Close

પ્રકરણ-13: મારું નામ દુષ્યંત છે ને તમે શકુન્તલા જેવાં જ લાગો છો

અન્ય લેખો | Comments Off on પ્રકરણ-13: મારું નામ દુષ્યંત છે ને તમે શકુન્તલા જેવાં જ લાગો છો

પ્રકરણ-૧૩

મુંબઈની એલિફન્સ્ટન કોલેજ.

યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંકળાયેલી આ સૌથી જૂની કોલેજ છે. આ કોલેજે બાલ ગંગાધર ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, બાબા સાહેબ આંબેડકર અને જમશેદજી તાતા જેવી પ્રતિભાઓ આપી છે. બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની પ્રેરણાથી આ કોલેજની વિધિસરની શરૂઆત ૧૮૩૫માં થઈ હતી. ૧૮૭૧માં આ કોલેજ મુંબઈના ભાયખલાની પોતાની ભવ્ય ઈમારતમાં ખસેડાઈ. એ ઈમારતની ડિઝાઈન ૧૯મી સદીના અત્યંત જાણીતા આર્કિટેક્ટ જેમ્સ ટ્રુબશાવેજોએ તૈયાર કરી હતી. હવે એ કોલેજ જહાંગીર આર્ટ ગેલેરીની નવી ઈમારતમાં છે.

આવો ભવ્ય ઇતિહાસ ધરાવતી એલ્ફિન્સ્ટન કોલેજના ઉપક્રમે આજે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એક ભવ્ય ઓડિટોરિયમમાં ઊભા રહેવાની પણ જગા નથી. દરેક સીટ પર સાહિત્યરસિકોની ભીડ જામી છે. એમાંયે આજે સાહિત્યના વિષય પર ગુજરાતીમાં પ્રવચનોનું આયોજન થયું છે. મુંબઈના મેયર દીપ પ્રગટાવે છે. કાર્યક્રમનાં ઉદ્ઘોષિકા જાહેર કરે છેઃ ‘આજના લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પ્રવચન એલ્ફિન્સ્ટન કોલેજનાં છેલ્લા વર્ષના અંગ્રેજી સાહિત્યનાં તેજસ્વી વિર્દ્યાર્થિની મિસ પદ્મજા આપશે. મિસ પદ્મજા, પ્લીઝ સ્ટેજ પર આવો અને સંબોધન કરો.’

પહેલી જ હરોળમાં બેઠેલી પદ્મજા ઊભી થઈ સ્ટેજ પર ગઈ. તે હવે સ્વરૂપવાન યુવતી છે. એણે અત્યંત સુંદર ડ્રેસ પહેરેલો છે. સ્ટેજ પર જઈ સહુને પ્રણામ કરી પોડિયમ પાસે ગઈ. માઈક્રોફોનને સરખો કર્યો. પદ્મજાના શાલીન, સૌમ્ય અને નિર્દોષ વ્યક્તિત્વની ભુરકી શ્રોતાઓ પર છવાઈ જાય છે. એની આંખોમાં લાગણીઓનો ધોધ છે. ચહેરો કોમળ અને કમળની પાંખડીઓ જેવા કમનીય હોઠથી તે એક નમણી અપ્સરા જેવી લાગે છે.

પદ્મજા શરૂ કરે છેઃ ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન! આ કોલેજ આમ તો અંગ્રેજી માધ્યમની કોલેજ છે પરંતુ આજનું સાહિત્ય સંમેલન ગુજરાતીઓ માટે હોઈ હું ગુજરાતીમાં બોલીશ.’

શ્રોતાઓ તાળીઓથી પદ્મજાની વાતને વધાવી લે છે, તે શરૂ કરે છેઃ ‘ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ જેવી ભારતની અનેક ભાષાઓની માતા સંસ્કૃત છે. આ બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી જન્મી છે. આજે હું મારું વક્તવ્ય સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ મહાકવિ કાલિદાસના શ્રેષ્ઠ મહાકાવ્ય ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ વિશે આપીશ. કહેવાયું છે કે મહાકવિ કાલીદાસે ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ સિવાય બીજું કાંઈપણ ન લખ્યું હોત તો પણ તેઓ મહાકવિ કહેવાયા હોત. અભિજ્ઞાન શાકુન્તલમ્ આમ તો એક નાટક છે છતાં તે મહાકાવ્યની શ્રેણીમાં આવે છે. એની કથા કાંઈક આવી છે. પૃથ્વી પર ઋષિ વિશ્વામિત્ર આકરું તપ કરી રહ્યા હતા. તેમના તપથી ગભરાયેલા ઈન્દ્ર રાજાએ વિશ્વામિત્રનો તપોભંગ કરવા સ્વર્ગની સ્વરૂપવાન અપ્સરા મેનકાને પૃથ્વી પર મોકલી. મેનકાએ ઋષિનો તપોભંગ કરાવ્યો. વિશ્વામિત્ર મેનકા પ્રત્યે આકર્ષાયા અને તેમના થકી મેનકાએ એક સ્વરૂપવાન કન્યાને જન્મ આપ્યો, જેનું નામ શકુન્તલા. શકુન્તલા અપ્સરાની પુત્રી હોવાથી તેનું સૌંદર્ય અલૌકિક હતું. શકુન્તલાને જન્મ પછી તેને વનમાં જ મૂકી દઈને અપ્સરા મેનકા સ્વર્ગમાં ચાલી ગઈ. પિતા વિશ્વામિત્ર પણ ભૂલ સમજાતાં તપ કરવા વનમાં ચાલ્યા ગયા. વનમાં એકલી જ પડેલી નાનકડી બાળકીને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા કણ્વ ઋષિ તેને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. કણ્વ ઋષિ જ શકુન્તલાના પાલક પિતા બન્યા.’

શ્રોતાઓ પદ્મજાનું વક્તવ્ય એકચિત્તે સાંભળી રહ્યા હતા.

પદ્મજા આગળ બોલીઃ ‘શકુન્તલા હવે કણ્વ ઋષિના જ આશ્રમમાં રહી મોટી થવા લાગી. તે હવે યુવાન થઈ. એક દિવસ હસ્તિનાપુરના પ્રતિભાસંપન્ન રાજા દુષ્યંત શિકાર કરવા નીકળ્યા. તેઓ એક હરણનો શિકાર કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ કેટલાક તપસ્વીઓએ રાજા દુષ્યંતને અટકાવતાં કહ્યું કે ‘આ કણ્વ ઋષિનો આશ્રમ વિસ્તાર છે, નિર્દોષ પ્રાણીઓના શિકાર માટેનો વિસ્તાર નથી.’ – રાજાએ તેમની વાત માની અને બાણ પાછું ખેંચી લીધું. રાજાની આ શુભ ચેષ્ટાથી તપસ્વીઓએ રાજા દુષ્યંતના ઘેર ચક્રવર્તી રાજા પેદા થશે તેવા આશીર્વાદ આપ્યા. તે પછી તપસ્વીઓના આમંત્રણથી રાજા દુષ્યંત કણ્વ ઋષિના આશ્રમમાં ગયા. રાજાએ એક વૃક્ષ નીચે અલૌકિક સૌંદર્ય ધરાવતી શકુન્તલાને જોઈ. રાજાને શકુન્તલા પ્રત્યે અને શકુન્તલાને રાજા દુષ્યંત પ્રત્યે આકર્ષણ થયું. બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટયા. પ્રથમ દૃષ્ટિએ પ્રેમ. રાજા પરિણીત હોવા છતાં પુત્રવિહીન હતા. માલિની નદીના કાંઠે વહેતા મંદ, શીત અને સુગંધિત પવનના આહ્લાદક વાતાવરણ વચ્ચે બંનેએ ગાંધર્વ લગ્ન કરી લીધાં. એ જમાનામાં આ પ્રકારનાં ગાંધર્વ લગ્ન માન્ય હતાં.’

શ્રોતાઓ સ્તબ્ધ થઈ સાંભળી રહ્યા હતા.

પદ્મજા બોલતી રહીઃ ‘એ પછી રાજા દુષ્યંતે પોતાની આંગળી પરથી રાજમુદ્રા ધરાવતી વીંટી ઉતારીને શકુન્તલાને આપતાં કહ્યું કે, ‘હવે તું ફરી જ્યારે પણ હસ્તિનાપુર આવે ત્યારે આ વીંટી મને બતાવજે. એ દ્વારા હું તને ઓળખી જઈશ.’- એમ કહી રાજા દુષ્યંત ચાલ્યા ગયા. એક દિવસ દુર્વાસા ઋષિ અચાનક કણ્વ ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા. પુષ્પો વીણતી શકુન્તલા એના પતિ રાજા દુષ્યંતની યાદોમાં મગ્ન હતી. તે દુર્વાસા ઋષિનું સ્વાગત કરવાનું ભૂલી ગઈ. દુર્વાસાએ તેને શાપ આપ્યો કે ‘તું જેની યાદમાં મગ્ન છે તે જ તને ભૂલી જશે.’- એમ કહી દુર્વાસા ઋષિ ચાલવા માંડયા. આ શાપ સાંભળી રહેલી શકુન્તલાની સખીઓએ દુર્વાસા ઋષિને વિનંતિ કરી કે શાપ પાછો ખેંચી લો. દુર્વાસા ઋષિએ કહ્યું કે, શાપ તો પાછો ખેંચવો મુશ્કેલ છે પરંતુ રાજાએ શકુન્તલાને આપેલી કોઈ ચીજ તે રાજાને દર્શાવશે તો મારા શાપનો અંત આવશે.’

પદ્મજા શાકુન્તલમ્ની રસપ્રદ કથા આગળ વધારતી રહી : ‘શકુન્તલા હવે સગર્ભા બની. કણ્વ ઋષિને ખબર આપવામાં આવ્યા કે શકુન્તલા રાજા દુષ્યંતથી ગર્ભવતી છે. ઋષિએ શકુન્તલાને પતિગૃહે મોકલવાની તૈયારી કરી. કેટલાક શિષ્યો શકુન્તલાને લઈ રાજા દુષ્યંતના દરબારમાં આવ્યા. દુર્વાસા ઋષિના શાપના કારણે રાજા દુષ્યંત શકુન્તલાને ઓળખી શક્યા નહીં. શકુન્તલાને રાજાએ આપેલી વીંટી યાદ આવી પણ વીંટી આંગળી પરથી ગુમ હતી. શમતીર્થ ઘાટ પર સ્નાન કરતી વખત તે વીંટી સરકી પડી હતી. દુષ્યંતે શકુન્તલાને સ્વીકારવાની ના પાડી પરંતુ તે સગર્ભા હોઈ રાજ્યના પુરોહિતોએ સલાહ આપી કે શકુન્તલાને પુત્ર જન્મે ત્યાં સુધી મહેલમાં અલાયદી રાખવી. રાજા દુષ્યંત સંમત થયા, પરંતુ બન્યું એવું કે રાજ્યના એક પુરોહિત શકુન્તલાને લઈ મહેલ તરફ જતા હતા તે દરમિયાન જ એક અદૃશ્ય જ્યોતિ શકુન્તલાને ઉપાડી ગઈ.’

પદ્મજા બોલતી રહીઃ ‘એ દરમિયાન હસ્તિનાપુરમાં ચોર સમજીને એક માછીમારને પકડવામાં આવ્યો. તે રાજ્યના ઝવેરીબજારમાં રાજાની મુદ્રાવાળી વીંટી વેચવા આવ્યો હતો. રાજ્યના રક્ષકોએ તેને વીંટી સાથે રાજા દુષ્યંત સમક્ષ રજૂ કર્યો. માછીમારે કહ્યું કે ‘મેં ચોરી કરી નથી પરંતુ શમતીર્થના જળમાં મેં એક માછલી પકડી. તેના પેટમાંથી આ વીંટી નીકળી છે.’- વીંટી જોતા જ રાજા દુષ્યંતને શકુન્તલા યાદ આવી ગઈ.

માછીમારને ઈનામ આપી મુક્ત કર્યો.’

શ્રોતાઓ એકચિત્ત થઈ અત્યંત ભાવવાહી શૈલીમાં થતા નિરૂપણને સાંભળી રહ્યા હતા.

પદ્મજા બોલતી રહીઃ ‘આ ઘટનાના કેટલાક સમય બાદ રાજા દુષ્યંત ઋષિ મારિચના આશ્રમ તરફ નીકળ્યા. રસ્તામાં તેમણે એક નાનકડા બાળકને બાળસિંહ સાથે રમતાં જોયો. રાજા વિસ્મય પામ્યા. બાળક બાળસિંહની કેશવાળી પકડીને કહેતો હતો કે ‘ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે.’ – આ દૃશ્ય જોઈ આૃર્યચકિત થઈ ગયેલા રાજા દુષ્યંતે આશ્રમવાસીઓને પૂછયું કે આ કોનો પુત્ર છે? પણ આશ્રમવાસીઓ જાણતા હોવા છતાં મૌન રહ્યા. એક આશ્રમવાસી બોલ્યોઃ ‘સગર્ભા પત્નીનો ત્યાગ કરનારનું કોણ નામ લે?’- રાજાને ખ્યાલ આવી ગયો કે આ તો તેમની જ વાત છે. તેમણે આનંદ અનુભવ્યો. તે પછી રાજાએ બાળકની માતાને બોલાવવા વિનંતિ કરી. શકુન્તલાને બોલાવવામાં આવી. બંનેએ એકબીજાને જોયાં. રાજા દુષ્યંત શકુન્તલાને ઓળખી ગયા. એ વખતે નાના બાળકે માતા શકુન્તલાને પૂછયું કે ‘મા, આ કોણ છે?’- ત્યારે શકુન્તલાએ તેના પુત્રને એ તારા પિતા છે એમ કહેવાના બદલે કહ્યું કે ‘તારાં ભાગ્યને પૂછ, બેટા?’- રાજા દુષ્યંતને શકુન્તલાની આ વેદના સ્પર્શી ગઈ. આશ્રમવાસીઓના કહેવાથી રાજા દુષ્યંત અને શકુન્તલા મારિચ ઋષિ પાસે ગયાં. શકુન્તલાને તેના પતિ રાજા દુષ્યંતની સાથે જવા ઋષિએ સલાહ આપી. એ પછી રાજા દુષ્યંત અને શકુન્તલા ઋષિ મારિચના આશીર્વાદ લઈ તેમના રાજ્ય તરફ જવા રવાના થયાં.’

શ્રોતાઓ મંત્રમુગ્ધ હતા. પદ્મજાએ કહ્યું: ‘હજુ વાત સમાપ્ત થતી નથી. તમે જાણો છો કે એ બાળક કોણ હતો? બાળકનું નામ શકુન્તલાએ તો સર્વદમન પાડયું હતું પરંતુ તેની હથેળીમાં ચક્રવર્તી રાજા થવાનાં લક્ષણો હતાં. એ પુત્ર મોટો થઈ રાજા બન્યો અને ભવિષ્યમાં ‘ચક્રવર્તી રાજા ભરત’ તરીકે ઓળખાયો. એ ચક્રવર્તી રાજા ભરતના નામ પરથી જ આપણા દેશનું નામ ‘ભારત’ પડયું.’

શ્રોતાઓએ આ વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

પદ્મજા બોલતી રહીઃ ‘આ છે મહાકવિ કાલિદાસનું ‘અભિજ્ઞાન શાકુન્તલમ.્’ મહાકવિ કાલિદાસ શૃંગાર રસના કવિ છે. તેમણે આ રસનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મહાકવિ વર્ણન કેવું કરે છે તે સાંભળો. કથામાં શકુન્તલા જ્યારે કણ્વ ઋષિના આશ્રમમાં હતી અને વનલતાઓને જળનું સિંચન કરતી હતી ત્યારે શકુન્તલા પોતાના બદન પર કસીને બાંધેલા વલ્કલ અંગે પોતાની સખીઓ સમક્ષ ફરિયાદ કરે છે. એ ફરિયાદના સંદર્ભમાં તેની સખી તેને કહે છે કે, ‘વૃક્ષઃ સ્થળનો વિકાસ કરનારા તારા યૌવનને ઠપકો આપ’- આવા સંવાદો શૃંગાર રસનું નિરૂપણ કરે છે અને છતાંયે કાલિદાસ ક્યાંય પણ મર્યાદાનો લોપ કરતા નથી. શકુન્તલાને એક સ્ત્રી, નિયમધારિણી, દુઃખશીલા, સહિષ્ણુ, એકાગ્ર, તપપરાયણ અને આદર્શ પત્ની તરીકે જ વર્ણવી છે. એમ કહેવાય છે કે ‘અભિજ્ઞાન શાકુન્તલમ’નું લેટિન ભાષાંતર વાંચ્યા પછી જર્મન કવિ ગટે ‘શાકુન્તલમ’ને માથે મૂકી નાચ્યા હતા. આવા હતા મહાકવિ કાલિદાસ.’

પદ્મજાએ વક્તવ્યનું સમાપન કર્યું અને ઓડિયન્સ આખું ઊભું થઈ ગયું. પદ્મજાના પ્રવચનને હજારો તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું. તે ધીમેધીમે મંચ પરથી નીચે આવી. અનેક શ્રોતાઓ તેનું અભિવાદન કરી રહ્યા. તે નીચે ઊતરતી હતી ત્યારે કેટલાકને લાગ્યું કે મહાકવિ કાલિદાસે વર્ણવેલી અને અપ્સરા મેનકાની પુત્રી સાક્ષાત્ શકુન્તલા જ પગથિયાં ઊતરી રહી છે.

૦ ૦ ૦

ઓડિટોરિયમની બહાર નીકળતાં પદ્મજાને ખૂબ વાર લાગી. સખીઓએ તેને ઘેરી લીધી. એની એક સખીએ કહ્યું: ‘આપણા દેશનું નામ ‘ભારત’ કેમ પડયું. એ વાતની ખબર મને પહેલી જ વાર પડી.’

આજની પ્રથમ સભા પૂરી થઈ હતી. બીજા વક્તવ્યની વચ્ચે એક નાનકડો અંતરાલ રાખવામાં આવ્યો હતો. ઓડિટોરિયમની બહાર લોબીમાં ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પદ્મજાના હાથમાં માત્ર પાણીનો ગ્લાસ હતો. એ દરમિયાન તેની જ વયનો એક તેજસ્વી, દેખાવડો યુવાન તેની પાસે આવ્યો અને બોલ્યોઃ ‘મિસ પદ્મજા, હું તમારી સાથે થોડી વાત કરી શકું?’

‘સ્યોર…’

યુવાને પોતાની ઓળખ આપતાં કહ્યુઃ ‘હું મીઠીબાઈ કોલેજનો વિદ્યાર્થી છું. મારું નામ પણ દુષ્યંત છે.’

પદ્મજા બોલીઃ ‘પણ હું અપ્સરા મેનકાની પુત્રી શકુન્તલા નથી.’

દુષ્યંત બોલ્યોઃ ‘આઈ નો ધેટ…પણ તમે શકુન્તલા જેવાં જ લાગો છો.’

‘તમે મારી મજાક કરી રહ્યાં છો કે પ્રશંસા, મિ. દુષ્યંત?’

‘હું તમારી પ્રશંસા કરી રહ્યો છું.’

‘કારણ?’

દુષ્યંત બોલ્યો : ‘યુ સ્પીક વેલ. યુ લુક વેલ.’

‘થેંક્સ.’

દુષ્યંત ફરી બોલ્યોઃ ‘એક સગર્ભા પત્નીને ન સ્વીકારવી તે શું રાજા દુષ્યંતનો યોગ્ય નિર્ણય હતો?’

પદ્મજા બોલીઃ ‘કારણ કે શકુન્તલાને દુર્વાસા મુનિનો શાપ હતો.’

‘તમે શાપમાં માનો છો?’

‘ના.’

‘તો દુર્વાસાના શાપનો હવાલો આપી કેમ એ વાતનો બચાવ કરો છો?’

પદ્મજા બોલીઃ ‘કારણ કે એ વખતે દુર્વાસા જેવા ઋષિઓ હતા અને દુષ્યંત જેવા ઉત્તમ રાજાઓ હતા. એ અલગ કાળ હતો. આજે કળિયુગ છે.’

‘આ કયા સમયની કથા છે?’

પદ્મજા બોલી : ‘મહાભારતના સમયની. આજથી ૫૦૦૦ વર્ષ પહેલાંની. મહાકવિ કાલિદાસે રચેલી આ મૂળ કથા મહાભારતના આદ્ય પર્વના અધ્યાય ૬૨ અને ૬૪માં કહેવાઈ છે.’

‘ઓહ, તમે સંસ્કૃત સાહિત્યનાં સ્ટુડન્ટ છો?’

‘ના. હું અંગ્રેજી સાહિત્યની વિર્દ્યાર્થિની છું.’

‘ક્યાં રહો છો?’

‘લેડિઝ હોસ્ટેલમાં.’

‘તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે?’

‘હું મહાશ્વેતા અને પંડિત વિશ્વંભરની પુત્રી છું. મારે એક ભાઈ છે ‘પ્રસૂન’. તે હવે કોલેજમાં આવશે. પણ તમે આ બધું કેમ પૂછો છો?’

દુષ્યંત બોલ્યોઃ’બસ, એમ જ. ડોન્ટ ટેક ઈટ અધરવાઈઝ મિસ પદ્મજા, વાતને બીજી રીતે ન લેશો. હું તમારા જ્ઞાનથી પ્રભાવિત છું. ફરી ક્યારેક મળીશું તો આનંદ થશે.’

પદ્મજા કોઈ જવાબ આપે તે પહેલાં તેની એક સખી દોડતી આવી. તેના હાથમાં રહેલા એક બંધ કવરમાં તાર હતો. તેણે પદ્મજાના હાથમાં પરબીડિયું મૂકતાં કહ્યું : ‘તારા માટે હોસ્ટેલ પર એક ટેલિગ્રામ આવ્યો છે. તાર હોઈ તને આપવા માટે દોડતી દોડતી હું અહીં આવી.’

પદ્મજાએ કવર ખોલ્યું. અંદરનો કાગળ ખોલી એણે તાર વાંચવા માંડયો. ટેલિગ્રામમાં એટલું જ લખ્યું હતું: ‘COME SOON…- લિ. મમ્મા.’

સખીએ પૂછયું: ‘કોનો તાર છે?’

‘મમ્મીનો… કોઈક મોટો પ્રોબ્લેમ લાગે છે. મને તાત્કાલિક પીરમગઢ બોલાવી છે.’

બધાંએ જોયું તો જે પદ્મજા શાકુન્તલમ્નું વર્ણન કરતાં ખીલી ઊઠી હતી તે અત્યારે ચિંતાનાં વાદળોથી ઘેરાઈ ગઈ હતી. પદ્મજા વિચારવા લાગી કે અચાનક પીરમગઢમાં શું બન્યું હશે? મમ્માએ મને અચાનક કેમ બોલાવી હશે? પ્રસૂનને તો કાંઈ થઈ ગયું નહીં હોયને?

(ક્રમશઃ)

Be Sociable, Share!