Close

પદ્મજા બોલીઃ ‘હે ભગવાન, મારું આયુષ્ય મારા પિતાને આપી દો.

અન્ય લેખો | Comments Off on પદ્મજા બોલીઃ ‘હે ભગવાન, મારું આયુષ્ય મારા પિતાને આપી દો.

PADAJA-PRAKARAN-14

000000000000000000

પ્રકરણ-૧૪

ઓડિટોરિયમમાં મહાકવિ કાલીદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્નું વિવરણ કર્યા બાદ શ્રોતાઓ પદ્મજા પર આફરીન હતા. ઓડિટોરિયમની બહાર પદ્મજા પ્રશંસકોથી ઘેરાયેલી હતી. દુષ્યંત નામનો એક તેજસ્વી યુવાન અને બીજી સખીઓ તેની સાથે વાત કરતાં હતાં ત્યાં જ પીરમગઢથી આવેલા માતાના તારથી પદ્મજા ચિંતિત થઈ ગઈ. તારમાં લખ્યું હતું: COME SOON.’ એક ક્ષણમાં તો અનેક કલ્પનાઓ તેના દિલોદિમાગમાં ઘુમરાવા લાગીઃ ‘શું થયું હશે? મમ્માએ અચાનક મને ઘેર કેમ બોલાવી?’

દુષ્યંતે પદ્મજાના ચહેરા પર છવાયેલી ચિંતાની લકીરો જોઈ પૂછયું: ‘એની પ્રોબ્લેમ?’

પદ્મજા બોલીઃ ‘હા, મારી માનો તાર છે, મને જલદીથી પીરમગઢ આવી જવા જણાવ્યું છે.’

દુષ્યંત બોલ્યોઃ ‘તમે પીરમગઢ કેવી રીતે જવા માંગો છો?’

પદ્મજા બોલીઃ ‘મારે ટ્રેન પકડીને જવું પડશે. પીરમગઢથી ચાર કિલોમીટર પીરમગઢ રોડ નામનું રેલવે સ્ટેશનછે. મુંબઈથી અઢાર કલાકે ટ્રેન પહોંચે છે.’

દુષ્યંત બોલ્યોઃ ‘તમે બીજો કોઈ અર્થ ન કાઢો તો હું તમને ફલાઈટની ટિકિટ કરાવી દઉં?’

‘ના…ત્યાં નજીકમાં કોઈ એરપોર્ટ નથી.’

‘તો હવે ?’

‘હું અહીંથી સીધી જ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને જવા માગં છું.’

દુષ્યંત બોલ્યોઃ ‘ચાલો, હું મૂકી દઉં.’

‘ના…હું મારી રીતે જઈશ.’

એટલામાં રાજકુમારી જેવી લાગતી એક યુવતી આવી અને દુષ્યંતને કહેવા લાગીઃ ‘દુષ્યંત, હું ક્યારનીયે તમને શોધું છું.’

પદ્મજા અને બીજી સખીઓ અચાનક આવેલી એ યુવતીને જોઈ રહી. એ અત્યંત રૂપાળી અને ગૌરવપૂર્ણ લાગતી હતી. બધાને એક જ પ્રશ્ન હતો કે, આ યુવતી છે કોણ?

દુષ્યંતે સ્મિત સાથે બધાને ઓળખ કરાવતા કહ્યું: ‘આ છે મીનળબા, આખું નામ મીનળદેવી છે. તે મારાં નાનાં બહેન છે. અમે બંને ભાઈબહેન ચંદ્રનગરથી મુંબઈ ભણવા માટે આવ્યાં છીએ અને મીનળબા, આ છે પદ્મજા.’

મીનળબા અને દુષ્યંત એકસમાન જ લાગતાં હતાં પરંતુ ચંદ્રનગરનું નામ સાંભળતાં પદ્મજાને કાંઈક યાદ આવી ગયું. એણે પૂછયું: ‘શું કહ્યું તમે? તમે ચંદ્રનગરથી અહીં આવ્યાં છો?’

‘હા’: દુષ્યંત બોલ્યો.

પદ્મજાને પિતાએ કહેલી વાતો યાદ આવી ગઈ. એ બોલીઃ ‘ચંદ્રનગરના પૂર્વ મહારાજા વિક્રમાદિત્ય સિંહનું નામ તમે સાંભળ્યું છે?’

‘હા’: દુષ્યંત બોલ્યો.

પદ્મજા બોલીઃ ‘મારા પિતા વિશ્વંભર પંડિતના પિતા એટલે કે મારા દાદાજી ચંદ્રનગરના મહારાજા વિક્રમાદિત્યસિંહજીના દીવાન હતા.’

દુષ્યંત અને મીનળબા બેઉ એકબીજાની સામે જોઈ રહ્યાં. એમના ચહેરા પર ન સમજાય તેવો આનંદ હતો. પદ્મજા માત્ર આંખોથી જ પૂછી રહી હતીઃ ‘શું વાત છે ?’

મીનળબા બોલ્યાં: ‘પદ્મજા, જુઓ દુનિયા કેટલી નાની છે. હું અને મારા ભાઈ દુષ્યંત ચંદ્રનગરના રાજવી પરિવારનાં જ સંતાનો છીએ. હું અને મારા ભાઈ દુષ્યંતસિંહ મહારાજા વિક્રમાદિત્યસિંહજીના પૌત્રી અને પૌત્ર છીએ.’

‘રિઅલ્લી…?’ : પદ્મજાના ચહેરા પર એક ગજબની ચમક આવી. એને લાગ્યું કે કોઈ જૂના ઋણનાબંધના કારણે જ ત્રીજી પેઢીનું મિલન થયું.

મીનળબા બોલ્યાં: ‘મારા ભાઈનું આખું નામ દુષ્યંતસિંહ છે પણ એમને ‘દુષ્યંત’ કહેવરાવવું જ ગમે છે.’

દુષ્યંતે અત્યંત આદરથી પદ્મજાને પ્રણામ કર્યાં. પદ્મજાને અહેસાસ થયો કે દુષ્યંતના વ્યવહારમાં રાજવી પરિવારનું ગૌરવ છલકતું હતું. પદ્મજા બોલીઃ ‘નાઈસ ટુ મીટ યુ, દુષ્યંતસિંહજી.’

પ્લીઝ કોલ મી દુષ્યંત’ : દુષ્યંતે હકથી કહ્યું.

‘તમે બંને ભાઈ-બહેન અહીં ક્યાં રહો છો?’ : પદ્મજાએ પૂછયું.

‘આમ તો ચંદ્રનગરમાં અમારો પેલેસ છે પરંતુ અહીં મુંબઈમાં પણ નેપિઅન્સી રોડ પર અમારો એક બંગલો છે.’

પદ્મજા સાંભળી રહી.

એટલામાં દુષ્યંત ફરી બોલ્યોઃ ‘હવે તો આપણો અગાઉની ત્રીજી પેઢીનો સંબંધ નીકળ્યો. હવે અમે તમને રેલવે સ્ટેશન મૂક્વા આવીએ તો વાંધો નથીને? મારાં બહેન મીનળબા પણ સાથે આવશે.’

પદ્મજાએ હા પાડી.

દુષ્યંત પાસે શેવરોલેટ મોટરકાર હતી. ડ્રાઈવર કાર ચલાવતો હતો. તેની બાજુમાં દુષ્યંતે સ્થાન લીધું. પાછલી સીટમાં મીનળબા અને પદ્મજા બેઠાં. પહેલાં તેઓ પદ્મજાની લેડિઝ હોસ્ટેલ પર ગયાં. પદ્મજાએ તેનાં વસ્ત્રો બેગમાં ભરી લીધાં અને ફરી મોટરકારમાં બેસી ગઈ.

મોટરકાર હવે રેલવે સ્ટેશન તરફ દોડતી હતી. રસ્તામાં દુષ્યંતે પૂછયું: ‘પદ્મજા, પીરમગઢમાં ટેલિફોન નથી?’

‘ના.’

દુષ્યંતે કહ્યું: ‘મારા કાકા સાહેબ દિલ્હીમાં દૂરસંચાર મંત્રી છે, હું આજે જ તેમને કહીશ કે પીરમગઢ માટે એક ટેલિફોન લાઈન નાંખી દેવામાં આવે.’

પદ્મજાને લાગ્યું કે મુંબઈમાં એક સારા અને ખાનદાન પરિવાર સાથે તે બેઠી છે. રેલવે સ્ટેશને કાર ઊભી રહી. ટિકિટ લીધી. બંને ભાઈ-બહેન પદ્મજાને સાંજની ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બા સુધી મૂક્વા આવ્યાં. ટ્રેન ઉપડે તે પહેલાં દુષ્યંતે એક ચબરખી પદ્મજાને આપી.

પદ્મજાએ પૂછયું: ‘શું છે આ ?’

દુષ્યંતે કહ્યું: ‘એમાં મુંબઈના મારા બંગલાનો ફોન નંબર છે. પાછાં આવીને મને જાણ કરજો કે મમ્મીએ તમને તાર કેમ કર્યો હતો?’

પદ્મજાએ ચબરખી લઈ લીધી.

એક વ્હિસલ સાથે ટ્રેન ઉપડી ત્યાં સુધી મીનળબા અને દુષ્યંત ટ્રેનના ડબ્બાની પાસે ઊભાં રહ્યાં.

૦ ૦ ૦

પૂરા અઢાર કલાકની દડમજલ બાદ ટ્રેન પીરમગઢ રોડ સ્ટેશને પહોંચી. પદ્મજા થાકી ગઈ હતી. અહીં બહુ ઉતારુ ઊતરતાં નહીં. પીરમગઢ રોડ સ્ટેશનથી પીરમગઢ જવા માટે ઘોડાગાડી જ ઉપલબ્ધ હતી. પદ્મજા એમાં બેસી પીરમગઢ પહોંચી. એ સીધી એના ઘેર ગઈ. ઘરનું બારણું ખટખટાવ્યું. ઘરમાં કામ કરવા માટે રાખેલી બાઈએ બારણું ખોલ્યું. એ સીધી અંદર ગઈ. બાઈએ પદ્મજાને સીધા ઉપર શયનખંડમાં જવા ઈશારો કર્યો.

પદ્મજા બેગને દીવાનખંડમાં જ મૂકીને દોડતી ઉપરના શયનખંડમાં ગઈ. એણે જોયું તો પિતા વિશ્વંભર પલંગમાં સૂતેલા હતા. તેમને ઓક્સિજન માસ્ક લગાડેલો હતો. પિતાની આંખો ઘેનના કારણે બંધ હતી. બાજુની ખુરશીમાં મા બેઠેલી હતી. પદ્મજાને જોઈને જ મહાશ્વેતાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.

પદ્મજાએ પૂછયું: ‘પપ્પાને શું થયું, મમ્મા ?’

મહાશ્વેતા બોલ્યાં: ‘તારા પપ્પાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. બે દિવસથી અર્ધબેભાન જેવી સ્થિતિમાં છે. ડોક્ટરને બોલાવ્યા હતા. ડોક્ટરના કહેવા મુજબ ગંભીર પ્રકારનો હાર્ટ એટેક છે.’

પદ્મજા પિતાની બંધ આંખોને જોઈ રડી પડી. તે બોલીઃ ‘મમ્મા, પપ્પાને કાંઈ થશે તો નહીંને?’

‘બેટા, ડોક્ટર કહે છે કે બોત્તેર કલાક નીકળી જાય પછી જ કાંઈ કહી શકાય.’

અને પદ્મજાએ માનો હાથ પકડી લીધો. થોડીક ક્ષણો પછી એ બોલીઃ ‘મમ્મા, પપ્પાને સારું થઈ જશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારું આયુષ્ય એમને આપી દો પણ મારા પપ્પાને સાજા કરી દો.’

પદ્મજાની વાત સાંભળી મહાશ્વેતાને રડવું આવી ગયું.

પદ્મજાએ પૂછયું: ‘મમ્મા, ભાઈ પ્રસૂન ક્યાં?’

‘બેટા, હવે તે હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં છે. આજે તેની પરીક્ષા છે. હમણાં આવશે. મેટ્રીકની આ પરીક્ષા પાસ કરી લે એટલે તે પણ મુંબઈ ભણવા આવી જશે.’

‘સરસ’

મહાશ્વેતાએ કહ્યું : ‘બેટા, તું લાંબી મુસાફરી કરીને આવી છે. તું નાહીધોઈ લે.’

‘હા, મમ્મા. હું નાહીને હમણાં જ આવું છું. પછી પપ્પાની બાજુમાં હું જ બેસીશ. તમે આરામ કરજો, પપ્પાને સારું થાય ત્યાં સુધી હું જ અહીં જ રહીશ. પપ્પાની સેવા કરીશ.’

એમ કહી પદ્મજા તેના શયનખંડમાં સ્નાન કરવા જતી રહી.

૦ ૦ ૦

સાંજ થવા આવી.

હવેલીના શયનખંડમાં પદ્મજા પલંગમાં સૂતેલા તેના પિતાની પાસે બેઠેલી હતી. એણે જોયું તો પિતાનું હૃદય હજુ ચાલતું હતું. હવે વિશ્વંભરની આંખો પણ ઉઘાડબંધ થતી હતી. પદ્મજા પિતાના કપાળ પર હાથ ફેરવી રહી. એ હાથનો સ્પર્શ થતાં જ વિશ્વંભરે આંખો ખોલી. એમણે પદ્મજાને જોઈ. એ બોલી શકતા નહોતા, પરંતુ પુત્રીને જોઈ તેઓ કાંઈક કહેવા માંગતા હતા પરંતુ બોલવાની સ્થિતિમાં નહોતા. તેમણે માત્ર હોઠ જ ફફડાવ્યા. પદ્મજા બોલીઃ ‘પપ્પા, તમારે કાંઈ જ બોલવાનું નથી. તમારે કોઈ જ શ્રમ લેવાનો નથી. હવે હું આવી ગઈ છું ને! તમને સારું નહીં થાય ત્યાંથી હું અહીં જ રહીશ.’

એણે જોયું તો એના પિતાની આંખોમાં દીકરીને નિહાળવાની ખુશીના ભાવ હતા. મહાશ્વેતાએ પણ અંદર આવીને જોયું તો વિશ્વંભરે હવે આંખો ખોલી હતી. તેમને ઠીક થતું હોય તેમ તેને લાગ્યું. મહાશ્વેતાએ પદ્મજાને કહ્યું: ‘બેટા, બે દિવસ બાદ આજે તારા પપ્પાએ આંખો ખોલી છે.’

પદ્મજા બોલીઃ ‘પપ્પાને જલદી સારું થઈ જશે, મમ્મા, તમે હવે કોઈ ચિંતા ન કરો.’

મહાશ્વેતા બોલ્યાં : ‘બેટા, એટલું સારું છે કે લાઈટહાઉસ પર હવે બીજા બે નવા માણસોની નિમણૂક થઈ ગઈ છે. પપ્પાએ તો માત્ર દેખરેખ જ રાખવાની હતી. હવે તો તેઓ ન જાય તો પણ ચાલે તેમ છે.’

પદ્મજા બોલીઃ ‘તો પછી પપ્પાએ હવે વોલંટરી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ.’

‘હું પણ એમ જ ઇચ્છું છું.’

આ વાત ચાલતી હતી ત્યાં જ સ્કૂલેથી પ્રસૂન આવી ગયો. તે સીધો ઉપરના બેડરૂમમાં આવી પહોંચ્યો. એણે પપ્પાના પલંગની બાજુમાં પદ્મજાને બેઠેલી જોઈ તેની બેગ દૂર ફેંકી જાણે કે એણે તિરસ્કાર વ્યક્ત કર્યો. મહાશ્વેતાને પ્રસૂનના હાવભાવ ગમ્યા નહીં. છતાં પદ્મજાએ વહાલથી

પૂછયું: ‘તું આવી ગયો, ભાઈ? તારાં પેપરો કેવાં ગયાં?’

પ્રસૂને ચહેરા પર ક્રોધ લાવતા કહ્યું: ‘ઠીક, પણ તું આવી જ કેમ?’

પ્રસૂનના પ્રશ્નથી મહાશ્વેતા ડઘાઈ ગઈ પરંતુ પદ્મજાએ હળવાશથી લેતાં કહ્યું: ‘પપ્પા બીમાર હોય અને હું ન આવું તે કેમ ચાલે?’

પ્રસૂન બોલ્યોઃ ‘કેમ, અમે બધાં નથી?’

મહાશ્વેતાએ કહ્યું: ‘પ્રસૂન, તું એવું ન બોલ. મેં જ તાર કરીને તારી બહેનને અહીં બોલાવી છે.’

પ્રસૂન મોટેથી બોલ્યોઃ ‘બસ, તમને બધાંને એ જ ગમે છે, હું નહીં.’

મહાશ્વેતા બોલ્યાં: ‘એમ ન બોલાય, બેટા. જે રીતે તું મારો દીકરો છે તે રીતે તારી બહેન પણ મારી દીકરી છે.’

‘તો રાખો એને કાયમ માટે ઘરમાં.’: પ્રસૂને તોછડાઈપૂર્વક કહ્યું.

પદ્મજાએ પ્રસૂનની વાતો સાંભળ્યા બાદ પણ ધૈર્ય પસંદ કર્યું, પરંતુ મહાશ્વેતાથી ન રહેવાતા તેઓ બોલ્યાં: ‘બેટા, તારી બહેન તો એક દિવસ પરણીને કોઈ બીજાના ઘેર જતી રહેશે. એ ક્યાં અહીં કાયમ રહેવાની છે ?’

પ્રસૂન બોલ્યોઃ ‘તો એને કહો કે એ વહેલી પરણીને વિદાય લે.’

મહાશ્વેતાએ ગુસ્સાથી કહ્યું: ‘ચૂપ થઈ જા…’

પ્રસૂન બોલ્યોઃ ‘હું ચૂપ નહીં રહું. હવે હું બધું સમજવા લાગ્યો છું. મને એ અહીં આવે તે નથી ગમતું.’

પદ્મજા શૂન્યમનસ્ક બનીને તેના નાના ભાઈની વાત સાંભળી રહી હતી. મહાશ્વેતાએ પ્રસૂનને પૂછયું: ‘શું બોલ્યો તું?’

પ્રસૂને ફરી ઊંચા અવાજે કહ્યું: ‘એ અહીં આવે તે મને નથી ગમતું. મને એ ગમતી જ નથી.’

પદ્મજાએ હૃદયના ભાવને સંયમિત કરતાં કહ્યું: ‘ભાઈ, તારે મને જે કહેવું હોય તે કહે પણ…આઈ લવ યુ…’

‘બટ આઈ હેટ યુ’ : પ્રસૂન મોટેથી બોલ્યો.

મહાશ્વેતા તો પુત્રના વર્તનથી ડઘાઈ ગયાં. પદ્મજા પણ પ્રસૂનના ‘આઈ હેટ યુ’- શબ્દોથી સ્તબ્ધ હતી. એણે વ્યથા છુપાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ આંખોમાં આવતાં આંસુને તે રોકી શકી નહીં. કેટલીક વાર બાદ સ્વસ્થતા ધારણ કરતાં પદ્મજા ગળગળા અવાજે બોલીઃ ‘સારું પ્રસૂન, તને હું ન ગમતી હોઉં તો હું અહીં બહુ નહીં રહું. પણ આજનો દિવસ તો મને અહીં રહેવા દે…!’

પ્રસૂન ફરી ઊંચા અવાજે બોલ્યોઃ ‘આ મારું ઘર છે…ગેટ લોસ્ટ એઝ અર્લી એઝ પોસિબલ.’

મહાશ્વેતા બોલ્યાં: ‘ચૂપ કર પ્રસૂન. હવે વધુ બોલીશ તો મારો હાથ ઉપડી જશે.’

પ્રસૂન મહાશ્વેતાની નજીક જતાં બોલ્યોઃ ‘લ્યો…આ રહ્યો હું. તમારે મને જેટલો મારવો હોય તેટલો મારો. મને બધી જ ખબર છે કે તમને જેટલી પદ્મજા ગમે છે તેટલો હું ગમતો નથી.’

મહાશ્વેતાએ અવાજ ધીમો કરતાં પ્રસૂનના માથે હાથ ફેરવતાં કહ્યં: ‘એવું ન બોલ બેટા…અમારા માટે તમે બંને સરખા છો. અને ધીમેથી બોલ. જો તારા પપ્પા બીમાર છે.’

પ્રસૂન બોલ્યોઃ ‘એ અહીં બેઠી છે ત્યાં સુધી હું બોલીશ જ….પછી પપ્પાને જે થવાનું હોય તે થાય.’

મહાશ્વેતામાં હવે વધુ આઘાતજનક શબ્દો સાંભળવાની તાકાત નહોતી. યુવાનીમાં ડગ માંડી રહેલા પોતાના પુત્રની રૂક્ષતાથી તેઓ સ્તબ્ધ હતાં. પદ્મજા પણ હવે વધુ સાંભળી શકે તેમ નહોતી. તે રડતી રડતી ઊભી થઈ તેના બેડરૂમમાં  જતી રહી.

થોડી જ વાર બાદ બાજુના બેડરૂમમાંથી એક ભયાનક ચીસ સંભળાઈ. શાયદ એ પદ્મજાની ચીસ હતી.

(ક્રમશઃ)

– www.devandrapatel.in

 

Be Sociable, Share!