Close

નામ વગરનો પણ સંબંધ ! [ટુકી વાર્તા ]

અન્ય લેખો | Comments Off on નામ વગરનો પણ સંબંધ ! [ટુકી વાર્તા ]

સવારના દસના ટકોરા થયા.

નીતિન એની રોજની ટેવ મુજબ શર્ટના બટન ભીડતો ભીડતો ડ્રોઈંગરૂમમાં આવ્યો. નયનાએ એની બ્રીફકેસ ચકાસીને તૈયાર રાખી હતી. બૂટ અને મોજાં પણ સોફા પાસે મૂક્યાં હતાં. ધોયેલો સ્વચ્છ શ્વેત નેપ્કિન પણ બ્રીફકેસની બાજુમાં મૂક્યો. પરિણીત જીવનનાં છેલ્લાં દસ-બાર વર્ષમાં આ એકધારી પ્રણાલિકા વહેતી આવી હતી. નીતિન રોજ સવારે નાસ્તો કરીને જતો. પછી બપોરે ઘેર આવતો જ નહીં. છેક સાંજે આવતો અને બેઉ સાથે જમતાં.

નીતિન બૂટની દોરી બાંધી રહ્યો હતો; અને એટલામાં જ ફોનની ઘંટડી રણકી ઊઠી.

નીતિને ફોન ઉઠાવ્યો.

‘…’

‘કોણ આપ?’

‘…’

નીતિનના ચહેરા પરના ભાવ બદલાયા. એના ચહેરા પર વિચિત્ર વમળોએ સ્થાન લીધું. છતાં એણે બૂમ મારીઃ ‘નયન! તારો ફોન છે.’

નયના ઝડપથી દોડી આવી. પરંતુ નીતિને રિસીવરના માઉથપીસ પર હાથ દાબી રાખતાં પૂછયું: ‘આ પરાગ કોણ છે?’

નયનાએ આૃર્ય અને સંકોચ એકસાથે વ્યક્ત કરતાં ફરીથી પૂછયું: ‘કોણ પરાગ છે?’

રિસીવરના માઉથપીસ પર હાથ દાબી રાખતાં જ નીતિને ઠંડા કલેજે ઉમેર્યું: એ કહે છે ‘નયન’ને આપો.’

નયનાએ ઝડપથી ફોન ઝૂંટવી લીધો. એ પતિનો મિજાજ સમજી ગઈ હતી. પોતાને ‘નયન’ કહેવાનો અધિકાર એક માત્ર નીતિનનો જ હતો. એ અધિકારમાં અનધિકૃત પ્રવેશથી નીતિન ઝંખવાયો હતો, એના હૈયામાં જે ઠેસ પહોંચી હતી તે વ્યક્ત થવાની હજી બાકી હતી.

નયનાએ હજુ વાત કરવાની શરૂઆત કરી નહોતી. એણે નીતિનને સંબોધીને કહ્યું: ‘એક મિનિટ, હું તારા માટે પાણી લઈ આવું.’ નીતિનને રોજ ઘર છોડતાં પાણીનો એક ઘૂંટડો પી લેવાની ટેવ હતી.

અને રિસીવર કાને લગાડતાં કહ્યું: ‘વન મિનિટ, પ્લીઝ હોલ્ડ ઓન,’ ફોન ચાલુ રાખવાનું કહી નયનાએ રિસીવર બાજુમાં મૂક્યું અને તે પાણીનો ગ્લાસ લેવા અંદર ગઈ. ફ્રીઝમાંથી ઠંડું પાણી લઈને એ બહાર આવી. જોયું તો નીતિન ડ્રોઈંગરૂમમાં નહોતો. પાણીના ગ્લાસ સાથે જ એ બહાર દોડી. પણ કાર કંપાન્ડના દરવાજામાંથી બહાર નીકળી રહી હતી. નયનના હૈયા પર જબરદસ્ત ઘા થયો. એનું મન ખાટું થઈ ગયું. ભાંગી પડી હોય એમ શિથિલતા અનુભવતી પાછી આવી. પાણીનો ગ્લાસ બાજુએ મૂક્તાં એણે ફરીથી રિસીવર ઉપાડતાં શરૂ કર્યું: ‘બોલો.’

‘હું પરાગ…..’ સામે છેડેથી અવાજ આવ્યો.

‘હા કેમ?’ નયનાએ જરાયે આત્મીયતા દાખવ્યા વગર કંટાળો વ્યક્ત કરતાં જવાબ આપ્યો.

‘ઘણા સમય પછી અમદાવાદ આવ્યો અને ડિરેકટરીમાંથી નંબર શોધી કાઢયો. હોટલ કામામાં ઊતર્યો છું.’

‘સારું કર્યું.’ નયના બોલી, એ જાણે કે એમ કહેવા માંગતી હતી કે, મારા ત્યાં ન આવ્યો એ સારું થયું. નયનાના દિમાગમાંથી ગુસ્સો ઊતર્યો નહોતો. એ સમજતી હતી કે આ ફોનને કારણે જ નીતિનના હૈયા પર ઠેસ વાગી હતી; અને એ આમ કૃદ્ધ થઈ ચાલ્યા ગયા હતા.

‘નયન, આજે તું કંઈ મૂડમાં નથી કે તબિયત સારી નથી?’ સામા છેડા પરથી પ્રશ્ન થયો.

‘જે સમજવું હોય તે. વાત જલદી પૂરી કરો.’

‘ઓહ! આઈ એમ સોરી….સોરી ફોર ડિસ્ટર્બીંગ યુ….આઈ એમ રિઅલી સોરી ….’ બોલતાં બોલતાં પરાગનો ફોન મૂકાઈ ગયો.

અને ડાયલટોન નયનાના કાનમાં ગાજી રહ્યો. જાણે કે લાગણીના તંતુના તાર કોઈએ તોડી નાખતાં ખારો ખારો સાગર એના કાનમાં ઘૂઘવી રહ્યો. ફોન ચાલુ હતો ત્યાં સુધી તો ઠીક હતું. પણ કપાઈ ગયા બાદ જ એને ધ્રાસકો પડયો. ‘શું ખરેખર વાત કપાઈ ગઈ? આ મેં શું કર્યું? આ મેં શું કર્યું!’

નયનાએ હજુ રિસીવર પકડી જ રાખ્યું હતું, પણ એમાં માનવઅવાજના સ્પંદનો નહીં, પણ જડ મશીનનો ઘુરકાટ ગાજતો હતો,  એ નયનાની મશ્કરી કરતો હતોઃ ‘રે મૂરખ! કેટલાં વર્ષો બાદ તેં પરાગનો સ્વર સાંભળ્યો હતો? અને કેટલાં વર્ષો બાદ તું પરાગ જોડે વાત કરત…કયા વાંકસર તેં એને આમ હડધૂત કરી મૂક્યો?’

નયના વલવલી ગઈ. એણે રિસીવરને યથાવત્ મૂકી દીધું અને સોફા પર જ ફસડાઈ પડતાં ભૂતકાળના ઓળા એના સ્મરણપટ પર તાજા કર્યા. ‘અરે રે! પરાગ તો મારો કેટલાં વર્ષોનો દોસ્ત! નીતિન કરતાંયે જૂૂનો. એક જમાનામાં નીતિનથીયે વધુ વહાલો.’

‘વહાલો હોય તેથી શું થઈ ગયું? એણે મને ‘નયન’ કહીને ન બોલાવવી જોઈએ.’ વળી મનોમન જ એણે સવાલ કર્યો.

‘ના ના, પણ એ તો કંઈ આજકાલનો મને થોડો નયન કહે છે? પહેલેથી જ એમ કહે છે; અને એ નયન બોલતો ત્યારે જ મને ગમતું હતું.’ નયનાના ચહેરા સમક્ષ કેટલાક ચિત્રો સ્પષ્ટ બની તરવરી રહ્યાં. જ્યારે એ અઢારેક વર્ષની હતી અને પરાગ માંડ ત્રણ-ચાર વર્ષનો હતો. પરાગ રોજ એના ઘેર રમવા દોડી આવતો અને નયના પણ એને ખૂબ રમાડતી. નયના કોલેજમાં જાય ત્યારે એ ‘આવજો’ કહેતો અને નયના પાછી આવે ત્યારે પરાગ એની કાલી જબાનમાં પૂછતોઃ ‘નયન, તું આવી ગઈ?’

નાનકડા પરાગ અને નયનની દોસ્તી ખૂબ જામી હતી. નયના એને બહુ પજવતી, એને હસાવતી, રડાવતી, દોડાવતી, છેતરતી, સંતાકૂકડી રમતી, ઢીંગલા-ઢીંગલીની રમત બેઉ સાથે રમતાં. નયનાના ખોળામાં બેસીને પરાગ થોડું પણ ખાઈ લેતો. કોઈકવાર નયના સાથે જ બાથરૂમમાં ભરાઈને નાહી લેતો; અને નયના સૂઈ ગઈ હોય ત્યારે પરાગ પણ દોડીને એની સોડમાં ભરાઈ જતો. નયના અને પરાગની આ મૈત્રી જોઈ સખીઓ કહેતીઃ ‘આ પરાગની તો તું વહુ હોય એવું લાગે છે.’

અને બધાં હસી પડતાં. બધાંને હસતાં જોઈ પરાગ પણ હસતો એની નિર્દોષતા જોઈ નયના પણ એને ઊંચકી લેતી, ચૂમીઓથી એને નવડાવી નાંખતી. ત્યારે પણ સખીઓ બોલી ઊઠતીઃ ‘રે નયના! એને બેડરૂમમાં લઈ જા. અમારી તો શરમ રાખ.’

અને નયના ગુસ્સે થતી. પણ બધું જ ખોટું ખોટું, એને એ ગમતું.

અને ગાઢ-પ્રગાઢ થયેલી એ દોસ્તી પછી તો નયના પરણી ગઈ. એને સુંદર પતિ મળ્યો. મુંબઈ છોડી દીધું અને અમદાવાદ એનું સાસરું હતું એટલે પિયર દૂર પડી ગયું. એથીયે વિશેષ એ ઠીક ઠીક બદલાઈ હતી. દાંપત્યજીવન સુખી, પણ યંત્રવત્ હતું. લગ્ન પછી દસ-પંદર વર્ષના ગાળામાં હવે તે નીતિનના વર્તુળમાં સમાઈ ગઈ હતી; જાણે કે ભવસાગરમાં એ ડૂબી ગઈ હતી.

પરંતુ આજે એનું જહાજ કોઈ પરિચિત કિનારે ઘસડાઈ આવ્યું હતું. એને થયું કે-‘પરાગને ઘેર બોલાવવો જોઈતો હતો. બિચારો કેટલા ઉમંગથી અહીં આવ્યો હશે? એ કેટલો મોટો થયો હશે? વળી એણે અમદાવાદ ઝાઝું જોયું નથી એટલે ક્યાં ક્યાં ફાંફાં મારતો હશે? પણ અરે પરાગ તો મારા ઘેર જ સીધો આવવો જોઈએ. પણ બિચારો સંકોચાઈને હોટલમાં ઊતર્યો હશે. એણે વિચાર્યું હશે કે ફોન કરીશ એટલે નયન મને તો વઢશે કે ગાંડા હોટલમાં કેમ ઊતર્યો? પણ મેં ભૂંડીએ એને મળવા બોલાવવાની પણ પરવા કરી નહીં!’

નયના હજુ ફોન સામે તાકી રહી હતી. ‘પણ હું શું કરું! આ જહાજનો માલિક-ખલાસી હું નથી. એને ક્યાં લઈ જવું? કેમ લઈ જવું? તારવું કે ડૂબાડવું એ નીતિનના હાથમાં છે, આ દેશની હરેક સ્ત્રીની આ દશા છે અને શાસ્ત્રો એને ‘ધર્મ’ કહે છે!’

‘પણ પતિ સિવાય અન્ય કોઈ પુરુષનું હૃદયમાં સ્થાન શું ન હોઈ શકે? અને પરાગ તો મારો કંઈ પતિ નથી, પ્રેમી નથી. એ કંઈ જ નથી અને છતાં એ ઘણુંબધું છે. એ માનવી છે. હું માનવી છું. હું એને શા માટે ના મળી શકું? શું બધાં જ સંબંધોને નામ આપવું જરૂરી છે? નામ વગરનાં પણ સંબંધ હોઈ શકે ને? હું એને ન મળી શકું એવું શા માટે?’ નયનાનું મન ચગડોળે ચડયું.

ફરી એકવાર પરાગને છાતીસરસો લઈ લેવાનું એને મન થયું. વાત્સલ્યનો એ તરફડાટ હતો. અને એક લાંબો શ્વાસ લેતાં નયના ઊભી થઈ ‘નીતિનને જે સમજવું હોય તે સમજે. એને જે કહેવું હોય તે કહે, પણ પરાગને તો હું ઘેર જ લઈ આવીશ.’ વિચારીને દૃઢ નિૃય સાથે એ તૈયાર થઈ ગઈ.

નયનાને યાદ હતું કે એ જયારે શ્વેત સાડી પહેરતી ત્યારે પરાગ કહેતોઃ ‘નયન, તું બહુ સરસ લાગે છે.’ આજે પણ નયના શ્વેત વસ્ત્રો ધારણ કરી કામા હોટલ તરફ રવાના થઈ.

રિસેપ્શન કાઉન્ટર પર પહોંચતાં એણે પરાગના રૂમ નંબર માટે પૂછયું ત્યારે જવાબ મળ્યોઃ ‘પરાગ મહેતા તો ગયા.’

‘ક્યાં ગયા!’ નયનાને વજ્રાઘાત થયો.

‘એ તો કંઈ ખબર નથી, પણ આજે સવારે જ આવ્યા હતા, ને એકાએક હોટલ પણ છોડીને ચાલ્યા ગયા.’

‘એટલે કોઈ બીજું પણ સાથે હતું?’

‘હા, તેમની સાથે તેમનાં પત્ની મિસિસ પરાગ મહેતા પણ હતાં. લગ્ન કરીને તેઓ સીધાં જ અહીં આવ્યા હતાં. એ લોકો અહીં કોઈ નયના મેડમનાં આશીર્વાદ લેવા આવ્યાં હોવાની વાત કરતાં હતાં.’

‘ઓહ!’ નયનાને થયું કે એ હમણાં જ ફસડાઈ પડશે.

‘આપ કોણ?’

– પણ જવાબ આપ્યા વિના જ નયના છાતી પર હાથ દાબી બહાર નીકળી ગઈ. એના વક્ષઃસ્થળ પર દુઃખાવો ઊપડયો હતો. એના વાત્સલ્યનું ઝરણું ફૂટયું હતું. પણ ઝીલનારો ક્યાં હતો.                                                                    STORY BY   DEVENDRA PATEL

Be Sociable, Share!