Close

શું આલ્ફ્રેડનું પ્રાયશ્ચિત્ત ‘નોબેલ પ્રાઇઝ’ છે

અન્ય લેખો | Comments Off on શું આલ્ફ્રેડનું પ્રાયશ્ચિત્ત ‘નોબેલ પ્રાઇઝ’ છે

ભારતમાં જન્મેલા અને મેસેચ્યુસેટસ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પ્રો. અભિજિત બેનરજીને ૨૦૧૯નો અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના શ્રેષ્ઠ પ્રદાન બદલ નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. તેમની સાથે જ પ્રાધ્યાપક તરીકે કામ કરતાં તેમના પત્ની એસ્થર ડુફ્લો અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રો. માઇકલ ક્રેમરને પણ સંયુક્ત રીતે આ નોબેલ પ્રાઇઝ એનાયત થયું છે. ૨૧ વર્ષ બાદ ભારતીય મૂળના વ્યક્તિને આ પ્રાઇઝ સાંપડયું છે. આ પહેલાં ૧૯૯૮માં હાર્વર્ડ યુનિવર્સિટીના જ ભારતીય મૂળના અર્થશાસ્ત્રના પ્રો. અમર્ત્ય સેનને નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું.

જેમના નામે વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓને તેમનાં શ્રેષ્ઠ પ્રદાનો માટે આ પારિતોષિક એનાયત થાય છે. તે આલ્ફ્રેડ નોબેલની જિંદગીની એક વિચિત્ર ઘટના એ હતી કે એક દિવસ સવારે ઉઠીને તેઓ અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તે અખબારમાં તેમનાં મૃત્યુના સમાચાર વાંચીને આશ્ચર્યમાં પડી ગયા.
આલ્ફ્રેડ નોબેલ જીવતા હતા છતાં અખબારમાં તેમના મૃત્યુના સમાચાર વાંચીને તેઓ સ્તબ્ધ થઇ ગયા. એ સમાચાર એ રીતે છપાયા હતા જાણે કે દુનિયા તેમના મોતનો ઇંતેજાર કરી રહી હતી. આ ઘટના એવી હતી કે જિંદગીમાં અનેક પરીક્ષાઓ આપનાર આલ્ફ્રેડ નોબેલની જિંદગીની જાણે કે આ છેલ્લી પરીક્ષા હતી.

આ એ જ આલ્ફ્રેડ નોબેલ હતા જેમના નામે અપાતું નોબેલ પ્રાઇઝ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે.

વાત જાણે કે એમ હતી કે તા. ૧૩ એપ્રિલ ૧૮૮૮ના રોજ એક સ્થાનિક અખબારમાં એક ગલત વૃત્તાંત છપાયો હતો. એનું તેનું શીર્ષક હતું : ‘મોતના સોદાગરનું મોત’. જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિ તરીકે આલ્ફ્રેડ નોબેલના નામનો ઉલ્લેખ હતો.

હકીકતમાં મોત આલ્ફ્રેડ નોબેલનું નહીં પરંતુ તેમના મોટાભાઇ લુડવીગ નોબેલનું થયું હતું. નોબેલ બંધુઓમાં સૌથી વધુ કામિયાબ લુડવીગ નોબેલ એ વખતના વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક હતા પરંતુ કેટલાક લોકો આલ્ફ્રેડ નોબેલ પર એટલા બધા ગુસ્સામાં હતા કે લુડવીગ નોબેલના બદલે આલ્ફ્રેડ નોબેલનું મોત નીપજ્યું છે તે રીતેના સમાચાર છાપી દીધા.

જાણે કે કેટલાક લોકો આ રીતનો સેડિસ્ટ આનંદ માણવા માગવા હતા. આ ઘટનાથી આલ્ફ્રેડ નોબેલ વિચલિત પણ થઇ ગયા હતા. કારણ કે એમને પહેલી જ વાર ખબર પડી કે દુનિયા તેમની બાબતમાં કેટલું ખરાબ વિચારે છે.

એ તો કહેવત છે કે ખરાબ માણસના બેચાર દુશ્મનો હોય પરંતુ સારા માણસના સો દુશ્મનો હોય છે. આલ્ફ્રેડ નોબેલ તો તેમના ભાઇથી અલગ અને સાવ એકલા જ રહેતા હતા. તેઓ એક વૈજ્ઞાનિક હતા અને આખી જિંદગી તેમણે વૈજ્ઞાનિક સંશોધનો પાછળ જ ખર્ચી નાખી હતી. તેમની પાસે પણ અબજોની દોલત હતી. પરંતુ જિંદગીનો નિચોડ એ હતો કે તેમને લોકોએ જીવતે જીવ જ મારી નાખ્યા.

તેમના બીજા એક નાના ભાઇ હતા જેમનું નામ એવિલ નોબેલ. નોબેલ પરિવારમાંથી કોલેજમાં જવાવાળા સૌથી પહેલા સભ્ય હતા. આલ્ફ્રેડ નોબેલની પોતાની એક પ્રયોગ શાળા હતી. એવિલ તેમના ભાઇના પ્રયોગોમાં મદદ કરતા હતા. એ વખતે આલ્ફ્રેડ નોબેલ નાઇટ્રોગ્લિસરીનથી વધુ શક્તિશાળી અને ઉપયોગમાં લઇ શકાય તેવું વિસ્ફોટક બનાવવા માટેનું સંશોધન કરી રહ્યા હતા. આ સંશોધન પ્રોજેક્ટના વડા ખુદ આલ્ફ્રેડ નોબેલ હતા.

તેઓ એક એવું પ્રવાહી બનાવી રહ્યા હતા જે એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આસાન હોય. આ અંગેનું સંશોધન જારી હતું અને કોઇ ભૂલના કારણે એમની પ્રયોગશાળામાં જ ભયંકર વિસ્ફોટ થયો. એ દિવસ તા. ૩જી સપ્ટેમ્બર, ૧૮૬૪નો હતો. આ ધડાકાને કારણે તેમના નાના ભાઇ એવિલ નોબેલનું બીજા ચાર સહયોગીઓ સાથે મોત નીપજ્યું. આલ્ફ્રેડ બચી ગયા. કારણ કે એ વખતે તેઓ ત્યાં હાજર નહોતા.

એ વખતે પણ સ્થાનિક અખબારોએ આલ્ફ્રેડ નોબેલના આ સંશોધનો વિરુદ્ધ ખૂબ લખ્યું. પરંતુ આલ્ફ્રેડ મક્કમ રહ્યા. પોતાના નાના પુત્રના અવસાનના કારણે આલ્ફ્રેડના પિતા આ પ્રયોગોથી દૂર હટી ગયા પરંતુ આલ્ફ્રેડના દિમાગ પર ઝનૂન સવાર હતું. આ દુર્ઘટના બાદ પણ તેઓ વિસ્ફોટક અને તેનું હથિયાર બનાવવાની દિશામાં આગળ વધ્યા. અને એ ઘટનાના ત્રણ વર્ષ બાદ તેઓ એક શક્તિશાળી વિસ્ફોટ ‘ડાયનેમાઇટ’ બનાવવામાં સફળ નીવડયા. આજે એ જ વિસ્ફોટક ખાણોમાંથી ખનિજ શોધવા અને પથ્થરો તોડવા માટે ઉપયોગમાં લેવાય છે. યુદ્ધમાં પણ એ જ વિસ્ફોટકોનો ઉપયોગ કરી સુરંગો બનાવવામાં આવે છે. યુદ્ધમાં વપરાતા ડાયનેમાઇટ મોતનો સામાન જ ગણાય છે. આલ્ફ્રેડ નોબેલે જબરદસ્ત વિસ્ફોટ કરી શકાય તેવા દારૂગોળાની શોધ કરી હતી.

આલ્ફ્રેડ નોબેલની વિચારધારા બધા કરતા અલગ હતી. દુનિયા તેમના માટે શું વિચારે છે તેની પરવા તેઓ કદી કરતા નહીં. બીજાઓને તેઓ સરળતાથી નારાજ કરી દેતા હતા. પોતે જે કરવા માગતા હોય તેમાં આગળ વધવું તે તેમની ધૂન હતી.

હા, એ દિવસે જીવતે જીવ લોકોએ તેમને મારી નાખ્યાના સમાચાર છાપ્યા ત્યારે તેમને પહેલી જ વાર અહેસાસ થયો કે દુનિયા તેમને કેટલી નફરત કરે છે. વિશ્વમાં આ પ્રકારના વિસ્ફોટકોથી જ્યારે પણ કોઇ માનવી મોતને ભેટે છે ત્યારે આ વાત જાણતા લોકો આલ્ફ્રેડ નોબેલને તે માટે જવાબદાર ગણે છે. તેમણે શોધેલા વિસ્ફોટકોથી યુદ્ધની પદ્ધતિ પણ બદલાઇ ગઇ. હવે યુદ્ધમાં જે પહેલા ડાયનેમાઇટ બિછાવે છે તે જીતી જાય છે.

એ દિવસે એક ફ્રેન્ચ અખબારે તેના તંત્રી લેખમાં લખ્યું હતું : ‘આ એ જ આદમી છે જે ઝડપથી વધુને વધુ લોકોને મારવાની ચીજનું સંશોધન કરી ધનવાન બન્યો છે.’

આ ટિપ્પણીથી તેઓ વિચલિત થઇ ગયા હતા.

આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલનો જન્મ તા. ૨૫ ઓક્ટોબર, ૧૮૩૩ના રોજ સ્વિડનમાં સ્ટોકહોમ ખાતે થયો હતો. તેઓ એક બિઝનેસમેન રસાયણશાસ્ત્રી સંશોધક અને પરોપકારી હતા. તેમના નામે ૩૫૫ જેટલી વિવિધ પેટન્ટ હતી. તેમાંથી ડાયનેમાઇટ (દારૂગોળો) સૌથી વધુ જાણીતી છે. ‘બોફોર્સ’ તોપ બનાવતી કંપની પણ તેમની જ હતી. શસ્ત્રો વેચીને પૈસા કમાવવાના લોકોના આક્ષેપ બાદ પોતાની છબી સુધારવા માટે તેમણે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાનો નિર્ણય લઇ પોતાનું ભાગ્ય બદલી નાખ્યું હતું. તેઓ તો એક વૈજ્ઞાનિક હતા. આમ છતાં પોતાની પ્રતિભા સુધારવા તેમણે એમના મૃત્યુ પહેલાં વિશ્વભરની સુયોગ્ય પ્રતિભાઓને નોબેલ પ્રાઇઝ અને તેમની દોલત વહેંચવાનો નિર્ણય કર્યો. આજે તેમની જ દોલતમાંથી નોબેલ સન્માન બક્ષવાની પરંપરાને ૧૧૮ વર્ષ થઇ ગયા.

વિશ્વનો સભ્ય સમાજ હવે આલ્ફ્રેડ નોબેલને ‘મોતના સોદાગર’ કહેતો નથી. અલબત્ત, વિશ્વને ગન પાઉડરની ભેટ આપનાર આલ્ફ્રેડે ‘નોબેલ પ્રાઇઝ’ આપી પ્રાયશ્ચિત કરી લીધું.

 

Be Sociable, Share!