Close

ધી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on ધી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો

‘ધીકાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો’ એ ફ્રેન્ચ લેખક એલેકઝાન્ડર ડુમાએ લખેલી સાહસપૂર્ણ નવલકથા છે. આ નવલકથા લખવાનું કામ ઈ.સ. ૧૮૪૪માં પૂરું થયું હતું. કથાનો ફલક ફાન્સ, ઇટલીથી માંડીને મેડિટેરિયન સમુદ્રના એક ટાપુ સુધી વિસ્તરાયેલો છે.

આ કથાનો સમયગાળો ૧૮૨૫થી ૧૮૩૯ છે જ્યારે નેપોલિયન બોનાપાર્ટ દેશનિકાલ હતો અને પુનઃ સત્તામાં આવવા પ્રયાસ કરી રહ્યો હતો એ વખતે ફ્રાન્સમાં લુઇસ ફિલિપનું રાજ હતું. આ ઘટનાની શરૂઆત ૧૮૨૫થી શરૂ થાય છે. એડમન્ડ દાન્તે એક ખલાસી અને વેપારી હતો. એ વખતે એ એક વેપારી વહાણમાં મેર્સેલિ પાછો ફરી રહ્યો હતો. મેર્સેલિમાં રહેતી ર્મિસડીઝ નામની યુવતી સાથે તેની સગાઈ થઈ હતી. દરિયાની સફરમાંથી પાછા ફર્યા બાદ તરત જ તે ર્મિસડીઝ સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ અચાનક જ દરિયામાં ભયંકર તોફાન સર્જાયું. જહાજનો કેપ્ટન લેક્લેર મધદરિયે અચાનક મૃત્યુ પામ્યો. લેક્લેર નેપોલિયનનો સમર્થક હતો. એણે મૃત્યુ પહેલાં એડમન્ડ દાન્તેને બે કામ સોંપ્યાં. એક પેકેટ એણે નેપોલિયનની સાથે જ એલ્બામાં દેશનિકાલ રહેલા માર્શલ બર્ટ્રાન્ડને આપવાનું હતું અને એક પત્ર એણે એબ્લાથી લઈ પેરિસમાં એક અજાણ્યા માણસને સુપરત કરવાનો હતો.

એડમન્ડ દાન્તે એ જહાજને સહીસલામત બંદર પર લઈ આવ્યો. તે હવે ર્મિસડીઝ સાથે જલદી લગ્ન કરી લેવા માંગતો હતો. અત્યંત નાજુક અને રૂપાળી ર્મિસડીઝનો કઝીન ફર્નાન્ડ મોન્ડેગો પણ ર્મિસડીઝને ચાહતો હતો. જોકે, ર્મિસડીઝ માત્ર ને માત્ર એડમન્ડ દાન્તેને જ ચાહતી હોઈ ફર્નાન્ડ મોન્ટેગો તેનાથી જલતો હતો. વળી ટૂંકા ગાળામાં જ એડમન્ડ દાન્તેને જહાજનું કેપ્ટનપદ મળતાં તેનો સાથીદાર ડેંગલર્સ પણ તેની ઈર્ષા કરતો હતો. આ બન્નેએ ભેગા મળી એક ષડ્યંત્ર રચ્યું.

જે સાંજે એડમન્ડ દાન્તે ર્મિસડીઝ સાથે લગ્ન કરવાનો હતો એ સાંજે જ દાન્તેના એ બંને પ્રતિસ્પર્ધીઓએ એક બનાવટી છટકું ગોઠવ્યું. એક અજાણ્યો કાગળ તેના દ્વારા કોઈને સુપરત કરવાનો છે તેવી યોજના ઘડી લગ્ન પહેલાં જ ફ્રાન્સના શાસકના સૈનિકોએ એડમન્ડ દાન્તેની ધરપકડ કરી. આરોપ એવો મૂકવામાં આવ્યો કે એડમન્ડ દાન્તે ફ્રાન્સના શાસકના વિરોધી નેપોલિયન બોનાપાર્ટનો માણસ છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે. હકીકતમાં એવું કંઈ જ નહોતું.

દાન્તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. એ વખતે વિલફોર્ટ નામનો માણસ ક્રાઉન પ્રોસિક્યુટર હતો. જે પત્ર દાન્તે કોઈને સુપરત કરવા માંગતો હતો તે પત્ર ક્રાઉન પ્રોસિક્યુટરના પિતાને જ લખવામાં આવેલો હતો. પ્રોસિક્યુટરના પિતા નેપોલિયન બોનાપાર્ટના સમર્થક હતા. એલ્બાથી પોતાના પિતા પર આવેલા પત્રનો નાશ કરી ક્રાઉન પ્રોસિક્યુટર વિલફોર્ટે એડમન્ડ દાન્તેને કાયમ માટે ચૂપ કરી દેવા કોર્ટની કોઈ પણ કાર્યવાહી કર્યા વિના આજીવન કારાવાસની સજા કરી.

એડમન્ડ દાન્તેને દૂર દૂર દરિયાકિનારે એક નિર્જન વિસ્તારમાં ઊંચી પહાડી પર આવેલા પૌરાણિક કિલ્લાની જેલમાં પૂરી દેવાયો. અહીં પુરાયેલા કેદીઓએ અહીં જ જિંદગી પૂરી કરી દેવાની. એની તોતિંગ દીવાલોમાં પુરાયા પછી બહારની દુનિયા જિંદગીમાં કદી જોવા મળતી નહીં. આખી જિંદગી અંધારિયા ખંડમાં જ પસાર કરવાની. દીવાલની ઉપરના એક નાનકડા છિદ્રમાંથી થોડોક જ પ્રકાશ આવતો. કેદીઓને તેમના ખંડના મજબૂત બારણાની નીચેથી જ નિમ્ન કક્ષાનું જમવાનું ફેંકવામાં આવતું. પૂરાં છ વર્ષ સુધી તે જેલમાં રહીને હતાશ થઈ ગયો. એડમન્ડ દાન્તે હવે જેલમાં જ આપઘાત કરી લેવા માંગતો હતો, પરંતુ એક દિવસ તેના ખંડની બાજુના ખંડમાંથી કંઈક અવાજ આવ્યો. બાજુના અંધારિયા ખંડમાં એબી ફારિયા નામનો ખ્રિસ્તી પાદરી પણ કેદી હતો. તે વર્ષોથી તેના ખંડની અંદર એક સુરંગ ખોદી જેલમાંથી ભાગવાની યોજના બનાવી રહ્યો હતો. એક દિવસ એ બંને ખંડની વચ્ચેનો એક પથ્થર હટાવવામાં સફળ થયા અને હવે બંને કેદીઓ એકબીજાના સેલમાં જઈ શકતા હતા.

પાદરી શિક્ષિત હતો. તેણે એડમન્ડ દાન્તેને પણ એ જ સુરંગમાંથી બહાર નીકળવાની યોજનામાં સામેલ કર્યો. સુરંગ હજુ બહારની દુનિયા સુધી પહોંચી નહોતી. એ દરમિયાન પાદરીએ એડમન્ડ દાન્તેની જીવનકથા સાંભળી. પાદરીએ તેને વેપાર, વિજ્ઞાાન, સંસ્કૃતિ, રાજનીતિ અને ધર્મનું જ્ઞાાન આપ્યું. કિલ્લાની દીવાલો એટલી તો વિશાળ હતી કે સુરંગનું કામ પૂરું થતાં હજુ વર્ષો લાગે તેમ હતાં. અત્યાર સુધી એડમન્ડ દાન્તે પોતે કેમ જેલમાં હતો તે વાત હજુ તે સમજી શક્યો નહોતો. દાન્તેની વાત સાંભળ્યા બાદ પાદરીએ તેને સમજાવ્યું કે, “તને ખોટી રીતે જેલમાં પૂરવા માટે જહાજનો તારો ઈર્ષાળુ સાથી ડેંગલર્સ, તારી પ્રેયસીને ચાહતો ઈર્ષાળુ ફર્નાન્ડ મોન્ડેગો અને ક્રાઉન પ્રોસિક્યુટર વિલફોર્ટ જવાબદાર છે. તને જેલમાં પૂરવા માટે એ ત્રણેય પાસે અલગ અલગ અને આગવાં કારણો છે.”

પાદરી હવે એ કિલ્લામાં જ વૃદ્ધ થઈ ચૂક્યો હતો. એ સુરંગ ખોદી રહ્યો હતો, પરંતુ એને ખબર હતી કે મારું મૃત્યુ હવે ગમે ત્યારે આવી શકે છે. એ ખ્યાલથી એણે એડમન્ડ દાન્તેને કહ્યું, “જો એડમન્ડ! ફ્રાન્સ નજીકના દરિયામાં મોન્ટેક્રિસ્ટો નામનો એક ટાપુ છે. તે ટાપુની પાસે દરિયામાં મેં મોટી મોટી પેટીઓમાં હીરા-ઝવેરાત અને સોનાના સિક્કાઓ ભરેલો ખજાનો છુપાવી રાખ્યો છે. હું અહીં આ જેલમાં જ મરી જાઉં અને તું આ સુરંગ પૂરી થતાં બહાર નીકળવામાં સફળ થાય તો એ ખજાનો મેળવી લેજે. તું પેરિસનો ધનવાન માણસ બની જઈશ.”

એડમન્ડ દાન્તે પાદરીની વાત આશ્ચર્યથી સાંભળી રહ્યો. વૃદ્ધ પાદરીએ તેને પૂછયું. “એડમન્ડ, તું બહાર નીકળી એ ખજાનાનું શું કરીશ?”

એડમન્ડ દાન્તેએ કહ્યું, “મને જેલમાં મોકલનાર ત્રણેય જણ સામે હું બદલો લઈશ.”

પાદરીએ કહ્યું, “ના દાન્તે! મેં તને આપેલું જ્ઞાાન અને ભવિષ્યમાં તને મળનારો ખજાનો બદલો લેવા માટે નથી આપ્યાં. ભગવાન કહે છે કે બદલો લેવો એ મારું કામ છે.”

અને એક દિવસ એ અભેદ્ય કિલ્લામાં સુરંગ ખોદતાં ખોદતાં જ પાદરીનું જેલમાં મૃત્યુ થઈ ગયું. જેલના ગાર્ડ્સ પાદરીના સેલમાં નીચેથી રાતના જમવાની થાળી મૂકવા આવ્યા ત્યારે અંદરથી કોઈ અવાજ ન આવતાં તેમને શંકા ગઈ. સેલનું તોતિંગ દ્વાર ખોલ્યું. તેમણે જોયું તો પાદરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. રાતનો સમય હોઈ સવારે પાદરીના મૃતદેહને ઊંચા ખડકો પરથી દરિયામાં ફેંકી દેવા માટે મૃતદેહને રાત્રે સેલમાં જ રાખવો એવો નિર્ણય લેવાયો. અહીં મૃત્યુ પામતા કેદીઓના મૃતદેહને આ રીતે દરિયામાં જ ફેંકી દેવાતા. જેલના બે કર્મચારીઓએ પાદરીના મૃતદેહને એક કોથળામાં સીવી લીધો અને સેલનું લોખંડી બારણું બંધ કરી દીધું.

બીજા દિવસે સવારે જેલના ગાર્ડ્સ પાદરીના સેલમાં આવ્યા. સેલની અંદર વીંટળાયેલા મૃતદેહવાળા કોથળાને બે કર્મચારીઓએ ઊંચક્યો અને ખૂબ જ ઊંચા ખડક પરથી સીવેલા કોથળાને ખૂબ નીચે ઘૂઘવતાં દરિયામાં ફેંકી દીધો. જેલના ગાર્ડ્સ જ્યારે એડમન્ડ દાન્તેના સેલમાં જમવાનું આપવા ગયા ત્યારે અંદરથી કોઈ પ્રતિભાવ ન આવતાં તેમણે એડમન્ડ દાન્તેના સેલનું લોખંડી બારણું ખોલ્યું. તેમણે જોયું તો એડમન્ડ દાન્તેના સેલમાં પાદરીનો મૃતદેહ પડેલો હતો.

તો એમણે જે કોથળો દરિયામાં ફેંક્યો તેમાં કોણ હતું? જેલના ગાર્ડ્સને ખ્યાલ આવી ગયો કે એડમન્ડ દાન્તે દીવાલના બાકોરામાંથી પાદરીના સેલમાં પ્રવેશ્યો હતો અને કોથળામાંથી પાદરીનો મૃતદેહ પોતાના સેલમાં મૂકી દઈ, તે જ કોથળામાં તે શબના સ્વરૂપે છુપાઈ ગયો હતો અને એણે જાતે જ કોથળો સીવી લીધો હતો. કિલ્લાની જેલના ગાર્ડ્સે જે કોથળો દરિયામાં ફેંકી દીધો તેમાં ખરેખર તો એડમન્ડ દાન્તે હતો. દરિયામાં પડતાં જ એડમન્ડ દાન્તે કોથળો ફાડીને બહાર આવ્યો અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો તે તણાવા લાગ્યો. તે બેહોશ થઈ ગયો. તે ભાનમાં આવ્યો ત્યારે કોઈ અજાણ્યા દરિયાકિનારે પડેલો હતો. તેની આસપાસ કેટલાક ખતરનાક માણસો ઊભેલા હતા. તેને ખબર પડી કે દરિયામાં તેને બચાવી લેનાર લોકોનું જહાજ દાણચોરોનું છે. તેની આસપાસ હવે ખૂંખાર દાણચોરો જ હતા. દાણચોરોએ એડમન્ડ દાન્તેને પોતાનો સાથી બનાવી દીધો. કેટલાક મહિનાઓ સુધી દાણચોરો સાથે કામ કર્યા બાદ દાણચોરોનું વહાણ મોન્ટેક્રિસ્ટો નામના એક ટાપુ પાસે લાંગર્યું. એડમન્ડ દાન્તેને પાદરીની વાત યાદ આવી ગઈ. પાદરીએ તેને કહ્યું હતું કે, મોન્ટેક્રિસ્ટો ટાપુ પાસે એક ચોક્કસ નિશાનીવાળી જગાએ દરિયામાં ખજાનો છુપાવેલો છે. એડમન્ડ દાન્તેએ શરીર પર બનાવટી ઇજાઓ ધારણ કરી દાણચોરોને સમજાવ્યું કે મને થોડો સમય આ ટાપુ પર રહેવા દો,પાછા જતી વખતે મને વહાણમાં સાથે લઈ જજો.”

દાણચોરો સંમત થયા.

એડમન્ડ દાન્તે તેના એક અશ્વેત સાથી સાથે વહાણમાંથી ઊતરી પડયો અને બીજા જ દિવસે પાદરીએ દર્શાવેલા ખડકો પાસે જઈ દરિયાની અંદર ડૂબકી મારી. પાદરીની વાત સાચી નીકળી. દરિયાની ભીતર અનેક પેટીઓ પડેલી હતી. તેમાં કલ્પી ન શકાય તેટલો ખજાનો હતો. એડમન્ડ દાન્તેએ એ ખજાનો કબજે કર્યો અને દાણચોરોનો સાથ છોડી એક વિશાળ દરિયાઈ જહાજ ખરીદ્યું. પ્રાપ્ત થયેલા અઢળક ધનથી તેણે મોન્ટેક્રિસ્ટો ટાપુ જ ખરીદી લીધો અને ટસ્કન સરકાર પાસેથી કાઉન્ટનું બિરુદ પણ મેળવી લીધું. દાન્તે તેના સાથી સાથે તેના દુશ્મનો સાથે બદલો લેવા તેના વતન મેર્સેલિ પહોંચ્યો. મેર્સેલિ પહોંચ્યા બાદ તેને ખબર પડી કે તેના પિતાનું ભૂખમરાને કારણે મૃત્યુ નીપજી ચૂક્યું છે. એ દુઃખી થઈ ગયો. તે જેલમાં હતો તે વખતે તેના

પરિવારને મદદ કરનાર તમામ વ્યક્તિઓને તેણે ખૂબ આર્થિક મદદ કરી. તે જ રીતે તેને જેલમાં મોકલનાર તેના ત્રણેય મિત્રો ખૂબ ધનવાન થઈ ચૂક્યા હતા. તેનો મૂળ માલિક મોરેલ દેવાદાર થઈ ચૂક્યો હતો. મોરેલ આપઘાત કરી દેવાની તૈયારીમાં હતો ત્યારે જ કોઈએ એનું બધું દેવું ભરી દીધું. એ મદદ કરનાર એડમન્ડ દાન્તે જ હતો. દાન્તેએ તેના મૂળ માલિક મોરેલ કે જેનું એક વહાણ દરિયામાં ગુમ થઈ ગયું હતું તેને ખાનગીમાં જ નવું વહાણ બાંધી આપ્યું. તેના મૂળ માલિકના જીવનમાં તેણે ખુશીઓ ભરી દીધી, પણ હજુ તેને જેલમાં ધકેલી દેનાર લોકો સાથે બદલો લેવાની આગ તેના હૈયામાં પ્રજ્વલિત હતી.

એડમન્ડ દાન્તેએ તપાસ કરીને શોધી કાઢયું કે, તેને જેલમાં મોકલનાર તેનો મિત્ર ફર્નાન્ડ મોન્ટેગો કાઉન્ટ દ મોર્સેફ બની ગયો હતો અને તેની પ્રેમિકા ર્મિસડીઝ સાથે પરણી ગયો હતો. વહાણમાં તેનો ભૂતપૂર્વ સાથી ડેંગલર્સ હવે બેરોન અને ધનવાન બેન્કર હતો. ક્રાઉન પ્રોસિક્યુટર વિલફોર્ટ હવે ઊંચા પદ પર હતો અને પેરિસમાં રહેતો હતો. એડમન્ડ દાન્તેએ એ ત્રણેય વ્યક્તિઓ સાથે બદલો લેવાની યોજના ઘડી કાઢી. દરિયામાંથી ધન મળ્યા બાદ તે અત્યંત તવંગર માણસ બની ગયો હતો. વળી ૧૪ વર્ષ જેલમાં રહ્યા બાદ તેનો ચહેરો બદલાઈ ગયો હતો. તેણે હવે મૂછો પણ રાખી હતી. તેની પાસે પેરિસમાં એક ભવ્ય વિલા હતો. નોકરચાકરો હતા. પેરિસના ધનવાનોને પોતાના ઘેર મિજબાની માટે બોલાવી તેણે પોતાની ઓળખ ‘ધી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો’ તરીકે આપી. પેરિસનો ભદ્ર સમાજ પણ તેની વૈભવી જિંદગી જોઈ પ્રભાવિત થઈ ગયો.

એક દિવસ તેના શત્રુ ફર્નાન્ડ અને ર્મિસડીઝથી થયેલા પુત્રનું અપહરણ થઈ ગયું. એડમન્ડ દાન્તેએ ફર્નાન્ડના પુત્રને છોડાવ્યો. આખાયે શહેરમાં વાત પ્રસરી ગઈ. ફર્નાન્ડના પુત્રએ પોતાના ઘરે આવવા એડમન્ડ દાન્તેને ઉર્ફે કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોેને આમંત્રણ આપ્યું. પેરિસના ઉન્નત વર્ગના લોકો પણ હવે કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોની મૈત્રી ઝંખતા હતા. આમંત્રણ મુજબ એડમન્ડ દાન્તે ઉર્ફે કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો ફર્નાન્ડના ઘરે પહોંચ્યો. દાન્તેની પૂર્વ વાગ્દત્તા ર્મિસડીઝ હવે ફર્નાન્ડની પત્ની હતી. ર્મિસડીઝ એડમન્ડ દાન્તેને ઓળખી ગઈ. તે દાન્તેને જોઈ ચોંકી ગઈ. બીજાઓની ગેરહાજરીમાં તેણે પૂછયું. “તું એડમન્ડ દાન્તે જ છે? મને તો તું મૃત્યુ પામ્યો છે તેવા સમાચાર આપી તારા મૃત્યુનું ર્સિટફિકેટ બતાવવામાં આવ્યું હતું. તે પછી જ હું ફર્નાન્ડને પરણી.”

એડમન્ડ દાન્તેને ખ્યાલ આવી ગયો કે તેના મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. એડમન્ડ દાન્તેએ સહુથી પહેલાં ડેંગલર્સને ખોટાં મૂડીરોકાણો કરાવી દેવાદાર બનાવી દીધો. ખોટી રીતે જેલમાં મોકલવાની સજા કરનાર ક્રાઉન વિલફોર્ટના ભૂતકાળના એક ગુનાનું પ્રકરણ ખોલી તેને જેલભેગો કરાવી દીધો. છેલ્લે પોતાની સામે ખોટા દેશદ્રોહનો કેસ ઊભો કરવાનું ષડ્યંત્ર રચનાર ફર્નાન્ડ મોન્ટેગોનું જીવન પણ ધ્વસ્ત કરી દીધું. દરેકના જીવનની ભૂતકાળની ઘટનાના સહારે જ એણે ત્રણેય દુશ્મનોને વીણીવીણીને સાફ કરી નાખ્યા. એ બધાંને હવે જ ખ્યાલ આવ્યો કે, કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો બીજો કોઈ જ નહીં પણ એડમન્ડ દાન્તે જ છે. ર્મિસડીઝે દાન્તેને વિનંતી કરી કે, “મહેરબાની કરી તમે મારા પુત્રને આ બદલાથી મુક્ત રાખો.” ર્મિસડીઝે તેના પુત્ર આલ્બર્ટને બધી સાચી કહાણી કહી દીધી. ફર્નાન્ડે આપઘાત કરી લીધો. એ પછી એડમન્ડ દાન્તે તેની બધી જ સંપત્તિ તેના શુભેચ્છક પરિવારને સોંપી કોઈ અજાણ્યા સ્થળે નવું જ જીવન શરૂ કરવા ચાલ્યો ગયો.

એલેકઝાન્ડર ડુમાની આ નવલકથા ફ્રાન્સથી પ્રગટ થતાં ‘ર્ત્નેહિટ્વઙ્મ ઙ્ઘીજ ડ્ઢીહ્વટ્વંજ’ નામના સામયિકમાં ૨૫ ભાગમાં ફ્રેન્ચ ભાષામાં પ્રગટ થઈ હતી. તા. ૨૮ ઓગસ્ટ, ૧૮૪૪થી તા. ૧૫ જાન્યુઆરી, ૧૮૪૬ દરમિયાન આ કથા પ્રગટ થતી રહી હતી. ૧૯મી સદીની આ ક્લાસિક નવલકથાનું અંગ્રેજી ભાષાંતર ૧૮૪૬માં પ્રગટ થયું હતું. આ પુસ્તકે અમેરિકન લેખક લ્યૂ વોલેસને ‘બેનહર’ લખવા પ્રેરિત કર્યા હતા. આજે પણ આ નવલકથા એક ક્લાસિક સાહિત્યકૃતિ ગણાય છે. એલેકઝાન્ડર ડુમાએ ‘ધી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો’ઉપરાંત ‘ધી થ્રી મસ્કેટીયર્સ’ નવલકથા પણ લખી છે. આવી ક્લાસિક નવલકથા લખનાર એલેકઝાન્ડર ડુમાએ ૩૪ વર્ષની વયે જ લખવાની શરૂઆત કરીને ર્કીિત હાંસલ કરી હતી. આ આખીયે નવલકથા વાંચ્યા બાદ વાચક તેમાંથી એક જ સંદેશો પ્રાપ્ત કરે છેઃ‘All human wisdom is contained in two words: Wait and Hope.’

એલેકઝાન્ડર ડુમાએ ‘ધી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો લખવાની પ્રેરણા ફ્રેન્ચ પોલીસ આર્કાઈવીસ જેમ્સ પ્યુચેટના પુસ્તકમાંથી લીધી હતી, જેમાં ૧૮૦૭માં નીમ્સમાં રહેતાં એક ગરીબ માણસ અને એક શ્રીમંત પરિવારની યુવતી વચ્ચે ખલનાયકનો રોલ ભજવનાર ત્રણ ઈર્ષાળુ દુશ્મનોની કથા છે. તેમાં ગરીબ યુવાનને ઇંગ્લેન્ડના જાસૂસ ગણી એક ઇટાલિયન શ્રીમંતના ઘરે તેને નોકર બનાવી દેવાયો હતો અને ધનવાન ઇટાલિયન મૃત્યુ પામતી વખતે તેણે બધી જ સંપત્તિ તેના નોકરને નામે કરી દીધી હતી. એ પછી એણે બધાંની સાથે બદલો લીધો હતો.  

www.devendrapatel.in

Be Sociable, Share!