Close

મહાશ્વેતાએ પૂછયું: ‘પદ્મજા, હું તારી મમ્મી છું કે તું મારી?

અન્ય લેખો | Comments Off on મહાશ્વેતાએ પૂછયું: ‘પદ્મજા, હું તારી મમ્મી છું કે તું મારી?

PADMJA-PRAKARAN-11

00000000000000000

પ્રકરણ-૧૧

આજે વહેલી સવારે રોજની જેમ પદ્મજા સ્કૂલે ગઈ.

તેના ગયા પછી મહાશ્વેતા અને વિશ્વંભર એકલાં પડયાં. વિશ્વંભરે સવારનો બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ સામે બેઠેલી મહાશ્વેતાને કહ્યું: ‘મહાશ્વેતા, તું પ્રેગ્નન્ટ છે તે વાત પદ્મજા તને જોઈને જાણે તે પહેલાં તેને કહી દેવી જોઈએ. તે અત્યંત જિનિયસ છે. નવ વર્ષની દીકરીથી કાંઈ છુપાવાય નહીં.’

મહાશ્વેતા બોલીઃ ‘સાચી વાત છે. હું આજકાલમાં જ તેને મારી પાસે બેસાડીને વાત કરી લઈશ. એ એની વય કરતાં વધુ સમજદાર છે.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઓ.કે. તે છોકરી છે એટલે તું જ તેની સાથે વાત કરી લેજે.’

મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, તમે મારી એક વાત માનશો?’

‘કઈ?’

‘પદ્મજાનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એટલે તેને ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ મોકલીએ. હું પણ એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલી છું. મુંબઈની બેસ્ટ હાઈસ્કૂલમાં દાખલ કરી દઈએ. મુંબઈમાં સારી લેડિઝ હોસ્ટેલ્સ પણ છે.’

‘વિચારીશું’: કહીને વિશ્વંભરે વાત અડધી મૂકી. થોડીવાર પછી તે ફરી બોલ્યોઃ ‘મહાશ્વેતા, હવે આપણા ઘેર દીકરો આવશે કે દીકરી?’

મહાશ્વેતા બોલીઃ ‘દીકરી તો છે જ…એક પુત્ર હોય તો વધુ સારું. આપણા વૃદ્ધત્વનો સહારો તો દીકરો જ બને ને! પદ્મજાને તો ઉંમર થશે એટલે પરણાવીને તેના સાસરિયે મોકલી દઈશું. તેના ગયા પછી આપણું કોણ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા, પદ્મજાનું આગમન સાચે જ શુભ છે. તને યાદ છે ને કે આ લાઈટહાઉસમાં તેના સંચાલક તરીકે આવતા બધા જ લોકો ચાલીસ વર્ષ પહેલાં ગુજરી જતા હતા. મને તો એકતાળીસ થયાં.

‘અરે, હા હું તો એ વાત ભૂલી જ ગઈ. એનો અર્થ એ જ છે. કેટલીકવાર આપણે જોગસંજોગોને શાપ માની લઈએ છીએ. પદ્મજા કહેતી હતી કે અભિશાપ કરતાં પ્રાર્થના વધુ શક્તિશાળી છે. હું તો રોજ તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી રહું છું. હવે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. તમે સારા હૃદયથી પ્રાર્થના કરો છો તો ભગવાન તેને સાંભળે છે.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ગોડ ઈઝ ગ્રેટ’

અને મહાશ્વેતા કામે વળગી.

૦ ૦ ૦

સાંજે પદ્મજા રોજની જેમ ઘેર આવી. ઘેર આવતાંજ બોલીઃ ‘મમ્મા, કયાં છો? મને બહુ જ ભૂખ લાગી છે.’

મહાશ્વેતા રસોડામાંથી લોટવાળા હાથે બહાર આવી. એ બોલીઃ ‘બેટા, હાથ પગ ધોઈ ડાઈનીંગ ટેબલ પર બેસી જા. તને કાંઈ ખાવાનું આપું.’

પદ્મજા તેની બેગ મૂકીને બાથરૂમ તરફ વળી હાથ-પગ ધોઈને ડાઈનીંગ ટેબલ પર બેઠી. પદ્મજાએ કહ્યું: ‘મમ્મા, તમે એક બાઈ કે રસોઈયો કેમ રાખી લેતાં નથી?’

થાળીમાં નાસ્તો પીરસતાં મહાશ્વેતા બોલીઃ ‘હવે રાખવો જ પડશે કોઈ રસોઈયો.’

‘મમ્મા ..’હવે’… એટલે શું?’

મહાશ્વેતા બોલીઃ ‘તું નાસ્તો શરૂ કર. પણ તું મને એ કહે કે તારે હવે એક ભાઈની જરૂર નથી?’

પદ્મજા નાની હોવા છતાં ખૂબ આગળ વિચારવાની ક્ષમતા ધરાવતી હતી. તેણે સીધુ જ પૂછી નાંખ્યું: ‘હા મમ્મા, મને ભાઈની ખોટ છે. મને રાખડી બાંધવાનું મન થાય છે. રમવાનું મન થાય છે. તોફાન કરવાનું મન થાય છે. સંતાકૂકડી રમવાનું મન થાય છે. એ બધું કોની સાથે કરું?’

મહાશ્વેતા બોલીઃ ‘થોડો ઈંન્તજાર કર બેટા…તારો ભાઈ હવે આવશે જ.’

પદ્મજા ખુશ થઈ જતાં બોલીઃ ‘સાચે જ મમ્મા?’

મહાશ્વેતાએ માત્ર હામાં જ માથુ હલાવ્યું. પદ્મજા નાસ્તો કરતાં કરતાં ઊભી થઈ ગઈ અને માને વળગી પડી. એ બોલીઃ ‘આય એમ સો…હેપી.’

‘સારું તું નાસ્તો કરી લે. તને બહુ ભૂખ લાગી છે ને!’

પદ્મજા ફરી ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ અને બોલી રહીઃ ‘મમ્મા, મારા ભાઈનું નામ પ્રસૂન રાખીશ.’

‘પ્રસૂન કેમ?’

કારણકે પદ્મજાનો ભાઈ ‘પ્રસૂન.’ કેવો શબ્દાનુંપ્રાસ? કેવું સરસ લાગે છે?’: પદ્મજા બોલતી રહી.

મહાશ્વેતાએ હસતાં હસતાં પૂછયુઃ ‘પણ તને બહેન આવે તો?’

‘ના..ભાઈ જ આવશે. મને શ્રધ્ધા છે કે ભાઈ જ આવશે. હું એને સ્કૂલમાંથી ઘેર આવ્યા બાદ ભણાવીશ. એની બેગ તૈયાર કરી આપીશ. માથું ઓળી આપીશ. અમે સાથે સાથે રમવા જઈશું. એની સાથે સંતાકૂકડી રમીશ. એની જોડે તોફાન મસ્તી કરીશ.’: પદ્મજા બોલતી જ રહી.

મહાશ્વેતા ધીમેથી બોલીઃ ‘પણ બેટા. તું અત્યારે નવ વર્ષની છે. તે રમવા જેવો થશે ત્યારે તો તું હાયર એજ્યુકેશન માટે મુંબઈ હોઈશ.’

‘ઓહ. મમ્મા!’

પદ્મજાએ સહેજ મોં બગાડયું. તે ધીમેથી બોલીઃ ‘સારું મમ્મા. હું તો મુંબઈ ભણવા જઈશ પણ મારો ભાઈ મોટો થશે એટલે તેને પણ ભણવા મારી સાથે મુંબઈ લઈ જઈશ.’

અને મહાશ્વેતા હસીને બોલીઃ ‘સારું બેટા…તારો નાસ્તો પતાવી લે, પણ બહુ ખાઈશ નહીં. પછી રાત્રે ડીનર કોણ કરશે?’

અને પદ્મજાના ચહેરા પર આજે ખુશી સમાતી નહોતી. મહાશ્વેતા પણ વિચારી રહી કે આ કેવી ટેલિપથી! દિકરો જન્મે તો તેનું નામ પ્રસૂન રાખવા અગાઉ તેમણે જ વિચારી રાખ્યું હતું.

૦ ૦ ૦

રાત્રે શયનખંડમાં હવે મહાશ્વેતા અને વિશ્વંભર એકલાં જ હતાં. પદ્મજા તેના રૂમમાં હતી. વિશ્વંભરે મહાશ્વેતાને પૂછયુઃ ‘તેં પદ્મજા સાથે વાત કરી લીધી?’

‘હા.’

‘તેની શું પ્રતિક્રિયા હતી?’

‘તે બહુ જ ખુશ થઈ ગઈ. એ કહેતી હતી કે મારા ભાઈનું નામ હું ‘પ્રસૂન’ રાખીશ.’

‘પ્રસૂન’ કેમ? એ નામ તો આપણે વિચારી રાખ્યું હતું.આ કેવી ટેલિપથી?’

‘પદ્મજા કહેતી હતી કે પદ્મજાનો ભાઈ પ્રસૂન કેવો શબ્દાનુંપ્રાસ?’

‘આ છોકરીમાં આટલી બધી બુધ્ધિ આવી કેવી રીતે?’

‘વિશ્વંભર, તે સુપર ચાઈલ્ડ છે. લાખોમાં જ એકાદ બાળક જ આવું જન્મે છે. કઠોપનિષેદમાં આવતી અષ્ટાવક્રની કથાનો બાળક અષ્ટાવક્ર પણ આવો જ જીનિયસ હતો. એણે રાજા જનકની સભામાં ભલભલા પંડિતોને જ્ઞાન વાદવિવાદમાં હરાવી દીધા હતા. અભિમન્યુ એની માતાના ઉદરમાં હતો ત્યારે જ તેણે ચક્રવ્યૂહ ભેદવાના કોઠા શીખી લીધા હતા. છેલ્લો એક કોઠો શીખવાનો રહી ગયો તે તેની કમનીસીબી હતી.’

વિશ્વંભર સાંભળી રહ્યો. કેટલીકવાર બાદ મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, આપણી દિકરી હવે મોટી થઈ ગઈ છે. તે મારા બદલાતા શરીરને જોશે ત્યારે શું વિચારશે?’

‘કોઈ ચિંતા ના કર મહાશ્વેતા. પદ્મજાના આગમન પછી તો આપણે સુખી થયાં છીએ. તેને બધું જ ગમશે.’

‘પણ…!’

‘હવે સૂઈ જા..બહુ રાત થઈ છે.’ : કહેતાં વિશ્વંભરે દિવાલ પરનો કેરોસીનનો લેમ્પ બંધ કર્યો.

૦ ૦ ૦

સમય વહેતો ગયો.

હવે પદ્મજા તેની મમ્મીની કાળજી લેતી રહી. મમ્માને જરા પણ તકલીફ ના પડે તે માટે ખડે પગે તૈયાર રહેતી. મમ્મા નહાવા જાય તો તેનાં વસ્ત્રો તૈયાર રાખતી. મમ્માને માથામાં તેલ નાંખી આપતી. મમ્માના વાળ ઓળી આપતી. કોઈવાર મહાશ્વેતા પદ્મજાને પૂછતીઃ ‘પદ્મજા, હું તારી મમ્મી છું કે તું મારી?’

પદ્મજા બોલીઃ ‘મને આવું બધું બહુ ગમે છે એટલે કરું છું. મને જલદી ભાઈ જોઈએ છે, મમ્મા.’

અને મહાશ્વેતા પદ્મજાને પોતાની સોડમાં ખેંચી લીધી.

૦ ૦ ૦

આજે હવેલીમાં જે અવસરની રાહ જોવાતી હતી તે સમય આવી ગયો. મહાશ્વેતાના આખરી માસના છેલ્લા દિવસો હતા. સવારનો સમય હતો. રાતથી જ મહાશ્વેતાને અણસાર આવી ગયો હતો તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ હતી. નવ વર્ષ અગાઉ થયેલી નિષ્ફળ પ્રસૂતિના કારણે તે થોડી ડરેલી હતી. એ કારણથી જ વિશ્વંભરે એક ડોકટરને તૈયાર રાખ્યા હતા. નીચેના ડ્રોંઈગરૂમમાં વિશ્વંભર સમાચારની રાહ જોતો હતો. પદ્મજા સ્કૂલે ગયેલી હતી. શયનખંડમાં મહાશ્વેતા, એક ડોકટર અને એક આયા એમ ત્રણ જણ હતાં. મહાશ્વેતાની પીડા અને દર્દના અવાજો છેક નીચે સુધી સંભળાતા હતા. વિશ્વંભરના હૃદયના ધબકારા વધી ગયા હતા. થોડીકવાર મહાશ્વેતાની પીડાના અવાજ બંધ થઈ ગયા. નીચે બેઠેલા વિશ્વંભરના શ્વાસ હવે થંભી ગયા હતા. કેટલીકવાર બાદ ડોકટર સફેદ નેપ્કીનથી હાથ લૂછતા લૂછતા શયનખંડમાંથી બહાર નીકળી નીચેના દિવાનખંડમાં આવ્યાં. ડોકટરે કહ્યું: ‘કોગ્રેચ્યુલેશન્સ મી. વિશ્વંભર! તમારા પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. મા અને દિકરાનું સ્વાસ્થ્ય સારું છે. આયા બાકીનું કામ કરી રહી છે.’

‘હું જોવા જઈ શકું અત્યારે?’

‘થોડીવાર પછી આયાને એનું કામ પતાવી લેવા દો’: ડોકટર બોલ્યા.

‘થેંક્યુ ડોક્ટર’: વિશ્વંભર બોલ્યો.

વિશ્વંભરે આંખો બંધ કરી અને મનોમન ભગવાનનો આભાર માન્યો.

થોડીકવાર બાદ આયાએ ઉપરના માળેથી બૂમ મારીઃ ‘સરને ઉપર આવવું હોય તો આવી શકે છે.’

ડોકટરે ઈશારો કર્યો. વિશ્વંભર ઝડપથી ઉપરના માળે ગયો. શયનખંડમાં મહાશ્વેતાની બાજુના એક પારણામાં બંધ આંખોવાળા રૂપાળા લાગતા પુત્રને જોયો. એની આંખોમાં આંસુ આવી ગયા. એણે મહાશ્વેતાની સામે જોયું. તેની આંખમાં પણ હર્ષનાં આંસુ હતાં. વિશ્વંભરે જોયું તો બાજુના પારણામાં શ્વેત ગાદી પર સૂતેલું નવજાત શિશું સહેજ સહેજ હાથપગ હલાવી રહ્યું હતું. વિશ્વંભરે પૂછયુઃ ‘હું તેને ઊંચકું?’

‘ના. હમણાં નહીં. હવે તમે જાવ…પદ્મજા આવે ત્યારે એને લઈને આવજો’: મહાશ્વેતા બોલી અને વિશ્વંભર હસીને બહાર ચાલ્યો ગયો. હવે આયા અને મહાશ્વેતા બેજ રૂમમાં હતાં. આયાને કાયમ માટે નોકરીમાં રાખી લેવામાં આવી.

સાંજના સમયે પદ્મજા સ્કૂલેથી ઘેર આવી. સ્કૂલની બેગ બાજુમાં મૂકતાં એણે પપ્પાને પૂછયું: ‘કોઈ સમાચાર?’

વિશ્વંભરે પદ્મજાને ઉપર જવાનો ઈશારો કર્યો.પદ્મજા આતુરતાપૂર્વક ઉપરના શયનખંડ તરફ દોડી. એ સીધી મમ્માના બેડરૂમમાં પહોંચી. એને જોતાં જ મહાશ્વેતા બોલીઃ ‘તારો ભાઈ આવી ગયો છે, બેટા?’

પદ્મજા ખુશ થઈ ગઈ. એ બાજુના પારણામાં સૂતેલા નાનકડા નવજાત શિશુને જોઈ રહી. એણે એને હાથથી સહેજ સ્પર્શ કરી લીધો. ધીમેથી પદ્મજા બોલીઃ ‘મમ્મા, હું તેને ઉંચકી શકું?’

‘ના…હમણાં નહીં.’

‘મારો ભાઈ છે એ.’

‘પણ હમણાં નહીં.’

‘ઓહ…!’: પદ્મજાએ કૃત્રીમ ગુસ્સો કર્યો.

‘તો ક્યારે?’

‘હું તને કહું તે પછી જ તું એને રમાડજે.’

‘સારું મમ્મા’: કહેતા પદ્મજાએ ઉમેર્યું: ‘પણ એનું નામ તો ‘પ્રસૂન’ જ પાડીશું. મેં નક્કી કર્યું છે.’

‘સારું બેટા.’

પદ્મજા બોલીઃ ‘થેંક્સ મમ્મા.’

અને પદ્મજા એની મમ્માના ગાલે ચૂમી ભરીને બહાર જતી રહી. આયા પણ મા-દિકરીના આ પ્રેમને જોઈ ખુશ થઈ. તે બોલીઃ ‘બહેન! આ નાનકડી છોકરી કેટલી બધી સમજદાર છે?’

‘હા…મારી દિકરી બહુ જ ડાહી છે.’

આયાએ પૂછયું: ‘બહેન, આ તમારી જ દિકરી છે?’

મહાશ્વેતા આયાનો આ પ્રશ્ન સાંભળી ચોંકી ગઈ. એણે ચહેરા પરના ભાવ સખ્ત કરતાં આયાને પૂછયુઃ ‘કેમ આવો પ્રશ્ન પૂછે છે?’

આયા ધીમેથી બોલીઃ ‘બસ અમસ્તાં જ.’

‘તો પણ તને આવો પ્રશ્ન કેમ થયો?’

આયા બોલીઃ ‘તમારી પહેલી ડિલીવરી પછી ઘણા વર્ષો બાદ આ બીજી ડિલીવરી થઈ તેથી મેં અમસ્તાં જ પૂછયું’.

‘હું સમજી નહીં.’: મહાશ્વેતા પૂછી રહી.

આયા બોલીઃ ‘બહેન, પહેલી ડિલીવરી પછી કેટલા વર્ષે તમને આ બીજી ડિલીવરી થઈ?’

‘નવ વર્ષ બાદ.’

‘એટલા માટે જ મેં પૂછયું. હું વર્ષોથી દાયણનું કામ કરું છું.અનુભવી છું. તમારી પહેલી ડિલીવરી નોર્મલ હતી?’

‘હા…પદ્મજા મારી પહેલી ડિલિવરીમાં જ જન્મી હતી.’

‘એ વખતે કોઈ ડોકટર કે આયા તમારી સાથે હતાં?’

‘ના.’

‘તમે નસીબદાર કહેવાવ કે તમે કોઈ આયા કે ડોકટરની મદદ વગર જ પહેલી ડિલીવરી થવા દીધી.’

મહાશ્વેતા આયાના પ્રશ્નનો ગુઢાર્થ સમજવા કોશિષ કરી રહી. એને લાગ્યું કે આયા ભલે ભણેલી નથી છતાં સ્ત્રીઓની પ્રસૂતિ વિષે બધું જ જાણે છે. મહાશ્વેતાથી હવે ના રહેવાતાં એણે પૂછી જ નાંખ્યુઃ ‘તમારું નામ શું?’

‘સૂરજબાઈ.’

‘સુરજબાઈ, પદ્મજા મારી દિકરી નથી એવી તમને કોઈ શંકા છે?’

સુરજબાઈએ કહ્યું: ‘બહેન, મને કોઈ શંકા નથી પરંતુ એક અનુભવી આયા તરીકે જ એ જાણવા પ્રયત્ન કર્યો કે બે ડિલીવરી વચ્ચે આટલું અંતર છે તો પહેલી દિકરી તમારી જ દિકરી છે કે કેમ?’

મહાશ્વેતા મક્કમતા બોલીઃ ‘હા… પદ્મજા મારી જ દિકરી છે. એ જ મારું પહેલું સંતાન છે. મેં જ મારી કૂખે એને જન્મ આપ્યો છે. શું મારી દિકરી મારા જેવી લાગતી નથી?’

આયા સમજી ગઈ કે એના પ્રશ્નથી મહાશ્વેતા વિચલીત થઈ ગયા છે. આયાએ ચહેરા પરના ભાવ સામાન્ય કરતાં કહ્યું: ‘હા…બહેન, તમારી દિકરી તમારી જેવી જ લાગે છે.’

‘અને મારો દિકરો?’

‘એ પણ તમારા જેવો જ લાગે છે.’

‘તને બીજી કોઈ શંકા છે?’

‘ના…’: કહેતાં આયા નવજાત શિશુના દેહને શ્વેત વસ્ત્રથી લૂછવા લાગી.

સાંજ પડી ગઈ. પદ્મજા વારેવારે ઉપર આવીને એના નાનકડા ભાઈને જોઈ જતી હતી. વિશ્વંભર પણ આજે ખુશ હતા. ઘરકામ અને રસોઈ માટે પણ હવે એક બાઈ રાખી લીધી હતી. ઘરમાં આજે કંસાર બનાવવામાં આવ્યો. ચારે તરફ ખુશીનો માહોલ હતો પણ મહાશ્વેતા આયાના પ્રશ્નથી વિચલિત થઈ ગઈ હતી. એને કોઈ અજાણ્યો ભય સતાવી રહ્યો.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!