Close

પ્રજા પર ગોળીબાર કરતી વખતે ૩૦૩નો ઉપયોગ બંધ કરાવ્યો

અન્ય લેખો | Comments Off on પ્રજા પર ગોળીબાર કરતી વખતે ૩૦૩નો ઉપયોગ બંધ કરાવ્યો

મહાગુજરાતના પ્રણેતા  ઇન્દુલાલ યાજ્ઞિક.

 ગુજરાતની નવી પેઢી તો શાયદ ઈંદુચાચાને ઓળખતી નથી. તેમનું આખું નામ ઈંદુલાલ યાજ્ઞિાક. આજે ગુજરાત એક અલગ રાજ્ય છે તે ઈંદુચાચાની દેન છે. પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ ગુજરાતના ‘સર્વોચ્ચ’ તરીકે જાણીતા હતા. તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત ‘દ્વિભાષી રાજ્ય’ રચવાનો દુરાગ્રહ રાખ્યો હતો. તેની સામે ‘મહાગુજરાત’ માટે પ્રચંડ જન આંદોલન થયેલું. જેના નેતા ઈંદુચાચા હતા. આ આંદોલનની સભા, સરઘસો, કરફ્યૂ, ગોળીબાર,શહીદો અને જનતા કર્ફ્યૂ જેવી અનેક ઘટનાઓથી એક થ્રિલર જેવી છે.

ઈંદુચાચાનું નેતૃત્વ

કેન્દ્રમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળના સિનિયર મંત્રી મોરારજીભાઈ દેસાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું બનેલું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા. લોકસભાએ ૨૪૦ વિરુદ્ધ ૪૦ મતે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો. પ્રજા તો ઊંઘતી જ ઝડપાઈ અને આખા ગુજરાતની પ્રજા આઘાતમાં સરી પડી. તેના પ્રત્યાઘાતમાં રાજ્યમાં સ્વયંભૂ પ્રજાનો વિરોધ વંટોળ પ્રગટ થયો. પ્રજાના વિરોધને યોગ્ય રીતે સમજવાના બદલે, એને શાંત કરવાના બદલે દમનથી અને બળથી પ્રજાને દબાવવાનો પ્રયત્ન થયો. તેમાંથી મહાગુજરાતના આંદોલનનો જન્મ થયો. તા. ૮-૮-૧૯૫૬ના રોજ અખબારોમાં સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્ર અને ગુજરાતના મતભેદોના કારણે દ્વિભાષી રાજ્યની રચનાનો ઠરાવ પાસ થઈ ગયો છે. તા. ૮મી ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે વજ્રાઘાત સમાન નીવડયો. તે જ દિવસે બનાવો બન્યા અને હિંસાચાર શરૂ થયો. તે પછી ઠેરઠેર તોફાનો ફાટી નીકળ્યાં. સરઘસો નીકળ્યાં. લોકોએ કોંગ્રેસીઓની ટોપીઓ ઊતરાવી. કોંગ્રેસ હાઉસ પર ઉશ્કેરાટભર્યા સૂત્રોચ્ચાર કરતાં વિદ્યાર્થીઓ પર ટીયરગેસ કે લાઠીચાર્જના બદલે રાજ્ય સરકારે ગોળીઓ ચલાવી. પ્રજા વધુ વિફરી. ઈંદુલાલ યાજ્ઞિાકે મહાગુજરાતની લડતની આગેવાની લીધી. મહાગુજરાતની ચળવળ વખતે જનતા પરિષદ નામની રાજકીય પાર્ટી શરૂ થઈ.

દ્વિભાષીનો રાક્ષસ બાળ્યો

એ વખતે અમદાવાદમાં મહાગુજરાતની માગણીસર એક વિશાળ સરઘસ નીકળ્યું હતું. જેમાં ૧૦થી ૧૨ લાખ લોકો જોડાયા હતા. અહીં દ્વિભાષી રાજ્યનો રાક્ષસ બાળવામાં આવ્યો હતો.

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં ગુજરાતમાં જનજુવાળ પરાકાષ્ઠા પર હતો ત્યારે કોગ્રેસીઓએ અમદાવાદમાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુની જાહેર સભાનું આયોજન કર્યું. મહાગુજરાત જનતા પરિષદે એ જ દિવસે એ જ સમયે શહેરમાં ઈંદુલાલ યાજ્ઞિાકની સમાંતર જાહેર સભા ગોઠવી. ત્યારે ઈંદુચાચાએ કહ્યું : ”નહેરુની પણ અદબ હવે નહીં રહે.” તા. ૨-૧૦-૧૯૫૬ના રોજ અમદાવાદ શહેરમાં બંને નેતાઓની જાહેર સભાઓ અલગ અલગ સ્થળે યોજાઈ. બંનેની સભાઓ વિશાળ હતી, પરંતુ ઈંદુચાચાની સભામાં લોકો સ્વયંભૂ આવ્યા. રિક્ષાવાળાઓ પણ નહેરુની સભામાં જવું હોય તો પેસેન્જર પાસેથી ભાડું લેતા. જ્યારે ઈંદુચાચાની સભામાં જવું હોય તો મફત લઈ જતા. નહેરુ કરતાં ઈંદુલાલ યાજ્ઞિાકની સભા ઘણી વિશાળ હતી.

કરોડોનું નુકસાન થયું

ઈંદુલાલ યાજ્ઞિાકની આગેવાની હેઠળની મહાગુજરાતની લડતમાં બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, જયંતી દલાલ જેવા સાથીઓ મેદાનમાં આવ્યા. ઈંદુચાચાએ ‘જનતા કર્ફ્યૂ’નું એલાન કર્યું. લોકો સ્વયં ઘરમાં કેદ રહ્યા. શહેરના રસ્તા સૂમસામ થઈ ગયા. બીબીસી રેડિયોએ પણ તેની નોંધ લીધી. ખૂબ લાંબા, હિંસક અને સંઘર્ષભર્યા આંદોલનમાં કરોડોનું નુકસાન થયું. અનેક યુવાનો શહીદ થયા, પરંતુ ઈંદુચાચાની આગેવાની હેઠળના આંદોલનના કારણે છેવટે ગુજરાતને અલગ રાજ્ય મળ્યું. તા. ૧-૫-૧૯૬૦ના રોજથી ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

શહીદ સ્મારક સ્થપાયું

તે પછી પણ ઈંદુલાલ યાજ્ઞિાક અમદાવાદ શહેરના બેતાજ બાદશાહ જ રહ્યા. મહાગુજરાતના આંદોલન દરમિયાન શહીદ થયેલા જુવાનોના સ્મારક માટે તા. ૧૭-૮-૧૯૫૮થી ‘સ્મારક સત્યાગ્રહ’ થયો. આ સત્યાગ્રહ ૨૬૬ દિવસ ચાલ્યો. લોકોની જીત થઈ. બ્રહ્મકુમાર ભટ્ટે અને એ વખતના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ અને શહીદ સ્મારક સમિતિ વચ્ચે કડી બની શહીદ સ્મારકનો પ્રશ્ન ઉકેલ્યો. તા. ૧૨-૯-૧૯૬૮ના રોજ ભદ્રના કોંગ્રેસ હાઉસ સામે ફૂટપાથ પર દીવાલને અડીને બનાવાયેલ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન ઈંદુલાલ યાજ્ઞિાકના હસ્તે કરવામાં આવ્યું. એ વખતે હાજર રહેલા શહીદોના કુટુંબીજનોની આંખો આંસુથી છલકાઈ ગઈ. ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં આઝાદી મળ્યા પછી ૧,૦૪૦ વખત પોલીસે ગોળીબાર કર્યા હતા. અનેક વખત નિઃશસ્ત્ર લોકોના જાન ગયા હતા. ૩૦૩ની બુલેટ્સ સામાન્ય રીતે યુદ્ધ વખતે ભારતીય સૈન્ય દુશ્મનને ઠાર કરવા માટે જ વાપરે છે. જે મહાગુજરાતના આંદોલન વખતે પોલીસે ગુજરાતની નિર્દોષ પ્રજા પર વાપરી હતી. આ બાબતથી ઈંદુચાચા ખૂબ જ વ્યથિત હતા. આ બધી ઘટનાઓ બાદ ખબર છે કે આંદોલનો વખતે દેખાવો કરતી જનતા પર થતાં પોલીસ ગોળીબારોનો પ્રશ્ન ઈંદુલાલ યાજ્ઞિાકે સંસદમાં ઉઠાવ્યો હતો અને ઝૂંબેશ પણ ચલાવી હતી. જેના પરિણામે ગૃહ ખાતાને કેટલાક નિયમ બનાવવાની ફરજ પડી હતી. દા.ત. ૩૦૩ની ગોળી (બુલેટ) નિઃશસ્ત્ર ટોળા પર વાપરવી નહીં. ગોળીબાર કરવાની ફરજ પડે તો કમરની નીચેના ભાગ પર ગોળીબાર કરવો. આંદોલન થાય તો પોલીસે પહેલાં લાઠીચાર્જ કરવો. ટીયરગેસ છોડયા બાદ જ જરૂર પડે તો ગોળીબાર કરવો તેમ નક્કી થયું. આ પહેલાં પોલીસ ગોળીબારની અદાલતી તપાસ અપાતી નહીં, પરંતુ આંદોલન પછી કોટવાલ તપાસ પંચ નીમાયું અને તે પછી ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા અને હિતેન્દ્ર દેસાઈની જે સરકારો આવી, તેમના સમયમાં જે પોલીસ ગોળીબારો થયા તેની અદાલતી તપાસો આપવાની તેમને ફરજ પડી. ઈંદુલાલ યાજ્ઞિાકની આ પણ સિદ્ધિ હતી.

ફકીર જીત્યા

લોકસભાના સભ્ય ઈંદુલાલ યાજ્ઞિાક સામે હરીફાઈમાં ઊતરે તેવો કોઈ ઉમેદવાર મળતો નહોતો તેથી ફરજિયાતપણે મજૂર મહાજન સંઘના વડા શ્યામપ્રસાદ વસાવડાને ઊભા રાખવામાં આવતા અને તેઓ હારતા.છેલ્લે ઈંદુલાલ સામે અમદાવાદના મિલમાલિક જયકૃષ્ણ હરિવલ્લભદાસને કોંગ્રેસે ઊભા રાખ્યા. જયકૃષ્ણભાઈ શ્રીમંત હતા. જ્યારે ઈંદુચાચા ફકીર જેવા હતા. છેવટે ઈંદુલાલ યાજ્ઞિાક સામે મિલમાલિક જયકૃષ્ણ હરિવલ્લભદાસ હાર્યા. એ પહેલાં ઈંદુચાચા સામે કોંગ્રેસ પક્ષ તરફથી મજૂર મહાજન સંઘના પૂર્વ વડા ખંડુભાઈ દેસાઈ લોકસભાની ચૂંટણી હાર્યા હતા. ઈંદુલાલ યાજ્ઞિાક કોઈ રાજકીય પક્ષમાં હતા તેમ કહેવા કરતાં પક્ષ ઈંદુલાલમાં હતો તેમ કહેવું વધુ ઉચિત છે.  સતત ૮૨ દિવસ સુધી બેહોશ રહ્યા બાદ ગુજરાતના લોકનેતા ઈંદુલાલ યાજ્ઞિાકનું ૮૨ વર્ષની વયે દુઃખદ અવસાન થયું. ઈંદુચાચાના અવસાનના સમાચાર સાંભળી આખું શહેર શોકમાં ગરકાવ થઈ ગયું. ઈંદુચાચાની અંતિમ યાત્રા અત્યંત પ્રભાવશાળી હતી. આટલી પ્રચંડ માનવ મેદની અમદાવાદમાં કદી ઊમટી નહોતી.

ગુજરાતમાં ગાંધીજી અને સરદાર પછી એક માત્ર ઈંદુચાચા જ લોકપ્રિય રહ્યા. તે પછી આજ સુધી ઈંદુચાચાની ખોટ પૂરાઈ નથી.

DEVENDRA PATEL

Be Sociable, Share!