Close

રાતના અંધારામાં સ્મશાનમાં પ્રજ્વલિત ચિતાની સામે એક યુવતી બેઠી હતી

અન્ય લેખો | Comments Off on રાતના અંધારામાં સ્મશાનમાં પ્રજ્વલિત ચિતાની સામે એક યુવતી બેઠી હતી

પ્રકરણ – ૫             બહાર રાત્રિ જામી હતી.

પીરમગઢના રસ્તાથી વિશ્વંભર પરિચિત નહોતો. અંધારામાં પણ દૂરદૂર જ્યાં કોઈની ચિતા સળગી રહી હતી તે દિશામાં તે આગળ વધ્યો. વિશ્વંભરનાં પગલાંનો અવાજ સાંભળી ક્યાંક ક્યાંક કૂતરાં ભસીને શાંત થઈ જતાં. ગામની ઉત્તર દિશામાં સ્મશાન હતું. વિશ્વંભર પોતાની મેળે જ એ તરફ ગયો. કેટલીક વાર બાદ તે સાવ એકાંત લાગતા સ્મશાનની નજીક પહોંચ્યો. આસપાસ ઊંચાં અને બિહામણાં વૃક્ષો હતાં. ક્યાંક ચીબરીઓ બોલતી હતી. સ્મશાન નજીક પહોંચતા જ વિશ્વંભરે જોયું તો સ્મશાનમાં એક ચિતા હવે બુઝાવાની તૈયારીમાં હતી પણ લાલ લાલ અંગારા હજુ ઝગારા મારતા હતા. બળવાનાં બાકી રહી ગયેલાં લાકડાં ક્યારેક ક્યારેક ભડકો પ્રગટાવી ચૂપ થઈ જતાં. સ્મશાનમાં આવેલા ડાઘુઓ પણ ઘેર જતા રહ્યા હતા, પરંતુ અહીં કોઈ જ નથી એમ નહોતું.

રાતના અંધારામાં ચિતાના એ પ્રકાશમાં જ વિશ્વંભરે જોયું તો ચિતાથી વીસેક ફૂટ દૂર જમીન પર એક યુવતી બેઠેલી હતી. તે એને જોઈ વિચારમાં પડી ગયો કે મરનારનું કોઈ અત્યંત નિકટનું સ્વજન બેઠેલું છે. એ નજીક પહોંચ્યો. એણે પાછળથી જ નીરખી લીધું કે આ યુવતી બીજું કોઈ નહીં પણ મહાશ્વેતા હતી. વિશ્વંભર ચૂપચાપ તેની પાછળ ઊભો રહી ગયો. મહાશ્વેતા જાણે કે ચિતા સામેથી હટવા જ માંગતી નહોતી.

કેટલીક ક્ષણો બાદ વિશ્વંભર બોલ્યોઃ ‘મહાશ્વેતા…!’

અને મહાશ્વેતાએ પાછળ નજર કરી. એણે જોયું તો પાછળ વિશ્વંભર ઊભો હતો. એ રડતાં રડતાં બોલીઃ ‘વિશ્વંભર, મા જતાં રહ્યાં. મા હવે નથી.’

વિશ્વંભર તેની બાજુમાં જઈ બેઠો. એણે પૂછયું: ‘અચાનક શું થઈ ગયું?’

મહાશ્વેતા બોલીઃ ‘કાલે રાત્રે એમણે તમારી વાત કાઢી. થોડું જ ખાધું. આજે બપોરે તેમણે કાંઈ ન ખાધું અને સાંજે પથારીમાં સૂતાં હતાં. તેમણે મને બોલાવી. પલંગ પર તેમની બાજુમાં બેસાડી. મારા માથા પર હાથ ફેરવ્યો. મારો હાથ ચૂમ્યો અને ધીમેથી બોલ્યાં: ‘હું જાઉં છું બેટા, મારો જવાનો સમય થઈ ગયો છે. તબિયત સાચવજે બેટા.’ એટલું બોલીને તેમણે કાયમ માટે આંખ મીંચી દીધી.

‘ઓહ!’: કહેતા વિશ્વંભરે મહાશ્વેતાનો હાથ પકડી લીધો.

મહાશ્વેતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહી. તે બોલતી રહીઃ ‘મારી માતા જતાં રહ્યાં, મને એકલીને છોડીને જતાં રહ્યાં, હું એકલી પડી ગઈ…સાવ એકલી.’

અને મહાશ્વેતાનું આક્રંદ સાંભળી વિશ્વંભરની આંખોમાં પણ પાણી ઉભરાયાં. એમણે જોયું તો મહાશ્વેતા એક નાનકડી બાળકીની જેમ રડતી હતી. એને સાંત્વના આપવા વિશ્વંભરે મહાશ્વેતાને પોતાની કરીબ ખેંચી લીધી. મહાશ્વેતાએ એનું મોં વિશ્વંભરની છાતીમાં મૂકી દીધું અને એને બાઝીને રડવા લાગી. મહાશ્વેતાનું રુદન સાંભળી જાણે કે પેલાં બિહામણાં વૃક્ષો પણ આંસુ સારી રહ્યાં. અલબત્ત, દૂરદૂર શિયાળવાંની લાળી હજુ સંભળાતી હતી.

મહાશ્વેતા બોલીઃ ‘હવે હું નિરાધાર થઈ ગઈ વિશ્વંભર, હું ક્યાં જઈશ? કોની પાસે જઈશ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઈશ્વર મહાન છે, રીયલી ગોડ ઈઝ ગ્રેટ.’

‘પણ મને આટલું બધું દુઃખ શા માટે? પિતા તો હું માના પેટમાં જ હતી ત્યારે જ જતા રહ્યા અને હવે મા પણ…’

વિશ્વંભર બોલ્યોઃ’જુઓ મહાશ્વેતા, મમ્મી પૂરી ઉંમરે ગયાં છે. જગતમાં કોઈ કાયમી નથી. બધાએ એક દિવસ જવાનું જ છે. આપણે બધાએ પણ, ચાલ ઊભી થા.’

આટલા વખતમાં વિશ્વંભરે મહાશ્વેતાને પહેલી જ વાર ‘તમે’ના બદલે ‘તું’ કહી સંબોધી. એના જવાબમાં મહાશ્વેતા ફરી એકવાર વિશ્વંભરની છાતીમાં મોં મૂકીને હીબકાં લેવા લાગી. વિશ્વંભરે તેના માથા પર હાથ ફેરવ્યો પરંતુ મહાશ્વેતાનાં આંસુથી વિશ્વંભરનાં વસ્ત્રો પણ ભીંજાઈ રહ્યાં. કેટલીક વાર બાદ વિશ્વંભરે મહાશ્વેતાને ઊભી કરી. એ બોલ્યોઃ ‘ચાલ, હવે બહુ રાત થઈ ગઈ છે. ઘેર જઈએ.’

મહાશ્વેતાએ સંમતિથી માત્ર મોં જ હલાવ્યું.

માની ચિતાને પ્રણામ કરી વિશ્વંભરની સાથે રાતના અંધકારમાં એણે ઘર તરફ પગ ઉપાડયા.

૦ ૦ ૦

બીજા દિવસે વિશ્વંભર હવે રેસ્ટહાઉસમાં એકલો જ હતો. એ બેડરૂમના પલંગમાં સાવ એકાકી બનીને આંખ બંધ કરીને પડી રહ્યો. એ કાંઈક વિચારતો રહ્યો. એના દિલોદિમાગમાં કાંઈક ગડમથલ ચાલતી હતી. બપોરનો સમય થવા આવ્યો એટલે રામસિંહ આવ્યો એણે પૂછયું: ‘સાહેબ, મને ખબર પડી છે કે મહાશ્વેતાબહેનનાં મા ગુજરી ગયાં. આજે તેઓ થાળી લઈને નહીં આવે. હું કાંઈ બનાવી દઉં તમારા માટે?’

‘ના.’

‘આજે ભૂખ્યા જ રહેશો, સાહેબ?’

‘મને જમવાની ઇચ્છા નથી.’

‘જેવી આપની મરજી’: કહી રામસિંહ જતો રહ્યો.

કેટલીક વાર બાદ વિશ્વંભરે ઊભા થઈ પોતાની બેગ ખોલી. તેમાં એક કવર હતું. કવર ખોલ્યું. તેમાં એક પુરાણી બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર હતી. પોતાની માની પુરાણી તસવીર જોઈ વિશ્વંભર એકલો એકલો બોલ્યોઃ ‘મા…હું શું કરું? મહાશ્વેતાનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી. એને કોઈના સહારાની જરૂર છે. હું તેને સહારો આપવા તૈયાર છું. હું એની ઇચ્છા પ્રમાણે તેની સાથે લગ્ન કરવા તૈયાર છું પણ મા, અહીં આ લાઈટહાઉસમાં જે કોઈ આવે છે તે લાંબું જીવતું નથી. મહાશ્વેતાને હું યુવાનીમાં જ વિધવા બનાવવા માંગતો નથી. હું દ્વિધામાં છું, મા, મને રસ્તો દર્શાવો. તમે જેમ કહેશો તેમ કરીશ.’

પણ તસવીર કેવી રીતે બોલે?

વિશ્વંભર ફરી બોલ્યોઃ ‘તમે કેમ કાંઈ બોલતાં નથી મા. તમે કાંઈ નહીં કહો તો મારો આત્મા કહેશે તેમ કરીશ. આ લાઈટહાઉસ અભિશાપિત છે તે માન્યતા ખોટી છે તે મારે સાબિત કરવી છે. તમે મને માર્ગદર્શન આપો મા!’

એમ કહી એ તે પોતાની માની તસવીરને છાતીસરસી ચાંપી રહ્યો.

***

વિશ્વંભરે આંખો બંધ કરી દીધી. એ દિવસ એણે ગ્લાનિમાં પસાર કર્યો. એ દિવસે એણે કોઈ જ ભોજન ન લીધું. સાંજના સમયે તે ફરી રોજની જેમ લાઈટહાઉસ પર ગયો. અંધારું થતાં જ વિશ્વંભરે લાઈટહાઉસની જ્યોત પ્રગટાવી દીધી. એ દિવસોમાં વીજળી ના હોઈ પેટ્રોમેક્સના મેન્થોલ જેવી શક્તિશાળી જ્યોત પ્રગટાવવામાં આવતી.

એણે લાઈટહાઉસની બારીમાંથી જોયું તો બહાર અંધારું જામ્યું હતું. દરિયો પણ આજે શાંત હતો. દૂરદૂર કેટલાંક દરિયાઈ જહાજોની બત્તીઓ દેખાતી હતી. દીવાદાંડીની જ્યોત એ બધા માટે માર્ગદર્શક હતી. બારી બંધ કરીને વિશ્વંભર ફરી ટાવર પરના અંદરના રૂમની એક ખુરશીમાં બેઠો. એ રૂમમાં પણ કેરોસીનનો લેમ્પ દીવાલ પર લટકેલો હતો તેની આસપાસ કાળી મેશના કારણે તે પણ આજે ઝાંખો લાગતો હતો. વિશ્વંભરે ઊભા થઈ એ લેમ્પની વાટ ઉતારી લેમ્પના અજવાળાને નહીંવત્ કરી નાંખ્યું. લાઈટહાઉસના એ ઉપરના રૂમમાં હવે લગભગ અંધારું હતું. વિશ્વંભરને પણ આજે અંધારું જ જોઈતું હતું. તે ખુરશીમાં બેઠો. એણે આંખો બંધ કરી. થોડી જ વારમાં તે તંદ્રાવસ્થામાં ચાલ્યો ગયો. બંધ આંખો સમક્ષ એ અવસ્થામાં જ એને એની માની તસવીરની અલૌકિક અનુભૂતિ થઈ. એણે જોયું તો એની મા તેની સામે જ ઊભેલી હતી. મા બોલી રહી હતી.’કેમ બેટા! આજે તું આટલો ઉદાસીન કેમ છે?’

વિશ્વંભર બોલ્યોઃ ‘મા, આજે મહાશ્વેતાએ તેની મા ગુમાવી છે. મને પણ આજે લાગ્યું કે મેં પણ મારી બીજી એક મા ગુમાવી છે. મહાશ્વેતાની મા ઈચ્છતાં હતાં કે હું તેમની દીકરી સાથે લગ્ન કરું. મહાશ્વેતા હવે એકલી છે. હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું પણ આ લાઈટહાઉસ અભિશાપિત છે. અચાનક મને કાંઈ થઈ જાય તો મહાશ્વેતાનું કોણ?’

મા બોલી રહીઃ ‘બેટા, આ લાઈટહાઉસના અભિશાપને ભૂલી જા. ઈશ્વર મહાન છે અને દયાળુ પણ છે. મેં તને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શીખવ્યું છે, અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવાનું નહીં. તું એક શ્રેષ્ઠ માતા-પિતાનો પુત્ર છે.’

‘તો હું શું કરું મા?’

‘તું ઊભો થા…અને મહાશ્વેતા પાસે જઈ એનો હાથ પકડી લે. તને કોઈ દૈવયોગે જ અહીં મોકલ્યો છે?’

‘પણ કાંઈક ખરાબ થશે તો?’

‘બેટા, તું મહાશ્વેતા સાથે લગ્ન કરે કે બીજી કોઈ સ્ત્રી સાથે, ઈશ્વરે જે નિયતિ નિિૃત કરી હશે તેમ જ થવાનું છે. ઈશ્વરે જે દુઃખો નિર્મિત કર્યાં હશે તે બધાએ ભોગવવાનાં જ છે. ઈશ્વર તને દુઃખ આપે તો તેને પણ ભગવાનની પ્રસાદી સમજીને સ્વીકારી લેજે. એ પણ એક પ્રકારનું તપ છે. બેટા, સુખ એ ભ્રાંતિ છે અને દુઃખ એ હકીકત છે. જીવન એક ભ્રાંતિ છે, મૃત્યુ એ હકીકત છે. આ જગતમાં કોઈને પણ સુખ નથી. જે ભોગવવાનું છે તે બધાંએ ભોગવવું જ પડશે. તું મહાશ્વેતાને પત્ની તરીકે સ્વીકારી લે. અને હા…તારા ઘેર દીકરી અવતરે તો તેને તું મારું નામ જ આપજે.’

‘કેમ મા?’

‘કારણ કે તારી દીકરીમાં તું હંમેશાં મારાં દર્શન જ કરીશ. એ બહાને તને હું યાદ પણ આવીશને? યાદ રાખ બેટા, દીકરી છે તો સંસાર છે. દીકરી છે તો જગત છે. ભગવાને પણ કોઈ સ્ત્રીની કૂખે જ જન્મ લેવો પડે છે. હિંમત રાખજે બેટા, સંસાર દુઃખમય છે એ વાત કદીયે ભૂલીશ નહીં. મારા તને આશીર્વાદ છે?’

એટલું બોલી વિશ્વંભરનાં મા જાણે કે અંતર્ધાન થઈ ગયાં.

– વિશ્વંભર તંદ્રાવસ્થામાંથી જાગ્યો. એને ખ્યાલ આવી ગયો કે માએ મારી તંદ્રાવસ્થામાં જ સામે આવીને મને જે કહેવું છે તે કહી દીધું. હવે તેની સામે કોઈ નહોતું. દીવાલ પરનો કેરોસીન લેમ્પ હવે બુઝાવાની તૈયારીમાં હતો.

***

હરદ્વાર પાસે ગંગાનો કિનારો. કેટલાયે લોકો અહીં પવિત્ર સ્નાન કરી રહ્યા હતા. કેટલાક સવાર સવારમાં સૂર્યને જળ ચડાવી રહ્યા હતા. કેટલાક લોકો ગંગાના કિનારે બ્રાહ્મણો પાસે કોઈ પૂજા-અર્ચના કરાવી રહ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને ગંગાની પેલે પાર જઈ રહ્યા હતા. ગંગા મૈયા જ એવાં છે કે જેનાં દર્શનમાત્રથી હૃદયમાં ઝણઝણાટી થાય. કરોડો લોકોની આસ્થાનાં પ્રતીકસમા ગંગાજીનાં દર્શનમાત્રથી એક આગવી આહ્લાદક અનુભૂતિ થતી હોય છે.

આજે પણ રોજના જેવી જ સવાર હતી. એક યુવતી હાથમાં છાબડી લઈને ગંગાજીના કિનારે આવી. એણે સાદગીભર્યાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. એ મહાશ્વેતા હતી. એના હાથની છાબડીમાં માતાના અસ્થિ હતા. તેના પર એક વસ્ત્ર ઢાંકેલું હતું. તેની પર કેટલાંક ફૂલો હતાં.

મહાશ્વેતા ગંગાજીના કિનારે ગઈ. એક વ્યક્તિની મદદથી તે ગંગાજીનાં જળમાં ઊતરી. ગંગામૈયાનો પ્રવાહ જબરદસ્ત હતો. પાણી અત્યંત શીતળ હતું. સહાયકે કહ્યું: ‘બહન, આગે મત જાઈએ.વહાં સે અસ્થિ બહા દિજીયે.’

અને મહાશ્વેતાએ ધીમેથી ભાવપૂર્વક માના અસ્થિની છાબડી ગંગાજીમાં તરતી મૂકી દીધી. એ ગંગામૈયાના પ્રવાહમાં વહેતા અસ્થિને પ્રણામ કરીને બોલીઃ ‘પ્રસ્થાન કરો મા…આપણા પૂર્વજો પાસે પહોંચી જાવ મા…બધાને કહેજો તમારી દીકરી હવે આ જગતમાં એકલી છે. આવનારા સમયમાં હું તમામ તકલીફોનો સામનો કરી શકું એ માટે મને આશીર્વાદ આપો મા, વહી જાવ મા.’

મહાશ્વેતા આંખમાં આંસુ સાથે માના અસ્થિને ગંગાજીમાં પ્રવાહિત થતા જોઈ રહી. ગંગાજીમાં હાલકડોલક થતી એ છાબડી હવે દેખાતી બંધ થઈ પણ મહાશ્વેતાની આંખો હજી ગંગાજી પર જ સ્થિર હતી.

***

પીરમગઢ.

મહાશ્વેતા હવે માના અસ્થિ ગંગાજીમાં પધરાવી પાછી આવી ગઈ હતી. એ હવે તેના ભવ્ય હવેલી જેવા વિશાળ મકાનમાં સાવ એકલી હતી. આખું ઘર તેને ખાવા ધાતું હોય તેમ તેને લાગ્યું.

સવારમાં નાહીધોઈને એ સહુથી પહેલાં મા મંદાકિનીના શયનખંડમાં ગઈ. ખાલી પથારીને જોઈ રહી. એ ફરી બીજા રૂમમાં ગઈ. માની બ્લેક એન્ડ વાઈટ એક સુંદર મઢેલી મોટી તસવીર લઈને ફરી માના શયનખંડમાં આવી. માના પલંગની ઉપર જ એણે ખીલી પર માની તસવીર લટકાવી દીધી. સવારે જ મંગાવી રાખેલો ફૂલોનો એક હાર માની તસવીર પર ચડાવી દીધો. એ માના શયનખંડમાં જ હતી ત્યાં બહારના દીવાનખંડમાંથી એક અવાજ આવ્યોઃ ‘મહાશ્વેતા…!’

મહાશ્વેતાને એ અવાજ ઓળખતાં જરા પણ વાર ન લાગી. એ અવાજ વિશ્વંભરનો હતો. માની તસવીરને પ્રણામ કરીને તે બહાર દીવાનખંડમાં આવી. મહાશ્વેતા બોલીઃ ‘વિશ્વંભર, તમે?’

‘હા, હું રોજ અહીં આવતો હતો પણ મને ખબર પડી છે કે તમે માના અસ્થિવિસર્જન માટે હરદ્વાર ગયાં છો.’

તે દિવસે તો તમે મને ‘તું’ કહી હતી અને આજે ‘તમે’ કહી અંતર કેમ વધારી દીધું?’

વિશ્વંભર બોલ્યોઃ ‘હું અંતર ઘટાડવા માટે આવ્યો છું.’

‘એટલે?’

વિશ્વંભરે કહ્યું: ‘મને બેસવાનું નહીં કહે?’

‘હા…બેસોને!’

અને દીવાનખંડના કલાત્મક સોફા પર બેસતાં વિશ્વંભર બોલ્યોઃ ‘તું પણ બેસ.’

મહાશ્વેતા તેની સામેના સોફા પર બેઠી. વિશ્વંભર શું કહે છે તે સાંભળવા તે આતુર હતી. તે બોલીઃ ‘બોલો, શું કહેતાં હતા?’

વિશ્વંભર બોલ્યોઃ ‘હું બહુ લાંબો વિચાર કરીને આજે અહીં આવ્યો છું. તે દિવસે તેં મને કહ્યું હતું કે મારા જેવા ગુણવાળી દીકરીના પિતા બનવું હોય તો મારી સાથે લગ્ન કરી લો. આજે સ્વાસ્થતાપૂર્વક તને કહું છું કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તારા જેવા જ દેખાવવાળી, તારા જેવા જ સ્વભાવની અને તારા જેવા જ ગુણવાળી પુત્રીને તું જન્મ આપે અને હું તેનો પિતા બનવા માંગું છું.’

મહાશ્વેતા સાંભળી જ રહી. તેને આ વાત સ્વપ્નવત્ લાગી. એણે સંશય વ્યક્ત કરતાં પૂછયું: ‘હવે હું એકલી પડી ગઈ છું અને મેં મારી મા ગુમાવી છે એટલે મારા પ્રત્યે માત્ર સહાનુભૂતિ માટે તો આમ નથી કહેતાને?’

‘ના.’

‘મારે દયા નથી જોઈતી, લાગણી જોઈએ છે. હૃદયનો પ્રેમ જોઈએ છે.’: મહાશ્વેતા બોલી

‘એ બધું જ હું આપીશ. બસ, એકવાર તું મારી દીકરીની મા બન. મારા માટે એક પુત્રી પેદા કર. મેં તો એનું નામ પણ વિચારી રાખ્યું છે.’

મહાશ્વેતાએ પૂછયું: ‘કયું નામ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘આપણી દીકરીનું નામ ‘પદ્મજા’ હશે.’

‘ પદ્મજા કેમ?’

‘મારી માતાનું નામ ‘પદ્મજા દેવી’ હતું. ‘પદ્મજા’ એટલે કમળમાંથી પેદા થયેલી પુત્રી. તું જ કમળ બની જા. બસ, તું મને એક દીકરી આપ જેનું નામ ‘પદ્મજા’ હોય અને મારી દીકરીને બોલાવું ત્યારે મને મારી મા હંમેશાં યાદ આવે. પુત્રીમાં હું માનાં દર્શન કરીશ’: વિશ્વંભર બોલતો રહ્યો.

મહાશ્વેતા લાગણીસભર નજરે વિશ્વંભરને સાંભળતી રહી. કાંઈ પણ બોલ્યા વગર તે ઊભી થઈ અને સોફા પર બેઠેલા વિશ્વંભરના પગ પાસે બેસી એનાં ચરણને સ્પર્શી રહી. થોડીવાર પછી મહાશ્વેતાએ તેનું માથું વિશ્વંભરના ખોળામાં મૂકી દીધું.

(ક્રમશઃ)

 

Be Sociable, Share!