Close

૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થાનું કેન્દ્રઃ કાશી

અન્ય લેખો | Comments Off on ૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થાનું કેન્દ્રઃ કાશી
દેશ-વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થાના કેન્દ્રસમા કાશી-વારાણસીમાં રૂ.૯૦૦ કરોડના ખર્ચ જિર્ણોદ્ધાર પામેલા કાશી વિશ્વનાથ મંદિરનું ભવ્યાતિભવ્ય પરિસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. વારાણસી આમેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતક્ષેત્ર છે. કેટલાક વખત પૂર્વે તેમણે આદરેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના પાર પાડવામાં આવી ત્યારે આખુંયે વારાણસી રાત્રે ૧૧ લાખ દીવડાંઓથી ઝળહળી ઊઠયું. પી.એમ. મોદીએ રાજનીતિને જરા પણ સ્પર્શ કર્યા વિના ધાર્મિક, આધ્યાત્મિક અને ભાવવાહી સંબોધન કરીને એક વિરાસતની નગરીને વિકાસની નગરીમાં પરિવર્તિત કરી દેવાનું સ્વપ્ન પૂરું કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર કાશી વિશ્વનાથ મંદિરનો નિર્ણોધ્ધાર જ કરાવ્યો છે તેવું નથી. તેમણે સમગ્ર કાશીનો કાયાકલ્પ પણ કરી દીધો છે. સાંકડી અને ગંદી ગલીઓ હટાવી વિશાળ રસ્તાથી વારાણસીને સજાવી દીધું છે. એક જમાનાના ઝરીપુરાણા રેલ્વે સ્ટેશનને હવે વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશનમાં પરિવર્તીત કરી દીધું છે. રસ્તાઓ પરથી વિજળીના વાયરોના ઝૂમખા હટાવી વાયરોને અંડરગ્રાઉન્ડ કરી દીધા છે. હવે ટ્રાફિક જામ થતો નથી. કાશીથી પ્રયાગરાજ સુધીનો હાઈવે હવે સીક્સ લેન બતાવી દીધો છે. સહેલાણીઓની સંખ્યા પણ હવે બમણી થઈ ગઈ છે. આ ચમત્કારથી કમ નથી.
કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોર્તિલિંગ પૈકી એક છે. એમ માનવામાં આવે છે કે આ મંદિરનાં દર્શન અને ગંગામાં સ્નાન કરી લેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આદિ શંકરાચાર્ય, સંત એકનાથ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ તથા ગોસ્વામી તુલસીદાસે પણ આ મંદિરમાં આવીને દર્શન કર્યાં હતાં. વર્તમાન મંદિરનું નિર્માણ મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા ઈ.સ. ૧૭૮૦માં કરવામાં આવ્યું હતું. તે પછી મહારાજા રણજિતસિંહ દ્વારા ૧૮૫૩માં ૧૦૦૦ કિલોગ્રામ સોનાથી તેને મઢવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીનું આદિ સ્થાન છે. તેનો જિર્ણોદ્ધાર ૧૧મી સદીમાં રાજા હરિૃંદ્રે કરાવ્યો હતો. ૧૧૯૪માં મોહંમદ ઘોરીએ આ મંદિર ધ્વસ્ત કર્યું હતું, પરંતુ કહેવાય છે કે પ્રલયકાળમાં પણ આ મંદિરનો લોપ થયો નહોતો. પ્રલયના સમયે ભગવાન શંકર તેને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લેતા હોય છે અને સૃષ્ટિકાળના આગમન વખતે તેને નીચે ઉતારી દે છે. આ જ સ્થાન પર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની ઉત્પત્તિ માટે તપસ્યા કરીને આશુતોષને પ્રસન્ન કર્યા હતા અને તેની પર શયન કરીને પોતાના નાભિકમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા હતા. તેમણે આખા સંસારની રચના કરી.
બાર જ્યોતિર્િંલગો પૈકી કાશીમાં એક છે જેને બાબા વિશ્વનાથ કહેવામાં આવે છે અને આ જ છે તે કાશી વિશ્વનાથ મંદિર. આખું કાશી ભગવાન શિવના ત્રિશૂલ પર વસેલું હોવાનું મનાય છે. પુરાણો અનુસાર પહેલાં આ ભગવાન વિષ્ણુની પુરી હતી. આ મંદિરના જિર્ણોદ્ધાર અગાઉ સમ્રાટ વિક્રમાદિત્યે પણ કરાવ્યો હતો. મોગલ શાસકોએ વારંવાર તેને ધ્વસ્ત કર્યું પરંતુ હિંદુઓના લોકહૃદયમાં કાશી કાયમ રહ્યું. કાલભૈરવને કાશીના કોટવાળ માનવામાં આવે છે. જે ભગવાન શિવ અને માતા પાર્વતીના અનુચર છે. કાશી વિશ્વનાથ મંદિરનાં દર્શન પહેલાં કાળભૈરવનાં દર્શન કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઈ બાદમાં રુધિરના બે ભાગ થયા પહેલાં બટુકભૈરવ અને બીજા કાળભૈરવ. એવું માનવામાં આવે છે કે કાશીમાં દેહાવસાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે જ કેટલીયે સદીઓથી વારાણસીને હિંદુ મોક્ષ તીર્થસ્થાન માનવામાં આવે છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે વારાણસીને બનારસ પણ કહેવામાં આવે છે. અહીંનું બનારસી પાન, બનારસી સિલ્કની સાડી અને કાશી વિશ્વનાથ મંદિર તથા કાશી હિંદુ વિશ્વવિદ્યાલય આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. અહીંના લોકો પણ પ્રેમાળ, મીઠાબોલા હોઈ દેશના લોકો તેમને બનારસી બાબુ કહે છે, કારણ કે બનારસના લોકો મધુર વચનો બોલનારા અને જ્ઞાની પણ હોય છે.
વારાણસીનું મૂળ નામ કાશી છે. પૌરાણિક કથાઓ અનુસાર કાશી નગરની સ્થાપના હિંદુઓના ભગવાન શિવે લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વે કરી હતી. આ કારણે જ આજે કાશી દેશ અને વિદેશોમાં રહેતા ૧૦૦ કરોડ હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ હિંદુઓની પવિત્ર સપ્તપુરીઓમાંથી એક છે. સ્કંદપુરાણ, રામાયણ તથા મહાભારત સહિત પ્રાચીન ઋગ્વેદ સહિત કેટલાયે હિંદુ ગ્રંથોમાં કાશીના નામનો ઉલ્લેખ આવે છે. સામાન્યતઃ વારાણસી નગરને ૩૦૦૦ વર્ષ પુરાણું માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધ (જન્મઃ ઈ.સ.પૂર્વે ૫૬૭)ના સમયમાં વારાણસી કાશી રાજ્યની રાજધાની હતું. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પણ કાશીને ધાર્મિક, શૈક્ષણિક અને કલાત્મક ગતિવિધિઓનું કેન્દ્ર હોવાનું લખ્યું છે.
ગંગા નદીના કિનારે વસેલાં કાશી જેવાં પ્રાચીન નગર જગતમાં બહુ ઓછાં છે. બૌદ્ધ તથા જૈન ધર્મમાં પણ આ એક મહત્ત્વપૂર્ણ નગર છે. કેટલાંક હજાર વર્ષ પહેલાં નાટે કદના શ્યામવર્ણી લોકોએ આ શહેરની પહેલી ઈંટ મૂકી હતી. તે પછી પિૃમથી આવેલા ઊંચા કદના ગોરા લોકોએ એમની નગરી છીનવી લીધી. તેઓ લડવૈયા હતા. તેમનાં ન તો ઘર હતાં કે ન કોઈ સંપત્તિ. એ લોકો પોતાને આર્ય એટલે કે શ્રોષ્ઠ તથા મહાન કહેતા હતા. આર્યોની પોતાની જાતિઓ હતી. તેમાંથી એક રાજઘરાનાવાળા કાશીમાં આવ્યા. કાશી પાસે જ અયોધ્યામાં તેમનું રાજકુળ વસી રહ્યું. એને રાજા ઈક્ષ્વાકુનું કુળ કહે છે. એટલે કે સૂર્યવંશ તરીકે જાણીતા બન્યા જ્યારે કાશીમાં ચંદ્ર વંશની સ્થાપના થઈ. સેંકડો વર્ષ સુધી કાશી નગરમાં ભરત રાજકુળના ચંદ્રવંશી રાજા રાજ કરતા હતા. કાશી ત્યારથી આર્યોનાં પૂર્વી નગરોમાંથી એક હતી.
મહાભારતકાળમાં પૂર્વ મગધમાં જરાસંધે રાજ્ય કર્યું અને કાશી પણ તેમાં ભળી ગયું. આ સમયમાં આર્યોની કન્યાઓના અહીં સ્વયંવર થતા હતા. સ્વયંવરમાં પાંડવો અને કૌરવોના પિતામહ ભીષ્મે કાશીનરેશની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કર્યું. આ અપહરણના કારણે કાશી અને હસ્તિનાપુર વચ્ચે શત્રુતા થઈ હોવાનો મહાભારતમાં ઉલ્લેખ છે. જોકે ભિષ્મપિતામહ આજીવન અપરિણીત રહ્યા એ એક અલગ કથા છે. કાળાંતરે ગંગામાં આવેલા પ્રચંડ પૂરના કારણે હસ્તિનાપુર ડૂબી ગયું હતું.
હવે ઉપનિષદકાળની વાત. તે પછી બ્રહ્મદત્ત નામના રાજકુમાર કાશીના અધિપતિ બન્યા. એ કુળમાં પંડિત શાસક થયા. એ વખતે પંજાબમાં કૈકેય રાજકુળના રાજા અશ્વપતિ હતા. એ વખતે જ રાજાના દરબારમાં યાજ્ઞવલ્કય જેવા જ્ઞાની મહર્ષિ અને ગાર્ગી જેવી પંડિતા નારીઓનું અસ્તિત્વ પેદા થયું. એમના સમકાલીન કાશી રાજ્યના રાજા અજાતશત્રુ હતા. તેઓ આત્મા અને પરમાત્માના જ્ઞાનમાં અનુપમ હતા. આ ઉપનિષદકાળ કહેવાયો.
યુગ બદલાતાં વૈશાલી અને મિથિલાના લિચ્છવીઓમાં સાધુ વર્ધમાન મહાવીર થયા.
૧૮મી શતાબ્દીમાં સ્વતંત્ર કાશી રાજ્ય બની ગયું. પાછળથી બ્રિટિશ શાસન દરમિયાન કાશી વેપાર અને ધર્મનું કેન્દ્ર બની રહ્યું. ૧૯૧૦માં બ્રિટિશ શાસન દરમિયાન એક નવું ભારતીય રાજ્ય બન્યું. રામનગરને તેનું મુખ્યાલય બનાવવામાં આવ્યું. કાશીનરેશ એ વખતે પણ રામનગરના કિલ્લામાં રહેતા હતા. આ કિલ્લો વારાણસી નગરના પૂર્વમાં ગંગાના કિનારે છે. રામનગરના કિલ્લાનું નિર્માણ કાશીનરેશ રાજા બલવંતસિંહે ચૂનાના શ્રોષ્ઠ પથ્થરોથી ૧૮મી સદીમાં કરાવ્યું હતું. રામનગરના કિલ્લા અને તેનું સંગ્રહાલય આજે પણ બનારસના શ્રોષ્ઠ રાજાઓની એક ધરોહરના રૂપમાં સુરક્ષિત છે. જે ૧૮મી શતાબ્દીથી કાશીનરેશનું અધિકૃત નિવાસસ્થાન રહ્યું. આજે પણ કાશીનરેશ નગરના લોકો દ્વારા સન્માનિત છે. તેમને લોકો નગરના ધાર્મિક અધ્યક્ષ માને છે. અહીંના લોકો તેમને ભગવાન શિવના અવતાર માને છે.
વારાણસી નામનો અર્થ પણ જાણવા જેવો છે. વારાણસી નામનો ઉદ્ભવ અહીંની બે સ્થાનિક નદીઓ ‘વરુણા નદી’ અને ‘વસી’ નદીના નામને મિલાવીને વારાણસી થયું. આ નદીઓ ગંગામાં ક્રમશઃ ઉત્તર અને દક્ષિણથી આવીને મળે છે. આ અંગે એક બીજો અભિપ્રાય પણ છે. કહેવાય છે કે વરુણ નદીના નામના કારણે પ્રાચીનકાળમાં આ નગર વરણાસી તરીકે ઓળખાતું હતું.
પરંતુ લાંબા સમય પહેલાં વારાણસી અવિમુક્ત ક્ષેત્ર, આનંદ-કાનન, મહાસ્મશાન, સુરંધન, બ્રહ્માવર્ત, સુદર્શન, રમ્ય તથા કાશીના નામથી સંબોધિત રહ્યું છે. ઋગ્વેદમાં આ નગરનો ઉલ્લેખ કાશી કે કાસી તરીકે છે. તેને પ્રકાશિત શબ્દમાંથી લેવામાં આવ્યો છે. મતલબ કે આ કાશીનગરી હજારો વર્ષોથી જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. કાશી શબ્દ સહુથી પહેલાં અથર્વવેદની પૈપલાદ શાખામાંથી આવેલો છે. સ્કંદપુરાણના કાશી ખંડમાં આ નગરીનો મહિમા ૧૫૦૦૦ શ્લોકોમાં વર્ણવવામાં આવ્યો છે. જેના એક શ્લોકમાં ભગવાન શિવ કહે છેઃ ‘ત્રણ લોકોમાં સમાહિત એક નગર છે, જેમાં મારો નિવાસ પ્રસાદ કાશી છે.’ કાશીને કેટલીક વાર કાશિકા પણ કહેવામાં આવ્યું છે. એનો મતલબ છે ચમકતું શહેર. એવું માનવામાં આવે છે કે કાશી ભગવાન શિવની નગરી હોવાથી તે હંમેશાં પ્રકાશિત છે. તેને કશાતે એટલે કે ‘સિટી ઓફ લાઈટ’ પણ કહે છે. આ કારણથી જ તેનું નામ કાશી છે. કાશીનો અર્થ છે ઉજ્જવળ અથવા દેદિપ્યમાન.
અલબત્ત, મોગલોના શાસન અને પછી અંગ્રેજોના શાસન વખતે તેનું નામ બનારસ રહ્યું પરંતુ આઝાદી બાદ તેનું અધિકૃત નામ વારાણસી થયું. કાશી અને વારાણસી એક જ નગર છે.
આજે પણ કાશીનરેશ (કાશીના મહારાજા) વારાણસી શહેરના મુખ્ય સાંસ્કૃતિક સંરક્ષક તથા બધી જ ધાર્મિક ક્રિયા-કલાપોના અભિન્ન અંગ છે. નોંધપાત્ર વાત એ છે કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું બનારસી ઘરાના વારાણસીમાં જ જન્મ્યું. ભારતના કેટલાયે દાર્શનિકો, કવિઓ, લેખકો અને સંગીતજ્ઞ વારાણસીમાં જ રહ્યા. દા.ત. સંત કબીર, વલ્લભાચાર્ય, રવિદાસ, સ્વામી રામાનંદ, શિવાનંદ ગોસ્વામી, મુન્શી પ્રેમચંદ, જયશંકર પ્રસાદ, પંડિત રવિશંકર, ગિરિજાદેવી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન તેમાં મુખ્ય છે. ગોસ્વામી તુલસીદાસે હિંદુ ધર્મનો પરમ પૂજ્ય ગ્રંથ રામચરિત માનસ પણ અહીં જ લખ્યો. ભગવાન બુદ્ધે પણ તેમનું પ્રથમ પ્રવચન અહીં નજીકમાં આવેલા સારનાથમાં જ આપ્યું.
આવો છે કાશી-બનારસનો ભવ્ય ઇતિહાસ, જે હવે પી.એમ.મોદીના વિરાસત નગરમાંથી વિકાસ નગરી તરફ પ્રયાણ કરી રહ્યું છે.     DEVENDRA PATEL

Be Sociable, Share!