Close

વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

અન્ય લેખો | Comments Off on વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

કોંગ્રેસ હાઉસની બાલ્કનીમાંથી છોડવામાં આવેલી ગોળીઓના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓનું લોહી રેડાયું. પોલીસના ગોળીબારથી બનાસકાંઠાથી આવેલા પૂનમચંદ નામના એક વિદ્યાર્થીની ખોપડી ઊડી ગઈ. તે ખોપડીના માંસના લોચા એક થાળીમાં મુકી કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસ ભવનની નજીક આવેલી વકીલોની ગુજરાત કલબમાં પહોંચી ગયા. પોલીસે છોડેલી થ્રી નોટ થ્રી ગોળીથી ઊડી ગયેલું વિદ્યાર્થીનું લોહીલુહાણ મસ્તક જોઈ વકીલોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. ગોળીબારમાં કૌશિક ઇન્દુભાઈ વ્યાસ અને સુરેશ જયંશકર ભટ્ટ પણ શહીદ થયા. કૌશિક સેંટ ઝેવિયર્સનો વિદ્યાર્થી હતો. આ જ સ્થળે અબ્દુલ પીરભાઈ નામનો યુવાન પણ ગોળીથી શહીદ થયો. ઉશ્કેરાયેલા વકીલો કોંગ્રેસ ભવન પહોંચી ગયા અને કોંગ્રેસીઓને પૂછયું: ‘કોના હુકમથી ગોળીઓ છોડાઈ ?’

 શહેર કોંગ્રેસના આગેવાનો પાસે કોઈ માહિતી કે જવાબ નહોતો. આ ઘટના બાદ મહાગુજરાતના આંદોલનની હિંસક જવાળા આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આ ગોળીબારે નોંધપાત્ર સ્થિતિ એ પેદા કરી કે હિંદુ અને મુસલમાનોનાં એક જ સ્થળે લોહી રેડાતા મહાગુજરાતના આંદોલનમાં હિંદુ-મુસ્લમાનો વચ્ચે સ્વયંભુ એક્તાનું હવામાન ઊભું થયું.

૧૦મી ઓગસ્ટ

ગોળીબારના વિરોધમાં મ્યુનિસિપલ કોર્પોરેટર પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ છીંકણીવાળાએ રાજીનામું આપ્યું. તમામ કોલેજના પ્રતિનિધિઓની સભા બપોરે મળી અને આંદોલનને ગામડાં સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. એડવોકેટ બકુલ જોષીપુરાએ ‘ગલી ગલી મેં ગૂંજે નાદ’ નામની પુસ્તિકા તૈયાર કરી. ઈન્દુલાલ યાજ્ઞિાકે આ આંદોલનને વધાવી લીધું. ‘ગલી ગલી મેં ગૂંજે નાદ’ અમારે જોઈએ મહાગુજરાત’ અને ‘મહાગુજરાત લે કે રહેંગે’ના નારા શરૂ થયાં. વડા પ્રધાને અમદાવાદની ચિંતા વ્યક્ત કરી અને જાહેર કર્યું કે ભાષાના ધોરણે દેશના ટુકડા થાય તે યોગ્ય નથી. જે કંઈ બન્યું છે તે ચિંતાજનક છે.

આ જ દિવસે સિવિલ હોસ્પિટલ બહાર પેશાબ કરવા બેઠેલા બે મુસ્લિમ યુવાનો ઉપર ગોળીબાર કરતાં બંને ઢળી પડયા. રાયપુર દરવાજા બહારની પોલીસ ચોકી સળગાવી દીધી. મુંબઈથી ડી.આઈ.જી. નગરવાલા આવી પહોંચ્યા. દિવસ દરમિયાન શહેરમાં ૧૦ ગોળીબાર થયા. બેનાં મરણ થયાં, ૪૩૦ ધરપકડો થઈ.

૧૧મી ઓગસ્ટ

મુંબઈથી કે. કે. શાહ બાબુભાઈ ચિનાઈ અને નાયબ કેળવણી પ્રધાન ઈન્દુમતીબહેન શેઠ અમદાવાદ આવ્યાં. તેઓએ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને સમજાવવા પ્રયત્નો કર્યા. અમદાવાદના મેયર ચીનુભાઈ શેઠે, ડે. મેયર ચંદ્રકાંત ગાંધીએ અને કોંગ્રેસી ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભદાસે પોતપોતાનાં સ્થાનો પરથી રાજીનામાં આપ્યાં. સુશિક્ષિત મહિલા આગેવાનો બહાર આવ્યાં. તે પૈકી વિનોદિની નીલકંઠ, રંજનબહેન દલાલ, વીરબાળા નાગરવાડિયા, દીનબાઈ કામા, શારદાબહેન મહેતા વગેરેએ નિવેદન કરીને જણાવ્યું- અમે નિર્દોષ બાળકોની મા છીએ. યુવાનોનું વધુ લોહી રેડવાનું બંધ કરો. દિવસ દરમિયાન શહેરમાં ૧૩ જગ્યાએ ગોળીબાર થયા અને ૩૨૫ ધરપકડો થઈ.

૧૨મી ઓગસ્ટ

આંદોલન ઘરે ઘરે પહોંચ્યું. નાનાં બાળકો પણ રટણ કરવા લાગ્યાં- ‘લાઠી-ગોલી ખાયેંગે, મહાગુજરાત લે કે રહેંગે.’ જાણીતા વૃત્તપત્રે લખ્યું- આ તો ગોવાવાળા પોર્ટુગીઝ કે બ્રિટિશ પોલીસથી પણ ગયા. ગાંધીજીનું નામ અને અહિંસાની આવી હાંસી ? કરોડો ગેલન પાણીથી ગોઝારા કોંગ્રેસ હાઉસને ધોશો તો પણ ગુમાવેલી પવિત્રતા ફરી પ્રાપ્ત થશે નહીં. શહેરે એક વધુ માણસનો ભોગ લીધો.

૧૩મી ઓગસ્ટ

આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવ્યો. સવારે નવ વાગે ૧૦ હજાર જેટલા લોકોનું જંગી સરઘસ ‘શહીદો અમર રહો’ અને ‘મહાગુજરાત જિંદાબાદ’ પોકારતું કોંગ્રેસ હાઉસ તરફ ઊપડયું. દૂર દૂર સુધી એનો છેડો દેખાતો નહોતો. સરઘસ શાંત અને ગંભીર હતું. શહીદ સ્થળે દીવો પ્રગટાવવામાં આવ્યો. ધૂપસળી સળગાવવામાં આવી. પુષ્પાંજલિ કરવામાં આવી. સરઘસે બે મિનિટ મૌન પાળ્યું. હજારો લોકો આવ્યા અને પુષ્પાંજલિ અર્પીને ગયા. શહીદ દિનનો પડઘો લોકોમાં જબરદસ્ત પડયો.

સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈની નનામી બાળવાના કાર્યક્રમો શરૂ થઈ ગયા. ૧૬ જેટલા કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધાં.

વિસ્તરતું આંદોલન

હવે આંદોલન અમદાવાદ પૂરતું નહોતું. ગુજરાતના એકેએક શહેર અને ગામડાંમાં પહોંચી ગયું હતું. કારણ કે આ આંદોલન કોઈ વ્યક્તિનું નહોતું. કોઈ પક્ષનું નહોતું. કોઈ સંસ્થાનું કે કોઈ નેતાનું નહોતું. ગુજરાતના એકેએક ગુજરાતીના આત્મામાંથી સ્વયંભૂ પ્રગટેલું હતું.

૧૪મી ઓગસ્ટ

ચીનુભાઈ શેઠ સાથે જયકૃષ્ણ હરિવલ્લભદાસ, અમૃતલાલ હરગોવનદાસ શેઠ, રતિલાલ નાથાલાલ શેઠ, હીરાભાઈ શેઠ, ઠાકોરભાઈ મુન્શી વગેરે મિલમાલિકો શહેરની પોળોમાં ફર્યા અને શાંતિથી લડત ચલાવવા વિનંતી કરી. પાર્લામેન્ટના સભ્ય એન. સી. ચેટરજી અમદાવાદ આવ્યા અને એમણે પ્રજાની ન્યાયી માગણીને ટેકો જાહેર કર્યો.

હવે મહાગુજરાતની રચનાની માગનો પવન આખા ગુજરાતમાં પહોંચી ગયો. કોંગ્રેસમાં બળવો જાહેર થવા માંડયો. તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ. કડીના ધારાસભ્ય પુરુષોત્તમદાસ પટેલ અને ગંગારામ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં. મુસ્લિમ ભાઈઓએ શહીદોના માનમાં તાજિયા નહીં કાઢવાનો નિર્ણય લીધો.

૧૫મી ઓગસ્ટ

આઝાદીનું મહામૂલ્ય પર્વ પણ જનતાએ તેને શોકદિન તરીકે મનાવ્યો. ઠેરઠેર કાળા વાવટા જોવા મળ્યા. કાળાં તોરણો જોવા મળ્યાં. સ્ત્રીઓએ કાળી સાડીઓ પહેરી. સાંજે પાંચ વાગે કોલેજના મેદાનમાં મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની સભા થઈ. ગોળીબારમાં સૌ પ્રથમ મૃત્યુ પામેલા સુરેશ ભટ્ટનાં માતા સવિતાબહેનનાં હસ્તે તેમાં ધ્વજવંદન થયું. તેમણે ગદ્ગદ્ અવાજે જણાવ્યું- મારા અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ના જાય તેવી હું લોકોને વિનંતી કરું છું. આ સાંભળીને હાજર રહેલા સૌ શ્રોતાજનોનાં હૃદયમાં ગમગીની પ્રસરી ગઈ.

૧૬-૧૭ ઓગસ્ટ

૧૬મી ઓગસ્ટનો દિવસ શાંતિથી પસાર થયો. શહેરમાં મહિલા શાંતિની રચના થઈ. પદ્માબહેન જયકૃષ્ણ, અનસૂયાબહેન પરીખ અને હેમલતા હેગિસ્ટે વગેરે તેમાં જોડાયાં. દિલ્હી રાજ્યસભામાં રાજ્ય પુનર્રચના ખરડો રજૂ થયો અને મંજૂર થયો.

૧૭મી ઓગસ્ટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ અલગ ગુજરાત રાજ્યની રચના કરવા તાકીદે પગલાં ભરવા પ્રદેશ સમિતિને ભલામણ કરી. ત્રિકમભાઈ પટેલને ૧૨ જણાએ ટેકો આપ્યો. જ્યારે ચાર જણે વિરોધ કર્યો. ઘાંસીરામની પોળમાંથી પોલીસે લોકસભાના સભ્ય ગોપાલનની ધરપકડ કરી.

૧૯૪૭માં બિહારમાં પ્રસરેલી કોમી આગના અનુસંધાનમાં પટણાની પ્રાર્થના સભામાં ગાંધીજીએ જે આગાહી કરી હતી, તે આજે સાચી પડી. એવી નોંધ વૃત્તપત્રમાં જાહેર થઈ. તે પ્રમાણે હતી-હું કદી જીવું કે ના જીવું, આટલાં વર્ષોના અનુભવોના આધારે આગાહી કરવાની હિંમત કરું છું કે આ દેશમાં બળવો ફાટશે. ધોળી ટોપીવાળાને પ્રજા વીણી વીણીને મારશે અને કોઈ ત્રીજી સત્તા તેનો લાભ લેશે. આજે તે કેટલું સત્ય લાગે છે. આજે શહેરમાં ધોળી ટોપીવાળો ઘર બહાર નીકળી શકતો નથી. કોંગ્રેસીઓએ દ્રોહ કર્યો છે એવું વાતાવરણ ઊભું થયું હતું.

(પૂરક માહિતી : ડો. વિજ્યા યાદવ)

DEVENDRA PATEL

Be Sociable, Share!