Close

મહાશ્વેતા બોલીઃ ‘એક ખુશ ખબર છે, મને ફરી એકવાર સારા દિવસો છે

અન્ય લેખો | Comments Off on મહાશ્વેતા બોલીઃ ‘એક ખુશ ખબર છે, મને ફરી એકવાર સારા દિવસો છે

padmja -prakaran-10

પ્રકરણ-૧૦

સવારે ઘરના કંપાઉન્ડના દરવાજા પાસે કોઈએ ત્યજી દીધેલી તાજી જન્મેલી બાળકી હવે મહાશ્વેતાના સાંનિધ્યમાં હતી. એને માનું દૂધ મળ્યા બાદ બાળકીએ હવે રડવાનું બંધ કરી દીધું. બાળકીની આંખો બંધ હતી પરંતુ મહાશ્વેતાએ ધારીધારીને જોયું તે તેનો ચહેરો શ્વેત હતો. હોઠ પાતળા અને કમનીય હતા જાણે કે પદ્મની પાંખડી. મહાશ્વેતાના ચહેરા પર હવે સ્મિત હતું. એણે બાળકીને પારણાંમાં નવી પાથરેલી ગાદી પર સુવરાવી. એના દેહ પર એક સફેદ વસ્ત્ર ઓઢાડયું. એ બોલીઃ ‘ઊંઘી જા બેટા. હવે આજથી હું જ તારી મા છું. તારે હવે ક્યાંયે જવાનું નથી.’

એમ કહી એણે નાનકડી બાળકીને સુવરાવી દીધી. બાળકી ઊંઘી ગઈ. વિશ્વંભર પણ મહાશ્વેતાના ચહેરાની ખુશી જોઈ સંતુષ્ટ હતો. કેટલીક વાર બાદ બેઉ દીવાનખંડમાં આવ્યાં. મહાશ્વેતા ચા બનાવી લાવી. બેઉ જણ ચા પીવા લાગ્યાં. કેટલીક વાર બાદ મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, આ કોની બાળકી હશે? કોણ આપણા ઘરના દરવાજે મૂકી ગયું હશે? કોઈ એને પાછી લેવા તો નહીં આવેને?’

વિશ્વંભર બોલ્યોઃ ‘પાછી લેવા આવવાની હોત તો જન્મતાંની સાથે આમ કોઈ ત્યજી દે ખરી? બસ, એમ જ સમજ કે ભગવાને મોકલી છે.’

‘હવે કોઈ લેવા આવશે તો પણ હું નહીં આપું. એ આપણી પદ્મજા જ છે.’

‘સારું’ : વિશ્વંભર બોલ્યો.

‘હું એને સારામાં સારી સ્કૂલમાં ભણાવીશ. મોટી થશે એટલે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણવા મોકલી આપીશ.’

વિશ્વંભરે પહેલી જ વાર મહાશ્વેતાને આજે આનંદિત થયેલી જોઈ.

૦ ૦ ૦

અને પદ્મજા સાચે જ રૂપાળી હતી. હવે તે હાથમાં રમાડવા જેવી થઈ ગઈ હતી. એની આંખોમાં ન સમજાય તેવી છૂપી લાગણીઓનો ધોધ હતો. હાથની આંગળીઓ એકદમ સુંવાળી હતી. વાળ સહેજ ભૂખરા હતા જાણે કે કોઈ સ્પેનિશ છોકરી. મહાશ્વેતાનો તો આખો દિવસ નાનકડી પદ્મજાના લાલનપાલનમાં જતો રહેતો. રોજ તેને પારણામાં સુવરાવી હાલરડાં ગાતી અને માના શબ્દો કાને પડતાં જ પદ્મજા ઊંઘી જતી. એ ઊંઘી જાય એટલે તેને ઊંચકીને મહાશ્વેતા તેની પથારીમાં તેને સોડમાં લઈ લેતી. પદ્મજા પાછળ વ્યસ્ત થઈ ગયેલી મહાશ્વેતાને હવે વિશ્વંભર રાત્રે ન આવે તો પણ કોઈ ફરિયાદ નહોતી. બસ, પદ્મજા જ તેનું જીવન હતું.

૦ ૦ ૦

થોડા મહિના બાદ રાતની ડયૂટી બજાવીને ઘેર આવેલા વિશ્વંભરે મહાશ્વેતાને બોલાવીને કહ્યું: ‘મહાશ્વેતા, એક ખુશખબર છે.’

મહાશ્વેતાએ પૂછયું: ‘શું ખુશખબર છે?’

વિશ્વંભર બોલ્યોઃ ‘સરકારે મને પ્રમોશન આપ્યું. વર્ષોથી બંધ આ લાઈટહાઉસ નિયમિત ચાલુ થતાં સરકાર મારી પર ખુશ છે. સરકારે મને પ્રશસ્તિપત્ર મોકલી આપ્યો છે અને મારા સહાયક તરીકે બીજા બે માણસોની નિમણૂક કરી છે. તેઓ અઠવાડિયામાં આવી જશે. હવે મારે રાતોની રાત લાઈટહાઉસના ટાવર પર રહેવું નહીં પડે. હવે અમે ત્રણ જણ હોઈશું.’

મહાશ્વેતા બોલીઃ ‘એનો અર્થ એ થયો કે આપણી પદ્મજા સારાં પગલાંની છે.’

‘હા, મહાશ્વેતા.’

‘ક્યાં છે પદ્મજા?’

‘ઊંઘે છે.’

‘મારે એને રમાડવી છે. ખોળામાં બેસાડવી છે.’

અને મહાશ્વેતા શયનખંડમાં જઈ નાનકડી પદ્મજાને લઈ આવી. ઊંઘમાંથી ઉઠાડી હોવાથી તે રડતી હતી પરંતુ મહાશ્વેતાએ એને વિશ્વંભરના ખોળામાં મૂકી દેતા કહ્યું: ‘લો…સાચવો તમારી છોકરીને.’

અને પદ્મજા હવે વિશ્વંભરના ખોળામાં હતી.

૦ ૦ ૦

સમય વહેતો ગયો.

પદ્મજા હવે દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી અને રાતે ન વધે એટલી દિવસે વધવા લાગી. હવે તે કાલુંકાલું બોલતી પણ હતી. પદ્મજા ત્રણ વર્ષની થઈ ગઈ. એ મહાશ્વેતાને ‘મમ્મા’ કહેવા લાગી અને અને વિશ્વંભરને ‘પાપા.’

સાંજ પડયે મહાશ્વેતા તેને દરિયાકિનારે લઈ જતી. કોઈવાર તેની સાથે સંતાકૂકડી રમતી. કોઈવાર સવારે દરિયાકિનારે ઊડતાં પક્ષીઓને મહાશ્વેતા દાણા નાખતી ત્યારે પદ્મજા કહેતીઃ ‘મમ્મા, મારે પણ દાણા નાખવા છે.’

અને પદ્મજા હવે માની જેમ પક્ષીઓને દાણા નાંખતી. વાણી, વર્તન અને બધી જ બાબતોમાં તે માને જ અનુસરતી.

૦ ૦ ૦

પૂરાં પાંચ વર્ષની ઉંમરે તેને પીરમગઢની અંગ્રેજોના જમાનામાં બનેલી શાળામાં દાખલ કરવામાં આવી. પીરમગઢ છેવાડાનું નગર હોવા છતાં અહીંની સ્કૂલ એક શ્રેષ્ઠ શાળા તરીકે નામના પામેલી હતી. પદ્મજા રોજ સવારે આ સ્કૂલમાં ભણવા જતી. મહાશ્વેતા તેને મૂકવા જતી. એક દિવસ પદ્મજાએ કહ્યું: ‘મમ્મા, હવે હું મોટી થઈ ગઈ છું. રોજ મને સ્કૂલે મૂકવા ન આવો.’

‘કેમ બેટા?’

પદ્મજા બોલીઃ ‘તમે રોજ મને મૂકવા આવશો તો મને ટેવ પડી જશે. હું એકલી જતાં ક્યારે શીખીશ? કેટલાંક કામો તો જાતે જ કરતાં શીખી લેવું જોઈએ.’

નાનકડી પદ્મજાની આ વાત સાંભળી મહાશ્વેતા સ્તબ્ધ થઈ ગઈ.

બીજા દિવસથી પદ્મજા હાથમાં દફતર લઈ એકલી જ શાળાએ જવા લાગી. આખા ક્લાસમાં બધાથી તે જુદી પડી જતી. સ્કૂલના આચાર્યે જોયું તો પદ્મજાની ગ્રહણશક્તિ જબરદસ્ત હતી. બીજાં બાળકોને જે શીખતાં દિવસો લાગે તે પદ્મજા એક જ દિવસમાં શીખી જતી.

હવે તે ચોથા ધોરણમાં આવી. એક દિવસ એના શિક્ષકે બાળકોને સામાન્ય સવાલ પૂછયોઃ ‘બોલો! પૃથ્વી પર જમીન વધારે કે પાણી?’

અગાઉ શિક્ષકે શીખવ્યું હતું કે પૃથ્વી પર પાણીનો હિસ્સો ત્રણ ભાગ છે અને જમીનનો હિસ્સો નાનો છે. બધાં બાળકોએ પણ આ જ જવાબ આપ્યો પણ પદ્મજા ચૂપ રહી. શિક્ષકે પૂછયું: ‘પદ્મજા, તું કેમ કાંઈ બોલી નહીં?’

પદ્મજા બોલીઃ ‘સર, પૃથ્વી પર પાણી નહીં જમીનનો હિસ્સો મોટો છે.’

‘કેવી રીતે?’

પદ્મજા બોલીઃ ‘સર, દરિયાની નીચે પણ જમીન જ છેને? દરિયો પણ જમીનની ઉપર જ છે. તેથી દરિયો નહીં પણ જમીન મોટી. ‘

પદ્મજાના આ જવાબથી શિક્ષક સ્તબ્ધ થઈ ગયા.

એ જ શિક્ષકે બીજો પ્રશ્ન પૂછયોઃ ‘વિશ્વમાં સહુથી વધુ ગતિ કોની? પ્રકાશની કે અવાજની?’

પદ્મજા બોલીઃ ‘મનની…પ્રકાશની ગતિ કરતાં મનની ગતિ વધુ ઝડપી છે.’

શિક્ષકે પદ્મજાને પૂછયું : ‘પૃથ્વી શામાં ઓતપ્રોત છે?’

‘જળમાં’

‘અને જળ?’

‘જળ વાયુમાં’

‘વાયુ શામાં ઓતપ્રોત છે?’

પદ્મજા બોલીઃ ‘વાયુ અંતરિક્ષમાં’

પૃથ્વી પરનું મોટામાં મોટું આશ્ચર્ય શું?

‘એક માણસ બીજાને મરતો જુએ છે છતાં મૃત્યુ આવવાનું જ નથી તેમ માની ન કરવાનાં કામ કરતો રહે.’

‘શ્રેષ્ઠ તીર્થયાત્રા કઈ?’

પદ્મજા બોલીઃ ‘માતા-પિતા જ દેવ-દેવી છે તેમ માની તેમની સતત સેવા કરવી એ જ શ્રેષ્ઠ તીર્થયાત્રા.’

શિક્ષક હવે સ્તબ્ધ હતા. તેઓ ચોથા ધોરણમાં ભણતી પદ્મજાને હવે વધુ પ્રશ્નો પૂછવા માંગતા નહોતા. તેમણે પદ્મજાની આ અસાધારણ

બુદ્ધિક્ષમતાની વાત સ્કૂલના આચાર્યને કરી. આમ, એક દિવસ આચાર્યે મહાશ્વેતાને સ્કૂલમાં બોલાવીને કહ્યું: ‘બહેન, તમારી દીકરી પદ્મજા એક ‘સુપર ચાઈલ્ડ’ છે. તે અમારા શિક્ષકો કરતાં પણ વધુ જ્ઞાન ધરાવે છે. તે તેની વય કરતાં બૌદ્ધિક રીતે વધુ આગળ છે. તમે એને કોઈ મોટા શહેરની સ્કૂલમાં લઈ જાવ. તે એક અસાધારણ પ્રતિભા બની જશે.’

મહાશ્વેતા બોલીઃ ‘મારે એને હમણાં ક્યાંય મોકલવી નથી. મારે મારી દીકરીને હમણાં મારાથી અલગ કરવી નથી. એનું પ્રાથમિક શિક્ષણ અહીં જ પૂરું થવા દો. આગળ ઉપર વિચારીશું.’

અને નાનકડી પદ્મજાને લઈ મહાશ્વેતા ઘેર આવી.

૦ ૦ ૦

રાતનો સમય હતો.

વિશ્વંભર લાઈટહાઉસ પર ગયા હતા. ઘરમાં મહાશ્વેતા અને પદ્મજાએ એકલાં જ હતાં. પદ્મજા હવે નવ વર્ષની થઈ હતી. મા-દીકરી વાતો કરવા લાગ્યાં. મહાશ્વેતાએ પૂછયું: ‘પદ્મજા, તારા ટીચર તારાં વખાણ કરતાં હતા.’

‘કેમ?’

‘એ કહેતા હતા કે તું એક સુપર ચાઈલ્ડ છે.’

‘મમ્મા, હું મારા મમ્માનું વહાલું વહાલું ચાઈલ્ડ છું.’: પદ્મજા બોલી

મહાશ્વેતાએ પૂછયું: ‘મોટી થઈને તું શું બનીશ, શિક્ષક બનીશ?’

‘ના.’

‘ડોક્ટર બનીશ?’

‘ના.’

‘એન્જિનિયર બનીશ?’

‘ના’

‘વૈજ્ઞાનિક બનીશ?’

‘ના.’

‘સાહિત્યકાર બનીશ?’

‘ના.’

‘લીડર બનીશ?’

‘ના.’

મહાશ્વેતાએ પૂછયું: ‘તો મોટી થઈને તું શું બનીશ?’

પદ્મજા બોલીઃ ‘મોટી થઈને મહાશ્વેતા બનીશ, તમારા જેવી જ.’

‘પપ્પા જેવી કેમ નહીં?’

‘કારણકે હું છોકરી છુંને? મમ્મા, તમને એક વાતની ખબર છે?’

‘કઈ?’

‘તમે આ જગતના શ્રેષ્ઠ સ્ત્રી છો. ઓ.કે. પણ હવે તમે જ મને કહો કે તમે ખરેખર મારી પાસેથી શું ઇચ્છો છો?’

‘તું મહાશ્વેતા જ બન, બેટા. તું સુંદર છે.’

‘તમારાથી વધુ નહીં.’

‘ઠીક છે. પપ્પા પાસેથી શું શીખીશ?’

‘ફરજ, નિષ્ઠા, સેવા, શિસ્ત અને દેશપ્રેમ’: પદ્મજા બોલતી રહી.

મહાશ્વેતાને હવે અહેસાસ થવા લાગ્યો કે પદ્મજા તેની ઉંમર કરતાં બૌદ્ધિક સમજણમાં આગળ છે. મહાશ્વેતાએ પૂછયું: ‘તારું લક્ષ્ય શું છે, બેટા?’

‘લોકો મને તમારી એક ડાહી દીકરી તરીકે જ ઓળખે.’

‘તું કયા પ્રકારનું જીવન પસંદ કરીશ?’

પદ્મજા બોલીઃ ‘જિંદગીભર માતા-પિતાની સેવા કરતી રહું.’

મહાશ્વેતાએ પૂછયું: ‘બેટા, ભગવાનને પ્રસન્ન કરવા તું ઈશ્વરને શાની ભેટ ચડાવે?’

પદ્મજા બોલીઃ ‘મમ્મા, ઘણા લોકો કહે છે કે ઈશ્વરને પ્રસન્ન કરવા ભગવાન માટે હું રત્નજડિત સિંહાસન બનાવી આપીશ. કોઈ કહે છે કે હું ભગવાન માટે સુંદર સુવર્ણ હાર બનાવી આપીશ, કોઈ કહે છે કે ભગવાનના મંદિર માટે હું ધન આપીશ, પરંતુ આવું કહેનારાઓને એ વાતની ખબર નથી કે ભગવાન વિષ્ણુ સ્વયં દિવ્ય ગરુડાસાન પર બિરાજમાન છે. તેથી વધુ કયું મોટું સિંહાસન તમે બનાવી આપશો? ભગવાનના ગળામાં દેદીપ્યમાન કૌસ્તુભ મણિનો હાર ઝૂલી રહ્યો છે. તેથી મોટો કયો હાર તેમને આપશો? ભગવાનનાં અર્ધાંગિની સ્વયં લક્ષ્મીજી છે. તેમને તમે કેટલું ધન આપશો? ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં પોતે જ કહ્યું છે કે, હું તો એક પાંદડું, એક પુષ્પ, એક ફળ કે જળની એક અંજલિથી પણ રાજી છું. તેથી ભગવાનને લાલચો આપવાના બદલે ભગવાનને સર્મિપત થઈ હું તેમની ભક્તિ જ કરું.’

પદ્મજાનો જવાબ સાંભળી મહાશ્વેતા સ્તબ્ધ હતી. એ વિચારતી હતી કે એક નાનકડી છોકરીમાં આટલું બધું અગાધ જ્ઞાન આવ્યું ક્યાંથી? એણે પદ્મજાને પૂછયું: ‘બેટા, આ બધું તેં કેવી રીતે જાણ્યું?’

‘મમ્મા, હું પાઠયપુસ્તકો ઉપરાંત સ્કૂલની લાઇબ્રેરીમાં રહેલાં અનેક પુસ્તકો પણ વાંચું છું, માહિતી માટે નહીં પણ જ્ઞાનપ્રાપ્તિ માટે.’

‘ભગવાન રામ અને કૃષ્ણને તું કઈ રીતે જુએ છે?’

પદ્મજા બોલીઃ ‘ભગવાન શ્રી રામે કર્યું તેમ કરો અને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું તેમ કરો.’

મહાશ્વેતા પદ્મજાના જવાબોથી આશ્ચર્યચકિત હતી. ખૂબ વિચાર્યા બાદ ફરી એક માર્મિક પ્રશ્ન તેણે પૂછયોઃ ‘બેટા, તું અભિશાપ કે શાપમાં માને છે?’

‘જરા પણ નહીં. હું ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવું છું. પ્રાર્થનામાં માનું છું. મુશ્કેલીઓ તો આવતી રહેવાની અને તે એક જોગ-સંજોગ છે પણ પ્રાર્થનામાં જે તાકાત છે તે અભિશાપમાં નથી.’

આ જવાબથી મહાશ્વેતાને સંતોષ થયો. તે પણ હવે નાની દીકરીની વાત સાંભળી છૂપા ડરમાંથી બહાર આવતી હોય તેમ લાગ્યું.

મહાશ્વેતાએ ફરી એક પ્રશ્ન પૂછયોઃ ‘બેટા, તું હાથની રેખાઓમાં માને છે?’

‘ના મમ્મા, જેમના હાથ હોતા નથી તેમનું પણ ભવિષ્ય હોય છે. હાથ વગરનાઓનું પણ નસીબ હોય છે તો પછી હાથની રેખાઓમાં વિશ્વાસ કરવાની શું જરૂર છે?’

‘ઠીક છે, છતાંયે માની લે કે ભગવાન તને પ્રસન્ન થાય તો તું શું માંગે?’

પદ્મજા બોલીઃ ‘દરેક જન્મમાં તમે જ મારાં માતા-પિતા હોવ.’

‘તું કઈ રીતે ઓળખાવાનું પસંદ કરીશ?’

પદ્મજા બોલીઃ ‘ મમ્મા મહાશ્વેતા અને પપ્પા વિશ્વંભરની લાડકી દીકરી તરીકે જ ઓળખાવાનું પસંદ કરીશ.’

મહાશ્વેતા પાસે હવે કોઈ પ્રશ્ન નહોતા. એ પછી પદ્મજા બોલીઃ ‘મમ્મા, તમારે મને પૂછપૂછ જ કરવાનું છે કે મને ખવરાવવાનું પણ છે? મને ભૂખ લાગી છે.’

મહાશ્વેતા બોલીઃ ‘ઓહ સોરી, બેટા. ગોઠવાઈ જા ડાઈનિંગ ટેબલ પર.

અને પદ્મજા હાથ ધોઈ ડાઈનિંગ ટેબલ પાસેની ખુરશીમાં બેઠી.’

૦ ૦ ૦

સમય વહેતો ગયો. મહિનાઓ વીતતા ગયા.

પીરમગઢ પર ફરી એકવાર રાતનો અંધારપટ છવાઈ ગયો હતો. દરિયો હમણાં હમણાં શાંત હતો. દૂર પેલા ટાપુ પરની લાઈટહાઉસની ફ્લેશ લાઈટ્સ દરિયાનાં પાણી પર ફંગોળાતી હતી. પદ્મજા એના અલગ ખંડમાં સૂઈ ગઈ હતી. મહાશ્વેતા અને વિશ્વંભર તેમના બેડ રૂમમાં હતાં. રૂમમાં રોજની જેમ ઝાંખો લેમ્પ બળતો હતો. મહાશ્વેતા વિશ્વંભરની બાજુમાં જ સૂતેલી હતી.

મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, આપણી પદ્મજા સુપર ચાઈલ્ડ છે. તેની ઉંમર કરતાં બુદ્ધિ અને જ્ઞાનથી તે ઘણી આગળ છે. તે એક અકલ્પનીય જિનિયસ છોકરી છે.’

‘ગ્રેટ… હવે આપણે બીજા બાળકની જરૂર જ નથી.’ વિશ્વંભર બોલ્યો.

મહાશ્વેતા ધીમેથી બોલીઃ ‘કેમ?’

‘મને તો પદ્મજાથી જ સંતોષ છે.’

‘કેમ તમારે દીકરો જોઈતો નથી? પદ્મજાને એક ભાઈ હોય તો કેટલું સારું?’

‘હવે આપણે ૪૦ વર્ષનાં થઈ ગયાં. પદ્મજા પણ નવ વર્ષની થઈ ગઈ.’

ધીમેથી મહાશ્વેતા બોલીઃ ‘એ જે હોય તે… હવે એક વાત સાંભળો. એક ખુશખબર છે. હું પ્રેગ્નન્ટ છું. મને ફરી એક વાર સારા દિવસો છે.’

વિશ્વંભર સ્તબ્ધ થઈ ગયો, કારણ કે પ્રથમ નિષ્ફળ પ્રસૂતિનાં નવ વર્ષ બાદ મહાશ્વેતાને સારા દિવસો હતા. વિશ્વંભરે મહાશ્વેતાને પોતાની કરીબ ખેંચી લીધી.

મહાશ્વેતા બોલીઃ ‘મેં કહ્યું હતુંને કે પદ્મજા સારાં પગલાંની છે.’

આજની રાત મહાશ્વેતા અને વિશ્વંભર ભાતભાતની કલ્પનાઓ કરતાં રહ્યાં. શયનખંડમાં ખુશીનું વાતાવરણ હતું.

(ક્રમશઃ)

Be Sociable, Share!