Close

પ્રકરણ-8: આપણી દીકરી પદ્મજાને હું દ્રૌપદી જેવી શક્તિશાળી નારી બનાવીશ

અન્ય લેખો | Comments Off on પ્રકરણ-8: આપણી દીકરી પદ્મજાને હું દ્રૌપદી જેવી શક્તિશાળી નારી બનાવીશ

પ્રકરણ-૮

મહાશ્વેતાને સારા દિવસો જાય છે તે જાણી વિશ્વંભર ખુશ હતો. રાત્રિના સમયે તે લાઈટહાઉસના ટાવર પર જતો. ફરજ બજાવતો પરંતુ તેનું મન મહાશ્વેતામાં જ રહેતું. એ સમયગાળો ૧૯૫૦ પછીના વર્ષનો હોઈ અહીં ટેલિફોન અને વીજળી હજુ આવ્યાં નહોતાં. લાઈટહાઉસની જ્યોત પણ પેટ્રોમેક્સના સળગતાં મેન્થોલથી પ્રગટાવાતી. આજે પણ સવાર થતાં જ વિશ્વંભર લાઈટહાઉસનું ટાવર ઊતરી ગયો અને સીધો ઘેર પહોંચ્યો.

મહાશ્વેતા એનો ઈંતજાર જ કરતી હતી. આજે પણ રોજની જેમ મહાશ્વેતાએ ચા બનાવી વિશ્વંભરને આપી. વિશ્વંભરે પૂછયું: ‘મહાશ્વેતા, રાત્રે તું એકલી ઘેર હોય ત્યારે શું કરે છે?’

‘સવારે તમે જલદી ઘેર આવો તેની રાહ જોઉં છું. પણ તમે રાત્રે એકલા એકલા લાઈટહાઉસમાં સમય કેવી રીતે પસાર કરો છો?’

‘તને યાદ કરું છું.’

‘સાચ્ચે જ.’

‘હા…’: વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, આજે બજારમાંથી હું તારા માટે ફળફળાદિ લઈ આવું.’

‘કેમ?’

‘હવે તારે બે જીવો માટે ખાવાનું છે.’

‘બીજું?’

‘થોડા દિવસ પછી તારે ખુલ્લાં વસ્ત્રો પહેરવાનાં.’

‘પછી?’

‘તારે હવે બહુ પરિશ્રમ કરવાનો નથી.’

‘તો કામ કોણ કરશે?’

‘તું કહે તો એક નોકરાણી રાખી લઈએ.’

‘ના…હમણાં નહીં. છેલ્લા મહિનાઓ વખતે વિચારીશું.’

‘જેવી તારી મરજી.’

કહી વિશ્વંભર અંદરના શયનખંડ સાથે જોડાયેલા બાથરૂમમાં નાહવા ગયો. સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે ધોયેલાં વસ્ત્રો સાથે મહાશ્વેતા બાથરૂમની બહાર જ ઊભી હતી. વિશ્વંભરે વસ્ત્રો બદલ્યાં.

મહાશ્વેતા બોલીઃ ‘તમારે હવે બહાર જવાનું નથી.’

‘કેમ?’

‘થોડીવાર તો મારી સાથે પસાર કરો…એકાંતમાં. મારી સાથે વાતો કરોને!’

અને એમ કહેતાં મહાશ્વેતા ઢોલિયામાં આડી પડી. વિશ્વંભર પણ તેની બાજુમાં સૂઈ ગયો. મહાશ્વેતાએ તેનું માથું વિશ્વંભરની છાતી પર મૂકી દીધું. થોડીવાર બાદ વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, તને આપણી આવનાર દીકરી કોના જેવી હોય તે ગમે?’

મહાશ્વેતા બોલીઃ ‘દ્રૌપદી જેવી.’

વિશ્વંભરે ચોંકી જતાં પૂછયું: ‘મહાભારતની દ્રૌપદી જેવી? એ તો પાંચ પતિઓની…’

મહાશ્વેતા બોલીઃ ‘મારી મા મહાભારત વાંચતાં હતાં. આજે પણ લોકો દ્રૌપદી વિશે જે ખ્યાલ ધરાવે છે તે દ્રૌપદી જેવી અધર્મ સામે લડનારી શક્તિશાળી સ્ત્રીને અન્યાય છે.’

‘કેવી રીતે?’

મહાશ્વેતા બોલીઃ ‘જુઓ, દ્રૌપદીના જન્મની કથા રસપ્રદ છે. તે પાંચાલનરેશ રાજા દ્રુપદની પુત્રી તરીકે ઓળખાઈ પરંતુ તેનો જન્મ રાજા દ્રુપદનાં પત્નીની કૂખે થયો નહોતો. યુવાનીમાં અભ્યાસકાળ સમયે દ્રોણ અને દ્રુપદ એક સમયે મિત્રો હતા. આ સમય દરમિયાન રાજકુમાર દ્રુપદે દ્રૌણને કોઈ એક વચન આપ્યું હતું પરંતુ રાજા બન્યા પછી રાજા દ્રુપદે એ વચન પાળવા ઈનકાર કરી દીધો. એ કારણે પાંડવોના ગુરુ દ્રૌણે તેમના શિષ્ય અર્જુનની મદદથી રાજા દ્રુપદનું અડધું રાજ્ય પડાવી લીધું. દ્રૌણે પડાવી લીધેલા તે અડધા રાજ્યને પાછું મેળવવા માટે દ્રુપદે દ્રોણ સાથે યુદ્ધ કરવું જરૂરી હતું, પરંતુ રાજા દ્રુપદને કોઈ પુત્ર નહોતો અને યુદ્ધ માટે તેને પુત્રની જરૂર હતી. સંતાનપ્રાપ્તિ માટે ઋષિઓની સલાહથી દ્રુપદે એક યજ્ઞા કર્યો અને યજ્ઞાની પ્રજ્વલિત વેદીમાંથી પ્રથમ એક પુત્ર પેદા થયો. તેનું નામ દ્યૃષ્ટધુમ્ન. અને તે પછી એ જ યજ્ઞાની વેદીમાંથી એક તેજસ્વી કન્યા પ્રગટી. તે યજ્ઞામાંથી પેદા થઈ હોવાથી તેનું નામ યજ્ઞાસેની પડયું. તે રાજા દ્રુપદની પુત્રી કહેવાતા તે દ્રૌપદી તરીકે ઓળખાઈ. પાંચાલની રાજકુમારી બનતાં પાંચાલી પણ કહેવાઈ. તે શ્યામ રંગની પરંતુ અત્યંત સુંદર હતી. એના સમયની તે વિશ્વની સહુથી ખૂબસૂરત સ્ત્રી હતી. વર્ણન એવું છે કે દ્રૌપદીની આંખો કમળની પાંખડીઓ જેવી હતી. એના શરીરમાંથી સુંદર સુગંધ પેદા થતી હતી. જેની અસર માઈલો સુધી લોકો અનુભવતા. એના જન્મ વખતે આકાશમાંથી ગર્જના થઈ હતી કે ‘આ અદ્વિતીય સૌંદર્યા ભવિષ્યમાં કૌરવોને હરાવવાનું નિમિત્ત બનશે અને તેના કારણે ધર્મનું શાસન સ્થાપિત થશે’….. અને પછી એક બાદ એક ઘટનાઓ ઘટવા લાગી.’

વિશ્વંભરને મહાશ્વેતા દ્વારા કહેવાથી દ્રૌપદીની વાતમાં રસ પડયો. એણે કહ્યું : ‘આગળ બોલ.’

મહાશ્વેતા બોલીઃ ‘ કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. બધા જ કૌરવો મૃત્યુ પામ્યા. કેટલાક સમય બાદ પાંડવો પણ તેમનું આયુષ્ય પૂરું થતાં હિમાલય તરફ આરોહણ કરી ગયા. તે પછી હવે તેમનાં પાપ અને પુણ્યનો હિસાબ કરતા ચિત્રગુપ્તના દરબારમાં બધા હાજર થયા. ચિત્રગુપ્તનો આ દરબાર ધર્મક્ષેત્ર કહેવાય છે. ધર્મક્ષેત્રમાં દ્રૌપદીએ સૌથી પહેલાં તેમનાં સાસુ માતા કુન્તાજીને પૂછયું:’મને તો એકમાત્ર અર્જુન સ્વયંવરમાં જીતીને લાવ્યા હતા પરંતુ તેઓ શું જીતીને લાવ્યા છે તે જોયા વગર જ એટલે કે પાછળ ઊભેલા તમારા પુત્રો અને મને જોયા વગર જ તમે એમ કેમ કહી દીધું કે જે લાવ્યા હોય તે પાંચેય ભાઈઓ વહેંચી લો. તમે તો પાછળ જોયું જ નહોતું અને મારે તમારા પાંચેય પુત્રોની પત્ની બનવું પડયું. આમ કેમ કર્યું?’

વિશ્વંભર સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો.

મહાશ્વેતા બોલીઃ ‘દ્રૌપદીના આ પ્રશ્નનો જવાબ આપતા કુન્તાજી બોલ્યાં કે પાછળ જોયા વિના પણ હું જાણતી જ હતી કે મારો પુત્ર અર્જુન સ્વયંવરમાં તને જીતીને લાવ્યો છે પરંતુ હું એ વાત પણ જાણતી હતી કે તું એકમાત્ર અર્જુનની જ પત્ની બનત તો તારી અસાધારણ પ્રતિભા અને સૌંદર્યને કારણે મારા બીજા પુત્રો અર્જુનની ઈર્ષા કરત અને કૌરવો સામે લડવાના બદલે અંદરોઅંદર જ લડત. તારા કારણે જ પાંચેય ભાઈઓ વિખૂટા પડયા નહીં અને એક થઈ કૌરવો સામે લડયા. તારા કારણે જ તેઓ એક રહ્યા અને મહાભારતનું યુદ્ધ જીત્યા.’

વિશ્વંભર બોલ્યાઃ ‘ઓહ! એનો મતલબ એ કે પાંચ પાંડવોને એક રાખવામાં દ્રૌપદી જ મહત્ત્વનું પરિબળ હતી. આ વાત તો કોઈ જાણતું જ નથી.’

મહાશ્વેતાએ આગળ ચલાવ્યું: ‘તે પછી દ્રૌપદીએ ચિત્રગુપ્તના દરબારમાં એટલે કે ધર્મક્ષેત્રમાં જ મહાભારતના રચયિતા વેદ વ્યાસને પૂછયું કે તમે મારા આવા ચારિત્ર્યનું નિરૂપણ કેમ કર્યું? આવનારી પેઢી મારા માટે શું વિચારશે? હું પાંચ પતિઓની પત્ની?’ આ પ્રશ્નના જવાબમાં વેદ વ્યાસે દ્રૌપદીને આશ્વાસન આપતાં કહ્યું કે ‘રાણી દ્રૌપદી, તમને પાછલા જન્મની ખબર જ નથી. પાછલા જન્મમાં તમે પ્રસન્ન કરેલા શિવજી પાસે માંગ્યું હતું કે ‘હે, ભગવાન, મારો પતિ યુદ્ધમાં સ્થિર હોય, તીરંદાજીનો નિષ્ણાત હોય, શરીર સૌષ્ઠવથી મજબૂત હોય, રૂપાળો હોય અને જ્ઞાની પણ હોય.’… આ બધું એક પતિમાં હોય તેવું તમે નહોતું માંગ્યું તેથી આવા સ્વતંત્ર ગુણવાળા અલગઅલગ પાંચ પતિ તમને મળ્યા, પરંતુ એક વાત કહું, તમે યાદ રાખજો કે હવે પછી આવનારી પેઢી તમને ‘ભારત ભાગ્યવિધાતા’ તરીકે ઓળખશે. આવનારા સમયની દરેક સ્ત્રી તમારી છૂપી ઈર્ષા કરશે, કારણ કે એક અધર્મ સામે લડનારી સ્ત્રીના કારણે યુદ્ધ થયું, અધર્મનો નાશ થયો અને ધર્મનું રાજ્ય સ્થાપિત થયું. અનીતિનો પરાજય થયો અને નીતિનો વિજય થયો.’: આટલી વાત કર્યા પછી મહાશ્વેતા એક ઊંડો શ્વાસ લેતા બોલીઃ ‘આવી હતી દ્રૌપદીની તાકાત.’

વિશ્વંભર સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો.

મહાશ્વેતા છેલ્લે બોલીઃ ‘અને જો મારી કૂખે દીકરી જન્મે તો હું તેને લોકોનાં ભાગ્ય પલટી નાંખનાર દ્રૌપદી જેવી શક્તિશાળી સ્ત્રી જ બનાવું. પદ્મજાને હું એવી જ શક્તિશાળી બનાવીશ. સમાજશાસ્ત્રીઓ પણ કહે છે કે દ્રૌપદી ભારતની પહેલી નારીવાદી મહિલા હતી. કૌરવો સામે પાંડવો જુગારમાં રાણી દ્રૌપદીને હારી ગયા તે પછી દુશાસને જાહેરમાં દ્રૌપદીનાં ચીર ખેંચ્યાં હતાં. એ જ વખતે દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું દુશાસનના લોહીથી મારા વાળ નહીં ધોવું ત્યાં સુધી મારા કેશ બાંધીશ નહીં. પોતાના પતિઓની હત્યા કરવા માગતા દુર્યોધન જેવાને પણ દ્રૌપદીએ કહેવાની હિંમત કરી કે આંધળાનાં છોકરાં આંધળાં. સ્ત્રીઓના સન્માન માટે લડનારી ભારતવર્ષની પ્રથમ નારીવાદી મહિલા દ્રૌપદી હતી. દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને પણ સખા કહેતી. આવી હતી દ્રૌપદી.’

વિશ્વંભર બોલ્યોઃ ‘સુંદર… કાશ આપણી પદ્મજા પણ એક શક્તિશાળી મહિલા બનવા આપણા ઘેર અવતરે.’

કહી વિશ્વંભરે મહાશ્વેતાને વધુ કરીબ ખેંચી લીધી.

***

સમય વહેતો ગયો. કેટલાક મહિનાઓ પણ વીતતા ગયા. મહાશ્વેતાના શરીરમાં પણ હવે પરિવર્તન દેખાતું હતું. એણે હવે ખુલ્લાં વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. ક્યારેક અંદર રહેલા શિશુની કિક પણ તે અનુભવતી અને તે ખુશ થઈ જતી. એ કહેતીઃ ‘વિશ્વંભર, તમારી દીકરી અત્યારથી જ મને પરેશાન કરે છે.’

વિશ્વંભર કહેતોઃ ‘દરેક માતાને આવી કિકની અભિલાષા હોય છે. તું નસીબદાર છે, મહાશ્વેતા.’

અને એ દિવસે પણ સાંજ પડતાં જ વિશ્વંભરે લાઈટહાઉસ જવાની તૈયારી કરવા માંડી ત્યારે મહાશ્વેતાએ કહી જ દીધું: ‘હવે તમે ના જાવ. છેલ્લા મહિનાની નજીકમાં છું. કોઈ સહાયક તૈયાર કરો અને જવું જરૂરી જ હોય તો લાઈટહાઉસની ફ્લેશ ચાલુ કરી રાત્રે જ ઘેર પાછા આવી જાવ. સવારે બંધ કરી આવજો.’

‘કોઈ સહાયક મળશે તો હું એ વિચારીશ પણ આજે તો મારે જવું જ પડશે’: એમ કહી વિશ્વંભર હવેલીની બહાર નીકળી ગયો. રાત પડે તે પહેલાં દરિયાના ટાપુ પર આવેલા લાઈટહાઉસનાં પગથિયાં ચડી ગયો.

દરિયો તોફાની બનતો જતો હતો. મોજાં સિંહની જેમ ગર્જતાં હતાં. એની પર ફેંકાતી સર્ચલાઈટથી દરિયો જાણે વધુ છંછેડાતો હતો. વિશ્વંભર બારીમાંથી દરિયાનું ભયાનક દૃશ્ય નિહાળી ટેબલ પાસેની ખુરશીમાં બેસી ગયો અને રોજની જેમ આજે પણ રેડિયો ચાલુ કર્યો.

***

રાતના બારેક વાગ્યા હશે.

મહાશ્વેતા એના શયનખંડમાં હજુ જાગતી જ હતી. અચાનક તેને જુદા જ પ્રકારની અકળામણ થવા લાગી. થોડી જ વારમાં મહાશ્વેતાને શરીરમાં કોઈ કશાક હલનચલનની અનુભૂતિ થવા લાગી. એટલામાં તો તેના કપાળ પર પરસેવાનાં બિન્દુ ઉપસી આવ્યાં. શરીરમાં અચાનક વેદના ઉપડી. મહાશ્વેતા ઘરમાં સાવ એકલી જ હતી. હજુ કોઈ નોકરચાકર રાખ્યા નહોતા. વેદનાને દબાવવાનો પ્રયત્ન કરતાં શયનખંડના ઝાંખા અજવાળામાં તે ઊભી થઈ. તેના ઉદરમાં ભયંકર પીડા શરૂ થઈ હતી. એ સમજી ગઈ કે બાળક – જન્મના પૂરા માસ પહેલાં તેને પ્રસૂતિની વેદના શરૂ થઈ ગઈ હતી. હવે એ પીડા અસહ્ય બની ગઈ.

પોતાનું ઉદર દબાવીને તે બાથરૂમમાં ગઈ. તે ચીસો પાડવા લાગીઃ ‘મા…મા…ક્યાં છો તમે?’

પણ એ ચીસો અંદરની દીવાલોને અથડાઈને પાછી પડતી હતી. મહાશ્વેતાના મોંમાંથી ફીણ બહાર આવવા લાગ્યું. ભયંકર પીડા સહન કરવા અસમર્થ એવી મહાશ્વેતાએ ફરી ચીસો પાડીઃ ‘વિશ્વંભર! જલદી ઘેર આવો. મને કાંઈક થાય છે. મારાથી સહન થતું નથી. મને કાંઈક થઈ જશે.’

અને પેટ દબાવીને તે રડવા લાગી. તેનું ઘર આમેય ગામથી અલગ હતું. તેની ચીસો અત્યારે કોઈ સાંભળે તેમ નહોતું. અને ખ્યાલ આવી ગયો કે નવજાત શિશુ વહેલું આવી રહ્યું છે. એ ચીસો પાડતી રહીઃ ‘વિશ્વંભર…વિશ્વંભર..’   અને ઉદરપીડાની પરાકાષ્ઠા સહન ના થતાં તે ફર્શ પર જ ફસડાઈ પડી. તે એક ભયંકર ચીસ પાડી ઊઠી. રૂમનો ઝાંખો દીવો પણ દયામણી નજરે મહાશ્વેતાને ભોંય પર ઢળી પડેલી જોઈ રહ્યો.

***

હવે સવાર થવાની તૈયારી હતી.

ધીમેધીમે રાત્રિએ વિદાય લીધી. સૂરજ હજુ ઊગ્યો નહોતો. ઉજાસ થતાં લાઈટહાઉસના ટાવર પર ટેબલની બાજુની ખુરશીમાં બેઠા બેઠા ટેબલ પર માથું મૂકીને સૂઈ ગયેલો વિશ્વંભર જાગ્યો. બારીની બહાર સવાર પડી ગયેલી જોઈ તે ઊભો થયો. એણે લાઈટહાઉસની ફ્લેશ લાઈટ્સ બુઝાવી દીધી. દીવાલ પર લટકાવેલો તેલનો લેમ્પ પણ બુઝાવી દીધો. ટેબલ પર વાંચતા વાંચતાં જ અધૂરું મૂકેલું પુસ્તક એણે બંધ કરી સરખું ગોઠવી દીધું.

ધીમેધીમે તે લાઈટહાઉસની એક જ સળિયાની આસપાસ બનેલી લોખંડની ગોળ સીડી ઊતરી રહ્યો. તેના પ્રત્યેક પગલાથી લોખંડ ધ્રૂજતું હતું.

લાઈટહાઉસની બહાર આવ્યો. લાઈટહાઉસમાં પ્રવેશવાનું દ્વાર બંધ કરી તે ઘર તરફ જવા નીકલ્યો ગામમાં હજુ ચહલપહલ શરૂ થઈ નહોતી. આમેય રોજ રાત્રે અવારનવાર જાગવું પડતું એથી તેને અડધી જ ઊંઘ મળતી. થાકેલા પગે તે ઘેર જવા નીકળ્યો.

ઘેર પહોંચતાં જ એણે બારણાને ધક્કો માર્યો તો બારણું ખૂલી ગયું. તેને લાગ્યું કે રાત્રે મહાશ્વેતા બારણું અંદરથી બંધ કરવાનું કદાચ ભૂલી ગઈ હશે. દીવાનખંડમાં પ્રવેશતાં જ એ બોલ્યોઃ ‘મહાશ્વેતા!’

પણ રોજની જેમ મહાશ્વેતા આજે દીવાનખંડમાં ચા સાથે તેનો ઈન્તજાર કરતી ન દેખાઈ.

એણે રસોડામાં જઈને જોયું તો મહાશ્વેતા રસોડામાં પણ નહોતી. વિશ્વંભર ફરી મોટેથી બોલ્યો : ‘મહાશ્વેતા.’

પણ મહાશ્વેતાનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

તે ઉપરની સીડી ચડી તેના શયનખંડ તરફ ગયો. શયનખંડનું બારણું ખુલ્લું હતું. અંદરનું દૃશ્ય જોઈને તેને ફાળ પડી. શયનખંડની ફર્શની જાજમ પર મહાશ્વેતા લગભગ અર્ધ બેભાન જેવી હાલતમાં પડેલી હતી. એણે જોયું તો એનાં શ્વેત વસ્ત્રો લોહીથી ખરડાયેલાં હતાં. જાજમ પર પણ તાજું જ લોહી ફેલાયેલું જણાતું હતું. વિશ્વંભરે જોરથી બૂમ પાડીઃ ‘મહાશ્વેતા, શું થયું?’

ફર્શ પર પડેલી મહાશ્વેતાએ આંખો ખોલી. તેનાથી ઊભા થવાય તેમ નહોતું. વિશ્વંભરને જોઈ તે જોસજોસથી રડવા લાગી. તેની આંખોમાં પાણી સમાતું નહોતું. માંડ માંડ કેટલીક તાકાત એકઠી કરીને મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, હું બરબાદ થઈ ગઈ. પૂરા માસે આપણું સંતાન જન્મે એ પહેલાં જ…તે હવે આ દુનિયામાં નથી. હું બરબાદ થઈ ગઈ.’

વિશ્વંભરને લાગ્યું કે તે હમણાં જ ભાંગી પડશે. એને ખબર પડી ગઈ કે મહાશ્વેતાને સમય પહેલાં જ પ્રસૂતિ થતાં તે બાળક ગુમાવી ચૂકી છે. નીચે ફર્શ પર લોહીથી ખરડાયેલા મૃત શિશુના લોહીવાળા અવશેષો પડયા હતા. મહાશ્વેતાનાં વસ્ત્રો લોહીથી તરબતર હતાં. તેના મોંમાંથી ફીણ નીકળતું હતું. તે હજુ ધ્રૂજતી હતી. એક બાળકીની જેમ તે હૈયાફાટ રુદન કરતી રહી.

વિશ્વંભરે માંડમાંડ તાકાત એકઠી કરી અને મહાશ્વેતાને બે હાથ પકડીને ઊભી કરી. ધીમેધીમે તે મહાશ્વેતાને બાથરૂમ તરફ લઈ ગયો પરંતુ મહાશ્વેતાની તમામ તાકાત ખતમ થઈ ગઈ હોય તેમ તેના પગ લથડતા હતા. એ બોલતી રહીઃ ‘હું લૂંટાઈ ગઈ. હું લૂંટાઈ ગઈ. હું અંધશ્રદ્ધા કે અભિશાપમાં માનતી નથી છતાં ઈશ્વરે મારી સાથે આવું કર્યું જ કેમ? મારો શું વાંક હતો? મારું શું પાપ હતું? ‘

વિશ્વંભરે તેને સાંત્વના આપીઃ ‘મહાશ્વેતા, તું રડ નહીં. ઈશ્વરને જે ગમ્યું તે ખરું!’

મહાશ્વેતા બોલીઃ ‘સોરી, વિશ્વંભર, દીકરી પદ્મજાની ભેટ આપવામાં હું નિષ્ફળ રહી…મને માફ કરી દો.’

અને ફરી એકવાર વિશ્વંભરે મહાશ્વેતાના મોંને પોતાની છાતીમાં લઈ લીધું અને તે હીબકાં લેતી મહાશ્વેતાની પીઠ પાછળ હાથ ફેરવી રહ્યો. શયનખંડની જાજમ પર પડેલો નાનકડા નવજાત શિશુનો મૃતદેહ અંતિમક્રિયાની રાહ જોતો હતો. આજે હવેલી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી.                               (ક્રમશઃ)

 

Be Sociable, Share!