Close

બંદૂકની ગોળીઓ પર કોઈનાં નામ-સરનામાં હોતાં નથી

અન્ય લેખો | Comments Off on બંદૂકની ગોળીઓ પર કોઈનાં નામ-સરનામાં હોતાં નથી

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે.

 ગુજરાત આજે સમૃદ્ધ છે, સુખી છે, મોડેલ સ્ટેટ છે. ગુજરાતની એક આગવી અસ્મિતા છે. ગુજરાતની પ્રજાની એક આગવી ખુમારી છે. આવા ગુજરાતની સમૃદ્ધિની ભીતરની કથા પણ ગુજરાતની પ્રજાની ખુમારીને ઉજાગર કરતી અનેક આરોહ-અવરોહથી ભરપૂર છે. ૧૯૫૬ના સમયગાળામાં ગુજરાતને મોરારજી દેસાઈની દ્વિભાષી રાજ્યની ફોર્મ્યુલાથી અલગ ‘ગુજરાત’ રાજ્ય બનાવવા માટે જે સંઘર્ષ થયો તેની ગાથા લોહિયાળ અને નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર છે. ગુજરાત રાજ્યની રચના માટે ચાલેલા મહાગુજરાતના આંદોલન વખતે ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા. કેટલાક કોંગ્રેસીઓ તેમની સાથે હતા. કેટલાકે કોંગ્રેસ છોડી દીધી હતી. આખા ગુજરાતમાં જબરદસ્ત ઉત્તેજના અને મોરારજી દેસાઈ સામે પ્રચંડ રોષ હતો.

ભાષાવાર પ્રાંતરચના

બ્રિટિશરોએ તેમની વહીવટી સરળતા માટે દેશના જે કૃત્રિમ ભાગલા ઊભા કરેલા એ ભાગલાઓમાંની વિવિધભાષી પ્રજાને એથી પોતાની અસ્મિતા રુંધાતી લાગતી હતી. આ કૃત્રિમ ભાગલા દૂર કરીને ભાષાવાર પ્રાંત રચનાનો લોકાગ્રહ વધતો જતાં ભારતની રાષ્ટ્રીય મહાસભા અથવા કોંગ્રેસે પણ સત્તાપ્રાપ્તિ સાથે જ ભાષાવાર પ્રાંતો રચવાનો ઠરાવ ઈ. ૧૯૨૧માં સ્વીકાર્યો અને એ ધોરણે પક્ષની પ્રાંતિક સમિતિઓની રચના અપનાવી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ. ૧૯૫૩માં કોંગ્રેસના હૈદરાબાદ અધિવેશનમાં ભાષાવાર પ્રાંત રચનાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.

ગુજરાતની અસ્મિતાનો પ્રશ્ન

ગુજરાતના અલગ રાજ્યની આશા ત્યારથી બંધાવા માંડી અને તેની અસ્મિતાને સંકોરવાનો અને પુનઃ જ્વલંત બનાવવાનો ઉત્સાહ પ્રજાના સર્વ વર્ગોમાં ફરી વળ્યો, પરંતુ રાજ્ય રચનાના આ ગાડાને મોરારજી દેસાઈએ એમ કહી ઘોંચમાં નાખી દીધું કે મુંબઈ જેવું વિકસિત બહુભાષી શહેર કોઈ એકભાષી રાજ્યનો ભાગ ન બની શકે. આ અંગે પ્રજામાં ઉત્તાપ જાગતાં કેન્દ્ર સરકારે વચલો માર્ગ કાઢયો કે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એવાં ત્રણ અલગ રાજ્યો પાડીને મુંબઈ સાથે બોરીવલી તાલુકો અને થાણા જિલ્લાનાં કેટલાંક ગામો જોડી તેનું અલગ રાજ્ય કેન્દ્રીય શાસન નીચે મૂકવું અને ત્રણે રાજ્યોની હાઈકોર્ટ એક રાખવી.   પરંતુ આની વિપરીત અસર ઊભી થવા પામી. મહારાષ્ટ્રમાં એવી માન્યતા જોર પકડવા માંડી કે ગુજરાતીઓ જ મુંબઈના મહારાષ્ટ્રમાં સમાવેશની આડા આવે છે. કાકાસાહેબ ગાડગીલે તો એટલે સુધી કહી નાખ્યું કે, મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું મૂડીવાદીઓએ (એટલે કે ગુજરાતીઓએ) કાવતરું રચ્યું છે. મોરારજી દેસાઈએ પકડી રાખેલા દ્વિભાષી રાજ્યને તો બધેથી જાકારો મળી ચૂક્યો હોઈને, વડા પ્રધાન નહેરુએ તા. ૧૭-૧-૧૯૫૬ના રોજ આકાશવાણી પરથી સ્પષ્ટ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત, વિદર્ભ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં આવશે. ગુજરાતે આ જાહેરાત વધાવી લીધી પણ મહારાષ્ટ્ર મુંબઈ જતું કરવા તૈયાર નહોતું. ગુજરાતે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય સંબંધિત પ્રદેશો સાથે પોતાની અસ્મિતાના વ્યાપ માટે મહાગુજરાત સીમા સમિતિ પણ રચી કાઢેલી. આ સીમા સમિતિએ ડુંગરપુર-વાંસવાડા ગુજરાતી હોવાનો હેવાલ તૈયાર કરી સીમાસમિતિને સોંપેલો, કેમ કે ત્યાંની વાગડી બોલી ગુજરાતીને મળતી આવે છે, ત્યાં વેપારીઓ ચોપડા પણ ગુજરાતી લિપિમાં લખે છે. વળી ડાંગ પર મહારાષ્ટ્રના દાવા સામે તે ગુજરાતી હોવાનો સંશોધિત હેવાલ બહાર પાડવા જે પ્રતિનિધિ મંડળ ડાંગ ગયેલું તેમાં માનવવંશશાસ્ત્રીય હકીકતો અને માનવમિતિ શાસ્ત્રાનુસાર પ્રત્યક્ષ અંગ માપન દ્વારા મહારાષ્ટ્રનો દાવો નાપાયાદાર હોવાનો હેવાલ રજૂ થયો હતો.

પરંતુ આ બધું ચાલતું હતું ત્યાં તા. ૮-૮-૧૯૫૬નાં અખબારોમાં એવા સમાચાર પ્રકટ થયા કે, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના મતભેદોને લઈને દ્વિભાષી રાજ્ય રચનાનો ઠરાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. અલગ મહાગુજરાતની રચનામાં રાચતા ગુજરાત માટે આ આઠમી ઓગસ્ટનો દિવસ સમગ્ર ગુજરાત પર એક વજ્રાઘાત સમાન નીવડયો. તે દિવસે જે બનાવો બન્યા સરકારે જે હિંસાચારની શરૂઆત કરી તે સામે પ્રજાની લાગણી સંતોષવા બહાર પડવાને બદલે ગુજરાતના કોંગ્રેસીઓએ જાણે સરકારની શરણાગતિ સ્વીકારી લીધી.

જેલનો સિલસિલો

૭મી ઓગસ્ટ, ૧૯૫૬ એટલે મહાગુજરાતના જંગનો પ્રથમ દિવસ. આ જ દિવસે સરકારે દ્વિભાષી રાજ્યની ઘોષણા કરીને ગુજરાતની પ્રજા ઉપર લપડાક મારી હતી. જેથી જંગનાં મંડાણ શરૂ થયાં. બપોરે કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું અમદાવાદમાં ભદ્રના કિલ્લાના વિસ્તારમાં અઢી કલાક સુધી ચર્ચા કરી. બહારની બાજુએ દેખાવો યોજાયા. ઓગસ્ટ મહિનો ચળવળનો મહિનો સાબિત થશે એવાં એંધાણ દેખાવા લાગ્યાં.

૮મી ઓગસ્ટ,૧૯૫૬

૮મીનાં દૈનિકોમાં દ્વિભાષી રાજ્ય રચવાના ઠરાવની સત્તાવાર જાહેરાત થઈ. જેમાં જણાવવામાં આવ્યું કે, લોકસભાએ ૨૪૧ વિરુદ્ધ ૪૦ મતથી દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો છે. આમ આઠમી ઓગસ્ટ સમગ્ર ગુજરાત ઉપર એક વજ્રાઘાત સમાન નીવડી. શહેરની તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓમાં સવારથી હલચલ શરૂ થઈ. સ્વયંભૂ હડતાળ પડી. રાષ્ટ્રીય વિદ્યાર્થીમડંળ તરફથી લો કોલેજમાં ડો. શેલતના પ્રમુખપદે સભા થઈ. જેમાં ‘પગલાં સમિતિ’ રચવામાં આવી. બપોરે આશરે ચાર હજાર વિદ્યાર્થીઓનો મોરચો ભદ્રમાં આવેલા કોંગ્રેસ ભવન પર ગયો. કોંગ્રેસ ભવનમાં ત્રિકમલાલ પટેલ, મગનભાઈ રણછોડભાઈ પટેલ, દેવીપ્રસાદ રાવળ, જમનાશંકર પંડયા, કે. ટી. શાહ, મનુભાઈ પટેલ અને બીજા કાર્યકરો હાજર હતા.

કોંગ્રેસી નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ. ઉગ્ર મિજાજી યુવકોએ પથ્થરબાજી ચાલુ કરી. કોંગ્રેસ ભવનના વરંડામાં ઊભેલી પોલીસે ચેતવણી આપ્યા વિના પહેલી ગોળી બપોરના ૨.૧૦ વાગે છોડી અને ગોળીબાર ચાલુ થયો. જેમાં કૌશિક ઈન્દુલાલ વ્યાસ, સુરેશ જયશંકર ભટ્ટ, પૂનમચંદ, ડી. જી. દારાસ્વામી અને અબ્દુલ એમ પાંચ યુવાનો ત્યાં જ ઢળી પડયા. કુલ ગોળીબાર ૩૬ થયા. ૧૦૫ જણ ઘવાયા. બાજુમાં ગુજરાત ક્લબ છે. ત્યાંથી વકીલો તોફાનના સ્થળે આવી પહોંચ્યા. તેમણે શાંત થવા વિદ્યાર્થીઓને વિનંતી કરી પણ તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો. અંતે જાનહાનિ થઈ. સાંજે ૫.૩૦ વાગે રતિલાલ ખુશાલદાસ પટેલના પ્રમુખપદે લાલ દરવાજા ખાતે નાગરિકોની સભા થઈ. સભા પછી એક નાગરિક મૃત્યુ પામ્યો. શહેરના આ બનાવ પછી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ વ્યાપક બન્યો. રાત્રે દરિયાપુર પોલીસ ચોકીને આગ લગાડાઈ. સાંજ સુધીમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓની ધરપકડો થઈ.

૯મી ઓગસ્ટ

અમદાવાદ શહેર એ ગુજરાતના આંદોલન અને જાહેર જીવનનું એક ધબકતું હૃદય છે. હંમેશાં અમદાવાદમાં જે કંઈ બને છે તેનો પ્રતિભાવ આખા ગુજરાતમાં પડે છે. અમદાવાદમાં થયેલ ગોળીબાર વર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં થઈ. આ ગોળીબારમાં હિન્દુઓ અને મુસ્લિમોનાં લોહી એક જ સ્થળે રેડાયાં અને તેથી મહાગુજરાતની લડતમાં હિંદુ-મુસ્લિમ એક્તાનું હવામાન આપોઆપ ઊભું થયું. ચીનુભાઈ શેઠ, અમૃતભાઈ હરગોવિંદદાસ શેઠ, વિદ્યાબહેન નીલકંઠ આચાર્ય એસ. વી. દેસાઈ વગેરે અગ્રણીઓએ પ્રજાને શાંત રહેવા અને તોફાનોથી દૂર રહેવા અપીલ કરી. રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની સભા લો કોલેજમાં સવારે નવ વાગે મળી. જેમાં હરિહર ખંભોળજા, કરસનદાસ પરમાર, ચીમનલાલ પટેલ, પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ વગેરે કાર્યકરો હાજર હતા. ગઈકાલના બનાવને ‘શહીદ દિન’ મનાવવાનું નક્કી થયું અને ‘મહાગુજરાત પગલાં સમિતિ’ની રચના કરવામાં આવી જેમાં ૧૫ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં રતિલાલ ખુશાલદાસ પટેલ, બ્રહ્મકુમાર ભટ્ટ, કરસનદાસ પરમાર, હિંમતલાલ શુક્લ, માર્તંડ શાસ્ત્રી, દાદુભાઈ અમીન, જયંતી દલાલ વગેરે હતા. પાછળથી બુઝર્ગ અગ્રણી ફકીર નેતા ઈન્દુલાલ યાજ્ઞિાકનું નેતૃત્વ લડતને મળ્યું. વિદ્યાર્થીઓને શહીદ વિનોદ કિનારીવાલાની ખાંભીને બપોરે ૧૨ વાગ્યે અંજલિ આપી. બધાએ મહાગુજરાત માટે શપથ લીધા. અમદાવાદના વકીલ મંડળ દ્વારા પોલીસનાં આવાં પગલાંની તુરંતમાં સ્વતંત્ર ન્યાયી તપાસ કરવા મુખ્ય પ્રધાનને વિનંતી કરવામાં આવી.

ઠાકોરભાઈ બોલ્યા

જેમ ગોળીબાર થતા ગયા, ટિયરગેસના ટેટા ફૂટતા ગયા તેમ લોકો તારના થાંભલા, દૂધની કેબિનો અને બસનાં છાપરાં તોડીને રસ્તામાં અંતરાય નાખતા અને પોલીસ ગાડીઓને રોકતા. ઈંટ-રોડાનો મારો ચલાવી, ગેરીલા લડાઈ લડતા. કોંગ્રેસ ભવન પર થયેલા ગોળીબારથી શહીદ થયેલા પાંચ યુવાનોની ઘટના બાદ કોંગ્રેસ અગ્રણી ઠાકોરભાઈ દેસાઈ બોલ્યા હતા : ”બંદૂકની ગોળીઓ ઉપર નામ-સરનામાં લખેલાં હોતાં નથી. તેથી કોને ગુનેગાર કે નિર્દોષ ગણવો તે કહી શકાય નહીં.” ઠાકોરભાઈ દેસાઈના આ નિવેદન બાદ ગુજરાતની પ્રજામાં ઉશ્કેરાટ વધ્યો.   આ બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ કલાકે કલાકે મોરારજીભાઈને પરિસ્થિતિનો ખ્યાલ આપતા હતા. તે જ પ્રમાણે જવાહરલાલ નહેરુ અમદાવાદના તોફાન અંગે માહિતી મેળવવા અમદાવાદ સાથે સંપર્ક જાળવી રહ્યા હતા

DEVENDRA PATEL

Be Sociable, Share!