Close

યે રાધાબાઈ કા કોઠા હૈ [ SHORT STORY]

અન્ય લેખો | Comments Off on યે રાધાબાઈ કા કોઠા હૈ [ SHORT STORY]

લખનૌની નવાબી સાંજ ઢળી ચૂક્યે સારો એવો વખત થયો હતો.

 એ અજનબી શહેરની રાત્રિરોનક ગજબનાક હતી. માર્ગો ખલેલહીન બની રહ્યા હતા. પણ શહેર પર જાણે કે એક રંગીન કેફ ચડી રહ્યો હતો. ઊંચી ઊંચી મેડીઓ-હવેલીઓની બારીઓમાંથી રેલાતો દૂધિયો પ્રકાશ જાહેર માર્ગો પરના લેમ્પોસ્ટને ઝાંખા પાડતો હતો.

રાત્રિ હજુ જામતી હતી. મૃદંગ અને તબલાંના તાલ મિલાવવા આથડતી નાજુક હથોડીઓનો અવાજ ત્રૂટક ત્રૂટક સંભળાતો હતો. એ રાત્રે પરાણે મારે બનવારીલાલ સાથે બહાર નીકળવું પડયું. માથું દુઃખતું હોવા છતાં બનવારીલાલ સાથેનો મારો સંબંધ જ એવો હતો કે જેથી હું તેમને ‘ના’ કહી શક્યો નહીં. એ મારા યજમાન હતા અને એથીય વિશેષ એમના મારી પર અનેક અહેસાન હતા. સંબંધ તો માત્ર ધંધાકીય હતો. પણ હવે અમે નિકટના મિત્રો બની ગયા હતા.

“દેખો શેઠિયા યે લખનૌ કી શામ હૈ. સારે હિન્દોસ્તાં કી શામોંસે અલગ. લૂંટો મઝા-જી ચાહે ઉતની. અબ કી બાર લખનૌ આયે હો. શાયદ કોન જાને અબ કબ આઓગે!” કાંજી કરેલાં સફેદ વસ્ત્રોમાં પચાસ વર્ષની ઉંમરે પણ ત્રીસના ભાસતા બનવારીલાલે હાથમાંના ગજરાને રમાડતાં કહ્યું.

માત્ર બે જ જણ બેસી શકે એવી નાનકડી ઘોડાગાડીની સવારી ઉપરાંત બનવારીલાલની મીઠી જબાન મને અમુક અમુક ક્ષણોએ હવે પસંદ હતી. એમાંયે એમનાં વસ્ત્રોમાંથી મહેંકતા દેશી પણ અસલ અત્તરોનો મઘમઘાટ એમની રસિકતાની ચાડી ખાતાં હતાં ત્યારે હું એમનાથી અડધી ઉંમરનો હોવા છતાં પણ એ મારાથી અધિક યુવાન હોય એવું હું અનુભવતો હતો અને મનોમન મુશ્કુરાતો હતો.

અમારી સવારી અધિક તેજથી આગળ વધી રહી.

આજુબાજુના મહોલ્લાઓમાંથી રેલાવા માંડેલો મધુર ધ્વનિ હવે મને પણ કેફ ચડાવી રહ્યો, ઊંઘ ઊડતી ગઈ અને શરીરમાં પુનઃ તાજગી પ્રસરી રહી, હું જરાક હસ્યો. મને હસતો જોઈ બનવારીલાલ પણ મુસ્કરાયા અને બોલ્યાઃ “ઐસી ભી ક્યા બાત હૈ, જનાબ! અકેલે અકેલે ખુશીયાં મના રહે હો, જરા હમેં ભી તો બતાઈયે!”

હું જવાબ વાળું એ પહેલાં જ ગાડીવાને બાજુનાં મહોલ્લામાં ઘોડાગાડી વાળી. હું જરા જિજ્ઞાસાથી આજુબાજુ નજર નાંખી રહ્યો. છેક ખૂણા પરની એક જૂની પણ ભાતીગળ હવેલી પાસે અમે ઊતર્યા. બનવારીલાલે ખિસ્સામાંથી રૂપિયાની નોટ કાઢી ગાડીવાનને આપી અને ચાંદીના ડબ્બામાંથી પાનનું બીડું કાઢી એક મને આપ્યું અને એક તેમણે મોમાં મૂક્યું.

આછા અજવાળે માત્ર જોઈ શકાય તેવો દાદરો ચડી અમે ઉપર પહોંચ્યા. એક બે ખંડ પસાર કરીને આંખને આંજી નાંખે તેવી ઝાકઝમાળ દર્શાવતા એક વિશાળ ખંડમાં પ્રવેશતા બનવારીલાલને હું અનુસરી રહ્યો. અગાઉ બે-ત્રણ લખનૌવાસી આવીને બિરાજેલા જ હતા. હું પણ મારા યજમાનની બાજુના તકિયે આરામથી ગોઠવાયો મેં ચારેકોર નજર ફેંકી. ખંડની પ્રત્યેક ચીજ નકશીદાર હતી. ત્રણ બાજુ ગોળાકારમાં ગોઠવાયેલી ગાદીઓની વચ્ચેની વિશાળ વેદી નર્તકીનાં સુંવાળા પગને પણ લપસાવી મૂકે તેવી લીસ્સી જણાતી હતી. એની બરાબર ઉપર ઝુમ્મરમાંથી રંગીન પ્રકાશ વેરાઈ રહ્યો હતો…સામેની ભીંતો પર ન સમજી શકાય તેવી કોઈ શાસ્ત્રીય મુદ્રાઓ પ્રર્દિશત કરતી નૃત્યાંગનાઓની ચિત્રિત તસવીરો ઘડીભર ધ્યાન ખેંચી રહી.

સામેના ખૂણા પર બેઠેલા ઉસ્તાદો વાજિંત્રો ઠીકઠાક કરી….કાચની રંગબેરંગી ભૂંગળીઓનાં બનેલાં પરદાની પાછળ ભીતર દ્રષ્ટિ તાકીને બેઠા હતા. હું પણ તેમને અનુસર્યો. બનવારીલાલ મારી તરફ નમ્યા….એ મને કંઈક કહેવા માંગે છે એવો ખ્યાલ આવતાં હું તેમની સામે કાન ધરી રહ્યો. એ ધીમેથી બોલ્યાઃ “સુનો! યે રાધાબાઈ કા કોઠા હૈ…હમારે લખનૌ કી યે શાન હૈ. ફાલતુ લોગ યહાં આને કી હિંમત ભી નહીં કર સકતે…”

એમની વાત પૂરી થાય એ પહેલાં જ “છમ….છમ….છમ…છમ…છમ…” અવાજે અમારું ધ્યાન ખેંચ્યું.

રાધાબાઈ ઝૂકીઝૂકીને અદબથી સૌને સલામ કરી રહી હતી. ચમકતાં, રેશમી અને રંગીન વસ્ત્રો રાધાબાઈએ શાસ્ત્રીય શૈલીથી પરિધાન કર્યા હતા…હું તો હજી એનાં વસ્ત્રોમાં જ અટવાતો હતો…તે મારી વધુ નજીક આવી અને ઝૂકીઝૂકીને સલામ કરી રહી. બનવારીલાલે મને સહેજ ઈશારો કર્યોઃ “અરે ભઈ! તુમ મહેમાન હો…તુમ્હારી ખાસ ખાતીર હો રહી હૈ….સલામ કા જવાબ ભી તો દો.”

આ બધી બાબતોથી અજાણ એવો હું પણ અદબ દાખવી રહ્યો અને અચાનક મારો હાથ અધવચ્ચે જ રહી ગયો.

વિવેક છોડીને રાધાબાઈ સામે મને તાકી રહેલો જોઈ બનવારીલાલે ફરીથી મારા ખભે હાથ મૂક્યોઃ “જનાબ! લો કુછ ખાઓ ભી તો”: કહેતાં એમણે લીલી દ્રાક્ષનું ઝૂમખું મારી સામે ધર્યું. હું જાગ્રત થયો અને એક બે દ્રાક્ષ તોડી ઊંડા વિચારમાં ગરક થઈ ગયો.

“ધીસ ઈસ ઈમ્પોસિબલ” હું એકલો એકલો બબડયો.

મહેફિલ શરૂ થઈ ચૂકી અને રાધાબાઈનું સૂરીલું નૃત્ય-ગીત સૌને ડોલાવી રહ્યું. એના એક એક શબ્દ ‘વાહ વાહ’ના ઊઠતા પોકાર મારા કાને અથડાઈ અથડાઈને પાછા પડતા હતા. મારા દિમાગ પર એની કોઈ અસર નહોતી. મારું દિલ રાધાબાઈને “રાધાબાઈ” તરીકે સ્વીકારવા તૈયાર નહોતું.

મારા માનસપટ પર એક પછી એક ચિત્રો પસાર થતાં ગયાં. હા, મને યાદ આવ્યું. ડિસેમ્બરની નવમી તારીખ હતી. જ્યારે હું રાધાને પ્રથમવાર મળ્યો હતો. એ વાતને બહુ નહીં તો છ એક વર્ષ તો વીત્યાં જ હશે. કલકત્તાથી મુંબઈ તરફ હું પાછો ફરી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં રાધા સાથે મારે પરિચય થયેલો અને તે પણ કેવા વિચિત્ર સંજોગોમાં ગાઢ થયો હતો. રાધા એની મા સાથે મારા જ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહી હતી. મારી સામેના બંને બર્થ એમના રિઝર્વ કરાવેલા હતા. જ્યારે મારી ઉપરનો બર્થ ખાલી હતો. જેમ જેમ સ્ટેશનો પસાર થતાં ગયાં તેમ તેમ મારે એમની સાથે પરિચય કેળવવો પડયો. તેઓ હિન્દી ભાષી હતાં. એમની જબાનમાં જાદુ હતો, માયા હતી, સ્નેહ હતો…રાધા એક માત્ર એમની દીકરી હતી, પણ બાપવિહોણી. મુંબઈની કોઈ નૃત્ય સંસ્થામાં તે નૃત્યની તાલીમ લઈ રહી હતી….અને અમારો પરિચય પ્રગાઢ બને તે પહેલાં જ હું બર્થ પરથી ઊથલી પડયો…મા દીકરી પણ ઊથલી પડયાં…આખો કમ્પાર્ટમેન્ટ ડોલી રહ્યો અને મેં ભાન ગુમાવ્યું…

હું જાગ્રત થયો. આજુબાજુ અજાણ્યાં લોકો ઊભાં હતાં. હું એકમાત્ર બનવારીલાલને ઓળખતો હતો.

“અરે ક્યા હો ગયા તુમ્હે, સુંદર!” મને ભાનમાં આવતો જોઈ બનવારીલાલે ચિંતા ખંખેરતાં પૂછયું.

હું પરિસ્થિતિ પામી ગયો. ટ્રેન અકસ્માતના માનસિક આઘાતથી હું હજું મુક્ત થયો નહોતો….એ પ્રસંગ યાદ આવી જતાં આજે મે ફરી ભાન ગુમાવ્યું હતું અને તે પણ “રાધાબાઈના…ના ના….પેલી રાધાના ઘેર જ.”

મારી આંખો રાધાને શોધી રહી….”રાધા…!”

મારાથી બોલી જવાયું.

“મૈં યહાં હૂં…” પલંગની પાછળ ઊભેલી રાધા બોલી.

મેં બેઠા થઈ જતાં ફરી એની સામે જોયું…હજુયે નર્તકીના પરિવેશમાં પેલા ‘રાધા’ જ જણાતી હતી. મને સ્વસ્થ થતો જોઈ તે બોલીઃ “કયા હો ગયા આપ કો?”

મને આૃર્ય થયું કે, હજુ રાધાએ મને ઓળખ્યો નથી.

હું બોલ્યોઃ “યાદ કરો રાધા, વહ ટ્રેન અકસ્માત જબ હમ સાથ થે.”

કેટલીક ક્ષણો સુધી રાધાબાઈ મારી તરફ એકનજરે તાકી રહી અને સહાનુભૂતિભર્યા સ્વરે બોલીઃ “કૌન સા અકસ્માત?”

“કલકત્તા સે બમ્બઈ આતે વક્ત સન ચૌસઠમેં, દિસમ્બરકી નૌવી તારીખકો.” મેં યાદ અપાવ્યું.

“અબ ભી આપ અકસ્માત કી માનસિક અસરમે હૈં. માફ કિજિયે, મૈં તો કભી કલકત્તા નહીં ગઈ. બાત સચ હૈ કિ મેરા નામ રાધા હૈ લેકિન આપકી દ્રષ્ટિ કો આજ ધોકા હુઆ હૈં..મેરી તો મા હી નહીં.”: કહેતાં કહેતાં રાધાબાઈનો સ્વર લાગણીભીનો થયો.

મેં આજે બીજો આઘાત અનુભવ્યો…ભૂલાયેલી કડીં મને આજે ફરી યાદ આવી. એ અકસ્માતમાં તો રાધાનો પગ જ કપાઈ ગયો હતો….તે કેવી રીતે લખનૌની વિખ્યાત નર્તકી બની શકે. અકસ્માતમાં એની મા મૃત્યુ પામી હતી….અને હું રોજ રાધાની ખબર કાઢવા હોસ્પિટલમાં જતો….પણ એને કોણ લઈ ગયું તેની મને ખબર નથી….અને વર્ષોથી એ રાધા આજે રાધાબાઈના કોઠામાં યાદ આવી ગઈ.

થોડીક ક્ષણો બાદ રાધાબાઈએ એક જામ મારી સામે ધર્યો. પણ હજુ તો જામની ભીતરના એ રંગીન પ્રવાહીમાં અને મને તો પેલી રાધાનું જ પ્રતિબિંબ જણાતું હતું.

“માફ કર દેના” એટલું બોલીને આખોયે જામ હું ગટગટાવી ગયો.

[STORY BY DEVENDRA PATEL]

www.devendrapatel.in

Be Sociable, Share!