Close

“તમારી કવિતા સરકારને પસંદ નથી”

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on “તમારી કવિતા સરકારને પસંદ નથી”
(ગતાંકથી ચાલુ)

સામ્યવાદીઓએ ડોક્ટર ઝિવાગોના કાકાનું ભવ્ય મકાન પડાવી લીધું. એક સામ્યવાદી અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું, “અત્યારથી જ નોકરી પર લાગી જાવ. નહીંતર રેશનકાર્ડ નહીં મળે. શહેરમાં ખતરનાક ચેપી રોગ ફેલાયો છે.”

ડોક્ટર ઝિવાગોને એક બીમાર દર્દી પાસ લઈ જવાયા. દર્દીને તપાસીને ડોક્ટર ઝિવાગોએ કહ્યું, “એને કોઈ બીમારી નથી. બીમારી તો છે મોસ્કોમાં ભૂખમરાની.”

સામ્યવાદી અધિકારીને ડોક્ટર ઝિવાગોની વાત ન ગમી. એક અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું કે, “તમે જે કવિતાઓ લખો છો તે પણ સોવિયેત સામ્યવાદી સરકારને પસંદ નથી.” – આ ચેતવણી આપનાર અધિકારી ડોક્ટર ઝિવાગોનો ભાઈ જ હતો. એણે સરકારની ભાવિ પરેશાનીથી બચવા ડોક્ટર ઝિવાગો, તેની પત્ની તોન્યા, પુત્ર સાશા અને તેના કાકા એલેકઝાન્ડરને મોસ્કોથી દૂર જતા રહેવા સલાહ આપી. જરૂરી પાસ અને દસ્તાવેજો પણ બનાવી આપ્યા.

યુરી ઝિવાગો તેના પરિવાર સાથે પશુઓ માટેની ટ્રેનમાં બેસી બદતર હાલતમાં દસ દિવસ બાદ રશિયાની યુરલ પર્વતમાળાઓ પાસે વેટિકિનો ખાતે આવેલા ગ્રોમેકો એસ્ટેટ જવા નીકળ્યા. રસ્તામાં ટ્રેન ઊભી રહી. ડોક્ટર ઝિવાગો ટ્રેનની બહાર નીકળ્યા. એક ટેકરીની પેલે પાર લાલ ધ્વજવાળી એક વીઆઈપી ટ્રેન આવીને ઊભી રહી. કુતૂહલવશ ડોક્ટર ઝિવાગો તે ટ્રેન જોવા નજીક સરક્યા ત્યાં જ સૈનિકોએ તેની ધરપકડ કરી. એ વીઆઈપી ટ્રેન હતી. ડોક્ટર ઝિવાગો કોઈ કાવતરા માટે એ ટ્રેનની નજીક પહોંચ્યો હોવાની શંકાથી આખી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એકમાત્ર બોલ્શેવિક કમાન્ડર સ્ટ્રેલનિકોવ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવને જોતાં જ ઓળખી ગયા કે કમાન્ડર સ્ટ્રેલનિકોવ બીજો કોઈ નહીં, પરંતુ લારાનો પતિ પાશા છે. સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કડકાઈથી પૂછપરછ કરી, પણ ડોક્ટર ઝિવાગો નિર્દોષ હતા. છેલ્લે તેમને ચાલ્યા જવાની અનુમતિ આપતાં કમાન્ડર સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કહ્યું, “હવે અમારે કોઈ અંગત જીવન નથી. લારા જીવે છે અને યુરિઆતીન નામના શહેરમાં રહે છે.”

ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવના ગુસ્સાથી બચી તેમની ટ્રેન તરફ દોડયા અને ઝડપથી કેટલ ટ્રેનમાં ચડી ગયા. કેટલાક કલાકોની મુસાફરી બાદ ટ્રેન એક સ્થળે ઊભી રહી. દૂરના એક ખેતરના નાનકડા ઘરમાં પરિવાર રહેવા લાગ્યો. તોન્યા ફરી વાર સગર્ભા બની. તે વખતે દરમિયાન નજીકમાં જ આવેલા યુરિઆતીન નામના શહેરમાં ડોક્ટર ઝિવાગોએ લારાની ખોજ આદરી. લારા મળી આવી. તે તેની દીકરી સાથે એક ઘરમાં રહેતી હતી. ફરી એક વાર લારા અને ડોક્ટર ઝિવાગો એકબીજાને ચાહવાં લાગ્યાં. ડોક્ટર ઝિવાગો લારાને મળીને જ્યારે પણ ઘેર આવે ત્યારે પત્ની તોન્યા પણ અપલક નજરે પતિને જોઈ રહેતી. અલબત્ત, તે પત્ની તોન્યાને પણ એટલું જ ચાહતો હતો.

એક દિવસ ડોક્ટર ઝિવાગો લારાને મળી તેના ખેતરના ઘેર પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બોલ્શેવિક ગેરિલા સ્ક્વોડના સૈનિકોએ તેમનું અપહરણ કરી લીધું. ડોક્ટર ઝિવાગોને જંગલમાં લઈ જતાં કહ્યું, “યુદ્ધભૂમિ પર અમારે ડોક્ટરની જરૂર છે.”

ડોક્ટર ઝિવાગોએ ગેરિલા સૈનિકોને કહ્યું, “મારી પત્ની ગર્ભવતી છે. તેને મારી સખત જરૂર છે.”

પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. રશિયાની કાતિલ ઠંડીમાં વ્હાઇટ આર્મી સાથે યુદ્ધ લડતા સૈનિકોના દળમાં ડોક્ટર તરીકે ઝિવાગોને જવું પડયું. કાતિલ ઠંડીમાં અને બરફના તોફાનમાં ગેરિલા સૈનિકો નાનાં નાનાં બાળકોને મારતા રહ્યાં. બીજી બાજુ બરફથી છવાયેલા રણમાં સૈનિકો પણ મરવા લાગ્યા. એક દિવસ ડોક્ટર ઝિવાગોએ હતાશ અને થાકી ગયેલા સૈનિકોનો સાથ છોડી દીધો. બરફથી છવાયેલ વિરાટ ભૂમિ પર ફાટેલા કોટ સાથે તેઓ તોન્યા-તોન્યા પોકારતા ઘરે આવવા નીકળ્યા. ઘર છોડયાને,પત્નીને જોયાને હવે બે વર્ષ થઈ ગયાં હતાં. ખેતરના ઘરમાં કોઈ નહોતું. હા, યુરિઆતીનમાં રહેતી લારા ડોક્ટર ઝિવાગોને મળી. પૂરા છ મહિના પછી લારાએ એક પત્ર બતાવતાં કહ્યું, “તમારા અપહરણ બાદ એક દિવસ તમારી પત્ની તોન્યાનો મારી પર પત્ર આવ્યો હતો. તોન્યા, તમારી દીકરી અને તોન્યાના પિતાને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેઓ પેરિસ ચાલ્યા ગયા છે. તોન્યા તમને શોધવા અહીં આવી હતી, પણ હવે તે રશિયામાં નથી.”

આ વાત સાંભળી ડોક્ટર ઝિવાગો દુઃખી થઈ ગયા. તે હવે લારા સાથે જ રહેવા લાગ્યા. એવામાં એક રાત્રે અગાઉ લારા પર બળાત્કાર કરનાર અને લારાની માતા સાથે પણ સંબંધ રાખનાર વિક્ટર કોમારોવસ્કી લારાના ઘરે આવી પહોંચ્યો. તે હવે તેની રાજકીય વગથી સોવિયેત રશિયાના સાઇબીરિયા સ્ટેટનો મિનિસ્ટર ઓફ જસ્ટિસ બની ગયો હતો. એણે લારા અને ડોક્ટર ઝિવાગોને કહ્યું, “ડોક્ટર ઝિવાગો ક્રાંતિકારીઓની વિરુદ્ધ કવિતાઓ લખતા હોઈ તમારા બંને પર સામ્યવાદી સરકારની નજર છે. બહેતર છે કે તમે બંને રશિયા છોડી દો. હું તમને મદદ કરીશ.”

લારા અને યુરી ઝિવાગોએ રશિયા છોડી દેવા ઇન્કાર કર્યો, પરંતુ એમણે એ શહેર છોડી દીધું અને ભયંકર બરફથી છવાયેલા નિર્જન વેરિઆન્કો એસ્ટેટમાં બનેલા એક જૂના મકાનમાં રહેવા જતાં રહ્યાં. કાતિલ ઠંડીમાં જંગલી વરુઓ સિવાય આસપાસ કોઈ નહોતું. બરફથી ઢંકાઈ ગયેલા એ મકાનને સાફ કર્યું અને લારા, ડોક્ટર ઝિવાગો અને લારાની પુત્રી ત્યાં રહેવા લાગ્યાં. ડોક્ટર ઝિવાગોએ અહીં પણ લારા-કાવ્યો લખવા માંડયાં જે ભવિષ્યમાં તેને પ્રસિદ્ધ તો બનાવી શકે તેમ હતાં, પણ સામ્યવાદી સરકારને નારાજ પણ કરી દે તેવાં હતાં.

એક દિવસ લારા અને ડોક્ટર ઝિવાગોને શોધતો વિક્ટર કોમારોવસ્કી ફરી અહીં આવી ચડયો. એણે લારાને જાણ કરી. “તારો પતિ પાશા ઉર્ફ કમાન્ડર સ્ટ્રેલનિકોવ મૃત્યુ પામ્યો છે. સરકાર તેનાથી નારાજ હતી. તેને ફાંસી અપાય તે પહેલાં જ તેણે આપઘાત કરી લીધો છે. લારા, તું જનરલ સ્ટ્રેલનિકોવની પત્ની હોઈ ેલોકો તને પણ શોધી રહ્યા છે. તારા જીવન માટે ભય છે.”

ડોક્ટર ઝિવાગોએ લારાને વિક્ટર કોમારોવસ્કી સાથે જવા અને આ સ્થળ છોડી દેવા સલાહ આપી અને કહ્યું, “તું અત્યારે આ સ્થળ છોડી દે, હું પાછળથી તને મળીશ.” લારા અનિચ્છાએ મનમાં ભારોભાર દુઃખ સાથે ડોક્ટર ઝિવાગોને ત્યાં જ રહેવા દઈ તેને ન ગમતા માણસ એવા વિક્ટર કોમારોવસ્કી સાથે કોઈ અનજાન જગાએ જવા ચાલી ગઈ.

સમય વહેતો હતો.

ડોક્ટર ઝિવાગો પણ હવે મોસ્કોમાં રહેવા ગયા. લારા ક્યાં છે તેની તેમને ખબર નહોતી. પત્ની ક્યાં છે તેની તેમને ખબર નથી. પુત્ર ક્યાં છે તેની તેમને ખબર નહોતી. હતાશ ડોક્ટર ઝિવાગોનું સ્વાસ્થ્ય પણ કથળવા લાગ્યું હતું. મોસ્કોમાં એકલતા દૂર કરવા એક સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું, પરંતુ પ્રેયસી લારા અને પત્ની તોન્યા ગુમાવ્યાનું દુઃખ કદી ન ભુલાયું! એણે કવિતાઓ લખવાનું ચાલુ રાખ્યું. એ વખતે રશિયામાં સ્ટેલિનના યુગની શરૂઆત થઈ ચૂકી હતી. યુરી ઝિવાગો હજુ લારાને મોસ્કોમાં શોધતાં અહીંતહીં ભટકી રહ્યાં હતા. એક દિવસે એમણે મોસ્કોની ટ્રામમાં મુસાફરી દરમિયાન રસ્તા પર ચાલતી જઈ રહેલી લારાને જોઈ. ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ ટ્રામમાંથી ઊતરી જઈ તેની પાછળ દોડયા. તેઓ લારાની પાછળ પાછળ જવા લાગ્યા, પરંતુ એ જ વખતે યુરી ઝિવાગોને હૃદયરોગનો હુમલો આવ્યો. તેઓ હૃદયને દબાવી રાખી મોસ્કોના સ્કવેરમાં જ પટકાઈ પડયા. દૂર દૂર ચાલી રહેલી લારાને ખબર જ ન પડી કે તેનાથી કેટલાંક પગલાં દૂર તેના પ્રેમી યુરી ઝિવાગોનો મૃતદેહ પડયો છે. લોકો દોડી આવ્યા, પણ આ ઘટનાથી અજાણ લારા ચાલતી જ રહી.

અલબત્ત, ડોક્ટર ઝિવાગોની કવિતાઓ હવે સ્ટેલિન સરકાર આવતાં પ્રગટ થઈ ચૂકી હતી. ઘણાં લોકોએ તેમની અંતિમક્રિયામાં હાજરી આપી, લારાએ પણ. ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈ યેવગ્રોફ ઝિવાગો લશ્કરમાં જનરલ હતા.લારાએ ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈને જાણ કરી કે એણે યુરી ઝિવાગોથી થયેલી એક પુત્રીને જન્મ આપ્યો હતો, પણ તે યુરલમાં જ અરાજકતા દરમિયાન મારાથી છૂટી પડી ગઈ છે. તેથી મારી અને યુરી ઝિવાગોની દીકરીને શોધવામાં મદદ કરો.”

અલબત્ત, જોસેફ સ્ટેલિનના શાસનકાળ દરમિયાન સાફસૂફીના નામે લારાની ધરપકડ કરવામાં આવી અને તે કોઈ અજાણ્યા સ્થળે લેબર કેમ્પમાં અદૃશ્ય થઈ અથવા મૃત્યુ પામી. આ ઘટનાનાં વર્ષો બાદ યુરી ઝિવાગોના ઓરમાન ભાઈ જનરલ યેવગ્રાફે એક વિશાળ બંદર પર કામ કરતી એક યુવતીને શોધી કાઢી. એને જનરલની ઓફિસમાં બોલાવવામાં આવી. એનું નામ તાન્યા હતું. તે જનરલથી ડરી રહી હતી. જનરલે તાન્યાને તેની માતાનું નામ પૂછયું. તે બોલીઃ “મમ્મી.”

“તારી મમ્મી કેવી લાગતી હતી?”

“મારાથી મોટી.”

જનરલે તાન્યાને ડોક્ટર ઝિવાગોએ લખેલી કવિતાઓવાળું પુસ્તક બતાવ્યું, જેમાં લારાની તસવીર હતી. તાન્યાના ચહેરાના ભાવ વાંચવા જનરલે પ્રયાસ કર્યો. કાંઈ જ સમજાય તેવું નહોતું, પણ તાન્યા પાસે બેલેલાઇકા નામનું એક સંગીતવાદ્ય હતું. જનરલે પૂછયું. “તું આ સંગીતવાદ્ય વગાડતાં કેવી રીતે શીખી?”

“મારી જાતે જ.”

જનરલ યેવગ્રાફને યાદ આવી ગયું કે ‘આ એ જ સંગીતવાદ્ય છે જ્યારે તેનો ઓરમાન ભાઈ યુરી ઝિવાગો નાનો હતો ત્યારે માતાએ મૃત્યુ પામતાં પહેલાં આપ્યું હતું અને એ જ સંગીતવાદ્ય લારા પાસે હતું અને હવે તેવું જ સંગીતવાદ્ય તાન્યા પાસે છે.

જનરલ યેવગ્રાફને ખ્યાલ આવી ગયો કે ડેમ પર કામ કરતી યુવતી – તાન્યા તેના ભાઈ ડો. યુરી ઝિવાગો અને લારાની જ પુત્રી છે.

જનરલ યેવગ્રોફના ચહેરા પર હવે સ્મિત છે અને તેણે તાન્યાને કામ પર જવાની અનુમતિ આપી.

– આ છે બોરિસ પાસ્તરનાકની કૃતિ ‘ડોક્ટર ઝિવાગો’ની કહાણી. અનેક આરોહ અવરોહ અને નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર આ કથાની પૃષ્ઠભૂમિ પોલિટિકલ હોવા છતાં તે હૃદયંગમ છે. લેખક અહીં સમાજ કરતાં વ્યક્તિની ચિંતા વધુ કરે છે. બોરિસ પાસ્તરનાકની આ નવલકથા પર સોવિયેત રશિયાની સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, છતાં દુનિયાભરની અન્ય ભાષાઓમાં તે છપાઈ અને મશહૂર થઈ ગઈ. આ નવલકથા લખવા બદલ બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ ત્યારે બોરિસ પાસ્તરનાકે સ્વિડિશ એકેડેમીને ટેલિગ્રામ કર્યોઃ “Infinitely greatful, surprised, overwhetmed.”

એ પછી સોવિયેત સરકારે કેજીબી દ્વારા બોરિસ પાસ્તરનાકને ધરપકડ કરવાની ધમકી આપી અને તેમની મિસ્ટ્રેસ ઓલ્ગાને દૂર ક્યાંય ધકેલી દેવાની પણ ધમકી આપી. એથીયે આગળ તેમને કહેવાયું કે જો તમે નોબેલ પ્રાઇઝ લેવા સ્ટોકહોમ જશો તો તમને પાછા રશિયામાં પ્રવેશ નહીં મળે.

એ ધમકી બાદ લેખકે પોતાની તકલીફ જણાવી કમિટીને જાણ કરી કે, “હું નોબેેલ પ્રાઇઝ માટે સક્ષમ નથી.”

એ પછી નોબેલ પ્રાઇઝ નક્કી કરતી સ્વિડિશ એકેડેમીએ લેખકને જાણ કરીઃ “This refusal of course, in no way alters the validity of the award. There remains only for the acadamy, however to announce with regret that the presentation of the prize cannot take place.”

નોબેલ પ્રાઇઝ નહીં સ્વીકારવાની જાહેરાત બાદ પણ બોરિસ પાસ્તરનાકના સમકાલીન લેખકોનું યુનિયન રશિયાનાં મીડિયામાં તેની વિરુદ્ધ લખતું જ રહ્યું. એટલું જ નહીં, પણ સરકારે તેમને રશિયામાંથી દેશનિકાલ કરી દેવાની ધમકી પણ આપી. એ પછી બોરિસ પાસ્તરનાકે સોવિયેત રશિયાનાં વડા નિકિતા ખ્રુશ્ચોવને સીધો પત્ર લખી જણાવ્યું, “મારી માતૃભૂમિ છોડવી એ મારા મૃત્યુ બરાબર છે. હું રશિયા સાથે જન્મથી, જીવનથી અને કામથી સર્મિપત છું.”

આ પત્ર પછી અને એ વખતના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની દરમિયાનગીરી બાદ ‘ડોક્ટર ઝિવાગો’ના લેખકને દેશનિકાલ કરવાની યોજના સોવિયેત સરકારે પડતી મૂકી હતી. તા. ૩૦ મે, ૧૯૬૦ના રોજ બોરિસ પાસ્તરનાકનું અવસાન થયું.

Be Sociable, Share!