Close

મધુ એને મીઠો વીંઝણો નાંખતી હતી

અન્ય લેખો | Comments Off on મધુ એને મીઠો વીંઝણો નાંખતી હતી

લોહી નીતરતો ઉગશે સુરજ -પ્રકરણ ૪


૦૦૦૦૦
પહાડીઓની તળેટીમાં વસેલા ડુંગરી ગામનો કોઈ યુવાન ડાકુ મલખાનની દીકરીને ભગાડી ગયો. તેનો બદલો લેવા ડાકુ મલખાને ગામના પાનચંદ શેઠનું મકાન સળગાવ્યું: એ આગમાંથી પાનાચંદ શેઠને બચાવવા વિક્રમે આગના તાંડવમાં ઝંપલાવ્યું: પાનાચંદ શેઠની યુવાન પુત્રી વિક્રમના સાહસ અને સંઘર્ષને નિહાળી રહી. એ પહેલાં વિક્રમે તેની રિવોલ્વરમાંથી ગોળીઓ છોડી ડાકુઓને લોહીલુહાણ કરી દીધા. વિક્રમ આ ગામમાં કેમ આવ્યો અને તેનું મિશન શું હતું તે ગામના લોકો હજુ જાણતાં ન હતાં.

પ્રકરણ-૪

વિક્રમ મૂંઝાઈ ગયો.

ચારે તરફ ઊઠેલા આગના ભડકા હવે બેકાબૂ બની રહ્યા હતા. નીચે તો ચારે તરફ અગ્નિનું તાંડવ હતું. એક માત્ર મેડી પર પહોંચી શકાય તો જ બારીમાં થઈ બહાર બાજુના છાપરા પર કૂદી પડવાનો ઉપાય હતો. દાદર પર નાખેલું ગાદલું ઘડી બે ઘડીમાં તો સળગી ઊઠયું. શોભના એકલી ઉપર હતી.

એ બૂમો મારી રહી હતીઃ “બચાવો!…બચાવો!…” અને બેભાન પાનાચંદને પકડીને ઊભેલો વિક્રમ ઘડીભર મૂઢ બની ગયો.

દરમિયાન બહાર કોલાહલ વધી રહ્યો હતો. આગને કાબૂમાં ન લેવાય તો આસપાસના ઘર પણ બળી જાય તેવી ભીતિ પેદા થઈ હતી. બહારની બાજુએ સરપંચ સજ્જનસિંહ, મુખી કોદરલાલ અને ગામના ઢગલાબંધ નવજુવાનો તથા સ્ત્રીઓ માથે પાણીનાં બેડાં કે હાથમાં ડોલો ભરી પાણીનો છંટકાવ કરી રહ્યા હતાં.

ભારે બુમરાણ વચ્ચે આગના ભડભડ ઊઠેલા ભડકાના ભીતરથી વિક્રમે શોભના સાંભળી શકે તેમ બૂમ મારીઃ “જો નીચે જોવાની કોશિશ ન કર…બારીમાંથી કૂદીને બાજુના છાપરા પર ચાલી જા….”

પણ શોભના ન તો કંઈ સાંભળી શકી કે ન તો કંઈ કરી શકી.

આ તરફ વિક્રમ બીજું ગાદલું લેવા આગની જ્વાળાઓથી બચીને અંદરના ખંડમાં ગયો. પણ એકાએક એની નજર ભીંત પર ભરાવેલી બંદૂક તરફ ગઈ. વિક્રમે ઝડપથી બંદૂક ઉતારી લીધી. બાજુનું કબાટ ખોલી નાખી અંદરથી કારતૂસ શોધી કાઢી એ ફરી મુખ્ય ખંડમાં આવ્યો. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એણે બંદૂકમાં કારતૂસ ભરાવી દીધી. અને ઘરના સળગી રહેલા મુખ્ય બારણાના એક છેડા પર નિશાન તાકી ઘોડો દબાવ્યો. ધણધણ…અવાજ સાથે બારણું ધ્રૂજી ઊઠયું…થોડીક વાર પછી બીજો ધડાકો થયો અને બારણું તૂટું તૂટું થઈ રહ્યું. બહાર ઊભેલા લોકો આ ધડાકાઓથી સ્તબ્ધ થઈ ગયા.

વિક્રમ એ જ બંદૂક લઈ બારણા તરફ ઘસી ગયો અને જોસથી બંદૂકને બારણા સાથે અફળાવી. બીજી જ ક્ષણે સળગતું બારણું બહારની દિશામાં તૂટી પડયું.

વિક્રમે એક ક્ષણની પણ રાહ જોયા વિના બે હોશ પાનાચંદ શેઠને ખભા પર નાખી ઝડપથી સળગતા બારણાની ઉપર થઈ અને ભભૂકી રહેલી બારસાખની જ્વાળાઓને વીંધતો બહાર ઘસી ગયો અને આમ આગના દરિયામાંથી બહાર નીકળી આવેલા વિક્રમને જોઈ ગામલોકોએ હર્ષનો ચિત્કાર કર્યો.

લોકો ચારે તરફ એની આસપાસ એકત્ર થઈ ગયા હતા. પણ એણે બૂમ પાડીઃ “બાજુના છાપરા પર જઈ જલદી છોકરીને બચાવી લ્યો…”

અને આટલું સાંભળતાં જ મનસુખો ઘડી-બે-ઘડીમાં તો લાંબું દોરડું લઈ બાજુના છાપરા પર ચઢી ગયો. મેડીની બારી ખુલ્લી હતી. શોભના મદદ માટે બૂમો મારી રહી હતી. છાપરા પરથી મેડી પર કૂદીને જેવું પુરુષ માટે આસાન હતું પણ સ્ત્રી માટે આવો કૂદકો શક્ય નહોતો. મનસુખાએ બાજુના છાપરાના મોભ પરનાં નળિયાં ખોલી નાખી દોરડાનો એક છેડો બાંધી દીધો અને બીજો છેડો લઈ એ મેડીની અંદર કદ્યો. શોભના હજુ ગભરાટમાં હતી. મનસુખાએ દોરડાના બીજા છેડાને મેડીની એક ખૂંભી સાથે બાંધી દીધું અને શોભનાને આગની જ્વાળાઓથી બચાવતો એ મેડીની બારી પાસે લઈ આવ્યો.

દોરડાને લટકી જા એણે સૂચના આપી.

શોભના દોરડાને પકડીને લટકી રહી.

બારીમાં ઊભેલા મનસુખાએ એને ધીમેધીમે છાપરા તરફ આગળ વધવા કહ્યું. પણ એકાએક દોરડું મેડીની અંદર સળગવા માંડયું હતું. શોભના હજુ અડધે જ પહોંચી હતી. મનસુખાએ જોયું કે દોરડું સળગી રહ્યું છે એટલે એણે તરત જ બારી પર પગ ટેકાવી દોરડાનો છેડો મજબૂત પકડી રાખ્યો.

નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

મનસુખાએ જોયું તો આગની જ્વાળાઓ ઝડપથી એની પાછળ સાપની જીભની જેમ લબકારા મારી રહી હતી.

એણે બૂમ મારીઃ “શોભના…જલદી જા…જલદી છાપરા ઔતરફ જા.”

મનસુખાના પગ દાઝી રહ્યા હતા. પરંતુ શોભના માટે છાપરું હવે માંડ વેંત છેટું હતું. પરસેવાથી રેબઝેબ થયેલા મનસુખાએ દોરડું કસીને પકડી રાખ્યું. વેદના દબાવી દેવ માટે એણે આંખો દાબી દીધી અને દોરડું ઢીલું પડી ગયું.

મનસુખાએ આંખો ખોલી તો શોભના સામેના છાપરા પર પહોંચી ગઈ હતી. એણે રાહતનો દમ લીધો…અને દોરડાને પકડીને એણે કૂદકો માર્યો પણ છાપરા સુધી પહોંચી શક્યો નહીં. પણ હાથમાં મજબૂત પકડેલા દોરડે એ લટકી રહ્યો. સામેની ભીંતે અફળાયો અને છતાંયે દોરડાની પકડ છોડયા વિના ધીમેધીમે નીચે પછડાઈ ગયો.

એવામાં વિક્રમ એકાએક એની તરફ દોડયો અને મનસુખાનાં બાવડાં પકડી એને દસેક ફૂટ દૂર ખેંચી ગયો…બીજી જ ક્ષણે સળગતું એક મોટું લાકડું જ્યાં મનસુખો ઊભો હતો ત્યાં જ પડયું. અને આગની ભભૂકી રહેલી જ્વાળાઓને કાબૂમાં લેવા ગામલોકોએ મરણિયો પ્રયાસ આદર્યો.

આરામગૃહ.

જબરદસ્ત ઝંઝાવાત પછીની જબરદસ્ત શાંતિ. રાતનાં બિહામણાં દ્રશ્યો પછી વૃક્ષો પણ ડરી ગયાં હોય એમ ચૂપ હતાં. ઝાડની ડાળીઓને ઘસાઈને આવતો પવન પણ જાણે બી બીને વાતો હતો.

વિક્રમ ઠીક ઠીક દાઝી ગયો હતો. રાત્રે જ એણે દઝાયેલા ભાગ પર બરનોલ લગાડી દીધું હતું. ચહેરા પર ઠેર ઠેર ઉઝરડા થયા હતા. આખી રાત એ ઊંઘી શક્યો નહોતો. છેક સવારે એની આંખ મળી હતી.

વિક્રમે આંખો ખોલી.

મધુ એના પલંગ પર બેસી દાઝેલા ભાગ પર મીઠો વીંઝણો નાખી રહી હતી.

વિક્રમ બોલ્યોઃ “મ…ધુ!”

મધુએ કશો જ પ્રત્યુત્તર આપ્યો નહીં. એની આંખોમાંથી લાગણી ટપકી રહી હતી.

વિક્રમે પૂછયું: “તું કયારની અહીં બેઠી છે?”

મધુ બોલીઃ “તમે બહુ દાઝી ગયા છો…અંદર બળતું હશે નહીં…!”

“મનસુખાને કેમ છે?”

મધુ ખિજાઈઃ “હું તમને પૂછું છું કે તમને કેમ છે?”

“મને તો ગમે છે.”

“શું?”

“વીંઝણો.”

“તો ઠીક.”

“તું શું સમજી?”

અને મધુની આંખો જાણેઅજાણે નીચે ઢળી ગઈ.

થોડીવાર પછી મધુ ફરીથી બોલીઃ “સાહેબ, એક સવાલ પૂછું?”

“પૂછો.”

“તમે શહેર છોડી અહીં આવી ઉપાધિમાં શા માટે પડયા?”

વિક્રમ બોલ્યોઃ “વીંઝણો ખાવા!”

અને મધુ શરમાઈ ગઈ હોય એમ એણે વીંઝણો મૂકી દીધો. પલંગ પરથી તે બેઠી થઈ ગઈ. થોડી વાર માટે તે ચાલી ગઈ. પાણીની એક ડોલ લઈ આવી અને વિક્રમને બેઠો થવા ન દીધો બલકે ઠંડા પાણીનાં પોતાંથી એના હાથ-પગ સ્વચ્છ કરી આપ્યા. બપોરે ઘેર જઈને એ ભોજન પણ લઈ આવી અને સામે બેસીને એણે વિક્રમને જમાડયો. રામસિંગ મધુને ખાસ સૂચના આપીને ગયો હતો કે આખો દિવસ સાહેબ પાસે રહેજે…એમને કંઈ તકલીફ પડવી ન જોઈએ.

સાંજે મધુ ચા લઈને હાજર થઈ. વિક્રમે ચા પીધી, મધુ ખાલી કપ લઈને બહાર જતી હતી ત્યાં જ વિક્રમે ધીમા સ્વર ઔમધુને બોલાવીઃ

“મધુ…!”

અને મધુ બારણામાં જ થંભી ગઈ.

વિક્રમ બોલ્યોઃ “અહીં આવ તો…”

મધુ એની પાસે આવી.

વિક્રમે હળવેથી મધુનો હાથ પક્ડયો અને હાથ પર એણે ચૂમી ભરી લીધી. મધુ એને ઈન્કારી શકી નહીં. વિક્રમે મધુના પ્રત્યાઘાત જોવાની પરવા પણ કરી નહીં. એણે તો અંતરમાંથી ઊમટેલી ઊર્િમઓને છડેચોક અભિવ્યક્ત કરી લીધી.

મધુ દ્વિધાભરી હાલતમાં ત્યાંથી બહાર નીકળી ગઈ. ઝડપથી એ રસોડા તરફ ભાગી. ચાનો કપ નીચે મૂક્તાં જમીન પર બેસી પડી. બે પગ વચ્ચે મોં સંતાડીને એ બેસી ગઈ. એના હૈયામાં અદ્રશ્ય વેદનાનો આરંભ થઈ ચૂક્યો હતો. હાથ પરનું ચુંબન એના હૈયાને આગ ચાપી ગયું હતું. પણ એ જ્વાળાઓ એને ગમતી હતી કે નહોતી એટલું એ સમજી શકી નહીં.

અલબત્ત, એનું હૃદય જોસભેર ધબકી રહ્યું હતું.

બીજી બાજુ અડધી સળગી ગયેલી હવેલીના કોઈક ખૂણામાં અંદર અને બહારથી પ્રજવલિત શોભના પણ આહ ભરતી હતી.

(ક્રમશઃ)

દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!