Close

વિલાસિતા-સુજાતા [short story]

અન્ય લેખો | Comments Off on વિલાસિતા-સુજાતા [short story]

સવારના આઠેક વાગ્યા હશે.
વિલાસ રોજ કરતાં આજે વહેલી ઊઠી હતી અને અત્યારે તે બાથરૂમમાં હતી.
બાથરૂમના શોવરમાંથી વરસતી ઝીણી-ઝીણી વર્ષા વિલાસના દેહને સ્પર્શતાં જ સરી પડતી હતી. આંખોમાં ઊતરતું શેમ્પૂનું ફીણ ધગધગતાં આંસુ બનીને બહાર ધસી આવતું હતું. વચ્ચે વચ્ચે વિશાળ કદના અરીસામાં પોતાની કાયા જોઈ વિલાસ ખુદ શરમાઈ જતી-મૂંઝાઈ જતી. અરે, આંખો બંધ કરી લેતી.
‘ખટ…ખટ…’કોઈએ બાથરૂમનું બારણું ખટખટાવ્યું.
‘કોણ?’ વિલાસે બેફિકરાઈથી બૂમ મારી.
‘બે’ન! તમારો ફોન છે.’ બહારથી અવાજ આવ્યો.
‘ટેલિફોન?’ વિચારતાં જ વિલાસે શોવરનો કોક બંધ કરી દીધો અને પૂછયું: ‘કોણ બોલે છે?’
‘સત્યકામભાઈ બોલે છે.’
‘સ…ત્ય…કા…મ…!’ વિલાસની જીભ સળવળી ઊઠીઃ ‘ઓહ! ડિયર…સત્ય…કામ…!’
ફરી તેણે ઊંચા સાદે કહ્યું: ‘કહેજે હું નાહીને એને ફોન કરું છું.’
‘સારું.’
અને વિલાસના મોં પર એક અવનવી લહેરખી દોડી ગઈ. પ્રયત્નપૂર્વક દબાવી રાખવા છતાં એ સ્મિતને રોકી શકી નહીં. થનગનતા એના પગ આરસની ભીની ફર્શ પર લપસતાં લપસતાં રહી ગયા. આયનામાં પોતાનું પ્રતિબિંબ જોતાં ફરી તે થંભી ગઈઃ ‘રે વિલાસ! તું આટલી ચંચળ કેમ? હજુ તો એનો ફોન જ આવ્યો છે…તું એને રૂબરૂ મળીશ ત્યારે તારી શું દશા થશે?’
‘કંઈ જ નહીં…કેમ વળી?’ તે જાતે જ પોતાના સવાલનો જવાબ આપી રહી.
‘જૂઠ્ઠુ ન બોલ, ગાંડી. એનો ફોન આવ્યો છે એટલું સાંભળતાં જ તું કેવી પુલકિત થઈ નાચી ઊઠી હતી…અરે, જો તો ખરી, હજુયે તારી છાતી કેટલી ઊછળે છે? તારું નાક કેવું ફૂલી રહ્યું છે? તારા હોઠ તો જો…ધ્રૂજી રહ્યા છે. એ કોના નામે? કોના કારણે? સત્યકામ પાછળ તું ગાંડી છે એ કબૂલ કર.’
‘જા…રે….જા સત્યકામ મારી પાછળ ગાંડો છે…નહીં તો એ ફોન જ શા માટે કરે? અને હા, તને એની પડી ન હોય તો હવે તું એને ફોન ન કરતી.’
‘નહીં, નહીં….સત્ય…હું હમણાં જ ફોન કરું છું.’ બોલતી તે બારણાં તરફ વળી. પણ પોતાની સ્થિતિનું ભાન થતાં વિલાસ શરમાઈ અને ટોવેલ લઈ ભીની કાયાને લૂછી રહીઃ ‘સત્ય કેવો રૂપાળો છે! એનું નામ ‘સત્યકામ’નહીં, ‘કામદેવ’ હોવું જોઈએ. આટલું મોહક વ્યક્તિત્વ મેં કદી જોયું નથી. એની આંખોનો પ્રભાવ બીજા કોઈમાંયે નથી. વાળ પણ કેવા સરળ ઓળે છે! ભૂખરા છતાં રેશમ-જાણે કે યુરોપમાંથી ઊતરી પડયો….અને તે દિવસે પુસ્તક લેવાના બહાને એની આંગળીઓને મારી આંગળીઓ…ઓહ! પણ આજે તો હું એને મળવા જવાની છું….મળવું એ એક બહાનું છે, એ બહાને એના હાથને તો હું સ્પર્શી શકીશ ને!’
‘પણ એ પાપ છે…એના પ્રત્યે આવી….!’
‘શટ અપ! એ જમાનો ગયો હવે…સત્ય હેન્ડસમ છે એ વાત સાચી પણ આ કયો મોટો દેવનો અવતાર છે? રેખા એના દૂરના સગાંની દીકરી થાય….તોયે….એની સાથે એકલો ફિલ્મ જોવા નથી જતો શું?’
‘તો વિલાસ, તું પણ?’
‘હા…હું કરુંયે શું? સત્ય સિવાય મને ચેન નથી. સત્ય સિવાય મને દ્રષ્ટિ નથી. સત્ય સિવાય મને ઊંઘ નથી. એનો ચહેરો સદાય મારી આગળ ભમ્યા કરે છે.
અને વિલાસ બાથરૂમમાંથી ગાઉન પહેરી બહાર આવી. પાણી નીતરતા વાળને કોરા કર્યા વગર જ ડ્રોઈંગ રૂમ ભણી દોડી.
સત્યકામને ટેલિફોન જોડી રિસીવરને કાને અડાડી સામેથી રિસ્પોન્સની રાહ જોતી ઊભી રહી….ઘંટડી વાગ્યે જતી હતી, સહેજ કંટાળતાં વિલાસ વાળને ખંખેરી રહી…અને સામેથી રિસીવર ઊંચકાયું.
‘હલો…સત્યકામ!’ વિલાસ બોલી ઊઠી.
‘સત્યકામ નથી, કોણ બોલે છે?’ સામેથી અપરિચિત પુરુષનો સ્વર સંભળાયો.
‘હું વિલાસ, હમણાં જ એણે મને ફોન કર્યો હતો ને! આપ કોણ?’
‘સત્યકામ હવે અહીં નથી રહેતા. એમણે અઠવાડિયા પહેલાં જ આ બંગલો મને વેચી દીધો છે.’
‘કેમ?’
‘એ પ્રશ્ન તમે એમને જ સીધો પૂછી શકો છો.’
ટેલિફોન મુકાઈ ગયો. વિલાસને કંઈ સમજાયું નહીં….પણ એ ક્ષુબ્ધ થઈ ગઈ.
વિલાસે ફરી એકવાર ટેલિફોન કરી વધુ પૂછવા નિર્ણય કર્યો…ત્યાં જ એના ફોનની ઘંટડી રણકી ઊઠી. રિસીવર ઉઠાવતાં વિલાસ બોલીઃ ‘વિલાસ હિયર.’
‘વિલાસ! હું અંજના…તેં કંઈ જાણ્યું?’
‘નહીં…અંજના.’
‘પેલો સત્યકામ છે ને….બરબાદ થઈ ગયો….એના પપ્પાની પેઢી મુંબઈમાં હતી ને…તે કાચી પડી. બધું વેચી દેવું પડયું. બંગલો, મોટર, ફર્નિચર બધું જ…અને બીજું કંઈ જાણ્યું? એણે રોડ પર બસ નીચે કચડાઈ મરી જવા પ્રયાસ કર્યો…બિચારો મર્યો નહીં ને છૂંદાઈ ગયો. એક પગ ગુમાવ્યો…અત્યારે હોસ્પિટલમાં છે….તું જવાની છે?’
ઘડીભર વિલાસ સ્તબ્ધ થઈ સાંભળી રહી. એના કાન સાંભળેલી એ વાત માનવા તૈયાર નહોતા.
ત્યાં જ ફરીથી સામેથી અંજનાનો અવાજ સંભળાયોઃ ‘આમ તો આજે હું એને રાખડી બાંધવા જવાની હતી…પણ હવે નથી જવું…કયાં એ લફરામાં ફસાવું…? અત્યારે તો પોલીસના કબજામાં છે એ….પણ એમ કર વિલાસ….તું જા…તને તો એની પ્રત્યે ખાસ…’
‘બસ, બસ….ખરી છે તું તો હોં…! પોતાને દૂર રહેવું છે ને મને ફસાવી દેવી છે, એમ ને? તને એની બી.એમ.ડબલ્યુ કાર ખૂબ ગમતી હતી…તું જા…’
જવાબમાં સામે છેડે અંજના ખડખડાટ હસતી જણાઈ. તે આટલું જ બોલીઃ ‘વિલાસ, કાર વગરની વ્યક્તિએ પ્રેમ નથી, જેમ તારે મન પગ વગરનો માણસ એ…’
‘બસ…બસ…બોલ અત્યારે કયા મોર્નિંગ શોમાં જવું છે?’ વિલાસે હસતાં હસતાં વાત બદલી.
‘તું ઘરે આવી જા ને…પછી નક્કી કરીએ છીએ.’
‘ઓ.કે.’ કરતાં ફોન મૂકી વિલાસ કપડાં બદલવા બીજા ખંડ તરફ વળી…

હોસ્પિટલનાં પગથિયાં પર લાઈન લગાવીને બેઠેલાં દર્દીઓને ફેંદતી એક યુવતી હાંફળીફાંફળી પગથિયાં ચડી રહી હતી.
એની આંખોમાં વિહ્વળતા હતી, દર્દનો અણસાર અને બીક પણ હતાં.
કેઝયુઅલ્ટી સેક્શન તરફ વિવેક છોડીને પણ તે દોડીને અંદર ઘૂસી ગઈ.
તેના અચાનક પ્રવેશથી ડોકટરો પણ ઠપકાભરી દ્રષ્ટિએ તેેને તાકી રહ્યા, પણ એના ચહેરા પરના ભાવ જોઈ તેઓને સહાનુભૂતિ થઈ.
‘સત્યકામ કયાં છે?’ તેણીએ પૂછયું.
‘સત્યકામ! કાર એકિસડન્ટ થયો છે તે?…ત્રીજો માળ. સ્પેશિયલ રૂમ નંબર…સાત.’ બાજુમાં ઊભેલી એક નર્સે જવાબ આપ્યો.
તે બહાર નીકળી ગઈ. ફરીથી સડસડાટ પગથિયાં ચડતી ત્રીજા માળે પહોંચી એક….બે…ત્રણ…એમ પસાર કરતી સાતમા નંબરના ખંડે પહોંચી.
પથારીમાં બેઠેલો સત્યકામ બોલી ઊઠયોઃ ‘સુજાતા?’
‘સત્યકામ!’ બોલતી સુજાતા દોડીને એની પાસે આવીઃ ‘શું થયું સત્યકામ?’
‘એકિસડન્ટ.’
‘તેં મને ખબરેય ન આપી. આ તો વિલાસ અને અંજના મને રસ્તામાં મળ્યાં એમણે વાત કરી.’
‘એ લોકો આવે છે અહીં?’
‘ના, એ તો મોનિંગ શોમાં ગયાં. પણ સત્યકામ પૈસા ગુમાવ્યાથી આવું કરવાનું?’
‘શું?’
‘મારા મોઢે એ શબ્દ બોલાવે છે?’ સુજાતાના ચહેરા પર વ્યથા તરી આવતી હતી.
‘એ બધું જાણવા છતાં તું આવી?’ સત્યકામે પૂછયું.
‘સત્ય! કદાચ વિલાસ કે અંજના જેટલો હક્ક મને તારી ઉપર નહીં હોય…પણ તારા દુઃખમાં ભાગીદાર થવાનો હક્ક…’
‘સુ…જા….તા…!’
સુજાતાની આંખ ભીની થયેલી હતી. સત્યકામ તેને તાકી રહ્યો.
વિલાસ કે અંજના પણ આવવાની હતી અને એમના દિલમાં જે વાત હતી તે છુપાવતી હતી. જયારે અહીં સુજાતા તો સ્પષ્ટ હતી.
‘કેમ મૂંઝાય છે?’ મને પણ એ તક આપ, સત્યકામ! પ્લીઝ! સુજાતા વીનવી રહી.
અને સત્યકામ સ્તબ્ધ થઈ સુજાતાની મોટી મોટી આંખોમાં રહેલી નિખાલસતાને તાકી રહ્યો.
‘…પણ હવે મારે જીવીને કરવું છેય શું? મારી પાસે ખાવા જેટલુંયે રહ્યું નથી.’
‘….સત્યકામ, તને મારી પર ભરોસો છે?’
સત્યકામ ચૂપ રહ્યો.
‘તો…’
‘બસ, બસ, સુજાતા, મારે કંઈ સાંભળવું નથી…’
કહેતાં એણે સુજાતાની તરફ પોતાનો હાથ લંબાવ્યો…..
સુજાતા અમીભરી નજરે એને હાથ પકડી લીધો.
સત્યકામ બોલ્યોઃ ‘સુજાતા, આજથી તને હું મારી જાત તથા તમામ મિલકત અર્પણ કરું છું.’
જવાબમાં તે હસી રહી હતી.
‘મિલકત મારે નથી જોઈતી…અને હવે છેય કયાં?’
‘બધું જ છે, કંઈ ગયું નથી…એ તો માત્ર બનાવટ હતી. મને અકસ્માત નડયો હતો એ વાત સાચી.. પરંતુ કશું જ ગંભીર નથી. મેં આપઘાતનો કોઈ પ્રયાસ કર્યો નથી. માત્ર નાનો અકસ્માત થયો છે. મેં પગ પણ ગુમાવ્યો નથી. માત્ર થોડી ઈજા જ થઈ છે. તમારા બધાંની કસોટી કરવા મેં બીજું બધું ઊભું કરેલું. બંગલે નોકરને સૂચના આપી હતી કે તમારો કોઈનો ફોન આવે તો હું બંગલો ખાલી કરી ગયો છું એવો જવાબ આપવો. ખેર! સુજાતા આમાંયે આપણી સહુની કસોટી થઈ.’ કહેતાં સત્યકામે સુજાતાનું મોં પોતાની સમીપ લીધું.
વિલાસ નામ પ્રમાણે વિલાસિતા હતી જ્યારે સુજાતા ખરેખર સુજાતા હતી.
–DEVENDRA PATEL

Be Sociable, Share!