Close

મધુ! આજે તુ અપ્સરા જેવી લાગે છે [નવલકથા-લોહી નીતરતો ઉગશે સુરજ -1

અન્ય લેખો | Comments Off on મધુ! આજે તુ અપ્સરા જેવી લાગે છે [નવલકથા-લોહી નીતરતો ઉગશે સુરજ -1

ડુંગરીઓની હારમાળાની વચ્ચે ખોબાં જેવડું ગામ. જોજનો લગી કોઈ જ ના મળે એટલે દૂર મલકના લોકો પણ ગામને ‘ડુંગરી’ તરીકે જ ઓળખે. ઊંચે આભલામાંથી કોઈ નીરખે તો એમ જ લાગે કે છીપલામાં સચવાયેલું કોઈ મોતી. સૂક્કાં ઝાંખરાંથી ઢંકાયેલી ડુંગરીઓ જાણે કે સૂકોમળ દેહ પર ઊગી નીકળેલી રુવાંટી…અને ડુંગરીઓને ફરતી નદી જાણે કે અજગરે લીધેલો ભરડો. હા, પણ ગામની ફરતે લીલોતરી. ભરઉનાળે પણ કૂવામાં દસ હાથ-ફૂટ છેટું પાણી. ગામમાં એક જીર્ણ મંદિર, એક દુકાન, સરપંચ એકલાનું પાકું મકાન, દસ-બાર ખેડૂતોનાં કાચાંપાકાં ખોરડાં અને થોડાક છાપરાં. તળેટીને અડીને આવેલી ડુંગરીની ટોચ પર બંધાવેલો સરકારી ડાકબંગલો વર્ષોથી ગામનાં સુખ-દુઃખને ઉપરથી નિહાળતો રહ્યો છે.

ડુંગરીની એ ફાટમાં આજે જરા કલશોર વધુ હતો. અખાત્રીજના દિને અહીં પરંપરાગત મેળો ભરાતો આવ્યો છે. છૂટીછવાયી ડુંગરીઓ પર વેરવિખેર ઝૂંપડાંઓની વસ્તી આજે એકત્ર થઈ હતી. દેહ બાળી નાખતી ગરમીમાં પણ દૂરદૂરથી ચાલીને આવેલા ફેરિયા, રેંકડીવાળા, ચકડોળ, મદારીઓ અને ફોટો પાડવાવાળા પોતપોતાનો પથારો પાથરીને બેસી ચૂક્યા હતા.

ગામની ઓતરાદી દિશાએ છેવાડે આવેલા એક માટીના ખોરડાનાં નળિયાં પરથી વહેલી સવારના ધુમાડો ચળાઈ ચળાઈને બહાર આવી રહ્યો હતો. મધુએ દિવસ ઊગતા પહેલાં જ ગામના કોઈક પશુપાલકને ત્યાંથી છાશ માગી લાવીને કઢીનું હાંડલું ચૂલે ચડાવી દીધું હતું. મેળો મહાલવા માટે એણે પહેલેથી જ તૈયારીઓ કરી નાખી હતી. વર્ષો પહેલાં એની મા પહેરતી હતી એ બાંધણી એણે બે દિવસ પહેલાં જ બહાર કાઢી, સરસ ધોઈને ખોરડાની પાછળ મૂકેલા પથ્થરે જઈ સૂકવી વરગણીએ લટકાવી રાખી હતી. તડકે હાથ પગ ધોઈ લીધા. ઝટ ઝટ રોટલા ટીપી એનો બાપ રામસિંગ હજુ આવ્યો નહોતો એટલે રોટલા ઢાંકી મધુ તૈયાર થઈ ગઈ. ગોખલામાં સાચવી રાખેલા કંકુનો ગોળ મોટો ચાંલ્લો કર્યો. તિરાડ પડી ગયેલા દર્પણમાં એ પોતાનું જ મોં જોઈને મલકાઈ.

“એ….ઈ!” પાછળથી કોઈનો અવાજ આવ્યોઃ “અલી…તું એમ દર્પણમાં જોઈને શેનું હસ્યા કરે છે?”

મધુએ ઝટ દર્પણ સંતાડી દીધું અને ગભરાટના ભાવ છુપાવી મોં પર ગંભીરતા ધારણ કરતાં બોલીઃ “આયહાય…મંગુડી તું છે?”

“હં…લે હેંડ હવે સૂરજ માથે ચડવા આયો. મેળામાં તો માણસ માતુંયે નથી.”

દર્પણને ભીંતની ખીલી પર ભરાવી દેતાં મધુ બોલીઃ “હું તો તૈયાર જ છું. બાપુ નથી આવ્યા. પણ આવશે એટલે એમની મેળે ખાઈ લેશે એ તો.”

અને પેટીમાં સાચવી રાખેલું બે રૂપિયાનું પરચૂરણ ભેગું કરી એક નાનકડા પાકિટમાં ભરી મધુ બહાર નીકળી.

“અલી મધુ!” મંગુ બોલી.

“હં…”

“ઊભી રે’….એક ટપકું કરી લેવા દે…”

“શું કામ?”

“આજે તો તું અપસરા જેવી લાગે છે.”

“છટ્…” મધુએ મંગુને ધબ્બો માર્યો.

અને બેઉ જણીઓ ખડખડાટ હસી પડી…હાસ્યનો એ ધોધ ઘડી બે ઘડીમાં તો મેળાના શોરગૂલમાં સામેલ પણ થઈ ગયો.

મેળો બરાબર જામ્યો હતો.

ચકડોળમાં બેસવા માટે લોકો કતારબંધ ખડા હતા. મધુ અને મંગુ પણ દૂર ખૂણામાં ઊભાં રહી માથે ઓઢેલી બાંધણીના છેડાને દાંત વચ્ચે દબાવી ગોળ ફરતા ચકડોળને જોઈ રહ્યા હતાં.

દરમિયાન પાછળ પાનના ગલ્લે ઊભેલા બેચાર જણ મોટેથી વાત કરતાં સંભળાયાઃ”અલ્યા મનસુખ! આમ ચકડોળ સામે શું તાકી રહ્યો છે?”

“ભઈ…ચકડોળમાં તો બેસીએ…પણ કોક ભેળું હોય તો ઠીક રહે ને!”

“તે લે હેંડ…હું ને તું બેય બેસીશું!”

“તારી હારે શું મજા આવે? લાલ બાંધણી હોય…માથે મોટો ચાંલ્લો હોય તો ચકડોળમાં રંગ જામે ને!”

દરમિયાન મધુ અને મંગુ પાછળ ઊભેલા જવાનિયાઓની વાતનો મર્મ પામી ગયાં હતાં. પણ એમણે પાછળ જોયું સુદ્ધાં નહીં.

“તેં શું વિચાર કર્યો પછી…મનસુખા?”

“આ મનસુખા તો ઘણાય મનસૂબા છે…પણ એકેય પાર પડતો નથી.”

– અને આ સાંભળી બેઉ બહેનપણીઓ તરત જ રવાના થઈ ગઈ. બંનેને જતી જોઈ મનસુખો અને એના ભાઈબંધો ખડખડાટ હસી પડયા. થોડીવાર બાદ મનસુખો બીડી દાંત વચ્ચે દબાવતાં બબડયોઃ “અલ્યા, મધુડીતો આજે તો જબરી બની ઠનીને આઈ છે.”

દૂર નીકળી ગયા પછી મધુ બોલીઃ “સાવ શરમ વગરની છે આ લોકો!”

અને એણે રેકડીમાંથી બંગડીઓ પસંદ કરવા માંડી લારીવાળાએ કહ્યું: “લાવો બહેન તમારો હાથ”

“અલ્યા ધીમે રહીને ચડાવજે.” પાછળથી અવાજ આવ્યો.

મધુએ ગુસ્સાથી પાછળ જોઈ મોં મચકોડયું અને મનસુખાએ આંખ મીચકારી લુચ્ચું સ્મિત આપ્યું.

“લે હેંડ મંગુ…અહીંથી…” કહેતાં મધુ એનો હાથ ઝાલી વળી બીજી દિશામાં ચાલી નીકળી.

“આ નાલાયક આજે આપણી પાછળ પડયો છે.” મંગુ બબડી.

“ફુટાશે…ભોગ એના! આમ કરવામાં તો એ જ ભૂંડો દેખાય છે.” મધુએ હળવેથી જવાબ વાળ્યો.

“એના કરતાં તો દઈ દે ને એક તમાચ.”

“ના બાપ ના, એ તો આખા ગામનો ઉતાર…એની હારે વેર કરીએ તો ગામમાંયે ન રહેવા દે.” બોલતાં મધુએ ઉમેર્યું: “લે ચાલ, પેલી ‘મુંબઈ’ જોશું?”

મંગુએ ખુશ થતાં કહ્યું: “હા….હા….ચાલ.”

અને બેઉ દસ દસ પૈસા આપી ‘યે બમ્બઈ દેખો…બાબુલનાથ કા મંદિર દેખો.’ જોવા બે હાથની છાજલી કરી બેસી ગયાં. બહારની દુનિયાથી દૂર એક નાનકડા અંધારિયા ખાનામાં રંગબેરંગી ચિત્રો જોવામાં મશગૂલ બની ગયાં.

અને અચાનક કશોક કોલાહલ સંભળાયો. બુમરાણ સાંભળી બંનેએ બહાર જોયું તો દૂરથી ચારેક ઘોડા સડસડાટ મેળાની ભીતર પ્રવેશી રહ્યા હતા. દરેકના મોં પર બુકાની હતી. ખભે રાઈફલ ભરાવેલી હતી અને કોઈ સુંદર બગીચાને પીંખી નાખતા હોય એમ માનવમહેરામણની સોંસરવાએ પ્રવેશી ગયા. માનવીને કીડીમંકોડા ગણતા એ ઝંઝાવાતી ઘોડા કોઈનીયે પરવા કર્યા વિના એક પછી એક રેંકડી ઉથલાવતા ગયા. બંગડીવાળાની લારી ગુંલાટ ખાઈ જતાં હજારો કંગન નંદવાઈને ચૂરા થઈ ગયાં. કોઈની મીઠાઈ ધૂળભેગી થઈ ગઈ તો બેચાર માણસો પણ ઘોડાઓની અડફેટમાં ગુલાટિયાં ખાઈ ગયા. હજુ તો તીરની જેમ ત્રાટકેલા ઘોડાઓ ચોગરદમ ઘૂમી રહ્યા હતા. ચારેકોર બુમરામ અને નાસભાગ શરૂ થઈ ગઈ. કોઈ જીવ બચાવવા તો કોઈ પોતાનો માલ બચાવવા.ડાકુઓ મેળા ઉપર ત્રાટક્યા હતા.

અને એક ઘોડેસવારે બરાબર વચ્ચે ઊભા રહીને બંદૂકનો ધડાકો કર્યો.

સહુ અવાક્ થઈ જયાં ઊભા હતા ત્યાં જ થંભી ગયા, મધુ અને મંગુ પણ એક દીવાલની ઓથે ભરાઈને આ તોફાન નિહાળી રહ્યાં.

મધુ બોલીઃ “આ લોકો ચંબલવાળા આવેલા ડાકુ મલખાનના માણસો લાગે છે.”

અને બાકીના ત્રણેય ઘોડેસવારોએ લૂંટ શરૂ કરી. જેના ગલ્લામાંથી જે હાથમાં આવ્યું તે ભરવા માંડયું. ધોળે દિવસે સેંકડોની હાજરીમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી પણ દેન છે કોઈની કે કોઈ ચૂંકે ચાં કરે.

ચારેકોર સન્નાટો છવાઈ ગયો. સહુ પૂતળાની જેમ સ્થિર બની ઊભા રહ્યા હતા. વચ્ચે ઊભેલા ઘોડેસવારની બંદૂક ચારે દિશામાં ફરતી હતી. ક્યારે ઘોડો દબાય અને કોની લાશ ઢળી પડે એ કહી શકાય તેમ નહોતું. આવા અચાનક હુમલાનો સામનો કરવાની કોઈની તૈયારી નહોતી. દુનિયા આખી જાણે કે થંભી ગઈ હતી. લૂંટ ચાલુ હતી.

અને વચ્ચે ઊભેલા ઘોડેસવારે એક હાથે રાઈફલ તાર્ક રાખતાં લગામવાળા હાથે કેડમાં ખોસેલી બાટલી કાઢી. દાંત વચ્ચે બૂચ ભરાવી બૂચને ખેંચી કાઢી ફેંકી દીધો અને લોક ફાટી આંખે એને બાટલી ગટગટાવતાં જોઈ રહ્યા.

બાટલીને ફેંકી દેતાં એણે બૂમ મારીઃ “ચાલો!”

એની ગર્જનાને તરત જ માન આપતા ત્રણેય ઘોડેસવાર વળી સડસડાટ પોટલાં બાંધી મેળાની બહાર નીકળી ગયા

અને મેળામાં ફરી જીવનો સંચાર થયો, પણ વેરવિખેર અને દર્દથી કણસતો મેળો જાણે કે માર ખાઈ ગયો હોય એમ માંડ બેઠો થવા મથી રહ્યો. ધૂળમાં રગદોળાયેલી મીઠાઈને રેંકડીવાળાએ ફરી ભેગી કરવા માંડી. કાચના ભૂક્કાને જોઈ રહેલા બંગડીવાળાએ નિસાસો નાખ્યો. ઘોડાની અડફેટથી ફેંકાઈ ગયેલા બે જણની આસપાસ લોકો ભેગા થઈ ગયા. મોટા ભાગના દુકાનદારો લૂંટાઈ ચૂક્યા હતા. ખાલી ગલ્લા સાથે તેઓ મોં વકાસીને જોઈ રહ્યો.

જાણે કે એક વાવાઝોડું આવીને ચાલી ગયું.

મેળાનો આનંદ હવે ખતમ થઈ ચૂક્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી કોઈ યુવતીની જેમ શરમિંદો બની ગયેલો મેળો હવે અવાજ કરતાં પણ ગભરાતો હતો.

અને અચાનક દૂરથી ફરી એકવાર ધડાકા સંભળાયા…એક…બે…ત્રણ…અને પૂરા ચાર.

લોકો ફરી ફફડીને ડુંગરીના નાળા તરફ જોઈ ચારે તરફ ડુંગરીથી ઘેરાયેલા ગામમાં પ્રવેશવાનો એક માર્ગ હતો. અને નાળા તરફ ભાગી છૂટેલા ઘોડેસવારી ફરી ધડાકો કેમ કર્યો હશે એ ઈંતેજારીથી સહુ દૂર દૂર રહ્યા. પણ નાળાની પેલે પાર જવાની કોઈ હિંમત નહીં.

કેટલીયે વાર સુધી કોઈ જ હિલચાલ જણાઈ નહીં. સેંકડો આંખો નાળા ભણી તાકી રહી…એક જીપ આ તરફ આવતું જણાઈ. ધૂળ ઉડાડતી જીપ મેળાના મુખ પાસે આવીને અટકી કોઈ અજનબી યુવાન જીપમાંથી ઊતર્યો. લોકો એેને તાકી રહ્યા.

સીટ પર પડેલી રિવોલ્વરને કેસમાં મૂક્તાં એ અત્યંત ધીમેથી બોલ્યોઃ “મેળામાંથી લૂંટાયેલી માલ જીપમાં પડયો છે. સહુ ઓળખીને લઈ લે.”

અને બધા જ આવક બનીને એની તરફ તાકી રહ્યા ત્યારે યુવાનના ચહેરા પર મધુર સ્મિત સિવાય અન્ય કોઈ ભાવ નહોતા.

(ક્રમશઃ)

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!