Close

PM નહેરુએ કહ્યું : મારે સરહદ પર જવાનોને દૂધ પહોંચાડવું છે

અન્ય લેખો | Comments Off on PM નહેરુએ કહ્યું : મારે સરહદ પર જવાનોને દૂધ પહોંચાડવું છે

ઉત્તર ગુજરાતે આપેલા ઉત્તમ રત્નોમાં સ્વ. માનસિંહભાઈ પટેલ પ્રથમ નંબરે આવે છે. એમના મૃત્યુને વર્ષો થયા, પરંતુ આજ ઔસુધી તેમની ખોટ આખા ઉત્તર ગુજરાતને પુરાઈ નથી. આજે પણ માનસિંહભાઈ લોકોના દિલો-દિમાગ પર છવાયેલા છે.

  મહેસાણાની આજની વટવૃક્ષ બનેલી દૂધસાગર ડેરી તે માનસિંહભાઈની દૂરંદેશી, સાહસ અને કાર્યદક્ષતાનો શ્રેષ્ઠ નમૂનો છે. મહેસાણા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા હતી અને ખેડૂત વર્ગ દુઃખ તરફ ઢસડાઈ રહ્યો હતો ત્યારે માનસિંહભાઈએ લોકોને પશુપાલનના વ્યવસાય તરફ જાગૃત કરી મહેસાણા જિલ્લામાં શ્વેતક્રાંતિનાં બીજ વાવ્યાં હતાં. આ ડેરીનો આરંભ માત્ર અગિયાર મંડળીઓ અને ૩,૨૦૦ લિટર દૂધથી થયો હતો. આજે મંડળીઓની સંખ્યા ૧,૨૩૮ સુધી પહોંચી છે. જ્યારે દૂધની આવક ૧૮.૦૬ લાખ કિલોગ્રામ સુધી પહોંચી છે. આરંભનાં વર્ષોમાં દૂધસાગર ડેરીનું ટર્નઓવર રૂ. ૬.૫ લાખ હતું. જે આજે વધીને રૂ. ૧,૭૫૦ કરોડ સુધી પહોંચ્યું છે. આ બધી જ સિદ્ધિઓ સ્વ. માનસિંહભાઈના કારણે છે.

ચીનનું આક્રમણ

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કરી દીધું ત્યારે ભારતીય લશ્કર આ પ્રકારના અચાનક યુદ્ધ માટે તૈયાર નહોતું. એ વખતે સરહદ પર અને પર્વતોના દુર્ગમ વિસ્તારોમાં લશ્કરના જવાનોને દૂધ પહોંચાડવાની સમસ્યા પેદા થઈ. એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ માનસિંહભાઈ પટેલને બોલાવ્યા અને જવાનો માટે દૂધનો પાઉડર તૈયાર કરી આપવા વિનંતી કરી. માનસિંહભાઈ પટેલે એ પડકાર ઉપાડી લીધો અને મહેસાણા જિલ્લાના ઉદ્યમી પશુપાલકો માટેની સહકારી ડેરી ઊભી કરી ઝડપભેર દૂધનો પાઉડર બનાવવા માટેનો પ્લાન્ટ ઊભો કરી જવાનો માટે દૂધનો પાઉડર રવાના કર્યો.

ડેરી કેમ સ્થાપી ?

માનસિંહભાઈને મહેસાણામાં ડેરી સ્થાપવાનો વિચાર કેમ આવ્યો તે પણ જાણવા જેવું છે. ૧૯૫૮માં યુનિસેફની એક ટૂકડી મહેસાણા જિલ્લાનો સરવે કરવા આવી હતી. તે વખતે માનસિંહભાઈ જિલ્લા વિકાસ મંડળના પ્રમુખ હતા. તેમણે જોયું તો તે વખતની ૧૬ લાખની વસતી ધરાવતા મહેસાણા જિલ્લામાં પંજાબની મુરાં અને સુરતી ભેંસોના સંકરણથી પેદા થતી ઉત્પન્ન ઉત્તમ ભેંસો ખેડૂતો મુંબઈમાં વેચી દેતા હતા. મહેસાણા જિલ્લાની ઉત્તમ ભેંસો જિલ્લા બહાર જતી રહી હતી. આ ભેંસો જિલ્લામાં જ રહે અને પશુપાલકો કમાય તે હેતુથી મહેસાણામાં જ આણંદની અમૂલ ડેરી જેવી એક સુંદર ડેરી ઊભી કરવાનો વિચાર ઝબક્યો. એ વિચાર તેમણે મૂર્તિમંત કરી આપ્યો તેનું નામ જ દૂધસાગર ડેરી. આ કામ માટે તેમને ખેડા જિલ્લાના સહકારી આગેવાન ત્રિભુવનદાસ પટેલ અને કુરિયનનો સહકાર મળ્યો. આજે મહેસાણાની દૂધસાગર ડેરી એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ડેરી ગણાય છે. તેની દૂધ અને દૂધની બનાવટોની પ્રોડક્ટ વર્લ્ડ ક્લાસ છે. દૂધસાગર ડેરીએ મહેસાણા જિલ્લાના પશુધન અને પશુપાલક- એમ બંનેને બચાવી લીધાં.

પરદેશી વસ્ત્રોનો ત્યાગ

પ્રભાવશાળી ચહેરો અને ગૌરવપૂર્ણ વ્યક્તિલક્ષી પ્રતિભાસંપન્ન માનસિંહભાઈ પટેલનો જન્મ વિજાપુર તાલુકાના ચરાડા ગામમાં તા. ૧૫-૧૧-૧૯૧૯ના રોજ આંજણા પાટીદાર પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી જ તેજસ્વી હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ રાષ્ટ્રીયતાના રંગે રંગાયા હતા. ૧૯૪૨-૪૩માં તેઓ લો-કોલેજમાં હતા ત્યારે વિદ્યાર્થી સંમેલનોમાં ભાગ લીધો. ૧૯૪૦-૪૧માં વડોદરાની કોલેજમાં વિદ્યાર્થી મંડળના મંત્રીપદે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૩૯ની સાલમાં ગાંધી જયંતીના દિવસે જ તેમણે પરદેશી વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. ૧૯૪૨માં ગાંધીજીએ અંગ્રેજોને ‘હિંદ છોડો’નો તાર છેડયો ત્યારે તેમણે કોલેજ છોડી દીધી અને આઝાદીના જંગમાં ઝંપલાવી દીધું. ૧૯૪૨માં તેઓ બી.એ. થયા હતા. ૧૯૪૫માં એલ.એલ.બી. થયા. ૧૯૪૬માં બોમ્બે બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી.

જાહેર જીવનમાં આવ્યા

માનસિંહભાઈ વકીલાતનો વ્યવસાય આગળ વધારે તે પહેલાં જ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. માનસિંહભાઈ વડોદરા રાજ્યની ધારાસભામાં મહેસાણા, વિસનગર, ખેરાલુ મતદાર મંડળમાંથી ચૂંટાયા ત્યારે તેમની વય માત્ર ૨૬ વર્ષની જ હતી. તેઓ સૌથી નાની વયના ધારાસભ્ય હતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. ૧૯૪૬-૧૯૪૯માં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. હવે તેમને મુંબઈ રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મળે. એ વખતે પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકર પુરુષોત્તમદાસ ત્રિકમદાસ બેરિસ્ટરે ઉત્તર ગુજરાતમાં ટયૂબવેલની કામગીરી નિષ્ફળ ગઈ છે તેમ કહી તેને બંધ કરી દેવાની માગણી મુંબઈ વિધાનસભામાં કરી હતી. તે વખતે ધારાસભ્ય તરીકે માનસિંહભાઈ પટેલે ટયૂબવેલની યોજનાથી ઉત્તર ગુજરાતની ખેતી કેવી રીતે સમૃદ્ધ થઈ શકે તેનો ચીવટપૂર્વક અભ્યાસ કરી ધારાસભામાં અસરકારક રજૂઆત કરી અને ટયૂબવેલની યોજનાથી ખેતીને થનારા ફાયદા આંકડાઓ દ્વારા સમજાવ્યા. તે પછી ટયૂબવેલની યોજનાનો પ્રથમ અખતરો વિજાપુર તાલુકામાં કરાવડાવ્યો તે પછી મહેસાણા જિલ્લાને વધુ ટયૂબવેલ અપાવવા માટે તેમણે જબરદસ્ત પુરુષાર્થ કર્યો. પરિણામે મહેસાણા જિલ્લામાં ૪૫૦થી વધુ સરકારી ટયૂબવેલ અને બે હજાર જેટલા ખાનગી ટયૂબવેલ અસ્તિત્વમાં આવ્યા. પરિણામે ઉત્તર ગુજરાતની ખેતી સમૃદ્ધ થઈ.

ગુજ. યુનિ.ની સ્થાપના

૧૯૫૨ની સામાન્ય ચૂંટણીઓમાં માણસા મતદાર વિભાગમાંથી વિજાપુર દક્ષિણ વિભાગમાંથી તેઓ મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. મુંબઈ વિધાનસભામાં ગુજરાત યુનિવર્સિટી બિલ પસાર કરાવવામાં તેમણે સક્રિય રસ લઈ ગુજરાત યુનિવર્સિટી ઊભી કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તે પછી ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં પણ ચૂંટાયા. ૧૯૬૨માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે તેમને મહેસાણા જિલ્લા દક્ષિણ વિભાગમાંથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી. પ્રચંડ બહુમતીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા. લોકસભામાં ચૂંટાતાં તેમણે વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી અને શેષ જીવન સમાજસેવા માટે સમર્પિત કરી દીધું.

દૂધસાગર ડેરી

મહેસાણાની દૂધસાગર ડેરી તે સ્વયં તેમનું જીવતું જાગતું સ્મારક છે. લોકસભામાં સહકારી, પશુ અને દૂધ ઉદ્યોગના એક અભ્યાસી જૂથમાં તેઓ સભ્ય તરીકે નીમાયા હતા. એ જૂથમાં તેમણે મહેસાણા જિલ્લા માટે ‘ડેરી યોજના’ને મજૂર કરાવી હતી. દૂધ ઉદ્યોગને વિકસાવવા ૧૯૬૦માં સહકારી ધોરણે તેમણે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી. જિલ્લામાં નવીન સહકારી સાહસનો આરંભ કર્યો. તેના પરિણામરૂપે મહેસાણા જિલ્લાને ‘દૂધસાગર’ ડેરી પ્રાપ્ત થઈ. ૧૯૬૩માં ડેરીનું બાંધકામ પૂરું થયું. મહેસાણામાં દૂધસાગર ડેરીની સ્થાપના કરવાનું સાહસ તે માનસિંહભાઈ પટેલની અદ્વિતીય કાર્યશક્તિનો નમૂનો છે.

દિલ્હી દૂધ મોકલવું છે

માનસિંહભાઈ કર્મયોગી હતા. માત્ર ભાષણો કરવામાં માનતા નહોતા. બલકે કામ કરવામાં માનતા હતા. એક દિવસ સુરતમાં એક સહકારી આગેવાનને તેમણે કહેલું કે, ”એક દિવસ મારે દિલ્હી અને મુંબઈ દૂધ મોકલવું છે.” તેમની આ ઈચ્છા મૂર્તિમંત થઈ. આજે પણ દિલ્હીવાસીઓ મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ પીવે છે અનેા હવે તો મહેસાણાના દૂધ ઉત્પાદકોએ હરિયાણાના ગુડગાંવ ખાતે દૂધસાગર ડેરીનો પ્લાન્ટ ઊભો કરી દીધો છે. હરિયાણા ખાતેના આ પ્લાન્ટથી રોજ દસ લાખ લિટર દૂધ દેશની રાજધાનીમાં વિતરીત થાય છે. માનસિંહભાઈનું સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર થયું છે. માનસિંહભાઈના અકાળ અવસાન બાદ ડેરીના વિકાસને આગળ ધપાવવાનું કામ મોતીભાઇ ચૌધરીએ ઉપાડી દીધું હતું. સહકાર ક્ષેત્રમાં હોવું અને પ્રામાણિક પણ રહેવું તે લગભગ અશક્ય છે, પરંતુ એ ઉક્તિ મોતીભાઈ ચૌધરીએ ખોટી પાડી. મોતીભાઈ ચૌધરી સાચુકલા ગાંધીવાદી હતા. તેમની સાદગીનો અહેસાસ તેમના ચપ્પલ જોઈને થતો.

અચાનક અવસાન

શ્વેતક્રાંતિના સર્જક એવા માનસિંહભાઈ પટેલ તેમના જીવનની શ્રેષ્ઠતમ કારકિર્દીની ટોચ પર હતા ત્યારે જ એક દિવસ એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ૧૯૭૦ના રોજ બપોરે દોઢ વાગે મહેસાણાથી અમદાવાદ જતાં નંદાસણ પાસે એક ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા અને આખું ઉત્તર ગુજરાત શોકમગ્ન થઈ ગયું. માનસિંહભાઈના અચાનક અવસાનથી આઘાત પામેલા લોકોનો માનવ મહેસામણ ઊમટયો. મહેસાણાનાં બજારો બંધ થઈ ગયાં અને તેમના મૃતદેહને તેમના વતન ચરાડા લઈ જવાયો. અભૂતપૂર્વ સ્મશાનયાત્રા નીકળી. ચરાડામાં જ તેમને અંતિમ સંસ્કાર અપાયા.

ઉત્તર ગુજરાતની પ્રજાના હૃદયમાં માનસિંહભાઈ પટેલ આજે પણ જીવિત છે. તમામ કોમના-જ્ઞાતિના લોકો પ્રેમથી તેમને યાદ કરે છે.

મહેસાણાની દૂધસાગર ડેરીના પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરીને ડેરીના દિલ્હી નજીક માનેસર અને ધારૂહેડા ખાતે નવા પ્લાન્ટ્સ શરૂ કરવાનું કામ માનસિંહભાઈ પટેલના પુત્ર વિપુલ ચૌધરીએ કર્યું જેના કારણે મહેસાણા જિલ્લાનું દૂધ આજે દિલ્હીના લોકો પીએ છે

DEVENDRA PATEL

Be Sociable, Share!