Close

‘શ્વેતક્રાંતિ’ના સર્જક પોતે કદીયે દૂધ પીતા નહોતા

અન્ય લેખો | Comments Off on ‘શ્વેતક્રાંતિ’ના સર્જક પોતે કદીયે દૂધ પીતા નહોતા

ભારતમાં શ્વેતક્રાંતિના પિતામહ ત્રિભુવનદાસ પટેલ હતા તો એ સફળતા પાછળનું દિમાગ-બ્રેઈન વર્ગીસ કુરિયન હતા. વી. કુરિયન ના હોત તો શ્વેતક્રાંતિનું સ્વપ્ન અધૂરું રહી જાત.

ગુજરાતી બોલતા નહોતા

નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતના ઘરઘરમાં જાણીતું એવું કુરિયન નામ ધરાવતા ડો.વર્ગીસ કુરિયને દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જી, પરંતુ તેઓ કદી દૂધ પીતા નહોતા. તેમનું સમગ્ર જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી બોલી શકતા નહોતા, પરંતુ ગુજરાતી સમજી શકતા હતા. તેઓ અમૂલ ડેરીના સહસ્થાપક અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના તથા ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદના સ્થાપક હતા. દૂધ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર તેમની ‘ઓપરેશન ફ્લડ’ યોજના જબરદસ્ત સફળતાનું પ્રમાણ ગણાય છે.

અનેક એવોર્ડ્સ

શ્વેતક્રાંતિના સર્જક ગણાતા ડો. વર્ગીસ કુરિયનની મોટામાં મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમણે વિશ્વના મુખ્ય દૂધ ઉત્પાદક દેશોમાં ગાયના બદલે ભેંસના દૂધનો બનેલો પાઉડર ઉપલબ્ધ કરાવી આપ્યો. વિશ્વમાં સહકારી આંદોલનના મહાન સમર્થકો પૈકીના એક ડો. વી. કુરિયને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ લાખો લોકોને ગરીબીની જાળમાંથી બહાર કાઢયા. ડો કુરિયનને (૧) વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (૧૯૮૯), (૨) ઓર્ડર ઓફ એગ્રિકલ્ચર, (૩) પદ્મવિભૂષણ (૧૯૯૯), (૪) પદ્મભૂષણ (૧૯૬૬), (૫) પદ્મશ્રી (૧૯૬૫) અને (૬) રેમોન મેગ્સેસે એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

ડો.વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. સામાજિક ઉદ્યોગદૃષ્ટા હતા. જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડને કારણે ભારત ૧૯૯૮માં યુનાઈટેડ સ્ટેટસને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બે ગણો વધારો થયો હતો અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારીવાળો ઉદ્યોગ બન્યો હતો.

ડો. કુરિયનનો જન્મ તા. ૨૬ નવેમ્બર, ૧૯૨૧ના રોજ કાલીકટ, મદ્રાસ પ્રેસિડેન્સી-બ્રિટિશ ભારત (હવે કોઝીકોડ, કેરળ)માં થયો હતો. તેઓ એક સીરિયાઈ ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા કોચિન-કેરળમાં સિવિલ સર્જન હતા. ડો. કુરિયને મદ્રાસની લોયેલા કોલેજ દ્વારા ૧૯૪૦માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. તે પછી મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગિડી દ્વારા મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીઈ.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ ભણતા હતા ત્યારે જ તેઓ પોતાની પર નિર્ભર રહેતા હતા. તેઓ ૨૨ વર્ષના થયા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. તે પછી તેમના કાકા એમના પરિવારને ત્રિચુર (હવે થ્રીશુર) લઈ ગયા.

આર્મીમાં જવું હતું

કોલેજમાં તેઓ મિલિટરી કેડેટ અને બોક્સર પણ રહ્યા. તેઓ ભારતીય લશ્કરમાં એન્જિનિયર તરીકે જોડાવા માગતા હતા, પરંતુ તેમના માતાએ તેમને જમશેદપુરની તાતા સ્ટીલ ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટમાં જોડાવા સલાહ આપી. તેમના કાકા તાતા ગ્રૂપમાં ડાયરેક્ટર હતા. તેમણે જ આ ભલામણ કરી, પરંતુ તાતામાં જોડાઈને કાકાના ‘યસ મેન’ બની જવાય છે તેમ લાગતાં તેમણે એ સંસ્થા છોડી દીધી.

તે પછી કુરિયને વધુ આગળ ભણવા માટે ભારત સરકારને સ્કોલરશિપ માટે અરજી કરી. ભારત સરકારની સ્કોલરશિપ પર તેઓ અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ભણવા ગયા અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી. સ્કોલરશિપના કારણે તેમને ડેરી એન્જિનિયરિંગનું પણ ભણવું પડયું. એ પછી સરકારની સ્પોન્સરશિપ પર તેઓ ૧૯૫૨-૫૬માં ન્યૂઝીલેન્ડ ડેરી ટેક્નોલોજીનું ભણવા-શીખવા સમજવા ગયા જ્યાં તે દેશ સહકારી ડેરીનું મુખ્ય મથક હતું. તે પછી ઓસ્ટ્રેલિયા પણ ગયા.

આણંદમાં નોકરી

૧૯૪૯માં ડો. કુરિયન ભારત પાછા આવ્યા. તો ભારત સરકારે આણંદ (ગુજરાત) ખાતેની બંધ પડવા આવેલી એક પ્રાયોગિક ક્રિમરીના પ્લાન્ટમાં નિમણૂક આપી. ડો. કુરિયનનું અહીં બહુ મન લાગતું નહોતું, પરંતુ તેમણે સ્કોલરશિપની શરતો પ્રમાણે બોન્ડ પિરિયડ પૂરો કરવાનો હતો. ડો. કુરિયન અધવચ્ચેથી જ નોકરી છોડવાનું મન બનાવીને બેઠા હતા. તે જ વખતે આણંદના સહકારી આગેવાન ત્રિભુવનદાસ પટેલ સાથે તેમની મુલાકાત થઈ. ત્રિભુવનદાસ પટેલ દૂધ ઉત્પાદકોની એક સહકારી સંસ્થા ઊભી કરવા માગતા હતા. તેમણે ડો. કુરિયનને આણંદ છોડતાં રોક્યા અને એ કામમાં તેમણે ડો. કુરિયનની મદદ માગી. જેથી પશુપાલકોની પોતાની એક ડેરી ઊભી કરી શકાય. ત્રિભુવનદાસની પ્રામાણિકતાએ ડો. કુરિયનને પ્રોત્સાહિત કર્યા. ત્રિભુવનદાસના પ્રયત્નો બાદ ડો. કુરિયને તેમનામાં અને ખેડૂતોમાં વિશ્વાસ મૂકયો.

અમૂલનું સર્જન

તે પછી ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયનના નામ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા ઊભી થઈ. તે હવે ‘અમૂલ ડેરી’ના નામે ઓળખાય છે. પરિણામ એ આવ્યું કે એ વખતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ખુદ અમૂલના એક એકમનું ઉદ્ઘાટન કરવા આણંદ આવ્યા. તેમણે ડો. કુરિયનને આ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન બદલ અભિનંદન આપ્યા. આ દરમિયાન ડો. કુરિયનના મિત્ર અને ડેરી વિશેષજ્ઞા એચ.એમ. દલાયાએ સ્કીમ મિલ્ક પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્કને ગાયના બદલે ભેંસના દૂધમાંથી બનાવવાની ટેક્નોલોજીનો આવિષ્કાર કરી આપ્યો. આ જ કારણથી મલ્ટિનેશનલ કંપની નેસ્લે કે માત્ર ગાયના દૂધમાંથી જ પાઉડર બનાવતી હતી તેનો મુકાબલો સફળતાપૂર્વક અમૂલે કર્યો. એ વખતે ભારતમાં ભેંસનું દૂધ અધિક માત્રામાં ઉપલબ્ધ હતું. જ્યારે યુરોપમાં માત્ર ગાયો જ હતી. અમૂલની આ ટેક્નિક સફળ થઈ. ઈ.સ. ૧૯૬૪માં તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીને કૈટલ ફિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આમંત્રિત કર્યા હતા. યોજના અનુસાર તેઓને તે જ દિવસે પરત થવાનું હતું, પરંતુ તેઓ સહકારી મંડળીની સફળતા જાણવા ત્યાં જ રોકાયા. તેઓએ ડો. વર્ગીસ સાથે સહકારી મંડળીનું નિરીક્ષણ કર્યું અને તેની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા. જ્યાં અમૂલ ખેડૂતોથી ફક્ત દૂધ જ એકત્રિત કરતું ન હતું, પણ તેમની આર્થિક સ્થિતિ પણ સુધારતું હતું. નવી દિલ્હી પહોંચીને તેમણે ડો. કુરિયનને અમૂલના મોડેલને આખા દેશમાં અમલ કરવા કહ્યું. આના પરિણામ સ્વરૂપ ૧૯૬૫માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઈ. આ સમયે દૂધની માગ પણ વધુ હતી. ભારત પણ શ્રીલંકાની જેમ જ દૂધનો સર્વાધિક આયાતકાર બની ગયો હોત, જો એનડીડીબી અને સરકારે પૂરતા પગલાં ન લીધાં હોત. તે સમયે સૌથી મોટી સમસ્યા ધન એકત્ર કરવાની હતી. આ માટે ડો. કુરિયને વર્લ્ડ બેન્કને લોન માટે રાજી કરવાની કોશિશ અને વગર શરતે ઉધાર મેળવવા પ્રયત્ન કર્યા. જ્યારે વર્લ્ડ બેન્કના અધ્યક્ષ ૧૯૬૯માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ડો. કુરિયને તેમને કહ્યું હતું, ”તમે મને ધન આપો અને આ વિશે ભૂલી જાઓ.” થોડા સમય પછી વર્લ્ડ બેન્કે તેમને ઋણની સ્વીકૃતિ આપી દીધી. આ મદદ કોઈ ઓપરેશનનો હિસ્સો હતો- ઓપરેશન ફ્લડ કે દૂગ્ધ ક્રાંતિ. ઓપરેશન ફ્લડને ત્યાર બાદ ત્રણ ચરણમાં કાર્યરત કરવામાં આવ્યા.

આ સંયુક્ત પ્રયાસોના ફળ સ્વરૂપે આજે અમૂલ પોતાના લગભગ ૫ લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક ૧,૪૪,૨૪૬ ડેરી કો-ઓપરેટિવ સંસ્થાનોમાં દૂધ પહોંચાડે છે. અમૂલે આજે ભારતનું વિશ્વનું સૌથી મોટો દૂધ ઉત્પાદક બન્યું.

ડો. કુરિયનને ૧૯૬૫માં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. પરિણામ એ આવ્યું કે જે દૂધ અને દૂધની આયાત કરનાર દેશને દૂધ અને દૂધની બનાવટોનો નિકાસ કરનાર દેશ બનાવી દીધો.

૨૮ લાખ દૂધ ઉત્પાદકો

ત્રિભુવનદાસ પટેલ અને ડો. વી. કુરિયનના સંયુક્ત પ્રયાસોથી ૧૯૪૬માં માત્ર બે જ ગામોથી શરૂ થયેલી આ સહકારી સંસ્થા ફળીભૂત થઈ અને તેનો ફેલાવો વધ્યો. તે પછી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ બન્યું. આજે જીસીએમએમએફનું સ્વામીત્વ ૨૮ લાખ દૂધ ઉત્પાદકો પાસે છે. દેશ આખામાં આજે અમૂલના મોડલનું અનુસરણ કરવામાં આવ્યું છે.

મંથન ફિલ્મ

એ પછી દેશના સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલે દૂધ ક્રાંતિના સંદર્ભમાં ‘મંથન’ ફિલ્મ બનાવી. શ્યામ બેનેગલને પણ ડો. કુરિયને જ મદદ કરી જેમણે ખેડૂતો પાસેથી માત્ર બે જ રૂપિયા ટોકન તરીકે લઈ આ ફિલ્મ બનાવવા સહયોગ આપ્યો. ૧૯૭૬માં રિલીઝ થયેલી આ ફિલ્મને દેશભરમાં સારો આવકાર મળ્યો. આ ફિલ્મને અનેક રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા.

ડો. વર્ગીસ કુરિયને પોતાના જીવનના સંઘર્ષ અને કાર્યને એક પુસ્તકરૂપે લખ્યાં છે. તે પુસ્તકનું નામ છે : ‘આઈ ટુ હેડ એ ડ્રીમ.’ તેમનું ‘અનફિનિશ્ડ ડ્રીમ’ પુસ્તક પણ જાણીતું છે.

રશિયાના પ્રેસિડેન્ટ આવ્યા

સોવિયેત રશિયાના પ્રમુખ એલેક્સી કોસિજીન પણ આણંદ આવ્યા અને અમૂલ ડેરી જોઈ પ્રભાવિત થયા. તે પછી તેમણે પણ ૧૯૭૯માં ડો. કુરિયનને રશિયામાં સહકારી ચળવળ શરૂ કરવા સલાહ લેવા રશિયા આવવા નિમંત્રણ આપ્યું. પાકિસ્તાને પણ તેમને આવા જ કામ માટે પાકિસ્તાન આવવા નિમંત્રણ આપ્યું. તેઓ વિશ્વ બેન્કનું નેતૃત્વ કરી પાકિસ્તાન પણ ગયા.

તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ ૯૦ વર્ષની વયે તેમણે નડિયાદમાં અંતિમ શ્વાસ લીધા

DEVENDRA PATEL

Be Sociable, Share!