Close

રાતના અંધારામાં એક સ્વરૂપવાન યુવતી રેસ્ટહાઉસ પર ભોજન લઈને કેમ આવી

અન્ય લેખો | Comments Off on રાતના અંધારામાં એક સ્વરૂપવાન યુવતી રેસ્ટહાઉસ પર ભોજન લઈને કેમ આવી

પદ્મજા -પ્રકરણ -૧

૦૦૦૦૦૦૦૦૦૦૦

એ રાત્રે અંધારું થાય તે પહેલાં જ અચાનક વાદળો ચડી આવ્યાં. અંગ્રેજોના સમયમાં નગરના છેવાડે બનેલી એ પૌરાણિક હવેલી આજેય જાજરમાન લાગતી હતી. એમાં અનેક ખંડ હતા. વિશાળ દીવાનખંડ. વિદેશી ઝુમ્મરો, ઝુમ્મરોમાં લટકતા રંગબેરંગી દીવા. હવેલીની આજે પણ દેખાતી ભવ્યતા એમાં રહેતા રઈશ પરિવારની પ્રતીતિ કરાવતી હતી.

હવેલીના ઉપરના માળે આવેલા એક વિશાળ શયનખંડના ઝરૂખામાં ઊભેલી મહાશ્વેતા વાદળોના આક્રમણને જોઈ રહી. બહાર સાવ અંધારું હતું. દૂરદૂરનાં મકાનોમાં ઝાંખા દીવા બળતા હતા. એટલામાં જ વાદળોની એક ભયાનક મેઘગર્જના થઈ. મહાશ્વેતા સ્વરૂપવાન યુવતી હતી. આકાશમાં થતી વીજળીના પ્રકાશમાં પણ તેનું સૌંદર્ય ચમકીને ઓલવાઈ જતું. નગરના એક છેડે હવેલી હતી. બીજા છેડે દરિયાના ટાપુ પર એક લાઈટહાઉસ હતું. એક ભયાનક મેઘગર્જના સાથે વીજળી જાણે કે સાવ સૂનમૂન ઊભેલા પુરાણા લાઈટહાઉસ ઉપર ત્રાટકી. લાગ્યું કે હમણાં જ લાઈટહાઉસ ચીરાઈ જશે. મહાશ્વેતા વીજળીના તેજલિસોટામાં દેખાતા લાઈટહાઉસને જોઈ રહી. વરસાદ હવે શરૂ થઈ ગયો. એ દરમિયાન અંદરના શયનખંડમાંથી અવાજ આવ્યોઃ ‘બેટા મહાશ્વેતા, બહાર બહુ વરસાદ છે તું અંદર આવીજા.’

મહાશ્વેતા બોલીઃ ‘આવું છું, મા… હું લાઈટહાઉસને જોઈ રહી છું. મને લાગે છે કે તેની પર વિજળી પડી.’

અંદરથી અવાજ આવ્યોઃ ‘જલદી અંદર આવીજા બેટા. એ લાઈટહાઉસ શાપિત છે. એને ના જો.’

અને મહાશ્વેતા એક નિસાસા સાથે ઝરૂખાને છોડીને બારી બંધ કરી પલંગમાં સૂતેલી એની મા પાસે પહોંચી. મહાશ્વેતાના વૃદ્ધ માતા મંદાકિનીએ તેની પુત્રી મહાશ્વેતાને પલંગ પર જ બાજુમાં બેસાડી. મંદાકિની ધીમેથી બોલ્યાઃ ‘આ લાઈટહાઉસ સાથે આપણી કેટલી બધી યાદો ત્યાં જ સંઘરાયેલી છે? તારા જન્મ પછીથી એ લાઈટ હાઉસ બંધ છે. એને ચાલુ કરવા કોઈ આવતું જ નથી.’

‘હા…મા. વર્ષો થઈ ગયા પરંતુ મને વારેવારે ત્યાં જવાનું મન થાય છે?’ : મહાશ્વેતા બોલી.

‘બેટા, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. ‘: મંદાકિની નિસાસા સાથે બોલ્યાં.

મહાશ્વેતા ચૂપચાપ સાંભળી રહી.

આટલી વિશાળ હવેલીમાં ફક્ત મા અને દિકરી જ હતાં. માને કાંઈક યાદ આવી જતાં તેમની આંખોમાં આંસુ છલકાયાં અને પુત્રી મહાશ્વેતાએ એ આંસુ લુછતાં માના માથા પર હાથ ફેરવ્યો.

વરસાદ હવે વધ્યો હતો. જાણે કે આજે સાક્ષાત કાળ થઈને આવ્યો હતો.

““““

૧૯૫૦ના સમયગાળાની આ વાત છે. ભારતને હજુ થોડાં વર્ષો પહેલાં જ આઝાદી મળી હતી. દૂરદૂરનાં ગામડાઓ સુધી વીજળી કે ટેલિફોન પહોંચ્યાં નહોતાં. નાનાં નગરોમાં રાત્રિના સમયે શેરીઓ ઉપર તેલના લેમ્પોસ્ટ કે પેટ્રોમેક્સની બત્તીઓ લટકાવવામાં આવતી. ક્યારેક તો રાત્રિના સમયે ચોર અને લૂંટારા પણ ત્રાટકતા. બહારવટિયાઓથી બચવા કેટલાક લોકો ઘરમાં બંદૂકો પણ રાખતા. રાત પડે ગામ કે નગર અંધારામાં અલોપ થઈ જતું.

આવા જ સમયગાળાના પીરમગઢ નામના નગરની આ વાત છે.

દરિયાકાંઠે વસેલા આ નાનકડા નગર-પીરમગઢના ચરણને સાગરનાં મોજાં રોજ પખાણતાં. પ્રાકૃતિક સૌંદર્યથી છલકતું પીરમગઢ અન્ય શહેરોથી દૂર હોવાથી તેની આગવી ભાતીગળ ઓળખ સાથે અકબંધ હતું.

દરિયાકાંઠાના એક નાનકડા નગરમાં પહેલેથી જ વસતી ઓછી હતી. કોણ જાણે કેમ પણ વર્ષોથી અહીંના સાહસિકો બહાર વસવા જતા હતા. કોઈ અમદાવાદ, કોઈ મુંબઈ કોઈ લંડન તો કોઈ આફ્રિકા. આમ છતાં દરિયાકાંઠાનું આ નગર પુરાણી શૈલીનાં મકાનોથી સોહામણું લાગતું હતું.

***

હવે સવાર પડી ગઈ.

રાત્રે મેઘગર્જના અને વિજળીના ચમકારા સાથે વરસેલો વરસાદ હવે થંભી ગયો હતો. દરિયો પણ હવે શાંત હતો. સૂરજ તો ક્યારનોય ઊગી ચૂક્યો હતો. થોડાંક હોડકાં દરિયામાં તરતાં દેખાતાં હતાં. આ નગરથી થોડેક દૂર દરિયાના ટાપુમાં એક લાઈટહાઉસ પણ હતું. અંગ્રેજોના જમાનામાં બંધાયેલું એ લાઈટહાઉસ આજે પણ સક્રિય હતું. લોકો એને દીવાદાંડી કહેતા. દરિયામાં આવતાં જતાં સમુદ્રી જહાજોને રાત્રિના સમયે આ દીવાદાંડીની ફ્લેશ લાઈટ્સ રસ્તો બતાવતી. દરિયાના ટાપુ પર એક ઊંચી ટેકરી પર આવેલા આ લાઈટહાઉસની નીચે સહેજ દૂર લાઈટહાઉસ કીપરને રહેવા માટે એક પુરાણું ક્વાર્ટર પણ હતું. એ ટાપુ સુધી પહોંચવા માટે નાનકડી બોટનો ઉપયોગ કરવો પડતો.

બસ, આવા એક દરિયાકાંઠાના નગરની એક ખુશનુમા સવારે દૂરદૂરથી એક મોટરકાર આવતી જણાઈ. એ મોટરકાર દરિયાકિનારાથી દૂર એક ચોક્કસ સ્થળે ઊભી રહી. તેમાંથી સુટ પહેરેલો એક યુવાન નીચે ઊતર્યો? એણે કારની ડિકીમાંથી પોતાની બેગ બહાર કાઢી અને કાર એને આ નગરના પાદરે જ ઉતારી પાછી વળી ગઈ.

એ વખતે સમુદ્રકિનારે દરિયાનાં મોજાં જાણે કે હળવી થપાટો જ મારતાં હતાં. સમુદ્રની શાંતિ પક્ષીઓને પણ ગમતી હોય છે. દરિયાના પટ પર કેટલાંક પક્ષીઓ ઉડાઉડ કરતાં હતાં. બરાબર એ જ વખતે એક પચ્ચીસેક વર્ષની યુવતી એના હાથમાં એક છાબડીમાં લાવેલા દાણા પક્ષીઓને નાખતી હતી. પક્ષીઓ મોજથી એ દાણા ચણતાં સુંદર કલરવ કરતાં હતાં. દરિયાકિનારે પક્ષીઓને દાણા નાખી રહેલી યુવતીએ કારમાંથી ઊતરેલા યુવકને જોયો ન જોયો અને તે વળી પાછી પક્ષીઓને દાણા નાખવામાં વ્યસ્ત થઈ ગઈ. કાર રવાના થઈ ગયા બાદ એ ત્યાં જ ઊભો રહ્યો. શાયદ એ પહેલી જ વાર અહીં આવ્યો હતો. એ કાંઈ પૂછવા માંગે છે એમ લાગતાં એ યુવતી દરિયાના તટમાંથી બહાર રસ્તા પર આવી. તે એ યુવકને પૂછતી હોય તેવી નજરે કાંઈ પણ બોલ્યા વગર ઊભી રહી ગઈ. યુવક હોનહાર હતો. શ્વેત ત્વચા પર તેની ભૂખરી આર્મી કટવાળી મૂછોથી તે પ્રભાવશાળી લાગતો હતો. એ પણ યુવતીને જોઈ રહ્યો.

યુવતીએ પૂછયું: ‘ક્યાં જવું છે?’

યુવક બોલ્યોઃ ‘સરકારી રેસ્ટહાઉસમાં.’

‘પહેલી જ વાર અહીં આવો છો?’

‘હા’  ‘કોઈ સરકારી અધિકારી છો?’

‘હા, મારું નામ વિશ્વંભર પંડિત છે. અને તમારું નામ?’

યુવતી બોલીઃ ‘મારું નામ મહાશ્વેતા છે. હું અહીં જ રહું છું!’: એમ કહેતાં એણે કહ્યું: ‘જુઓ! અહીંથી સીધા જાવ. પછી ડાબી બાજુનો રસ્તો લેજો, શેરીના અંતે છેવાડે ટેકરી પર એક મકાન છે તે જ સરકારી રેસ્ટહાઉસ છે.’

‘ઓ.કે. થેંક્સઃ કહેતાં એ ચાલવા માંડયો.’

મહાશ્વેતા બોલીઃ ‘તમે અહીં નવા છો. અહીંના લોકો ખૂબ જ સારા છે, પરંતુ સરકારી રેસ્ટહાઉસમાં ઘણીવાર સ્ટાફ હોતો નથી. કોઈ કામ હોય તો કહેજો, મને અથવા બીજા કોઈને પણ. આ નગરના લોકો ભલા છે.’

વિશ્વંભર બોલ્યોઃ ‘મને એ જાણીને ખુશી થઈ કે આ નગરના લોકો સારા માણસો છે. મારે હવે અહીં જ કાયમ રહેવાનું છે.’

મહાશ્વેતાએ પૂછયું: ‘કાયમ એટલે?’

‘મારી આ પેલા ટાપુ પરના લાઈટહાઉસના ‘લાઇટહાઉસ કીપર’ તરીકે સરકારે નિમણૂક કરી છે. મારે રાત્રિના સમયે જતાં આવતાં સમુદ્રી જહાજોને રાત્રે રસ્તો બતાવવાનો છે.’

આ વાત સાંભળી મહાશ્વેતાના ચહેરા પરના ભાવ બદલાયા. એણે પૂછયું: ‘એટલે તમે અહીંના લાઈટહાઉસના સંચાલક તરીકે આવ્યા છો?’

‘હા, હું આર્મીમાં હતો નૌકા વિભાગમાં. મારા પગમાં ગોળી વાગતાં હું હવે એ ડયૂટી બજાવી શકું તેમ નથી. મને ચાલવામાં કોઈ તકલીફ નથી પરંતુ આર્મીના રૂલ પ્રમાણે હું નેવી માટે ફીટ નથી. તેથી સરકારે મને સમુદ્રના ટાપુ પરના લાઈટહાઉસ કીપરની કામગીરી માટે તબદીલ કર્યો છે.’

‘ઓહ!’: મહાશ્વેતાથી એક નિસાસો નંખાઈ ગયો.

વિશ્વંભરે પૂછયું: ‘કેમ, હું અહીં લાઈટહાઉસ કીપર તરીકે આવ્યો તે મેં યોગ્ય કર્યું નથી?’

મહાશ્વેતા મૌન રહી.

વિશ્વંભરે ફરી પૂછયું: ‘મહાશ્વેતા! તમે કાંઈક છુપાવો છો.’

‘ના…ના…એવું કાંઈ નથી!’

વિશ્વંભરે પૂછયું: ‘ના…તમે ચોક્કસ કાંઈક તો છુપાવો છો’

મહાશ્વેતા ચૂપ રહી.

વિશ્વંભરે કહ્યું: ‘તમે હમણાં તો કહેતાં હતાં કે અહીંના લોકો ભલા છે, સારા છે અને તમે જ મારા અહીં આવવાથી ખુશ નથી એમ મને લાગે છે.’

‘સોરી, હું વધુ કાંઈ કહી શકું તેમ નથી.’ તેમ કહીને મહાશ્વેતા વિશ્વંભરના પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જ ચાલી ગઈ. વિશ્વંભર મહાશ્વેતાને જતી જોઈ રહ્યો. મહાશ્વેતાએ સુંદર ડ્રેસ પહેરેલો હતો. તેના હાથમાં હજુયે પક્ષીઓને નાંખવા માટેના દાણા ભરેલી છાબડી હતી. એ ફરી દરિયા કિનારે પક્ષીઓ સાથે વ્યસ્ત થઈ ગઈ. મહાશ્વેતા તો જતી રહી પણ વિશ્વંભર માટે એક રહસ્ય છોડતી ગઈ કે એણે નિસાસો કેમ નાંખ્યો?’

***

સાંજ ઢળી ગઈ. દરિયાની પેલે પાર રતૂંબડો સૂરજ ડૂબી ગયો.

પક્ષીઓ પણ હવે માળામાં જતાં રહ્યાં. નગરની શેરીઓમાં તેલની ઝાંખી ઝાંખી બત્તીઓ હળવો પ્રકાશ રેલાવા લાગી. નગરના છેવાડે આવેલા સરકારી રેસ્ટહાઉસની બહારના આંગણામાં વિશ્વંભર એક ઈઝી ચેરમાં આડો પડેલો હતો. ચારેકોર સૂનકાર હતો. એણે રેસ્ટહાઉસના નોકરને બૂમ મારીઃ ‘રામસિંહ!’

રામસિંહ આવ્યો. તે બોલ્યોઃ ‘જી, સર!’

‘સાંજના જમવાની શું વ્યવસ્થા છે?’

રામસિંહે કહ્યું: ‘સર, અહીંનો રસોઈયો રજા પર છે પણ આપ કહો તો બહારથી કાંઈ લઈ આવું?’

‘રસોઈયો કેમ રજા પર છે?’

‘સર, આ રેસ્ટહાઉસમાં કોઈ આવતું જ નથી. વર્ષમાં એક કે બે વાર કોઈ સરકારી અધિકારી આવે છે. એટલે પૂરતી સગવડ નથી.’ : રામસિંહ બોલ્યો

‘કારણ?’ વિશ્વંભરે પૂછયું.

રામસિંહ બોલ્યોઃ ‘સર, આ છેવાડાનું નગર છે. નગરમાં માત્ર નિવૃત્ત લોકો જ રહે છે. અહીં કોઈ સરકારી કામ રહેતું જ નથી એટલે કોઈ આવતું નથી અને…’

‘કેમ અટકી ગયો?’

‘સર, મારે પૂછવું તો ન જોઈએ પણ જો આપની પરવાનગી હોય તો એક પ્રશ્ન પૂછું? ‘

‘હા પૂછને.’

‘સર, આપ અહીં કયા કામથી આવ્યા છો?’

વિશ્વંભરે કહ્યું: ‘હું પેલા ટાપુ પરના લાઈટહાઉસના લાઈટહાઉસ કીપર તરીકે આવ્યો છું.’

‘લાઈટહાઉસના સાહેબ તરીકે?’: રામસિંહે સ્તબ્ધ થતાં પૂછયું.

‘હા…કાંઈ સમસ્યા છે?’

‘ના’: એટલું જ બોલીને રામસિંહ મૌન રહ્યો. થોડીવાર પછી એ બોલ્યોઃ ‘તો સર, હું આપના માટે બહાર એક હોટલ છે ત્યાંથી જમવાનું લઈ આવું?’

‘ના’

‘તો ભૂખ્યા સૂઈ જશો?’

‘મારા માટે ફક્ત ચાની વ્યવસ્થા કર. આજે રાત્રે ચાથી જ ચલાવી લઈશ.’

અને રામસિંહ રેસ્ટહાઉસની અંદર ચાની વ્યવસ્થા કરવા ગયો.

એ સમજી ગયો કે પીરમગઢના લાઈટહાઉસ સાથે કંઈક રહસ્ય તો છે જ અને તે શું છે તે કોઈ કહેવા તૈયાર નહોતું. એને લાગ્યું કે પીરમગઢની આબોહવા અને આસપાસનું વાતાવરણ અજનબી છે.

***

રાત પડી ગઈ.

નગર શાંત થઈ ચૂક્યું હતું. દરિયા પર અંધારું છવાઈ ગયું હતું. છતાં દૂરદૂરથી દરિયાઈ પક્ષીઓના તીખા અવાજો સંભળાતા હતા. દરિયાનાં મોજાંના સ્વર પણ મધુર સંગીત રેલાવતાં હતાં. રેસ્ટહાઉસની બહારનો એક તેલથી બળતો લેમ્પપોસ્ટ ઝાંખું અજવાળું રેલાવતો હતો. વિશ્વંભર હજુ રેસ્ટહાઉસના આંગણામાં ઈઝી ચેરમાં આડો પડેલો હતો. તે દૂરદૂરથી આવતાં દરિયાનાં મોજાંનો સ્વર સાંભળી કાંઈ વિચારતો હતો કે અહીં એવી કોઈ વાત તો છે કે જે નથી તો રામસિંહ કહેતો કે નથી તો પેલી યુવતી.

એ વિચારમાં ડૂબેલો હતો એવામાં કોઈનો પગરવ સંભળાયો. એણે સ્વસ્થ થતા જોયું તો રેસ્ટહાઉસની અંદરના રસ્તે થઈ એક યુવતી આવી રહી હતી. ધીમેધીમે તે છેક નજીક આવી. હવે દીવાના સ્પષ્ટ અજવાળામાં તે ઓળખી શકાતી હતી. એણે જોયું તો સવારે પક્ષીઓને દાણા નાંખતી હતી તે મહાશ્વેતા જ હતી. એના હાથમાં એક થાળી હતી. તેની પર વસ્ત્ર ઢાંકેલું હતું. રાતના સમયે નગરથી દૂર મહાશ્વેતાને એકલી આવેલી જોઈ વિશ્વંભર વિચારમાં પડી ગયો. મહાશ્વેતા નજીક આવતાં વિશ્વંભર ઊભો થઈ ગયો. એણે કહ્યું: ‘મહાશ્વેતા તમે? અને રાત્રે?’

મહાશ્વેતા બોલીઃ ‘હા…હું, મહાશ્વેતા જ છું.’

‘પણ…આટલી રાત્રે?’

મહાશ્વેતા કોઈપણ જવાબ આપ્યા વિના હાથમાં થાળી સાથે તેની સામે ઊભી રહી. વિશ્વંભર કાંઈ સમજી શક્યો નહીં. રાતના આછા અજવાળામાં પરી જેવી લાગતી મહાશ્વેતાને જોઈ રહ્યો.

વિશ્વંભર માટે મોટામાં મોટું આૃર્ય એ હતું કે તે પહેલી જ વાર આ નગરમાં આવ્યો. એ અહીં કોઈને ઓળખતો જ નહોતો. રેસ્ટહાઉસમાં જમવાની વ્યવસ્થા પણ નહોતી. અહીંના રેસ્ટહાઉસમાં કોઈ સરકારી અધિકારી રોકાવાનું પણ પસંદ કરતાં નહોતા. અને કોઈ જ પૂર્વ પરિચય સિવાય પીરમગઢની સ્વરૂપવાન અને જાજ્વલ્યમાન યુવતી રાત્રિના અંધારામાં સાવ એકલી તેના માટે થાળીમાં ભોજન લઈને કેમ આવી હશે? કોણ છે આ મહાશ્વેતા? કોની પુત્રી છે? આવી સુંદર યુવતી છેવાડાના આ નગરમાં કેમ રહેતી હશે?

ચારે તરફ અંધકાર હતો. સૂનકાર હતો. આસપાસ કોઈ જ નહોતું અને છતાં આ યુવતી કયા હેતુથી ભોજન લઈને અહીં આવી હશે તે વાત તે સમજી શકતો નહોતો. આવા સૂનકારમાં એકલા આવવા પાછળ તેનો શો ઈરાદો હશે?

વિશ્વંભર માટે રહસ્ય ઘેરું થતું જતું હતું.

(ક્રમશઃ)

Be Sociable, Share!