Close

મૃણાલ એના કાળા ઘુંઘરાલા વાળ સમારી રહી હતી. [ Short story ]

અન્ય લેખો | Comments Off on મૃણાલ એના કાળા ઘુંઘરાલા વાળ સમારી રહી હતી. [ Short story ]

આયના સામે ઊભેલી મૃણાલ એના કાળા ઘુંઘરાલા વાળ સમારી રહી હતી.

અરે આજે એની સેંથી બરાબર વચ્ચેથી પડવાને બદલે સહેજ બાજુમાં પડી ગઈ….’ઉફ’: મૃણાલ બબડી. એક તો જે લાંબા કાળા કેશની સહુને અદેખાઈ હતી એ જ વાળને ઓળવાનો એને સખત કંટાળો પણ હતો. કદી કદી એના હાથ દુઃખી જતા ત્યારે ગુસ્સાથી કાંસકી દૂર ફેંકી દેતી.

પણ આજે!

સહેજ બાજુમાં પડી ગયેલી સેંથીને એ દર્પણમાં બરાબર તાકી રહી. એનું લક્ષ્ય એ સેંથી તરફ વધુ ને વધુ કેન્દ્રિત થયું અને એનાં કાળાં જુલ્ફાંઓમાં પરોવાયેલી વર્ષો જૂની એક નાનીશી વાત યાદ આવી ગઈ.

“ત્યારે તો હું બેન્કમાં નવી સવી જ ભરતી થઈ હતી. માંડ એકાદ વર્ષની નોકરી બાદ બેન્કના આખાયે સ્ટાફને હું માંડ ઓળખી શકેલી અને ઘણીવાર તો વરસનાં વહાણાં બાદ પણ એવું બને કે કોઈ મને ઓળખતું હોય પણ હું એમને ભાગ્યે જ ઓળખતી હોઉં. પણ તમે એમ માનશો કે આ મૃણાલ ખૂબ ઘમંડી હશે. પણ ના. હું સાચું કહું છું કે એ તો મારો સ્વભાવ છે. હું જરાક શરમાળ છું. કોઈ પુરુષ મારી જોડે વાત કરે તો એની સાથે શું બોલવું એની જ મને તો સમજ પડતી નથી. એટલે થોડીવાર તો ચલાવે રાખું, પણ વાતનો દોર મારાથી ખેંચી શકાતો નથી. છેવટે આડુંઅવળું ઝીંકાઈ જાય ને લોકો મારા વિશે જુદા જુદા અભિપ્રાય બાંધી લેતા હોય છે. વળી પાછી મૂળ વાત પરથી ગાડી બીજે પાટે ચાલી ગઈ. હું તો એમ કહેતી હતી કે, એ દિવસોમાં એક સાંજે એવું બન્યું કે, બેન્કમાંથી છૂટી હું ઘેર જવા માટે બસની લાઈનમાં ઊભી હતી.

બસ આવી. ઉતારુઓ ટિકિટ લઈને અંદર જવા માંડયા. મારો વારો આવતાં મેં પૈસા કાઢયા. ત્યારે મારી આગળ ઊભેલા એક યુવાને મને રોકતાં કહ્યું: ‘તમારી ટિકિટ મેં લઈ લીધી છે.’ અને ઘડીભર તો હું શૂન્ય બની ગઈ. મેં એ યુવાનની આંખો સામે જોયું, પણ બીજી જ ક્ષણે એ બસમાં ચડી ગયો. હું કેટલીક ક્ષણો સુધી વિચારમાં ડૂબેલી રહી અને આવા અજાણ્યા માણસે કયા સંબંધે ટિકિટ લીધી હશે વિચારતાં છેવટે એની ટિકિટનો ઈન્કાર કરીને મારે ટિકિટ લઈ જ લેવી જોઈએ એ ગણતરી કરી અને મેં ફરીથી મારી ટિકિટ લઈ લીધી.

બસ ભરાઈ ગઈ હતી. ‘અહીં બેસો.’ કહેતાં એ જ યુવાને પોતાની બેઠક ખાલી કરી આપી.

હું ફરીથી વિચારમાં પડી ગઈ. મેં કહ્યું: ‘ના, મારે નજીકમાં જ ઊતરવાનુંં છે.’

અને એ યુવાન મને એક જાતનો બોજ લાગ્યો. એની ખાલી કરી આપેલી બેઠક પર ન બેઠી. એટલું જ નહીં પણ મારે નહોતું ઊતરવું તોયે આગલા બસ-સ્ટોપ પર ઊતરી ગઈ.

થોડા દિવસ સુધી એ યુવાન રોજ મને મારી બસની લાઈનમાં દેખાયો. કદી એ આગળ હોય તો કદી પાછળ. મને થયું આ માણસથી છૂટવા મારે શું કરવું ને શું ન કરવું! દેખાવમાં તો સીધોસાદો હતો. સરસ કપડાં પહેરતો. ચહેરો રૂપાળો હતો. પણ દાનત? અને વચ્ચે તો મેં ઉપરાઉપરી એને બેન્કમાં હરતોફરતો જોયો. મને થયું, આવી બન્યું બાપ! આ નાલાયક તો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યો છે ને!

પછી તો રોજ સવાર થતી ને મને ફફડાટ વછૂટતો. બેન્કમાં જવાનો સમય થતો ને હું ગભરાઈ ઊઠતી. એનો ચહેરો મારી સમક્ષ તરવરી ઊઠતો. જાણે કે હું લાખ લાખ સોયોની અણીઓથી ભોંકાઈ મરતી. બળ્યો આ સ્ત્રીનો અવતાર! પુરુષો કેટલા નફફટ! સ્ત્રીને જુએ છે ને જાણે કે ગોળનું ઢેફું ભાળ્યું એવી ફાટી ફાટી આંખે ને નફફટાઈથી જુએ છે કે…!

એકવાર હું મારી સખીઓ જોડે ફિલ્મ જોવા ગયેલી, ત્યાં પણ એ ઊભો હતો. આ વખત તો એને સંભળાવી દેવાનું મન થયું કે, નાલાયક! શીદને મારી પાછળ પડયો છે?

પણ મારી જીભ ન ખૂલી તે ન જ ખૂલી…અને મારી એ નબળાઈ છે. એ રાતે હું ખૂબ રડી. મારી તરફ એકધારી નજરે જોઈ રહેવાની એની એ રીત પ્રત્યે થયેલી નફરતનો જવાબ આપવાની મારામાં હામ નથી. એટલે જ હું રડી પડી.

પછીના બેચાર દિવસ સુધી એ દેખાયો નહીં. ત્યારે મને રાહત થઈ કે ‘હાશ’ હવે એ કંટાળ્યો લાગે છે.

પણ એક દિવસ એવું બન્યું કે, સવારે અગિયાર વાગ્યે હું બેન્કમાં પહોંચી. બેન્કમાં પેસતાંવેંત ફિક્સ ડિપોઝીટ વિભાગમાં હું બેસતી. એવામાં મારા એક સંબંધી આવી પહોંચ્યા. તેઓ સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં નવું લોકર લેવા આવ્યા હતા. બેન્કની વિધિથી અપરિચિત હોવાથી મેં એમને બધી વિધિ પતાવી આપી. છેવટે અમે ભોંયરામાં આવેલા સેઈફ રૂમમાં ગયાં તો સામેના ટેબલ પર એ જ યુવાન બેઠો હતો જે ઘણા સમયથી મારો પીછો કરતો હતો!

‘તમે?’ મને આવેલી જોઈ એણે અસ્મિત ચહેરે પૂછયું: ‘કેમ મૃણાલ, કેમ આવ્યાં તમે?’

અને મારા માથામાં ઘા થયોઃ ‘આ નાલાયક તો મારું નામ પણ જાણે છે?’

મેં એની સાથે વાત કરવાને બદલે મારા સંબંધીને કહ્યું: ‘તમે અહીંથી લોકર મેળવી ચાવી લઈ લ્યો…મારે જરા કામ છે.’

અને હું ઝડપથી બહાર ચાલી આવી.

હું તો મારા ટેબલ પર આવીને ફસડાઈ પડી. મારી આંખોમાં પાણી જોઈ કેટલાકે પૂછયું પણ ખરું: ‘શું થયું તમને?’ હું શું જવાબ આપું?

તબિયત સારી નથી એમ કહીને હું ઘેર ચાલી ગઈ. એક પળ તો વિચાર આવ્યો કે, બેન્કની નોકરી જ છોડી દઉં. પણ એ પગલું વ્યવહારુ ન લાગતાં મેં બદલી કરાવવા વિચાર કર્યો. બીજા દિવસે સવારે હું સમય કરતાં સહેજ વહેલી બેન્કમાં ગઈ. ત્યાં જ એનો મનહૂસ ચહેરો મને દેખાયો. હું એનાથી અંતર રાખીને ઝડપથી દોડી, અને બેબાકળી હું રઘવાટમાં પગથિયાં પરથી લપસી પડી. મારું પર્સ છેક નીચેના પગથિયે પહોંચી ગયું. હું ઊભી થાઉં એ પહેલાં તો એ મારું પર્સ ધરીને ઊભો હતો. એણે કહ્યું: ‘સાચવીને પગથિયાં ચડતાં હો તો-!’ પર્સને લઈ લેતાં મેં વાતનો જવાબ ન આપ્યો ને પગ ઉપાડયો.

‘એક મિનિટ!’ અને હું થંભી ગઈ.

એણે કહ્યું: ‘મૃણાલ! તમે માથાની સેંથી સહેજ બાજુમાં પાડતાં હો તો!’

અને ગુસ્સાથી હું લાલચોળ બની ગઈ. ‘લુચ્ચા! આવું કહેવાનો તને શું અધિકાર છે?’ એ શબ્દો હોઠ સુધી આવ્યા પણ હોઠ ન ખૂલ્યા અને હું સીધી બોસ પાસે ચાલી ગઈ. મારો પીછો કરી રહેલા એ યુવાન અંગેની આખીયે વાત વિગતવાર કહ્યા પછી એમણે મને પૂછયું: ‘બોલ મૃણાલ! તું શું ઈચ્છે છે?’

‘સર! કયાં તો એને અહીંથી બદલો અગર તો મને બીજી બ્રાંચમાં મૂકો.’

એક અઠવાડિયાની રજા લઈ હું હતાશ બની ઘેર પહોંચી. સમગ્ર પુરુષજાત માટે મને તિરસ્કાર થઈ આવ્યો. ઘેરથી બહાર નીકળવાનું મેં બંધ કરી દીધું. ઘરકામમાં મેં મન પરોવ્યું. બદલી માટે આગ્રહ રાખવાનો નિર્ણય મેં મક્કમ કર્યો.

અઠવાડિયા બાદ રજા પૂરી થતાં હું બેન્કમાં ગઈ. હળવું બનેલું હૈયું ફરીથી ધકધકતું હતું. એટલામાં પટાવાળો મને બોલાવવા આવ્યો. હું બોસ પાસે ગઈ.

‘બેસ મૃણાલ.’

હું બેઠી.

બોસે ટેબલના ખાનામાંથી એક નાનકડી તસવીર કાઢી મને જોવા આપી. એ તસવીરને મેં જોઈ…અને હું સ્તબ્ધ બની ગઈ. મારી તસવીર એમની પાસે ક્યાંથી? મેં તો કોઈને આપી નથી? તો શું પેલા બદમાસે તો કોઈ કાવતરું કર્યું નહીં હોય? હું બોલીઃ ‘સર! કંઈ સમજાતું નથી. આ ફોટોગ્રાફ તો મારા જેવો જ લાગે છે.’

‘સાચી વાત છે, પણ એ તસવીર તમારી નથી.’

હું ચૂપ રહી.

‘જુઓ આ તસવીરવાળી યુવતીના માથાની સેંથી સહેજ બાજુમાંથી પાડેલી છે. ને તમે બરાબર વચ્ચેથી પાડો છો એ સિવાય તમારા નેે એના ચહેરા વચ્ચે કોઈ ફરક નથી.’

‘તો આ કોણ છે!’

‘તસવીરને ઉલટાવો.’

મેં ફોટોગ્રાફને ફેરવ્યો. પાછળ લખેલું હતું: ‘સ્વર્ગીય કુમુદ. દેહાન્ત તા.૨૦-૯-૧૯૭૩.’

આ વાંચીને હું કંઈ સમજી ના સમજી ત્યાં જ બોસ બોલ્યાઃ ‘આ એ જ યુવાનની બહેન છે. એને મેં બોલાવ્યો હતો. ખૂબ ધમકાવ્યો હતો. એ તો કંઈ પણ કહેવા ઈન્કાર કરતો હતો. છેવટે મેં એના ઈરાદા ઉપર શંકા મૂકી ત્યારે એના પાકીટમાંથી આ ફોટોગ્રાફ રજૂ કર્યો, અને એ આટલું જ બોલ્યો કે, ‘મારી એકની એક બહેન ગયા વરસે જ ગુજરી ગઈ છે. એથી જ્યારે હું મૃણાલને જોતો ત્યારે મને મારી બહેનની યાદ આવી જતી હતી.’ એટલું બોલતાં એનો સાદ ભીંજાયો હતો…’

અને હું સ્તબ્ધ થઈ આ વાત સાંભળી રહી.

હર પળ એના પ્રત્યે મનોમન જ મેં વરસાવેલા આકરા તિરસ્કારોના બોજ તળે જાણે હું જ ચગદાઈ રહી. સમગ્ર પુરુષજાત પ્રત્યે મેં દાખવેલા ઝેરથી હું જ બળી રહી. શું બોલવું એ મને સમજાતું નહોતું. તત્ક્ષણ હું ચેમ્બરમાંથી બહાર નીકળી સીધી સેઈફ ડિપોઝીટ વોલ્ટ તરફ ભાગી. ભોંયરામાં પહોંચતાં પહેલાં મારા મનમાં અનેક વિચારો વીજપ્રવાહની જેમ વહી ગયા. મને થયું કે હું એની માફી માગી લઉં. મને થયું કે હું એની સામે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી લઉં. મને થયું કે…

પણ એ ટેબલ પર કોઈ બીજો જ કર્મચારી બેઠો હતો.

‘કયાં ગયા…પેલા ભાઈ…..જે પહેલાં…..’ મેં ત્રુટક શબ્દોમાં પૂછયું.

‘એમણે ટ્રાન્સફર માંગી લીધી.’

અને મારા માથામાં વજ્રાઘાત થયો.

‘કઈ બ્રાંચમાં ગયા?’ રહીસહી આશાએ મેં પૂછયું.

‘એ તો કોઈને કહ્યું નથી.’

જાણે કે મારા ગાલ પર તમાચો વાગી ગયો

વળી એણે પૂછયું: ‘પણ તમે આ બધું કેમ પૂછો છો?’

મારા ગળે ડૂમો ભરાયો હતો. આંખો ધૂંધળી બની હતી. હું શું જવાબ આપું?

અને મૃણાલે આંખો લૂછી ફરી દર્પણમાં જોયું. એના કાળા ઘુંઘરાલા વાળ મહીં શોભતો પોતાનો ચહેરો શરમિંદો હતો. વર્ષો જૂની એની નાનીશી ભૂલ માટે એ આજે પણ પસ્તાતી હતી. એ ઘણીવાર પોતાની સખીઓને કહેતી કે ‘બધા પુરુષો ‘એવા’ નથી હોતા, હોં.’

આજે….આજે ફરી સજળ નયને મૃણાલે માથામાં સેંથી સહેજ બાજુમાં પાડી…શું પોતાની ભૂલનું એ તર્પણ હતું?

[ STORY BY DEVENDRA PATEL ]

www.devendrapatel.in

Be Sociable, Share!