Close

શ્વેતક્રાંતિ ને સહકારી પ્રવૃત્તિના પિતામહ ત્રિભુવનદાસ પટેલ

અન્ય લેખો | Comments Off on શ્વેતક્રાંતિ ને સહકારી પ્રવૃત્તિના પિતામહ ત્રિભુવનદાસ પટેલ

ગુજરાતની ઓળખ ગાંધીજી છે. ગુજરાતની ઓળખ સરદાર છે. ગુજરાતની ઓળખ નરસિંહ મહેતા અને દયાનંદ સરસ્વતી પણ છે. ગુજરાતની ઓળખ સત્યાગ્રહ આશ્રમ છે. ગુજરાતની ઓળખ સાસણ ગીરના સિંહ છે. ગુજરાતની ઓળખ ઈસરો પણ છે. તો ગુજરાતની ઓળખ ‘અમૂલ’ પણ છે. ‘અમૂલ’ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતીક છે. આઝાદી બાદ દેશ વિકાસ માટે ઝઝૂમતો હતો ત્યારે ગુજરાતમાં ચરોતર તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્વેતક્રાંતિનો પાયો નખાયો. ચરોતરને કવિ ન્હાનાલાલે ‘ગુજરાતની ફળદ્રુપ રસકુંજ’ કહી છે. આ ચરોતરનું નડિયાદ એ સરદાર સાહેબનું જન્મસ્થળ છે અને અનેક સાહિત્યકારોનું સાહિત્ય તીર્થ છે. તે આણંદ તે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દેનાર ‘અમૂલ’નું જન્મસ્થળ છે.

આજથી ૪૦ વર્ષ પહેલાં મુંબઈથી ઊડી રહેલા સ્વિસ એરના વિમાનમાં પીરસાતા બ્રેકફાસ્ટમાં ‘અમૂલ’નું બટર જોઈ ઘણાં આૃર્ય પામતા. આવી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ ‘અમૂલ’ના સર્જનમાં જેમનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેમનું નામ છે : ત્રિભુવનદાસ પટેલ.

ગુજરાતે દેશને ‘મહાત્મા’ આપ્યા, ‘સરદાર’ આપ્યા અને ત્રિભુવનદાસ પટેલ જેવા સહકારી ચળવળના પિતા પણ આપ્યા. ભારતની આઝાદી બાદ પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે રશિયાથી પ્રભાવિત હતા અને દેશમાં લોકતાંત્રિક સમાજવાદ લાવવા મોટાં મોટાં જાહેર ક્ષેત્રો ઊભાં કરવા માગતાં હતાં ત્યારે ગુજરાતના આણંદ નગરના વતની ત્રિભુવનદાસ પટેલે ‘સહકારી’ ક્ષેત્રનો નવો જ ખ્યાલ આપ્યો જે આજે ગુજરાતના અને દેશના પશુપાલકો માટે સુખ અને સમૃદ્ધિનું કારણ બની ચૂક્યો છે.

ત્રિભુવનદાસ પટેલ

ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ, ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયનના સ્થાપક હતા. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દૂધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ યુનિયનની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમ જ આણંદ તાલુકા મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

તેઓ ભારત દેશની આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી તેમ જ સરદાર પટેલના અનુયાયી બન્યા હતા. તેઓએ સત્યાગ્રહી તરીકે ૧૯૩૦, ૧૯૩૫ તેમજ ૧૯૪૨ના વર્ષમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ ભારતમાં સહકારી ચળવળના અને શ્વેતક્રાંતિના પિતામહ તરીકે પણ ઓળખાય છે.

રાજ્યસભામાં ગયા

૧૯૪૦ સુધીમાં, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં, ખેડા જિલ્લામાં ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું. યુનિયનની સ્થાપના કર્યા બાદ, ૧૯૫૦મા તેમણે વર્ગીસ કુરિયન નામના યુવાન મેનેજરને નોકરીએ રાખ્યા. કુરીયનના વર્ષ ૨૦૦૫ સુધીના સહકારી ચળવળના સફળ નેતૃત્વના કારણે તેઓ અમૂલના પર્યાયી બની ગયા.

તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ/પ્રમુખ (પીસીસી), ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (કોંગ્રેસ આઇ), અને બે વખત રાજ્યસભામાં સભ્ય (૧૯૬૭-૧૯૬૮ અને ૧૯૬૮ -૧૯૭૪) રહ્યા હતા.

સરદાર પટેલની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલે પશુપાલકોની ચિંતા સેવી પોલ્સન ડેરીનું એકહથ્થું શાસન તોડયું. ગામેગામ ફરીને અસંગઠિત પશુપાલકોને સંગઠિત કરી અમૂલનો પાયો નાખ્યો હતો.

ગરીબો પ્રત્યે હમદર્દી

આણંદમાં ખેડૂત કીશીભાઇ પટેલ અને માતા લખીબાના પરિવારમાં ૨૨ ઓક્ટોબર ૧૯૦૩ના રોજ જ્ન્મેલા ત્રિભુવનદાસ પટેલ બાળપણથી જ ખંતીલા, હોંશિયાર અને ગજબની ગ્રહણશક્તિ ધરાવતા, વાંચેલુ ં તરત યાદ રહેતું. નવું-નવું શીખવા, કરવાની ધગશ જાણે ગળથૂથીમાંથી જ મળેલી. પ્રાથમિક શિક્ષણ નંદિની ધર્મશાળા આણંદ પ્રાયમરી સ્કૂલ અને ત્યારબાદ ન્યુ ઈંગ્લિશ સ્કૂલમાં જે આજની ડી. એન. હાઇસ્કૂલ. સંસ્થામાં શિક્ષણ મેળવી વધુ અભ્યાસ માટે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. જ્યાં તેઓ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવતા જ તેઓની વિચારસરણી, ફિલોસોફીથી પ્રભાવિત થઇ સમાજના ગરીબ વર્ગ, દરિદ્રનારાયણો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. ૧૯૧૮માં થામણા ગામના મોતીભાઇ પટેલના પુત્રી મણિબહેન સાથે તેઓના લગ્ન થયા.

સ્વતંત્રતા સંગ્રામમાં

તેઓએ સ્વતંત્રતાના સંગ્રામમાં મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલને અનુસરીને લડતમાં જોતરાતા સત્યાગ્રહી તરીકે તેઓએ ૧૯૩૦, ૧૯૩૫ અને ૧૯૪૨ના વર્ષમાં જેલવાસ ભોગવ્યો હતો. તે દરમિયાન સરદાર પટેલના સંપર્કમાં આવ્યા બાદ તેમનામાં અસંગઠિત ખેડૂતો-પશુપાલકોની દયનીય હાલત પ્રત્યે અનુકંપા પ્રગટતા ૧૯૪૦ સુધીમાં સરદાર પટેલના માર્ગદર્શનમાં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું. એ સમયે બૃહદ ખેડા જિલ્લાના આણંદ નગરમાં ડેરી ઉદ્યોગમાં ખાનગી માલિકીની પોલ્સન ડેરીનું એકહથ્થું શાસન પ્રવર્તતું હતું. જેમાં પશુપાલકોનું પારાવાર શોષણ થતું. ખેડૂતો-પશુપાલકોની દયનીય હાલત જોઇને તેઓનુ સંવેદનશીલ હ્ય્દય દ્રવી ઊઠતું.

અમૂલની સ્થાપના કરી

પોલ્સન ડેરીના એકહથ્થું શાસનને તોડવા તેઓએ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલની સ્થાપના કરી ખેડૂતોને સહકારના એક સૂત્રે સાંકળવાના પ્રથમ પગરણ માંડયા. દરમ્યાન શિષ્યવૃત્તિ ઉપર કેરળના કોઝીકોડીથી તાલીમ માટે આવેલા યુવાન ડો. વર્ગીસ કુરિયન તાલીમ પૂર્ણ કર્યા બાદ પોતાના માદરે વતન કેરળ ખાતે પરત ફરવાની ઝંખના સેવી રહ્યા હતા. ત્યારે ત્રિભુવનદાસે ડૉ. કુરિયનને અમૂલમાં મેનેજરપદની મહત્વની જવાબદારી સોંપી. દક્ષિણ ભારતમાંથી એન્જિનિયરની ડિગ્રી લઇને આવેલા નવયુવાનની ચરોતરના સહકારી અગ્રણી ત્રિભુવનદાસ પટેલ સાથે થયેલી પ્રથમ મુલાકાત અમૂલના નિર્માણનુ સુવર્ણપુષ્ઠ બની રહેશે તેનો કોઇને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે બન્નેની મુલાકાત અમૂલના ઇતિહાસમાં સુર્વણાક્ષરે અંકિત થઇ છે. જે આજે વિશ્વના ફલક ઉપર ટેસ્ટ ઓફ ઇન્ડિયાના બ્રાન્ડનેમથી વટવૃક્ષ બનીને કરોડોના ટર્નઓવરે પહોંચ્યો છે.

મેગ્સેસે અને પદ્મભૂષણ

તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ-પ્રમુખ પીસીસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કોંગ્રેસ આઇ અને બે વખત રાજ્યસભામાંં સભ્ય ૧૯૬૭-૧૯૬૮ અને ૧૯૬૮-૧૯૭૪ રહ્યા હતા. સામુદાયિક નેતૃત્વ માટે તેઓને ૧૯૬૩માં રોમન મેગ્સેસે એવોર્ડ અને ૧૯૬૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણથી નવાજ્યા હતા. જીવનભર ખેડૂતો-પશુપાલકો માટે કાર્યરત રહી આણંદમાં ત્રિભુવન ફાઉન્ડેશન સહિતની સમાજસેવી સંસ્થાઓ કાર્યરત કરી ૩ જુન ૧૯૯૪માં ૯૧ વર્ષની વયે વિરલ વિભૂતિ દુનિયાને કાયમ માટે અલવિદા કરી ગયા.

ત્રિભુવનદાસ પટેલ એક સ્વપ્નદૃષ્ટા હતા. તેઓ કહેતા હતા : ”દેશ અને સમાજ તેનો ગમે તેટલો મોટો નેતા હોય પણ તેનું દિમાગ સંકીર્ણ હોય તો તે દેશને શક્તિશાળી બનાવી શકે નહીં, પરંતુ દેશનો નાનો પણ માણસ વિશાળ દૃષ્ટિવાળો હોય તો તે દેશને શક્તિશાળી બનાવી શકે.”

ત્રિભુવનદાસ પટેલની ‘ઓપરેશન ફ્લડ’ યોજનાથી દૂધના ક્ષેત્રે જે ક્રાંતિ સર્જાઈ તે અભૂતપૂર્વ છે. આ યોજનાના કારણે જ ભારતનાં ગામડાં જીવી ગયાં. આજે ‘અમૂલ’ની છત્રછાયા હેઠળ ૨.૮ મિલિયન દૂધ ઉત્પાદકો દૂધના ઉત્પાદનમાં વ્યસ્ત છે. અહીં રોજનું ૯.૧૦ મિલિયન ટન એકત્ર કરવામાં આવે છે જેની કુલ રકમ અમેરિકન ડોલર પ્રમાણે ૨.૫ બિલિયન ડોલર છે. અમૂલના કર્મચારીઓની સંખ્યા વિતરણ વિભાગમાં ૭૩૫ છે જ્યારે દૂધ ઉત્પાદકોને સાથે ગણતાં આ આંકડો ૨૮ લાખ લોકો જોડાયેલા છે.

અમૂલ શબ્દ

અમૂલ સંસ્કૃત શબ્દ અમૂલ્ય પરથી ઊતરી આવેલો શબ્દ છે. આ નામનું સૂચન આણંદના એક ગુણવત્તા પરીક્ષકે કર્યું હતું. એક સહકારી દૂધ મંડળી છે. જેની સ્થપાના ૧૯૪૬માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે.

અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.

અમૂલ ભારતની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાંડ અને વિશ્વની સૌથી મોટી દુધના પાઉચ બનાવતી બ્રાંડ છે. તેનુ વાર્ષિક ટર્નઓવર ૨.૨ બિલિયન અમેરિકન ડોલર (૨૦૧૦-૧૧) છે. અમૂલે વિદેશમાં, જેવા કે મોરિશિયસ, યુ.એ.ઈ, યુ.એસ.એ, ઓમાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપુર, હોંગકોંગ અને થોડાઘણા દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના ઉત્પાદનો મૂકયા. પરંતુ જાપાનીઝ બજારમાં ૧૯૯૪માં જોઈએ એવી સફળ ન થઈ, પણ હવે ફરી નવી પ્રોડક્ટ સાથે જાપાનીઝ બજારમાં ઊતરશે. ઉપરાંત બીજા દેશો જેવા કે શ્રીલંકાને પણ સક્ષમ બજાર તરીકે ધ્યાનમાં રાખેલ છે.

૪૦ દેશોમાં પ્રસાર

સૌથી વધુ ડેરી પેદાશની નિકાસ માટે અમૂલ દેશમાં અગ્રેસર છે. અત્યારે અમૂલની બનાવટો વિશ્વના ૪૦ દેશોમાં ઉપલબ્ધ છે. હાલમાં અમૂલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે દૂધનો પાઉડર, પનીર, યુ.એચ.ટી., દૂધ, ઘી અને દેશી મીઠાઈ વગેરેની નિકાસ કરે છે. વિશ્વના મુખ્ય બજારોમાં અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ પ્રાંત, સાર્ક અને પાડોશી દેશો સિંગાપોર, ફિલિપિન્સ, થાઈલેન્ડ, જાપાન અને ચાઈનાનો સમાવેશ કરી શકાય.

આ બધું સ્વપ્નદૃષ્ટા ત્રિભુવનદાસ પટેલને આભારી છે.

(ક્રમશઃ)

www.devendrapatel.in

Be Sociable, Share!