Close

પદ્મજા વિચારી રહીઃ ‘વૈશાખ મહિનામાં મારું લગ્ન થશે અને દુષ્યંત સાથે સાત ફેરા ફરીશ

અન્ય લેખો | Comments Off on પદ્મજા વિચારી રહીઃ ‘વૈશાખ મહિનામાં મારું લગ્ન થશે અને દુષ્યંત સાથે સાત ફેરા ફરીશ

PADMJA -PRAKARAN-16

0000000000000000

પ્રતાપગઢના પૂર્વ રાજવી પરિવારના યુવાન દુષ્યંતનાં બહેન મીનળબાએ પદ્મજાને તેમના ઘરમાં ભાભી બનીને આવવા દરખાસ્ત મૂકી. અચાનક જ આવી પડેલી પ્રપોઝલ અંગે પદ્મજાએ કહ્યું કે મને વિચારવાનો સમય આપો. પદ્મજાનો ભાઈ પ્રસૂન પણ હવે મુંબઈની બીજી એક કોલેજમાં ભણવા આવી ગયો હતો. રક્ષાબંધનના દિવસે તેને રાખડી બાંધવા ગયેલી પદ્મજા પાસેથી રાખડી બંધાવવા ઈન્કાર કરી દીધો. તે પછી પદ્મજા તેની હોસ્ટેલ પર આવી. એ દિવસે તે જમી પણ નહીં. રાત્રે પણ ન જમી. રાત્રે હોસ્ટેલમાં રહેતી તેની બીજી સખીઓને ખબર ના પડે તેમ રડતી રહી. એ મનોમન ભગવાનને પૂછી રહીઃ ‘હે ઈશ્વર! મારો ભાઈ મને આટલી બધી નફરત કેમ કરે છે? મારી શું ભૂલ છે?’

પણ ક્યાંથી જવાબ મળે.

એ દિવસથી પદ્મજાએ મનને મક્કમ કરી લીધું. જે દુઃખો આવે તે સહન કર્યાં કરવાં. હવે તેણે પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

૦ ૦ ૦

સમય વહેતો રહ્યો.

જોતજોતામાં તો બીજાં બે વર્ષ પણ વીતી ગયાં. એ દરમિયાન પદ્મજા, દુષ્યંત અને મીનળબા અવારનવાર મળતાં રહ્યાં, પરંતુ પ્રસૂન દરેક વર્ષે રક્ષાબંધનના દિવસે પદ્મજા પાસે રાખડી બંધાવવાનો ઈન્કાર કરતો રહ્યો. પદ્મજાએ પણ હવે મન વાળી લીધું હતું. સમયના વહેણ સાથે ઈશ્વર જેમ જિવાડે તેમ જીવવાનું તેમ તેણે નાની ઉંમરમાં જ શીખી લીધું. કોઈકોઈ વાર તે તેના વતન પીરમગઢ જતી. મમ્મી-પપ્પા સાથે રહેતી પણ પ્રસૂન હવે તેની પાસે રાખડી બંધાવતો નથી એ વાત એણે ઘરમાં કોઈને કહી નથી. એ જાણતી હતી કે આવી વાત કરવાથી મમ્મા અને પપ્પાને દુઃખ થશે. વિશ્વંભરનું સ્વાસ્થ્ય હવે સારું થઈ ગયું હતું અલબત્ત, ઉંમર વધવાની સાથે તેમણે લાઈટહાઉસના વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરતો પત્ર મોકલી આપ્યો હતો. વળી લાઈટહાઉસના સંચાલન માટે નવા બે માણસો પણ હવે આવી ગયા હતા.

૦ ૦ ૦

મુંબઈના નેપિયન્સી રોડ પરનો એક ભવ્ય અને આલીશાન બંગલો. એની બહાર ‘ચન્દ્રનગર પેલેસ’ લખ્યું હતું. અહીં દુષ્યંત અને તેમનાં બહેન મીનળબા રહેતાં હતાં. ઘરમાં રસોઈ કરનાર બાઈથી માંડીને અન્ય નોકરચાકરો પણ હતાં.આજે રાત્રે તેમણે પદ્મજાને ડિનર પર બોલાવી હતી. પદ્મજાને લેવા મોટરકાર પણ મોકલી હતી. પદ્મજા લગભગ રાતના આઠ વાગ્યે નેપિયન્સી રોડ પરના ‘ચન્દ્રનગર પેલેસ’ પર પહોંચી. એ પહેલી જ વાર અહીં આવી હતી.ચન્દ્રનગર પેલેસનાં પગથિયાંમાં જ મીનળબાએ બે હાથે પ્રણામ કરી પદ્મજાનું સ્વાગત કર્યું. પદ્મજાએ પણ એ જ રીતે પ્રણામ કરી ઘરમાં પ્રવેશ કર્યો. અંદર એક વિશાળ ડ્રોંઈગરૂમ હતો. દરેક સોફા મખમલી હતા. છત પર ભવ્ય ઝુમ્મર લટકતું હતું. દીવાલો પર કલાત્મક દીવા લાગેલા હતા. બધું જ ખાનદાની રાજવી પરિવારને શોભે તેવું અને ગૌરવપૂર્ણ લાગતું હતું. દુષ્યંતે પદ્મજાનું સ્વાગત કર્યું: ‘વેલકમ પદ્મજા’

‘થેંક્યુ વેરી મચ’ : પદ્મજા બોલી.

દુષ્યંતે સોફા પર બેસવાના ઈશારો કરતાં કહ્યું: ‘અહીં બેસો, પ્લીઝ!’

પદ્મજા એક સોફા પર ગોઠવાઈ. સામેના સોફા પર ભાઈ-બહેન બેઠાં. મીનળબાએ પદ્મજાને તેના પિતાનાં ખબરઅંતર પૂછયાં.

પદ્મજા બોલીઃ ‘આપણે બહુ સમય પછી મળ્યાં નહીં?’

મીનળબાએ કહ્યું: ‘રોજેરોજ મળવું એ જ પ્રેમ કે લાગણી છે તેવું નથી. એ તો માત્ર શિષ્ટાચાર છે. સંબંધ અંતરાત્માનો જ હોવો જોઈએ.’

પદ્મજા બોલીઃ ‘યુ આર રાઈટ.’

દુષ્યંતે પૂછયું: ‘બધું બરાબર છે, પદ્મજા ?’

‘કેમ આવું પૂછયું?’

દુષ્યંતે પૂછયું: ‘તમારા ચહેરાની ભીતર કોઈ વેદના છુપાયેલી છે જે તમે કદાચ કોઈને કહેતાં નથી. નિયમ છે કે દુઃખ વહેંચવાથી દુઃખ ઘટે છે. કોઈ વાત હોય તો અમને કહો…પ્લીઝ!’

પદ્મજા મૌન રહી.

દુષ્યંત બોલ્યોઃ ‘તમારું મૌન જ કહે છે કે કાંઈક વાત તો છે.’

મીનળબાએ કહ્યું: ‘હા કહો પદ્મજા. તમારા સુકોમળ ચહેરા પર દુઃખની છાયા છે. કેમ? તમારી આંખમાં બસ આંસુની જ ગેરહાજરી છે પણ આંખો તો રડે છે. અમને તમારાં સ્વજન ગણો.’

પદ્મજા મૌન રહી. એ નીચે જોઈ રહી.

દુષ્યંત બોલ્યોઃ ‘કોઈ વાત ના છુપાવો પ્લીઝ! મારાં બહેને મારા માટે તમને પ્રપોઝલની મૂકી, તે વાત ના ગમી હોય તો પણ કહો. તમારી પર અમારી કોઈ બળજબરી નથી. ત્યાગ, શૌર્ય, ક્ષમા અને બલિદાન અમારા રક્તમાં છે.’

મીનળબાએ કહ્યું: ‘પદ્મજા, આપણે હોટલ મેરિયટમાં મળ્યાં હતાં અને જે વાત મેં કરી હતી તે વાતને બે વર્ષ થયાં, તમે કોઈ જ જવાબ આપ્યો નથી. તમારી ના હોય તો પણ ખુલ્લાદિલે અમને કહો. તમારો ઈન્કાર હોય તો ખુલ્લાદિલે અમને કહો. અમે અત્યંત મેચ્યોર્ડ છીએ. આપણા સંબંધોમાં કોઈ જ ફરક નહીં પડે. તમે બોલો…તમે કાંઈક તો બોલો, પ્લીઝ!’

અને ઊંડો શ્વાસ લઈ પદ્મજા બોલીઃ ‘ના, એવું નથી. તમારા ભાઈ દુષ્યંત જેવા તેજસ્વી, સુંદર અને ખાનદાન યુવાનને કોણ પસંદ ન કરે? અને એ પણ એક રાજવી પરિવારના યુવાનને? મારું તમારા ભાઈ સાથે લગ્ન થશે તો તે મારું અહોભાગ્ય હશે પરંતુ એકવાર હું મારા વતન પીરમગઢ જઈ આવું. મારાં મમ્મી-પપ્પાને વાત કરી લઉં. આઈ એમ અ લવિંગ ડોટર ઓફ માય પેરેન્ટ્સ.’

‘ગ્રેટ!’: મીનળબા બોલી રહ્યાં.

દુષ્યંતના ચહેરા પર થોડીક ખુશીની લકીર છવાઈ. તે પછી મીનળબાએ કહ્યું: ‘તમે આ ઘરમાં મારાં ભાભી થઈને આવો તે માટે બે વર્ષથી અમે રાહ જોઈએ છીએ.’

પદ્મજાએ હળવાશથી પૂછયું: ‘એવું મારામાં શું છે કે તમારા જેવું ઊંચું ને રોયલ ફેમિલી મારી રાહ જુએ છે?’

દુષ્યંત બોલ્યોઃ ‘ઋણાનુબંધ.’

પદ્મજા દુષ્યંતની સામે જોઈ રહી. એણે જોયું તો દુષ્યંતની આંખોમાં અસીમ પ્રેમ હતો. પદ્મજાએ વાતને હળવી કરવા કહ્યું: ‘ચાલો, ભૂખ નથી લાગી?’

‘હા’: મીનળબાએ નોકરચાકરોને હુકમ કર્યોઃ ‘જમવાનું ગોઠવી દો.’

પેલેસની અંદરના વિશાળ ડાઈનિંગ ટેબલ પર ત્રણ જણ ગોઠવાયાં. ભાઈ-બહેન સામે બેઠાં. પદ્મજા એકલી તેમની સામે બેઠી. રાજવી પરિવારની રસોઈની અત્યંત સુંદર મહેક ચારે તરફ ફેલાઈ ગઈ હતી. બીજી અનેક વાતો થઈ. જ્યૂસ આવ્યો. સ્ટાર્ટર આવ્યું. સૂપ આવ્યો. બીજાં અનેક વ્યંજનો આવતાં ગયાં. છેલ્લે આઈસક્રીમ પણ આવ્યો.

ભોજન સમાપ્ત થઈ ગયા બાદ મીનળબાએ કહ્યું: ‘પદ્મજા, તમે અમારી લાઇબ્રેરી જોવાનું પસંદ કરશો?’

‘સ્યોર… લાઇબ્રેરી તો મારી પ્રિય જગ્યા છે.’: પદ્મજા બોલી.

દુષ્યંત અને મીનળબા અંદરના ભાગમાં આવેલી વિશાળ લાઇબ્રેરીમાં પદ્મજાને લઈ ગયાં. પદ્મજા ‘ચન્દ્રનગર પેલેસ’ની લાઇબ્રેરીને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. દુષ્યંત બોલ્યોઃ ‘અહીં ૧૦ હજારથી વધુ પુસ્તકો છે.’

પદ્મજા બોલીઃ ‘ગ્રેટ.’

એ પછી દુષ્યંત લાઇબ્રેરીની એક દીવાલ પાસે પદ્મજાને લઈ ગયો. દીવાલ પૂરા કદનું એક વિશાળ તૈલચિત્ર હતું. મહારાજાના માથા પર ભવ્ય પાઘડી અને હાથમાં તલવાર સાથેના એક ચિત્રને તે જોઈ રહી. દુષ્યંત બોલ્યોઃ ‘આ મારા પિતાના પિતા એટલે કે મારા દાદાશ્રી મહારાજા વિક્રમાદિત્યસિંહજીની તસવીર છે. જેમની સાથે તમારા પિતાના પિતા એટલે કે તમારા દાદાશ્રી દીવાન તરીકે કામ કરતા હતા.’

પદ્મજાને આ વાત બહુ જ ગમી. એણે બે હાથ જોડી મહારાજાની તસવીરને પ્રણામ કર્યાં. થોડીવાર સુધી આંખો બંધ કરીને તે ભવ્ય તૈલચિત્ર સામે તે ઊભી રહી. આંખો ખોલી. પૂરા કદની એ તસવીરમાં દેખાતા મહારાજાના ચરણનો બે હાથથી સ્પર્શ કર્યો અને પોતાની આંખો પર જાણે કે એમના આશીર્વાદ લીધા.

કેટલીકવાર બાદ તેઓ બહાર આવ્યાં. મોડી રાત સુધી તેઓ વાતો કરતાં રહ્યાં.

છેલ્લે પદ્મજા બોલીઃ ‘હવે બહુ મોડું થયું છે. મારે હવે જવું છે. કાલે સાંજની ટ્રેન દ્વારા પીરમગઢ પણ જવું છે. પપ્પાનો ટ્રંકકોલ હતો. એમણે મને બોલાવી છે. કદાચ મારા ભાઈ પ્રસૂનને પણ.’

મીનળબાએ કહ્યું: ‘જરૂર તમે જઈ આવો. તમને યોગ્ય લાગે તો મમ્મી-પપ્પા સાથે વાત પણ કરી લેજો. કોઈ ઉતાવળ કરશો નહીં.’

પદ્મજા બોલીઃ ‘થેંક્સ.’

દુષ્યંત બોલ્યોઃ ‘તમને મારો ડ્રાઈવર હોસ્ટેલ પર મૂકી જશે.’

થેંક્સ વન્સ અગેઈન. હું જાઉં છું.: પદ્મજા બોલી.

પેલેસના વિશાળ પ્રાંગણમાં પાર્ક કરેલી કારમાં બેઠેલી પદ્મજા બોલીઃ ‘હું જાઉં છું.’

દુષ્યંત બોલ્યોઃ ‘અત્યારે ભલે જાવ પરંતુ હું વર્ષો સુધી તમારી રાહ જોવા તૈયાર છું.’

પદ્મજાએ એનો અર્થ સમજી લેતાં બે હાથે એ બેઉને પ્રણામ કર્યાં અને શેવરોલટ કાર પોર્ચની બહાર નેપિયન્સી રોડ પર દોડી રહી.

૦ ૦ ૦

રાતનો સમય હતો.

ટ્રેન સડસડાટ પાટા પર દોડી રહી હતી. મુંબઈ છોડતાં પહેલાં ટ્રેન વારેવારે વ્હીસલ વગાડતી હતી. મુંબઈનાં પરાં વટાવ્યા બાદ ટ્રેન હવે ખુલ્લા અફાટ વિસ્તારમાં દોડવા લાગી. ટ્રેનના ફર્સ્ટક્લાસના કંપાઉન્ડમાં પદ્મજા બારી પાસે બેઠેલી હતી. એ બારીમાંથી દૂર દૂર ટમટમતાં નાનાંનાનાં મકાનોને જોઈ રહી હતી. હવે બહાર અંધારું વધ્યું હતું. ચાર જ બર્થના ફર્સ્ટક્લાસના સ્લીપિંગ કોચમાં પદ્મજાને નીચેનો બર્થ મળ્યો હતો. રાત વધતાં બીજા ત્રણ ઉતારુઓ સૂઈ ગયા. પદ્મજાએ પણ કંપાર્ટમેન્ટની બત્તી બુઝાવી દીધી. એ એક ઓશિકા પર માથું મૂકી આડી પડી. તેને હજુ ઊંઘ આવતી નહોતી. તે વિચારી રહી હતી કે પપ્પાએ મને અચાનક ઘરે કેમ બોલાવી હશે?

એણે વિચાર્યું કે હવે મારે ઘરે જઈને સહુથી પહેલાં મમ્મી-પપ્પાને કહી જ દેવું છે કે હવે હું પરણી જવા માંગું છું. એ મનોમન બોલીઃ ‘ચંદ્રનગરના રાજવી પરિવારના પુત્ર દુષ્યંતની પ્રપોઝલની વાત સાંભળી મમ્મી-પપ્પા ખુશ થશે.’

એણે આંખો બંધ કરી. મનમાં જ એક સ્વપ્ન જોવા લાગી.’વૈશાખ મહિનો છે. મારું હવે લગ્ન લેવાયું છે. લગ્નની તિથિ પહેલાં જ હું પીરમગઢની મારી સખીઓ અનુરાધા, પ્રિયંવદા લીલાવતી, અનુપ્રિયા અને ગાર્ગી એ બધાંને કહી આવીશ કે તમે જ બધાં મને મેંદી મૂકી આપો. લગ્નના દિવસે હું સરસ પાનેતર પહેરીશ. સરસ દાગીના પહેરીશ. સરસ રીતે તૈયાર થઈશ. દુષ્યંત એક રાજકુમારની જેમ વરરાજા બનીને આવશે તેમની સાથે હું સાત ફેરા ફરીશ. સપ્તપદીનો અર્થ મને ખબર છે. પહેલું પગલું તું અન્નને માટે ભરજે. બીજું પગલું તું બળને માટે ભરજે. ત્રીજું પગલું તું સંપત્તિ માટે ભરજે. ચોથું પગલું તું સુખચેન માટે ભરજે. પાંચમું પગલું તું સંતતિ માટે ભરજે. છઠ્ઠું પગલું તું ઋતુઓ માટે ભરજે અને સાતમું પગલું ભરીને તું તારા પતિની મિત્ર બનજે. સપ્તપદીનો આ અર્થ પણ હું દુષ્યંતને સમજાવીશ. એ રાત્રે એ મારા શયનખંડમાં આવશે ત્યારે હું પલંગ પર માથે પાલવ ઓઢીને બેઠેલી હોઈશ. હું તેમને જ કહીશ કે તમે અત્યાર સુધી પદ્મજાને જોઈ હતી પણ અર્ધાંગિનીને જોવી હોય તો હવે તમે જ મારા ચહેરા પરથી પાલવ હટાવો.’

એવી મધુર કલ્પનાઓ કરતાં કરતાં પદ્મજા રેલવેના પાટા પર સંભળાતી ટ્રેનની પછડાટોને ભૂલીને ઊંઘી ગઈ. તે સૂતી હતી ત્યારે પણ તેના ચહેરા પર આજે આનંદ હતો.

૦ ૦ ૦

પૂરા અઢાર કલાકની દડમજલ બાદ ટ્રેન ‘પીરમગઢ રોડ’નામના સ્ટેશને ઊભી રહી ત્યારે સવાર પડી ચૂકી હતી. બેગ લઈ પદ્મજા નીચે ઊતરી. અહીં થોડા જ પેસેન્જર્સ ઊતરતાં પદ્મજા રેલવે સ્ટેશનની બહાર આવી. હવે અહીં કેટલાંક ભાડાનાં વાહનો ઉપલબ્ધ હતાં. એવા જ એક વાહનમાં બેસી તે પીરમગઢ પહોંચી.

હાથમાં બેગ સાથે પદ્મજા ઘરમાં પ્રવેશી. ડ્રોઇંગરૂમમાં મહાશ્વેતા અને વિશ્વંભર ચા પી રહ્યાં હતાં. મહાશ્વેતા બોલ્યાં: ‘તું આવી ગઈ, બેટા?’

‘હા.મમ્મા, તમે કેમ છો? પપ્પા, કેમ છે તમારી તબિયત?’ : પદ્મજા બોલી.

મહાશ્વેતા બોલ્યાં: ‘હું ઠીક છું બેટા, પપ્પાની તબિયત પણ સારી છે. તું કેમ છે?’

પદ્મજા બોલીઃ ‘હું ઠીક છું, મમ્મા.’

મહાશ્વેતા બોલ્યાં: ‘બેટા, તારા ચહેરા પર આજે પહેલી જ વાર ખુશી નિહાળી. શું વાત છે?’

‘મમ્મા, હું પહેલાં સ્નાન કરી લઉં પછી વાતો કરીએ. મારે તમને એક સર્પરાઈઝ આપવી છે.’ : પદ્મજા બોલી.

વિશ્વંભરે પૂછયું: ‘શુ સરપ્રાઈઝ છે, પદ્મજા?’

‘તમે મારી વાત સાંભળશો તો ખુશ થઈ જશો.’

વિશ્વંભર અને મહાશ્વેતા એકબીજા સામે જોઈ રહ્યાં. તેઓ વિચારી રહ્યાં કે પદ્મજા એવી તો શું વાત કરવા માંગે છે કે જેથી આપણે ખુશ થઈ જઈશું.

વિશ્વંભરથી ના રહેવાતાં તેઓ બોલ્યાઃ ‘જલદી કહેને બેટા, અમે ખુશ થઈ જઈએ તેવી શું વાત છે?’

‘પપ્પા થોડી તો રાહ જુઓ?’

વિશ્વંભર બોલ્યાઃ ‘ના… થોડુંક તો કહેતી જા.’

‘ના…મને નાહી લેવા દો…પછી જ કહીશ.’

મહાશ્વેતા બોલ્યાં: ‘બેટા, કાંઈક તો કહે?’ અમારે પણ તને સર્પરાઈઝ આપવાની છે.’

‘કઈ?’

‘પહેલાં તું કહે પછી અમે કહીશું’ : મહાશ્વેતા બોલ્યાં.

પદ્મજા હવે સ્મિત કરી રહી. એણે પિતા સામે જોતાં કહ્યું: ‘પપ્પા, તમારા પિતા એટલે કે મારા દાદાજી ચન્દ્રનગરના રાજવી પરિવારના દીવાન હતાને?’

‘હા…’ વિશ્વંભર બોલ્યા.

પદ્મજા બોલીઃ ‘એ જ રાજવી પરિવારના એક યુવાન – યુવરાજ મને મળ્યા હતા.’

વિશ્વંભર બોલ્યાઃ અરે વાહ, એ તો એક શ્રેષ્ઠ રાજવી પરિવાર છે. કોણ મળ્યું હતું?’

પદ્મજા બોલીઃ ‘મમ્મા, મને ભૂખ લાગી છે.’

બાકીની વાત હું સ્નાન લઈને આવું પછી.

એમ કહી બેગ લઈ પદ્મજા એના શયનખંડમાં જતી રહી.

૦ ૦ ૦

પદ્મજા સ્નાન કરવા ગઈ એ દરમિયાન મહાશ્વેતાએ દીકરી માટે બ્રેકફાસ્ટ તૈયાર કરવા બાઈને સૂચના આપી હતી.

કેટલીક વાર બાદ પદ્મજા નાહીધોઈને તૈયાર થઈ નીચેના દીવાનખંડમાં આવવા પગથિયાં ઊતરી રહી ત્યાં જ તેણે મમ્મી-પપ્પા પાસે પ્રસૂનને બેઠેલો જોયો. એણે પ્રસૂનને જોઈ સ્મિત આપ્યું પણ પ્રસૂને કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.

મહાશ્વેતા બોલ્યાં: ‘બેટા, તારો ભાઈ પ્રસૂન તો બે દિવસથી આવી ગયો છે. હું તને કહેવાનું ભૂલી ગઈ.’

પદ્મજા સામેના સોફા પર મમ્મા-મહાશ્વેતા પાસે બેસતા પ્રસૂન તરફ જોઈ બોલીઃ ‘કેમ છે ભાઈ?’

પ્રસૂન મૌન રહ્યો.

વિશ્વંભર અને મહાશ્વેતા સમજી ગયાં કે પ્રસૂન પદ્મજાને જોઈ ખુશ નહોતો. બ્રેકફાસ્ટ હજુ ટેબલ પર ગોઠવાયો નહોતો. થોડી વાર લાગે તેમ હતી. વાતાવરણને હળવું કરવા પદ્મજા બોલીઃ ‘પપ્પા, પહેલાં તમે કહો કે તમે મને શું સર્પરાઈઝ આપવા માંગતા હતા? ‘ આપણે જોઈએ કે કોની સર્પરાઈઝ મોટી છે?’

વિશ્વંભર બોલ્યાઃ ‘જો બેટા, હવે તારાં મમ્મા અને મારી ઉંમર થવા આવી છે. એકાદ મહિનામાં મને સ્વૈચ્છિક નિવૃત્તિ મળી જશે. મને એક વાર હાર્ટ એટેક આવી ગયો છે. હવે મારા શરીરનો ભરોસો નથી. અમારી ઈચ્છા છે કે મને કાંઈ થઈ જાય તે પહેલાં હું આપણી પ્રોપર્ટીનું વિલ કરી નાંખું. વસિયતનામું મેં તૈયાર કરી જ દીધું છે. પ્રસૂન તને પણ હવે જાણ કરું છું કે મુંબઈમાં કોહીનૂર સ્ટીમ એન્ડ નેવિગેશન કંપનીમાં આપણો મોટો હિસ્સો છે. બેંકમાં મોટું બેલેન્સ છે. આ હવેલી છે. ચન્દ્રનગરમાં પણ આપણી પૂર્વજોની હવેલી છે. આ બધી મિલકત કરોડોની થાય છે. અને મારા માટે તું અને પદ્મજા બેઉ સરખાં છો. મેં મારી મિલકત તમારા બંને જણના નામે કરી દીધી છે. તમારા બંને ભાઈ અને બહેનનો સરખોસરખો હિસ્સો રહેશે.’

પ્રસૂન બોલ્યોઃ ‘બંનેને સરખી સરખી કેમ?’

વિશ્વંભર બોલ્યાઃ ‘કારણ કે તમે બંને મારાં સંતાનો છે.’

બરાબર એ જ ક્ષણે પ્રસૂન મા મહાશ્વેતા સામે જોતાં બોલ્યોઃ ‘મમ્મા, પદ્મજા મારી સગી બહેન છે કે તમે દત્તક લીધેલી છે?’

મહાશ્વેતા, વિશ્વંભર અને પદ્મજા સ્તબ્ધ થઈને પ્રસૂન સામે જોઈ રહ્યાં. જાણે કે હવેલીમાં એક ભૂકંપ સર્જાયો. મહાશ્વેતા વિશ્વંભર સામે જોઈ રહ્યાં અને વિશ્વંભર મહાશ્વેતા સામે. પદ્મજા એ બંનેની સામે જોઈ રહી. હવેલીમાં એક ભયંકર સન્નાટો છવાઈ ગયો.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!