Close

પનિહારીઓ પાલવના છેડાથી લાજ કાઢી ઉભી રહી ગઈ

અન્ય લેખો | Comments Off on પનિહારીઓ પાલવના છેડાથી લાજ કાઢી ઉભી રહી ગઈ

લોહી નિતરતો ઉગશે સુરજ- પ્રકરણ-૨

 

પર્વતોની ફાટમાં ડુંગરી ગામ. ગામના લોકો ડુંગરીની ફાટમાં મેળો માણી રહ્યા હતા. મેળામાં મધુ અને તેની સખી મંગુ પણ ગયાં હતાં. મધુ બંગડીઓ જોઈ રહી હતી. ગામનો એક યુવાન મનસુખો મધુની પાછળ ઊભો રહી તેની મજાક કરતો હતો. એવામાં કેટલાક ડાકુઓ મેળા પર ત્રાટક્યા. મેળો છિન્ન-ભિન્ન થઈ ગયો. ડાકુઓ લૂંટ ચલાવીને ભાગી ગયા.

કેટલીકવાર બાદ દૂર બંદૂકના ધડાકા સંભળાયા. એક અજનબી યુવાન જીપ લઈને આવ્યો. તેમાં ડાકુઓએ લૂંટેલો માલ હતો.

ડુંગરી ગામ તો તળેટીમાં હતું. નજીકની જ ઊંચી ટેકરી પર વૃક્ષોથી લદાયેલ એક સરકારી આરામગૃહ ગામથી અલગ પડી જતું હતું. ગામથી ઝાઝી દૂર નહીં એવી નદી પર બંધ બંધાઈ રહ્યો હતો અને તે કામ સારું ઈજનેરો અને સરકારી અધિકારીઓ આ આરામગૃહમાં અવારનવાર ઊતરતા.

બંધનું કામ હવે પૂરું થવા આવ્યું હતું. એટલે અધિકારીઓની અવરજવર પણ અટકી ગઈ હતી.

અને છતાંયે ઘણા દિવસો બાદ આ યુવાન અધિકારીને આવેલો જોઈ આરામગૃહના ચોકીદાર રામસિંગને પણ આૃર્ય થયું.

જીપને આંબાના એક વૃક્ષ નીચે પાર્ક કરી વિક્રમ નીચે ઊતર્યો. રિવોલ્વરને કેસમાં મૂકી દેતાં એણે બૂમ મારીઃ “રામસિંગ!”

રામસિંગ દોડતો આવ્યો.

નવો અધિકારી. નવો ચહેરો. પહેલી જ મુલાકાત અને છતાંયે પોતાનું નામ એમને ક્યાંથી ખબર? રામસિંગ મૂંઝાયો.

વિક્રમ બોલ્યોઃ “સામાન ઉતારી અંદર મૂકી દ્યો.”

રામસિંગે ઝડપથી સામાન ઉતારી આરામગૃહના એક ઓરડામાં ખડકી દીધો. રામસિંગ આમ તો વૃદ્ધ હતો. પણ બધા જ એને તું કહીને બોલાવતા. છતાં આ અધિકારીએ એને તમે કહીને સંબોધન કર્યું હતું. એ એના માટે બીજું આૃર્ય હતું.

“લ્યો સાહેબ પાણી.” રામસિંગ પ્યાલામાં ઠંડું પાણી લઈ આવ્યો.

વિક્રમે પાણી ગટગટાવી લીધું.

“સાહેબ!”

“હા…બોલો.”

“તમે મારું નામ કેવી રીતે જાણ્યું?”

વિક્રમ હસ્યોઃ “સામાન્ય રીતે ચોકીદારોનાં નામ રામસિંગ હોય છે. એટલે મેં પણ એમ જ કહ્યું અને એ સાચું પણ પડી ગયું!

ખેર! જમવાનો શું બંદોબસ્ત છે?”

“તમે જે કહો તે તૈયાર કરી દઉં સાહેબ…પણ સામાન લેવા મારે નીચે ગામમાં જવું પડશે.”

“તો તો બહુ વાર લાગે નહીં?”

“વાર તો થોડી લાગે જ ને!” રામસિંગે કહ્યું.

વિક્રમે થોડુંક વિચારીને પૂછયું: “રામસિંગ, તમે જમી લીધું?”

“ના…જી…ખાવાનો ટેમ તો હવે થાય છે.”

“તો હું તમારી સાથે જ ખાઈ લઈશ.”

“મ…મ…મ…મારી હારે?” રામસિંગની જીભ થોથવાઈ.

“હા…” વિક્રમે ઠંડા સ્વરે કહ્યું: “થોડું થોડું ખાઈશું…ભૂખ બહુ જ લાગી છે.”

“પણ અમારું ખાવાનું…એ બધું તમને…”

“ભાવશે.” વિક્રમે વાક્ય પૂરું કર્યું.

“તો ખાવાનું ઉપર લઈ આવું?”

“ના…હું તમારી સાથે આવું છું.”

અને થોડીક વારમાં તો જીપ કાચા કાંકરીવાળા રસ્તે ધૂળ ઊડાતી નીચે ઊતરી રહી. મેળો મહાલીને આવી રહેલ મધુ અને મંગુ ખડખડાટ હાસ્ય વેરતી પોતાના ખોરડા તરફ આવી પહોંચી. પોતાના જ ઘર પાસે જીપ ઊભેલી જોઈ એ બંને વિચારમાં પડી ગઈ.

મધુએ મંગુને પકડી લીધીઃ “આયહાય. આ તો પેલા સાહેબની ગાડી.”

મંગુ બોલીઃ “તે…તારા ઘેર કેમ આવ્યા હશે?”

“મારી હારે અંદર આયને, મને તો બીક લાગે છે. “ મધુ બોલી.

અને બેઉ ધીમા પગે બારણા પાસે પહોંચી. ધીમેથી અંદર ડોકિયું કર્યું તો વિક્રમ અને રામસિંગ પિત્તળના તાંસળામાં કઢી અને રોટલાની જાફત ઉડાવી રહ્યા હતા.

મધુ ધીમેથી બબડીઃ “બાપુએ કમાલ છે…આવડા મોટા માણસને તે આમ આપણા ઘરમાં લવાતા હશે?”

અને બેઉ એમની વાતો સાંભળી રહ્યાં.

રામસિંગ બોલ્યોઃ “સાહેબ, ખાવાનું ભાવ્યું?”

“લાવો…થોડીક વધુ કઢી લાવો.” વિક્રમ બોલ્યો.

રામસિંગે હાંડલામાં હતી તે બધી કઢી વિક્રમના તાંસળામાં રેડી દીધી.

આ તરફ મધુને કકડીને ભૂખ લાગી હતી. એણે દાંત કચકચાવ્યા.

વિક્રમ અને રામસિંગે બધું જ સફાચટ કર્યું. લાંબા ઓડકાર ખાતાં હાથ લૂછવા માંડયા. ખિજાયેલી મધુએ બહાર ઊભેલી જીપને જોસથી લાત મારી પણ એના પગને જ વાગ્યું. અંદરથી બેઉને બહાર નીકળતા જોઈ મધુ અને મંગુ દીવાલની પાછળ સંતાઈ ગયાં.

થોડીવારમાં તો જીપ રવાના થઈ ગઈ.

દૂર જતી જીપને જોઈ મધુ ખિજવાઈને અંદર આવી. તાસક અને કઢીનું આખુંયે હાંડલું ખાલી હતું. ખિજાયેલી મધુએ હાંડલું પછાડયું. હાંડલાના ભૂક્કાને વીણતાં એ હસી પડી.

ગામડાંઓની રાત પણ અજનબી હોય છે.

વીજળીની ગેરહાજરીમાં ફાનસનાં રતુંબડાં અજવાળાં ઘણીવાર હૃદયંગમ લાગે છે. સદાય ઝળહળતા પ્રકાશમાં રહેતા માનવી માટે કોઈ દિવસ ફાનસનાં ઝાંખાં અજવાળાં મનભાવન બની રહે છે. તમરાંઓનું લયબદ્ધ સંગીત, દૂર તળેટીમાં ભસતાં કૂતરાં, છેટેથી કોઈવાર પવનની લહેર સાથે આવી જતો એક તારાનો અવાજ અને રામસિંગની અવનવી વાતો-આ બધું વિક્રમને ખૂબ ગમ્યું.

વાતવાતમાં રામસિંગે કહી દીધું: “સાહેબ! ભારે વિચિત્ર ગામ છે હોં. આ પેલી દૂર બત્તીઓ દેખાય છે ને? એ બંધ હમણાં જ તૈયાર થયો છે. ચોમાસા પહેલાં ગામ ખાલી કરાવવા સરકારે ઘણી સમજાવટ કરી છે પણ ગામ ખાલી કરવા કોઈ તૈયાર નથી.”

“કેમ?”

“માયા-ધરતીનો પ્રેમ સાહેબ. અમારા વડવાઓએ આ ગામ વસાવેલું સાહેબ! અમે તો અહીં જન્મ્યા છીએ ને અહીં જ મરીશું પણ ગામ નહીં છોડીએ.”

રામસિંગની વાતો સાંભળી વિક્રમ વિચારમાં પડી ગયો. એને ઊંઘ આવી પણ બહુ મોડી.

સવારે એ જ્યારે ઊઠયો ત્યારે બારીની બહારથી આવતો પક્ષીઓનો કલરવ એને સુમધુર લાગ્યો. ઓરડામાં અજવાળું પથરાઈ ચૂક્યું હતું. વિક્રમને કશોક અવાજ સંભળાયો.

એણે જોયું તો કોઈ છોકરી રૂમમાંથી કચરોવાળી રહી હતી.

વિક્રમ આળસ મરડીને બેઠો થયો. એટલામાં તો છોકરી દોડીને ચાલી ગઈ.

વિક્રમે બૂમ પાડીઃ “રામસિંગ!”

પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં.

એણે ફરી બૂમ મારીઃ “રામસિંગ…”

એટલામાં મધુ હાથમાં લોટો અને દાતણ લઈને આવી.

વિક્રમે એને પૂછયું: “રામસિંગ ક્યાં છે?”

“નીચે ગામમાં.” મધુએ ટૂંકો જવાબ આપ્યો.

“અત્યારના પહોરમાં શું કામ પડી ગયું?”

“તમારા માટે નાસ્તો લેવા.”

“ઓહ…!” વિક્રમે કહ્યું: “ઠીક છે…પણ એ પહેલાં ચા મળશે?”

“જી…” કહીને મધુ ચાલી ગઈ.

વિક્રમે દાતણ કરી લીધું. મોં ધોઈ એ બહાર જ ખખડી ગયેલી એક ખુરશી પર બેઠો.

મધુ થોડી જ વારમાં ચા લઈ આવી.

વિક્રમે ચા પીવા માંડી.

અને એકાએક અટકી ગયો.

એણે બૂમ મારીઃ “મધુ!”

મધુ દોડતી આવીઃ “જી.”

વિક્રમે ચાનો બીજો ઘૂંટ ભર્યો. એ ગંભીર હતો.

મધુને થયું કે ચામાં ખાંડ નાખવાનું ભૂલી તો નથી ગઈ

વિક્રમ બોલ્યોઃ “મધુ, ચા ખરેખર સરસ બની છે.”

અને મધુનો જીવ હેઠો બેઠો.

પણ એણે ધીમેથી પૂછી નાખ્યું: “તમને મારા નામની કેવી રીતે ખબર પડી?”

વિક્રમે કહ્યું: “આટલી મધુર ચા બનાવનારનું નામ ‘મધુ’ જ હોઈ શકે એમ મેં અનુમાન કર્યું અને સાચું પડયું.”

મધુ હળવું સ્મિત કરીને અંદર ચાલી ગઈ. થોડીવારમાં પડીકું લઈને રામસિંગ ઉપર આવતો જણાયો. એના હાથમાં તાજા ગાંઠિયાનું પડીકું હતું. રામસિંગે ટેકરી ચડતાં જ બૂમ મારીઃ “મધુ….બેટા! સાહેબ માટે બીજી ચા બનાવી લાય…”

“એ લાવું છું…” જાણે કે આંબા પરથી કોયલનો ટહુકો સંભળાયો.

સવારે નાહીધોઈને વિક્રમ ચાલતો જ ટેકરી ઊતરી ગયો. બપોરે જમવા આવશે એમ કહી એ ગામમાં લટાર મારવા નીકળી પડયો.

મહુડાનાં વૃક્ષો પરથી રાતના ગરી પડેલાં મહુડાંથી આખોયે રસ્તો મીઠી ફોરમ વેરતો હતો. સવાર સવારના ટેકરી ઊતરતાં એણે નીચે તળેટીના ગામ તરફ નજર ફેંકી. પ્રત્યેક ઘરના નાળિયામાંથી ચળાઈને બહાર નીકળતી ધુમાડીઓ નાનીશી વાદળીઓ રચી રહી હતી. આખાયે ગામ પર ભૂરી ભૂરખીની છાંટ વર્તાતી હતી. રોજ સવારે ગામમાં આવતી એસ.ટી. બસ ઉપરથી રમકડાંની ગાડી જેવી દેખાતી હતી.

વિક્રમ જેવો ગામમાં પ્રવેશ્યો એટલે તમામની નજર એના ઉપર ઠરી. ગઈકાલે મેળાને લૂંટવાના તથા બુકાનીધારી ડાકુઓને માત કરવાના બનાવ બાદ આખા ગામમાં ‘વિક્રમ’ જ ચર્ચાનો વિષય હતો.

જેટલા માણસો એને સામે મળ્યા એ બધા હાથ ઊંચો કરીને, બે હાથ જોડીને કે વંદન કરીને તેનું અભિવાદન કરી રહ્યા. દૂરથી આવતી પનિહારીઓ પણ વિક્રમને આવતો જોઈ પાલવના છેડાથી લાજ કાઢી થંભી ગઈ અને એક બાજુએ ઊભી રહી ગઈ. આ બધાથી વિક્રમને પણ સંકોચ થયો.

અને ગામના તળાવને કિનારે આવેલા મંદિરના ચોરે એ અટકી ગયો. વીસથી પચીસ માણસો અહીં ભેગા થયેલા હતા. ગામના સરપંચ સજ્જનસિંહ, મુખી કોદરલાલ, આગેવાન વેપારી પાનાચંદ અને ગામના ઉતાર જેવો મનસુખો પણ એમાં સામેલ હતા. સહુનાં મોં ગંભીર હતાં. આસપાસના લોકો ધીમો ગણગણાટ કરી રહ્યા હતા. એક માત્ર પૂજારી સેવાદાસજી નિર્લેપ હતા. એમના ચહેરા પર કશીયે અસર નહોતી.

વિક્રમે હળવેથી એક છોકરાને પૂછયું: “શું વાત છે? કેમ આટલા બધા લોકો અત્યારના પહોરમાં ભેગા થયા છે?”

છોકરાએ ધીમેથી કહ્યું: “સાહેબ! ગામને જાસો મળ્યો છે.”

“જાસો! શાનો જાસો?”

છોકરાએ ઉમેર્યું: “ જીતપુરના ડાકુ મલખાને જાસો બાંધ્યો છે. એની દીકરીને આ ગામના એક મોટિયાર હારે પ્રેમમાં પડી ને બેઉ ભાગી ગયાં છે. હવે મલખાન કહે છે એમનો પત્તો આપો નહીંતર આખું ગામ સળગાવી દઈશ.”

“ઓહ!” વિક્રમ હસ્યો.

છોકરાએ ઉમેર્યું: “ગઈકાલે મેળો લૂંટવા આવેલા માણસો પણ જીતપુરના ડાકુ મલખાનના જ માણસો હતા. મલખાન ચંબલની ઘાટીમાંથી ભાગી આવેલો ડાકુ છે.”

એટલામાં સરપંચની નજર વિક્રમ પર પડી અને ઊભા થઈ જતાં એ બોલ્યોઃ “આવો આવો…સાહેબ. હવે એક નવી ઉપાધિ આવી છે.”

વિક્રમને જોતાં જ સહુએ માર્ગ કરી આપ્યો અને સરપંચે એને જાસો વાંચવા આપ્યો. સહુની નજર વિક્રમના પ્રત્યાઘાત જોવા આતુર હતી. (ક્રમશઃ)

Be Sociable, Share!