Close

મમ્મા, સાચા પ્રેમથી બાંધેલી રાખડી ક્યારેક ચમત્કાર પણ સર્જી શકે

અન્ય લેખો | Comments Off on મમ્મા, સાચા પ્રેમથી બાંધેલી રાખડી ક્યારેક ચમત્કાર પણ સર્જી શકે

PADMJA -PRAKARAN-12

000000000000000

પ્રકરણ-૧૨

પદ્મજાના આગમનનાં પૂરાં નવ વર્ષ બાદ મહાશ્વેતા પુત્રની માતા બની હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. નવજાત શિશુની આંખો હજુ ખૂલી નહોતી. પદ્મજા તો વારેવારે ઉપર આવીને તેના ભાઈને જોઈ જતી હતી. મોડેથી વિશ્વંભર ઉપરના શયનખંડમાં આવ્યા. તેમણે જોયું તો મહાશ્વેતા અસ્વસ્થ હતી.

વિશ્વંભરે પૂછયું: ‘મહાશ્વેતા, તને ઠીક છે?’

‘હા?’

‘તો તારા ચહેરા પર ઉદાસી કેમ છે?’

‘ઉદાસી નહીં, ચિંતા છે.’

‘ચિંતા શાની?’

‘આયા મને જાતજાતના પ્રશ્નો પૂછતી હતી.’

‘કેવા પ્રશ્નો?’

મહાશ્વેતા બોલીઃ ‘તે પૂછતી હતી કે પદ્મજા તમારી જ દીકરી છે?’

‘એવું કેમ પૂછયું એણે? એને કાંઈ ખબર છે?’

‘ના…એ કહેતી હતી કે પદ્મજાના આવ્યા બાદ નવ વર્ષે મને પ્રસૂતિ રહી એટલે…કદાચ!’

વિશ્વંભર બોલ્યોઃ ‘જો મહાશ્વેતા, સ્ત્રીઓનો આ સ્વભાવ જ છે કે કારણ વગરની ખણખોદ કરવી. એણે સ્ત્રીસહજ સ્વભાવે પૂછયું હશે તેમાં તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તો પદ્મજાને સારાં પગલાંની માનું છું. જો મેં ૪૦ વર્ષ વટાવી દીધાં. મને લાઈટહાઉસનો કહેવાતો કોઈ શાપ નડયો નહીં. મને બઢતી મળી. મને પ્રશસ્તિપત્ર મળ્યો. બે આસિસ્ટન્ટ પણ મળ્યા. હવે પુત્રરત્નની પણ પ્રાપ્તિ થઈ.’

‘હા વિશ્વંભર, તમે સાચા છો. પદ્મજા સારાં પગલાંની છે.’

‘તું ચિંતા છોડ. યાદ છે ને કે કેટલાક સમય પહેલાં દશરથ રાજાનાં પહેલા પુત્રી શાંતાની વાત તો કરી હતી. મિત્રને વચન ખાતર રાજા દશરથે પોતાનું પ્રથમ સંતાન એવી પુત્રી અંગ દેશના રાજા રોમપાદને આપી દીધી. શાંતાનું લગ્ન ઋષિ શૃંગ સાથે થયું. દશરથ રાજાને ઉંમર થવા છતાં સંતાન ન થયું. છેવટે ઋષિઓની સલાહથી દશરથ રાજાએ પોતાના જ જમાઈ ઋષિ શૃંગ પાસે પુત્રકામેષ્ઠિ યજ્ઞા કરાવરાવ્યો અને દશરથ રાજાના ઘેર રામ અવતર્યા. બસ, એમ જ સમજ કે પદ્મજા આપણા માટે શાંતા થઈને આવી. ગોડ ઈઝ ગ્રેટ.’

પત્નીની વાત સાંભળી રહેલી મહાશ્વેતાએ મોં હલાવ્યું. વિશ્વંભરે મહાશ્વેતાના માથા પર હાથ મૂક્યો. મહાશ્વેતાને સારું લાગ્યું. એના ચહેરા પર હવે શાંતિના ભાવ હતા.

૦ ૦ ૦

સમય જતાં વાર લાગતી નથી.

પદ્મજાની ઈચ્છા અનુસાર બાળકનું નામ ‘પ્રસૂન’ જ પાડવામાં આવ્યું હતું. પ્રસૂન એક વર્ષનો થયો. રક્ષાબંધનના દિવસે પદ્મજાએ પ્રસૂનને પહેલી રાખડી બાંધી. એના કપાળે નાનકડું કુમકુમ તિલક કર્યું. પદ્મજાએ હાથમાં થાળી લઈ નાનકડા ભાઈની આરતી ઉતારી. એ વખતે પ્રસૂન મહાશ્વેતાના ખોળામાં હતો. પદ્મજાએ પૂછયું: ‘મમ્મા, ભાઈ રમાડવા જેવો ક્યારે થશે?’

‘હજુ વાર છે બેટા.’

‘પણ એ મોટો થશે ત્યારે તો હું કોલેજમાં હોઈશ.’

‘એ પણ મોટો થઈ તારી જેમ કોલેજમાં જશે.’

‘પણ મમ્મા, હું જ્યાં પણ હોઈશ ત્યાંથી રક્ષાબંધનના દિવસે તો ઘેર જ આવીશ.’

‘મમ્મા, તમને એક પ્રસંગની વાત કહું?’

‘કહેને…શાની વાત છે?’

‘રાખડીની.’

‘હા…કહેને!’

પદ્મજાએ શરૂ કર્યું: ‘મમ્મા, હમણાં થોડા દિવસ પહેલાં જ મેં સ્કૂલની એક લાઇબ્રેરીમાં “આંતરક્ષિતિજ” નામનું એક પુસ્તક વાંચ્યું. તેમાં સત્યકામ નામના એક પત્રકારની સ્મૃતિઓ વર્ણવવામાં આવેલી છે. સત્યકામ ગામડેથી આવેલો એક યુવાન પત્રકાર છે. ખૂબ જ સારું ભણેલો છે. સ્પેનિશ પાદરીઓ – ફાધર્સ દ્વારા સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલો છે. એણે પત્રકારત્વની કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે તેને એક પોલિટિકલ પાર્ટીની ગતિવિધિનું રિપોર્ટિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું. એ નાનો હતો ત્યારથી જ તેને અમેરિકા જવાની હોંશ હતી. ગામના ફળિયામાં સૂતાં સૂતાં આકાશમાં ઊડતા વિમાનને જોઈને વિચારતો કે એક દિવસ હું પણ આવા જ પ્લેનમાં બેસી અમેરિકા જઈશ અને એક દિવસ તેનું સ્વપ્ન સાકાર થયું. સત્યકામનો એક મિત્ર યુરોપ-અમેરિકા પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માંગતો હતો. સત્યકામે કહ્યું કે તમે ફિલ્મ ઉતારોને હું સ્ક્રીપ્ટ લખીશ. સત્યકામ પાસે બહુ પૈસા નહોતા છતાં મિત્રો પાસેથી ઉછીના લઈ અમેરિકા જવાની રિટર્ન ટિકિટ લીધી.’

‘ગ્રેટ’

પદ્મજા બોલતી રહીઃ ‘સત્યકામ અમેરિકા જાય છે તે વાતની ખબર એ પોલિટિકલ પાર્ટીના નેતાઓને પડી. એ જમાનામાં અમેરિકા જવું એક સમાચાર હતા. બધાએ સત્યકામને પાર્ટી આપી. એ વખતે એ પોલિટિકલ પાર્ટીમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર ઝીણાભાઈ દેસાઈ એટલે કે ‘સ્નેહરશ્મિ’ નાં ધર્મપત્ની વિજયાબહેન દેસાઈ પણ મહિલા પાંખનાં વડાં હતાં. એમણે સત્યકામને પોતાની ઓફિસમાં બોલાવ્યો. એ વખતે સત્યકામની ઉંમર માંડ ૨૬ વર્ષની હતી. વિજયાબહેન દેસાઈની ઉંમર ૬૦ વર્ષની હતી. વિજયાબહેને પોતાનું ડ્રોઅર ખોલી તેમાંથી એક રાખડી કાઢી અને સત્યકામના હાથે બાંધી. સત્યકામે પૂછયું: ‘બહેન, આજે તો રક્ષાબંધન છે જ નહીં તો મને આજે કેમ રાખડી બાંધો છો?’

વિજયાબહેને વાત્સલ્ય સભર સ્વરે કહ્યું: ‘સત્યકામભાઈ, તમે દરિયાપાર જાવ છો. અનેક મુશ્કેલીઓ આવે. તમારી રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીને હું આ રાખડી તમને બાંધું છું.’

મહાશ્વેતા સાંભળી રહી.

પદ્મજા બોલતી રહીઃ ‘બંને મિત્રો એક મહિનો યુરોપમાં ફર્યા. ત્યાંથી અમેરિકા ગયા. પણ સત્યકામને હવે ઘર યાદ આવી ગયું. હવે તેની પાસે પૈસા ખલાસ થવા આવ્યા હતા. પાછા આવવાની ઓપન ટિકિટ હતી. સત્યકામ તેના મિત્રથી અલગ થઈ લોસ એન્જલસથી એકલો ન્યૂયોર્ક આવ્યો. એક હોટલમાં ઊતર્યો. ખિસ્સામાં માત્ર ૨૫ ડોલર જ વધ્યા હતા. બે દિવસ ચાલે તેટલા જ. સત્યકામ વહેલી સવારે અલઈટાલિયા નામની એરલાઈન્સની કંપનીની ઓફિસે ગયો. એણે પોતાની ટિકિટ રજૂ કરતાં કહ્યું કે મારે આજે ન્યૂયોર્કથી મુંબઈ જવું છે. કાઉન્ટર પર બેઠેલા ઈટાલિયન અધિકારીએ કમ્પ્યૂટર ખોલીને કહ્યું: ‘સોરી, મિ. સત્યકામ પંદર દિવસ સુધી ફ્લાાઈટ ફુલ છે. તમને પંદર દિવસ પછી સીટ રિઝર્વ કરી શકું. સત્યકામે કહ્યું કે મારી પાસે હવે ૨૫ ડોલર જ છે. જે બે દિવસ ચાલે તેટલા જ છે. કાલ પછી મારી પાસે હોટલમાં રહેવાના કે ખાવાના પૈસા નથી. હું ક્યાં રહીશ? શું ખાઈશ? મારે રસ્તા ઉપર આવી જવું પડશે. ‘

‘ઓહ!’

પદ્મજા બોલીઃ ‘પરંતુ ઈટાલિયન અધિકારીએ ધરાર ઈન્કાર કરી દેતાં કહ્યું કે એ મારો પ્રોબ્લેમ નથી.’

‘પછી!’

પદ્મજા બોલીઃ ‘હતાશ થયેલો સત્યકામ હોટલ પર આવ્યો. ન્યૂયોર્કમાં એને કોઈ ઓળખતું નહોતું. આખી રાત તે ઊંઘી શક્યો નહીં. ભગવાનનું નામ દઈ બીજા દિવસે સવારે ફરી નસીબ અજમાવવા તે અલઈટાલિયા એરલાઈન્સની ઓફિસે ગયો. સત્યકામે જોયું તો આજે ઈટાલિયન ઓફિસરની જગાએ તેની જ વયની એક ઈટાલિયન યુવતી બેઠી હતી. સત્યકામે તેની ટિકિટ રજૂ કરતા કહ્યું કે મારે આજે રાતની ફ્લાઈટમાં સીટ જોઈએ છે. મારા પાસે ઓપન ટિકિટ છે. ઈટાલિયન યુવતીએ કમ્પ્યૂટર ઓપન કરીને એ જ જવાબ આપ્યો- ‘સોરી મિ. સત્યકામ, ૧૫ દિવસ સુધી ફ્લાઈટ ફુલ છે. તમે કહો તો પંદર દિવસ પછીનું રિઝર્વેશન આપું.’ સત્યકામ નિરાશ થઈ ગયો. એણે પોતાના બે હાથથી માથું પકડી લીધું. એ દરમિયાન સત્યકામના જમણા હાથે બાંધેલી રાખડી જોઈ ઈટાલિયન યુવતીએ પૂછયું કે આ શું છે? સત્યકામે ઈટાલિયન યુવતીને અંગ્રેજીમાં સમજાવ્યું: ‘આ દોરાને મારા દેશમાં રાખડી કહે છે. મારા દેશની બહેનો તેમના ભાઈની ઈશ્વર રક્ષા કરે અને દરેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢે તે માટે ભગવાનને પ્રાર્થના કરી પ્રેમના પ્રતીક રૂપી આ રાખડી બાંધે છે.’

ઈટાલિયન યુવતી આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. સત્યકામે જોયું તો એ ઈટાલિયન યુવતીની આખમાં પાણીની કોર બંધાઈ હતી. કોણ જાણે કેમ પણ આ વાત સાંભળ્યા પછી એ યુવતીને તેનો ભાઈ યાદ આવી ગયો હોવો જોઈએ. એણે સત્યકામ પાસે ફરી ટિકિટ માંગી. કમ્પ્યૂટર ખોલ્યું અને કહ્યું કે હું તમને આજ રાતની જ ફલાઈટમાં સીટ આપી દઉં છું. તમે આજે રાત્રે જ ન્યૂયોર્કથી મુંબઈ જઈ રહ્યા છે. સત્યકામ ખુશ થઈ ગયો. રિઝર્વવેશનવાળી ટિકિટ લઈ તે હોટલ પર ગયો અને સમાન લઈ સીધો એરર્પોર્ટ ગયો. ન્યુયોર્કથી મુંબઈ જતી ફ્લાઈટમાં એને જગ્યા મળી ગઈ. એ મનોમન તેના કરતાં ઘણાં મોટાં અને પ્રેમાળ વિજયાબહેન દેસાઈને યાદ કરીને તેમને વંદી રહ્યો. વિજયાબહેન તેના સગા બહેન ન હતા પરંતુ એક મોટા બહેન તરીકે તેમણે બાંધેલી રાખડી એ યુવાન પત્રકારને મુશ્કેલીમાંથી બહાર કાઢી દીધો. મમ્મા, આવી છે રાખડીની તાકાત! સાચા પ્રેમથી બાંધેલી રાખડી ક્યારેક ચમત્કાર પણ સર્જી શકે છે.’

મહાશ્વેતા તો પદ્મજાની વાતને મંત્રમુગ્ધ થઈ સાંભળી રહી. પદ્મજા બોલીઃ ‘એટલે જ મમ્મા, હું જ્યાં પણ હોઈશ ત્યાંથી રક્ષાબંધનના દિવસે તો ઘેર આવીશ અને મારા નાના ભાઈ પ્રસૂનને રાખડી બાંધીશ.’

મહાશ્વેતાએ પુત્રી પદ્મજાનો હાથ વહાલથી ચૂમી લીધો.

૦ ૦ ૦

પ્રસૂન પાંચ વર્ષનો થતાં તેને શાળામાં દાખલ કરવામાં આવ્યો. સમય જતાં વાર લાગતી નહોતી. મહાશ્વેતાની અને વિશ્વંભરની વય પણ હવે વધતી જતી હતી. બેઉ ૪૫ વર્ષની વય વટાવી ચૂક્યાં હતાં. પદ્મજા પણ હવે ઉચ્ચ માધ્યમિક શાળાના અંતિમ વર્ષમાં આવી.

પ્રસૂન પણ હવે પાંચમા ધોરણમાં આવ્યો. તે હવે સમજતો થયો હતો. રોજ સાંજે પદ્મજા તેની પાસે બેસતી. નાનાભાઈને ગૃહકાર્ય કરવામાં મદદ કરતી. દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતી. કુમકુમ તિલક કરી તેની આરતી ઉતારતી.

એક દિવસની વાત છે. પાંચમા ધોરણમાં ભણતો પ્રસૂન બેગ લઈને ઘેર આવ્યો. મહાશ્વેતા અને વિશ્વંભરે જોયું તો તે રડતો હતો. મહાશ્વેતાએ તેને પાસે બોલાવી પૂછયું: ‘કેમ રડે છે બેટા? તને કોઈએ માર્યો?’

‘ના’

‘તું હોમવર્ક કર્યા વગર ગયો હતો?’

‘ના.’

‘તેં સ્કૂલમાં કોઈ તોફાન-મસ્તી કર્યાં?’

‘ના’

‘તો કોઈ ભૂલ કરી હતી?’

પ્રસૂન બોલ્યોઃ ‘મમ્મા, મેં કોઈ જ ભૂલ કરી નથી પણ સ્કૂલમાં મારા ટીચર વારંવાર મને કહે છે કે તારા કરતાં તારી બહેન વધુ હોશિયાર છે.’

‘તે એમાં શું થઈ ગયું બેટા?’: મહાશ્વેતાએ તેના ગાલ પંપાળતા કહ્યું.

પ્રસૂન બોલ્યોઃ ‘પણ પરીક્ષામાં હું સારી રીતે પાસ થઈ જાઉં છું છતાં એ લોકો મને એમ જ કહે છે કે તારા કરતાં પદ્મજા વધુ હોશિયાર છે મારાથી, એ મને જરા પણ ગમતું નથી.’

મહાશ્વેતા બોલીઃ ‘જો બેટા, દરેક સ્ટુડન્ટ એકસરખા ન હોય. પદ્મજામાં એક ખૂબી હશે તો તારામાં બીજી. તું બીજી બાબતમાં હોશિયાર હોઈશ.’

‘પણ બધાં એનાં જ વખાણ કેમ કરે છે?’ : પ્રસૂન પૂછી રહ્યો.

વિશ્વંભરે કહ્યું: ‘જો બેટા, એક દિવસ એ જ લોકો તારાં પણ વખાણ કરશે. પણ એને લાયક થવા માટે વધુ મહેનત કરવી પડશે. ખૂબ વાંચવું લખવું પડશે.’

પ્રસૂન બોલ્યોઃ ‘તો હું શું વાંચતો-લખતો નથી? તમને પણ મારા કરતાં પદ્મજા જ વધુ ગમે છે?’

નાનકડા પ્રસૂનનું આ વિધાન સાંભળી મહાશ્વેતા અને વિશ્વંભર ચોંકી ગયાં. તેમને ખ્યાલ આવી ગયો કે પ્રસૂનમાં તેની જ બહેન માટે છૂપી ઈર્ષા પેદા થઈ છે. મહાશ્વેતા તો ચૂપ રહી પરંતુ વિશ્વંભરે કહ્યું: ‘જો પ્રસૂન, અમારા માટે તમે બંને ભાઈ-બહેન સરખાં છો.’

પ્રસૂને તરત જ સવાલ કર્યોઃ ‘તો પછી મમ્મા પદ્મજાને ભાવે છે તેવું જમવાનું રોજ કેમ બનાવે છે? મને તો કોઈ પૂછતું જ નથી!’

મહાશ્વેતા પ્રેમથી બોલીઃ ‘તને શું ભાવે છે બેટા? તું કહે તે આજે અને રોજ બનાવીશું.’

પ્રસૂન બોલ્યોઃ ‘મને કશું જ ભાવતું નથી…. જાવ…મારે કંઈ જ કહેવું નથી.’

મહાશ્વેતા અને વિશ્વંભરને ખ્યાલ આવી ગયો કે પ્રસૂન રિસાયો છે. કેટલીક વાર બાદ મહાશ્વેતા બોલીઃ ‘બેટા, હવે થોડાક જ સમયમાં પદ્મજા તો મુંબઈ કોલેજમાં ભણવા જવાની છે. પછી તું એકલો પડી જઈશ…એ જતી રહેશે પછી તું શું કરીશ? એના ગયા બાદ ‘બહેન’ કહીને કોને બોલાવીશ?’

‘મારે કોઈને બહેન કહીને બોલાવવી નથી… જાવ!’ નાનકડા પ્રસૂને બળવાની ભાષામાં કહ્યું.

મહાશ્વેતા બોલીઃ ‘પણ…આવું કેમ બોલે છે, બેટા?’  પ્રસૂન ફરી બોલ્યોઃ ‘તમે મારા કરતાં એને સારાં સારાં કપડાં લઈ આપો છો…મારે તો ચડ્ડી ને શર્ટ જ પહેરવાનાંને?’

મહાશ્વેતા બોલીઃ ‘પણ એ છોકરી છે બેટા, સ્કૂલનો ડ્રેસ અલગ હોય. ઘરના ડ્રેસ અલગ હોય, ગરબાનો ડ્રેસ અલગ હોય…વ્રતનો ડ્રેસ અલગ હોય. એ બધું છોકરીઓને શોભે અને તું મોટો થઈશ ત્યારે તને પણ નવાંનવાં કપડાં લાવી આપીશું.’

પ્રસૂન બોલ્યોઃ ‘મને તો લાગે છે કે હું તમારો છોકરો જ નથી. તમારે છોકરી જ છે.’

વિશ્વંભરે સખત ગુસ્સે થઈ જતાં પ્રસૂનને ફટકારવા તમાચો ઉગામ્યો પણ મહાશ્વેતાએ સમયસર પતિનો હાથ પકડી લીધો.

મહાશ્વેતાએ એને પોતાના સાનિધ્યમાં લઈ લેતાં કહ્યું: ‘વિશ્વંભર, પ્રસૂન હજુ નાનો છે. તેના પર આટલા આકરા ન થવાય.’

વિશ્વંભરે કહ્યું: ‘હું આર્મીનો માણસ છું. એક શિસ્તમાં માનું છું. પ્રસૂન ભલે દીકરો હોય, હું તેની આવી ભાષા ચલાવી નહીં લઉં. આજે આવું બોલે છે. કાલે બીજું બોલશે.’

પ્રસૂન ફરી બોલ્યોઃ ‘હું બોલીશ, બોલીશ અને બોલીશ. પદ્મજા મને નથી ગમતી.’

મહાશ્વેતા સમજી ગઈ કે નાનકડો પુત્ર વધુ પડતું બોલે છે અને તે હવે વધુ મર્યાદા ઓળંગે તે પહેલાં તે તેને પોતાના શયનખંડમાં લઈ ગઈ. વિશ્વંભરે વિચારમગ્ન અવસ્થામાં દીવાનખંડના સોફા પર જ બેસી રહેવાનું પસંદ કર્યું.

એટલામાં જ પદ્મજા પણ આવી ગઈ. એણે ખુશીના સ્વર સાથે કહ્યું: ‘પાપા….હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી.’ વિશ્વંભરે ધીમેથી કહ્યું: ‘કોંગ્રેચ્યુલેશન્સ બેટા.’

પદ્મજા બોલી : ‘અને ભાઈ ક્યાં? મારે એને પણ કહેવું છે.’ વિશ્વંભરે કોઈ જ જવાબ ન આપ્યો. આંખો બંધ કરીને ભાઈ-બહેન વચ્ચે ઊભી થતી તિરાડને તે જોઈ રહ્યો.

પદ્મજા કશું સમજી નહીં.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!