Close

પદ્મજા, મારી ઈચ્છા છે કે તમે ભાભી થઈને અમારા ઘરમાં આવો

અન્ય લેખો | Comments Off on પદ્મજા, મારી ઈચ્છા છે કે તમે ભાભી થઈને અમારા ઘરમાં આવો

PADMJA-PRAKARAN-15

000000000000000000

પ્રકરણ-૧૫

વિશ્વંભરને હૃદયરોગનો હુમલો આવતાં તેઓ ગંભીર રીતે બીમાર હતા. મહાશ્વેતાએ ટેલિગ્રામ મોકલી પુત્રી પદ્મજાને મુંબઈથી બોલાવી. યૌવનમાં ડગ માંડી રહેલા પ્રસૂનને પદ્મજાનું આવવું ગમ્યું નહીં. તેણે પદ્મજા સાથે રૂક્ષ વ્યવહાર કર્યો. પ્રસૂન પાસેથી ‘આઈ હેટ યુ’- શબ્દો સાંભળી પદ્મજા આઘાતમાં સરી પડી. એ બીજા રૂમમાં ચાલી ગઈ. એ હીબકાં લઈ રહી. પદ્મજાની ચીસ સાંભળી મહાશ્વેતા પદ્મજાના રૂમમાં દોડી ગયાં.

એમણે જોયું તો પલંગ પર બેસી પદ્મજા ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. મહાશ્વેતાએ તેની બાજુમાં જ બેસતાં પુત્રીને સાંત્વના આપીઃ ‘શાંત થઈ જા, બેટા. પ્રસૂન હજુ નાસમજ છે. એનામાં હજુ બાળસહજ ઈર્ષ્યા છે. મોટો થશે એટલે ડાહ્યો થઈ જશે.’

પદ્મજા રડતાં રડતાં બોલીઃ ‘પણ મમ્મા, એ તો મને અહીંથી ચાલ્યા જવાનું કહે છે. પપ્પાની આ હાલત મારાથી જોવાતી નથી. મારે તેમની સેવા કરવી છે. હું તો જન્મી છું જ તમારી અને પપ્પાની સેવા કરવા.’

‘તું હમણાં અહીં જ રહે, બેટા.’

‘પણ ભાઈ તો નથી ઈચ્છતો કે હું અહીં રહું.’

‘એ તો ગમે તે કહે. આ તારું પણ ઘર છે. આ ઘર અને પ્રોપર્ટીમાં તમારા બંનેનો સરખો હિસ્સો છે. અમે પણ તમારાં બંનેનાં માતા-પિતા છીએ. એ તો સારું છે કે કોહીનૂર સ્ટીમ એન્ડ નેવિગેશન કંપનીમાં આપણો મોટો હિસ્સો છે. આર્થિક રીતે આપણે સુખી છીએ. તારા પપ્પા તો એક આર્મી ઓફિસર છે અને માત્ર દેશસેવા માટે જ અહીં લાઈટહાઉસના ઈન્ચાર્જ બન્યા છે.’

પદ્મજા બોલીઃ ‘હું બધું જ સમજું છું મમ્મા. પણ ભાઈ મને સમજતો નથી. હું તેને કેટલું બધું વહાલ કરું છું ?’

‘મને ખબર છે બેટા. એને કારણ વગર એમ થઈ ગયું છે કે એકમાત્ર તું જ અમને વહાલી છે. પણ સમય જતાં એની એ ગેરસમજ પણ દૂર થઈ જશે.’

‘મને ખબર નથી કે એમ થશે કે નહીં.’

‘એ સુધરી જશે બેટા, અને જો હવે તેની મેટ્રિકની પરીક્ષાઓ પણ પૂરી થવા આવી છે. એક-બે મહિના પછી તો એ પણ કોલેજનું ભણવા મુંબઈ આવી જશે. એ વખતે તારે જ એની સંભાળ રાખવાની છે.’

પદ્મજાએ રડતાં રડતાં મોં હલાવ્યું.

બીજી તરફ ગુસ્સે ભરાયેલો પ્રસૂન તેના રૂમમાં જતો રહ્યો. મહાશ્વેતા પદ્મજાને લઈ તેમના શયનખંડમાં આવ્યાં. એમણે જોયું તો વિશ્વંભર ઊંઘી ગયા હતા, પરંતુ એ દિવસે પ્રસૂન જમવા માટે નીચે આવ્યો નહીં. પદ્મજાને લાગ્યું કે ભાઈનો ગુસ્સો હજુ ઊતર્યો નથી. એ દિવસે એણે પણ કાંઈ ન ખાધું. પોતાનાં જ સંતાનોને ભૂખ્યાં જોઈ મહાશ્વેતા પણ ભૂખ્યાં જ રાત્રે સૂઈ ગયાં.

૦ ૦ ૦

બીજા દિવસે મહાશ્વેતા ઊઠયાં. વિશ્વંભરની પણ આંખ ખૂલી ગઈ હતી. આજે તેમના ચહેરા પર સ્વસ્થતા હતી. જાગતાં જ એમણે કહ્યું: ‘પદ્મજા ક્યાં છે? મારે એને જોવી છે.’

મહાશ્વેતાએ કહ્યું: ‘હમણાં જ બોલાવું છું. એના રૂમમાં સૂતી છે.’

મહાશ્વેતા પદ્મજાને બોલાવવા એના બેડરૂમમાં ગયાં, પરંતુ પલંગ ખાલી હતો. અંદર કોઈ જ નહોતું. એમણે જોયું તો રૂમમાં પદ્મજાની બેગ પણ નહોતી. હા, પલંગ પર એક પત્ર પડયો હતો. મહાશ્વેતાએ એ પત્ર ઉઠાવ્યો. એ પત્ર પદ્મજાનો હતો.

મહાશ્વેતા પત્ર વાંચવા લાગ્યાં. પદ્મજાએ લખ્યું હતું: ‘મમ્મા, હું તમને કહ્યા વગર જ મુંબઈ પાછી જાઉં છું. માફ કરશો. આમ કરવું તે મારા સ્વભાવમાં નથી પરંતુ આખી રાત મેં ખૂબ વિચાર્યું. એક તો અત્યારે પપ્પા બીમાર છે, અને આ હાલતમાં પ્રસૂનની વાતો તેઓ સાંભળે અને તેમને આઘાત લાગે તો તેમના હૃદયને આઘાત લાગી શકે છે. પપ્પાના હૃદયને જરા પણ આંચકો આપવાનો આપણને અધિકાર નથી. તેઓ હાર્ટ પેશન્ટ છે. હું મારા હૃદય પર પથ્થર મૂકીને જાઉં છું. હું તમને પૂછવા રોકાઈ હોત તો તમે મને જવા જ ના દેત તેથી તમને મળ્યા વગર જ જાઉં છું. ભાઈની પરીક્ષાનું પરિણામ આવી જાય તે પછી તેનું મારી જ કોલેજમાં હું એડમિશન કરાવી દઈશ. એલિફન્સ્ટનમાં મારું આ છેલ્લું વર્ષ છે તે પછી મુંબઈ જ રહી હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગું છું. પપ્પાને સારું થાય એટલે મને પત્ર લખજો. ટેઈક કેર. પ્રણામ.’

– તમારી દીકરી પદ્મજા.

પત્ર વાંચતાં વાંચતાં મહાશ્વેતાની આંખમાંથી બોર બોર જેટલાં આંસુ પત્ર પર જ સરી પડયાં. પદ્મજા જતી રહી છે એ વાત પતિને કહેવાની તેમનામાં હિંમત નહોતી.પત્ર પદ્મજાના જ રૂમના એક કબાટમાં સંતાડી તેઓ તેમના શયનખંડમાં આવ્યાં. વિશ્વંભરે પૂછયું.: ‘ક્યાં છે પદ્મજા?’

મહાશ્વેતા બોલ્યાં: ‘રાત્રે એની કોલેજ પરથી ટેલિગ્રામ આવ્યો. તેને અચાનક સવારની ટ્રેન દ્વારા મુંબઈ જવાનું થયું.’

વિશ્વંભર મહાશ્વેતાને અને પુત્રીને બરાબર જાણતા હતા. તેઓ સમજી ગયા કે મહાશ્વેતા ખોટું બોલી કોઈ વાત છુપાવે છે. તેઓ મહાશ્વેતા સામે જોઈ રહ્યા. મહાશ્વેતાએ આંખો ઢાળી દીધી. વિશ્વંભરને સમજતા વાર ન લાગી કે શું થયું છે. પદ્મજા ગમે તે કારણસર જતી રહી છે એ વાત તેઓ સમજી ગયા. આ ક્ષણે તેમણે પણ મૌન રહેવાનું પસંદ કર્યું.

૦ ૦ ૦

પદ્મજા મુંબઈ પાછી આવી ગઈ. બધી સખીઓએ જોયું તો એના ચહેરા પર ઉદાસી હતી. એની એક સખીએ પૂછયું: ‘શું થયું છે પદ્મજા? તારા ચહેરા પર ગ્લાનિ કેમ છે? કોઈ વેદના? કોઈ દુઃખ?’

પદ્મજા બોલીઃ ‘મારો ચહેરો જ વેદનાયુક્ત છે. હું જન્મી છું જ દુઃખો સહન કરવા.’

સખીએ પૂછયું: ‘પણ થયું શું?’

પદ્મજા બોલીઃ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જીવન દુઃખમય છે. ફરી જન્મ અને ફરી મરણ અને ફરી જન્મ આ એક વિષચક્ર છે તેમાંથી બહાર આવવાનો એક જ માર્ગ છે – મોક્ષ.’

સખીએ પૂછયું: ‘મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય?’

પદ્મજા બોલીઃ ‘ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘બધાં જ સંશયો છોડીને મારા શરણે આવ. હું તને બધાં જ પાપોમાંથી મુક્તિ અપાવીશ. હું જ તને મોક્ષ અપાવીશ.’ બસ, વધુ કાંઈ જ નહીં કહું. હું તો શ્રી કૃષ્ણના શરણે છું. શ્રી કૃષ્ણં શરણમ્ મમ.’

અને પદ્મજા એની સખીને ત્યાં જ ઊભી રહેવા દઈ હોસ્ટેલમાં તેના રૂમમાં જતી રહી. થોડીવાર બાદ એની સખી ફરી એની પાછળ પાછળ એના રૂમમાં આવી. તે બોલીઃ ‘પદ્મજા, હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ. દુષ્યંત અને તેમનાં બહેન મીનળબા તારી ખબર કાઢવા આવ્યાં હતાં. તું એમને ફોન કરી લેજે. તારી પાસે એમના ઘરનો ફોન નંબર તો છે ને?’

પદ્મજાએ હકારમાં મોં હલાવ્યું.

૦ ૦ ૦

મુંબઈની મેરિયટ હોટલ. હોટલના બેંકવેટ હોલમાં પદ્મજા, દુષ્યંત અને મીનળબા બેઠેલાં છે. આજ રાતના ડિનર માટે ઓર્ડર અપાઈ ગયો છે. ભાઈ અને બહેન બાજુ બાજુમાં બેઠેલાં છે. પદ્મજાના ચહેરા પર આજે ઉદાસી છે. દુષ્યંતે પૂછયું: ‘પદ્મજા, હવે પપ્પાને કેમ છે?’

‘સારું છે.’

મીનળબાએ પૂછયું: ‘પણ તમારા ચહેરા પર ખુશી નથી. કોઈ પ્રોબ્લેમ છે ?’

‘ના.’

‘જે કાંઈ હોય તે અમને કહો. મને અને મારા ભાઈને તમારાથી જુદાં ન સમજો.’

પદ્મજા મૌન રહી.

એટલામાં સૂપ આવ્યો. બેરાએ સૂપનાં બાઉલ મૂક્યાં. બધાંએ સૂપ શરૂ કર્યો. દુષ્યંતે પૂછયું: ‘તમારું ગ્રેજ્યુએશન તો પૂરું થયું હવે શું?’

‘હું અંગ્રેજી લિટરેચરમાં જ પોસ્ટ ગ્રેજ્યુએશન કરીશ.’: પદ્મજાએ કહ્યું.

મીનળબાએ કહ્યું: ‘તમને વાંધો ન હોય તો સ્વજન તરીકે એક પ્રશ્ન પૂછું?’

‘હા, પૂછોને!’

મીનળબા બોલ્યાં : ‘ધીસ ઈઝ ટુ પર્સનલ અ ક્વેૃન…પણ પૂછી જ નાંખુ?’

‘ઓ.કે.’

‘તમે લગ્નનું શું વિચાર્યું છે?’

ચોંકી જતા પદ્મજાએ કહ્યું: ‘એટલે?: થોડી ક્ષણો બાદ તે ફરી બોલીઃ ‘મેં આ વિષય પર કદી વિચાર્યું જ નથી.’

મીનળબાએ કહ્યું: ‘તમને કોઈના માટે લાઈકિંગ છે? તમારા જીવનમાં કોઈ યુવાન છે ?’

‘ના.’: કહેતાં પદ્મજાએ પૂછયું: ‘પણ આવો પ્રશ્ન તમે કેમ પૂછો છો?’

‘બસ એમ જ’

પદ્મજાએ પૂછયું: ‘મીનળબા, તમે એક રોયલ પરિવારમાંથી છો. હું તમને પૂછું કે તમે ક્યારે પરણશો?’

‘મારા ભાઈ દુષ્યંત મારાથી મોટા છે એમનાં લગ્ન બાદ હું પરણીશ.’

‘તમારા ભાઈને કોઈ પસંદ છે?’

મીનળબાએ કહ્યું: ‘હા.’

‘કોણ છે એ સદ્ભાગી?’

‘તમે’: મીનળબાએ કહી દીધું.

‘હું…?’: પદ્મજાએ આશ્ચર્યના ભાવ સાથે પૂછયું.

મીનળબાએ કહ્યું: ‘જુઓ પદ્મજા, અમે ડેટિંગમાં માનતાં નથી. બગીચાઓમાં ફરવામાં માનતાં નથી. તમારા પૂર્વજો અને અમારા પૂર્વજોનો વર્ષોજૂનો રિશ્તો છે. મારી ઈચ્છા છે કે તમે મારાં ભાભી બનીને અમારા ઘરમાં આવો.’

પદ્મજા સ્તબ્ધ થઈને સાંભળી રહી. એણે તો વિચાર્યું જ નહોતું કે આટલી વહેલી પ્રપોઝલ આવશે. તે મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગઈ. તે મૌન થઈ ગઈ.

સૂપ પૂરો થયો. થોડી વાર પછી બીજાં વ્યંજનો આવ્યાં. હોટલ મેરિયટના બેંકવેટ હોલમાં પંડિત રવિશંકરનું સિતારવાદન વાગી રહ્યું હતું. કેટલીક મિનિટો પસાર થઈ. કોઈ કાંઈ જ બોલ્યું નહીં. છેવટે મીનળબાએ જ પૂછી નાંખ્યું: ‘તમે કોઈ જવાબ આપ્યો નહીં. કોઈ બળજબરી નથી. વી આર નાઈસ પિપલ. વી આર રોયલ્સ. તમે જે જવાબ આપશો તે અમને મંજૂર હશે. ફીલ ફ્રી એન્ડ બી બોલ્ડ, પદ્મજા.’

કેટલીક વાર બાદ પદ્મજા બોલીઃ ‘અને હું ‘ના’ કહું તો ?’

‘એ પણ મંજૂર, તમે ના કહેશો તો પણ આપણા સંબંધો સારા જ રહેશે.’

‘અને ‘હા’ કહું તો ?’

‘તો અમને બહુ જ ગમશે.’

પદ્મજા બોલીઃ ‘પણ તમારા ભાઈને મારા માટે લાઈકિંગ કેમ છે?’

મીનળબાએ કહ્યું: ‘તમારા શારીરિક સૌંદર્ય માટે નહીં પરંતુ આંતરિક સૌંદર્યને કારણે. માનવીનું વ્યક્તિત્વ માત્ર દેખાવથી નહીં પણ જ્ઞાનથી શોભે છે, વાણીથી શોભે છે, વિવેક અને વ્યવહારથી શોભે છે. આ બધાનો સરવાળો એક અભિનવ વ્યક્તિત્વનું સર્જન કરે છે અને તે તમારી પાસે છે.’

‘પણ તમારો પરિવાર ક્યાં અને મારો પરિવાર ક્યાં?’

મીનળબા બોલ્યાં: ‘મહાકવિ કાલિદાસની શકુન્તલા એક ઋષિની પુત્રી હતી છતાં રાજા દુષ્યંતને પરણી હતીને? ઋષિ વિશ્વામિત્ર ક્યાં રાજા હતા? અને દુષ્યંત અને શકુન્તલાએ જ ભરત જેવા ચક્રવર્તી રાજાને જન્મ આપ્યો.’

પદ્મજા ધ્યાનથી સાંભળી રહી. કેટલીક વાર બાદ તે બોલીઃ ‘હું વિચારીને જવાબ આપીશ.’

દુષ્યંતે હવે મોં ખોલ્યું: ‘ટેક યોર ઓન ટાઈમ, પદ્મજા. યુ આર રાઈટ. જીવનના આવા ફેંસલા ઉતાવળે ન જ લેવાવા જોઈએ. એની વે! હું તમને એક સારા સમાચાર આપું. મેં મારા કાકાસાહેબને વાત કરી લીધી છે. તેઓ કેન્દ્રમાં ટેલિકોમ્યુનિકેશન્સ મિનિસ્ટર છે. પીરમગઢ રોડના રેલવે સ્ટેશન સુધી ટેલિફોન લાઈન છે તે આવતા થોડાક જ સમયમાં તમારા વતન પીરમગઢ સુધી લંબાઈ જશે. તમારા ઘેર પણ ફોન ઈન્સ્ટોલ થઈ જશે. તમારે વિધિસરની એક અરજી જ કરવાની રહેશે.’

પદ્મજાના ચહેરા પર ખુશી છવાઈ. તે બોલીઃ ‘થેંક યુ વેરી મચ.’

દુષ્યંત બોલ્યોઃ ‘યુ આર વેલકમ.’

અને એટલામાં બીજાં વ્યંજનો પીરસાયાં.

૦ ૦ ૦

સમય વહેતો ગયો. કેટલાક દિવસો બાદ મહાશ્વેતાનો પદ્મજાની હોસ્ટેલ પર પત્ર આવ્યો એમાં એણે લખ્યું હતું: ‘બેટા પદ્મજા, તારા પપ્પાની તબિયત હવે સારી છે. તેઓ ફરી અવારનવાર લાઈટહાઉસ જાય છે. પ્રસૂન ડિસ્ટિંક્શન સાથે મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈ ગયો છે. એ એકલો જ મુંબઈ આવ્યો છે. એણે કોઈ મીઠીબાઈ સાયન્સ કોલેજમાં એડમિશન લઈ લીધું છે. કોલેજની જ હોસ્ટેલમાં રહે છે. તું એની ખબર કાઢી આવજે અને હા, આપણા ઘેર ફોન લાગી ગયો છે. તેં પત્રમાં લખ્યું હતું તેમ અમે ટેલિફોન જોડાણ માટે અરજી કરી દીધી હતી. આપણો ઘરનો ફોન નંબર ૭૦૧૪ છે. તું ગમે ત્યારે ટ્રંક કોલ કરી શકે છે. તારી હોસ્ટેલનો નંબર મોકલજે. અઠવાડિયા પછી રક્ષાબંધન છે. પ્રસૂનની હોસ્ટેલ પર જઈ તેને રાખડી બાંધી આવજે.

– મમ્મા.

મમ્માનો પત્ર વાંચી પદ્મજા ખુશ થઈ ગઈ પરંતુ પોતાને મળ્યા કે કહ્યા વગર જ પ્રસૂન એકલો એક અલગ કોલેજમાં એડમિશન લઈ આવ્યો તે જાણીને દુઃખી થઈ ગઈ.

૦ ૦ ૦

પત્ર મળ્યાના અઠવાડિયા બાદ રક્ષાબંધનના દિવસે પદ્મજા સરસ મજાની રાખડી અને હાથમાં મીઠાઈનું બોક્સ લઈ તે માએ આપેલા સરનામા પ્રમાણે પ્રસૂનની હોસ્ટેલ પર પહોંચી. અહીં છોકરીઓને બોયઝ હોસ્ટેલમાં પ્રવેશવાની મનાઈ હતી તેથી હોસ્ટેલની બહાર બેઠેલા ગાર્ડને મળીને પદ્મજાએ કહ્યું: ‘અંદરથી પ્રસૂન વિશ્વંભર પંડિતને બોલાવી લાવોને?’

સવારનો સમય હતો. ગાર્ડ હોસ્ટેલની અંદર જઈ થોડીવાર બાદ પ્રસૂનને બોલાવી લાવ્યો. પ્રસૂનને જોઈ પદ્મજા ખુશ થઈ ગઈ. તેના હાથમાં રાખડી અને મીઠાઈનું બોક્સ તે જોઈ રહ્યો. પદ્મજા બોલીઃ ‘હલો, પ્રસૂન!’

પ્રસૂને કોઈ ખુશી વ્યક્ત કરવાના બદલે પૂછયું: ‘અહીં કેમ આવી?’

પદ્મજા બોલીઃ ‘પ્રસૂન, આજે રક્ષાબંધન છે. તને રાખડી બાંધવા આવી છું, ભાઈ. ‘

પ્રસૂને કહ્યું: ‘સોરી, મારે તારી પાસે રાખડી બંધાવવી નથી.’

‘પણ કેમ?’

‘બસ, એમ જ.’

પદ્મજા એને વિનવણી કરતી રહી. ‘આવું ના કર ભાઈ!’

‘ડોન્ટ કમ અગેઈન’: બોલીને પ્રસૂન હોસ્ટેલમાં પાછો જતો રહ્યો.’

પદ્મજા રડી પડી. પ્રસૂને રાખડી બંધાવવા માટે કરેલો ઈન્કાર તેના માટે વજ્રઘાત જેવો હતો. તે રસ્તા પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

(ક્રમશઃ)

Be Sociable, Share!