Close

પ્રકરણ-2 : મારી દીકરી અત્યંત રૂપાળી છે, એને સમજાવો કે તે હવે લગ્ન કરી લે

અન્ય લેખો | Comments Off on પ્રકરણ-2 : મારી દીકરી અત્યંત રૂપાળી છે, એને સમજાવો કે તે હવે લગ્ન કરી લે

પદ્મજા -પ્રકરણ -૨

૦૦૦૦૦૦૦૦૦૦

પ્રકરણ-૨

રાતના સમયે દરિયાકાંઠાના રેસ્ટહાઉસમાં ઈઝી ચેર પર બેઠેલા વિશ્વંભરની સામે મહાશ્વેતા ઊભી હતી. હજુ આજે તો પહેલો જ દિવસ અને આ અજનબી જગામાં પહેલી જ રાત હતી. રેસ્ટહાઉસના નોકરે તો કહી જ દીધું કે અહીં કોઈ રસોઈયો નથી. મહાશ્વેતાના હાથમાં કપડાથી ઢાંકેલી થાળી જોઈને વિશ્વંભરે પૂછયું: ‘આ થાળીમાં શું છે?’

‘તમારા માટે ભોજન’: મહાશ્વેતા એટલું જ બોલી.

‘પણ તમે કેમ લઈને આવ્યાં?’

મહાશ્વેતાએ એ પ્રશ્નનો જવાબ આપવાના બદલે રામસિંહને કહ્યું: ‘રામસિંહ, આ થાળી અંદરના રૂમમાં લઈ જાવ. ટેબલ પર મૂકી દો?’

વિશ્વંભરે પૂછયું: ‘પણ તમે મારા માટે કેમ જમવાનું લઈ આવ્યાં? હજુ આપણો તો કોઈ પરિચય જ નથી.’

રામસિંહ મહાશ્વેતાના હાથમાંથી ભોજનની થાળી લઈને અંદરના રૂમમાં ગયો. વિશ્વંભરે ફરી મહાશ્વેતાને પૂછયું: ‘તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં…તમે અને હું હજુ એકબીજાને ઓળખતાં જ નથી.’

મહાશ્વેતા બોલીઃ ‘પણ હું પેલા ટાપુ પર આવેલા લાઈટહાઉસને ઓળખું છું.’

‘એટલે?’

‘રાત થઈ ગઈ છે. હું જાઉં છું.’ : એટલું કહી મહાશ્વેતા જે રસ્તે આવી હતી તે રસ્તે જ પાછી જતી રહી. તે અંધારામાં અદૃશ્ય થઈ ત્યાં સુધી વિશ્વંભર તેને જોઈ રહ્યો.

રામસિંહે અંદરના ડાઈનિંગ રૂમમાંથી બૂમ મારીઃ ‘સાહેબ, જમી લો. ઠંડું થઈ જશે’ વિશ્વંભર ઊભો થયો. રેસ્ટહાઉસના ડાઈનિંગ હોલમાં પણ ઝાંખું અજવાળું વેરતો કેરોસીનનો લેમ્પ સળગતો હતો. દીવાલો પર વર્ષો પહેલાં વિખ્યાત તસવીરકાર સુલેમાન પટેલે લીધેલી ગીરનાં જંગલોમાં એક સાથે પાણી પીતા અનેક સિંહોની તસવીર ટીંગાડેલી હતી. જમતાં જમતાં વિશ્વંભરે રામસિંહને પૂછયું: ‘રામસિંહ, આ મહાશ્વેતા છે કોણ?’

રામસિંહે ગ્લાસમાં પાણી રેડતાં કહ્યું: ‘આ બહેન એમનાં મા સાથે રહે છે. બસ, મા-દીકરી એકલાં જ છે.’

‘એમના ઘરમાં બીજું કોઈ નથી?’

‘ના.’

‘ઓહ!’: બોલતાં વિશ્વંભરે પૂછયું: ‘મહાશ્વેતા બોલ્યાં હતાં કે તેઓ મને નહીં પણ આ લાઈટહાઉસને જાણે છે….એનો શું અર્થ?’

‘સાહેબ, અત્યારે તમે જમી લો. કાલે તેમના ઘેર જઈ એમને જ પૂછી લેજો.’

રામસિંહ તરફથી સંતોષજનક જવાબ ન મળતા વિશ્વંભરે ચૂપચાપ જમી લીધું. જમી લીધા બાદ તે ઉપરના માળે આવેલા એક બેડરૂમમાં ગયો. પથારી તો સ્વચ્છ હતી. કપડાં બદલી એણે બેડરૂમની બારી બંધ કરી અને બેડરૂમને અડીને આવેલી બાલ્કનીમાં ગયો. આકાશ સ્વચ્છ હતું. તારલિયાઓનો દરબાર ભરાયેલો હતો પણ દરિયો હવે વધુ ઘૂઘવતો હતો.

સવાર પડી.

વિશ્વંભર નહાઈધોઈને સહુથી પહેલાં પીરમગઢ ગામમાં ગયો. એ એક પછી એક મકાનો નિહાળતો ગયો. એક આગવા પ્રકારની ભાત ધરાવતાં મકાનોને તે જોઈ રહ્યો. દરેક ઘરની આગળ ખૂંભી હતી. દરેક બારણાને એક આગવી કોતરણી હતી. લગભગ દરેક ઘરની આગળ એક ડેલી હતી. અંદર પક્ષીઓને ચણવા માટેના ચબૂતરા પણ હતા. અહીંના લોકો પ્રણાલિકાગત જીવન જીવતા હોય તેમ તેને લાગ્યું.

આગળ વધતાં વધતાં રસ્તામાં કોઈ રાહદારીને પૂછયું: ‘મહાશ્વેતાનું ઘર ક્યાં છે?’

રાહદારીએ ઈશારો કરી છેવાડાનું ઘર બતાવ્યું. વિશ્વંભર એ તરફ આગળ વધ્યો. એણે જોયું તો મહાશ્વેતાનું ઘર ઘર નહીં પરંતુ એક ભવ્ય હવેલી જેવું હતુ. ડેલીની બહાર તોતીંગ દરવાજા હતા. દરવાજો ખોલી તે અંદર પ્રવેશ્યો. એ વિશાળ હવેલીને જોઈ તે આશ્ચર્યમાં પડી ગયો.ડેલીબંધ મકાનની આગળ એક પરસાળ હતી. એણે અંદરના મકાનનો દરવાજો ખટખટાવ્યો. થોડી જ વારમાં મહાશ્વેતા બહાર આવી. એ બોલીઃ ‘તમે?’

‘હા…હું તમને અને તમારાં મમ્મીને મળવા આવ્યો છું.’: વિશ્વંભર બોલ્યો.

‘ઓહ!’ : આશ્ચર્યના ઉદ્ગાર સાથે મહાશ્વેતાએ સ્મિત આપ્યું. વિશ્વંભરને લાગ્યું કે તે અસાધારણ સ્વરૂપવાન છે. એના ચહેરા પર ન સમજાય તેવું આગવું તેજ છે. એની આંખો કમળની પાંખડીઓ જેવી છે. હોઠ કમનીય છે. પાણી પીવે તોયે દેખાય તેવું પારદર્શક ગળું છે અને આ બધું હોવા છતાં તેના ચહેરા પર સૌમ્ય ભાવ છે. તે એકીટસે મહાશ્વેતાને જોઈ રહ્યો.

મહાશ્વેતાએ સહેજ હસીને પૂછયું: ‘શું જોઈ રહ્યા છો?’

‘તમને’: વિશ્વંભરે મનમાં જે હતું તે જ કહી દીધું.

‘મારામાં એવું શું છે?’

‘હું ગઈકાલથી એ જ શોધવા પ્રયત્ન કરી રહ્યો છું. હજુ તો એક જ દિવસનો પરિચય છે પરંતુ મને લાગે છે કે હું વર્ષોથી તમને ઓળખું છું.’

‘કેમ એમ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘કોઈપણ જાતના પરિચય કે સંબંધ વગર ગઈકાલે તમે મારા માટે જમવાની થાળી લઈને આવ્યાં.’

મહાશ્વેતા બોલીઃ ‘એ તો માનવતાનું કાર્ય છે. મને ખબર છે કે સરકારી રેસ્ટહાઉસમાં રસોઈયો જ નથી. તમે અમારા નાનકડા નગરના મહેમાન છો.’

‘કેટલા દિવસ?’

મહાશ્વેતા એ પ્રશ્નનો જવાબ ટાળતા બોલીઃ ‘બહાર જ ઊભા રહેશો કે અંદર પણ આવશો? મારાં મમ્મીને મળવું નથી?’

‘એટલા માટે તો હું આવ્યો છું.’

‘તો ચાલો અંદર’: કહેતા મહાશ્વેતા વિશ્વંભરને અંદર લઈ ગઈ.

વિશ્વંભરે જોયું તો અંદરનો દીવાનખંડ ભવ્ય અને વિશાળ હતો. પૌરાણિક ઢબની કોતરણીવાળા મખમલી સોફા હતા. છત પર ઝુમ્મર લટકતું હતું. દીવાલ પર પ્રાકૃતિક સૌંદર્યથી છલકતી વનરાજીની તસવીરો ટીંગાડેલી હતી. એક ખૂણામાં પિયાનો પણ હતો. પિયાનો જોઈને વિશ્વંભરે પૂછયું: ‘આ પિયાનો કોણ વગાડે છે?’

મહાશ્વેતા બોલીઃ ‘મારા પિતા પિયાનો વગાડતા હતા.’

‘તેઓ અત્યારે…?’

મહાશ્વેતાએ ગંભીર સ્વરે કહ્યું: ‘તેઓ હવે હયાત નથી.’

‘ઓહ! એ સાંભળીને દુઃખ થયું.’

મહાશ્વેતા વિશ્વંભરને અંદરના બેડરૂમમાં લઈ ગઈ. બેડરૂમની બારી ખુલ્લી હતી. બેડરૂમ પણ વિશાળ હતો. સીસમના લાકડાનો એક ભવ્ય ઢોલિયો ઢાળેલો હતો. તેના ગાદલા પર સફેદ ચાદર બીછાવેલી હતી. તેમાં મહાશ્વેતાનાં માતા સૂતેલાં હતાં. મહાશ્વેતા બોલીઃ ‘આ છે મારાં મમ્મી મંદાકિની.’

વિશ્વંભરે બે હાથે પ્રણામ કર્યાં.

મહાશ્વેતાએ તેનાં માતાને કહ્યું: ‘અને આ છે વિશ્વંભર.’

મહાશ્વેતાનાં માતા અત્યંત વૃદ્ધ હતાં. તેઓ સહેજ બેઠાં થયાં અને પછી પલંગની પાછળની દીવાલે મૂકેલા તકિયાના સહારે બેસતાં બોલ્યાં: ‘આવો…બેસો…’

વિશ્વંભરે પલંગની બાજુમાં મૂકેલી કલાત્મક ખુરશીમાં સ્થાન લેતાં પૂછયું: ‘તમારાં દીકરી મહાશ્વેતા ખૂબ જ સારાં છે. કાલે જ હું અહીં આવ્યો. આખા ગામમાં હું માત્ર તેમને જ ઓળખું છું. એમના પરિચય પછી મને હવે જાણે કે આ આખાયે નગરનો પરિચય થઈ ગયો હોય તેમ લાગે છે.’

મંદાકિની ધીમા સ્વરે બોલ્યાં: ‘મારી દીકરી ડાહી છે. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલી છે. પણ હવે તે અહીં મારી સાથે જ રહે છે, મારી સેવા કરવા.’

‘એ તો સારી વાત છે.’

મંદાકિની બોલ્યાં: ‘અહીં પીરમગઢમાં અમારી ખૂબ પ્રોપર્ટી છે. મારા પિતા અંગ્રેજોના સમયમાં ‘રાય સાહેબ’નો ઈલકાબ ધરાવતા હતા. મુંબઈની ‘કોહીનૂર સ્ટીમ એન્ડ નેવિગેશન્સ કંપની’માં અમારો મોટો હિસ્સો છે. મુંબઈમાં મલબાર હીલ્સ પર વિશાળ બંગલો છે પણ ત્યાં મને નથી ફાવતું તેથી હું અહીં જ રહું છું. અને મારી દીકરી મહાશ્વેતાએ પણ તેનું જીવન મને સર્મિપત કરી દીધું છે.’

મહાશ્વેતાનાં મમ્મીએ કહેલી બધી જ વાતો વિશ્વંભર સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. એને હવે પહેલી જ વાર ખ્યાલ આવ્યો કે રાત્રે થાળીમાં પીરસેલું ભોજન લઈને આવનાર મહાશ્વેતા એક કરોડોપતિ રઈશ પરિવારની પુત્રી પણ છે.

મંદાકિનીએ ફરી શરૂ કર્યું: ‘અને સાંભળો…!’

માતાને રોકતાં મહાશ્વેતા બોલીઃ ‘બસ મા હવે બંધ કરો. આપણે શું છીએ તે બધું તમે આમને કેમ કહો છો?’

વિશ્વંભર પણ એ જ વાત વિચારતો હતો કે મહાશ્વેતાનાં માતા આ બધું વર્ણન કેમ કરે છે?

અને તરત જ મંદાકિની બોલ્યાં: ‘જુઓ વિશ્વંભર! આ બધી વાત મેં એટલા માટે તમને કહી કે તમે મને એક સજ્જન વ્યક્તિ લાગ્યા. તમે રૂપાળા પણ છો અને ખાનદાન પણ લાગો છો. તમે અને મારી મહાશ્વેતા એક જ ઉંમરનાં છો. મારી દીકરી અત્યંત રૂપાળી છે. તમે જ એને સમજાવી દો કે એ હવે લગ્ન કરી લે. એને અનેક પરિવારોમાંથી માગાં આવ્યાં પણ એ માનતી જ નથી.’

‘કેમ?’: વિશ્વંભરે પૂછયું.

મંદાકિની બોલ્યાં: ‘એ કહે છે કે હું લગ્ન કરીશ એટલે પતિના ઘેર જતી રહીશ. એના ગયા પછી મારી સંભાળ કોણ લેશે એની એને ચિંતા છે.’

મહાશ્વેતા હસીને બોલીઃ ‘મારી માની વાત તો સાચી જ છે…બોલો વિશ્વંભર, હવે તમે જ કહો. મને મારી માથી વધુ પ્રિય બીજું કોઈ નથી.’

વિશ્વંભર બોલ્યોઃ ‘મા-દીકરીના પ્રેમની વચ્ચે હું કંઈ સલાહ આપી શકું નહીં.’

મંદાકિની ફરી બોલ્યાં: ‘મારી દીકરી માત્ર સુંદર જ નથી પરંતુ ઉચ્ચ ચારિત્ર્ય પણ ધરાવે છે. પહેલી જ વાર આ ઘરમાં કોઈ પુરુષને લઈને આવી હોય તો તે તમે છો. મને મારી દીકરી પર ભરોસો છે. મારી પુત્રી જેની પર શ્રદ્ધા મૂકે તે સજ્જન જ હોય. હવે તમે જ એને સમજાવો કે મારી ઉંમર થઈ ગઈ છે, હું મરી જાઉં તે પહેલાં તે લગ્ન કરી લે.’

મહાશ્વેતા બોલીઃ ‘હું લગ્ન કરીશ મા. તમે ચિંતા ન કરો. એનો સમય આવવા દો. એવું નથી કે મારે લગ્ન નથી કરવાં. મારે પણ પરણવું છે. મારે પણ તમારા જેવી માતા બનવું છે, પણ એનો સમય આવવા દો. મને સમજે એવું યોગ્ય પાત્ર મળવા દો. મા, હું તમને પ્રોમિસ કરું છું કે હું તમારી હયાતીમાં જ લગ્ન કરીશ…બસ!’

અને મહાશ્વેતાનાં મમ્મીના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું. હવે તેઓ વિશ્વંભર તરફ એકીટસે જોઈ રહ્યાં. એ નજરમાં જાણે કે તેમની વિશ્વંભર પાસેથી કોઈ અભિલાષા હતી, કોઈ ઈચ્છા હતી, કોઈ અપેક્ષા હતી. મંદાકિની વિશ્વંભરને પોતાની પુત્રી માટે આ યુવક કેટલો યોગ્ય છે તે દૃષ્ટિએ નિહાળી રહ્યાં હોય તેવું વિશ્વંભરને પણ લાગ્યું અને મહાશ્વેતાને પણ. મહાશ્વેતા પણ અપલક થઈ વિશ્વંભરને તાકી રહી. વિશ્વંભર મૂંઝવણમાં હતો. છતાં તે પણ મહાશ્વેતાને જોઈ રહ્યો. મંદાકિની પણ આ દૃશ્ય નિહાળી રહ્યાં. કેટલીક વાર સુધી મૌન પથરાયું. હા, એક વાત સાચી કે મંદાકિનીને મનથી પોતાની પુત્રી માટે વિશ્વંભર પસંદ પડી ગયો હોય તેમ લાગ્યું પણ તેઓ હજુ પુત્રીની અંદરની ઇચ્છાને પૂરી રીતે પામી શક્યાં નહોતાં.

એ મૌન તોડતાં મંદાકિનીએ પૂછયું: ‘વિશ્વંભર, તમે લગ્ન કરેલાં છે?’

‘ના.’

‘કેમ?’

‘હવે કરી લઈશ.’

‘ક્યારે?’

અને વિશ્વંભર મૌન થઈ નીચે જોઈ રહ્યો. મહાશ્વેતા પણ નીચે જોઈ રહી. ફરી મૌન તોડતાં મંદાકિની બોલ્યાં: ‘વિશ્વંભર, તમે શું કરો છો?’

વિશ્વંભરે કહ્યુઃ ‘હું નેવીમાં હતો. એક યુદ્ધ દરમિયાન મને પગમાં ગોળી વાગી. ગોળી તો બહાર કાઢી લીધી. ચાલવામાં કોઈ તકલીફ નથી પરંતુ નેવીના નિયમ પ્રમાણે હું નેવલ ઓફિસર તરીકે ડયૂટી બજાવી શકું નહીં…તેથી સરકારે મારી નિમણૂક અહીંના લાઈટહાઉસના કીપર તરીકે ઔકરી છે.’

મંદાકિનીએ ચોંકી જતાં પૂછયું: ‘ઓહ! અહીંના લાઈટહાઉસના ઓફિસર તરીકે તમે આવ્યા છો?’

‘હા.’

અને મંદાકિનીના ભાવ બદલાયા. એણે આંખો બંધ કરી દીધી. મહાશ્વેતા એની માને જોઈ રહી. વિશ્વંભરે જોયું કે લાઈટહાઉસની વાત આવતાં જ મહાશ્વેતાનાં મા મૌન થઈ ગયાં. એ પછી તેઓ એક શબ્દ પણ બોલ્યાં નહીં. વાતાવરણની ગંભીરતા દૂર કરવા મહાશ્વેતા બોલીઃ ‘મા, હવે તમે આરામ કરો. અમે બહાર બેસીએ છીએ.’

અને મહાશ્વેતા, તેની માને સુવરાવી વિશ્વંભર સાથે બહારના ડ્રોઇંગરૂમમાં આવી. બંને સોફા પર બેઠાં. વાતાવરણ બોઝલ હતું.

લાઈટહાઉસની વાત આવતાં જ મંદાકિનીના ભાવ કેમ બદલાઈ ગયા તે વાત તે સમજી શક્યો નહીં. વિશ્વંભરના ચહેરાને સમજી જતાં મહાશ્વેતા બોલીઃ ‘તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું.’

અને તે કિચનની અંદર ગઈ.

થોડીવારમાં ચા આવી ગઈ. વિશ્વંભરે ચાનો કપ હાથમાં લીધો. છેવટે એણે પૂછી જ નાંખ્યું:’હું લાઈટહાઉસના કીપર તરીકે આવ્યો છું એ જાણીને તમે બધા ચોંકી કેમ ગયા?’

મહાશ્વેતા બોલીઃ ‘તમે લાઈટહાઉસના કીપર તરીકે કામ ન કરો તો સારું. એને બંધ જ રહેવા દો.’

‘પણ કેમ?’

મહાશ્વેતા બોલીઃ ‘બધા જ પ્રશ્નોના જવાબ હોતા નથી. છતાં કહીશ કોઈવાર. તમે ચા પી લો.’

વિશ્વંભર માટે પીરમગઢનું લાઈટહાઉસ એક રહસ્ય બનતું જતું હતું. એ મહાશ્વેતાને, તેની માતાને અને લાઈટહાઉસ સાથેના સંબંધને સમજવા મથામણ કરી રહ્યો.

(ક્રમશઃ)

Be Sociable, Share!