Close

મારા જીવતે જીવ મહાગુજરાત કદીયે થવા નહીં દઉં : મોરારજી

અન્ય લેખો | Comments Off on મારા જીવતે જીવ મહાગુજરાત કદીયે થવા નહીં દઉં : મોરારજી

સમય બદલાઈ રહ્યો હતો. ગુજરાતમાં મહાગુજરાતના અલગ રાજ્ય માટેનું આંદોલન પરાકાષ્ઠાએ હતું. મોરારજીભાઈના દુરાગ્રહ છતાં પરંતુ ગુજરાતની ઠરતી આગ જોઈ કેન્દ્ર સરકાર ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવા હવે વિચારવા માંડયું હતું. જોકે, દ્વિભાષી રાજ્યના ચુસ્ત આગ્રહી મોરારજી દેસાઈએ એક તબક્કે એવું નિવેદન કર્યું કે, ”મારા જીવતે જીવ દ્વિભાષી રાજ્ય નહીં તૂટે. મારા મૃત્યુ બાદ જ મહાગુજરાતની રચના થઈ શકશે. દ્વિભાષી રાજ્ય તૂટશે તો સત્યાનાશ થઈ જશે.”

મોરારજીભાઈ એક નખશિખ પ્રામાણિક નેતા હતા તેમનું અંગત જીવન સાદગીપૂર્ણ હતું. પ્રખર ગાંધીવાદી હતા, પરંતુ એક વાત પકડે તો તે છોડતા નહીં. તેમના વિચારોમાં મક્કમ અને જક્કી પણ હતા. મોરારજીભાઈને ગુજરાતના કોંગ્રેસીઓ ‘સર્વોચ્ચ’ કહેતા. ગુજરાતના કોંગ્રેસીઓ તેમનાથી ડરતા પણ હતા. કેટલાક પોતાના અંતરાત્માની વિરુદ્ધ પણ મોરારજીભાઈના દ્વિભાષી રાજ્યની તરફેણ કરતા હતા. કેટલાક વિરોધ કરીને કોંગ્રેસ છોડી પણ ગયા હતા અને મહાગુજરાત મળી જતાં કોંગ્રેસમાં પાછા પણ ફર્યા હતા. પરંતુ જ્યારે દ્વિભાષી રાજ્યના બદલે ગુજરાતને આગવું રાજ્ય મળશે તેવી જાહેરાત બાદ ઘણાં કોંગ્રેસીઓના સૂર બદલાઈ ગયા.

ગુજરાતના કોંગ્રેસીઓ

અચાનક પલટાયેલા રાજકીય હવામાન અને નવી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે અમદાવાદ અને ગુજરાત કોંગ્રેસ વર્તુળોએ હવે નાછૂટકે કાંઈક મોં ખોલવા માંડયાં હતાં. જે ઝડપથી બધું બની ગયું તેથી હકીકતમાં તો તેઓ આભા જ બની ગયા હતા. હવે લોકોને કયા મોંઢે નવી સ્થિતિનો બચાવ કરીશું, તેની વિમાસણમાં પડી ગયા હતા પણ ધીમેધીમે દ્વિભાષી વિભાજનની વાતથી જે શરૂઆતનો આઘાત લાગેલો તેમાંથી તેઓ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કંઈ ને કંઈ કારણો અને ખુલાસાઓ નાછૂટકે આપતા હતા. અમદાવાદનાં આ કોંગ્રેસી વર્તુળોએ કોઈનું નામ છાપ્યા વગર એવો વાહિયાત ખુલાસો કરેલો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સમાજવાદીઓની લાગવગ વધતી અટકાવવા માટે અને કોંગ્રેસને વધુ ફટકો પડતો રોકવા માટે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. વળી તેઓ એવી પણ આશા વ્યક્ત કરતા હતા કે, આ નિર્ણયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થશે અને જે લોકો દ્વિભાષીના સવાલ ઉપર કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે તેઓ કોંગ્રેસમાં પાછા ફરશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે નવા ગુજરાત રાજ્યને વ્યવસ્થિત કરવા માટેના કામમાં મોરારજીભાઈ દેસાઈનું માર્ગદર્શન પણ મળી રહેશે.

જોકે, અમદાવાદમાં હવે ભદ્રમાં આવેલ કોંગ્રેસ હાઉસ તરફ હવે કાર્યકરો અને લોકોની અવરજવર એકદમ વધવા પામી હતી. અમદાવાદ અને ગુજરાતના કોંગ્રેસી કાર્યકરો લાંબા સમય પછી ભારે માનસિક શાંતિ અનુભવતા હતા. એ નક્કી જ હતું કે, ગુજરાતનું રાજ્ય અલગ થતાં કોંગ્રેસ પક્ષની જ સરકાર આવશે તેથી જેઓ મહાગુજરાતના આંદોલન દરમિયાન કોંગ્રેસથી વિમુખ થઈને માત્ર ઘરમાં બેસી રહ્યા હતા તેવા લોકો પણ સત્તા આવવાની છે તે જાણીને હોંશે હોંશે કોંગ્રેસ હાઉસનાં રોજેરોજ પગથિયાં ઘસતા હતા અને નેતાઓની નજરે ચડવાના પ્રયાસ કરતા હતા. એ નક્કી જ હતું કે જે કોંગ્રેસીઓ દ્વિભાષીના મુદ્દા ઉપર કોંગ્રેસમાંથી છૂટા પડયા હતા, તેઓ બધાં કોંગ્રેસમાં પાછા ફરશે અને તે રીતે જનતા પરિષદની ટિકિટ ઉપર ચૂંટાયેલા કોંગ્રેસીઓ પણ કોંગ્રેસમાં પાછા ફરશે તેમ સૌ માનતા હતા.

ઠાકોરભાઈ મહાગુજરાતવાદી

મહાગુજરાતના આંદોલનની સામે જેમણે કડક ભાષા વાપરેલી અને જેમણે અનેક વાર સાવ તોછડી ભાષામાં જનતા પરિષદની ઝાટકણી કાઢેલી તેવા ઠાકોરભાઈ દેસાઈ બહુ સમજદારીપૂર્વક આ નવી પરિસ્થિતિમાં બેહૂદી ટીકા-ટિપ્પણીથી દૂર રહ્યા હતા. એક એવી વાત શરૂઆતથી ચોક્કસપણે બહાર આવેલી કે, જ્યારે દ્વિભાષીનો નિર્ણય અચાનક લેવાયો ત્યારે ઠાકોરભાઈ દેસાઈએ તેનો સખત વિરોધ કરેલો અને ટેલિફોન ઉપર આ બાબતમાં તેમની અને મોરારજીભાઈ વચ્ચે ભારે ગરમાગરમી અને તડાતડી થઈ ગયેલી. આ વખતે ઠાકોરભાઈએ મોરારજીભાઈને સ્પષ્ટ કહેલું કે, દ્વિભાષી રાજ્યનો નિર્ણય તેમને બિલકુલ કબૂલ મંજૂર નથી અને તેઓ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને દ્વિભાષી રાજ્યની વાતનો જાહેરમાં વિરોધ કરશે, પરંતુ જ્યારે બધી ચર્ચા પછી મોરારજીભાઈએ તેમને એ પ્રકારની વાત કરી કે, જો તમે જ આવુ વલણ લેશો તો ગુજરાતની કોંગ્રેસને કોણ બચાવશે અને હું આવા વલણની તમારી પાસેથી અપેક્ષા રાખતો ન હતો. મોરારજીભાઈની આ વાત પછી છેવટે પક્ષ પ્રત્યેનાં પ્રેમ અને શિસ્તને ખાતર ઠાકોરભાઈ દ્વિભાષી રાજ્યની વાત કરવા સંમત થયા હતા. ઠાકોરભાઈ દ્વિભાષીમાં દિલથી કદી માનતા ન હતા, પરંતુ સમય અને સંજોગોને કારણે દ્વિભાષીના બચાવની કામગીરી તેમણે ઉપાડી અને પ્રજામાં અળખામણા થવાનું પણ તેમણે શિસ્તને ખાતર પસંદ કરી લીધું.

ઠાકોરભાઈની નિખાલસતા

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે કે, ૧૯૬૭માં અવિભક્ત કોંગ્રેસના સમયમાં હું જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો મંત્રી થયો ત્યારે ઠાકોરભાઈ સાથે મારા ખૂબ ઘનિષ્ઠ સંબંધો થયા હતા અને તેમણે અનેક વખત હસતાં હસતાં અને રમૂજમાં તથા ઘણાંની હાજરીમાં મને કહેલું કે, તમારા કરતા હું વધારે મહાગુજરાતવાદી હતો, પરંતુ મારે જુદો જુદો પાઠ ભજવવો પડેલો. ઠાકોરભાઈ એક ખૂબ પ્રેમાળ અને સરળ વ્યક્તિ હતા તેની બહુ ઓછાને ખબર છે. તેમની કડક અને તોછડી ભાષાને કારણે ઘણાં તેમને સમજી શકેલા નહીં. તેઓ રમૂજી અને નિખાલસ પણ એટલા જ હતા. મણિનગર વોર્ડના કોંગ્રેસ કાર્યકરોના એક સંમેલનમાં હું પ્રમુખસ્થાને હતો અને ઠાકોરભાઈ મુખ્ય અતિથિ હતા. તે વખતે એ વિશાળ સંમેલનમાં બધાના ખડખડાટ હાસ્ય વચ્ચે તેમણે કહેલું કે, મહાગુજરાતના આંદોલનમાં હંુ અને બ્રહ્મકુમાર બંને બહુ જાણીતા હતા અને બંનેને જોવા લોકો એકઠા થઈ જતા હતા, પરંતુ જો ટોળું થાય તો બ્રહ્મકુમાર બહાર રહી શકે, પરંતુ મને પાંજરામાં મૂકી રાખવો પડતો. આવા નિખાલસ અને સરળ ઠાકોરભાઈએ જો હિંમતથી અને ઉદારતાથી પોતાની સંમતિ ના આપી હોત તો આજે જે જગાએ છે તે સ્થળે મહાગુજરાતના શહીદોનું સ્મારક ન થઈ શક્યું હોત તે વાતનો હું સાક્ષી છું.

મોરારજીભાઈની બીજી ભાષા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોનું એક વિશાળ સંમેલન તા. ૫-૧૧-૫૯ના રોજ મળ્યું. જેઓ લાંબા સમયથી ફરકતા ન હતા, તેવા ઘણાં કોંગ્રેસી કાર્યકરો મોરારજીભાઈની નજરે પડવા આ સંમેલનમાં હાજર થઈ ગયા હતા, કેમ કે તેઓ સમજતા હતા કે, મોરારજીભાઈ સત્તાની વહેંચણીનું કેન્દ્ર છે. આ સંમેલનનું ઉદ્ઘાટન કરતાં મોરારજીભાઈએ કહ્યું કે, મુંબઈ રાજ્યનું વિભાજન કર્યા સિવાય મોવડી મંડળ પાસે બીજો કોઈ માર્ગ જ ન હતો. મુંબઈ રાજ્યનું વિભાજન થવાથી હવે ગુજરાતને નુકસાન થાય નહીં અને વિશેષ ફાયદો થાય તે રીતે બધા જ પ્રશ્નોનો નિવેડો થશે. દ્વિભાષી રાજ્યને સમર્થન આપનાર હું જ હતો, પરંતુ સમૂહ વિચારને સ્વીકારીને આગળ ચાલીએ તો જ લોકશાહી ટકી શકે. આ સંજોગોમાં ગુજરાતના કોંગ્રેસીઓની જવાબદારી ઘણી વધી જાય છે અને આપણે નવી પરિસ્થિતિમાં ગુજરાતનું નિર્માણ કરીશું અને ગમે તેવી પરિસ્થતિનો રસ્તો કાઢી શકીશું.

મોરારજી દેસાઈએ એક તબક્કે તેવું પ્રવચન કર્યું કે, ”દ્વિભાષી રાજ્ય તૂટશે તો સત્યાનાશ જશે અને મારા જીવતાં દ્વિભાષી રાજ્ય નહીં તૂટે, એટલું જ નહીં પણ ગુજરાતને અલગ રાજ્ય થવા દઉં.” આવા ધારદાર ભાષણો કરનાર મોરારજીભાઈના વિચારો જે ઝડપથી બદલાયા તેથી માત્ર ગુજરાતના લોકો જ નહીં, પરંતુ ખાસ કરીને કોંગ્રેસી કાર્યકરો તો આશ્ચર્યમાં જ પડી ગયા હતા. આવા સામાન્ય કાર્યકરો અત્યાર સુધી દ્વિભાષી રાજ્યના ગુણગાન ગાવામાંથી ઊંચા જ આવતા ન હતા.

મોરારજીભાઈનો દબદબો કાયમ

દ્વિભાષી રાજ્યની યોજનાનું ખંડન થઈ ગયા બાદ અને મહાગુજરાતની ચળવળને સફળતા મળ્યા બાદ ઘણાં કોંગ્રેસીઓનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. ઘણાં કોંગ્રેસીઓએ ફરી ધોળી ટોપી અપનાવી લીધી હતી. અલબત્ત, મહાગુજરાતની ચળવળની સફળતા એ મોરારજીભાઈની રાજકીય હાર હતી છતાં તેમના રાજકીય મહત્ત્વમાં કોઈ ઘટાડો થયો નહોતો. દિલ્હીમાં તેમનો દબદબો કાયમ હતો. એક રીતે જોઈએ તો એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ખુદ ઈચ્છતા હતા કે ગુજરાતને દ્વિભાષીમાં જોડવું જોઈએ નહીં, પરંતુ મોરારજી દેસાઈ ગુજરાતના હોઈ તેમણે મોરારજીભાઈના દુરાગ્રહ સામે પોતાનો કોઈ આગ્રહ રાખ્યો નહોતો.  એ સાથે સાથે તેમની રાજકીય મુત્સદ્દીગીરી પણ હતી. નહેરુ પણ ઈચ્છતા હતા કે મોરારજી દેસાઈ તેમના દ્વિભાષી રાજ્યના દુરાગ્રહના કારણે ગુજરાતમાં ભલે અપ્રિય થાય. અને એમ જ થયું. કપરંતુ મોરારજી દેસાઈ વ્યક્તિગત અને જાહેર જીવનમાં એક શ્રેષ્ઠ અને ઉમદા વ્યક્તિ હતા. નહેરુ પરિવાર સાથેના તેમના મતભેદો ઈંદિરા ગાંધીના રાજકીય ઉદય પછી બહાર આવ્યા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે ઈંદિરા ગાંધીએ વી. વી. ગીરીને ટેકો આપી દેતાં કોંગ્રેસના ભાગલા થયા.

તે પછીનો ઈતિહાસ જાણીતો છે.

—-દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!