Close

પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

અન્ય લેખો | Comments Off on પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

valibani-dikari‘વાલી બા ઝટ કરો, પૈડુ શેંકારવાનો ટેંમ થઈ ગયો. શું ચોઘડિયું ચાલે છે.’ ગોર મહારાજે ખભે મથુરીયું નાંખતા ઘરમાં પ્રવેશીને કહ્યું.

‘પાયે લાગુમા’રાજ. બધું તૈયાર જ છે. તમે જ મોડા આયાં. નકર અમે તો હુતા ઊઠયા વરઘોડીયાંને જમાડી દીધા છે. જાનૈયા તો ક્યારનાયે પગ પછાડે છે.’વાલીબાએ ટૂંકમાં આખો અહેવાલ આપી દીધો અને લૂગડાં બદલવા મેડીના દાદરે વળ્યાં.

ગોર મહારાજ ભીંતે ચીતરેલા ગણપતિ પાસે જઈ પૂજાપો તૈયાર કરવા બેઠા. દેરાણી-જેઠાણીઓને કામ વહંેચી લીધું સૌથી દેરાણીને કન્યાઓ તૈયાર કરવાનું કામ સોંપ્યું. મોટી દેરાણી ગામમાં પૈડું શેંકારવાનું છે. હેંડજો’ કહેવા ગામમાં નીકળી પડી અને જેઠાણી આદત મુજબ બહારથી આવેલાં છોકરા ક્યાંય કશું આઘું-પાછું ના કરે તેની ખબર રાખવામાં પરોવાયા.

શીવા ઢોલકવાળાએ જમણા હાથમાં વાંકિયું અને ડાબા હાથમાં દાતણ રાખી ઢોલ પર હાથ અજમાવ્યા. સાથીદારોએ ત્રાંસાં અને શરણાઈઓથી લહેક ઊભી કરી. કોઈ કોઈની વાત પણ ના સંભળાય એવડા મોટા ધ્વનિથી એ સંગીત ઘરમાં કહોને કે આખા ફળિયામાં રેલાઈ રહ્યું.

‘ભા.બેય બુનોને લૂગડાં પેરાવી દીધા?’ જરી ભરેલી રેશમી સાડી પહેરીને દાદરો ઊતરતાં વાલીબાએ મોટે સાદે પૂછયું.

‘હોવે બા.’ દેરાણીએ ઓરડામાંથી જવાબ આપ્યો.

વાલી બા ઓરડામાં ગયાં અને બંને કન્યાઓના માથે હાથ ફેરવી વહાલપ દાખવતાં બોલ્યા’ રોવાતું હશે બેટા?. હેંડ છાની થઈ જા. છોડીના જીવને મા-બાપના ઘરનો છાંયો કેટલા દનનો?

અને બંને કન્યાઓ વાલીબાને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી રહી. કાઠા હૃદયનાં ડોસીની જર્જરિત આંખો પણ ભીની થઈ.

થોડીવારમાં તો ગામનાં બૈરાથી ઘર ઉભરાવા લાગ્યું. મંગળગીતો શરૂ થયાં. લગ્ન તો રાતે પતી ગયાં હતાં. આજે સવારે કન્યાઓને વળાવવાની હતી. રાત્રે જાનૈયાઓને ફટાણા ગાવામાં ભાંડી શકાય તેટલી ગાળો ભાંડી દીધી હતી. પણ આજે સૌ ગંભીર હતાં. કન્યાને શીખ આપતાં હળવાં ગીતો પરથી સૌની ગમગીની સ્પષ્ટ તરી આવતી હતી.

એકસાથે બેઉ છોકરીઓનાં લગ્ન લઈ વાલીબા માથા પરથી સાપનો ભાર ઉતારી નાંખવા માંગતાં હતાં. અને પરિણામે આજે એમનું માથું જાણે કે એક મોટા બોજથી હલકું ને હલકું થઈ રહ્યું હતું.

મંગુ અને મધુ આમ તો એમના દીકરાની દીકરીઓ હતી. પણ ઘરનો તમામ વહીવટ હજુ તેમના કાબૂ હેઠળ હતો. વળી આ બંને દીકરાઓને પોતાના પેટે જણી હોય તેથીયે વિશેષ લાડમાં તેમણે જાતે ઉછેરી હતી. મંગુ મોટી અને મધુ બે વર્ષે નાની હતી. બંને કન્યાઓને એક જ ઘેર બે સગા ભાઈઓ સાથે પરણાવી દીધી હતી. ગામલોકો તેમ કરવાની ઘણી ના પાડી હોવા છતાં વાલીબા એકનાં બે ના થયાં અને એક જ દલીલ સામે ધરતાં ‘આય હાય હાય ત્યાં. મારી પોયણી જેવી છોડીઓ છૂટી રહે તો તે વિલાઈ જ જાય.ને. એક ઘેર હોય તો ઈમને ફાવે ને!’

અને શુભ ચોઘડિયામાં બેય દીકરીઓને વળાવી દીધી.

બપોરે પડતાં પહેલાં બેય વરરાજાઓની અલગ-અલગ વહેલ લગભગ ગામની સીમ સુધી આવી પહોંચી.

આગળ મોટાભાઈ મંગળની અને પાછળ નાના માધુની વહેલ હતી. જેમ ગામ નજીક આવતું હતું તેમ મંગળની છાતી ગજ ગજ ફૂલતી હતી. પણ માધુના મોં પર પરણ્યાનો આનંદ દેખાતો નહોતો. માધુના ચહેરા પર પીઠીની ફીકાશની પૃાદ્ ભૂમિકામાં વિષાદની રેખાઓ અંકિત થયેલી હતી તેની કોઈએ નોંધ લીધી નહોતી. માધુની ઉદાસીનતા ફકત તેના જ દિલમાં ઘોળાતી હતી. સૌએ લગ્નનાં લહાવાના આનંદમાં આ વરરાજાના મનોભાવ વાંચવાની પરવા પણ કરી નહોતી.

અને એમ ને એમ ગાણાંથી ગાજતી વહેલો ગામમાં પ્રવેશી ગઈ.

સંધ્યાએ રાત્રિનાં આગમનની બાંગ પૂકારી. સૂર્ય રગડતો રગડતો ક્યાંક ઢળી પડયો.

રડયાં-ખડયાં અંગત મહેમાનો હજુયે રોકાયા હતા. બધાં નિરાંતે ફળિયામાં ખાટલા ઢાળી પ્રસંગોની વાતે ચડયા હતા. પણ માધુ ત્યાં હાજર નહોતો.

વાડીના કૂવે એકલો બેઠો બેઠો તે પશ્ચિમે દેખાતી લાલિમા તરફ એક દૃષ્ટિથી જોઈ રહ્યો હતો. તેની આંખોમાં વિષાદની છાયા વધુ ઘેરી બની હતી. રાત પડી ગઈ. અચાનક કાંઈક વિચારીને નિર્ણય લીધો હોય તેમ હાથમાં પકડેલી એક સોટીને કૂવામાં ફેંકી દેતો ઊભો થયો અને ઘર તરફ વળ્યો.

બધાં જમવાની તૈયારી કરતા હતા. હાથ-પગ ધોઈ માધુ પણ સૌની સાથે જમવા બેઠો. જમી લીધું અને એના સૂવાનો ઓરડો પણ નાનાં કાકીએ આંગળી ચીંધી ગાલમાં હસતાં બતાવી દીધો.

જમી રહેલા સૌ ફરી વાતે વળગ્યા. કોઈ સૂઈ ગયા. બૈરાં વાસણ-કુસણ ઉડકવામાં પરોવાયાં. અને માધુ વહેલો જ પોતાના ઓરડામાં જઈ સૂઈ રહ્યો.

આખરે ફળિયું શાંત થયું ઓરડામાં બળતી ફાનસ પણ ગ્યાસત્તેલ ખૂટયું હોય એમ ધીમી થઈ ગઈ. અને હળવા પગે એમાં કોઈ પ્રવેશી રહ્યું ઝાંઝરના રણકારથી ઘડીભર ઓરડામાં જાણે કે જીવ આવ્યો અને સૂતેલા માધુને પગે નવોઢાએ ચરણસ્પર્શ કરી રજને માથે ચડાવી. અને અચાનક માધુ જાગી ગયો. તે ખાટલામાંથી બેઠો થઈ ગયો અને ધડ દઈને બોલી ઊઠયોઃ ‘જરા કામ છે…મોડેથી આવીશ.’ એમ કહીને તે ઓરડાની બહાર ચાલી ગયો. આવા બેહૂદા વર્તનથી ડઘાઈ ગયેલી નવપરિણીત કન્યા અબૂધ થઈ ખાટલામાં ફસડાઈ પડી.

એક પળ ગઈ. બે પળ ગઈ. એક વેળા થઈ ગઈ અરે અડધી રાત વીતી ગઈ. અને બેબાકળી નવવધૂ પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

આખરે એને લાકડાની બારીમાંથી કોઈ આવતું જણાયું. તે બેઠી થઈ ગઈ. તેણે ધ્યાનપૂર્વક જોયું તો માધુ લથડતા પગે ઘર તરફ આવી રહ્યો હતો. તેના મગજ પર જાણે કે વજ્રાઘાત થયો. આવા બનાવની તેણે કલ્પના સુધ્ધાં પણ કરી નહોતી. હૃદય પર પથ્થર મૂકીને તેણે મન મજબૂત કર્યું અને પહેલાં જ દિવસે આ ભવાઈ લોકો જાણી ના જાય તેમ બધું સાંભળી લેવા નિર્ણય કર્યો.

માથેથી ઘૂમટો ફગાવીને તે બારણામાં થઈ બહાર દોડી અને અર્ધબેભાન એવા પતિને પકડીને ઘરમાં લઈ આવી.

માટલીમાંથી ઠંડા પાણીનો પ્યાલો આપતાં તેણે વહાલથી માધુના બરડા પર હાથ ફેરવ્યો. પણ ચકચૂર માધુએ પ્યાલાને હડસેલી ફેંકી દેતાં કહ્યું ‘ચલ હટ. તારી મોટીબાને હું ગમ પાડી દઈશ. મંગુને ભઈ સાથે પૈણાવી દીધી ને મારી જિંદગી ખરાબ કરી. મને અડતી નૈં. મંગુ સિવાય કોઈને હું અડવા દેવાનો નથી. હું નાનો એટલે કન્યાયે મારા ભાગમાં નાની? એ કયા ઘરનો ન્યાય?’ મંગુ ભલે તારાથી મોટી રહી પણ ઈના વગર મારી કોઈ બૈરી નથી.’

આડેધડ ઝૂડી રહેલો માધુ અચાનક બોલતો બંધ થઈ ગયો અને દારૂનું ઘેન વધતાં તે ખાટલામાં સૂનમૂન થઈ આંખો બંધ કરી પડી રહ્યો.

ગમે તેવા કપરા સંજોગોમાં પણ હિંમત ના હારવાની વાલીબાની શીખ યાદ કરતી એમની દીકરી હૈયું સબૂત રાખી જાગતી પતિના પગ દબાવતી. વાયરો નાખતી પલંગના એક ખૂણે બેસી રહી.

લગીર લગીર બળતી ફાનસને નજીક આણી તે જ કરી આછા પ્રકાશમાં માધુની આંખો ઊઘડતી જણાઈ અને વાલીબાની દીકરીએ ઘૂમટો તાણવા સાડીનો છેડો પકડયો પણ તે પહેલાં જ માધુએ ચોંકીને એનો હાથ પકડી લીધો. ‘કુણ.મંગુ?’ એકદમ બેઠા થતાં માધુએ સહસા પૂછયું.

પ્રત્યુત્તરમાં મંગુ મરક મરક હસી જ રહી. તેનો એક હાથ અધવચ્ચે જ સાડી પકડેલો માધુના હાથમાં રહી ગયો.

માધુએ પૂરી તાકાતથી એ હાથ ખેંચી લેતાં મંગુને છાતી સાથે ભીડી દીધી પણ વળી મંગુને છૂટી કરતાં માધુએ પૂછયું ‘આ બધું કેવી રીતે બન્યું?’ હું તો સમજતો હતો કે મારે ભાગ નાની જ કન્યા આઈ હશે.

માધુના કપાળે હાથ ફેરવતાં મંગુએ કહ્યું, ‘મારી મોટી બાને તમે હજુ ઓળખતા નથી. એમને ખબર હતી કે નાનાને મોટી કન્યા પસંદ છે એટલે માંડવે પણ એ રીતે જ ગોઠવણી કરી હતી. પણ તમે કેટલા ખરાબ છો. નશો કરીને આયા પણ એ પેલાં ખબર તો કાઢવી હતી ને કે તમારે ભાગ કોણ આયું છે?’

‘પણ મને ઓછી ખબર હતી કે.’

‘હવેથી ખબર રાખજો નકર તમારાથી એક વર્ષ હું મોટી છું. તમારી બરાબર ખબર રાખીશ.’

અને બંને ખડખડાટ હસી પડયાં. મંગુ માધુના ખોળામાં લપાઈ ગઈ. માધુએ મંગુને ખબર ના પડે તેમ ફાનસની વાટ ઉતારી દીધી ત્યાં જ.

‘ઊઠયા છો ભા.! કૂકડો બોલી ગયો. મેંમાનોને જવાનું છે. પાણી ઉનું મેલી દેજો.’ માધુની બાએ ધીમેથી બૂમ પાડી.

અને માધુએ કપાળે હાથ પછાડયો. પણ વાલીબાની દીકરી મધુ પર મરક મરક હસતી હતી……..[short story by devendra patel]

Be Sociable, Share!