ઈંદુભાઈના હાથમાં આપી.અમે બંને સરઘસના મોખરે ગોઠવાયા.બધાના હાથમાં તેલમાં ઝબોળેલી મશાલ તૈયાર જ હતી. રાતના આઠના સુમારે બધી જ મશાલો એક સાથે સળગાવવામાં આવી ત્યાં વાતાવરણ ઝળહળી ઊઠયું અને રોમાંચક પરંતુ તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું. આથી અમે તરત જ મશાલ સરઘસ આગળ ધપાવ્યું. મહાગુજરાત તરફી અને ગોળીબારના વિરોધનાં પ્રચંડ સૂત્રો સાથે આ સરઘસ સારંગપુર ચકલા, દોલતખાના,પંડિતજીની પોળ અને મારી બઉઆની પોળના નાકેથી રાયપુર ચકલા તરફ આગળ વધ્યું. ત્યારે રસ્તાની બંને બાજુ હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો. હવે શું થશે, પોલીસ શું કરશે તે જોવા ઊભાં હતાં.

પોલીસ મૌન રહી

રાયપુર ચકલા નજીક આવતાં જ બધાંએ દૂરથી જોયું કે ચકલાની વચમાં જ આવેલી રાયપુર ચોકીમાં કલેક્ટર હીરેડિયા અને ડિવિઝનલ કમિશનર સાઠે બેઠા હતા અને ચોકીની અંદર સશસ્ત્ર પોલીસ હતી. ત્યાં કોઈ મોટું પોલીસ દળ કે પોલીસવાન સુદ્ધાં રાયપુર ચકલામાં હતાં નહીં. બધા આગળ વધ્યા. કાર્યકરો ખૂબ જોશમાં આવી ગયા. પોલીસ ચોકીની પ્રદક્ષિણા કરીને જમણા હાથે સરઘસ વળ્યું ત્યારે હીરેડિયા અને સાઠેએ બધાને આગળ ચાલતા જોયા. પ્રવીણ ચાલીસ હજાર એટલા ઉન્માદમાં આવી ગયા કે સરઘસમાંથી નીકળીને હાથમાં મશાલ સાથે તેણે પોલીસ ચોકીના ચક્કર મારવાનું શરૂ કર્યું અને અંદર બેઠેલા ઓફિસરોને બતાવીને આવેશમાં સૂત્રો બોલાવતા. આ જોઈ બ્રહ્મકુમારે તરત તેમને સમજાવી સરઘસમાં જોડી દીધા. સરઘસ રાયપુર ચકલાથી ખાડિયા જવા નીકળ્યું ત્યારે તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી અને તેનાં પાટિયા અને ફૂટપાથ ઉપર હજારો સ્ત્રી-પુરુષો અમને જોઈને સૂત્રો પોકારતાં અને તાળીઓના ગડગડાટ કરતા હતા. સરઘસ ખાડિયા ચાર રસ્તાથી ડાબુ બાજુ, બાલા હનુમાન તરફ વળ્યું ત્યારે માર્ગમાં બંને બાજુ હકડેઠઠ (ગીચોગીચ) મેદની જામી ગઈ હતી અને ખૂબ જ ઉશ્કેરાટ. પણ કોઈ પોલીસ દેખાતી ન હતી. ત્યાંથી ફતાસાની પોળના ચોકઠામાં જઈને સરઘસ શાંતિથી વિખેરાયું. બધી જ મશાલો હોલવી નાખવામાં આવી. તમામ કાર્યકરોનો આભાર માનીને અને તેમની હિંમત અને શાંતિ માટે ધન્યવાદ આપીને બધાં છૂટા પડયા ત્યારે સૌને લાગ્યું કે પોલીસ બિનજરૂરી દરમિયાનગીરી ન કરે તો જોખમી ગણાતો કાર્યક્રમ પણ કેટલો શાંતિથી પરિપૂર્ણ થાય છે તેનો આ દાખલો છે. આ કાર્યક્રમની સફળતાથી ઈંદુલાલ યાજ્ઞિાક બ્રહ્મકુમાર ઉપર ખૂબ જ રાજી થઈ ગયા.

અત્રે ખાસ નોંધવું જોઈએ કે એક પણ મશાલ આખા શહેરને સળગાવવા પૂરતી છે, તેમ જણાવીને પરવાનગી આપવાનો ઈનકાર કરનાર કલેક્ટર હીરેડિયા અને ડિવિઝનલ કમિશનર સાઠે પોતે રાયપુર ચકલામાં સેંકડો મશાલો પસાર થતી શાંતિથી જોઈ રહ્યા અને બળનું કોઈ જ પ્રદર્શન કર્યું નહીં. જો પોલીસ વચ્ચે પડી હોત તો અચૂક લોહી રેડાત. .

www.devendrapatel.in

Be Sociable, Share!